ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાવણ્યસમય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લાવણ્યસમય [જ.ઈ.૧૪૬૫/સં.૧૫૨૧, પોષ વદ ૩-ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. સોમસુંદરની પરંપરામાં લક્ષ્મીસાગર-સમયરત્નના શિષ્ય. જન્મ અમદાવાદમાં. પિતાનામ શ્રીધર, માતા ઝમકલ. દીક્ષા પૂર્વેનું નામ લઘુરાજ. ઈ.૧૪૭૩માં પાટણમાં લક્ષ્મીસાગર પાસે દીક્ષા લીધી, પરંતુ એમના વિદ્યાગુરુ સમયરત્ન હતા. ઈ.૧૪૯૯માં પંડિતપદ. એમના ઉપદેશથી મેવાડના રાણા રત્નસિંહના મંત્રી કર્મશાહે શત્રુંજયતીર્થનો ઉદ્ધાર કરાવેલો. કવિની છેલ્લી કૃતિનો રચનાસમય ઈ.૧૫૩૩ મળે છે, એટલે ઈ.૧૬મી સદીના પૂર્વાર્ધમાં તેઓ હયાત હતા એમ કહી શકાય. ધર્મબોધ અને ધર્મપ્રસારના હેતુથી મુખ્યત્વે રચાયું હોવા છતાં આ પંડિત કવિનું સર્જન સ્વરૂપ-વૈવિધ્ય ને ભાષા તથા છંદનું એવું પ્રભુત્વ બતાવે છે કે એમના સમયના ગણનાપાત્ર કવિ તેઓ બની રહે છે. એમણે ઘણી નાનીમોટી કથામૂલ કૃતિઓ રચી છે, તેમાં ‘વિમલપ્રબંધરાસ’ (ર.ઈ.૧૫૧૨/સં.૧૫૬૮, આસો સુદ-રવિવાર; મુ.) મુખ્ય છે. પ્રબંધ, રાસ અને ચરિત્ર ત્રણેનાં લક્ષણો ધરાવતી, ૯ ખંડ ને ૧૩૫૬ કડીમાં વિસ્તરતી આ કૃતિમાં કવિએ ધર્મપ્રભાવનું ગાન કરવાના ઉદ્દેશથી વિમલમંત્રીના ધર્મવીર ચરિત્રને ઉપસાવ્યું છે. કેટલીક દંતકથાત્મક ઘટનાઓનો કવિએ આશ્રય લીધો હોવાને લીધે કૃતિની ઐતિહાસિક પ્રમાણભૂતતા ઓછી થાય છે, પરંતુ યુદ્ધવર્ણનોની ઓજસ્વી શૈલી, છંદોનું વૈવિધ્ય કે એમાંના સામાજિક-ધાર્મિક પ્રસંગોનાં નિરૂપણ ધ્યાનાર્હ છે. નેમિનાથ ધર્મવીર તરીકેના ચરિત્રને ઉપસાવતી ‘નેમિરંગરત્નાકર-છંદરંગરત્નાકર-નેમિનાથ-પ્રબંધ’ (ર.ઈ.૧૪૯૦/સં.૧૫૪૬, મહા સુદ ૧૦, રવિવાર; મુ.) એમાંની ભાવસભર અને ચિત્રાત્મક શૈલીને લીધે આકર્ષક બની છે. વિવિધ છંદો ને ઢાળમાં નિબદ્ધ ૬ ખંડ ને ૪૫૫ કડીના ‘વચ્છરાજ દેવરાજ-રાસ/ચોપાઈ’ (ર.ઈ.૧૫૧૬; મુ.)