ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/૧. ચિત્રદર્શનો અને પ્રાગ-દુર્ગ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૪૩
રમણ સોની

૧. ચિત્ર-દર્શનો અને પ્રાગ-દુર્ગ




ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા • ચિત્રદર્શનો અને પ્રાગ-દુર્ગ • રમણ સોની • ઑડિયો પઠન: રમણ સોની


યસ, કાર્યક્રમમાં માત્ર એક સવાર સામે નોંધેલું હતું. Tour : with English speaking guide. કાફકા-નિવાસની મુલાકાત તો કાર્યક્રમ- બાહેરની હતી. સમયમાં છીડું પડતાં અમે માગી લીધેલી. પણ આ તો બાકાયદા હતું! જવાનું હતું નેશનલ ગેલેરીમાંનું ચિત્રપ્રદર્શન જોવા અને વિશ્વખ્યાત ઐતિહાસિક પ્રાગ-દુર્ગ જોવા.. હૉટેલથી ઝાઝાં દૂર ન હતાં આ પ્રવાસ-થાનકો. અને વળી બિલકુલ પાસપાસે, લગભગ એક જ પરિસરમાં. ટેરેઝા અને ક્વેટા બંને અમારી સાથે હતાં, એ ખુશ-નુમા સવારે. ચિત્ર-પ્રદર્શન ઘણું સરસ હતું. મોટે ભાગે એક જ વસ્તુવિષય (થીમ) પર હતું – ૧૭મી સદીનાં ડચ પેઈન્ટિંગ્સ. અમારાં માર્ગદર્શિકા બધું બતાવતાં-વર્ણવતાં હતાં. શરૂઆતમાં એથી થોડીક વધુ સ્પષ્ટતા થઈ. પણ ચિત્રો, એની નીચેની નોંધો, એની પાસેની વર્ણન-તકતીઓ સ્વયં-સ્પષ્ટ હતાં. અમે જોતા ગયા... ...પંદરની વયની એક છોકરી. એનાં હાથમોજાં, એનાં લગ્ન થવાનાં છે એના સંકેતરૂપ હતાં. ભરાવદાર પણ કુમાશભર્યો એનો ગુલાબી ચહેરો. પણ કિશોરી ન લાગે. યુવતી જ લાગે – બિલકુલ લગ્નોત્સુકા. એનું વસ્ત્રપરિધાન પણ એને પુખ્ત બતાવતું હતું. ૧૭મી સદીના ચિત્રકારે, યુવતીની બોલતી આંખો સમેત ઘણી ઝીણવટો આલેખી હતી. માર્ગદર્શકે બતાવ્યું – ‘અને આ નવ-પરિણીતા.’ એ જ ચિત્રકારનું, એ જ યુવતીનું બીજું ચિત્ર. પહેરવેશના ઠસ્સાથી પણ એ જાજરમાન લાગતી હતી. એની બાજુનું ચિત્ર એ યુવતીના વરરાજાનું. સુડોળ, માંસલ, સોહામણો યુવક. અત્યંત લાક્ષણિક ડચ-પેઈન્ટિંગ્સ. તકતીઓમાં સમયના, સંસ્કૃતિના ટૂંકા નિર્દેશ હતા. બધી તકતીઓ કંઈ વાંચી ન શકાઈ, સમયને અભાવે ને ચિત્રો જ એટલાં આકર્ષક ને આસ્વાદ્ય હતાં કે બહુ જ્ઞાનવર્ધનનો ઉત્સાહ ન હતો. સંદર્ભ પામવા પૂરતું લખાણ જોઈ લીધું. કૅમેરા અહીં બાધ્ય ન હતો પણ કાચની ફ્રેમમાંનાં ચિત્રોના સરખા ફોટોગ્રાફ આવતા ન હતા – ફ્લૅશથી અજવાળાંના