ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અજામિલાખ્યાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘અજામિલાખ્યાન’ [૨. ઈ.૧૮૦૭/સં. ૧૮૬૩, ભાદરવા સુદ ૧૫, બુધવાર] : કાન્યકુબ્જનો મહાપાપી બ્રાહ્મણ અજામિલ અંતકાળે પોતાના પુત્ર નારાયણનું નામસ્મરણ કરીને અને એ રીતે ભગવતસ્મરણ થતાં ઈશ્વરકૃપાના ફળ રૂપે સ્વર્ગ પામ્યાનું કહેવાય છે. શ્રીમદ્ભાગવતમાંની આ આખ્યાયિકાનો આધાર લઈને દયારામે રામગ્રી, મેવાડો, દેશાખ, સિન્ધુ, ભીલડી, સોરઠો અને માલકૌંસ જેવા રાગો અને દેશીબંધોમાં ૯ કડવાંનું ‘અજામિલાખ્યાન’ (મુ.)રચ્યું છે. કથાનિરૂપણમાં રસદૃષ્ટિનો આશ્રય નહીંવત્ લેવાયો છે, પરંતુ ભાગવત ઉપરાંત ગીતા, પદ્મપુરાણ, પાંડવગીતા, વિષ્ણુપુરાણ વગેરેનાં સૂત્રોને ઉદ્ધૃત કરીને અપાયેલો વિસ્તૃત ભક્તિબોધ ધ્યાન ખેંચે એવો છે. [સુ. દ.]