ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદયરત્ન વાચક-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઉદયરત્ન (વાચક)-૩ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : રાસકવિ. તપગચ્છના જૈન સાધુ. વિજયરાજ(રાજવિજય)-હીરરત્નની પરંપરામાં શિવરત્નના શિષ્ય. ઈ.૧૬૯૩માં ‘જંબૂસ્વામી-રાસ’ અને ઈ.૧૭૪૭માં ‘આદીશ્વર-સ્તવન’ રચાયાની માહિતી મળતી હોવાથી કવિનો જીવનકાળ ઈ.૧૭મી સદીનો ઉત્તરાર્ધ અને ઈ.૧૮મી સદીનો પૂર્વાર્ધ ગણી શકાય. ઉદયરત્ન ખેડાના રહીશ અને રત્ના ભાવસારના ગુરુ હતા. તેમનું મૃત્યુ મિયાગામમાં થયું હોવાનું કહેવાય છે. ‘સ્થૂલિભદ્રનવરસ’ના શૃંગારનિરૂપણને કારણે સંઘ બહાર મુકાયેલા આ મુનિને ‘બ્રહ્મચર્યની નવ વાડ’ની રચના પછી સંઘમાં પ્રવેશ મળ્યો હતો એવી કથા છે. ઉદયરત્નના વિપુલ સાહિત્યસર્જનમાં ૨૦ જેટલી રાસાત્મક કૃતિઓ, કેટલાક ચરિત્રાત્મક સલોકાઓ, છંદ, બારમાસા, સ્તવનો અને સઝાયોનો સમાવેશ થાય છે. રાસાત્મક કૃતિઓમાંથી ૨૧ ઢાળની દુહા-દેશીબદ્ધ ‘લીલાવતી-સુમતિવિલાસ-રાસ’ (૨. ઈ.૧૭૧૧/સં. ૧૭૬૭, આસો વદ ૬, સોમવાર; મુ.) વેશ્યાવશ પતિને મહિયારીને વેશએ આકર્ષી પાછો લાવનાર લીલાવતી કથા કહે છે અને કવિની દૃષ્ટાંતકલાથી ધ્યાન ખેંચે છે. ૯૬ ઢાળની દુહા-દશીબદ્ધ ‘ભુવનભાનુ-કેવલીનો રાસ/રસલહરી-રાસ’ (૨. ઈ.૧૭૧૩/સં. ૧૭૬૯, પોષ વદ ૧૩, મંગળવાર; મુ.) જ્ઞાનમૂલક રૂપકકથા છે. ૯ ઢાળની ‘સ્થૂલિભદ્રકોશા-સંવાદ/સ્થૂલિભદ્રનવરસો/સ્થૂલિભદ્ર-રાસ’ (૨. ઈ.૧૭૦૩/સં. ૧૭૫૯, માગશર સુદ ૧૧/૧૫, સોમવાર; મુ.) અન્ય કથાપ્રસંગો ટૂંકમાં નિર્દેશી, દીક્ષા લીધા પછી સ્થૂલિભદ્ર કોશાને ત્યાં ચાતુર્માસ ગાળવા જાય છે તે પ્રસંગના સ્થૂલિભદ્ર-કોશાના સંવાદને બહેલાવે છે અને તે દ્વારા કોશાના શૃંગારભાવનું મનોહારી આલેખન કરે છે. અન્ય કથાત્મક કૃતિઓ આ પ્રમાણે છે : ૬૬ ઢાળની ‘જંબૂસ્વામી-રાસ’ (૨. ઈ.૧૬૯૩/સં. ૧૭૪૯, બીજા ભાદરવા સુદ ૧૩), ૮ પ્રકારની પૂજાનો મહિમા દર્શાવવા માટે ૮ કથાનકો વણી લેતી, સવિસ્તર કથનવર્ણનધર્મબોધવાળી ૭૮ ઢાળની દુહા-દેશીબદ્ધ ‘અષ્ટપ્રકારીપૂજા-રાસ’ (૨. ઈ.૧૬૯૯/સં. ૧૭૫૫, પોષ વદ ૧૦, રવિવાર; મુ.) ૯૩ ઢાળની ‘મુનિપતિ-રાસ’ (ર.ઈ.