ધબ્બા આવી જતા હતા. (વળી અમે ને અમારા કૅમેરા પણ શિખાઉ જ!) છતાં, ચિત્રો એટલાં લોભામણાં હતાં કે અમે ચાંપો દબાવે રાખી. થોડાંક સારાં પરિણામ આવ્યાં ખરાં. પહેલા ખંડમાં આવાં વ્યક્તિ-ચિત્રો હતાં. સ્ત્રી-પુરુષનાં અલગ અલગ ને કેટલાંક યુગલચિત્રો. એક બદ્ધમુષ્ટિ યુવક. હાથ કોણીએથી ઉપર વાળેલો, એના ઊપસેલા સ્કંધ પર બાજુબંધ, ખુલ્લી છાતીવાળું સુઘડ-પુષ્ટ શરીર, વાંકડિયા વાળ, પ્રભાવક ચહેરો... એ યુવક બિલકુલ આપણા અર્જુન જેવો વીર પુરુષ લાગ્યો. નીચે વાંચ્યું, ઈ. ૧૬૬૦. અર્જુન કરતાં તો ઘણો અર્વાચીન ગણાય! પણ આપણને એ પ્રાચીન વી૨ મૂર્તિ સુધી લઈ જાય એવું પેઈન્ટિંગ – આબેહૂબ. (પછી થયું કે શિલ્પો-ચિત્રો આદિમાં આપણો અર્જુન પણ ક્યારે મૂર્તિમંત કરાયો હશે? ૧૭મી સદીમાં કે પછી.... એના જાણકારો જ કહી શકે. મોટે ભાગે તો પૌરાણિક પાત્રો આપણા મનમાં જ મૂર્તિમંત થતાં હોય છે... શિલ્પો-ચિત્રોથી એને થોડોક ટેકો મળતો હશે. ને કળાકાર તો એની કલ્પના પણ, ભલે ને વાસ્તવનિષ્ઠ પણ વિશિષ્ટ કલ્પના, એમાં ઉપસાવતો રહે...) થોડાંક લોભામણાં ચિત્રો મનમાં રહી ગયાં છે : યંગ લેડી ઑન બાલ્કની...પૉર્ટ્રેઈટ ઑફ ધ આર્ટિસ્ટ્સ વાઈફ... બાલ્કનીની બહાર મંડાયેલાં નયન ને સામે દૂર સુધીનું ભૂ-દૃશ્ય. બાલ્કની આગળ ઊભેલી એ યુવતીની કમનીયતા નયનરમ્ય. એને જોઈને, યુદ્ધે ગયેલા ને હવે પાછા ફરનારા પતિની પ્રતીક્ષા કરતી રજપૂતાણી મનમાં સ્હેજ ઝબકી ગઈ... હાથમાં (રસભર્યો?) વાડકો ધારણ કરેલી પુષ્ટસ્તના કળાકારપત્નીનું પોર્ટ્રેઈટ પણ સર્જકતાની ઘણી ઝીણવટોવાળું લાગ્યું. વિષય જ રોમાંચક હતો. મનમાં ઊગી નીકળી ઉમાશંકરની પંક્તિ : ‘સખી મેં કલ્પી’તી...’ (બસ, એ, એટલી જ, પહેલી જ પંક્તિ...). બીજા ખંડોમાં મોટાં દૃશ્ય-ચિત્રો હતાં. એમને ઘટનાચિત્રો કે પ્રસંગચિત્રો કહેવાય? ડચ નાટકોમાંથી ઉપાડીને અંકિત કરેલી કેટલીક ક્ષણો – અ વુમન વીથ અ નાઈફ, વગેરે... સેન્ટ ઑગસ્ટાઈનનું એક ભાવવાહી ચિત્ર હતું. વળી એક બૃહદ્ દૃશ્યનું ચિત્ર હતું : મેડિકલ કૉલેજમાં શસ્ત્રક્રિયા (સર્જરી). લગભગ અરધી દીવાલને વ્યાપતું આ ચિત્ર વિગત-પસંદગી, ભાવ અને ક્રિયા-આલેખનની રીતે તો સરસ હતું જ પણ છાયા-પ્રકાશને ઉપસાવતું જે રંગ-સંયોજન એમાં હતું તે સ્પર્શી