માં આલેખાયેલી ચંદ્રાવતી નગરીના રાજકુમાર વચ્છરાજનાં પરાક્રમોની કથામાં શૃંગાર અને વીર વધારે પ્રભાવક છે, પરંતુ પૂર્વજન્મમાં કરેલી જીવદયાને લીધે વચ્છરાજને આ જન્મમાં સુખ પ્રાપ્ત થયું એવો કૃતિનો બોધ છે. ખિમઋષિ, બલિભદ્ર આ બંનેના ગુરુ યશોભદ્રના ચરિત્રને આલેખતી, ચમત્કારક અંશોવાળી, ૩ ખંડ ને ૫૧૨ કડીની ‘ખિમઋષિ(બાહા), બલિભદ્ર, યશોભદ્રાદિ-રાસ’ (ર.ઈ.૧૫૩૩/સં.૧૫૮૯, મહા-, રવિવાર; મુ.), ‘સુરપ્રિયકેવલીનો રાસ’ (ર.ઈ.૧૫૧૧/સં.૧૫૬૭, આસો સુદ-, રવિવાર) એ પણ ચરિત્રાત્મક કૃતિઓ છે. કવિએ ઠીકઠીક સંખ્યામાં રચેલાં સંવાદકાવ્યો એમાંની સંવાદચાતુરીને કારણે ધ્યાન ખેંચે છે. મંદોદરીનાં ભય-ચિંતા અને રાવણનાં અહંકારને ઉપસાવતી જુસ્સાદાર ભાષાવાળો, દુહાની ૬૧ કડીનો ‘રાવણમંદોદરી-સંવાદ/રાવણસાર-સંવાદ’ (ર.ઈ.૧૫૦૬; મુ.), વરસી તપને પારણે ભગવાન ઋષભદેવને ઇક્ષુરસ વહોરાવતા શ્રેયાંસકુમારના બંને હાથ વચ્ચે પોતાનું ચડિયાતાપણું સિદ્ધ કરવા માટે થતી દલીલોને રજૂ કરતો વિનોદસભર ૭૦ કડીનો ‘કરસંવાદ’(ર.ઈ.૧૫૧૯; મુ.), ચંપક અને ચંદન વચ્ચેના કલહસંવાદને નિરૂપતો ૧૧ કડીનો ‘ચંપકચંદનવાદ/સુકડી-ચંપૂ સંવાદગીત’(મુ.), સૂર્ય અને દીપની વચ્ચે કોણ ચડિયાતું છે એ વિવાદને નિરૂપતો છપ્પાની ૩૦ કડીનો ‘સૂર્યદીપવાદ-છંદ’ તથા ‘ગોરીસાંવલી-ગીત/વિવાદ’ આ પ્રકારની રચનાઓ છે. હમચી પ્રકારને અનુરૂપ વેગીલી ભાષાનો અનુભવ કરાવતી ને નેમિનાથ-રાજુલના લગ્નપ્રસંગને આલેખતી ૮૪ કડીની ‘નેમિનાથ-હચમડી’(ર.ઈ.૧૫૦૮; મુ.), સુમતિસાધુસૂરિના દીક્ષાપ્રસંગને વિવાહપ્રસંગ જેવો ગણી રચાયેલી, ગૂર્જર નારીનું સુરેખ ચિત્ર દોરતી વિવાહલો પ્રકારની ૮૩/૯૨ કડીની ‘સુમતિસાધુસૂરિ-વિવાહલો’(મુ.), સ્થૂલિભદ્રકોશાના જાણીતા પ્રસંગને નિરૂપતી વિશિષ્ટ સંકલનાવાળી ૨૧ કડીની ‘સ્થૂલિભદ્ર-એકવીસો’(ર.ઈ.૧૪૯૭/સં.૧૫૫૩, આસો વદ ૩૦; મુ.), ૧૪૮ કડીની ‘નંદ-બત્રીશી’ (ર.ઈ.૧૪૯૨) કવિની અન્ય પ્રકીર્ણ સ્વરૂપવાળી કૃતિઓ છે. લાવણ્યસમયે કેટલીક સિદ્ધાંતચર્ચાની કૃતિઓ પણ લખી છે. ૧૮૧ કડીની ‘લુંકટવદનચપેટ-ચોપાઈ/સિદ્ધાંત-ચોપાઈ’ (ર.ઈ.૧૪૮૭/સં.૧૫૪૩, કારતક સુદ ૮, રવિવાર; મુ.)માં મૂર્તિનિષેધક લોંકાશાહના વિચારોનું કોઈ આક્રોશ વગર ખંડન ને મૂર્તિપૂજાના વિચારોનું પ્રતિપાદન છે. પ્રાકૃત કૃતિ ‘ગૌતમપૃચ્છા’ને આધારે રચાયેલી ૧૨૦ કડીની ‘અમૃતવાણી અભિધાન/ગૌતમપૃચ્છા (કર્મવિપાક)-ચોપાઈ’ (ર.