૧૭૦૫/સં. ૧૭૬૧, ફાગણ વદ ૧૧, શુક્રવાર), ૩૧ ઢાળની ‘પંચપરમેષ્ઠી/નવકાર/રાજસિંહ-રાસ’ (૨. ઈ.૧૭૦૬/સં. ૧૭૬૨, માગશર સુદ ૭, સોમવાર), ૭૭. ઢાળની ‘બારવ્રત-રાસ’ (ર.ઈ.૧૭૦૯/સં. ૧૭૬૫, કારતક સુદ ૭, રવિવાર), ‘મલયસુંદરી-મહાબલ/વિનોદવિલાસ-રાસ’ (૨. ઈ.૧૭૧૦/સં. ૧૭૬૬, માગશર સુદ ૮, સોમવાર), ૮૧ ઢાળની ‘યશોધર-રાસ’ (૨. ઈ.૧૭૧૧/સં. ૧૭૬૭, પોષ સુદ ૫, ગુરુવાર), ૨૭ ઢાળની ‘ધર્મબુદ્ધિમંત્રી અને પાપબુદ્ધિરાજાનો રાસ’ (૨. ઈ.૧૭૧૨/સં. ૧૭૬૮, માગશર સુદ ૧૧, રવિવાર; મુ.), ‘શંત્રુજયતીર્થમાળાઉદ્ધાર-રાસ’ (ર.ઈ.૧૭૧૩), ૩૧ ઢાળની ‘ભાવરત્નસૂરિપ્રમુખ-પાંચપાટવર્ણન-ગચ્છપરંપરા-રાસ’ (ર.ઈ.૧૭૧૪), ૧૭ ઢાળની ‘ઢંઢણમુનિ-સઝાય’ (ર.ઈ.૧૭૧૬/સં. ૧૭૭૨, ભાદવરા સુદ ૧૩, બુધવાર), ૧૩ ઢાળની ‘જ્ઞાનપંચમી/વરદત્તગુણમંજરી/સૌભાગ્યપંચમી-રાસ’ (૨. ઈ.૧૭૨૬/સં. ૧૭૮૨, માગશર સુદ ૧૫, બુધવાર), ૧૩ ઢાળની દામન્નક-રાસ’ (ર.ઈ.૧૭૨૬/સં. ૧૭૮૨, આસો વદ ૧૧, બુધવાર), ‘સૂર્યયશા/ભરતપુત્રનો રાસ’ (૨.ઈ.૧૭૨૬), ૨૩ ઢાળની ‘સુદર્શનશ્રેષ્ઠી-રાસ’ (૨. ઈ.૧૭૨૯/સં. ૧૭૮૫, ભાદરવા વદ ૫, ગુરુવાર), ‘રસરત્નાકર/હરિવંશ-રાસ’ (૨.ઈ.૧૭૪૩/સં. ૧૭૯૯, ચૈત્ર સુદ ૯, ગુરુવાર), ‘મહીપતિરાજા અને મતિસાગરપ્રધાન-રાસ’ (મુ.). ૨૩ કડીનો ‘શંખેશ્વરપાર્શ્વનાથનો સલોકો’ (૨.ઈ.૧૭૦૩/સં. ૧૭૫૯, વૈશાખ વદ ૬; મુ.) શંખેશ્વર તીર્થની ઉત્પત્તિનો કારણભૂત કૃષ્ણ-જરાસંઘના યુદ્ધનો કથાપ્રસંગ વર્ણવે છે અને ૬૬ કડીનો ‘શાલિભદ્રનો સલોકો’ (૨.ઈ.૧૭૧૪/સં. ૧૭૭૦, માગશર સુદ ૧૩; મુ.), ૧૧૭ કડીનો ‘વિમળ-મહેતાનો સલોકો’ (૨.ઈ.૧૭૩૯/સં. ૧૭૯૫, જેઠ સુદ ૮, રવિવાર; મુ.), ૫૭ કડીનો ‘નેમિનાથસ્વામીનો સલોકો’(મુ.) તેમ જ ૬૮ કડીનો ‘ભરતબાહુબલિનો સલોકો’(મુ.) ચરિત્રનાયકના મુખ્ય જીવનપ્રસંગોને પ્રાસાદિક રીતે અને થોડી વાક્છટાથી વર્ણવતી રચનાઓ છે. વૈરાગ્યબોધમાં સર્યા વિના પ્રકૃતિનાં લાક્ષણિક ચિત્રોને ઉઠાવ આપતી અને વિરહભાવનું માર્મિક નિરૂપણ કરતી ૧૩ ઢાળની કૃતિ ‘નેમિનાથરાજિમતી-તેર-માસા’ ← (ર.ઈ.૧૭૦૩/સં. ૧૭૫૯, શ્રાવણ સુદ ૧૫, સોમવાર; મુ.) ગુજરાતી બારમાસા-સાહિત્યમાં નોંધપાત્ર બની રહે તેવી કૃતિ છે. ૧૦ ઢાળની ‘બ્રહ્મચર્યની/શિયળની નવવાડ-સઝાય’ (૨.ઈ.૧૭૦૭/સં. ૧૭૬૩, શ્રાવણ વદ ૨, બુધવાર; મુ.), ૨૭ ઢાળ અને ૬૪ કડીની ‘ચોવીસદંડકગર્ભિત-ચોવીસ જિન-સ્તવન’ (૨.