ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/બ્રહ્માનંદ સ્વામી-૩


બ્રહ્માનંદ(સ્વામી)-૩ [જ. ઈ.૧૭૭૨/સં.૧૮૨૮, મહા સુદ ૫ અવ. ઈ.૧૮૩૨/સં.૧૮૮૮, જેઠ સુદ ૧૦] : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. જન્મ આબુ પર્વતની તળેટીમાં આવેલા રાજસ્થાનના શિરોહી રાજ્યના ખાંણ ગામમાં. પૂર્વાશ્રમનું નામ લાડુદાનજી. પિતાનું નામ શંભુદાન ગઢવી. માતાનું નામ લાલુબા. જ્ઞાતિએ ચારણ. નાની ઉંમરે તેમની શીઘ્ર કવિતા કરવાની શક્તિથી પ્રસન્ન થયેલા શિરોહી રાજ્યના રાજવીએ રાજ્યને ખર્ચે ભૂજની કાવ્યશાળામાં મોકલ્યા. ત્યાં શ્રી અભયદાનજી પાસેથી પિંગળ અને અલંકારશાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું. પછી વિવિધ રાજ્યોના રાજવીઓને પોતાની કાવ્યશક્તિથી મુગ્ધ કર્યા. ઈ.૧૮૦૪માં ભૂજમાં સહજાનંદ સ્વામી સાથે મેળાપ અને તેમનાથી પ્રભાવિત. ઈ.૧૮૦૫માં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ બન્યા. સાધુ બન્યા પછીનું નામ શ્રી રંગદાસજી અને પાછળથી બ્રહ્માનંદ. સાધુ બન્યા ત્યારે કુટુંબમાં ઊહાપોહ અને સ્વજનો તરફથી લગ્ન માટે દબાણ. વડોદરાના ગાયકવાડ નરેશ તરફથી રાજકવિ બનવા માટેનું નિમંત્રણ. બંને પ્રલોભનોને વશ ન થયા. ઈ.૧૮૨૩માં સહજાનંદ સ્વામીના આદેશથી વડતાલમાં સ્વામિનારાયણનું મંદિર બંધાવવાની શરૂઆત કરી અને ત્રણેક વર્ષમાં એ કામ પૂરું કર્યું ત્યારપછી જૂનાગઢ અને મૂળીના મંદિર પણ તેમની દેખરેખ નીચે બંધાયાં. મૂળી મંદિરના મહંત બન્યા અને ત્યાં જ એમનું અવસાન થયું. સહજાનંદ સ્વામીના સખા અને શીઘ્રકવિ તરીકે પંકાએલા કવિએ લાડુદાન, શ્રી રંગદાસ અને બ્રહ્માનંદને નામે હિંદી, ચારણી અને ગુજરાતીમાં વિપુલ પ્રમાણમાં સર્જન કર્યું છે. કવિની લાંબી રચનાઓ મુખ્યત્વે હિંદીમાં છે. ગુજરાતીમાં રચાયેલી કૃતિઓ લગભગ પદો રૂપ છે અને કવિની કવિત્વશક્તિ ગુજરાતીમાં આ પદો(મુ.) પર જ નિર્ભર છે. કવિએ ૮૦૦૦ જેટલાં પદ રચ્યાં હોવાનું મનાય છે, પરંતુ અત્યારે ૨૬૦૦ જેટલાં પદ મુદ્રિત રૂપે મળે છે, જેમાં ગુજરાતી, હિન્દી, ચારણી અને કચ્છી ભાષામાં રચાયેલાં પદોનો સમાવેશ થાય છે. ગરબી, આરતી, થાળ, ભજન વગેરે પ્રકારોમાં મળતાં; ઝૂલણા, ચોપાઈ, હરિગીત, કુંડળિયા, રેણકી જેવા છંદોની દેશીઓમાં રચાયેલાં ને વિવિધ રાગનિર્દેશવાળાં આ પદો પર સાંપ્રદાયિક અસર વિશેષ પ્રમાણમાં દેખાય છે. મંગળા, શણગાર, રાજભોગ, શયન વગેરેનાં જુદે જુદે સમયે મંદિરોમાં થતાં દર્શન કે શરદપૂર્ણિમા, દિવાળી, અન્નકૂટ, એકાદશી વગેરે અનેક સાંપ્રદાયિક ઉત્સવોને વિષય બનાવી મોટી સંખ્યામાં ચૉસરપદો કવિએ રચ્યાં છે. સહજાનંદ સ્વામી સાથે રહી વિવિધ પ્રસંગોએ થયેલા અનુભવો પર આધારિત ઘણી પ્રાસંગિક પદરચનાઓ પણ કવિએ કરી છે, જેમાં સહજાનંદસ્તુતિ મુખ્ય લક્ષ્ય છે. એ સિવાય નરસિંહથી