ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરપતિ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નરપતિ-૧ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : એમની ‘પંચદંડ-પ્રબંધ/ચોપાઈ’માં થોડા જૈન ઉલ્લેખો મળે છે પણ એ અન્ય જૈન કવિઓની રચનાઓના પ્રભાવથી આવેલા કે પ્રક્ષિપ્ત હોવાનો સંભવ જણાવાથી કવિ જૈન હોવાનું મનાયું નથી. દુહા ચોપાઈની આશરે ૮૫૦ કડી અને ‘વારતા’ નામક ગદ્ય-અંશો ધરાવતી ૫ આદેશની ‘પંચદંડ-પ્રબંધ-ચોપાઈવિક્રમાદિત્ય-ચરિત્ર-રાસ’ (રચના-આરંભ ઈ.૧૪૫૮ કે ૧૪૮૪/સં.૧૫૧૪ કે ૧૫૪૦, ભાદરવા વદ ૨, બુધવાર; મુ.) દેવદમની ગાંછણના આદેશથી વિક્રમ ૫ ચમત્કારિક દંડો પ્રાપ્ત કરે છે તેની કથા કહે છે ને રૌદ્ર-અદ્ભુતનાં ચિત્રો, હાસ્યવિનોદની રેખાઓ ને રસાળ કથાકથનથી ધ્યાનાર્હ બને છે. ૫ આદેશ અને દુહા-ચોપાઈની ૧૩૭ કડીની ‘નંદબત્રીસી-ચોપાઈ’ (ર.ઈ.૧૪૮૯) પ્રધાનપત્ની પદ્મિનીથી મોહાંધ બનેલા પરંતુ ચારિત્ર્યસ્ખલનમાંથી બચી ગયેલા નંદરાજા પ્રત્યેના પ્રધાનના વેરની જાણીતી કથા ખાસ કશી વિશેષતા વિના વર્ણવે છે. પોતાની કૃતિઓમાં સુભાષિતોનો અવારનવાર ઉપયોગ કરનાર આ કવિને નામે ‘સ્નેહપરિક્રમ/શૃંગારપ્રકમ’ (*મુ.) ‘નિ:સ્નેહપરિક્રમ/વૈરાગ્યપ્રકમ’ (*મુ.) તથા અન્ય સુભાષિત-દુહા અને ૧૦ કડીની ‘જિહ્વા-દંત-સંવાદ’ (*મુ.) નામની લઘુકૃતિ મળે છે. પહેલાં ૨ સુભાષિતસંગ્રહો નરપતિ-નાલ્હનાં માનવાનું આધારભૂત જણાતું નથી. કૃતિ : ૧. (કવિ નરપતિકૃત) પંચદંડની વાર્તા, સં. શંકરપ્રસાદ છ. રાવલ, ઈ.૧૯૩૪ (+સં.);  ૨. (*મુ.) ગુજરાતી, દીપોત્સવી અંક સં. ૨૦૦૩-‘નરપતિકૃત દંતજિહ્વાસંવાદ-જૂની ગુજરાતી કાવ્ય’, સં. ભોગીલાલ જ. સાંડેસરા; ૩. બુદ્ધિપ્રકાશ, જુલાઈ-સપ્ટે. ૧૯૩૨-‘નરપતિકૃત નંદબત્રીસી’; સં. ભોગીલાલ જ. સાંડેસરા (+સં.); ૪. (*મુ.) સંમેલનપત્રિકા, વ. ૪૬, અં. ૪-‘નરપતિ નાલ્હકી દો દુર્લભ કાવ્યકૃતિયાં’, મદનલાલ દૌલતરામ મેહતા. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. નયુકવિઓ;  ૩. બુદ્ધિપ્રકાશ, ઑક્ટો. ૧૯૬૦-નરપતિકૃત-‘પંચદંડ’ની એક જૂની હસ્તપ્રત’, સોમાભાઈ પારેખ; ૪. બુદ્ધિપ્રકાશ, ઑક્ટો. ૧૯૬૨-‘નરપતિની બે અજ્ઞાતપ્રાય રચના’, હરિવલ્લભ ભાયાણી;  ૫. જૈગુકવિઓ : ૧, ૩(૧,૨); ૬. ડિકેટલોગબીજે; ૭. ડિકેટલોગભાવિ; ૮. મુપુગૂહસૂચી; ૯. હૈજૈજ્ઞાસૂચિ : ૧. [પ્ર.શા.]