ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/રેણુકા પટેલ
આશકા પંડ્યા
સર્જક પરિચય:
વાર્તાકાર, કોલમિસ્ટ રેણુકા પટેલનો જન્મ ૧૩ જુલાઇ, ૧૯૬૬ના રોજ વડનગરના પ્રતિષ્ઠિત કુટુંબમાં થયો હતો. બોરસદ હોમિયોપેથિક કૉલેજમાંથી તેમણે DHMSનો અભ્યાસ કર્યો. ઓસ્માનિયા યુનિવર્સિટી, હૈદરાબાદમાંથી તેમણે એક્સટર્નલ બી.એ. તથા એમ ટેક કોમ્પ્યુટર, અમદાવાદમાંથી PGDCAનો અભ્યાસ કર્યો. તેમના પતિ ડૉક્ટર હિતેશ પટેલ જાણીતા હાર્ટ સર્જન છે. ગુજરાત સમાચારમાં ‘માતાનો પત્ર દીકરાને નામ’ નામની કૉલમ લખતાં રેણુકાબેનના આ કૉલમના આર્ટિકલ્સ ‘માય ડિયર સન’ નામના પુસ્તકમાં પછી પ્રકાશિત થયાં. સામાન્ય રીતે દીકરીને સંબોધીને લખાયેલ સાહિત્યકૃતિઓ ગુજરાતી ભાષા-સાહિત્યમાં પ્રમાણમાં વધુ મળે છે, ત્યારે માતાએ દીકરાને સંબોધીને લખેલા આ પત્રો તેના વિષય નાવીન્યને લીધે પણ ધ્યાન ખેંચે છે. તેમની પાસેથી બે વાર્તાસંગ્રહો ‘ધોધમાર’ અને ‘વેન્ટિલેટર’ મળે છે. ‘ધોધમાર’ને ગુજરાતી સાહિત્ય પરિષદ તથા કલાગુર્જરી મુંબઈનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. સાહિત્યિક પુરસ્કારો કે ઇનામો માટે નહીં પણ માત્ર ને માત્ર સાહિત્ય પ્રત્યેની પ્રીતિને કારણે વાર્તાલેખન કરનાર રેણુકા પટેલની વાર્તાઓ ગુજરાતીના પ્રખ્યાત સામયિકોમાં પ્રગટ થઈ છે. કેન્સરમાંથી સાજા થયેલાં સાલસ અને સેવાભાવી સ્વભાવનાં આ સર્જકનું ૧૯ નવેમ્બર, ૨૦૨૫ના રોજ અમદાવાદ ખાતે અવસાન થયું.
કૃતિ પરિચય: ‘ધોધમાર’ (ઈ.૨૦૦૯):
‘ધોધમાર’ (ઈ.૨૦૦૯) વાર્તાસંગ્રહમાં કુલ સત્તર વાર્તાઓ (કુલ પૃષ્ઠ સંખ્યા ૧૧૨) છે. શ્રી બી.કે મજુમદાર ટ્રસ્ટ પ્રકાશન શ્રેણી અંતર્ગત બાવીસમા મણકારૂપે આ સંગ્રહ ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત થયો છે. આ વાર્તાસંગ્રહ તેમણે પોતાના બાળકો ખંજન અને સખીને અર્પણ કર્યો છે. તેની પ્રસ્તાવનામાં તેઓ પોતાની સર્જન યાત્રાની શરૂઆત કેવી રીતે થઈ તે વિશે લખે છે કે, ‘દિલ્હીપ્રેસ’ દ્વારા પ્રગટ થતાં ‘સરિતા’ સામયિકના પાનાં ફેરવતાં ફેરવતાં એક વખત વાર્તાસ્પર્ધા વિશે જાણવા મળ્યું. એ જ દિવસે રાતે અઢી વાગ્યા સુધી જાગી એક વાર્તા લખી – ‘એક કમલી કી મૌત’. બીજા દિવસે તેને મઠારીને મોકલી આપી. એ વાર્તા છપાઈ અને પુરસ્કૃત થવામાં પણ સફળ રહી. એમને લાગ્યું કે ‘અરે! હું પણ લખી શકું છું!’ આમ તેમની વાર્તાયાત્રાનો આરંભ થયો. જે હિન્દીથી ફંટાઈને ગુજરાતી તરફ વળ્યો. પ્રસ્તાવનામાં જ તેઓ આગળ એ વાત ભારપૂર્વક નોંધે છે કે તેમની મોટાભાગની વાર્તાઓમાં સ્ત્રી કેન્દ્રસ્થાને છે. ‘મારી મોટાભાગની વાર્તાઓમાં સ્ત્રી કેન્દ્રસ્થાને રહી છે. એનું એક કારણ એ હશે કે સ્ત્રી છું. એટલે સ્ત્રીની સંવેદનાને સહજતાથી સ્પર્શી શકું છું અથવા તો બીજું કારણ એ પણ હોય કે સ્ત્રીની સંવેદનાનું જગત વિશાળ છે. એના બધાય સંબંધો લાગણીના સેતુ વડે સંધાયેલા-સંબંધાયેલા હોય છે. જો એકાદ જગાએ પણ છીંડું પડે તો હૃદય ઘવાય છે...’સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે’ એ વાત કંઈક અંશે સાચી હશે, તોપણ એક સ્ત્રીનું હૃદય બીજી સ્ત્રીના હૃદયનું પ્રતિબિંબ જેટલું સરળ અને સચોટ રીતે ઝીલી લે છે. એટલી સરળતાથી એ સ્ત્રીના પ્રેમમાં પડેલો પુરુષ પણ ઝીલી શકતો નથી.’ ‘હું આવું?’ વાર્તામાં સાવકી મા-દીકરીની વાત જોવા મળે છે. સંદીપ સાથે પ્રણયભંગ થયા પછી અદિતિની પુરુષ જાત પરથી શ્રદ્ધા ડગી ગઈ હતી. પ્રેમ પ્રત્યે પૂર્વગ્રહ બંધાઈ ગયો હતો. ત્યાં સૂર્યકાન્ત સાથેની મુલાકાતથી અદિતિનો પૂર્વગ્રહ દૂર થાય છે. સૂર્યકાન્ત અદિતિથી બાર-પંદર વર્ષ મોટો છે. તેને સોળ વર્ષની દીકરી મેઘના છે. મેઘના હૉસ્ટેલમાં રહે છે. ત્રીસ વર્ષની અદિતિ બીજવર સૂર્યકાન્ત સાથે લગ્ન કરે છે. લગ્ન પછી રોજ સાંજે મેઘના પપ્પા સાથે વાત કરે છે, પરંતુ અદિતિ સાથે તેની વાત થતી નથી. આ તરફ મેઘનાની ગેરહાજરીમાં અદિતિ તેના ફોટોગ્રાફ્સ, નિબંધની નોટ્સ વડે તેને સમજવા મથે છે. સૂર્યકાન્ત મેઘના વિષે ઓછી વાતો કરે છે. અદિતિ મેઘનાને સમજવા ચાઇલ્ડ સાઇકોલોજીની પુસ્તકો પણ વાંચે છે. મેઘના જે દિવસે ઘરે આવે છે તે દિવસે અદિતિ સૂર્યકાન્તને પૂછીને મેઘનાને ભાવતી રસોઈ પણ બનાવે છે. જમતી વખતે મેઘના એક પણ વાર અદિતિ સાથે વાત કરતી નથી. એ વાતે અદિતિનું ચિત્ત ઘવાય છે. અદિતિ ઘવાયેલા ચિત્તે મેઘના વિશે વિચારતી રાત્રે વરંડામાં હીંચકા પર બેઠી હોય છે એ સમયે ત્યાં મેઘના આવે છે. મેઘના ખુલ્લા દિલે પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે. તેની વાત પરથી અદિતિ પામી જાય છે કે મેઘનાનું હૃદય માની હૂંફ ઝંખે છે. મેઘનાને હૉસ્ટેલમાં રહેવું નથી. અદિતિ તેને કહે છે, ‘તું મને પ્રોમિસ આપ કે તું ખૂબ તોફાન કરીશ અને સહેજ પણ ડાહી બનીને નહીં રહે... મને રોજ જાતજાતની રસોઈ કરવાની ફરમાઇશ કરીશ, મારું ગોઠવેલું ઘર અસ્તવ્યસ્ત કરી નાંખીશ... અને મને ‘તમે’ તો આજ પછી કદીય નહીં કહે. મને ‘તું જ કહીશ. હા. સાચે જ દીકરા! તારાં ખોવાયેલાં વર્ષો તું ફરીથી જીવી લે.’ (પૃ.૧૫) આ સાંભળી મેઘના અદિતિને મમ્મા’ કહીને વળગી પડે છે. બંને પોતપોતાના હૃદય ખુલ્લા કરે છે ત્યાં વાર્તા પૂરી થાય છે. વાર્તામાં સવારથી રાત સુધીનો સમય છે. મેઘના ઘરે આવવાની છે તે દિવસની સવારથી વાર્તા શરૂ થાય છે અને રાત્રે મા-દીકરીની ગ્રંથિઓ પીગળી જાય છે ત્યાં વાર્તા પૂરી થાય છે. વાર્તામાં સર્વજ્ઞનું કથનકેન્દ્ર છે, પરંતુ કથક વાર્તાનો આરંભિક હિસ્સો અદિતિના દૃષ્ટિકોણથી કહે છે. વાર્તાનો અંતિમ હિસ્સો મેઘનાના દૃષ્ટિકોણને રજૂ કરે છે. મેઘનાની મન:સ્થિતિની વાત મેઘનાના મુખે કહેવાઈ છે. કથનની આ પ્રકારની રીતિ વાર્તાના સંવેદન જગતને ઉપકારક બની છે. ઘરનો પરિવેશ ડ્રોઈંગ રૂમ, રસોઈના ઉલ્લેખો, ટી.વી., વારંડાનો હીંચકો ઈત્યાદિથી રચાય છે. ઘરની ચાર દીવાલો વચ્ચે નહીં, પણ ખુલ્લા વરંડામાં ચાંદની રાત અને પારિજાતકના ફૂલોની સુગંધ વચ્ચે અદિતિ-મેઘના એકમેકને સમજે છે, સ્નેહ અનુભવે છે એ પણ યોગ્ય છે. સંબંધો વિષેની માન્યતાઓનું બંધિયારપણું નૈસર્ગિક મોકળાશ મળતાં દૂર થાય છે તેવો સંકેત મળી રહે છે. ‘અનુનો ઓરડો’માં મૃત દીકરીના સંસ્મરણોમાં જીવતી માતાની વાત રજૂ થઈ છે. આ વાર્તામાં મા-દીકરીના સંબંધની સાથે બીજી એક વાત તરફ પણ સંકેત કરે છે. તે છે પ્રસિદ્ધિ અને ધનની મા-બાપની લાલસા. સરિતા અને મનહરની દીકરી અનુરાધાને બાળપણથી નૃત્ય પ્રત્યે લગાવ હોય છે. સાસુ અનુના શોખને જોઈને દીકરા મનહરને સમજાવીને તેને નૃત્યશાળામાં દાખલ કરાવે છે. આ તરફ નૃત્યમાં અનુ આગળ વધતી જાય છે. વડાપ્રધાન, રાષ્ટ્રપતિ ઇત્યાદિના હાથે તેનું સન્માન થતું જાય છે. પરિણામે ઘરમાં સુખ-સગવડ પણ વધતી જાય છે. પિતાની ગણતરી અને માનું મૌન છેવટે અનુનો ભોગ લે છે. એમ.