ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/૨. સુવર્ણદેશની માતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૨. સુવર્ણદેશની માતા


યાત્રા કરનાર માણસે પ્રથમથી જ યાત્રાના પ્રદેશ વિષે જેટલી માહિતી મેળવી શકાય તેટલી મેળવવી જોઈએ, નહીં તો જેમ ગાયના આંચળ પર બેઠા છતાં દૂધ છોડીને લોહી ચૂસવાનું જિંગોડાના નસીબમાં હોય છે તેના જેવી સ્થિતિ થવાની. ક્યાં મુંબઈ પ્રાંત અને ક્યાં ઉત્તર બ્રહ્મદેશ! અમે મંડાલે સુધી ગયા. ત્યાંથી અમરાપુરા પણ ગયા. છતાં માહિતીને અભાવે ત્યાંની પ્રચંડ બૌદ્ધ મૂર્તિઓ જોવા ન પામ્યા; અહીં બે મદ્રાસી વિદ્યાર્થીઓ રેશમનું વણાટકામ શીખતા હતા, તેમણે પણ અમને કશું ન કહ્યું. અમરાપુરા ઐરાવતીને કાંઠે છે, મારે નાહવા જવું હતું. પણ પેલા વિદ્યાર્થીઓને એ ન ગમ્યું, આખરે ધર્મશાસ્ત્ર આગળ કરી મેં એમને કહ્યું કે, ‘નદીનું માહાત્મ્ય એકલા દર્શનમાં સમાપ્ત નથી થતું. સ્નાન, પાન અને દાન એ ત્રણ વગર નદી આશીર્વાદ ન દે.’ પછી તો અમે બધા નાહવા ગયા. નદીનો પ્રવાહ ગજગતિએ ચાલે છે. પટ ખૂબ પહોળો છે. અને આસપાસની ભૂમિ પણ સમથલ હોવાથી અહીં નદી ગંભીર દેખાય છે. ઈરાવતી કે ઐરાવતી? હું માનું છું કે નદીનું નામ ઈરા ઘાસ ઉપરથી ઈરાવતી પડેલું હોવું જોઈએ. આ નદીના કાંઠાનુ પૌષ્ટિક ઘાસ ખાઈ મદમત્ત થયેલા હાથીને ઐરાવત કહેતા હશે. અથવા ઇન્દ્રના ઐરાવત જેવી મહાકાય અને ગજગતિએ ચાલનારી આ નદી જોઈ કોઈ બૌદ્ધ ભિક્ષુને થયું હશે, ‘ચાલો, આને જ આપણે ઐરાવતી કહીએ.’

પણ ઐતિહાસિક કલ્પનાતરંગ ચલાવવાનું કામ બેઠાડું લોકોનું છે, મુસાફરને એ ન પોસાય.

ઐરાવતી જો હિંદુસ્તાનમાં હોત તો સંસ્કૃત કવિઓએ એને વિષે ઐરાવતી જેટલો જ પહોળો અને લાંબો કાવ્યપ્રવાહ વહેવડાવ્યો હોત. બ્રહ્મદેશના કવિઓએ ઐરાવતી વિષે અનેક કાવ્યો લખ્યાં હોય તો આપણે શું જાણીએ? બ્રહ્મી નથી આપણી જન્મભાષા કે શાસ્ત્રભાષા અથવા રાજભાષા. પડેાશની ભાષા શીખવા જેટલી પ્રવૃત્તિ આપણામાં છે જ ક્યાં? કોઈ અંગ્રેજ બર્મી ભાષા શીખી બર્મી કવિતા અંગ્રેજીમાં કરી આપે તો વખતે આપણે વાંચીશું ખરા. કોઈ પણ દેશ ઐરાવતી જેવી નદી માટે મગરૂર અને કૃતજ્ઞ થઈ શકે. બ્રહ્મદેશમાં રંગૂનથી ઉત્તર તરફ છેક મંડાલે સુધી અમે ટ્રેનમાં ગયા હતા. ત્યાંથી નજીકના અમરાપુરા જઈ અમે ઐરાવતીનાં પ્રથમ દર્શન કર્યાં.

આવી નદીના પૃષ્ઠ ઉપર હોડીમાં અથવા ‘વાફર’ (સ્ટીમલોંચ)માં બેસી મુસાફરી કરવી એ જીવનનો એક લહાવો જ છે. દરિયાની મુસાફરી જુદી અને નદીની જુદી.