ઈ.૧૪૮૯/સં.૧૫૪૫, ચૈત્ર સુદ ૧૧, ગુરુવાર; મુ.)માં મહાવીર-શિષ્ય ગૌતમના મનમાં જૈન સિદ્ધાંતો વિશે જાગેલા સંશય અને એમનું મહાવીર સ્વામી દ્વારા થયેલું નિરાકરણ આલેખાયું છે. ૧૧૩/૧૧૪ કડીની ‘ગર્ભવેલિ’ તથા ૧૪૭ કડીની ‘જીવરાશિખામણવિધિ-આદિ’ (ર.ઈ.૧૫૦૬/સં.૧૫૬૨, આસો સુદ ૧૦) એ કવિની બીજી સિદ્ધાંતચર્ચાની કૃતિઓ છે. કવિએ ઘણાં સ્તવન-સઝાયોની પણ રચના કરી છે. એમાં વિવિધ તીર્થસ્થળોના પાર્શ્વનાથને વિષય બનાવી રચાયેલાં સ્થળવિષયક સ્તવનોમાં ૫૨/૫૪ કડીનું ‘અંતરીક્ષપાર્શ્વજિન-છંદ/પાર્શ્વનાથ-સ્તવન(અંતરીક્ષ)’ (મુ.), ૩૮ કડીનો ‘જીરાઉલાપાર્શ્વનાથ-છંદ/વિનતિ’(મુ.), ૧૫ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન (લોડણ)/સેરીસા પાર્શ્વનાથ(જિન)-સ્તવન’ (ર.ઈ.૧૫૦૬/સં.૧૫૬૨; મુ.), ૩૫ કડીનું ‘નવપલ્લવ પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૫૦૨/સં.૧૫૫૮, ચૈત્ર વદ)નો સમાવેશ થાય છે. એ સિવાય ૨૪ તીર્થંકરોની પ્રત્યેક કડીમાં સ્તુતિ કરતું માલિની-હરિગીતછંદમાં રચાયેલું ને યમકપ્રાસની વિશિષ્ટ યોજનાને લીધે ધ્યાન ખેંચતું ‘ચતુર્વિંશતિજિન-સ્તવન’ (ર.ઈ.૧૫૩૧ આસપાસ; મુ.), અંત સમયે ભાવુક ધર્માત્માએ કઈ રીતે પાપદોષોની આલોચના કરવી એ સમજાવતું ‘આલોયણગર્ભિત શ્રી સીમંધરજિન-વિનતિ’(મુ.), ૫ ઢાળ ને ૪૭ કડીનું ‘આદિનાથ-વિનતિ/આદીશ્વર જિન-છંદ/વૈરાગ્ય-વિનતિ/શત્રુંજ્ય-સ્તવન/શત્રુંજ્ય મંડન આદીશ્વર-વિનતિ’ (ર.ઈ.૧૫૦૬/સં.૧૫૬૨, આસો વદ ૧૦; મુ.), ૪૬ કડીની ‘ચૌદ સુપનાની સઝાય’(મુ.), ૯ કડીની ‘આત્મપ્રબોધસઝાય/પુણ્યફલ-સઝાય’૨૨ કડીનો ‘આદિનાથ-ભાસ(મુ.), ૯ કડીનો ‘ગૌતમાષ્ટક-છંદ(મુ.), ૬ કડીનું ‘પંચતીર્થનું સ્તવન (મુ.), ‘આઠમદની સઝાય’, ૧૧ કડીની ‘કાંકસાની ભાસ’ (ર.ઈ.૧૪૯૪; મુ.), ૧૨ કડીની ‘શ્રી દૃઢપ્રહારમહામુનિ-સઝાય(મુ.), ૨૭ કડીની ‘નેમરાજુલની સઝાય’(મુ.), ૧૯ કડીનું રાજીમતીના બારમાસના વિરહને વર્ણવતું ‘નેમિનાથ-સ્તવન’(મુ.), ૭ કડીની ‘લોભની સઝાય’(મુ.), ૧૪ કડીની ‘રુક્મિણીની સઝાય’(મુ.) વગેરે અનેક કૃતિઓ એમણે રચી છે. કૃતિ : ૧. કવિ લાવણ્યસમયની લઘુ કાવ્યકૃતિઓ, સં. શિવલાલ જેસલપુરા, ઈ.