એ.ની પરીક્ષા અને નૃત્યનો કાર્યક્રમ નજીક હોવાથી અનુ કાર્યક્રમની ના પાડે છે. મનહર તેને ધમકાવીને કાર્યક્રમ કરવા લઈ જાય છે. કાર્યક્રમમાં અનુ જીતે છે ખરી પણ ત્યારબાદ આત્મહત્યા કરી લે છે. તેના મૃત્યુ બાદ સરિતા અનુનો ઓરડો ખોલવાનું ટાળતી. પોતે અનુની લાગણીઓ સમજી ન શકી એ વાતે તે અપરાધબોધ અનુભવે છે. વાર્તાનો આરંભ દૃશ્યાત્મક છે. ઘરના બંધ ઓરડાનો દરવાજો સરિતા ખોલે અને તેના માનસપટ પર અતીતની સ્મૃતિઓ પણ ઊઘડે. અનુ અદ્દલ મા જેવી જ દેખાતી. સરિતાને પણ નૃત્ય માટે લગાવ હતો. એ ઓરડો ખોલતાંવેંત સરિતાને આખા ઘરમાં ફરી વળતી, નાચતી અનુ દેખાવા માંડે. સરિતાને અનુના મૃત્યુ બાદ સતત તેની હાજરી અનુભવાય છે. રાત્રે ઘણીવાર અનુ તેને વળગીને સૂતી હોય એમ તેને લાગે છે. સરિતા અપરાધબોધમાંથી મુક્ત થાય છે અને તે દીકરીના તર્પણ માટે દીકરીની અધૂરી ઝંખના પૂરી કરવા કથક શીખવાનું નક્કી કરે છે ત્યાં વાર્તા પૂરી થાય છે. વાર્તાનો અંત જોવા જેવો છે. ‘સરિતાના હાથમાં ઘૂંઘરું હતા. આવેશથી તેનું શરીર ધ્રુજી રહ્યું હતું. અનુપમ સૌંદર્યથી દીપતી આંખોમાંથી અશ્રુ વહી રહ્યા હતાં. તે ત્યાં જ દ્વારકાદાસજીના ઘૂંટણિયે પડી ગઈ. ‘મહારાજ, મને કથક શીખવશો?’ (પૃ.૩૮) ‘માનસ-પુત્રી’માં સાસુ-વહુના સંબંધની વાત થઈ છે. માનસી અજય સાથે લગ્ન કરે છે. અજયની માતા વૃંદા સાથેના તેના હેતસભર સંબંધનું નર્મમર્મસભર રીતિએ આલેખન થયું છે. સસરા શશાંકભાઇનું વર્ચસ્વ માનસીના વાણી-વર્તનથી તૂટે. તેમાંય વર્ષો પછી વૃંદાબહેન શશાંકભાઈની હાજરીમાં પોતાની મનપસંદ વાનગી રેસ્ટોરાંમાં ઓર્ડર આપે. એ જોઈને શશાંકભાઈને આંચકો લાગે અને તે તરત વૃંદાના જન્મદિનના ત્રણ દિવસ પછી અજય અને માનસીને જૂના ફ્લેટમાં જવાનું કહી દે. ‘અજય, આપણો જૂનો ફ્લેટ ખાલી પડ્યો છે... હું વિચારું છું તું અને માનસી ત્યાં શિફ્ટ થઈ જાઓ તો? વપરાશે એટલે ઘર ચોખ્ખું રહેશે અને તારે તો તારી ઑફિસ પણ નજીક પડશે.’ (પૃ.૪૪) વર્ષોના સહજીવન પછી પણ વર્ચસ્વ, પત્ની પરનો કાબૂ છટકવાની શશાંકભાઈની બીક અંતિમ સંવાદમાં તંતોતંત ઊપસી આવી છે. પ્રથમ નજરે સાસુ-વહુના સ્નેહની લાગતી આ વાર્તા તેના આ પુરુષપ્રધાન સમાજવ્યવસ્થાના બીજા સ્તરને કારણે આસ્વાદ્ય બની છે. દીકરો અજય માને પિતાના વર્ચસ્વમાંથી મુક્ત કરવી શકતો નથી. કહો કે, તેને તો આ વાત દેખાતી-સમજાતી નથી. માની પસંદ-નાપસંદ પણ તેને ખબર નથી. વહુ માનસી વૃંદાના આંતરજગતમાં સહેલાઈથી પ્રવેશે છે. વૃંદાને, તેની પસંદ-નાપસંદને સમજે છે. વૃંદાને માનસિક કેદમાંથી મુક્ત કરાવે છે. એ અર્થમાં તે વૃંદાની ‘માનસપુત્રી’ જ બની રહે છે. આ વાર્તામાં કથકની ટિપ્પણીઓ અને પાત્રોના સંવાદો ખૂબ અગત્યના છે. રેણુકા પટેલના બે સંગ્રહોમાં કુલ ચોત્રીસ વાર્તાઓમાંથી અગિયાર જેટલી વાર્તાઓ સ્ત્રી-પુરુષ સંબંધને આલેખે છે. અર્થાત એક તૃતીયાંશ જેટલી વાર્તાઓના કેન્દ્રમાં આ સંબંધ છે. તેમની પ્રથમ ગુજરાતી વાર્તા ‘ઉઘાડી બારી’ પણ નાજુક પ્રણયકથા જ છે. પુરુષપ્રધાન સમાજવ્યવસ્થાની કુટિલ સંરચનામાં સ્ત્રીનું અવનવી રીતે શોષણ થતું રહે છે. ‘દિશા’ વાર્તાનો અનિકેત સ્વકેન્દ્રી વ્યક્તિત્વ ધરાવે છે. તે બિઝનેસમેન હોવા ઉપરાંત ગણતરીબાજ અને શોષણખોર છે. વાર્તાની નાયિકા નીતા સૌમ્ય, સુંદર અને બુદ્ધિશાળી વ્યક્તિત્વ ધરાવે છે. તે નોકરી કરે છે. આર્થિક રીતે પગભર છે. બોસ અનિકેત તરફ તે આકર્ષાય છે. અનિકેત પરણેલો પુરુષ છે. બે સંતાનોનો પિતા છે. આ હકીકત જાણતી હોવા છતાં અનિકેત સાથે લગ્ન કર્યા વિના રહેવાનો નિર્ણય લે છે. નીતાને ઑફિસ જવું, કામ કરવું ગમે છે. અનિકેત પણ નીતાને વારંવાર કહે છે કે ઑફિસમાં તો તારા વિના ન જ ચાલે. આ વાતોમાં અટવાયેલી નીતા અનિચ્છાએ પણ બે વાર – અનિકેતની ઈચ્છાને લીધે – ગર્ભપાત કરાવે છે. હવે દીકરો પારસ અનિકેતનો બિઝનેસ સંભાળવાનો છે. તેથી અનિકેત ચાલાકીથી નીતાને ઑફિસ આવવાની ના પાડી દે છે. નીતાને ત્યારે સમજાય છે કે અનિકેતને મન તેની શું કિંમત છે? નીતા ત્રીજીવાર ગર્ભવતી થઈ છે. નીતા સગર્ભા છે એ વાત જાણીને અનિકેત તેને ફરીવાર ગર્ભપાત કરાવી દેવાની સલાહ આપે છે, પરંતુ નીતા આ વખતે તેની વાત માનતી નથી ત્યાં વાર્તા પૂરી થાય છે. વાર્તાની સમયસંકલના જોઈએ તો, નીતા પોતે ત્રીજીવાર ગર્ભવતી થઈ છે એ સમાચાર અનિકેતને જણાવવા માટે તેને મળવા બોલાવે છે. આ વાત જાણી અનિકેત ગુસ્સે થાય, દલીલો કરે પણ નીતા મક્કમ રહે. વાર્તાનો આરંભ જુઓ. ‘અનિકેત તદ્દન સામે જ સોફા પર બેઠો હતો. ચારેબાજુ ઓરડામાં તેનો અવાજ અથડાઈને ઘૂમરીઓ લઈ રહ્યો હતો. નીતા અનિકેતની પાછળ જે પડદો હતો તેને નિર્વિકાર ભાવે જોઈ રહી હતી.’ (પૃ.૫૦) વાર્તાના આરંભના આ ત્રણ વિધાનો કેટકેટલું સૂચવી દે છે. નીતા અને અનિકેત અત્યારે સાથે નથી પણ સામસામે છે. અનિકેતનો અવાજ નીતાનાં હૃદયમાં પ્રવેશી રહ્યો નથી પણ ઓરડામાં અથડાઈને ઘૂમરીઓ ખાઈ રહ્યો છે. નીતા અનિકેતની પાછળના પદાદાને જોઈ રહી છે, અનિકેતને નહીં. નીતાની આંખો આડેનો પડદો હટી ગયો છે. પડદા પાછળ છુપાયેલા અનિકેતના સાચા ચહેરાને તે ઓળખી ગઈ છે. વાર્તાનો આરંભ વાંચતાં જ ખ્યાલ આવી જાય કે નીતાનો નિર્ણય શો હશે? વાર્તાનો અંત આરંભ સાથે જોડાઈ જાય છે. ‘તેના અવાજની તીવ્રતા નીતાને સ્પર્શતી નથી, સંભળાય છે, પણ તેનામાં પ્રવેશતી નથી... અચાનક જ નીતા ઊભી થઈ અને તેણે બધાં જ બારીબારણાં ખોલી નાંખ્યાં. ચારે તરફ પડઘાતો અવાજ, ખુલ્લાં બારીબારણાંમાંથી ક્યાંય ફેંકાઈ ગયો અને ઝળહળતા ઉજાસથી ઓરડો છલકાઈ ગયો.’ (પૃ.