ગુજરાતી નારીસંપદા : કવિતા/બેગ કેમ ગોઠવવી

બેગ કેમ ગોઠવવી

પ્રીતિ જરીવાલા

બેગ કેમ ગોઠવવી
એ હવે
આવડી ગયું છે મને
બસ, આ મોટો પથારો સમેટી
હવે હળવા થવું છે
આને માટે ને તેને માટે
અહીં તહીં જઈ
કંઈ લેવાનો લોભ
હવે
પ્રયત્નપૂર્વક છોડવો છે
બસ, હવે બેગ પોતાના પૂરતી જ
એકદમ હળવી રાખવી છે
બેગ કેમ ગોઠવવી
એ હવે
આવડી ગયું છે મને.
અપેક્ષાના ભાર નીચે
જીવનના ઉતારચઢાવમાં
કેટલી બેગો ને કેટલો સામાન
સાચવી સાચવીને રાખ્યો હતો
શું રહ્યું છે ને ક્યાં મૂક્યું છે
યાદ રાખ્યા કરતી
તે એ સમયે યોગ્ય હતું
હવે જરૂર નથી રહી
ક્યાં ક્યાં શું શું મૂક્યું છે
એ હવે ભૂલી જવું છે
આ બધાંમાંથી નીકળવું છે બહાર
અંદરબહાર નથી કરવું કંઈ
ધીરે ધીરે બેગ હળવી કરીને
આસ્તેથી ઊંચકીને ચાલ્યા જવું છે
મન થાય ત્યાં.

***