ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજબાઈ-રાજકુંવરબાઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રાજબાઈ/રાજકુંવરબાઈ [ ] : સોરઠનાં સ્ત્રી કવિ તેઓ પુષ્ટિસંપ્રદાયનાં હતાં. તેમની પુષ્ટિસંપ્રદાયના એક પેટા વિભાગ ભરરુચિ સંપ્રદાયની ‘સ્વાનુભવસિદ્ધાંત સ્વવિરહાવસ્થા જ્ઞાપક-વિજ્ઞપ્તિઓ’(મુ.) નામની કૃતિ મળે છે. તેમાં દેશાવર, મારુ, હાલારી, લલિત, ધનાશ્રી વગેરે જુદા જુદા રાગોમાં ૧૮ વિજ્ઞપ્તિઓ અને ૩૬ દુહા છે. આ કૃતિનું વિષયવસ્તુ પ્રભુના અલૌકિક ગૂઢ સ્વરૂપની અનન્ય ભક્તિનું છે. એ ભક્તિને ખાતર સંસારનો ત્યાગ કરવાની તત્પરતા, સાચા સ્નેહની ટેક તથા ખુમારી કેળવવાં પડે છે જગતની ઉપેક્ષા સહન કરવી પડે છે; જેને રસિયા રૂપે કલ્પ્યા છે તે રિસાયેલા પ્રભુને મનામણાં કરવા પડે છે અને ભવોભવ એ પ્રભુને વરવાની ઇચ્છા સેવવી પડે છે. સજબાઈ ‘સોરઠી મીરાં’ તરીકે પ્રસિદ્ધ છે. તેમની રચનામાં પણ મીરાંબાઈના જીવન અને કવનની અસર દેખાયછે. કૃતિ : સ્વાનુભવ સિદ્ધાંત સ્વવિરહાવસ્થા જ્ઞાપક વિજ્ઞપ્તિઓ, પ્ર. પ્રેરણા પ્રકાશન મંદિર, ઈ.૧૯૫૨ (બીજી આ.). સંદર્ભ : ૧. પુગુસાહિત્યકારો; ૨. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૫;  ૩. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૭૫-‘રાજકુંવરબાઈ સોરઠિયાણી’, કુમેદબેન પરીખ.