૫૫) ‘અવાજ ફેંકાઈ ગયો’ અને ‘ઉજાસથી ઓરડો ભરાઈ ગયો’- અનિકેતના પંજામાંથી છુટતી નીતાની મન:સ્થિતિ અહીં સચોટ રીતે ઊપસી આવે છે. આરંભે બંધ બારીબારણાં અને ઓરડામાં ઘૂમરાતા અવાજ વડે નીતાની અત્યાર સુધીની (બે વારના ગર્ભપાતની વેદના અને ત્રીજીવાર બાળકને જન્મ આપવાનો નિર્ણય લેવા સુધીની ક્ષણ) બંધિયાર જિંદગીનો ખ્યાલ આવે છે. અહીં એ પણ સમજાય કે, અત્યાર સુધી માત્ર અનિકેતનો જ અવાજ સાંભળતી નીતા હવે પોતાના અવાજને વ્યક્ત પણ કરી રહી છે અને સાંભળી પણ રહી છે. અંતે ખુલ્લા બારીબારણાં નીતાની સ્વને પામવાની ઝંખનાને સૂચવે છે. કહો કે, નીતા અનિકેતની જાળમાંથી મુક્ત થઈ સ્વને પામવાની દિશામાં મક્કમ રીતે ડગલું માંડે છે. વાર્તામાં ભૌતિક સમય માંડ અડધા કલાકનો છે. સર્વજ્ઞનું કથનકેન્દ્ર ધરાવતી આ વાર્તામાં અનિકેતને ઘાંટા પાડતો જોઈને નીતાને વર્ષો પહેલાંની એ ક્ષણ યાદ આવે, જ્યારે તેણે ઘરમાં અનિકેતની વાત કરી હતી. મમ્મી, પપ્પા અને ભાઈ પણ આ રીતે જ ગુસ્સે થઈ ગયાં હતાં. એ રીતે વાર્તા ભૂતકાળમાં જાય છે. કથક નીતા અને અનિકેતના સંબંધની વાત નીતાના દૃષ્ટિકોણથી કહે છે, પણ તે નીતાનો બચાવ કરતાં નથી. કથકના સૂરમાં એક પ્રકારની તટસ્થતા છે. નીતા શી રીતે અનિકેત તરફ ખેંચાઈ એ બતાવતી વેળાએ કથકની ટિપ્પણી જુઓ. ‘નીતા પણ અનિકેતની આંખોની ભાષા સમજાતી એટલે બને ત્યાં સુધી પોતાની જાતને અનિકેતથી દૂર જ રાખતી, પણ ફટાફટ મળતાં પ્રમોશન અને ધડાધડ મળતાં ઈન્ક્રિમેન્ટથી પોતાની જાતને ક્યાં સુધી દૂર રાખે?’ (પૃ.૫૦) ‘બીજા જ અઠવાડિયે અનિકેતે નીતાને પોતાની બાજુની કેબિન અને કંપની તરફથી ગાડી આપીને આસિસ્ટન્ટ મેનેજરનું પ્રમોશન આપી દીધું હતું. સફળતાનો નશો શેમ્પેઈનના નશા કરતાં વધુ ખતરનાક હોય છે.’ (પૃ.૫૧) નીતાની મહત્ત્વાકાંક્ષા અને ઝડપથી બધું મેળવી લેવાની લાલચને કથક તટસ્થ રીતે દર્શાવે છે. પુરુષ સમોવડી થવાની વૃત્તિ અને ઝડપથી આગળ વધી જવાની લાલચમાં આધુનિક નોકરીયાત સ્ત્રી કેવી સરળ રીતે પુરુષની જાળમાં ફસાઈ જાય છે એ વાત સર્જક જાણે છે. કથકની આવી નિર્મમ તટસ્થતાને લીધે કથકની નીતા પ્રત્યે સહાનુભૂતિ હોવાછતાં વાર્તા સપાટ બની જતી નથી. નીતાનું સંકુલ વ્યક્તિત્વ અને અનિકેતનું સ્વકેન્દ્રી માનસ કથકે સુરેખ રીતે આલેખ્યું છે. માનસશાસ્ત્રીય રીતે નીતા અને અનિકેતના સંબંધોને તપાસીએ ત્યારે પુરુષપ્રધાન સમાજવ્યવસ્થાની સ્ત્રીનું શોષણ કરતી કુટિલ અદૃશ્ય સંરચના દૃશ્યમાન થાય છે. નીતા બુદ્ધિશાળી છે, મહત્ત્વાકાંક્ષી છે એ વાત પામી ગયેલો અનિકેત તેનું ચાલાકીથી બૌદ્ધિક અને શારીરિક એમ બંને રીતે શોષણ કરે છે. વાચકને પ્રશ્ન થાય કે શું આવી બુદ્ધિશાળી યુવતી જાળમાં સપડાય ખરી? વાર્તાકારે તેના સંકેતો વાર્તામાં કુશળતાથી ગૂંથ્યા છે. અનિકેતના ટેબલ પર જતી દરેક ફાઈલ નીતાની આંખ નીચેથી પસાર થાય છે. એ વર્ણનનો અંશ જુઓ. ‘આખો દિવસ એ ફાઈલોમાં ખૂંપેલી રહેતી. પોતાની કેબિન, અનિકેતની કેબિન અને કોન્ફરન્સ રૂમ વચ્ચે દોડાદોડ કર્યા કરતી. આખો દિવસ આ ફોન, પેલો મેસેજ, ફેક્સ, ઈ-મેઈલ, આ કંપની, પેલી પાર્ટી વચ્ચે જ તેનું અસ્તિત્વ અટવાયેલું રહેતું. આ કાગળ અને પેલા કાગળ પર સહીઓ કરીને તેના હાથ અને મગજ બંને દુ:ખી જતાં. રાત્રે ઘરે આવતી ત્યારે થાકીને લોથ થઈ જતી. સુમનબહેને ડાઈનિંગ ટેબલ પર ઢાંકીને રાખેલી થાળી ક્યારેક તો ત્યાં જ પડી રહેતી અને તે ન્યૂઝ જોતાંજોતાં સોફા પર જ સૂઈ જતી.’ (પૃ.૫૨) અનિકેતના બિઝનેસને નીતા પોતાનો માને છે. નીતા એ હદે મહેનત કરતી રહે છે કે તેની ઑફિસ સિવાય કોઈ અંગત જિંદગી, શોખ કે મિત્રવર્તુળ પણ નથી. બિઝનેસ સિવાય તેનું કોઈ જીવન નથી. અનિકેતે તેને ચોતરફથી કેદ કરી હતી. તેથી જ્યારે અનિકેત તેને ઑફિસ આવવાની ના પાડે છે ત્યારે નીતા વિચારે છે, ‘એણે શું કરવાનું છે? એણે તો હવે મજા કરવાની છે દુનિયાની હજારો હાઉસવાઈફની જેમ. પણ એ ક્યાં હાઉસવાઈફ છે?...દિવસો સુધી દૂધવાળા, શાકવાળા અને સુમનબહેન સિવાય કોઈ બેલ મારતું નથી. અસંખ્ય બારી-બારણાં વચ્ચે જાણે તેનું અસ્તિત્વ કેદ થઈ ગયું છે.’ (પૃ.૫૪) માનસશાસ્ત્રી એરિક ફ્રોમ વ્યક્તિત્વના પાંચ પ્રકાર ગણાવે છે. જેમાં બીજા પાસેથી સ્નેહ, સમય અને વસ્તુઓ બધું જ પડાવી લેનાર, હડપ કરી જનારને તે શોષક કહીને ઓળખાવે છે. અનિકેત આવો પુરુષ છે. શરૂઆતમાં ઑફિસના અને બિઝનેસના દબાણ સામે ટકીને ધંધો વધારવા માટે તે નીતાનો ઉપયોગ કરે છે. પ્રમોશન આપીને તે નીતાને પોતાની નજીક ખેંચે છે. પ્રેમની વાતે તેનું ભાવનાત્મક સ્તરે શોષણ કરીને નિતાને તેના કુટુંબીજનોથી દૂર કરી દે છે. બિઝનેસ નીતા વિના શક્ય નથી એવું નીતાનાં મનમાં ઠસાવી દઈને તેની બુદ્ધિ, કાર્યક્ષમતા અને આવડતને પૂરેપૂરી નિચોવી નાંખે છે. નીતાનાં ફ્લેટની બાલ્કનીને કાચ જાડી દેવાની અનિકેતની ચેષ્ટા તેની નિતાને ગોંધી રાખવાની માનસિકતા દર્શાવે છે. અચાનક સગર્ભાવસ્થામાં નીતા અનિકેતની સામે જઈ શકે ખરી? મમ્મી-પપ્પા અને મોટાભાઈ સામે પણ નીતાએ નમતું મૂક્યું ન હતું. એ વેળાએ નીતાની મમ્મીએ પણ દૃઢ અને શાંત અવાજે તેને કહી દીધું હતું કે , ‘અનિકેત સાથે તું સુખી નહીં રહે.’ નીતાને મમ્મીની આવી દૃઢતા વારસામાં મળી હોઈ તે સત્ય જાણ્યા પછી નમતું ન જ મૂકે. બીજો પ્રશ્ન થાય કે શું નીતાને અનિકેતની શોષણની રીતનો ખ્યાલ મોડો કેમ આવ્યો? આ પ્રશ્નના ઉત્તર માટે સ્ત્રીના સામુહિક અચેતનને સમજવું રહ્યું. નીતા પ્રગતિ ઝંખે છે. અનિકેત તેનો બૉસ હોવાછતાં તેના વિના લાચાર બની જાય છે, અટવાઈ જાય છે, પહોંચી વળતો નથી એ વાતે નીતા પોતાને શક્તિશાળી, ચડિયાતી માનીને ગર્વ અનુભવે છે. આધુનિક બુદ્ધિશાળી યુવતી પુરુષથી શક્તિશાળી હોવાના ગર્વમાં પોતે જ પોતાનું તમામ રીતનું શોષણ ધવા દે. નીતા પણ તેમાં અપવાદ નથી. આ અર્થમાં ‘દિશા’ વાર્તા કોર્પોરેટ કલ્ચરમાં શહેરી નોકરી કરતી સ્વતંત્ર મિજાજવાળી યુવતીના શોષણની અને તેની તેમાંથી મુક્તિની કથા બની રહે છે. ‘લક્કડખોદ’નો અપરાધી માનસ ધરાવતો પ્રશાંત ઠંડા કલેજે પત્ની વંદનાને આત્મહત્યા કરવા પ્રેરે છે. પ્રશાંત સરિતાને ચાહે છે પણ પિતાની સામે નમતું મૂકે છે. વંદના સાથે લગ્ન કરી લે છે. છ મહિના તે મા-બાપ સાથે રહે છે ત્યારે તે ખરાબ વર્તન કરતો નથી. પછીના અઢી વર્ષ વંદના માટે નરક સમાન બની જાય છે. ઘરમાં સૌથી મોટી વંદના અને તેના પછી નાની ત્રણ બહેનો છે. બાએ ચાર દીકરીઓને જન્મ આપ્યો તે બદલ બાપુજી તેને ક્યારેય માફ નહોતી કરી. આ બધું જોઈને ઊછરેલી વંદના બાની શિખામણ માનીને સાસરીમાં જેમ-તેમ કરતી દિવસો કાઢે છે, પરંતુ તેની સહનશીલતાનો છેડો આવી જાય છે અને તે આત્મહત્યા કરી લે છે. મા-બાપની આબરૂ અને ત્રણ કુંવારી બહેનોની ચિંતા કરતી વંદના પાસે મૃત્યુ સિવાય કોઈ રસ્તો નથી. તે પ્રશાંતને સમસ્યા ન થાય એવી ચિઠ્ઠી લખીને આત્મહત્યા કરી લે છે. વાર્તામાં સર્વજ્ઞનું કથનકેન્દ્ર છે. વાર્તાનો આરંભ પ્રશાંત ઘરમાં પ્રવેશે છે તે ક્ષણથી થાય છે. ‘બારણું ખોલીને પ્રશાંત અંદર આવ્યો. આખું ઘર કાળા ડિબાંગ અંધકારમાં નીરવ શાંતિ હેઠળ જાણે ઘોરી રહ્યું હતું. બાલ્કની તરફનું બારણું ખુલ્લું હતું... તેણે લાઇટની સ્વિચ દાબી. સામે ટેબલ પર પેપર વેઇટની નીચે મૂકેલી ચિઠ્ઠી પવનમાં ફરફર કરતી હતી. તેણે ધીમેથી ચિઠ્ઠી ઉપાડી. વંદનાના સુંદર મરોડદાર અક્ષર પર તેની આંખો ફરી વળી.’