જોવા મળતી પ્રેમલક્ષણાભક્તિનાં પદોની સમૃદ્ધ પરંપરાને અનુસરી કૃષ્ણભક્તિનાં પદ અનેક પદ કવિએ રચ્યાં છે. એમાં ભાગવતનિરૂપિત કૃષ્ણજીવન સાથે સંકળાયેલી વિવિધ સ્થિતિઓ-કૃષ્ણજન્મઉત્સવ, બાળલીલા, દાણલીલા, રાસ, ગોપીનું, ઇજન, ગોપીવિરહ, ઉદ્ધવસંદેશ વગેરે-કાવ્યવિષય બને છે. સાંપ્રદાયિક પ્રભાવને લીધે શૃંગારપ્રીતિનાં પદોમાં નરસિંહ-દયારામ જેવી શૃંગારની પ્રગલ્ભતા નથી, પરંતુ દાણલીલા અને ગોપીઉપાલંભનાં પદોમાં કવિની વિનોદશક્તિ સારી ખીલી ઊઠી છે. કવિએ રચેલાં ભક્તિ ને વૈરાગ્યબોધનાં પદોમાં ભક્તિ પરની અડગ નિષ્ઠા વ્યક્ત કરતાં પદો શૌર્યસભર શૈલીથી વિશિષ્ટ ખુમારીનો અનુભવ કરાવે છે સૌરાષ્ટ્રની બોલીનો રણકો, પ્રાસ-અનુપ્રાસ મેળવવાની સહજશક્તિ, પદરચનાનાં સફાઈ ને માધુર્ય કે ધ્રુવપંક્તિઓનું લયવૈવિધ્ય એમ અભિવ્યક્તિની દૃષ્ટિએ કે વિષયવૈવિધ્યની બ્રહ્માનંદનાં પદો સ્વામિનારાયણ સંપ્રદાયની કવિતામાં તો મોખરાનું સ્થાન ભોગવે છે. પરંતુ ગુજરાતી પદસાહિત્યમાં પણ વિશિષ્ટ બની રહે છે. ‘શિક્ષાપત્રી’નો ગુજરાતી પદ્યાનુવાદ કે ૭ અધ્યાયમાં સતી સ્ત્રીના ધર્મ વર્ણવતી ‘શ્રી સતીગીતા’ (ર.ઈ.૧૮૨૭) એમની અન્ય ગુજરાતી કૃતિઓ છે. ‘સુમતિપ્રકાશ’, ‘વર્તમાનવિવેક’, ‘ઉપદેશચિંતામણિ’, ‘નીતિપ્રકાશ’, ‘ધર્મસિદ્ધાંત’, ‘બ્રહ્મવિલાસ’, ‘રાસાષ્ટક’ વગેરે એમની હિન્દી ને ચારણીમાં રચાયેલી કૃતિઓ છે. કૃતિ : ૧. બ્રહ્માનંદપદાવલિ, સં. ઈશ્વરલાલ ર. દવે, ઈ.૧૯૭૯ (+સં.); ૨. શ્રી બ્રહ્માનંદકાવ્ય : ૧, સં. રાજકવિ માવદાનજી ભીમજીભાઈ, ઈ.૧૯૬૭ (ત્રીજી આ.) (+સં.); ૩. એજન, સં. કરમશી દામજી અને મોતીલાલ ત્રિ. ફોજદાર, ઈ.૧૯૦૨ (+સં.)  ૪. અભમાલા; ૫. કીર્તન મુક્તાવલિ, સં. બોચાસણવાસી શ્રી અક્ષરપુરષોત્તમની સંસ્થા, ઈ.૧૯૭૮ (બીજી આ.); ૬. છંદરત્નાવલિ, સં. વિહારીલાલ મહારાજ અને ભગવતપ્રસાદજી મહારાજ, ઈ.૧૮૮૫; ૭. બૃકાદોહન : ૧, ૨, ૩, ૫, ૬; ૮. ભસાસિંધુ; ૯. શિવપદસંગ્રહ : ૧, સં. અંબાલાલ શં. પાઠક અને લલ્લુભાઈ કા. પંડ્યા, ઈ.૧૯૨૦; ૧૦. સહજાનંદવિલાસ, સં. ગિરધરલાલ પ્ર. માસ્તર અને હિંમતલાલ બ. સ્વામિનારાયણ, ઈ.૧૯૧૩; ૧૧. હરિચરિત્ર ચિંતામણિ, પ્ર. રાધામનોહરદાસજી, સં. ૨૦૨૦. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુમાસ્તંભો; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ગુસામધ્ય; ૫. થોડાંક રસદર્શનો, ક. મા. મુનશી, ઈ.૧૯૩૩; ૬. નભોવિહાર, રામનારાયણ વિ. પાઠક. ઈ.૧૯૬૧; ૭. પ્રાકકૃતિઓ; ૮. મસાપ્રવાહ; ૯. સંતસાહિત્યનો સ્વાધ્યાય, હરિપ્રસાદ ત્રિ. ઠક્કર, ઈ.૧૯૭૭; ૧૦. સ્વામિનારાયણ સંપ્રદાયનો સચિત્ર ઇતિહાસ, સં. શાસ્ત્રી સ્વયંપ્રકાશદાસ, સં. ૨૦૩૦ (બીજી આ.);  ૧૧. ફાત્રૈમાસિક, જાન્યુ.-માર્ચ ૧૯૬૨-‘બ્રહ્માનંદનાં કાવ્યો’, રામપ્રસાદ બક્ષી;  ૧૨. ગૂહાયાદી; ૧૩. ડિકૅટલૉગભાવિ. [ચ.મ.]