ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્ભદાસ-૨ વલ્લભભાઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વલ્ભદાસ-૨/વલ્લભભાઈ [ઈ.૧૭મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ભરૂચના વતની. પિતા ત્રિકમભાઈ.માતા ફૂલાંભાભી. ગોકુલનાથજી (ઈ.૧૫૫૨-ઈ.૧૬૪૧)ના ભક્ત. ઈ.૧૬૦૪ પછી તેમનો જન્મ થયો હોવાનું અનુમાન થયું છે. ઈ.૧૬૧૬માં કોઈ ચિદ્રુપ નામના સંન્યાસીના પ્રભાવમાં આવી મોગલ બાદશાહ જહાંગીરે પુષ્ટીમાર્ગીય વૈષ્ણવોને ઊર્ધ્વપુંડ્રતિલક અને તુલસીમાળા ધારણ ન કરવાનું ફરમાન કાઢ્યું તે વખતે ગોકુલનાથજીએ કાશ્મીરનો પ્રવાસ કરી જહાંગીર બાદશાહને મળી સમજાવ્યો અને આ ફરમાન પાછું ખેંચાવ્યું એ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોમાં જાણીતા પ્રસંગને આલેખતું વ્રજભાષાની અસરવાળું ૧૧૧ કડીનું ‘માલાઉદ્ધાર’(મુ.) કાવ્ય આ કવિએ રચ્યું છે. કાવ્યની જૂની પ્રત ઈ.૧૬૯૪ પૂર્વેની મળે છે. એટલે આ કવિ ઈ.૧૭મી સદીમાં થઈ ગયા હોવાનું કહી શકાય. એ ઉપરાંત, ‘વલ્લભરસાલય (નાનો મહોત્સવ)’, ‘શ્રી વલ્લભરસ’, ‘શ્રી વલ્લભવેલ’, ‘વિવાહખેલ’, ‘માલાનો કરખો વાર્ષિક મહોત્સવ’, ‘શ્રી ભાગ્યરાસચરિત્ર’, ‘નવરસ’ તથા અનેક ધોળ-પદ (કેટલાંક મુ.)ની રચના એમણે કરી છે. ગોકુલનાથજી-ગોકુલેશ પ્રભુનો મહિમા કરતાં વ્રજભાષામાં જે પદ મુદ્રિત સ્વરૂપે મળે છે તે આ કવિનાં હોવાની સંભાવના છે. કૃતિ : ૧. ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. લલ્લુભાઈ છ. દેસાઈ.ઈ.૧૯૧૬;  ૨. અનુગ્રહ, ફેબ્રુ. ૧૯૫૭-‘માલાઉદ્ધાર કાવ્ય’, સં. ચિમનલાલ મ. વૈદ્ય. સંદર્ભ : ૧. ગોપ્રભકવિઓ; ૨. પુગુસાહિત્યકારો. [ર.સો.]