નદીમાં મોજાં નથી હોતાં. એ બાજાુનો કાંઠો આપણને સાથ દે છે, અને આપણને નથી લાગતું કે, આપણે જીવન નામ ધારણ કરનાર પણ જીવલેણ એવા મહાભૂતના સકંજામાં સપડાયા છીએ. નદીનો પ્રવાસ એ પૃથ્વીના ગોળાના અંતરાળમાં ચાલતા સનાતન વ્યોમવિહાર જેટલો જ શાંત અને આહ્લાદક હોય છે. અત્યારે એ ઐરાવતીના પ્રવાસનું સ્મરણ કરું છું ત્યારે દ્રૌપદી સમી નર્મદાનો ચાણોદકર્નાળી તરફનો પ્રવાસ, સીતા સમી તાપીનો હજીરા પાસેના સાગરસંગમ સુધીનો પ્રવાસ, કાશીતલવાહિની ભારતમાતા ગંગાનો પ્રવાસ, મથુરાવૃંદાવનનો કૃષ્ણસખી કાલિંદીનો પ્રવાસ, કાશ્મીરના નંદનવનમાં કરેલો પાર્વતી વિતસ્તાનો પ્રવાસ, અને વનશ્રીના પિયરરૂપ ગોમંતક પ્રદેશમાંનો ગૂંચાળો જળપ્રવાસ એકસામટો યાદ આવે છે. એમાંયે ધરાઈએ એટલો લાંબો પ્રવાસ તો વિતસ્તા અને ઐરાવતીનો જ. સિંધુ, ગંગા, બ્રહ્મપુત્રા અને નર્મદાને તોલે આવે એવી આ નદી છે. ઐરાવતીનો પટ અને પ્રવાહ જોતાવેંત આ કોઈ મહાન સામ્રાજ્ય પર રાજ કરનાર સમ્રાજ્ઞી તો નહીં હોય એવો ભાવ મનમાં આવે છે. આરાકાન અને પેગુ યોમા એનું રક્ષણ કરે છે ખરા; પણ ઐરાવતીની પ્રતિષ્ઠા સાચવવા તેઓ આદરપૂર્વક દૂર દૂર ઊભા છે.

બ્રહ્મી લોકોમાં છૂંદણાનો શોખ ભારે છે. એમની કેવડાના રંગની ચામડી પર લાલ અને લીલાં છૂંદણાં શોભે છે પણ ખરાં. મહારાષ્ટ્રનાં ગામડાંમાં એવી માન્યતા છે કે આ ભવે શરીર પર ઘરેણાં છૂંદીએ તો આવતે ભવે સોનાનાં ઘરેણાં મળે, અને કપાળ પર ચાંલ્લો અને ચંદ્ર છૂંદવાથી અખંડ સૌભાગ્ય મળે. અહીંના લોકોમાં પણ એવી કંઈક માન્યતા હોવી જોઈએ, કેમ કે ઘણા ગામડિયાઓ કેડથી ગોઠણ સુધીના આખા ભાગ પર ભાતવાળી લુંગી છૂંદાવે છે. તેથી કેટલાક ભાઈઓ નદીમાં ઉઘાડા નાહવા પડ્યા છતાં નાગા જેવા લાગતા નહોતા. જહાજ વધારે થોભવાનું હોય ત્યારે અમે કિનારા પર જઈ પાસેનાં ગામડાંમાં ફરી આવતા. બ્રહ્મી ઘરો અને શેરીઓથી અમારી આંખો ટેવાઈ ગઈ હતી. એમની ભાષા અમને નહોતી આવડતી, છતાં એ નિર્વ્યાજ ગામડિયાઓનું જીવન અમને પિરિચિત જેવું જ લાગતું. મુત્સદ્દી અને વેપારી લોકોના રાગદ્વેષો બાદ કરીએ અને ધાર્મિક કે અધાર્મિક લોકોની કલ્પનાસૃષ્ટિ કોરે મૂકીએ તો માણસજાત બધે સરખી જ છે, હું તો માનું છું કે દુનિયાભરનાં ગામડાં અને ત્યાંના લોકો બધાં સરખાં જ હોવાં જોઈએ.

પ્રવાહ સાથે જાણે તાલ ધરતાં હોય તેવાં સ્તૂપો અને મંદિરો વચમાં વચમાં આવી જતાં. ઊંચી ટેકરીઓ અને શિખરો માણસજાતને હમેશ પ્રિય છે જ. તેમાં વળી નાઈલ નદી જેવી ઐરાવતી ચારે દિશાએ પોતાની કૃપાનો ઉત્પાત દરવરસે ફેલાવે ત્યારે તે ઊંચાં ઊંચાં સ્થાન એ જ માણસનું આશ્રયસ્થાન થઈ જાય છે. એના પ્રત્યેની કૃતજ્ઞતા મંદિર બાંધીને માણસ ન દાખવે તો બીજી કઈ રીતે વ્યક્ત થાય? કુદરતે આપણને શીખવ્યું છે કે લીલાં પાંદડાંમાં પીળાં પરિપક્વ ફળ પોતાની બધી ખુમારી દાખવી શકે છે. એ પાઠનો લાભ લઈ લોકોએ ઝાડો વચ્ચે મંદિર બાંધી એના પર આકાશનું આનંત્ય ચીંધનાર સોનાની આંગળીઓ ઊંચી કરેલી છે. કુદરતી શોભા માણસ સુધારી ન શકે એમ માનનારાઓએ આ શિખરો એક વાર જોવાં જોઈએ.

