ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/‘રામદેવનો વેશ’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘રામદેવનો વેશ’ : ‘રામદેશનો વેશ’ તરીકે પણ જાણીતો અસાઇતકૃત આ ભવાઇવેશ(મુ.) બધા ભવાઇવેશોમાં સૌથી લાંબો, સામાન્ય રીતે વહેલી પરોઢે અને ભવાઈની પૂર્ણાહુતિ વખતે છેલ્લે ભજવાતો વેશ છે કોઈ ચોક્કસ કથાને બદલે વિવિધ વિષયો અંગેની માહિતી, વ્યવહારિક ડહાપણનાં સુભાષિતો અને સમસ્યાવાળી બેતબાજીથી લગભગ આખો વેશ ભરેલો છે. વેશના પ્રારંભમાં કવિત અને દુહાઓમાં નવનિધ, ચૌદ વિદ્યા, બાર બાણાવળી, પૃથ્વીનું માપ, પૃથ્વીની વહેંચણી, સૃષ્ટિની ઉત્પત્તિ, રજપૂતોની ઉત્પત્તિ, રજપૂતોની જુદી જુદી જાતિઓ, પૃથ્વીનાં વિવિધ નામ, નવ ખંડ, રાજપૂત રાજવંશોની વંશાવળીઓ વગેરે અનેક વિષયોની માહિતી અપાઈ છે, અને એ માહિતીઓની વચ્ચેવચ્ચે વ્યવહારુ ઉપદેશનાં સુભાષિતો આવે છે. જેમ કે, પર્વતથી ઊંચું કોણ? તો તપ. ચંદ્રથી નિર્મળ કોણ? તો દાન. ઝેરથી કડવું કોણ? તો દુષ્ટ માણસ વગેરે. આ માહિતી સુભાષિતોની વચ્ચે પૃથ્વીની ઉત્પત્તિની, પૃથ્વીના ખંડોની, ચાર ભાઈબંધોની વાર્તાઓ ગદ્યમાં મુકાઈ છે. વેશના અંતિમ ભાગમાં ઘોઘાના રાજકુંવર રામદેવ/રામદેશ અને પાવાગઢ/પાલવગઢની રાજકુંવરી સલુણા વચ્ચેના પ્રેમ અને લગ્નની કથા આલેખાઈ છે. કથા તો અહીં નિમિત્ત છે. એ બહાને રામદેવ અને સલુણા વચ્ચેના સંવાદ રૂપે દુહા અને છપ્પામાં અનેક સમસ્યાઓની આતશબાજી ઉડાવવામાં આવી છે. સમસ્યાબાજી પૂરી થયા પછી રામદેવ ને સલુણાના લગ્ન નિમિત્તે લગ્નગીતો આવે છે અને મહિના, તિથિ પણ આવે છે. વેશની ઉપલબ્ધ થતી વિવિધ વાચનાઓ મૂળ વેશમાં ઘણાં ઉમેરણ થયાં હોવાનું સૂચવે છે. કેટલાંક કવિતોમાં કરુણાનંદ કે પિંગલ એવી નામછાપ પણ મળે છે. [જ.ગા.]