ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/સાહિત્યિક લંડનનો પ્રવાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪૨
પ્રવીણસિંહ ચાવડા

સાહિત્યિક લંડનનો પ્રવાસ





ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા • સાહિત્યિક લંડનનો પ્રવાસ - પ્રવીણસિંહ ચાવડા • ઑડિયો પઠન: ક્રિષ્ના વ્યાસ



મારી ડાયરીમાં એક નોંધ છે – ૨ પી. એમ. કૅથી, બેઝવોટર સ્ટેશન, ફિન્ચલી રોડ ટુ બેકર સ્ટ્રીટ, સર્કલ લાઇન. એડિનબરામાં છૂટા પડતી વખતે સાથે ભોજન લીધું ત્યારે ડૅવિડ વતી કૅથીએ વચન આપી દીધું હતું – આપણે લંડનમાં મળીએ છીએ – અને મળવા માટેનો સમય તથા સ્થળ પણ નક્કી કરીને કાગળ ઉપર લખી આપ્યાં હતાં. મને મળવા માટે જ લંડન આવ્યાં હશે એવું કદાચ નહીં હોય. એમ તો ડૅવિડે અમારા કોર્સમાં એક સેમિનારમાં પણ ભાગ લીધી હતો. કૅથીને લિટરરી એજન્ટ તરીકે ઘણા લેખકો-પ્રકાશકોને મળવાનું હશે. તેમ છતાં, એમણે એ દિવસો મારે ખાતે જ ફાળવ્યા હોય એવું કર્યું. મને અનેક જગ્યાએ લઈ ગયાં, હૉટેલ-રેસ્ટોરાંઓમાં જમાડ્યો. પરંતુ ભારતીય પરોણાને આટલાથી ધરવ થવાનો નથી એની ખબર કૅથીને હતી. એણે મને કહ્યું, ચાલ દોસ્ત, મારી આંગળી પકડી લે અને આપણે સાથે એક જુદા લંડનમાં ડૂબકી મારીએ. રવિવારે સવારે મળ્યાં ત્યારે એમની સાથે એક ગ્રીક પત્રકાર પણ હતો. કૅથી-ડૅવિડનો એ જૂનો મિત્ર હતો એવું વાત ઉપરથી લાગ્યું. આમ સાહિત્યપ્રેમીઓની નાની પણ આંતરરાષ્ટ્રીય મંડળી બની, એમાં એક પરોણો અને ત્રણ યજમાન. ગ્રીક બેઠી દડીનો, શાંત અને ઓછાબોલો માણસ હતો. જાડા કાચનાં ચશ્માં, ફેંદાયેલા વાંકડિયા વાળ અને રંગ ઊડી ગયેલાં કપડાં, ટૅક્સી, ટ્રેન અને મોટે ભાગે પગપાળા એમ અમારું ભ્રમણ ચાલ્યું. સાહિત્યિક લંડન તો ભૌતિક શહેર કરતાં અનેકગણું મોટું છે. એક દિવસમાં એનો અંશ પણ પામવાનું શક્ય ન બને. તેમ છતાં અમે ઠીક-ઠીક ફર્યાં. સાહિત્યિક યાત્રાના ભાગરૂપે કેટલાંક ઐતિહાસિક શરાબખાનાંમાં પણ દર્શનાર્થે જવું પડ્યું. વચ્ચે ઠીકે લાગ્યું ત્યાં બેઠાં. કોઈ રેસ્ટોરાંની આગળ સંગીત વાગી રહ્યું છે અને હાથમાં ગ્લાસ સાથે ઊભાં થઈને સ્ત્રીપુરુષો નૃત્ય કરે છે. આ રીતે વિવિધ દૃશ્યોની હારમાળા ચાલી. એમાં વચ્ચે એક ધાર્મિક સ્થળ આવ્યું. મને હાથ પકડીને ઊભો રાખવામાં આવ્યો. ‘અહીં આપણે કેમ ઊભાં રહ્યાં?’ ‘જુઓ.’ ‘શું જોઉં! ધજા, શિખર કંઈ દેખાતું નથી.’ ‘પેલી તખતી દેખાય છે?’ એ મકાનમાં પહેલે માળે આરસની તખતી હતી. તેની ઉપર આવા અર્થનું લખાણ હતું : – ડૉ. જોન્સન અને બૉઝવેલ વચ્ચે પહેલી મુલાકાત આ સ્થળે થઈ. ૧૬મી મે, ૧૭૬૩. મેં આ વાંચ્યું અને આકાશમાં મેઘગર્જના થઈ. તે ડૉ. જોન્સનનો સત્તાવાહી સ્વર હતો. સદીઓનું અંતર કાપીને એ મારા કાન સુધી આવ્યો. હે પ્રિય ટેમ્સ નદી! એક ક્ષણ થોભીશ જરા? હું મારું આ ગીત પૂરું કરી લઉં – (લેટ મી ફિનિશ માય સોંગ!) સર્જનની ક્ષણને નદી સાથે જોડનાર આ કવિ ઍડમન્ડ સ્પૅન્સર. એમનો જન્મ ૧૫૫૨માં. અહીં એમને યાદ કરવાનું કારણ એટલું જ કે લંડનમાં ટેમ્સ નદીને કિનારે એક પથ્થર ઉપર આ પંક્તિઓ કોતરેલી છે અને મેં એનો ફોટોગ્રાફ પણ લીધો હતો. પથ્થરોથી જડેલો એ વિશાળ કિનારો એમ્બાન્કમેન્ટ તરીકે ઓળખાય છે અને પ્રવાસીઓ માટે તે મોટું આકર્ષણ બની ગયું છે. આવી તો બીજા કવિઓની પણ કેટલીયે પંક્તિઓ કોરેલી છે. સાચવીને ચાલવું પડે, ભારતીય સંસ્કારવાળાએ તો ખાસ. વિદ્યા ઉપર પગ પડે તો શું થાય એ ખબર છે ને? વિદ્યા બળી જાય! ફોટોગ્રાફનો ઉલ્લેખ થયો તો કૅમેરાની વાત પણ કરી લઈએ. આખો દિવસ ઉત્સાહથી ચાંપ દબાવ્યા કરી અને રાત્રે ટ્રેનમાં ઉતારા તરફ જતાં કૅમેરા ખોઈ નાખ્યો. ચિત્રો ન રહ્યાં, રહી માત્ર થોડી રેખાઓ. આવો, આપણે એને જળ સાથે જોડીએ. કંઈ લંડન એકલાને જ નદી છે એવું નથી. અમારેય ગામની પાસે નદી છે. હે પ્રિય રૂપેણ નદી! હવે તું થોભીશ નહીં!

