ગુજરાતી બાળવાર્તા સંપદા/ચીતરેલો વાઘ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ચીતરેલો વાઘ

યોગેશ જોષી

દાદા એમનું લખવાનું કામ કરતા’તા ત્યાં નાનકડી રુહીના રડવાનો અવાજ આવ્યો.

“શું થયું, બેટા?” કહેતાં દાદા દોડ્યા. જોયું તો કલરબુક ખુલ્લી છે. એમાં વાઘ ચીતરેલો છે. એમાં રંગ પૂરવા માટે રુહીના હાથમાં પેસ્ટલ કલર પણ છે. પણ વાઘમાં રંગ પૂરવાના બદલે રુહી તો રડે છે!

“કેમ રડે છે, બેટા?”

હીબકાં ભરતાં રુહી બોલી, “દાદા, મને બહુ જ બીક લાગે છે...”

“દાદા તારી સાથે છે, પછી બીક શાની, બેટા?”

“આ વાઘમાં હું રંગ પૂરું ને વાઘ જીવતો થઈને મને ખાઈ જાય તો? ”

“આ તો ચીતરેલો વાઘ છે, એ કંઈ જીવતો થોડો થાય?”

“તમે એક વારતા કહી’તી, એમાં મંડપના પરદા પર ચીતરેલો વાઘ જીવતો થઈ ગયેલો ને એણે રાજકુમારને મારી નાખેલો.”

“એવું ખાલી વાર્તામાં બને બેટા, સાચુકલું ન બને.”

“બને દાદા, બને; વાઘમાં રંગ પૂરવા માટે મેં આ કલર જેવો વાઘ પર ઘસ્યો કે વાઘ સળવળ્યો હોય એવું લાગ્યું, એટલે મને બહુ જ બીક લાગી અને હું ચીસ પાડીને રડી, દાદા...”

“ઓ બાપ રે!”

“બીજી એક વાર્તામાંય તમે કહેલું દાદા, જંગલમાં વાઘનું હાડપિંજર પડેલું, કોઈએ મંત્ર ભણ્યો તો એ હાડપિંજરમાં લોહી-માંસ ભરાયાં, પછી બધાએ ના પાડી તોય એક જણે મંત્ર ભણ્યો તો એ વાઘ જીવતો થઈ ગયો!”

“એવું ખાલી વારતાઓમાં થાય, બેટા.”

“તોય મને બીક લાગે છે, દાદા...”

દાદાએ રુહીની કલરબુક હાથમાં લીધી. ને જોયું તો ચકલી, કાગડો, પોપટ... બધાં ચિત્રોમાં રુહીએ બહુ સરસ રંગો પૂરેલા! આ બતાવતાં દાદાએ કહ્યું, “અરે વાહ! તેં કેવા સરસ રંગ પૂર્યા છે આ ચિત્રોમાં! વાહ બેટા...”

આમ કહી દાદાએ રુહીનું ધ્યાન બીજે વાળવા પ્રયત્ન કર્યો.

“જો બેટા, આ ચકલીમાં તેં સરસ રંગ પૂર્યા, એ પછી આ ચકલી કંઈ ચીં ચીં કરવા લાગી?”

“હા દાદા, ચકલીમાં રંગ પૂર્યા પછી મને ચીં ચીં એવું સંભળાયું તો હતું!”

આ સાંભળી અચંબાથી દાદાની આંખો પહોળી થઈ.

દાદા બોલ્યા, “એ તો બારીમાં બેઠેલી ચકલી બોલી હશે.”

“ના દાદા, મેં રંગ પૂર્યા એ જ ચકલી બોલી’તી, ચીં ચીં...”

“તો હવે તું આ ચકલીને પેન્સિલ અડાડ ને જો, એ ચીં ચીં બોલે છે?”

“ના, દાદા...”

“જો આ પોપટમાંય તેં સરસ રંગ પૂર્યા છે. રંગ પૂર્યા પછી આ પોપટ કંઈ ઊડ્યો?”

“ના દાદા...”

“તો પછી આ ચીતરેલો વાઘ પણ જીવતો ન થાય, બેટા. તું શાંતિથી એમાં રંગ પૂર. હો.”

રુહીએ કલર હાથમાં લીધો ને વાઘમાં રંગ પૂરવા લાગી ત્યાં તો એને થયું, વાઘે આંખો પટપટાવી!

વળી એણે ચીસ પાડી ને રડવા લાગી...

“કેમ રડી પાછી?”

“હું સાચું કહું છું દાદા, આ વાઘ હમણાં જીવતો થશે. હમણાં એણે આંખો પટપટાવેલી! મને બહુ જ બીક લાગે છે!”

“તો મોરમાં રંગ પૂર; વાઘમાં રંગ પૂરવાનું રહેવા દે.”

“પણ મારે વાઘમાં જ રંગ પૂરવા છે.”

“તો વાઘમાં રંગ પૂર.”

“પણ વાઘ જીવતો થઈ જાય તો? મને બહુ જ બીક લાગે છે.”

આમ કહી રુહી તો રડ્યા કરે, રડ્યા જ કરે...

દાદા તો મૂંઝાયા કરે. હવે કરવું શું? રુહી તો બેય બાજુ રડે! ચીતરેલો વાઘ જીવતો થાય એની બીકેય રડે અને વાઘના ચિત્રમાં રંગ પૂરવા માટેય રડે!

દાદા તો આંખો મીંચીને, લમણે આંગળી મૂકીને વિચારમાં પડ્યા. પછી ચપટી વગાડતા બોલ્યા :

“રુહી બેટા, હું એક જાદુ કરું છું. તું થોડી વાર આંખો બંધ કર.”

રુહીએ આંખો બંધ કરી અને દાદુએ જાદુ શરૂ કર્યું :

કાળી પેન્સિલ લીધી. પછી ફટાફટ વાઘના ચિત્રની ઉપર આડી, ઊભી લીટીઓ કરવા માંડી. પછી રુહીને કહ્યું,

“હવે આંખો ખોલ તો, બેટા!”

રુહીએ આંખો ખોલી.

“જો બેટા”, દાદા બોલ્યા, “હવે આ વાઘ પાંજરામાં પુરાયેલો છે. હવે એ જીવતો થશે તોય પાંજરાની બહાર નહીં આવી શકે. હવે તું તારે નિરાંતે વાઘના ચિત્રમાં રંગ પૂર.”

ત્યાં તો રુહી અગાઉ કરતાંય વધારે જોરથી રડવા લાગી અને બોલી :

“વાઘને પાંજરામાં કેમ પૂરી દીધો? જાઓ, હવે એને એના જંગલમાં છોડી આવો.”

આમ કહી રુહી તો ફરી રડવા લાગી. દાદા શું કરે?