૧૯૬૯ (+સં.); ૨. કવિ લાવણ્યસમયરચિત નેમિરંગરત્નાકરછંદ, સં. શિવલાલ જેસલપુરા, ઈ.૧૯૬૫ (+સં.); ૩. વિમલપ્રબંધ, પ્ર. મણિલાલ બ. વ્યાસ, સં. ૧૯૭૦; ૪. એજન, ધીરજલાલ ધ. શાહ, ઈ.૧૯૬૫(+સં.);  ૫. અરત્નસાર; ૬. અસસંગ્રહ; ૭. આકામહોદધિ : ૩; ૮. ઐરાસંગ્રહ : ૧, ૨(+સં.); ૯. કવિતાસારસંગ્રહ, પ્ર. શા. નાથાભાઈ લલ્લુભાઈ, ઈ.૧૮૮૨; ૧૦. ચૈસ્તસંગ્રહ : ૩; ૧૧. જિસ્તકાસંદોહ : ૧; ૧૨. જૈકાપ્રકાશ : ૧; ૧૩. જૈગૂસારત્નો : ૧; ૧૪. જૈસમાલા(શા) : ૧; ૧૫. જૈસસંગ્રહ(જૈ); ૧૬. જૈસસંગ્રહ(ન); ૧૭. શ્રી પ્રતિક્રમણસૂત્ર તથા નવસ્મરણ અને દેવવંદનાદિ ભાષ્યત્રય અર્થસહિત, પ્ર. શ્રાવક ભીમસિંહ માણક, ઈ.૧૯૦૬; ૧૮. પ્રાછંદાસંગ્રહ; ૧૯ પ્રાતીસંગ્રહ : ૧; ૨૦. પ્રાસ્તસંગ્રહ; ૨૧. (શ્રી) માણિભદ્રદિકોના છંદોનો પુસ્તક : ૧, પ્ર. નિર્ણયસાગર પ્રેસ, સં. ૧૯૪૦; ૨૨. મોસસંગ્રહ; ૨૩. શનિશ્ચરની ચોપાઈ આદિક લઘુગ્રંથોના સંગ્રહનું પુસ્તક, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૨; ૨૪. સઝાયમાલા : ૧(શ્રા);  ૨૫. જૈન ધર્મ પ્રકાશ, સં. ૧૯૯૯-‘જીરાઉલા પાર્શ્વનાથ છંદ’; ૨૬. જૈનયુગ, વૈશાખ-જેઠ ૧૯૮૬ − ‘લોંકાશાહ ક્યારે થયા?’, મોહનલાલ દ. દેશાઈ; ૨૭. એજન, અસાડ-શ્રાવણ ૧૯૮૬-‘લાવણ્યસમયકૃત પાક્ષિક ચાતુર્માસિક સાંવત્સરિક ગીત’, સં. મુનિ જશવિજ્ય; ૨૮. જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૩૮-‘લાવણ્યસમયકૃત સેરીસા તીર્થનું પ્રાચીન સ્તવન, સં. મુનિરાજશ્રી જયંતવિજ્યજી, ૨૯. એજન, સપ્ટે. ૧૯૪૭-‘ચંપક ચંદનવાદ’; ૩૧. એજન, જુલાઈ-ઑગસ્ટ ૧૯૪૮-‘આલોયણગર્ભિત શ્રી સીમંધરજિન વિનતિ’; ૩૨. બુદ્ધિપ્રકાશ, ઑક્ટો. ૧૯૩૩ ‘જીભલડીનું ગીત’. સંદર્ભ : ૧. ગુલિટરેચર; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. નયુકવિઓ; ૬. મરાસસાહિત્ય; ૭. આલિસ્ટઑઇ : ૨; ૮. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨); ૯. ડિકૅટલૉગબીજે; ૧૦. ડિકૅટલૉગભાવિ; ૧૧. મુપુગૂહસૂચી; ૧૨. રાહસૂચી : ૧; ૧૩. લીંહસૂચી; ૧૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]