ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રૂપચંદ મુનિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રૂપચંદ(મુનિ)-૪ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : ગુજરાતી લોંકાગચ્છના જૈન સાધુ. મેઘરાજના માનસિંઘશિષ્ય-કૃષ્ણમુનિના શિષ્ય. આ કવિએ ૪૧ ઢાલની ‘શ્રીપાલ-ચોપાઈ’ (ર.ઈ.૧૮૦૦/સં. ૧૮૫૬, ફાગણ વદ ૭, રવિવાર), ‘ધર્મપરીક્ષાનો રાસ’ (ર.ઈ.૧૮૦૩/સં.૧૮૬૦, માગશર સુદ ૫, શનિવાર), ૧૩ ઢાળની ‘પંચેન્દ્રિય-ચોપાઈ’ (ર.ઈ.૧૮૧૭/સં.૧૮૭૩, વૈશાખ સુદ ૮, રવિવાર; મુ.), ૩૪ ઢાલની ‘રૂપસેન-ચોપાઈ’ (ર.ઈ.૧૮૨૨/સં.૧૮૭૮, શ્રાવણ સુદ ૪, ગુરુવાર), વિક્રમના સમયના, અદ્ભુતરસિક લોકકથાના અંબડ નામના પાત્રનું ચિત્ર આલેખતી, ચોપાઈ બંધના ૮ ખંડમાં રચાયેલી ‘અંબડ-રાસ’ (ર.ઈ.૧૮૨૪/સં.૧૮૮૦, જેઠ સુદ ૧૦, બુધવાર) તથા ‘સમ્યકત્વકૌમુદી કથા-ચોપાઈ’ (ર.ઈ.૧૮૨૬) એ કૃતિઓની રચના કરી છે. કવિની ભાષા પર રાજસ્થાનીનો પ્રભાવ ઘણો પ્રબળ છે. કૃતિ : જ્ઞાનાવલી : ૨. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા; ૫. મરાસસાહિત્ય;  ૬. જૈગૂકવિઓ : ૩(૧); ૭. રાપુહસૂચી : ૪૨. [ર.સો.]