ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/૩. આંધ્રની સૌંદર્યધાની

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૩. આંધ્રની સૌંદર્યધાની


બેઝવાડા અથવા બીઝવાડા એ નામનો વીજ–વીજળી સાથે સંબંધ હોવો જોઈએ એમ મને શાથી લાગ્યું તેની ખબર નથી. જેવું બિજાપુર તેવું જ બીઝવાડા એવો કંઈક ખ્યાલ બંધાયો હશે. તપાસ કરતાં એમ જણાયું કે, પ્રાચીન ગ્રંથોમાં આનો વિજયવાડા નામથી ઉલ્લેખ છે. એટલે તરત ભેજામાં એક નવો વિચાર આવ્યો અને સરખામણી શરૂ થઈ કે, આંધ્ર અને કર્ણાટક બંનેને જેને વિશે આત્મીયતા જણાય એવું પોતપોતાનું વિજયનગર હતું જ. તેના જેવું જ આ વિજયવાડા હોવું જોઈએ. આજે પણ વિજયવાડા એ જ આંધ્ર પ્રાંતનું મુખ્ય શહેર છે. કોઈ વિજય મળ્યા પછી તેનું સ્મરણ કાયમ રાખવા માટે વિજયવાડાની સ્થાપના થઈ હશે. પણ શ્રી કાળેશ્વરરાવે કહ્યું (એમના જ આમંત્રણથી આજે બેઝવાડા આવ્યો છું), “અર્જુનનું એક નામ વિજય જ છે ને? તે પરથી આ નામ પડ્યું છે. આ જ સ્થળે અર્જુને તપશ્ચર્યા કરી હતી અને કિરાત મહાદેવની સાથે યુદ્ધ છે કરીને પાશુપત અસ્ત્ર પ્રાપ્ત કર્યું હતું.” એટલે મારું મન બોલ્યું, “બરાબર, બરાબર, અહીંના મહાદેવને મલ્લિકાર્જુન કહે છે તેમાં અર્જુન નામ આવે છે ખરું.”

એમ જોવા જઈએ તો અર્જુન એ એક ઝાડનું નામ છે. તેની પડખે નાજુક ફૂલ આપનારી મલ્લિકા કેટલી બધી શોભે! પણ જ્યાં નામની પાછળ જૂના ઇતિહાસની શોધ કરવામાં આવે છે ત્યાં એકલા પ્રાકૃતિક કાવ્યથી કોને સંતોષ થવાનો હતો? પાટલિપુત્ર અથવા કુસુમપુર એ શહેરની પાછળ કેવળ ફૂલોનું સૌંદર્ય છે એમ કહીએ તો ઝાડનું જ નામ ધારણ કરનાર બિહારી સમ્રાટ અશોકને પણ સંતોષ થશે ખરો?

સહ્યાદ્રિ પરથી એક ભૂસકો મારીને શરાવતીની જેમ પશ્ચિમ સાગરને મળવાને બદલે કૃષ્ણા નદી મહાબળેશ્વરથી પૂર્વ તરફ વળી, અને અનેક નદીઓ પાસેથી ખંડણી વસૂલ કરતી કરતી પૂર્વ સમુદ્રને જઈને મળી. પોતાના બધા વૈભવ સાથે સમુદ્રને જઈ મળવાની તૈયારી કરતી વખતે તેને થતો સંભ્રમ, અથવા કહો કે હર્ષોન્માદ, આંખ ભરીને જેવા મળે તેટલા માટે બે શહેરો મધ્યયુગમાં તેને કાંઠે આવીને વસ્યાં. એક બાજુએ વિજયવાડા અને બીજી બાજુએ અમરાવતી. અમરાવતી એ એક જબરદસ્ત અને સમૃદ્ધ વિદ્યાધામ હતું અને વિજયવાડા એક મહાન સામ્રાજ્યનો કારભાર ચલાવનારું પાટનગર હતું. આ બે શહેરો વિશાળ કૃષ્ણાને કાંઠે સામસામે આવેલાં હતાં. તેથી વિદ્યાપીઠ(અમરાવતી)ને પોતાને માટે આવશ્યક એવી અલિપ્તતા પણ મળતી હતી અને રાજધાનીના સાનિધ્યનો લાભ પણ મળતો હતો. રાજધાનીને પણ ધર્મ અને વિદ્યાકળાની ઉપાસના કરનારું ધામ પોતાની નજીકમાં જ હોવાથી કર્તૃત્વશાળી લોકોની કદી અછત નહીં પડી હોય. અમરાવતી એટલે ઇંદ્રનગરી અને વિજયવાડા એટલે ઇંદ્રપુત્ર – અર્જુન – ની તપોભૂમિ.

