ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અંતક્ષેપ


અંત:ક્ષેપ (Empathy, Einfuhlung) : સજીવ કે નિર્જીવ વસ્તુની ભીતર અનૈચ્છિક રીતે થયેલો પોતાની જાતનો પ્રક્ષેપ તે અંત :ક્ષેપ. અંત :ક્ષેપનો વિચાર લોત્સ(Lotze) દ્વારા જર્મનીમાં વિકસ્યો. આ રીતે ડૂબતી નૌકાને જોઈને ચિત્રમાંના ખલાસીઓની જેમ જોનાર ભયની લાગણી અનુભવે છે યા શિલ્પ અંગેનું એકાગ્ર સંવેદન શિલ્પમાં સૂચવ્યા પ્રમાણેનું જોનારને શારીરિક સંવેદન આપે છે. કૂદતો માણસ કે ઘોડો જોઈને પગ ઊંચકાય એવા રોજિંદા અનુભવની સાથે સંકળાયેલો આ અનુભવ છે. એક રીતે જોઈએ તો તે જોનાર સંદર્ભે ‘આંતરિક નકલ(Inner mimicry’)નું પરિણામ હોય છે. ચં.ટો.