ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નંદ-બત્રીસી’
‘નંદ-બત્રીસી’ : પ્રધાનપત્ની પદ્મિનીના શામળની કલમના રૂઢ રૂપવર્ણનના અપવાદ સિવાય કવિતા કરતાં વાર્તાવસ્તુને કારણે રસપ્રદ બનેલી આ શામળની વાર્તા(મુ.) ચોપાઈ-દોહરા અને રોળા-ઉલ્લાલાના છપ્પાની બધી મળીને ૬૩૫ કડીમાં રચાયેલી છે. પ્રધાન વૈલોચનની રૂપવતી પત્ની પદ્મિનીના દેહના સ્પર્શથી સુવાસિત વસ્ત્રો તરફ દિવસે ભમરા આકર્ષાઈ આવતા. તેમના ત્રાસથી બચવા એ વસ્ત્ર ધોબી રાત્રે ધોતો હતો ત્યારે રાત્રિનગરચર્યાએ નીકળેલા રાજા નંદસેનને પ્રધાનપત્નીના સૌંદર્યની ધોબી પાસેથી જાણ થઈ.બીજે દિવસે પ્રધાનને કચ્છમાં ઘોડા લેવા મોકલી રાજા રાત્રે પ્રધાનને ઘેર ગયો. ગયો હતો કામાસક્તિથી પ્રેરાઈને, પણ ત્યાંના પોપટની દક્ષતાભરી વાણીથી તેમ પદ્મિનીના બોધક ઉપાયથી તેની કામવૃત્તિ વિગલિત થઈ ગઈ.“અર્ધું મન પોપટથી પળ્યું, અર્ધું નારીગુણથી ગળ્યું” એને “જાર આવ્યો તે જનક જ થયો, પસલી આપી મંદિર ગયો.” ઘેર પાછો ફરેલો પ્રધાન, પોપટ તથા પદ્મિનીના તેમ જ તે પછી રાજાના તથા પદ્મિનીનું સતીત્વ કેવા ચમત્કારથી સિદ્ધ થઈ રાજાને સજીવન કરે છે, તે વિસ્તારીને વર્ણવતી આ વાર્તા એના મધ્યકાલીન શ્રોતાઓની જેમ આજના વાચકોને ય પકડી રાખે તેવી છે. વાર્તામાં રાજા, પ્રધાન, પદ્મિની અને પોપટ એ ચારે મુખ્ય પત્રોના મોમાં સંસારજ્ઞાન અને વ્યવહાર-નીતિબોધના ઢગલાબંધ સુબોધક દોહરા-ચોપાઈ મૂકતાં કવિએ પાછું વાળીને જોયું નથી. પદ્મિનીના પિતાને ત્યાં પ્રધાનની શંકાના નિવારણાર્થે રમાતી પાસાબાજીમાં ૪ પાત્રો વડે ઉચ્ચારાતા ૨૦ અને વાવમાં પાણી પીવા જતાં રાજાએ અને પ્રધાને ૬-૬ વાર દીવાલ પર લખેલા ૧૨ એમ કુલ ૩૨ દોહરાને કારણે વાર્તાને ‘નંદ-બત્રીસી’ નામ અપાયું છે. પાસાની રમતનો પ્રસંગ શામળની સ્વતંત્ર કલ્પનાનો ઉમેરો છે. પુરોગામી ‘નંદ-બત્રીસી’ઓમાં એ નથી. [અ.રા.]