પણ આપણે સૌંદર્યના ધામના વર્ણનની શરૂઆતમાં જ આવું અભ્યાસ-જડ ઐતિહાસિક સંશોધન લાવવાની કશી જરૂર નથી.

મને બેઝવાડાનું સૌથી પ્રથમ દર્શન થયું તે સને ૧૯૨૧ની ઐતિહાસિક મહાસમિતિની બેઠક માટે હું બેઝવાડા આવ્યો હતો તે વખતે. લોકમાન્ય ટિળકની પુણ્યસ્મૃતિને સાક્ષી રાખીને રાષ્ટે્ર આ જ ઠેકાણે સ્વરાજ્યસાધનાને માટે એક કરોડ રૂપિયાનો ફાળો ભેગો કરવાનો સંકલ્પ કર્યો હતો. ક્રાન્તિ-ચક્ર (રેંટિયો) ચલાવીને આખા દેશને ખાદીથી મઢી દેવાનો સંકલ્પ પણ અહીં કરવામાં આવ્યો હતો. કોઈ પણ મહાસભાના અધિવેશનમાં અગાઉ કદી નહીં આવ્યા હોય એટલા આંધ્ર લોકો દૂર દૂરનાં ગામડાંમાંથી હાથમાં ધ્વજાપતાકા લઈને ભજનો ગાતાં ગાતાં અહીં ભેગા થયા હતા.

બધા પ્રાંતોના પ્રતિનિધિઓ કૃષ્ણાના પવિત્ર જળમાં મળસકે સ્નાન કરીને સભામાં આવતા. હિંદના તિરંગી ઝંડાની કલ્પનાને મૂર્ત સ્વરૂપ આ જ વખતે અને આ જ સ્થળે પ્રાપ્ત થયું હતું. લાલ, લીલો અને સફેદ એમ એક પર એક રંગ નક્કી કરીને તે બધા પર રેંટિયાની આકૃતિ હોવી જોઈએ એમ અહીં ગાંધીજીએ સૂચવ્યું હતું. હિંદુઓના કુંકુમ રંગના આધાર પર મુસલમાનોનો લીલો રંગ સુરક્ષિત છે; અને આ બે કોમોની અહિંસાવૃત્તિના આધાર પર બાકીની બધી લઘુમતી કોમો વેરભાવથી મુક્ત અને ભયરહિત છે–એવી મૂળ કલ્પના હતી. અને ગરીબોની એકમાત્ર આશા સમું અહિંસક ગ્રામઉદ્યોગનું ચક્ર (રેંટિયો) તેની ઉપર શોભતું હતું.

તે પછી મહાસભાએ એક સમિતિ નીમી. પાછળથી તેના ઠરાવમાં પણ ફેરફાર કરીને સફેદ રંગને વચ્ચે આણ્યો. લાલ રંગને બદલે કેસરી રંગ પસંદ કર્યો અને કેસરી રંગ બલિદાનનો દ્યોતક છે, લીલો રંગ ફકીરીનો દ્યોતક છે અને સફેદ રંગ નિર્વેર શાંતિનો દ્યોતક છે એમ ઠરાવ્યું.