ગયું. (ચિત્ર-‘કળા’ની તો મારી એવી કોઈ જાણકારી ન હતી, એક અદના દર્શક-ભાવક લેખે હું ચિત્રો માણતો હતો...) આ ચિત્ર-દીર્ઘામાં છત પરનાં ચિત્રાલેખનો પણ પ્રભાવક હતાં. ગેલેરીમાં વસ્તુ-વિષય પરનાં ચિત્રો તો કદાચ બદલાતાં રહેતાં હશે. આ છત-ચિત્રો આ નેશનલ ગેલેરીની કાયમી ઓળખ હશે. ઉજ્જ્વળ આકર્ષક રંગો અને સૂક્ષ્મ ભાતો – છત પરનાં એ ચિત્રોનો વિશેષ લાગ્યો. દાદર ઊતરતાં, કૅમેરામાં ખેંચી લેવાનું મન થાય એવાં, ભીંતમાં જ ઉપસાવેલાં, પોર્સેલિનનાં ચિત્ર-શિલ્પો હતાં. અહીં ગ્લૅર નડતી ન હતી! અને પ્રાગ્દુર્ગ : નગરનો મુકુટમણિ નેશનલ ગેલેરીમાંથી બહાર નીકળતાં જ, સામે PRAGUE CASTLE દુનિયાભરનાં ઉત્તમ પ્રવાસ-સ્થાનોમાંનું એક; પ્રાગની એક અગ્રિમ ઓળખ. પરંતુ બહારનો આ દુર્ગ-પરિસર પણ ઓછો સુંદર ન હતો. નેશનલ ગેલેરીમાંથી બહાર આવીને એ વિશાળ ચોકમાં અમે થોભ્યાં. દુર્ગ-પ્રવેશ માટે થોડીક રાહ જોવી પડે એમ હતું – સંરક્ષક ટુકડીની ફરજબદલીનો સમય હતો. એ બદલીની (એક ટુકડી જઈ બીજી આવે એની) વિધિ પણ પ્રાચીન પરંપરાના દબદબાવાળી હતી – સૈનિકોની ફ્લૅગ-માર્ચ ચાલતી હતી. પછી વળી પ્રવેશમાર્ગ ખૂલશે. આ વિશાળ ચૉક એક બૃહદ દૃશ્યને ઉપસાવતો હતો : ડાબી તરફ દુર્ગનું પ્રાચીન સ્થાપત્ય, સામેનાં ભવનો એ પછીના સમયોનાં પ્રાચીન-અર્વાચીન સ્થાપત્યોની જુગલબંધી. એ વૈવિધ્યમાં પણ પૂરી સૂર-સંવાદિતા હતી. પરંપરાને તોડવા મથતો કોઈ દર્પ અર્વાચીન સ્થાપત્યોમાં વરતાતો ન હતો. પ્રાગ-સ્થાપત્ય-કલા-પરંપરાની આ જ ખાસિયત હતી, જે યુનિવર્સિટી-ભવનોમાં પણ દેખાયેલી... પ્રાચીન શૈલીના અંશો સ્વીકારીને નવી કલ્પના, નવી તજ્જ્ઞતા જાણે સંયોજિત કરેલી હતી. જમણી તરફ એક ઊંચો, સરસ લૅમ્પ-પોસ્ટ. શું કહીશું – દીપસ્તંભ કે દીવાથંભ? પ્રાગમાં જે થોડું હર્યા-ફર્યા એમાં નાના-મોટા લેમ્પ-પોસ્ટ નજરે પડેલા. એક તો પેલા યુનિવર્સિટી-ભવનના પ્રવેશદ્વારે જ હતો. પરંતુ દુર્ગ-પરિસરનો આ દીપ-સ્તંભ એમાં સૌથી ભવ્ય-સુંદર. દુર્ગની સામે શોભે એવી ઉન્નતતાથી એ ઊભો હતો. ટોચ આગળ ચારે દિશામાં દીપ-ચતુષ્ક. (આ દીવાસંપુટને ફાનસ કહેવાય? વાત એની એ જ, પણ શબ્દ બદલાતાં જ કદાચ આપણું મોં બગડી જાય-મજા બગડી જાય, રચાયેલું દૃશ્ય છિન્ન બની જાય...) નીચેથી ઉપર, પેલા