ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધનદાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ધનદાસ [ઈ.૧૬૭૩ સુધીમાં] : ધંધુકાના વતની તથા જ્ઞાતિએ સંભવત: પટેલ હોવાનું જણાવાયું છે પણ તેનો આધાર સ્પષ્ટ નથી બીજી બાજુથી ‘રામ-કબીરસંપ્રદાય’માં કવિની ‘અર્જુન-ગીતા’માં રામકૃષ્ણની અભેદભાવની ભક્તિ તથા સગુણની સાથે નિર્ગુણભક્તિનું નિરૂપણ હોવાથી કવિ ઉદાસંપ્રદાયના જીવણશિષ્ય કૃષ્ણદાસના શિષ્ય ધનાભગત / ધનાદાસ હોવાનો તર્ક થયો છે. એ ધનાભગત આગલોડના કડવા પાટીદાર હતા અને તેમણે કૃષ્ણદાસ પાસે લગભગ ઈ.૧૬૬૮માં ઉદાધર્મનો સ્વીકાર કર્યો હતો. સરસ્વતી છંદની ચાલમાં રચાયેલી ૪૬/૪૭ કડીની ‘અર્જુનગીતા/સાર-ગીતા/ભક્ત-ગીતા’ (લે.ઈ.૧૬૭૩; મુ.) વસ્તુત: ભગવદ્ગીતાના સારાનુવાદરૂપ નથી પરંતુ રામ-કૃષ્ણ આદિ અવતારોમાં ભગવાને ભક્તોને કરેલી સહાયની સાથે જ્ઞાની ભક્તનાં લક્ષણ અને ભગવાનનો ભક્ત પ્રત્યેનો આત્મીયભાવ વર્ણવે છે. શ્રીકૃષ્ણે અર્જુનને કરેલા સંબોધન રૂપે રચાયેલ આ કાવ્ય એના સરળ તત્ત્વજ્ઞાન, પ્રાસાદિક અભિવ્યક્તિ અને ભક્તલક્ષણ વર્ણવતી “સંસાર સું સરસો રહે, ને મન મારી પાસ” એવી કેટલીક ચોટદાર પંક્તિઓથી ગુજરાતમાં લોકપ્રિય બની નિત્યપાઠમાં પણ સ્થાન પામ્યું છે. આ કવિને નામે ‘પંચશ્લોકી ભાગવત’ તથા બોધનાં પદ નોંધાયેલાં છે પણ તેની અધિકૃતતા ચકાસણીને પાત્ર છે. કૃતિ : ૧. કાદોહન : ૧; ૨. બૃકાદોહન : ૨(+સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુજૂકહકીકત; ૩. પ્રાકકૃતિઓ : ૪. રામકબીર સંપ્રદાય, કાંતિકુમાર સી. ભટ્ટ, ઈ.૧૯૮૩;  ૫. ગૂહાયાદી; ૬. ફૉહનામાવલિ. [દે.જો.]