છેલ્લાં પચીસ વરસ દરમ્યાન હું કેટલીય વાર બેઝવાડા આવ્યો છું, કેટલીય વાર મેં ભાષણો આપ્યાં છે, પરંતુ કોઈ પણ વખતે કૃષ્ણા માતાનું દર્શન કરવાનું ચૂક્યો નથી. ક્યારેક સંધ્યાસમયે, ક્યારેક સૂરજ માથા પર ધગધગતો હોય તે વખતે તો ક્યારેક આકાશ વાદળાંથી ઘેરાયેલું હોવાથી બિહામણા લાગતા રાતના દશ વાગ્યાને સમયે હું કૃષ્ણાને દર્શને દોડી ગયો છું.

દરેક ઋતુમાં કૃષ્ણાની અનેરી શોભા અહીં મને દેખાઈ છે. પણ આ વખતે કૃષ્ણાએ જે અદ્ભુત સૌંદર્યનું દર્શન કરાવ્યું તેવું આ પૂર્વે કદી કરાવ્યું હોય એવું યાદ આવતું નથી. ખરા ઉનાળામાં જ્યારે બંધ નીચેનો પ્રવાહ તદ્દન ક્ષીણ થઈ જાય છે, ત્યારે પાણીના કરતાં ખડકો જ આંખને વધારે વળગે છે. અને વર્ષા ઋતુ બરાબર જામી જઈને ‘सर्वत: संप्लुतोदके’ જેવી સ્થિતિ થાય છે ત્યારે અહીં ખાસ જોવા જેવું કશું જ બાકી રહેતું નથી.

આ વખતે શિયાળાનો ‘ધનુર્માસ’ ચાલુ છે. ઠંડી માફકસર જ છે. આકાશનાં વાદળાંને જાતજાતનાં નખરાં કરવાનું સૂઝી આવે છે. નદીનું પાત્ર બંને કાંઠા સુધી છલોછલ ભરેલું છે. અને છોડી દેવા જેવું એટલું બધું પાણી નદીની પાસે ફાજલ પડેલું છે કે, લોખંડી દરવાજાની નીચે થઈને બહાર નીકળનારું પાણી વ્યાસ તથા વાલ્મીકિની પ્રતિભાની સાથે ટક્કર ઝીલી રહ્યું છે એવો આભાસ થાય છે. ઉપરની બાજુએ આ કાંઠેથી પેલા કાંઠા સુધી ભટજીના પેટ જેવું ફૂલેલું પાણી જાતજાતની હોડીઓને પોતાની સપાટી પર રમાડી રહ્યું છે અને નીચે ભાતભાતના બંધ (ડિઝાઇન) રચતું રચતું પણી જાતે જ ઉન્માદક રમતો રમી રહ્યું છે. આનંદનો, દુઃખનો, હર્ષનો અથવા ઉદ્વેગનો ઊભરો પેટમાં જ્યારે સમાતો નથી ત્યારે જેમ માણસ રહી રહીને ઉદ્ગાર કાઢ્યા જ કરે છે અને ગમે તેટલા ઉદ્ગાર કાઢે તોપણ બસ થતું નથી, તે જ પ્રમાણે અહીંના પાણીને ઠંડા હિમ જેવા ઊભરા આવતા હતા અને ફાટી ગયેલા ફીણની વક્રરેખાઓ આખા પૃષ્ઠ ભાગને આરસપહાણના પથ્થરની માફક અબરખની શોભા આપતા હતા.

અહીં પૂર્વે આ કાંઠેથી પેલા કાંઠા સુધી સેંકડો ફૂટ ઊંચી ટેકરીઓનાં શિખરોને જોડી દેનારું એક લોઢાનું લાંબું દોરડું હતું. આટલું મોટું અને આટલું લાંબું દોરડું આટલું બધું ઊંચે તાણીને બાંધેલું જવલ્લે જ જોવા મળે છે. એમ કહેવાય છે કે, ૧૯૨૫ની સાલમાં આકાશમાં ભારે મોટો વંટોળ ઊઠ્યો અને પવનના વમળનો વેગ સહન ન થવાથી આ પ્રચંડ દોરડું તૂટી ગયું! હવે એ દોરડાને બદલે તારખાતાએ બંધની નીચેની બાજુએ તારના થાંભલાઓ પર અનેક તારો બાંધેલા જોવામાં આવે છે.

