ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામવિજ્ય-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રામવિજ્ય-૨ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં સુમતિવિજ્યના શિષ્ય. યશોવિજ્યના સમકાલીન. યશોવિજ્યજી તેમની લોકપ્રિય વ્યાખ્યાનશૈલીના પ્રશંસક હતા. ‘તેજપાલ-રાસ’ (ર.ઈ.૧૭૦૪), ‘ધર્મદત્તઋષિ-રાસ’ (ર.ઈ.૧૭૧૦), ૬ ખંડમાં વહેંચાયેલો ‘શાંતિનાથ ભગવાનનો રાસ’(ર.ઈ.૧૭૨૯/સં.૧૭૮૫, વૈશાખ સુદ ૭, ગુરુવાર; મુ.), ઈ.૧૭૩૨/સં.૧૭૮૮, આસો વદ સાતમે સ્વર્ગવાસ પામેલા લક્ષ્મીસાગરસૂરિના જીવનને વર્ણવતો, ૧૨ ઢાળનો ‘લક્ષ્મીસાગરસૂરિ-નિર્વાણ-રાસ’(મુ.) જેવી રાસકૃતિઓ તેમની પાસેથી મળે છે. આ ઉપરાંત ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૦૪ આસપાસ; મુ.), ૨૦ ‘વિહરમાન-સ્તવન/વીશી’, ૮ કડીની ‘શિખામણની સઝાય’(મુ.), ૮ કડીનું ‘મહાવીરસ્વામીનું સ્તવન’(મુ.), ૧૫ કડીની ‘ગોડીપાર્શ્વનમસ્કાર-સ્તુતિ’(મુ.), ૭ કડીનું ‘અજિતનાથનું સ્તવન’, સાત નય ઉપર મોટી સઝાયો, આદીશ્વર, ગોડીપાર્શ્વનાથ, સિદ્ધચક્ર આદિને અનુલક્ષીને સ્તવનો(મુ.), ૭ કડીની ‘વીરને વિનતિ’(મુ.) અને ચૈત્યવંદનો(મુ.) તથા ‘નેમિનાથચરિત્ર-બાલાવબોધ’ વગેરે કૃતિઓ મળે છે. ઈ.૧૭૨૫માં તેમણે સંસ્કૃતમાં ‘ઉપદેશમાલા’ પર વૃત્તિ (ર.ઈ.૧૭૨૫; મુ.) પણ રચી છે. કૃતિ : ૧. અસ્તમંજુષા, ૨. ચૈસ્તસંગ્રહ : ૩; ૩. જિભપ્રકાશ; ૪. જિસ્તકાસંદોહ : ૨; ૫. જૈઐરાસમાળા : ૧; ૬. જૈન કથારત્નકોષ : ૮, સં. ખીમજી ભી. માણેક, ઈ.૧૮૯૩; ૭. જૈપ્રપુસ્તક : ૧; ૮. જૈરસંગ્રહ; ૯. દેસ્તસંગ્રહ; ૧૦. પ્રાસપસંગ્રહ : ૧; ૧૧. સસન્મિત્ર(ઝ);  ૧૨. જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ, ઑગસ્ટ ૧૯૧૪-‘આત્મનિંદા ને વીરને વિનંતી’. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈગૂસારત્નો : ૧; ૪. જૈસાઇતિહાસ;  ૫. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૬. ડિકૅટલૉગબીજે; ૭. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]