ગુજરાતી બાળવાર્તા સંપદા/રાતરાણી દિવસે મહેકે તો ?

રાતરાણી દિવસે મહેકે તો ?

હેમંત કારિયા

રાતરાણી અને સૂરજમુખી બન્ને પાક્કાં મિત્રો પણ રાતરાણીનો ઊગવાનો સમય એ જ સૂરજમુખીનો કરમાવાનો સમય અને સૂરજમુખીનો ઊગવાનો સમય એ જ રાતરાણીનો કરમાવાનો સમય, પણ જતી અને આવતી વખતે બન્ને મિત્રો સવા૨-સાંજ થોડી પળો માટે મળે અને સુખ-દુઃખની વાતો કરે. એક દિવસની વાત છે. સૂરજમુખીએ રાતરાણીને પૂછ્યું, ‘રાત કેવી હોય ? શું રાતના મજા આવે ?’ તો રાતરાણીએ કહ્યું : ‘હા, રાતના તો બહુ મજા આવે, નીરવ શાંતિ હોય. ચંદ્ર અને તારા સાથે વાતો કરવાની કેવી મજા આવે.’ પછી રાતરાણીએ સૂરજમુખીને પૂછ્યું કે ‘દિવસ કેવો હોય ?’ સૂરજમુખી કહે : ‘દિવસે તો ખૂબ જ મજા આવે. કેવાં નાનાં નાનાં પતંગિયાં મારી પાસે રમવા આવે, કેવો સરસ મજાનો સૂર્યપ્રકાશ હોય,’ આટલી વાતો થઈ ત્યાં તો સૂરજમુખીનું ફૂલ કરમાઈ ગયું અને રાતરાણીનું ફૂલ એકલું પડ્યું. એકલા એકલા વિચારવા લાગ્યું, કે કેવો હશે સૂરજનો પ્રકાશ, કેવાં હશે પતંગિયાં, પતંગિયાંઓને જો હું મળી શકું તો કેવી મજા આવે. આ મારે તો માત્ર ચંદ્ર અને તારા જ. અને આખી રાતની શાંતિ, બીજું કંઈ જ નહીં. સવારે સૂરજમુખી આવશે ત્યારે હું એને પૂછી જોઈશ, મને સવારે ઊગવા ન મળે ? પછી સવાર આવી એટલે બન્ને મિત્રો પાછાં વાતોએ વળગ્યાં. રાતરાણીએ પૂછ્યું, ‘આપણે બન્ને શું આપણાં સ્થાન ન બદલી શકીએ, હું સવારે ઊગું અને તું રાતના ઊગે એવું ના થઈ શકે ?’ સૂરજમુખી કહે, ‘જો એવું થાય તો તો ખરેખર મજા પડે, મને પણ રાત જોવાની ખૂબ ખૂબ ઇચ્છા છે, પણ એના માટે તો ભગવાનને પ્રાર્થના કરવી પડે, પણ કંઈ વાંધો નહીં. હું આજે મારા મિત્ર પતંગિયાને કહીશ તો એ ઉપ૨ ઊડીને ભગવાન પાસે આપણી વાત પહોંચાડી દેશે. રાતરાણીએ કહ્યું, ‘સારું’ એટલું કહીને બન્ને છૂટાં પડ્યાં. પછી સૂરજમુખી પાસે પતંગિયાં રમવા આવ્યાં. એટલે સૂરજમુખીએ બધી વાત પતંગિયાને કરી. તો પતંગિયું કહે, ‘હું તો આટલે ઉ૫૨ ન ઊડી શકું પણ હું ચકલીને કહીશ તો એ જરૂર તમારી વાત ભગવાન સુધી પહોંચાડશે.’ એટલે પતંગિયાએ બધી વાત ચકલીને કરી તો ચકલીએ પણ કહ્યું કે હું કાગડાને કહીશ.’ એટલે ચકલીએ કાગડાને કહ્યું, કાગડાએ સમડીને કહ્યું અને સમડીએ ગીધને કહ્યું. ગીધે ગરુડને કહ્યું, ગરુડે ભગવાનને કહ્યું એટલે ભગવાને કહ્યું કે ‘ભલે, આવતી કાલે એમ જ થશે. આવતી કાલે સવારે સૂરજમુખી ઊગશે પછી સાંજના કરમાશે નહીં. બીજે દિવસે સવારે કરમાશે અને આવતી કાલે સાંજના રાતરાણી ઊગશે નહીં પણ બીજે દિવસે સવારે ઊગશે.’ એટલે ગરુડે તો આ ખુશીના સમાચાર ગીધને આપ્યા, ગીધે સમડીને આપ્યા. સમડીએ કાગડાને, કાગડાએ ચકલીને, ચકલીએ પતંગિયાને અને પતંગિયાએ સૂરજમુખીને આ સમાચાર આપ્યા એટલે સૂરજમુખી તો ખૂબ ખુશ ખુશ થઈ ગયું. સાંજના એણે બધી વાત રાતરાણીને કરી તો રાતરાણી પણ ખુશ. રાતરાણી રાત આખી દિવસનાં સપનાં જોવા લાગી. પતંગિયાં કેવાં હશે ? વિચારવા લાગી. બીજે દિવસે સૂરજમુખીનું ફૂલ સાંજના ન કરમાયું અને રાતરાણીનું ફૂલ ન ઊગ્યું. રાત પડી એટલે સૂરજમુખીને શરૂઆતમાં તો મજા પડી. પણ જેમ જેમ રાત વીતતી ગઈ એમ સૂરજમુખીને દિવસ યાદ આવવા લાગ્યો. એ પતંગિયાં, એ તડકો, એ શો૨બકો૨ – બધું જ યાદ આવવા લાગ્યું અને સૂરજમુખીનું ફૂલ તો ગભરાવા લાગ્યું. ચંદ્ર અને તારા હોવા છતાં પણ એને નહોતું ગમતું. એ તો રોવા લાગ્યું. પછી સવારે રાતરાણીનું ફૂલ ઊગ્યું અને બન્ને મિત્રો વાતોએ વળગ્યાં. રાતરાણીએ પૂછ્યું. ‘કેમ, રાતના મજા આવીને ?’ તો સૂરજમુખીએ રડતાં રડતાં બધી વાત કરી ને કીધું, ‘મને તો રાતના નહીં ફાવે’ એટલું કહીને એ તો કરમાઈ ગયું. પછી જેમ જેમ દિવસ ચડતો ગયો એમ શરૂઆતમાં રાતરાણીના ફૂલને મજા આવી પણ પછી સૂરજની ગ૨મી વધી એટલે રાતરાણીના ફૂલથી ગ૨મી સહન ન થઈ. એ તો બળવા લાગ્યું. ખૂબ જ શોરબકોરથી એને તો ત્રાસ થયો. એટલે એણે તો પતંગિયાને કહ્યું કે પતંગિયાભાઈ, તમે ફરીથી ભગવાન પાસે વાત પહોંચાડો ને કે અમને ફરીથી અમારા સમય ૫૨ ઊગવા અને કરમાવા દે. અમે બન્ને આ આદલાબદલીથી ત્રાસી ગયાં છીએ. એટલે ફરીથી પતંગિયાએ ચકલીને, ચકલીએ કાગડાને, કાગડાએ સમડીને અને સમડીએ ગીધ દ્વારા ભગવાન પાસે વાત પહોંચાડી ને બન્નેને ફરી પાછા ઊગવાના અને કરમાવાના પોતપોતાના સમય મળ્યા.