એક અમેરિકન સ્ત્રી અને લંડનની જૂની ચોપડીઓની દુકાનનો અદનો કર્મચારી – પત્રો દ્વારા એ બે વચ્ચે વિકસેલા અસાધારણ સંબંધ વિશેનું પુસ્તક મેં વર્ષો પહેલાં વાંચ્યું હતું જેનું નામ યાદ રહ્યું નથી. સ્ત્રી પત્ર લખીને ચોપડીઓ મગાવે. પેલો માણસ પાર્સલમાં પુસ્તકોની સાથે બે લીટીનો પત્ર પણ મૂકે. ધીમે-ધીમે બંને પક્ષે પત્રોની લંબાઈ વધતી ગઈ. પુસ્તકપ્રેમનો તંતુ, તેમાંથી બે ખંડોને જોડતો સેતુ રચાયો. સ્ત્રી પૂછે, આ બધું તો ચાલ્યા કરશે, પણ તારા વિશે તો કંઈક કહે. ભલા! પેલો ઉત્તર આપે, હા, પરણ્યો છું ને! પત્નીનું નામ આ, બાળકોનાં નામ, ઉંમર, આંખોનો રંગ, ટેવો. તમે? હું – હું તો સાવ નરવી છું. તારી પત્નીને મારી યાદ, બાળકો માટે આ નાનકડી ભેટ. ઋતુઓ સાથે વાતોના વિષય બદલાય. પરસ્પર સ્વાસ્થ્યના સમાચાર પુછાય. માણસનું શરીર. ના ના, ચિંતા કરવા જેવું નથી; એ તો જીરણ તાવ જેવું હતું. અને માણસનું મન. મન? એની વળી શું વાત કરવાની હોય! છોડો એને. દુનિયામાં વાતો માટે બીજા વિષય નથી? આમ વર્ષો સુધી ચાલ્યું. એક દિવસે લંડનની બુકશોપ તરફથી અમેરિકન મહિલાને પત્ર મળ્યો પણ અક્ષર મિત્રના નહોતા. પત્ર મૅનેજરનો હતો. ભાષા વહીવટી. પહેલું વાક્ય આવું હતું : અમને જણાવતાં દુઃખ થાય છે કે – નામ વગરના સંબંધની વાત. એ પત્રોને ભેગા કરીને છાપ્યા. તેનું પુસ્તક બન્યું છે. પણ પત્રો કેવા! સ્ત્રીનું પરિચિત એક યુગલ અમેરિકાથી બ્રિટન અને યુરોપના પ્રવાસે આવ્યું છે. તેમની ઉપર સ્ત્રીએ લખેલો એક પત્ર છે. ‘તમે લંડન જવાનાં છો? તો સમય કાઢીને મારા વતી પેલી બુકશોપ પર ન જઈ આવો? મારો મિત્ર તો હયાત નથી. પણ તમે એક એક કબાટ પાસે ફરજો અને એ ચોપડીઓ ઉપર હળવેથી આંગળીઓ ફેરવજો –’ રસ્તામાં ચાલતાં આ વાતનો ઉલ્લેખ થયો ત્યારે મેં કહ્યું, ‘એ પુસ્તક તો મેં વાંચ્યું છે.’ ‘આ રહી તે બુકશેપ. અથવા, આ નથી રહી તે બુકશોપ.’ પેલી ચોપડીના કારણે વિશ્વભરમાં પ્રખ્યાત થઈ ગયેલું સરનામું હતું. પણ ત્યાં બુકશોપ નહોતી. તેની જગ્યાએ બીજા કશાકની દુકાન હતી, કપડાંની કે જૂતાંની. એટલું સારું કે નવા માલિકે ઋજુ ઇતિહાસનું માન રાખવા બારણા પાસે ભીંત ઉપર પિત્તળની મોટી તખતી મૂકી હતી – આ એ દુકાન છે જે... સાહિત્યિક યાત્રાળુઓ હવે એ દુકાનેથી જૂતાં ખરીદતા હશે?

[મારો એડિનબરાનો પ્રવાસ, ૨૦૧૩]