અહીંના સમગ્ર દૃશ્યનું વર્ણન શી રીતે કરવું? માણસના કેવળ હાડિપજર પરથી જેમ તેના શરીરનું લાવણ્ય તેમ જ યૌવન વ્યક્ત થઈ શકતું નથી, તે જ પ્રમાણે કેવળ શાબ્દિક વિવરણ દ્વારા અહીંના જલરાશિનું અને ટેકરીઓમાં થઈને દોડનારા વારિપ્રવાહનું સૌંદર્ય વ્યક્ત થઈ શકે નહીં. ચારે કોર પ્રસરેલી ઊંચી ઊંચી ટેકરીઓ, તેમની ઉપર ઘૂમટ જેવું વ્યાપેલું આકાશ, આકાશમાં જટાયુનાં પીંછાં જેવાં વીખરાયેલાં વાદળાં અને બધાને વિવિધ પ્રકારે પ્રતિબિંબિત કરનાર કૃષ્ણાના તરંગો — આ બધો આંખનો વિષય છે; જ્યારે શબ્દો બિચારા કણશઃ અને ક્ષણશઃ કલ્પનાને જાગ્રત કરીને કાન વાટે ભેજામાં ચિત્રો પેદા કરવાનો પ્રયત્ન કરનારા રહ્યા! આ બેનો મેળ શી રીતે ખાય?

ઊભરાતા પાણીનો નશો આંખમાં ધારણ કરીને જ અમે પાસેની ટેકરી પર ચડ્યા. એક બાજુએ કંઈક આગળપડતી જગ્યા કબજે કરીને શ્રી મલ્લિકાર્જુન મહાદેવ વિજયવાડાને આશિષ આપી રહ્યા છે અને બીજી બાજુએ ટેકરીની ખીણમાં બનેલા ધરા પાસે માતા કનકદુર્ગા કૃષ્ણાના પ્રવાહની અને વિજયવાડાના માનવસાગરની સૌંદર્યલહરીઓ નિહાળી રહી છે.

ગયાં પચીસ વર્ષમાં બેઝવાડાની વસ્તી કેટલી બધી વધી છે – બેહદ વધી છે એમ, જ કહેવાનો હતો – પણ આંધ્ર જ્યારે સ્વતંત્ર રાષ્ટ્ર બનશે (તેલુગુ ભાષામાં ઇતિહાસને ‘ચરિત્ર’ અને પ્રાંતને ‘રાષ્ટ્ર’ કહે છે.) અને બેઝવાડા જ્યારે તેની રાજધાની થશે ત્યારે અહીંની વસ્તી આથી ચારગણી વધે તોય નવાઈ નહીં.

આસામ પ્રાંતમાં દાખલ થતાં જ કામાક્ષીની ટેકરી પરથી બ્રહ્મપુત્રનો વિસ્તાર અને ગોહાટીની થતી ઝાંખીથી મુગ્ધ બનેલા પાશ્ચાત્ય પ્રવાસીઓએ કહ્યું છે કે, આટલું સુંદર દૃશ્ય દુનિયામાં બીજે ક્યાંય ભાગ્યે જ જોવા મળે. મલ્લિકાર્જુન અને કનકગૌરીના મંદિર આગળથી કૃષ્ણાનો બંધ, રેલવેનો પુલ, ટેકરીઓનું સંમેલન, સુધાધવલ હવેલીઓ અને મંદિરોનાં શિખરો જોઈને મનમાં એમ થયું કે કામાક્ષીને જ જઈને પૂછીએ કે, તારી ટેકરી પરનું દૃશ્ય વધારે ભવ્ય છે કે કનકગૌરીની ટેકરી પરથી દેખાતું આ નયનમનોહર દૃશ્ય વધારે મોહક છે?