. (પૃ.૭૦) આરંભ જિજ્ઞાસાપ્રેરક છે. વંદના સાથે શું બન્યું હશે એવી ઉત્સુકતા ભાવકને જન્મે. વાર્તાના અંતે આવતું વર્ણન કંઈક અંશે બીભત્સ અને ઘાતકી કહી શકાય તે પ્રકારનું છે. બેડરૂમમા વંદનાની લાશ લટકતી હોય અને પ્રશાંત તેની આત્મહત્યાની ચિઠ્ઠી વાંચીને શાંતિથી સિગારેટના કશ ખેંચતો સરિતાના વિચારો કરતો હોય. પ્રશાંતની એકેએક ચેષ્ટા વંદનાને ધીમે ધીમે આત્મહત્યા સુધી દોરી જાય છે. પ્રશાંત વંદનાને છૂટાછેડા આપવા તૈયાર નથી. કારણ કે, જો એમ કરે તો પિતા સંપત્તિમાંથી તેણે રદબાતલ કરે. સંપત્તિ છોડવી નથી અને સરિતા જોઈએ છે. આથી તે નિર્દોષ ને ભોળી વંદનાને આત્મહત્યા સુધી દોરે છે. દિવસભર વંદનાને વિતાડતો પ્રશાંત રાતના અંધકારમાં ડાહ્યોડમરો થઈ જતો. મારના નિશાન પર હાથ ફેરવીને વંદનાને પંપાળતો. ભોળી વંદના પતિનો સ્નેહ પામવાની ઝંખનાથી સમર્પિત થઈ જતી, પરંતુ તે હજી આ મધુર ક્ષણોને મમળાવતી હોય ત્યાં સવારે પ્રશાંત તેણે લાત મારીને ઉઠાડતો. વાર્તાકારે પ્રશાંતની વિકૃતિનું અને એ વડે સતત અંદરથી મરતી જતી વંદનાનું સચોટ નિરૂપણ કર્યું છે. વાર્તામાં વિચારોમાં અટવાયેલી વંદનાની મન:સ્થિતિને પણ દર્શાવી છે. લક્કડખોદની જેમ જ પ્રશાંત વંદનાના મર્મસ્થાન પર પ્રહારો કરી કરીને તેની જિજીવિષા મારી રહ્યો છે. લક્કડખોદ અહીં પ્રશાંતના અપરાધી માનસનું પ્રતીક બને છે. વાર્તામાં વંદના નિરુત્તર રહે છે. પ્રશાંત પ્રશ્નો વડે જ વંદનાને મૂંઝવતો રહે છે. આ આખી વાર્તામાં સૌથી વધારે પ્રશ્નાર્થ જોવા મળે છે. વિષયવસ્તુની રીતે અને પાત્રની મન:સ્થિતિ સંદર્ભે આ પ્રશ્નાર્થો ખૂબ અગત્યની પ્રયુક્તિ બની રહે છે. ‘રોંગ નંબર’ એ પ્રણયની અત્યંત નજાકતભરી માર્મિક વાર્તા છે. વર્ષો પહેલા એક બપોરે વંદિતાને ફોન પર કોઈ પ્રશ્ન કરે છે, વિષ્ણુભાઈ છે? એ પ્રશ્નથી- રોંગ નંબરથી વંદિતના જીવનમાં નંદન દેસાઈ પ્રવેશે છે. મનોહર સાથે પરણેલી વંદિતાનું લગ્નજીવન તે સમયે ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું હોય છે. નાની-નાની વાતે થતાં ઝઘડા, બોલાચાલીના લીધે વંદિતાને ઘર છોડી દેવાના, મનોહરને છોડી દેવાના કે આપઘાત કરી લેવાના વિચારો આવતાં હોય છે. ત્યાં નંદન સાથેની ફોન પરની મિત્રતા તેને આ પરિસ્થિતિમાંથી ઉગારી લે છે અને તેને જીવન જીવવાનું નવું બળ મળે છે. બંને સામસામે માત્ર બે જ વાર મળે છે. પહેલી વાર વંદિતાની જીદના લીધે અને બીજી વાર વીસ વર્ષ પછી નંદનની હઠના લીધે. બે મુલાકાત વચ્ચે વીસ વર્ષનું લાંબુ અંતર છે. વીસ વર્ષ પૂર્વેની સ્મૃતિઓ તાજી થઈ જાય છે. ફોન પર બીજા દિવસે મળવાનું નક્કી થાય છે. બંને બીજા દિવસે મળે છે અને ફરી વાર છૂટા પડે છે ત્યાં વાર્તા પૂરી થાય છે. સમયની રીતે વાર્તામાં માંડ બે દિવસનું નિરૂપણ છે, પરંતુ સ્મૃતિઓ રૂપે વંદિતાના આખા ભૂતકાળને વણી લીધો છે. બંને પાત્રોની ટેલિફોનિક વાતચીતથી વાર્તાનું સ્ટ્રક્ચર ઘડાયું છે. વીસ વર્ષ સુધી નંદનને એક જ સવાલ મૂંઝવે છે, વંદિતાએ તેને પ્રથમ મુલાકાત પછી તરત ફોન કદી ન કરવાની વિનંતી શા માટે કરી? પોતાની શી ભૂલ થઈ? આ પ્રશ્નનો ઉત્તર મેળવવા તે વંદિતાને રૂબરૂ મળવાનું નક્કી કરે છે. વાર્તાનો આરંભ વીસ વર્ષ પછી નંદનનો અચાનક ફોન આવે છે તે ક્ષણથી થાય છે. નંદનના પ્રશ્નનો ઉત્તર આપતાં વંદિતા જે કહે છે તે જુઓ, ‘એ દિવસે આપણે મળ્યાં ત્યારે મેં તને પહેલી વાર જોયો. પહેલી વાર મેં તારી આંખોની ભાષા વાંચી... હું એ દિવસે અંદરથી ધ્રુજી ગઈ હતી. નંદન, તારી આંખો ચોખ્ખું કહેતી હતી કે તું મારા પ્રેમમાં પડી ચૂક્યો હતો... તારી જાતને ખુવાર કરી નાંખત. મારો સંસાર હતો અને તારી પાસે? તારી પાસે તો હું પણ ન હતી... તું હેન્ડસમ હતો, પ્રેમાળ હતો, શ્રીમંત પણ હતો. કોઈ સારી છોકરીને પરણીને આસાનીથી સુખી થઈ જાત.’ (પૃ.૬૭,૬૮) નંદન ઉત્તરમાં જે કહે છે તે સાંભળીને વંદિતાને આંચકો લાગે છે. નંદન વંદિતાને એક વાર મળ્યા પછી તેના ગળાડૂબ પ્રેમમાં જ બાકીના વર્ષો વિતાવી દે છે. એ જાણીને વંદિતાનું હૃદય ભરાઈ આવે છે. વંદિતાની આંખમાં આંસુ સાથે પોતાના માટેના પ્રેમને જોઈને નંદન સમજી જાય છે કે વંદિતા પણ તેના પ્રેમમા પડી ગઈ છે. અહીં વાર્તાકારે એક બીજો સ-રસ મુદ્દો પણ વણી લીધો છે. તે છે વંદિતાનું લગ્નજીવન. વડીલો વિનાના ઘરમાં મનોહર સાથે રહેતી વંદિતાને હૂંફ ને આશ્વાસનની જરૂર હોય છે ત્યારે નંદનની વાતો તેને હૂંફ પૂરી પાડે છે. કમાવાની દોડધામમાં મનોહર વંદિતા તરફ ધ્યાન આપી શકતો નથી. દાંપત્યજીવનમાં સંવાદનું મહત્ત્વ લગભગ બધાં જ માનસશાસ્ત્રીઓ સ્વીકારે છે. વંદિતાનો નંદન સાથેનો સંવાદ તેના વિસંવાદી લગ્નજીવનને સુસંવાદી બનાવે છે. આ અર્થમાં આ વાર્તાનું શીર્ષક ‘રોંગ નંબર’ નવો જ અર્થ સૂચવે છે. ‘પોટલી’ એ રેણુકા પટેલની થોડી જુદા પ્રકારની વાર્તા છે. આખી વાર્તા વહુ મંદાના દૃષ્ટિકોણથી કહેવાઈ છે. મંદાને પોતાના સાસુ-સસરા સાથે ઓછું બને છે. તેને એ લોકો સાથે રહે તે ગમતું નથી. તે પતિ આનંદને વારંવાર સમજાવતી રહે છે કે વ્રજેશ-અદિતિ ગમે તે બહાને સાસુ-સસરાને આપણાં ઘરે મોકલી આપે છે. વાર્તાના આરંભે ડાયમંડનો સેટ લેવાનો વિચાર કરતી મંદાનાં વિચારોમાં આવતું પરિવર્તન એ વાર્તાની નિર્ણાયક ક્ષણ છે. સમાજમાં જેનું કોઈ સ્થાન-માન કે મોભો નથી એવી કામવાળી બાઈ ચંપા સાથેના સામાન્ય વાર્તાલાપ વડે સર્જકે આ ક્ષણને આલેખી છે. મંદા પૂછે છે કે તારા દિયર-જેઠ પૈસા નહીં આપે? એમની મા નથી? જવાબમાં ચંપા ખુલાસો કરે છે કે આ ડોશી તો તેના વરની ‘પહેલી બાયડીની મા’ છે. ડોશી માટે વરને બહુ માયા. દોષીને તેના સગા છોકરાં રાખતાં નહોતા એ વાતે ચંપા ડોશીને પોતાના ઘરે લઈ આવી છે. જેની સાથે કોઈ સંબંધ નથી એવી ડોશી માટે ચંપા પિયરના ઘરેણાં વેચવા તૈયાર થઈ છે એ વાતે મંદાનું હૈયું આત્મગ્લાનિ અને આત્મતિરસ્કારથી ભરાઈ જાય છે. તે ચંપાને તેના ઘરેણાંની પોટલી પાછી આપતાં કહે છે, ‘આ લઈ જા ચંપા, કાલે બા-બાપુજી આવે છે. હું બાપુજીને વાત કરીશ. આખા ગામને મદદ કરે છે. તારા માટેય કંઈ થઈ જશે. નહીં તો હું તો બેઠી છું. પણ તારાં ઘરેણાં નથી વેચવા.’ (પૃ.૮૧) આ હૃદય પરિવર્તનની ક્ષણ સહજ રીતે આવતી હોવાથી પ્રતીતિકર બની રહે છે અને વાર્તાને કલાત્મક બનાવે છે.
‘વેન્ટિલેટર’ (ઈ.૨૦૧૨):
બીજો વાર્તાસંગ્રહ ‘વેન્ટિલેટર’ ઈ.૨૦૧૨માં પ્રગટ થયો. તેમાં કુલ સત્તર વાર્તાઓ (કુલ પૃષ્ઠ સંખ્યા ૧૯૨) છે. આ વાર્તાસંગ્રહ તેમણે તેમના પતિ હિતેશને અર્પણ કર્યો છે. આ સંગ્રહના નિવેદનમાં રેણુકા પટેલ કેટલીક અગત્યની બાબતો પોતાના લેખન સંદર્ભે નોંધે છે. ‘હું જાણું છું... હજી મારે ઘણું શીખવાનું છે. શીખી રહી છું. મારી જાતની પરીક્ષા જાતે લઈ રહી છું. અને મારા માપદંડોમાં સુધારાવધારા પણ કરી રહી છું. એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે લેખન એ મારા માટે જરૂરી બની ગયું છે, જેમ જીવન જીવવા માટે એક શ્વાસ પછી બીજો શ્વાસ લેવો પડે છે, બરાબર એમ જ… હું જાણું છું સ્ત્રીને...બરાબર ઓળખું છું... કારણ કે હું એવી હજારો-લાખો સ્ત્રીઓથી ઘેરાયેલી છું કે જે આર્થિક, સામાજિક, શારીરિક, કૌટુંબિક એવી કેટલાય પડકારો ઉપાડીને અથવા તો પડકારોને પછાડીને અડીખમ ઊભી છે. મારા ઘેર રોજ સવારે આવતી શાકવાળીથી લઈને કોર્પોરેટ જગતમાં ઊંચા સ્થાને બિરાજેલી કોઈ એક સ્ત્રીની સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક એકબીજાને સ્પર્શે છે. બંને સ્ત્રીઓ તેમની બૌદ્ધિક કે આર્થિક અસમાનતાને બાદ કરતાં લગભગ એક જ વેવલેન્થ પર જીવે છે. કારણ કે ન તો સ્ત્રી પ્રેમ કરવાનું છોડી શકે છે અને ન તો સાચી સાબિત થઈ શકે છે. સ્ત્રીને સાચા સાબિત થવુંય નથી...આવી જ પ્રેમભરી ભૂલો કરવી છે, કરતાં રહેવી છે. સ્ત્રી આવી જ છે અને આવી જ રહેશે. આને શું કહીશું? સ્ત્રીહઠ જ ને?’ આ નિવેદન વાંચતાં એમ લાગે કે રેણુકા પટેલ પ્રબળ નારીવાદી સર્જક છે. હા, તેઓ નારીવિશ્વને, તેના સંવેદનજગતના વિવિધ પાસાંને, નારીની ખૂબીઓ-ખામીઓને વાર્તાઓમાં આલેખે છે પરંતુ તેઓ વાર્તા સ્વરૂપને વફાદાર સર્જક છે. સ્ત્રીના મનોજગતનું ઝીણવટભર્યું પણ માનસશાસ્ત્રીય ચોકસાઈથી થતું વાસ્તવવાદી નિરૂપણ તેમની વાર્તાઓને નક્કર ઘાટ આપે છે. એ અર્થમાં તેમના વિચારો એ તેમની વાર્તાને દબાવી દેતાં નથી કે તેમની વાર્તાઓ આ વિચારોનું વહન કરનાર સાધન બનતી નથી. તેમની વાર્તાઓમાંથી પસાર થતાં કહી શકાય કે રેણુકા પટેલ સ્ત્રીના સંવેદનવિશ્વને, તેની તમામ સંકુલતાઓ સાથે વાર્તારૂપે કંડારવાનો પ્રયાસ કરતાં જણાય છે. ‘પરિપૂર્ણ’ની નંદિતા નીતા જેવી જ સ્વાવલંબી, બુદ્ધિશાળી આધુનિક યુવતી છે. તે મુંબઈમાં એકલી રહે છે. રોહિત સાથે લીવ-ઈનમાં રહેતી નંદિતાને એક દિવસ અચાનક રોહિત છોડીને ચાલ્યો જાય છે ત્યારે નંદિતા પડી ભાંગે છે. એ સમયે તેના પિતા તેની પડખે ઊભા રહે છે અને નંદિતાને સમજાવે છે ત્યારે નંદિતા ડિપ્રેશનમાંથી બહાર આવે છે અને વાર્તા ત્યાં પૂરી થાય છે. રોહિતનું સ્વકેન્દ્રી વ્યક્તિત્વ સર્જક તેના એક જ સંવાદથી દર્શાવી દે છે. ‘આપણે છૂટાં પડીએ છીએ નંદિતા. હું કાલે ફ્લેટ છોડીને જઈ રહ્યો છું.’ (પૃ.૧૪૩) નંદિતાના આંસુ, આજીજી, ધમકીની કોઈ અસર ન હોય તેમ એક ક્ષણ પણ રોહિત અચકાતો નથી. નંદિતા રોહિત સાથે જે રેસ્ટોરાં, થિયેટર, સુપર માર્કેટમાં જતી હતી ત્યાં જ પપ્પાને લઈને પહોંચી જાય છે. રેસ્ટોરાંમાં રોહિતને ભાવતી વાનગીનો જ ઓર્ડર આપે છે. દીકરીને આ હદે ભાંગી પડેલી જોઈને પિતાને દુ:ખ થાય છે પણ તેઓ પોતાનું દુ:ખ છુપાવીને દીકરીની પડખે ઊભા રહે છે. વાર્તાનો આરંભ નંદિતા ડીપ્રેશનમાં છે અને પપ્પા તેને સમજાવી રહ્યા છે તે ક્ષણથી થાય છે. દીકરીને આ અવસ્થામાં જોઈને પપ્પાને મૃત પત્ની યાદ આવી જાય છે. તે નંદિતાને કહે છે, ‘જો આજે તારી મૉમ હોત તો આટલી સહજ રીતે તને એ તારી લાગણીઓ, તારી સંવેદનાઓ સાથે રમત રમવા ન દેત. તારું જીવન કેટલું અમૂલ્ય છે એ તને સમજાવત.’ (પૃ.૧૪૪) પિતા રોહિતની બધી વસ્તુઓ બેગમાં ભરી દે છે. નંદિતાને પિતાની વાત સમજાય છે. રેણુકા પટેલ સ્ત્રીના મનનાં જાણકાર સર્જક છે. વળી, તેઓ પાત્રોની, ખાસ કરીને આધુનિક સ્ત્રીની સંકુલ સંવેદનાઓને, તેની ગ્રંથિઓને સહજ રીતે છતાં ઊંડાણથી આલેખે છે. નંદિતા પોતાની મરજીથી રોહિત સાથે લીવ-ઇનમાં રહેતી હોવાછતાં કેમ આ હદે ભાંગી પડે છે એવો પ્રશ્ન સહજપણે થાય. લાગણીના મુદ્દે સ્ત્રી વધારે દુ:ખ, પીડા અનુભવતી હોય છે એ માનસશાસ્ત્રીય સત્ય છે. તેમાંય સ્ત્રી-પુરુષ સંબંધમાં બ્રેકઅપ, લીવ-ઈન જેવાં રૂપાળા શબ્દો પાછળ છુપાયેલું કટુ સત્ય એ છે કે આ સંબંધ ભીતર સુધી ઊંડો ઊતરતો હોય છે. તેથી સંબંધ જેટલો ઊંડો આઘાત તેટલો જ વધારે લાગે. વળી. નંદિતા મુંબઈમાં એકલી રોહિત સાથે રહે છે. પિતા દિલ્હીમાં રહે છે. નંદિતાનું મિત્રવર્તુળ પણ વાર્તામાં જોવા મળતું નથી. સ્વાભાવિક છે કે, નંદિતાનો ખાસ મિત્ર કે સ્વજન કે પ્રેમી જે પણ કહો તે રોહિત છે. આ પરિસ્થિતિમાં નંદિતા ભાંગી ન પડે તો નવાઈ. આવી સ્થિતિમાં પપ્પા નંદિતાની પાસે આવી પહોંચે છે. સર્જકે પિતા-દીકરીના મજબૂત સંબંધનું કરેલું આલેખન, પિતાનું નંદિતાના દરેક નિર્ણયમાં તેની પડખે ઊભા રહેવું, નંદિતાને નિર્ણય લેવામાં પૂર્ણ સ્વતંત્રતા આપવી જેવી બાબતો વડે પિતાનું નક્કર પાત્ર ઉપસાવ્યું છે – આ વાત વાર્તાનું જમાપાસું છે. જો કે, વાર્તામાં એક સ્થાને કથક મુખર થઈને પિતાના મુખે એક સંવાદ મૂકી દે છે કે ‘ગમે તેમ તોય હું પુરુષ...સ્ત્રીની સંવેદનાઓની મને શી સમજ? અત્યારે મને એમ લાગે છે કે તારાં ઉછેરમાં મેં ક્યાંક કોઈ ભૂલ તો નથી કરી ને?’ (પૃ.૧૪૫) પત્ની વિના એકલે હાથે દીકરીનો ઉછેર કરનાર, દીકરીની પડખે ઊભા રહેનાર પિતાના પાત્રની રેખાઓ અહીં અળપાતી જણાય. ‘શેષ સંબંધ’ વાર્તામાં અવની અને અવિનાશનું દામ્પત્યજીવન નજીવી વાતે ખંડિત થાય છે અને ત્રીસ વર્ષ પછી વૃદ્ધાશ્રમમાં એકલી રહેતી અવનીને લેવા માટે અવિનાશ નીકળે છે ત્યાંથી વાર્તા શરૂ થાય છે. અવિનાશને અઢળક પ્રેમ કરતી અવનીનો પ્રચંડ ગુસ્સો એ તેના સ્વભાવની મર્યાદા છે. અવની પુત્ર મૌલેશને લઈને અવિનાશથી છૂટી થાય છે ત્યારે નાનામાં નાની વસ્તુઓની કિંમત યાદ કરીને, પોતાના ભાગની એક એક પાઈ લઈ લે છે. અવિનાશ દૂરથી પણ મૌલેશની પ્રગતિના અને અવનીની અવસ્થાના સમાચાર મેળવતો રહે છે. અવની અવિનાશ સામે કબૂલાત કરતાં કહે છે, ‘ગણતરીમાં હું પહેલેથી જ પાક્કી, એકદમ ચોક્કસ, જ્યારે આપણે છૂટાં પડ્યાં ત્યારે તારી પાસેથીય મેં સઘળું ગણી ગણીને લિસ્ટ બનાવીને પાછું લીધેલું. એક-એક ચીજ મને બધું યાદ હતું પણ એવું લિસ્ટ મને મૌલેશ સાથે બનાવતાં ન આવડ્યું. આંધળો વિશ્વાસ જ જાણે. મને એમ કે મારી આંગળી પકડીને ચાલતાં શીખ્યો છે તો હવે તો એ મોટો થયો અને મારીય ઉંમર થઈ. એનો હાથ પકડીને ચાલવામાં મારે વાંધો નહીં પણ મને શી ખબર કે મારો હાથ પકડીને એ મને એક દિવસ અહીં લઈ આવશે આ વૃદ્ધાશ્રમમાં. અવનીની આંખો ભરાઈ આવી.’ (પૃ.૧૮૦) આટલાં વર્ષો પછી અવનીને મળવા આવેલો અવિનાશ પોતાની સાથે અવનીની પણ રિટર્ન ટિકીટ લઈને આવ્યો છે એ જાણીને અવનીને નવાઈ લાગે છે. જવાબમાં અવિનાશ એક વાક્ય કહે છે, ‘તારા ઘરે તારે આવવાનું તો હોય જ ને! માત્ર થોડું મોડું થઈ ગયું.’(પૃ.૧૮૧) નજીવી વાતે બ્રેકઅપ કરી લેતી નવી પેઢીની માનસિકતા વચ્ચે આ પ્રકારની વાર્તા વડે વાર્તાકાર જાણે કે કહી રહ્યાં છે કે આ સંબંધ એટલો પણ કાચો નથી. ‘શ્રાવણી’ વાર્તામાં આધુનિક સમયની મહાત્ત્વાકાંક્ષી પણ સંવેદનશીલ યુવતીનું આલેખન થયું છે. આ વાર્તામાં અંગત મહત્ત્વાકાંક્ષા, પ્રણય અને તેની સામે મા-બાપ પ્રત્યેની લાગણી – એ વચ્ચે ઊભેલી આજની યુવતીની વાત છે. મા-બાપની એકની એક દીકરી શ્રાવણીનું બાળપણથી સપનું છે મુંબઈ જઈને નોકરી કરવાનું. મા-બાપ પણ તેને આ નિર્ણયમાં સાથ આપે છે. ત્યાં પ્રેમની વાતે દૂર ભાગતી શ્રાવણી દીપંકરના પરિચયમાં આવે છે. તેના પ્રત્યે આકર્ષાય છે. દીપ પણ શ્રાવણીને ચાહે છે. તેનું સપનું અમેરિકામાં સેટલ થવાનું છે. શ્રાવણી દીપની લાગણી અનુભવે છે પણ તેની સાથે જતી નથી. એટલું જ નહીં, દીપ જવાનો હોય છે ત્યારે તેને છેલ્લીવાર મળવા જવાનું પણ ટાળે છે. ઉપલક નજરે વાર્તા શ્રાવણીના મા-બાપ પ્રત્યેના પ્રેમની જણાય. નાયિકાનું નામ પણ શ્રવણની યાદ અપાવનારું છે, પરંતુ વાર્તાકારે પ્રેમ અને મા-બાપ પ્રત્યેની જવાબદારી – એ બે વચ્ચે રહેંસાતી, પીડાતી શ્રાવણીના મનોજગતનું જે રીતે આલેખન કર્યું છે તે વાર્તાનું આસ્વાદ્ય તત્ત્વ છે. રેણુકા પટેલે આજના જમાનામાં ઊભા થયેલા અનેક પ્રશ્નો પૈકીના એક પ્રશ્નને ઉપસાવ્યો છે. એક તરફ તક અને મહત્ત્વાકાંક્ષાનું અંજન આંજીને, સ્વજનોને છોડીને અમેરિકા-યુરોપ દોડી જતાં યુવાનો અને બીજી તરફ મા-બાપ માટે તક છોડતી યુવતી એ આજના સમયનું સત્ય છે. અહીં દીપ આગળ વધવા માટે શ્રાવણી સાથેનો સંબંધ પણ જતો કરે છે. આ દૃષ્ટિએ જોઈએ તો, રેણુકા પટેલ આપણી બદલાઈ રહેલી સામાજિક સંરચનાને પણ વાર્તારૂપે દર્શાવી રહ્યાં છે. દીપના જવાથી શ્રાવણીના જીવનમાં વ્યાપેલો ખાલીપો, અકળામણ એ બધું જ વાર્તાકારે દર્શાવ્યું છે. વાર્તાના આરંભે મોડી પડતાં ઉતાવળે દોટ મૂકતી અને ટ્રેનમાં દીપનું દિવાસ્વપ્ન જોતી શ્રાવણીના મનોજગતનું આલેખન ધ્યાન ખેંચે છે. ‘મનના એક ખૂણે કુંડાળું મારીને બેઠેલો દીપંકર ફૂંફાડો મારીને ઊભો થયો અને ક્ષણભરમાં ટીપી જાણે એ આખાય અસ્તિત્વ પર છવાઈ ગયો...ધીમેધીમે હવામાં તેની જગ્યાએ દીપંકરના ડ્રેકરનોઈની સુગંધ આવવા લાગી. સામે બેસીને પાન ચાવી રહેલી જાડી સ્ત્રી, પાસે ઊભુંઊભું એકબીજાને તાળી દઈ ખિખિયાટા કરતું કૉલેજકન્યાઓનું ગ્રૂપ, હાથમાં તમાકુ લઈને મસળી રહેલી ભડક પીળા રંગની સાડી પહેરેલી વૃદ્ધા, બધાંય જાણે ધીમેધીમે અદૃશ્ય થવા લાગ્યાં. હવા પાતળી થવા લાગી અને એને લાગ્યું કે બોટલ ગ્રીન પેન્ટ, ક્રીમ શર્ટ અને ટાઈ પહેરેલો દીપંકર જાણે એની સામેની સીટ પર આવીને બેસી ગયો.’ (પૃ.૧૧૦) વાર્તાના અંતે મંદા અને શ્રાવણીની વાતચીત જોવા મળે છે. મંદા શ્રાવણીની સહેલી અને તેની રૂમ પાર્ટનર છે. તે પોતે પણ મલ્ટિનેશનલ કંપનીમાં નોકરી કરે છે. તેને શ્રાવણીનો નિર્ણય સમજાતો નથી. મંદાના સંવાદો થોડા વધારે બોલકા છે. વાર્તાકારે શ્રાવણીનો ઉઘાડો પક્ષ મંદાના પાત્ર વડે લીધો છે. આ એક મર્યાદાને બાદ કરીએ તો, પાત્રોના આંતરવિશ્વનું કલાત્મક નિરૂપણ, શ્રાવણીનું મનોમંથન, તેના સંવાદો અને તેની આકરી તાવણી તથા દીપંકરના થોડા જ સંવાદો વડે ઊપસી આવતું તેનું વ્યક્તિત્વ- આ વાર્તાનું જમાપાસું છે. ‘ભઠ્ઠી’ વાર્તા પ્રોફેસર રફીક અને સલમાના કેન્દ્રથી રજૂ થઈ છે. પ્રથમ દૃષ્ટિએ આ વાર્તા હિન્દુ-મુસ્લિમ કોમ વચ્ચેના અંતરને કારણે સર્જાતી પરિસ્થિતિનું નિરૂપણ કરતી જણાય પરંતુ સ્ત્રી-પુરુષ સંબંધની રીતે મુખ્ય બંને પાત્રોના સંબંધને જોવા-તપાસવાથી વાર્તાનું જુદું જ પરિમાણ ઊઘડે છે. ઇતિહાસના પ્રાધ્યાપક રફીકને ક્લાસરૂમમાં ઔરંગઝેબનો શાસનકાળ ભણાવતી વખતે મુશ્કેલીઓ થાય છે તે ક્ષણથી વાર્તા શરૂ થાય છે. વર્ષો પહેલાં દિલ્હીમાં કોમી રમખાણો થયાં હતાં ત્યારે કૉલેજમાં અધ્યાપક એવો રફીક રજાઓ હોવાના કારણે ઘરે હતો. રાતે કોઈએ તેનું બારણું ખખડાવ્યું. શહેરમાં તંગદિલી અને મુસ્લિમ વિસ્તારમાં રહેતાં રફીકનું બારણું ખખડાવીને હિન્દુ યુવતીનું અપહરણ કરીને આવેલા કેટલાક મુસ્લિમો તેના ઘરમાં પ્રવેશે છે. રફીકે મનોરમા નામની એ યુવતીને પોતાના ઘરમાં રાખી, આશ્વાસન પણ આપ્યું કે, ‘હું મુસલમાન છું પણ આ રમખાણોથી હુંય બહુ દુ:ખી છું. ધર્મના વાડાની દીવાલોમાં હું માનતો નથી. એટલે તમને અહીં કોઈ બીક નથી. કાલે સવારે એ લોકોનાં આવતાં પહેલાં જ હું જાતે તમને લઈને પોલીસ સ્ટેશન મૂકી આવીશ.’ (પૃ.૧૫૫) આ સાંભળીને નિશ્ચિંત થઈને સૂઈ ગયેલી મનોરમા પર રફીક તેના સૌંદર્યથી મોહિત થઈને બળાત્કાર ગુજારે છે. બળાત્કારના લીધે મનોરમા સલમા બને છે અને રફીક સાથે જીવન પસાર કરે છે અને એક પુત્રીની માતા બને છે. આ રફીકનો વરવો ભૂતકાળ છે. રફીકની દીકરી માસૂમ એક હિંદુ યુવકના પ્રેમમાં છે. આકાશ સાથે તે લગ્ન કરવા માંગે છે. તેમાં બધાની સંમતિ છે, પણ રફીક નાં મનમાં ભાર છે કે પેલો હિન્દુ યુવક દીકરીને ત્રાસ આપશે કે હેરાનપરેશાન કરશે તો? સામા પક્ષે સલમા તો ઠંડા કલેજે રફીકની અકળામણ જુએ છે. તે જાણે છે કે ધર્મની દીવાલ ઊંચી ને ખરબચડી હોય છે. સલમા માસૂમના આકાશ સાથેના લગ્નથી ડરતી નથી. વાર્તામાં રફીકનો અપરાધભાવ અને સલમાનો નિરંતર સળગતો વેરનો અગ્નિ – બંનેનું નિરૂપણ સરસ રીતે થયું છે. સલમા બોલ્યા વિના વર્તનથી રોજેરોજ રફીકને દઝાડતી રહી છે. ઔરંગઝેબની વિનાશકારી ધર્માંધતા સાથે રફીક માનસિક સંધાન અનુભવે છે. પોતે મનોરમાને હવસનો ભોગ બનાવી હતી પણ હવે પિતા તરીકે તેને ડર લાગે છે. તેને ભય છે કે ઈશ્વર તેના પાપની સજા દીકરી માસૂમને આપશે તો? સલમા સતત હૈયામાં વેરની આગ સળગતી રાખે છે એ વાત કોઈ વાચકને વધુ પડતી લાગે. અહીં પ્રશ્ન માત્ર બળાત્કારનો નથી પણ તેથી કંઈક ઘણો ઊંડો છે. બળાત્કારથી વધારે મનોરમાને લાગેલા ઊંડા આઘાતનો, વિશ્વાસઘાતનો, પુરુષ જાત પરથી કાયમ માટે ભરોસો ઊઠી જાય તેવા બનાવનો છે. તે કહે છે, ‘તમારી ભૂલે મને મારા કોઈપણ વાંક વિના મારાં માતાપિતાથી દૂર કરી, મારા ઘરથી, મારા સ્વજનોથી દૂર કરી. મારા ધર્મથી દૂર કરી. મારા અસ્તિત્વથી દૂર કરી અને સૌથી અગત્યનું કે મેં માનવજાત પરનો વિશ્વાસ ખોઈ દીધો.’ (પૃ.૧૫૭) જો ઘરમાં આવી પડેલી મનોરમાને રફીકે ખોટું આશ્વાસન નાં આપ્યું હોત તો મનોરમાના અંત: કરણમાં આટલો ઊંડો ઘા ના લાગત. તેના હૈયામાં વેરની ભઠ્ઠી સળગે છે. રફીકના હૈયામાં અપરાધબોધની ભઠ્ઠી સળગે છે. વળી, તેમાં દીકરીની ચિંતા ઉમેરાય છે. મનોરમાનો આક્રોશ તેને માનવીય બનાવે છે. આ અર્થમાં ‘ભઠ્ઠી’ વાર્તા નોંધપાત્ર બની રહે છે. ‘સેલું’ વાર્તામાં સાવકી મા-દીકરીના સંબંધનું નિરૂપણ થયું છે. સુમેધા જદુરાયની પ્રથમ પત્નીથી થયેલી પુત્રી છે. પુત્રીને જન્મ આપ્યા બાદ બહેનનું મૃત્યુ થતાં પરિવારજનોના અત્યંત દબાણને વશ થઈને કાલિન્દીએ જદુરાય સાથે પરણવું પડે છે અને બહેનની દીકરીને પોતાની ગણીને મોટી કરવી પડે છે. આ તરફ સુમેધાને તો માનો ચહેરો પણ યાદ નથી. તેને મન તો કાલિન્દી જ તેની જનેતા છે. કાલિન્દીને પરણતાંવેંત સુમેધાની માસીમાંથી મા બનવું પડ્યું છે. તેથી જેમજેમ સુમેધા મોટી થતી જાય છે તેમટેમ કાલિન્દીનો સુમેધા પ્રત્યેનો ધિક્કાર વધતો જાય છે. સુમેધા નોકરી કરે એના બદલે કોઈની સાથે તેને પરણાવી દીધી હોય તો પોતે છુટે એમ વિચારીને તે જદુરાય જોડે સુમેધાના લગ્નની વાતે ઝઘડતી રહે છે. વાર્તાના અંતે સુમેધા પોતાન પહેલાં પગારમાંથી નવું નકોર સેલું કાલિન્દી માટે ખરીદી લાવે છે અને કાલિન્દીના હાથમાં મૂકતાં કહે છે, ‘મારો પહેલો પગાર આજે આવ્યો મમ્મી! તેમાંથી લીધું. માત્ર તારા માટે. તારું પોતાનું, કોઈનું ઊતરેલું નહીં. બોલ, આ સેલું તો પહેરીશને તું?’ (પૃ.૧૩૬) સેલાને હેતથી પસવારતી, આંખમાંથી આંસુ સારતી કાલિન્દીના હૃદયનો ઘા રુઝાતો જાય છે. મા-દીકરી વચ્ચેની દીવાલ તૂટે છે ત્યાં વાર્તા પૂરી થાય છે. આ વાર્તામાં ભૌતિક સમય માત્ર એક દિવસનો છે. આજે મોડુ થશે તેમ કહીને સુમેધા ઑફિસ જવા નીકળે છે ત્યાંથી વાર્તા શરૂ થાય છે. જદુરાય અને સુમેધાના ગયા પછી કાલિન્દી પોતાનાં લગ્ન વેળાનાં ફોટા જોતી હોય અને તેનાં ચિત્તમાં અતીત તાજો થવા માંડે એ રીતે વાર્તા ભૂતકાળમાં ગતિ કરે છે. બહેન સરલાના મૃત્યુ પછી મા-બાપની સમજાવટ છતાં ટસની મસ ન થનારી કાલિન્દી ઘોડિયામાં સૂતેલી નવજાત સુમેધાને જોઈને પીગળી જાય છે. સરલા મારી ગઈ એમાં આ બાળકીનો શો વાંક? સરલાની પાછળ આ સુમેધાને થોડી દુ:ખી થવા દેવાય? એમ વિચારતી કાલિન્દી જદુરાય સાથે લગ્ન કરવા રાજી થઈ જાય છે. વાર્તાના કેન્દ્રમા યુવાનીમાં કાલિન્દીના ચિત્તમાં બંધાયેલી ગાંઠ છે. રૂપાળી કાલિન્દીએ લગ્નનાં કંઈ કેટલાંય સ્વપ્નો સેવ્યા હતાં. જદુરાયમાં રોમાન્સનો અભાવ અને તે દેખાવે પણ એટલા આકર્ષક નથી. એટલું જ નહીં, જદુરાય આકર્ષક બનવાનો પ્રયાસ પણ કરતાં નથી. કોડીલી કાલિન્દીના લગ્ન વખતે કોઈ ધામધૂમ થતી નથી અને તેનાં માટે લગ્નનાં નવા કપડાં પણ મા-બાપ સીવડાવતાં નથી. તેણે લગ્નવેળાએ બહેને પહેરેલું સેલું જ પહેરવું પડે છે. કહો કે, કાલિન્દીના લગ્નની દરેક ક્ષણ પર બહેનના મૃત્યુના ઓળા પથરાયેલા રહ્યા છે. મા-બાપ કે પતિ કોઈ કાલિન્દીની સંવેદનાઓને સમજતું નથી. મોટી બહેનના ઘરનો, દીકરીનો ભાર ઉપાડી લેનાર કાલિન્દીનો આક્રોશ નિ:સહાય સુમેધા પર ઊતરતો રહે છે. યુવાનીમાં પગ મૂકતી સુમેધા કાલિન્દીની આ લાગણીઓને સમજે છે. તે અર્થમાં સેલું મા-દીકરીના સ્નેહનું પ્રતીક બને છે. ‘મુક્તિ’ વાર્તામાં પ્રેમી માટે પિતાને અને પોતાને ત્યજી દેનાર માને આજીવન ધિક્કારતી દીકરી અર્ચનાને એક પત્ર મળે છે કે મા બીમાર છે અને તેને યાદ કરી રહી છે. માને મળીને માના મૃત્યુ પછી તેણે અગ્નિદાહ દેતાં અર્ચના આ ધિક્કારમાંથી મુક્ત થાય છે. વાર્તાનો આરંભ માની અંતિમ ઈચ્છા સૂચવતા કાગળને વાંચતી બેઠેલી અર્ચનાના વર્ણનથી થાય છે. કાગળમાં માત્ર બે જ વાક્યો લખ્યા છે કે, ‘મા માંદી છે. તમને ઝંખે છે, આવશો?’ અર્ચનાનો પતિ વિનય અર્ચનાની દરેક વાતમાં ‘હા’ કહેતો હોવાથી અર્ચના અકળાય છે. દાદી કાયમ અર્ચનાની માને ગાળો ભાંડે છે પણ પપ્પા ક્યારેય મમ્મી વિશે એક પણ ખરાબ શબ્દ બોલતાં નથી એ વાતની અર્ચનાને નવાઈ લાગે છે. એ જ રીતે અર્ચનાની ફોઈ પણ તેની મમ્મીની તરફેણ કરતી રહે છે. મમ્મીની છત્રછાયા વિના ઊછરેલી અર્ચના અત્યંત જિદ્દી અને મનનું ધાર્યું કરનારી બની ગઈ છે. એ ગૂંચવાય ત્યારે જ વિનય સામે જુએ. સર્જકે નાના-નાના બે-ત્રણ પ્રસંગો વડે અર્ચનાની મમ્મી વિશેના પપ્પાના, ફોઈના અને દાદીના અભિપ્રાય દર્શાવી દીધાં છે. એટલું જ નહીં, એ રીતે આ પાત્રોની રેખાઓ પણ લસરકામાં ઉપસાવી દીધી છે. જેમ કે, એકવાર અર્ચના પપ્પાને પૂછે છે કે, ‘અત્યારે મમ્મી પાછી આવે તો એને આ ઘરમાં રાખો?’ જવાબમાં પપ્પા કહે છે, ‘આ ઘર તેનું જ છે.’ અર્ચના મમ્મીને મળવા જવા તૈયાર નથી થતી ત્યારે વિનય તેને કહે છે, ‘આપણા સ્વજનને તેના ગુનાની સજા કરવાના તોરમાં ને તોરમાં આપણે હંમેશાં એ ભૂલી જઈએ છીએ અર્ચના, કે એ સ્વજન જોડે આપણેય ક્યાંક ને ક્યાંક જોડાયેલાં છીએ અને આપણે જાતને પણ કંઈકઅંશે સજા કરી રહ્યાં છીએ...હજી તો એ જીવે છે અને તારી પાસે તક છે. એમની પાસે જા, એમને માલ, એમને માફ કર અને આ સ્જામાંથી મુક્ત થા.’ (પૃ.