ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રાજે [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કેરવાડા ગામના મોલેસલામ મુસ્લિમ કવિ. તેમના કેટલાક ચુસરામાં ‘કહે રાજે રણછોડ’ એવી પંક્તિ મળે છે તેના પરથી તેમના પિતાનું નામ રણછોડ હોવાનું અનુમાન થયું છે. પરંતુ ‘રણછોડ’ શબ્દ ત્યાં કૃષ્ણવાચક હોવાની સંભાવના છે. એમના કેટલાક ચુસરામાં ‘કહે રાજે રઘનાથ’ એવી પણ પંક્તિ મળે છે ત્યાં પણ ‘રઘનાથ’ શબ્દ રામવાચક લાગે છે. દયારામના નજીકના પુરોગામી તરીકે પ્રેમલક્ષણાભક્તિ અને જ્ઞાનબોધની મધુર ને પ્રાસાદિક કવિતા રચનાર કવિ તરીકે રાજે નોંધપાત્ર છે. કૃષ્ણના ગોકુળજીવનના ઘણા પ્રસંગોને લઈ એમણે કૃતિઓ રચી છે. એમાં સાખી ને ચોપાઈની ચાલનાં ૧૮ ટૂંકાં કડવાંમાં રચાયેલી ‘રાસપંચાધ્યાયી/કૃષ્ણનો રાસ’(મુ.)માં ભાગવતના મૂળ પ્રસંગને અનુસરી કવિએ ગોપીઓની કૃષ્ણ પ્રત્યેની ઉત્કટ પ્રીતિનો મહિમા કર્યો છે. ૧૦૦ કડીની ‘ગોકુળલીલા’(મુ.) બાળકૃષ્ણે જસોદા અને ગોપીઓ પાસે કરેલાં તોફાનને વર્ણવે છે. પ્લવંગમની ૫૦ કડીઓમાં રચાયેલી ‘ચુસરાસોહાગી’(મુ.)માં કવિ ગોપી રૂપે દીન ભાવે કૃષ્ણના પ્રેમની ઝંખના કરે છે. સવૈયાની ૩૨ કડીની ‘માંનસમો’(મુ.)માં કૃષ્ણ દૂતી દ્વારા પોતાથી રિસાયેલી રાધાને મનાવવાનો પ્રયત્ન કરે છે એ પ્રસંગને વિશેષ દૂતી અને રાધાના સંવાદ દ્વારા આલેખ્યો છે. સવૈયાની ૨૪ કડીના ‘દાણસમુ’(મુ.)માં ગોપી, કૃષ્ણ અને જસોદા વચ્ચેના સંવાદરૂપે દાણલીલાના પ્રસંગને આલેખી એમાંથી કૃષ્ણના નટખટ ચરિત્રને ઉપસાવ્યું છે. ગોપીવિરહના ૨ ‘બારમાસ’(મુ.)માંથી ૧ મથુરા ગયેલા કૃષ્ણની રાહ જોતી ગોપીના વિરહભાવ અને દૈન્યને એટલી મધુર વાણીમાં વ્યક્ત કરે છે કે ગુજરાતીની એ સત્ત્વશીલ મહિનાકૃતિ બની રહે છે. ૪ પદની ‘રાધિકાજીના સ્વપ્નમાં પરણ્યાં વિશે’(મુ.)માં રાધાની માતા રાધાએ કૃષ્ણ સાથે લગ્ન કરી લીધાં છે એવું સ્વપ્ન આવતાં રાધાને લગ્ન કરવા બદલ ઠપકો આપે છે અને રાધા સ્વબચાવ કરે છે એ પ્રસંગને સંવાદરૂપે આલેખ્યો છે. ૨૫ કડીની ‘વસંતઋતુની સાખીઓ’(મુ.), ‘વ્રેહગીતા/વિરહગીતા’ (ર.ઈ.૧૭૧૨), ‘રુક્મિણીહરણ’ અને ‘વિનંતડી’ અન્ય કૃષ્ણભક્તિની રચનાઓ છે. પરંતુ કવિની ખરી કવિત્વશક્તિ પ્રગટ થાય છે એમનાં ૧૫૦ જેટલાં મુદ્રિત રૂપે મળતાં પદોમાં. વિવિધ રાગઢાળમાં રચાયેલાં આ પદો રચનારીતિના વૈવિધ્ય, ભાષાનું માધુર્ય, કલ્પનાની ચમત્કૃતિ અને ભાવની આર્દ્રતાથી કવિને સારા પદકવિમાં સ્થાન અપાવે એવાં સત્ત્વશીલ છે. કવિની જ્ઞાનવૈરાગ્યમૂલક રચનાઓની અંદર પ્લવંગમ છંદમાં રચાયેલા ૫૦ ‘જ્ઞાનચુસરા’માં સંસારની માયાનો ત્યાગ કરી હરિભજન કરવાનો બોધ તળપદી ભાષાના પોતવાળી ઉદ્બોધન શૈલીમાં કવિ આપે છે. પરંતુ કુંડળિયામાં રચાયેલી ‘વૈરાગ્યબોધ/જ્ઞાનબોધ’(મુ.) વધારે ભાવસભર કૃતિ છે. પ્રારંભમાં એમાં ઇશ્વરસ્મરણનો બોધ છે. પણ પછીથી કવિ આર્દ્ર ભાવ ઇશ્વરકૃપા યાચે છે અને ક્યારેક કૃષ્ણ મિલન માટે ગોપી રૂપે ઉપાલંભનો પણ આશ્રય લે છે. એ સિવાય ૪૫ કડવાંની ‘પ્રકાશ-ગીતા’, ૧૩૫ દુહાની ‘સતશિખામણ’ તથા કેટલાંક જ્ઞાનમૂલક પદો(મુ.) કવિની બીજી જ્ઞાનમૂલક કૃતિઓ છે. ‘પ્રબોધ-બાવની’(મુ.), ‘જ્ઞાનષોડશકળા’(મુ.), ‘બિરહ-બારમાસ’(મુ.), વગેરે કવિની હિન્દી કૃતિઓ છે. આ સિવાય કવિએ બીજી કૃતિઓ રચી હોવાની માહિતી મળે છે, પરંતુ તેમની કોઈ હાથપ્રત અત્યારે ઉપલબ્ધ નથી. કૃતિ : ૧. નકાદોહન; ૨. પ્રાકાસુધા : ૨, ૩, ૪, ૫ (+સં.); ૩. બૃકાદોહન : ૧, ૭. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨, ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો; ૪. નભોવિહાર, રામનારાયણ વિ. પાઠક, ઈ.૧૯૬૧; પ. પ્રાકકૃતિઓ;  ૬. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૭-‘વીરસિંહકૃત ઉષાહરણ’, ભોગીલાલ સાંડેસરા; ૭. સાહિત્ય, ફેબ્રુ. ૧૯૧૬-‘ગુજરાતી કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ વિ. રાવળ;  ૮. ગૂહાયાદી; ૯. ડિકૅટલૉગબીજે; ૧૦. ડિકૅટલૉગભાવિ; ૧૧. ફાહનામાવલિ : ૨; ૧૨. ફૉહનામાવલિ. [શ્ર.ત્રિ.]