ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામકૃષ્ણ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રામકૃષ્ણ-૧ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : વૈષ્ણવ કવિ. સંખેડાના નાગર. અવટંકે મહેતા. તેમનાં ૧૩૦ જેટલાં કૃષ્ણભક્તિનાં પદ (એકની ર.ઈ.૧૭૦૧ અને બીજાની ર.ઈ.૧૭૦૮; મુ.) મળે છે. એમનાં પદોમાં ગોપીનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતાં શૃંગારભાવનાં પદોની સંખ્યા વિશેષ છે. આ શૃંગારભાવમાં માધુર્ય અને સંયમ છે. કોઈક પદમાં લોકબોલીનો રણકો ને લોકજીવનનો સ્પર્શ અનુભવાય છે. આ કવિએ માતાના ગરબાઓ જેવા મુખ્યત્વે આસો મહિનામાં આવતાં વિવિધ પર્વોને વિષય બનાવી કૃષ્ણભક્તિના ગરબા રચ્યા છે તે નોેંધપાત્ર છે. ૧ ગરબાની અંદર ભાઈબીજના દિવસે કૃષ્ણ બહેન સુભદ્રાને ઘરે આવે છે ત્યારે સુભદ્રાનાં ચિત્તમાં ઊઠતા ઊમળકાને કવિએ પ્રાસદિક ભાષામાં આલેખ્યો છે. ‘રાસપંચાધ્યાયી’ નામની કૃતિ પણ આ કવિએ રચી છે. ‘ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ ૧૨ કડવાંની ‘ગજેન્દ્રમોક્ષ’(મુ.) કૃતિ રામકૃષ્ણ-૨ની હોવાનું માને છે, પરંતુ તે આ કવિની કૃતિ છે. કૃતિ : ૧. બૃકાદોહન : ૧, ૨, ૩, ૬;  ૨. ફાર્બસ ત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૬૫-‘અજ્ઞાત વૈષ્ણવ કવિ રામકૃષ્ણ’, મંજુલાલ મજમુદાર (+સં.). સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો;  ૪. ગૂહાયાદી; ૫. ફૉહનામાવલિ. [ચ.શે.]