ગુજરાતી બાળવાર્તા સંપદા/પેન્સિલની પરી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
પેન્સિલની પરી

માધવી આશરા

આકાશમાં ખૂબ દૂર પરીઓની એક નગરી. આ નગરીમાં સુંદર મજાની ઘણી પરીઓ રહે. તેમાં એક હતી પેન્સિલ નામની પરી. આ પરી ખૂબ જ રૂપકડી અને થોડી નટખટ પણ ખરી. એ એટલી મસ્તીબાજ કે જ્યાં જાય ત્યાં ફૂલોની જેમ આખી દુનિયાને ખીલતી કરી મૂકે. પેન્સિલને ફરવાનો ભારે શોખ. ખાસ કરીને તેને ધરતી પર ફરવું બહુ ગમે. એટલે અવારનવાર ધતી પર આવે અને બાળકો સાથે ધીંગામસ્તી કરે, જાતજાતની રમતો રમાડે. પરીને તળાવકિનારે જવું ગમે. એટલે બાળકો પણ તળાવકિનારે રમવા આવે. બાળકો કાયમ પેન્સિલની આતુરતાથી રાહ જુએ. એક દિવસની વાત છે. બાળકોના ટોળામાંથી ચિન્ટુ નામે એક છોકરો. એ ખૂબ જ આતુરતાથી પરીની રાહ જોઈ રહ્યો હતો, પણ તે દિવસે પરી ન આવી. ચિન્ટુ દરરોજ તળાવ કિનારે જાય. પરીની રાહ જુએ, પરીને સાદ પણ પાડે, પણ કોણ સાંભળે ? એમ એમ કરતા ઘણા દિવસો વીતી ગયા. બિચારો ચિન્ટુ ઉદાસ થઈને આમતેમ આટા મારે. ત્યાં અચાનક પેન્સિલ પરી તળાવ કિનારે આવી. તેને જોતા જ ચિન્ટુ તો રાજીનો રેડ થઈ ગયો. દોડીને પરીને ગળે વળગી પડ્યો. પરીએ પણ તેને બહુ વ્હાલ કર્યું. ચિન્ટુ કહે, ‘પરીરાણી... પરીરાણી... તમે આટલા બધા દિવસ ક્યાં હતાં ?’ પરી કહે, ‘હું તો તને મળવા જ આવી રહી હતી, પણ રસ્તામાં મને એક રાક્ષસે પકડી લીધી. એટલે હું તેની કેદમાં પુરાઈ ગઈ હતી.’ ચિન્ટુ કહે, ‘તો તમે કેવી રીતે આઝાદ થયા ?’ પરી કહે, ‘મેં રાક્ષસને કહ્યું કે એક ચિન્ટુ નામનો છોકરો મારી રાહ જુએ છે, મને થોડા સમય માટે તેને મળવા જવા દે.’ ચિન્ટુ કહે, ‘તો રાક્ષસે શું કહ્યું ?’ પરી કહે, ‘એણે કહ્યું કે સારું, ચિન્ટુને મળી તરત જ પાછી આવી જજે.’ ચિન્ટુ કહે, ‘તો તમે હવે જતા રહેશો ?’ પરી કહે, ‘હા ચિન્ટુ.’ ચિન્ટુ કહે, ‘પછી મને ક્યારેય મળવા નહીં આવો ?’ પરી કહે, ‘ના, ચિન્ટુ.’ ચિન્ટુ કહે, ‘તો મને તમારી સાથે લઈ જજો.’ પરી કહે, ‘એવું ન થઈ શકે.’ ચિન્ટુ તો રડવા લાગ્યો. પરીને ચિન્ટુનું રડવું ન ગમ્યું. પછી પરીએ ખૂબ વિચાર કર્યો. એને એક યુક્તિ સૂઝી. પરી કહે, ‘ચિન્ટુ, રડવાનું બંધ કર. મારી પાસે એક યુક્તિ છે, જેનાથી આપણે હંમેશા સાથે રહી શકીશું.’ ચિન્ટુએ રડવાનું બંધ કર્યું અને પછી કહે, ‘પરીરાણી... પરીરાણી... જલદીથી એ યુક્તિ કહો.’ પરી કહે, ‘હું તારી પાસે હંમેશા એક પેન્સિલના રૂપમાં રહીશ. તો ચાલશે ?’ ચિન્ટુ કહે, ‘હા, ચાલશે.’ ચિન્ટુના કહેવાથી પરીએ તો તરત જ સુંદર પેન્સિલનું રૂપ લીધું. રંગબેરંગી ફૂલોવાળી તે ખૂબ જ દેખાવડી હતી. તેની ઉપરની બાજુએ પરીની છડી જેવો જ સ્ટાર આકારનો એક તારો હતો. તેમાં મોતી ચમકતા હતા. ચિન્ટુએ ફરી કહ્યું, ‘પણ પેલા રાક્ષસનું શું કરીશું ?’ પરી કહે, ‘તું પેન્સિલથી પેલા રાક્ષસનું ચિત્ર બનાવજે, પછી એ ચિત્રને પાણીમાં નાખી દેજે. એટલે પેલો રાક્ષસ પણ પાણીમાં ડૂબી જશે.’ ચિન્ટુને તો પરીની આ યુક્તિ બહુ ગમી. તેણે તો ફટાફટ પેલા રાક્ષસનું ચિત્ર બનાવી લીધું. પછી એક ઊંડા તળાવમાં એ ચિત્રને નાખી દીધું. એટલે સાચે જ રાક્ષસ પણ પાણીમાં ડૂબી ગયો. ચિન્ટુને તો પરીનું પેન્સિલનું રૂપ ખૂબ જ ગમ્યું. હવે કાયમ માટે પેન્સિલ પરી ચિન્ટુની સાથે જ રહેતી હતી. એ ચિન્ટુ સાથે સ્કૂલે જાય, ભણાવા બેસે, રમવા જાય, દોડવા જાય, જમવા પણ બેસે. ઉઠતા-જાગતા બધા સમયે પેન્સિલ ચિન્ટુની સાથે જ હોય, હવે પરી આઝાદ થઈ ગઈ હતી અને ચિન્ટુની પાક્કી ફ્રેન્ડ બની ગઈ હતી !