ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૧/ગુજરાતનું ઘડતર : હરિપ્રસાદ શાસ્ત્રી
હરિપ્રસાદ શાસ્ત્રી
આપણો આ પ્રદેશ ઘણા લાંબા કાળથી ‘ગુજરાત’ નામે ઓળખાય છે, પરંતુ એનું ઘડતર એને આ નામ લાગુ પડ્યું તે પહેલાં ઘણા વખતથી થવા લાગેલું.
ભૂસ્તર-રચના[1]
આ પ્રદેશના ભૂ-સ્તરની રચના છેક પુરાતન(Archaean) કે અજીવમય(Azoic) યુગથી થવા લાગેલી. એ પછીના પ્રથમ કે પ્રાચીનજીવમય(Paleozoic) યુગના અવશેષ આ પ્રદેશમાં મળ્યા છે. દ્વિતીય કે મધ્યજીવમય(Mesozoic) યુગ દરમ્યાન શરૂઆતમાં દક્ષિણ ભારત-આફ્રિકા-ઑસ્ટ્રેલિયાને આવરી લેતા વિશાળ ‘ગોંડવન’ ખંડમાં કચ્છ-સૌરાષ્ટ્રનો સમાવેશ થતો; એ પછી ઉત્તરનો વિશાળ ‘ટીથિસ’ સમુદ્ર કચ્છ, સૌરાષ્ટ્ર અને નર્મદાખીણમાં ફરી વળ્યો હતો. મધ્યજીવમય યુગના અંતે પશ્ચિમ ભારતમાં ભયંકર આગ્નેય ક્ષોભ થયો ને ધરતીની સપાટી પર લાવાનો સ્તર પથરાયો. અકીક અને એની વિવિધ જાતો આ તૃતીય કે નૂતનજીવમય(Neozoic) યુગની છે. ઉત્તરના સમુદ્રે ફરી વાર ગુજરાતના પશ્ચિમ ભાગ પર આક્રમણ કર્યું. હવે વર્તમાન જીવયોનિઓ અસ્તિત્વમાં આવવા લાગી. ખનિજ તેલ અને કુદરતી ગૅસના સ્તર આ યુગના છે. સમય જતાં વર્તમાન જીવયોનિઓનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું ગયું. આ યુગના અંતભાગમાં દક્ષિણના ગોંડવન ખંડનો મોટો ભાગ નીચે બેસી ગયો, એના પર સમુદ્રનાં પાણી ફરી વળ્યાં, દક્ષિણ ભારત આફ્રિકાથી તદ્દન છૂટું પડી ગયું ને અરબી સમુદ્ર અસ્તિત્વમાં આવ્યો. અનુ-તૃતીય કે ચતુર્થ યુગને માનવજીવનમય યુગ પણ કહે છે, કેમકે જીવયોનિઓમાં માનવનો પ્રાદુર્ભાવ આ યુગમાં થયો. આધુનિક યુગના સ્તરની નીચેના સ્તરના યુગ દરમ્યાન માનવના પ્રાદુર્ભાવનાં ચિહ્ન ગુજરાતમાં બીજા હિમયુગના કે બહુ તો બીજા અંતર્હિમયુગના સ્તરોમાં મળે છે. આમ ધરતીના સુદીર્ઘ ઇતિહાસમાં માનવનો ઇતિહાસ છેક આજકાલનો ગણાય, છતાં એનો આરંભ લગભગ એક લાખ વર્ષ પૂર્વે થયો જણાય છે.