પાણી, તે પછી ગમે ત્યાં હો, ગમે તેટલું ઓછું હો અથવા અધિક હો, તે જીવતું હોય છે, તેથી પોતાનો ચમત્કાર બતાવ્યા વિના રહેતું નથી. સાપની જેમ માર્ગ કાઢીને દોડનારું ડુંગરનું ઝરણું ભલેને હો, તેને જોતાંવેંત ચિત્ત પ્રસન્ન થાય છે; ક્લ્પના શાંત ઝરણાની જેમ વહેવા માંડે છે; અને જેને જરાયે ગાતાં નથી આવડતું તે પણ કંઈક ને કંઈક ગણગણવા લાગે છે. તો પછી આવાં અસંખ્ય પ્રવાહો, વહેળા, નહેરો અને નદીઓના સમુચ્ચયથી બનેલી અફાટ કૃષ્ણા નદી જ્યારે સાગરને મળવાની તૈયારી કરે છે, ત્યારે તેનું દર્શન સાગરગંભીર થાય તો નવાઈ શી? અને તેમાંયે વળી માણસે બંધ બાંધીને પાણીનો ફુગાવો કરેલો હોય ત્યારે તે દેખાવો જોઈને નામદેવની નીચેની લીટીઓ યાદ આવવાની જઃ

सुंदरपणाचा अभिमान भारी,
त्यांतूनी गर्भिणी नामा महणें!

ગોદાવરીને કાંઠે આવેલું રાજમહેન્દ્રી અને કૃષ્ણાને કાંઠે આવેલું બેઝવાડા, એ બેના સૌંદર્યની આગળ હૂગલી કાંઠે આવેલું કલકત્તા પણ ફીકું જ લાગે છે, અને ગંગાતીરે વસેલી વારાણસી પણ પોતાની પૌરાણિક પવિત્રતાને લીધે જ પોતાની જાળવી શકે છે. મહીકાંઠાનું ખંભાત જો વિમાનમાંથી જોયું ન હોત તો એનું સ્મરણ પણ અહીં થાત નહીં. પાસે એકાદ ઊંચી ટેકરી ન હોય તો શહેરનો વિસ્તાર અને તેનો ચહેરો ચિત્ત પર શી રીતે મુદ્રિત થાય?

ઉનાળામાં જ્યારે અહીંની ટેકરીઓ તપી જાય છે ત્યારે બેઝવાડાની ભઠ્ઠી જ બનાવી મૂકે છે. પણ તે માત્ર બે મહિના પૂરતી જ. એપ્રિલ મહિના સુધી પવન વહેતો હોય છે અને જૂનની અધવચમાં વરસાદનાં ઝાપટાં ટેકરીઓને ઠારી દે છે. પણ બેઝવાડાની ખરી શોભા તો દિવાળી પછી જ જોઈ લેવી.

પાણીનો બંધ બાંધવાને લીધે એટલી બધી પ્રચંડ શક્તિ નિર્માણ કરી શકાય તેમ છે કે તદ્દન સોંઘી વીજળી પેદા કરીને બેઝવાડાનું વીજવાડા બનાવવું તદ્દન સહેલું છે ને મૈસૂર નજીકની ચામુંડા ટેકરીની જેમ અહીંની ટેકરીઓ ઉપર જો વીજળીના દીવા પ્રગટાવ્યા હોય તો સપ્તરંગી મેઘધનુષની શોભા નિર્માણ કરીને અહીં જ ગંધર્વ નગરી અથવા ઐન્દ્રજાલિક અમરાપુરી નિર્માણ કરવી પણ શક્ય છે. અને તેમ થાય તો આ બંધ પરના સરોવરને ‘અચ્છોદ’નું નામ આપવાને કોઈ વાંધો નહીં લે.

સાચે જ, બેઝવાડા એ હિંદુસ્તાનનું એક અનેરું સૌન્દર્યસ્થળ છે.

[રખડવાનો ખાનંદ, ૧૯૫૩]