ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/હરીશ મંગલમ્‌

From Ekatra Foundation
Jump to navigation Jump to search
હરીશ મંગલમ્‌

પાર્થ બારોટ

GTVI Image 127 Harish Mangalam.png

સર્જક પરિચય.

હરીશ જેઠાભાઈ મંગલમ્‌. (જન્મ ૧૫ ફેબ્રુઆરી ૧૯૫૨)
વતન : ફલુ ગામ, વિજાપુર તાલુકો.
અભ્યાસ : બી.એ., એલ.એલ.બી.
વ્યવસાય : જી.પી.એસ.સી પરીક્ષા પાસ કરી મામલતદાર તરીકે ફરજ બજાવી હતી.

પથિક પરમાર નોંધે છે કે, ‘ગરીબ કુટુંબમાં જન્મેલા હરીશ મંગલમ્‌ને નાનપણથી જ જીવ માત્રના પાયાના સળગતા ભૂખના પ્રશ્નોની અગનજ્વાળાઓ દઝાડતી રહી છે. પ્રારંભમાં વિવિધ છંદોની કવાયત આદર્યા પછી સામાજિક માળખા સંદર્ભે ઉદ્‌ભવેલી વિષમતાઓ અને વિસંવાદિતાઓએ એમના સંવિત્તતંત્રમાં ખળભળાટ મચાવ્યો. આ ખળભળાટે એમને ‘દલિત સાહિત્ય’ના સર્જન તરફ વાળ્યા.’ હાલમાં ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી, અમદાવાદનું મુખપત્ર ‘હયાતી’ સામયિકના તંત્રી છે. તેઓ કવિ, વાર્તાકાર નવલકથાકાર વિવેચક, અનુવાદક સંપાદક છે. ‘તલપ’ વાર્તાસંગ્રહ, પ્રથમ આવૃત્તિ- એપ્રિલ ૨૦૦૧, પ્રકાશક : કુમકુમ પ્રકાશન અમદાવાદ. કિંમત- ૧૦૦ રૂપિયા. અર્પણ... સમ-વેદનાના સહયાત્રીઓ દિગીશ મહેતા, જોસેફ મેકવાન, રાધેશ્યામ શર્મા, પ્રવીણ ગઢવી, મોહન પરમાર, દલપત ચૌહાણ અને અરવિંદ વેગડાને.

