ગુજરાતી નારીસંપદા : કવિતા/ક્યું હશે મારું ઘર???
Jump to navigation
Jump to search
કયું હશે મારું ઘર???
અલ્પા વસા ‘કાવ્યાલ્પ’
⯐
જન્મતાંની સાથે જ
હાસ્યના કિલકાટથી ભર્યું મેં ઘર
ને એ થયું પિયરનું ઘર.
કંકુવર્ણે પગલે ચાલી
હાથ અને જાત ઘસી દીપાવ્યું મેં ઘર
ને એ થયું સાસરાનું ઘર.
ઉમંગ અને અરમાનોથી
બાળકોની કાલી ઘેલી બોલીથી ભરી દીધું ઘર.
ત્યાં તો પતિ કહે “વાહ, શું સુંદર છે મારું ઘર.”
ને એ થયું પતિનું ઘર.
હશે! કદાચ હવે થશે મારું ઘર
એમ માની મોટાં કર્યાં સંતાન
પુત્ર કહે “મમ્મી, તું આવીશ મારે ઘરે?”
ને એ થયું પુત્રનું ઘર.
ચારે અવસ્થામાં વસાવ્યાં ચાર ઘર
છતાં, હવે ક્યારે? ને કયું હશે મારું ઘર???
***