૧૦૫) અર્ચનાની મા સામેની ફરિયાદો, મા પ્રત્યેનો પ્રબળતમ ધિક્કારભાવ એ તો તેની પ્રતિક્રિયારચના છે. એ તેની માના પ્રેમની ઝંખનાને દર્શાવે છે. વાર્તાનો અંત સુંદર છે. અર્ચના માને મળે છે. તેના હાથમાં માનો પ્રેમાળ હાથ છે અને માની આંખોમાંથી અર્ચના માટે સ્નેહ નીતરી રહ્યો છે. એ ક્ષણે મા મૃત્યુ પામે છે. સાથે જ અર્ચના પેલી ગ્રંથિમાંથી મુક્ત થાય છે. ‘ખૂંધ’ વાર્તામાં બળાત્કારની ભયાનક ઘટનાની જુદા દૃષ્ટિકોણથી વાત થઈ છે. ચારુલતા મુનશીનાં લગ્નને ચાર વર્ષ થઈ ગયા હોવાછતાં તેનો ખોળો ખાલી હોય છે. એવા સમયે તે બળાત્કારનો ભોગ બને છે. આ આઘાતમાંથી બહાર આવે ત્યાં તેને ખબર પડે છે કે તેના બળાત્કારીએ તેના ગર્ભમાં એક બીજ રોપી દીધું છે. ચારુલતા આદિવાસી વિસ્તારની શાળામાં શિક્ષિકા તરીકે જોડાય છે અને બાળકને જન્મ આપે છે. દીકરાને આશુતોષ નામ આપે છે. આગળ ભણવા માટે આશુતોષ શહેરમાં જવાનો હોય છે તેની આગલી રાતે ચારુલતા તેને આ સાચી ઘટના કહે છે. આ સત્ય જાણ્યા પછી આઘાતથી મૂઢ થઈ ગયેલો આશુતોષ આ ભાર સાથે શહેરમાં જ ફર્યા કરે છે. ભણે છે, નોકરી પણ મેળવે છે પરંતુ આઠ- આઠ વર્ષ સુધી ગામમાં પાછો આવતો નથી. તેને એ સવાલ મૂંઝવે છે કે શા માટે માએ તેને જન્મ આપ્યો? તે પ્રેમનું નહીં પણ મા સાથેના અત્યાચારનું સંતાન છે. ગામની શાળામાં મા આચાર્યા થઈ છે અને ગામની સરપંચ પણ બની છે. માની માંદગીના સમાચાર જાણીને ગામ જવા માટે આશુતોષ ટ્રેનમાં બેસે છે ત્યાંથી વાર્તા શરૂ થાય છે. આશુતોષને ચારુ જે જવાબ આપે છે તે વાર્તાની પ્રમુખ ક્ષણ છે. ચારુ આશુતોષને કહે છે, ‘તું મારા માટે ક્યારેય વણજોઈતું સંતાન ન હતો. તને તો મેં ઝંખ્યો હતો...એ સત્ય છે કે જ્યારે સ્ત્રી પર બળાત્કાર થાય ત્યારે શરીર સાથે એનો આત્મા પણ ઘાયલ થાય છે. પરંતુ એક સત્ય એ પણ છે કે માતૃત્વ સ્ત્રીને સંપૂર્ણ સ્ત્રી બનાવે છે. બે અંતિમ છેડાના સત્યમાંથી મને મારા જીવનનું સત્ય મળ્યું...બેટા, તને મેં માત્ર મારા શરીરથી નહીં આતમાથી પણ જન્મ આપ્યો છે. જો તું ખરેખર સત્ય જાણવા જ ઈચ્છતો હોય તો સત્ય આ છે અને માત્ર આ જ છે.’ (પૃ.૭૪) ‘ભઠ્ઠી’ની મનોરમા કરતાં સાવ સામાછેડાનું પાત્ર ચારુલતાનું છે. ચારુના હૂંફાળા સ્પર્શે આશુતોષનો ભાર ઓગળતો જાય છે ત્યાં વાર્તા પૂરી થાય છે. ‘સ્વજન નામે’માં સાસુ અદિતિ વિદેશી વહુ રિબેકાને પોતાની સાથે ભારત લઈ આવે છે અને દીકરા ચિરાગે કરેલા પાપનું પ્રાયાશ્ચિત કરે છે. ભારતનું એટલું બધુ સારું અને પરદેશનું બધુ ખરાબ. ભારતીયો સંસ્કારી અને અમેરિકનો વ્યાભિચારી એવી બંધિયાર માનસિકતાને પડકારતી આ વાર્તા છે. અહીં દીકરો ચિરાગ માને અને પત્નીને છેતરે છે. ‘મીતાબહેનનો ચિ.’ વાર્તામાં દીકરો ચિન્મય માની સંવેદનાઓને કચડતો રહે છે. તેની પત્ની શશી સાસુને કાબૂમાં રાખવાની માનસિકતા ધરાવે છે. ચિરાગ અને ચિન્મય આપની પુરુષપ્રધાન સમાજવ્યવસ્થાની મર્યાદા દર્શાવતા પ્રતિનિધિ પાત્રો છે. ચિરાગ પોતે રિબેકાને છેતરી હોવાછતાં, પોતે તેને તરછોડી દેવાનો હોવાછતાં માની સામે રિબેકાની નકારાત્મક છબી રચે છે. એટલું જ નહીં, મા આવી હોય છે ત્યારે પણ ચિરાગ નફ્ફટ રીતે પ્રેમિકા સોનિયા સાથે નાયેગ્રા ફરવા જતો રહે છે. સોનિયા સાથેના ચિરાગના આડા સંબંધોના પુરાવારૂપે રિબેકા ચિરાગના સોનિયા સાથેના ફોટોગ્રાફ્સ બતાવે છે એ જોઈને અદિતિ આંચકો ખાઈ જાય છે. અદિતિ પળવારમાં જ નિર્ણય લઈ લે છે કે તે રિબેકા અને બાળકોને પોતાની સાથે ભારત લઈ જશે. એ જ રીતે મીતાબહેન પણ અંતે સ્વતંત્રપણે નિર્ણય લે છે અને ચિન્મય-શશીને ધમકાવી કાઢે છે. તે નાની બિલાડીને પાછી ઘરે લઈ આવે છે. અદિતિને તો પતિ કૃષ્ણકાન્તનો સહકાર મળવાની ખાતરી છે પરંતુ મીતાબહેન તો વિધવા છે. આ વાર્તાઓ દ્વારા સર્જક દર્શાવે છે કે જો સ્ત્રી મક્કમ રહીને નિર્ણય લેતી થાય તો કેટલીય સમસ્યાઓ તો ચપટીમાં જ ઉકેલાઈ જાય. ‘તમે છો હજી’ વાર્તામાં ભૂકંપમાં મૃત્યુ પામેલા સસરાને પ્રભા હજી ભૂલી શકી નથી. રસોડામાં પ્રભા કામ કરતી હોય અને તેને બાપુજીનો અવાજ સંભળાય તેવી નાટ્યાત્મક ક્ષણ’થી વાર્તાનો આરંભ થાય છે. બાપુજીનો પ્રેમાળ સ્વભાવ અને ઘર સાચવવામાં તેમણે કરેલી સહાય પ્રભાને યાદ આવ્યા કરે છે. પ્રભાના પિતાને હાર્ટ એટેક આવ્યાનું જાણતાવેંત બાપુજી પ્રભાના હાથમાં દોઢ લાખ રૂપિયાનો ચેક મૂકી દે છે એ વાત પ્રભાને યાદ આવે છે. આઠ વર્ષ પહેલાં આવેલા ભૂકંપ વખતે પ્રભા, અનિરુદ્ધ, પાયલ અને અભિ સડસડાટ પગથિયાં ઊતરી જાય છે. વ્હીલચેર પર બેઠેલા બાપુજીને પ્રભા કહે પણ છે કે, ‘હું તમને લેવા હમણાં આવું છું. તમે અહીં બારણાં પાસે જ રહેજો.’ નીચે ઊતર્યા પછી અનિરુદ્ધ પ્રભાનો હાથ બળજબરીથી પકડી રાખે છે. પ્રભાની નજર સામે પાંચ મિનિટમાં આખી ઇમારત તૂટી પડે છે. આ અપરાધબોધ અને પતિની આંખોમાં એ ક્ષણે વાંચેલો ભાવ પ્રભાને પીડ્યા કરે છે. પતિ અને બાળકો ભૂકંપમાં મૃત્યુ પામેલા સ્વજનોની યાદમાં રાખવામાં આવેલા કાર્યક્રમમાં કેન્ડલ્સ સળગાવીને દેખાડા પૂરતાં બાપુજીને યાદ કરવાનો ડોળ કરી લે છે. પ્રભા આ બધુ પથ્થરની આંખે જોતી રહે છે. વાર્તાકારે સસરાનું પ્રેમાળ વ્યક્તિત્વ સંવાદો અને ક્રિયાઓ વડે મૂર્ત કર્યું છે. વળી, આ બધુ પ્રભાની સ્મૃતિઓરૂપે આવતું હોઈ પ્રભાની ચેતનમાં ઝિલાયેલી સસરાની છબી ભાવક જુએ છે. એ અર્થમાં સસરા-વહુના સ્વસ્થ સંબંધને આલેખતી આ વાર્તા યાદગાર બની રહે છે. રેણુકા પટેલના બંને વાર્તાસંગ્રહોમાંથી પસાર થતાં કેટલીક બાબતો નજરે પડે છે. એક, તેમની વાર્તાઓ સ્ત્રીકેન્દ્રી હોવાછતાં સ્ત્રીને સમજતાં, સ્ત્રીની પડખે ઊભા રહેતાં પુરુષો પણ તેમની વાર્તાઓમાં જોવા મળે છે. બીજું કે, તેમની બધી જ વાર્તાઓમાં પરિવેશ આધુનિક શહેરી જીવનનો છે. આથી ભૌતિક સુખસગવડોના લીધે સંબંધોમાં પ્રવેશેલી ગણતરીઓ અને તેના પરિણામે બલાઈ રહેલી સંબનધોની વિભાવનાઓનું નિરૂપણ તેમની વાર્તાઓમાં ધ્યાન ખેંચે છે. તેમની વાર્તાઓ દ્વારા બદલાતાં ગુજરાતી કૌટુંબિક સમાજનું પણ વાસ્તવિક ચિત્રણ મળે છે. રેણુકા પટેલની વાર્તાઓ સ્ત્રીઓના સંકુલ સંવેદનવિશ્વનું માનસશાસ્ત્રીય રીતિએ થયેલ નિરૂપણ, બદલાતાં સમાજમાં બદલાઈ રહેલા સંબંધોના સમીકરણો તથા ખાસ કરીને સાસુ-વહુ, સાવકી મા- દીકરીના સંબંધોના આલેખનને કારણે અનુઆધુનિક ગુજરાતી ટૂંકીવાર્તા ક્ષેત્રે નોંધપાત્ર બની રહે છે.
આશકા પંડ્યા
નવલકથાકાર, વિવેચક
મો.નં. ૭૪૦૫૮૮૨૦૯૭