ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દયાકુશલ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દયાકુશલ-૧ [ઈ.૧૬મી સદી અંતભાગ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં કલ્યાણકુશલના શિષ્ય. વિજ્યસેનસૂરિ ઈ.૧૫૯૩માં ફતેહપુર સિક્રી ગયેલા ત્યારે આ કવિ સાથે હતા ને એમણે રચેલા ૧૪૧ કડીના ‘લાભોદય-રાસ/વિજ્યસેનસૂરિ-રાસ’ (ર.ઈ.૧૫૯૩)માં અકબરે વિજ્યસેનસૂરિનાં ઉપદેશથી કરેલાં કાર્યોનું અને તદનુષંગે અકબરના સ્વભાવ અને પ્રતાપનું વર્ણન છે. આ ઉપરાંત એમણે પૂર્વભારતનાં તીર્થસ્થળોનો મહિમા કરતી ૪૭ કડીની ‘તીર્થમાલા-સ્તવન/પૂર્વદેશચૈત્યપરિપાટી-સ્તવન’ (ર.ઈ.૧૫૯૨), ૮ ઢાળ અને ૬૦ કડીની ‘ત્રેસઠશલાકા પુરુષઆયુષ્યાદિ-બત્રીસસ્થાનક-વિચારગર્ભિત-સ્તોત્ર’ (ર.ઈ.૧૬૨૬; મુ.), હીરવિજયસૂરિના પદમહોત્સવનું વર્ણન કરતી ‘પદમહોત્સવ-રાસ’ (ર.ઈ.૧૬૨૯), ૨૩૩ કડીની ‘વિજ્યસિંહસૂરિ-રાસ’ (ર.ઈ.૧૬૨૯/સં. ૧૬૮૫, અસાડ સુદ ૧૫, રવિવાર), નેમિનાથમુખે દૃષ્ટાંતપૂર્વક જ્ઞાનપંચમીમહિમા વર્ણવતી ૩૦ કડીની ‘પંચમીનેમિજિન-સ્તવન/પંચમીતપ-સ્વન’ (મુ.) તથા ૫ કડીની વિજયદેવસૂરિ-સઝાય’ તથા ૫ કડીની ‘ગણધરનામ-સઝાય’ એ કૃતિઓ રચેલી છે. કૃતિ : ૧. ઐસમાલા : ૧; ૨. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવન સંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯;  ૩. જૈન સત્યપ્રકાશ, નવે. ૧૯૪૬ - ‘મુનિરાજ દયાકુશલજી વિરચિત ત્રેસઠ સલાક પુરુષ આયુષ્યાદિ બત્રીસ સ્થાનક વિચારગર્ભિત સ્તવન’-સં. મુનિ રમણિકવિજય. સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૩. મુનિ શ્રી દર્શનવિજય વગેરે, ઈ.૧૯૬૪;  ૨. જૈગુકવિઓ : ૧, ૩(૧); ૩. મૂપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]