બપોરનો વખત હતો. અંગ્રેજી જાણનાર એક બ્રહ્મી કૉલેજિયન જોડે અમે વાતો કરતા હતા. એટલામાં એક નીરવ સાદ સંભળાયો. છિંદવીન નદી પોતાનો કરભાર લઈને ઐરાવતીને મળવા આવી હતી. બેને શો પ્રેમસંગમ! રામદાસ અને તુકારામ એકબીજાને મળ્યા હોય અથવા કવિ ભવભૂતિ પોતાનું ‘ઉત્તરરામચરિત’ શેતરંજ રમનાર કાલિદાસને સંભળાવતો હોય એવો એ દેખાવ હતો.

કલ્પનામાં તો છિંદવીનના અજ્ઞાત પ્રદેશમાં શાન રાજ્યો સુધી હું જઈ પણ આવ્યો. હાથમાં તીરકામઠું અથવા કુહાડી લઈને ફરનાર નિશ્ચિંત અને નિર્ભય એવા કેટલાયે વનવાસીઓ મને ત્યાં મળ્યા. વહેમાય તો જીવ લેનાર અને વિશ્વાસ બેસે તો જીવ આપનાર એ કુદરતનાં બાળકોનું દર્શન સુધારાનો કાદવ ધોઈ કાઢનાર મંગલસ્નાન જેવું હતું.

જહાજ પરનું પક્ષી ગમે તેટલું ઊડે તોયે આખરે જહાજ પર જ પાછું આવે છે તેમ કલ્પના પણ જંગલની સહેલ કરી ફરી પાછી જહાજ પર આવી. કેમ કે અમે પકોકુ બંદર પર આવી પહોંચ્યા હતા.

પકોકુ પાસેની કાદવવાળી નદીમાં નાહી અને બ્રહ્મી પરોણાગતનો સ્વીકાર કરી અમે ફરી જહાજ ઉપર સવાર થયા. અને ઘાસલેટના કૂવાઓ જોવા યેનનજાંવ સુધી પહોંચ્યા. અહીં અમેરિકન મજૂરોનું રાજ ચાલે છે એમ કહી શકાય. આસપાસ વનશ્રી નહીં જેવી. અહીં એક તરફ આ ઘાસલેટના કૂવાનું આધુનિક ક્ષેત્ર અને બીજી તરફ ટેકરી પર આવેલા નાનકડા પ્રાચીન બૌદ્ધ મંદિરનું તીર્થક્ષેત્ર. બંને જોઈ કેટલાયે વિચારો મનમાં આવ્યા. મંદિરની કારીગરીમાં હાથીના મોઢાવાળું એક પક્ષી કોતરાયેલું હતું. બીજા પણ એવા જ અનેક સંકરો અહીં જણાયા. પાસેના મઠમાં કેટલાક બૌદ્ધ સાધુઓ રાગડા તાણીને સંધ્યાકાળની પ્રાર્થના કે એવો જ કંઈક વિધિ કરતા હતા. ઐરાવતીને જાણે કશો પક્ષપાત ન હોય એવી રીતે એ ઘાસલેટના કૂવાના પંપનો ધમાલિયો અવાજ પણ પોતાના હૃદય ઉપર વહન કરે છે અને अनिश्वा बत संखारा आषादव्यवधम्मिणोનો શ્રાંત અથવા ચિરંતન સંદેશો પણ વહન કરે છે. અમેરિકાનું સામર્થ્ય ભલે અજોડ હોય પણ ખંડ તો બાળક જ કહેવાય ને? જીવનનું રહસ્ય આટલામાં એને ક્યાંથી હાથ લાગવાનું? એને તો નદીને કાંઠે ત્રણ ત્રણ હજાર ફૂટ ઊંડા કૂવા ખોદી ઘાસલેટ કાઢવાનું જ સૂઝવાનું. દુનિયાના સર્વ સૃષ્ટ પદાર્થો ઉત્પન્ન થાય છે ને નાશ પામે છે, એમાં બધું જ નશ્વર અને વ્યર્થ છે, અસાર છે, સાર તો કેવળ એમાંથી બચી જઈ નિર્વાણ મેળવવામાં છે, એ વાત કયો અમેરિકન સ્વીકારી શકે! પણ ઐરાવતી નદી તો ઉત્પાતિયા ઉત્સાહને લીધે જ્ઞાનનો ઇન્કાર ન કરે અને ઘરડા જ્ઞાનના ભારથી ઉત્સાહ નહીં ખોઈ બેસે. એને તો મહાસાગરમાં વિલીન થવું છે અને છતાં એ વિલીન થવાનો આનંદ અખંડ વહેવડાવવો પણ છે.

અહીંથી આગળ જઈએ. દીર્ઘિકા અનેક મુખે સાગરને મળે છે. ઐરાવતી ખરેખર સુવર્ણ દેશની માતા છે.


[બ્રહ્મદેશનો પ્રવાસ, ૧૯૩૧]