ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નેમિરંગરત્નાકર-છંદ-રંગરત્નાકર નેમિનાથ-પ્રબંધ’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘નેમિરંગરત્નાકર-છંદ/રંગરત્નાકર નેમિનાથ-પ્રબંધ’  [ર.ઈ.૧૪૦૯] : તપગચ્છના જૈન સાધુ લાવણ્ય સમયની નેમિનાથ અને રાજિમતીના પ્રસિદ્ધ કથાનકને આલેખતી ૨ અધિકારમાં વહેંચાયેલી ૨૫૨ કડીની અને દુહા, રોળા, હરિગીત, આર્યા, ચરણાકુળ જેવા મુખ્યત્વે માત્રામેળ છંદોમાં રચાયેલી આ નોંધપાત્ર રચના (મુ.) છે. જન્મથી માંડી કેવળપદની પ્રાપ્તિ સુધીના નેમિનાથના જીવનના પ્રસંગોને એમનું ધર્મવીર તરીકેનું ચરિત્ર ઊપસી આવે એ રીતે કવિએ આલેખ્યા છે. પરંતુ આ કૃતિનું આકર્ષક તત્ત્વ કવિનું ભાષાપ્રભુત્વ છે. કૃષ્ણના અંત:પુરની રાણીઓનું નેમિનાથ સાથેનું વસંતખેલન ને એમનાં હસીમજાક તથા રાજિમતીનું અંગલાવણ્ય ઇત્યાદિ ઘણાં પ્રસંગો ને વર્ણનો ઉપમા, ઉત્પ્રેક્ષા જેવા અર્થાલંકરો; કહેવતો; પ્રાસઅનુપ્રાસ, આંતરયમક, રવાનુકારી શબ્દોથી અનુભવાતા નાદતત્ત્વ ઇત્યાદિ ભાષાકીય પ્રયુક્તિઓથી ચિત્રાત્મક, ભાવસભર અને લયાન્વિત બન્યાં છે. લગ્નવિધિ, સન્માનની પ્રણાલી, ભોજનની વાનગીઓ, લગ્નોત્તર જીવનમાં મનુષ્યને ભોગવવા પડતા દુ:ખ, પાપી જીવોને ભોગવવા પડતા નાનાવિધ દંડ વગેરે અનેક વર્ણનોમાં તત્કાલીન સમાજજીવન કવિએ ઉપસાવ્યું છે અને એ એનું બીજું વિશિષ્ટ આકર્ષણ છે. નેમિનાથ લગ્નોત્તર વિપત્તિઓને વર્ણવે છે તેમાં કાયર પુરુષ; માથાભારે પત્ની; સ્ત્રીની આભુષણો માટે માગણી; તેલ, મીઠું, મરચું બળતણ માટેનો સ્ત્રીનો કકળાટ વગેરે ઝીણી વીગતોનું આલેખન કવિની સમાજનિરીક્ષણની શક્તિનું દ્યોતક છે. [કા.શા.]