ઈ.૧૭૨૫/સં. ૧૭૮૧, ચૈત્ર વદ ૬, મંગળવાર; મુ.) તથા ‘ચોવીસી’(મુ.) ઉદયરત્નની લાંબી પણ પરંપરાગત પ્રકારની કૃતિઓ છે. આ સિવાય ઉદયરત્નનાં ઘણાં મુદ્રિત-અમુદ્રિત સ્તવનો અને સઝાયો મળે છે જેમાંથી કેટલીક સઝાયો(મુ.) એમના વિષય કે નિરૂપણરીતિ કે ભાષાછટાથી આકર્ષક બને છે. જેમ કે, રૂપકાત્મક નિરૂપણરીતિવાળી ‘અંધેરી નગરીની સઝાય’ તથા ‘જીવરૂપી વણઝારા વિશેની સઝાય’ (૨.ઈ.૧૭૦૧), સંવાદશૈલીનો ઉપયોગ કરતી ‘ભીલડીની સઝાય’, ‘જોબન અસ્થિરની સઝાય’, ‘ભાંગવારક-સઝાય’, ‘શિખામણ કોને આપવી તે વિશેની સઝાય’ વગેરે. વિપુલ સાહિત્યસર્જન, પ્રાસાદિક કથાકથન, વર્ણનરસ, દૃષ્ટાંતકૌશલ, છંદલયસિદ્ધિ અને બાનીની લોકભોગ્ય છટાઓથી ઉદયરત્ન મધ્યકાળના એક નોંધપાત્ર કવિ બની રહે છે. કૃતિ : ૧. ધર્મબુદ્ધિ અને પાપબુદ્ધિ રાજાનો રાસ, પ્ર. નિર્ણયસાગર મુદ્રણાલય, ઈ.૧૮૮૭; ૨. ભુવનભાનુ કેવલીનો રાસ, પ્ર. શેઠ ઉકાભાઈ શિવજી, ૧૮૭૧; ૩. લીલાવતીનો રાસ, પ્ર.શા. લલ્લુભાઈ પરભુદાસ, સં. ૧૯૨૯; ૪. લીલાવતી રાણી અને સુમતિવિલાસનો રાસ, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૮૯૮; ૫. સ્થૂલિભદ્ર નવરસ, સં. જશભાઈ કા. પટેલ, સં. ૨૦૦૭;  ૬. અસસંગ્રહ; ૭. અસ્તમંજુષા; ૮. ચૈસ્તસંગ્રહ : ૨, ૩; ૯. જિભપ્રકાશ; ૧૦. જિસ્તકાસંગ્રહ : ૨; ૧૧. જૈકાપ્રકાશ : ૧; ૧૨. જૈગૂસારત્નો : ૧ (+સં.); ૧૩. જૈપ્રપુસ્તક : ૧; ૧૪. જૈરસંગ્રહ; ૧૫. દેસ્તસંગ્રહ; ૧૬. પ્રાછંદસંગ્રહ; ૧૭. પ્રામબાસંગ્રહ : ૧; ૧૮. પ્રાસપસંગ્રહ; ૧૯. પ્રાસ્તસંગ્રહ; ૨૦. બૃકાદોહન : ૨; ૨૧. માણિભદ્રાદિકોના છંદોનું પુસ્તક : ૧, પ્ર. નિર્ણયસાગર પ્રેસ, સં. ૧૯૪૦; ૨૨. શત્રુંજય તીર્થમાલા, રાસ અને ઉદ્ધારાદિકનો સંગ્રહ, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૩; ૨૩. સસન્મિત્ર; ૨૪. સઝાયમાલા : ૧-૨(જા); ૨૫. સજઝાયમાળા(પં); ૨૬. સલોકા સંગ્રહ, પ્ર. શા. કેશવલાલ સવાઈભાઈ, ઈ.૧૯૧૨;  ૨૭. જૈન યુગ, વૈશાખ-જેઠ ૧૯૮૬-હંસરત્ન વિશેની સઝાય. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨,૩(૨); ૨. જૈહાપ્રોસ્ટા; ૩. ડિક્ટૅલૉગભાઈ : ૧૯(૨); ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧.[હ.યા.]