દીપ-ચતુષ્ક સુધીના મજબૂત લોહ-સ્તંભ ૫૨ કમનીય નકશીકામ, કલાત્મક વળાંકો વાળી ભાતો. પરિસર પ્રવાસીઓથી ખીચોખીચ. અમારા જેવા જ બધા ઉદ્ગ્રીવ ઉત્સુકો. શનિવારની સવાર હતી એટલે રજાને કારણે થોડાક પ્રાગવાસીઓ પણ હશે કદાચ એમાં. એ બધા જ પ્રતીક્ષારત. એક પિતાએ પોતાના પાંચ-સાત વરસના બાળકને ખભે બેસાડી દીધેલો – પેલી સૈનિકોની ફ્લેગ-માર્ચ જોવા. તાજમહાલ હોય કે પ્રાગમહાલય, પ્રવાસીવૃંદની ઝલક એકસરખી – કુતૂહલઘેર્યા મનુષ્યોવાળી. પ્રવેશમાર્ગ ખૂલ્યો. દુર્ગ વિશે વાંચેલું-જાણેલું મનમાં પસાર થઈ ગયું... બોહેમિયાના રાજવીઓનો, ૯મી સદીને અંતે રચાયેલો આ દુર્ગ એ પછી રોમન શહેનશાહોનું, ચેકોસ્લોવાકિયાના પ્રમુખોનું ને છેવટે ચેક પ્રજાસત્તાકના પ્રમુખોનું સત્તાવાર નિવાસસ્થાન રહ્યો પણ એ વચ્ચે, ૧૫૧૪ની આગમાં એનો કેટલોક ભાગ વિનષ્ટ થયો, ૧૭મી સદીના આરંભે થયેલા બોહેમિયન બળવામાં દુર્ગ ઠીક ઠીક ધ્વસ્ત થયો, એ જ સદીના ઉત્તરાર્ધમાં પ્રાગ-યુદ્ધ દરમ્યાન સ્વીડીશ સૈનિકોએ એમાંની ઘણી કિમતી ચીજો લૂંટી લીધી ને બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન નાઝી સત્તાધીશોએ એમાં પગદંડો જમાવ્યો. પણ એ ફરી ફરીને ઊભો થતો રહ્યો ૧૯મી સદીના મધ્યાન્તરે એના ધ્વસ્ત અંશોનો ઉદ્ધાર થયો, નવરચના થઈ. ૧૦મી સદીમાં રચાયેલા એના રોમન ગોથિક સ્થાપત્યનું ૨૦મી સદીના આરંભે કાળજીથી પુનર્રચન થયું. ને વિશ્વનો આ સૌથી મોટો દુર્ગ-પરિસર આજે પણ આકર્ષણકેન્દ્ર રહ્યો છે... અંદર પ્રવેશતાં જ ઊંચે, દુર્ગની વિશાળ કમાન ને એની બે તરફ મિનારા. સદીઓથી અડીખમ ઊભેલો દુર્ગ સમય સામે ટક્યો તો હતો પણ એ જ સમયની છાયાએ એનો રંગ પાકો ઘેરો કરી દીધો હતો. પ્રાચીન શિલ્પો-સ્થાપત્યોની એ પણ એક ઓળખ – મ્લાન કે મલિન નહીં, પણ ઘેરી રંગછાયા. વળી, એક મોટો પરિસર ખૂલ્યો. એની ડાબી તરફ દુર્ગ અને ચર્ચ, જમણી તરફ નવાં ભવનો. ચેક ગણરાજ્યના પ્રમુખનાં સત્તાવાર કાર્યાલય ને નિવાસ. જરાક ખટક્યું : શા માટે આ પ્રાચીન ભવ્ય દુર્ગની પાસે આ નવીન કાર્યાલય-ભવન કર્યાં હશે? એ ભવનોમાં વળી સ્થાપત્યની એવી કોઈ વિશેષ મુદ્રા પણ ન હતી, જે બહારના પરિસરમાંનાં ભવનોમાં હતી. રાષ્ટ્રપતિ-ભવનની જેમ, એક અલગ જ પ્રમુખ-ભવન, અન્યત્ર ન રચી શકાયું હોત? હશે. એની પાછળ કંઈક વજૂદ, કદાચ, હશે; કંઈક એનો ઇતિહાસ હશે. કૅસલના આ અંદરના ચૉકમાંનું ભવ્યતમ સ્થાપત્ય તે એમાંનું ઉન્નત ગોથિક કેથેડ્રલ. ચૉકને છેલ્લે દૂરને ખૂણે જઈને મેં કૅમેરા ધર્યો તો પણ એ પૂરેપૂરું એમાં સમાતું નહોતું! લગભગ કાળી લાગે એવી એની ઘેરી લીલી રંગછાયા. વચ્ચે એક સોનેરી જાળીની પેનલ, છેક મિનારા પાસે એક અને મધ્યાન્તરે-કટિસ્થાને એક એમ બે પ્રાચીન ટાવર. આખાય ભવન પર ભરપૂર ગોથિક ભાતો ને શિલ્પાકૃતિઓ. એને આંખોમાં ભરી લીધું એ જ એનું અખંડ દર્શન. મારા કૅમેરામાં તો એની આછી છાયા ને એના વિવિધ, આકર્ષી ગયેલા, ભાગો-અંશોનાં ખંડચિત્રો. એક ટુરિસ્ટ કંપનીના પેમ્ફલટમાં – એવાં અનેક પેમ્ફલેટ્સ હોટેલના સ્વાગતકક્ષમાં મૂકેલાં હતાં, એમાં – દુર્ગની મુલાકાત લેનાર પ્રવાસીને યાદ કરાવવામાં આવેલું છે : Be sure to bring your camera! ખરું હતું. આમ તો, આંખો પકડે એ જ સાચું, ને એ જ પૂરું; છતાં કૅમેરા ન લીધો હોય તો વ્યાકુળ જ થઈ જવાય... આ મુખ્ય અને પ્રાચીન ચર્ચની પાસે બીજું, ગઈ સદીનું એક ચર્ચ હતું એ ય નયનરમ્ય – રાતાં નળિયાંથી શોભતું અને ‘વ્હાઈટ ઑરેન્જ’ દીવાલોથી ઓપતું સેંટ જ્યૉર્જ ચર્ચ. સ્થાપત્ય-રચનાની ખૂબીઓ તો એ ધારણ કરતું જ હતું. દોઢ કલાકથી અમારા પગ અને અમારી આંખો અવિરત ફરતાં હતાં પણ થાક્યાં ન હતાં. ત્યાંના પ્રવાસન-વ્યાવસાયિકોની ફુલાવેલી જાહેરાતો પણ સાચી લાગતી હતી. એવી એક જાહેરાતમાં આ પ્રાગ-દુર્ગ વિશે લખ્યું હતું : પ્રાગનો એ મુકુટમણિ છે ને ચેક-ઇતિહાસનો એ અરીસો છે. (The jewel in the crown of Prague and a mirror of Czech history.) દુર્ગની બહાર આવ્યા. હવે પ્રવાસીઓની ભીડ આછરી ગઈ હતી. આ ઊંચાણવાળી જગાએથી દૂર દૂર સુધી પ્રાગ-નગરનો એક પ્રદેશ જોઈ શકાતો હતો. ઈસ્તામ્બુલમાં વિમાન-ઉતરાણ વખતે રાતાં છાપરાંનું દૃશ્ય જોયું હતું. એવાં જ રાતાં છાપરાંવાળાં સુંદર મકાનોનું જૂથ નજરે પડતું હતું. આ ઊજળો કથ્થઈ રંગ મધ્ય યુરપની જ કોઈ વિશેષ ઓળખ હશે? કે આખાય યુરપની... પણ મેં તો ક્યાં જોયું હતું આખું ય કે અરધુપરધું ય યુરપ! મધ્યાહ્નવેળા થઈ હતી. આજે ઉષ્ણતામાનનો પારો ઊંચો હતો. આછી આછી ગરમીનો અનુભવ થતો હતો. અમે હોટેલ ભણી વળ્યા.

[વલ્તાવાને કિનારે, (પ્રાગપ્રવાસ), ૨૦૧૪]