GTVI Image 128 Talap.png

આ વાર્તાસંગ્રહમાં કુલ ૧૪ વાર્તાઓ છે. જેમાં તલપ, દાયણ, દલો ઉર્ફે દલસિંહ, ઝોળ, ઉટાંટિયો, પગદંડી વગેરે પોંખાયેલી વાર્તાઓ છે. આ વાર્તાસંગ્રહની તમામ વાર્તાનું કેન્દ્રબિંદુ દલિત ચેતના, દલિત સંવેદના, દલિત પ્રશ્નો, દલિત પરિવેશ વગેરે છે. આ વાર્તાસંગ્રહની પહેલી વાર્તા ‘તલપ’માં બીડીના પૈસાના અભાવે ભલિયો બીડીના ઠૂંઠાં શોધવા નીકળી જાય છે. બીડી પીવાની તલપ તેની વધતી ને વધતી જાય છે. સરપંચની સિગરેટ જોઈને તેને મળેલ બીડીનું ઠૂંઠું તે મસળી નાખે છે અને સિગરેટ પીવાનાં દિવાસ્વપ્ન જુએ છે. અંતે કશું જ હાથમાં ન આવતાં તે રામાપીરના મંદિરે નિરાશ થઈને બેસી જાય છે. એવામાં કૂવામાંથી પાણી ભરવા શવલી આવે છે. તેની પાસે ભલિયો બીડી પીવાના પૈસા માંગે છે, એમાં જ તેની સાથે શારીરિક ચેષ્ટા કરે છે. જેનો રોમાંચ શવલી અનુભવે છે અને એ અનુભવ ઘૂંટાતો જાય છે. એક દિવસ મોકો જોઈને શવલી ભલિયાને ઘરે બોલાવે છે અને મોકો જોઈને બંને પ્રેમાલાપ કરતાં હોય છે ત્યારે ફળિયામાં રહેતા રેવાનો છોકરો જટો આ જોઈ જાય છે. આખા વાસમાં વાત પ્રસરી જાય છે. જેના લીધે શવલીના સગપણની વાત થવા લાગે છે. થોડા સમયમાં તેનાં લગ્ન પણ થઈ જાય છે. જેમ એકવાર બીડી માટે ભટકતો ભલિયો હવે શવલીને મળવા માટે ભટકે છે. આમ, બીડીની તલપથી શરૂ થતી વાર્તા પ્રણયની તલપ સુધી વિસ્તરે છે. ‘દલો ઉર્ફે દલસિંહ’ વાર્તાની શરૂઆત ભૂતકાળની આનંદપ્રદ ઘટના અને વર્તમાનની કરુણતા એમ બે વિરોધી પરિસ્થિતિથી થાય છે. પથરાની મિલ બંધ થઈ જતાં, તેના પર નભતાં અનેક કુટુંબો રાનરાન ને પાનપાન થઈ જાય છે. દલો, શિવો અને અનેક મજૂરો પેટનો ખાડો પૂરવા માટે હવે પ્લાસ્ટિક-લોખંડ-કાચનો ભંગાર વીણવા જતા. પરંતુ ઘરનું પૂરું થતું ન હતું. દલાના ઘરમાં આ વાતને લઈને અઠવાડિયાથી કંકાસ ચાલતો હતો. દલિત હોવાના કારણે તેને કોઈ જગ્યાએ કામ મળતું ન હતું. તેથી નાછૂટકે તે નામ બદલે છે અને પોતાનું નામ રાખે છે દલસિંહ પરમાર. દરબાર સમજીને ધનસુખલાલને ત્યાં નોકરી મળી જાય છે. તેની નિયમિતતા, પ્રામાણિકતા અને કાર્યનિષ્ઠા જોઈને શેઠ તેને કીર્તિધામ જૈન મંદિરની સિક્યુરિટીનું મોટું કામ સોંપે છે. જૈન મંદિરમાં પણ તે ખૂબ લગનથી કામ કરે છે. તેથી દલસિંહની હાક આજુબાજુના ગામ સુધી વિસ્તરે છે. તે અંદરથી તો ભયભીત રહેતો હતો અને વિચારતો પણ હતો કે, જે દિવસે મારા વિશે ખબર પડી તે દિવસે મને જીવતો નહીં છોડે. એક દિવસ તેમના વેવાઈ મંગળદાસ મળી જાય છે અને દલસિંહ એ દરબાર નથી, હરિજન છે એની ખબર પડી જાય છે. ખબર પડતાં જ બધા સવર્ણો દલાનું કાટલું કાઢવા મંદિરના દરવાજે ખડકાઈ જાય છે. દલો એ પહેલાં જ ત્યાંથી ભાગી છૂટે છે. આમ, દલા નિમિત્તે સમગ્ર દલિત સમાજની વેદનાને વાર્તાકારે વાચા આપી છે. આ વાર્તા વિશે ગંગારામ મકવાણા નોંધે છે કે, ‘વાર્તાનાયક દલો દલિત હોવાના કારણે તેને કોઈ નોકરીએ રાખતું નથી. અને તેને ઉર્ફેનું આવરણ ઓઢીને નોકરી કરવી પડે છે. જ્યારે તે દલિત છે એટલી વાતની જાણ થતાં જ સવર્ણોના જાણે આંબા ઉખેડી લીધા હોય તેમ તેને મારી નાખવા દોડે છે. આનાથી મોટી કરુણતા શી હોઈ શકે? માણસ જન્મથી નહીં, પણ તેના ગુણોને કારણે મહાન બને છે. એમ કહેતા દંભીઓને આ વાર્તા ચેલેન્જ કરે છે.’ ‘દાયણ’ વાર્તામાં સવર્ણોની માનસિકતા પ્રગટે છે. અસ્પૃશ્યતાના પ્રશ્નને આ વાર્તાએ વાચા આપી છે. સવર્ણો પોતાનાં સંતાનોને નાનપણથી જ તેમના અચેતન મનમાં દલિતો પ્રત્યે તિરસ્કારની ભાવનાનાં બીજ કઈ રીતે રોપે છે? તે આ વાર્તામાં જોવા મળે છે. વાર્તાની શરૂઆત ગામડામાં ખેતમજૂરીએ જતાં દલિતવાસ આખેઆખો સૂમસામ થઈ જતો. આ વાસમાં બેનીમા નામની દાયણ કેરી વેચીને ગુજરાન ચલાવતાં. તેઓ કેરી પકવવામાં અને દાયણના કામમાં ખૂબ પાવરધાં. ભલભલા ડૉટર ગોથું ખાઈ જાય પણ બેનીમાની આવડત અને કોઠાસૂઝની ચર્ચા આખા ગામમાં હતી. એક દિવસ બેનીમા કેરી પકવતાં એવામાં દલી પટલાણી આવી અને હાંફતાં હાંફતાં કહેવા લાગી કે, પશી પટલાણીને પ્રસૂતિની પીડા ઉપડી છે. ડૉક્ટર આવીને ઇન્જેક્શન મારીને ગયો પણ દુઃખાવો ઓછો થતો નથી. આ પહેલાંની પ્રસૂતિમાં પશીનું બાળક મરી ગયું હતું. ઘરના ને ફળિયાના બધાં જ લોકોને એક જ આશા હતી બેનીમા. કોઠાસૂઝથી બેનીમા પશીની પ્રસૂતિ કરાવે છે ને છોકરાનો જન્મ થાય છે. બધાંની ખુશીનો પાર રહેતો નથી. બેનીમા એટલું જ કહે છે કે, એક નાળિયેર ભગવાનને ચડાવી દેજો. આટલું કહી ઘરે જતાં રહે છે. આગળ આવેલો ડૉક્ટર પચાસ રૂપિયા લઈને ગયો હોય છે. એક વર્ષથી વધારે સમય વીતી જાય છે અને બેનીમા પટેલ વાસમાં કેરી વેચવા માટે જાય છે. પશીનો કીકલો ઘૂંટણીયા તાણતો હોય છે. આ બાળકને જોઈને બેનીમા કેરી આપે છે ત્યારે પશી તરત દોડતી આવીને છોકરાને બાવડાથી પકડી તેડતાં બોલી, ‘જોજે કીકલા... બેનીમાનઅ અડતો!!!’ જે બાળકને મહામહેનતે બચાવ્યો એ બાળકના મનમાં અસ્પૃશ્યતાનો એકડો તેની મા ઘૂંટાવી રહી હતી. બેનીમા સ્તબ્ધ થઈ જાય છે. ઘરની બહાર ભેગી થયેલી પટલાણીઓ બેનીમાને જોઈને પશી બચી એ વખતની વાત યાદ કરે છે અને કહે છે, ‘આ તો બેનીમા પશલીનું નસીબ તે બચી જૈ... નઅ પશલી પણ કેતી’તી આતો રોમકબીરની મોનેલી બાધા ફળી...’ બેનીમાની આવડત કોઠાસૂઝની જાણે કે કોઈ જ કિંમત નથી. આ સાંભળીને બેનીમાને વધારે દુઃખ થયું. વાર્તાના અંતે આ દુઃખ તેની તીવ્રતાએ પહોંચે છે. કેરીનો ટોપલો લઈને પાછા ફરતાં વડના ઝાડ નીચે દલી પટલાણીનો છોકરો ડાહ્યલો, જેને સુવાવડ વખતે બતાવ્યો હતો એ કહે છે, ‘એ ઢેઢી! આઘી જા, અભડાયે! ભાળતી નથી?’ ‘પગદંડી’ આ વાર્તાસંગ્રહની ચેતનાસભર વાર્તા છે. ખેતરમાં કામ કરવા જતા દલિતો લાંબા રસ્તાની જગ્યાએ બહેચર કણબીના ખેતરમાંથી પડતી પગદંડીવાળા રસ્તે ચાલતાં જતાં હતા. એવામાં બહેચર ખેતરમાં પગ મૂકે છે અને પગદંડી પર ચાલતા ઈશ્વર, ધનજી અને શિવાને મારવા પાછળ પાવડો લઈને દોડે છે. બૂમો પાડીને તે કહેવા લાગ્યો કે, આજે હાથમાં આવ્યા તો મારી નાખીશ. જીવ બચાવવા માટે ગભરાતા, મુઠ્ઠીઓ વાળીને ત્રણેય દોડ્યા જોતજોતામાં છ સાત ગાઉનું અંતર કપાઈ ગયું ને તેઓ ધૂળસિંહના ખેતરમાં પહોંચ્યા. આ ધૂળસિંહ તેમની સાથે ભણતો હતો. તેને બધી વાત કહી. વિસ્તારમાં બધાને ખબર કે પટેલો અને દરબારો વચ્ચે બનતું નથી. તેથી બહેચરની સામે આ લોકોને બચાવવા માટે બાંયો ચઢાવે છે. તેનો ગુસ્સો જોઈને ત્રણેયને મારી નાખવા આવેલો બહેચર પાછો વળી જાય છે. તે દિવસે આ ત્રણેયને બસ એક જ વાત યાદ આવે છે કે એકલા હાથે ધૂળસિંહે બહેચરને પાઠ ભણાવ્યો અને આપણે કશું કરી શકતા નથી!! આ મનોમંથનથી તેમનામાં એક ગુસ્સો જન્મે છે. બીજા દિવસે સંધ્યાનો સમય હોય છે અને બહેચર ત્યાંથી નીકળે છે. લાગ જોઈને આ ત્રણેય તેની પર તૂટી પડે છે. બરાબર પાઠ ભણાવે છે. માર ખાધેલો ઘરે જઈને પડી ગયો એવી વાત કરે છે પણ વાસમાં ને ગામમાં બધે આ લોકોની બહાદુરીની વાત ફેલાઈ જાય છે. વાર્તાની શરૂઆતમાં વાંકા સ્વભાવનો બહેચર વાર્તાના અંતે સીધો થઈ જાય છે.

બારોટ પાર્થકુમાર પરેશકુમાર
B.A, M.A (Gold Medalist)
UGC NET, GSET.
Ph.D. Running in Mumbai University
શ્રી જાનકી વલ્લભ આર્ટસ કોલેજ, મુવાલમાં ગુજરાતી વિષયના પ્રાધ્યાપક તરીકે કાર્યરત.
મો. ૮૨૦૦૧૧૨૪૧૯.
Email : Bparth517@gmail.com.