ભૌગોલિક લક્ષણો[2]
ભૌગોલિક દૃષ્ટિએ જોતાં ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્ર કુદરતી એકમો તરીકે અલગ તરી આવે છે. કચ્છનો પ્રદેશ કાંઠા પાસેની ભીની અને પોચી જમીનવાળો હોવાથી `કચ્છ’ કહેવાયો છે. એની અંદર ઉત્તરે મોટા રણનો ને પૂર્વે દક્ષિણપૂર્વે નાના રણનો સમાવેશ થાય છે. આ રણ ખારાપાટના વેરાન પ્રદેશો(इरिण) છે. એ ઘણા છીછરા હોઈ ચોમાસામાં જળબંબાકાર થઈ જાય છે. કચ્છ અને સૌરાષ્ટ્રની વચ્ચે આવેલા અખાતનો `કચ્છનો અખાત’ કહે છે. સૌરાષ્ટ્ર હાલ દ્વીપકલ્પ છે, પરંતુ પુરાતન કાળમાં એ દ્વીપ હતો. હજી એનો ઉત્તરપૂર્વ ભાગ (ભાલ-નળકાંઠો) છીછરો હોઈ ચોમાસામાં ઘણે અંશે જળબંબાકાર થઈ જાય છે. સૌરાષ્ટ્ર અને તળ-ગુજરાતની વચ્ચે `ખંભાતનો અખાત’ આવેલો છે. તળ-ગુજરાતનો પ્રદેશ રાજસ્થાન, મેવાડ, માળવા, ખાનદેશ અને કોંકણથી પહાડો અને જંગલોની કુદરતી સીમાઓ દ્વારા તેમજ લોકોની ભાષા તથા રહેણીકરણી દ્વારા ઘણે અંશે જુદો પડે છે. કચ્છના દક્ષિણ ભાગને, સૌરાષ્ટ્રના ઉત્તરપશ્ચિમ, પશ્ચિમ, દક્ષિણ અને પૂર્વ ભાગને તથા દક્ષિણ ગુજરાતના પશ્ચિમ ભાગને સમુદ્ર-કિનારાનો લાભ મળેલો છે. સૌરાષ્ટ્ર અને કચ્છના અંદરના ભાગમાં તેમજ તળ-ગુજરાતના પૂર્વ તથા ઉત્તરપૂર્વ ભાગમાં કેટલાંક ડુંગરો અને ઉચ્ચ પ્રદેશો તથા જંગલો આવેલાં છે. ગિરનાર જેવા પર્વત અને પાવાગઢ જેવા ડુંગર ઘણા ઓછા છે. નદીઓ સંખ્યામાં ઘણી છે, પરંતુ જેમાં વહાણ ફરી શકે તેવી નદીઓ તો નર્મદા અને તાપી જ છ . સાબરમતી નદીનો પરિવાર મોટો, મહી નદી ખંભાતના અખાત પાસે પહોંચતાં `મહીસાગર’ બને છે. દક્ષિણ ગુજરાત તો જાણે નદીઓનો પ્રદેશ. ગુજરાતની ધરતી ઓછેવત્તે અંશે ધાન્ય વગેરેની પેદાશ માટે ફળદ્રુપ ગણાય. આબોહવા પણ એકંદરે સમશીતોષ્ણ. ધરતીના પેટાળમાંથી ખનિજ સંપત્તિ બહુ મળી નથી, પરંતુ ભૂસ્તર-અન્વેષણાને લઈને હવે એની વધુ ને વધુ ભાળ લાગતી જાય છે. આ ભૌગોલિક લક્ષણોએ ગુજરાતની પ્રજાના ઘડતરમાં પણ ઘણી અસર કરી છે. પહાડો અને જંગલોએ આદિમ જાતિઓને આશ્રય આપ્યો છે. સમુદ્રકાંઠા પાસે તથા મોટી નદીઓના કાંઠા પાસે માછલાં પકડવાનો, મીઠું પકવવાનો, મછવા ચલાવવાનો અને વહાણવટાનો ધંધો ખીલ્યો છે. દેશના અને પૃથ્વીના બીજા ભાગોમાંથી કેટલીક લડાયક તથા વાણિજ્યિક જાતિઓ અહીંનાં ખુલ્લાં મેદાનોમાં આવી વસી. અહીંની પ્રજાનો મોટો વર્ગ ખેતી, પશુપાલન અને હુન્નરકલાઓના ધંધારોજગાર કરે છે. ગુજરાતનો વણિકવર્ગ જમીન-માર્ગે તેમજ જળમાર્ગે દેશવિદેશના વેપારમાં તથા વહાણવટામાં કુશળ થયો. પરિણામે ગુજરાતની પ્રજાના માનસમાં મળતાવડો સ્વભાવ, કલહ-ભીરુતા, શાંતિપ્રિયતા, ધરછોડની વૃત્તિ ઇત્યાદિ લક્ષણ વ્યાપક બન્યાં. એણે અનેક આગંતુકો, નિર્વાસિતો, વેપારીઓ અને શાસકોને પોતાનામાં સમાવી લીધા. કચ્છ અને સૌરાષ્ટ્રમાં સાહસિકતા વધુ ખીલી. નાનાંમોટાં રજવાડાં સ્થપાતાં એમાં લડાયક વૃત્તિ ઉપરાંત મુત્સદ્દીગીરી અને કાવાદાવાની વૃત્તિ પણ ઠીકઠીક ખીલી. છતાં સ્વભાવની સમતાએ પ્રજાના મોટા વર્ગમાં ધાર્મિકતા અને ભાવિકતાના સંસ્કાર ખીલવ્યા, વેપારવણજની વૃત્તિએ સંપત્તિ તથા સખાવતની ભાવના વધારી તેમજ મોટા વેપાર-ઉદ્યોગ ખીલવ્યા, તો વિદ્યાકલાની અભિરુચિએ સાહિત્ય, કલા અને હુન્નરની અભિવૃદ્ધિ કરી.
નામ અને વિસ્તાર[3]
‘કચ્છ’ એ પ્રાકૃતિક નામ છે ને એનો પ્રયોગ છેક પાણિનિના સમય(ઈ.પૂ. પાંચમી સદી)થી મળે છે. સૌરાષ્ટ્રને અગાઉ ‘સુરાષ્ટ્ર’ કહેતા, તે પરથી આગળ જતાં ‘સૌરાષ્ટ્ર’ અને ‘સોરઠ’ રૂપ પ્રચલિત થયાં. મરાઠા કાળમાં એને બદલે ‘કાઠિયાવાડ’ નામ પ્રચલિત થયેલું ને એ બ્રિટિશ કાળમાં ચાલુ રહેલું. આઝાદી પછી વળી ‘સૌરાષ્ટ્ર’ નામ પુનઃપ્રચલિત થયું. આદ્ય-ઐતિહાસિક કાળમાં આ સમસ્ત પ્રદેશ કદાચ ‘આનર્ત’ નામે ઓળખાતો, જ્યારે આ નામ આરંભિક ઐતિહાસિક કાળમાં ઉત્તર ગુજરાત કે એના મુખ્ય ભાગ માટે પ્રયોજાતું. કચ્છ, સુરાષ્ટ્ર, આનર્ત, સારસ્વત(સરસ્વતી-કાંઠો), શ્વભ્ર(સાબરકાંઠો), માહેય(મહીકાંઠો), ભારુકચ્છ, આંતરનર્મદ વગેરે પ્રદેશોની ગણના અપરાંત (પશ્ચિમ સરહદ) દેશોમાં થતી. મૈત્રકકાળ દરમ્યાન ‘લાટ’ નામ કદાચ સમસ્ત ગુજરાત માટે પ્રયોજાતું, પરંતુ આગળ જતાં એ નામ દક્ષિણ ગુજરાત માટે સીમિત થયું. દસમી સદીમાં ઉત્તર ગુજરાતમાં રાજસ્થાનના ચૌલુક્ય કુળની સત્તા સ્થપાઈ ત્યારે અગાઉ ભિલ્લમાલ(ભીનમાળ)ની આસપાસના પ્રદેશ માટે પ્રયોજાયેલું ‘ગુર્જર’ નામ ગુજરાતના રાજ્યપ્રદેશને લાગુ પડ્યું ને સમય જતાં એ રાજ્યના વિસ્તારની સાથે એ નામનો પ્રયોગ વિસ્તરતો ગયો. આગળ જતાં ‘ગુર્જરદેશ’ કે ‘ગુર્જરભૂમિ’ને બદલે ‘ગુજરાત’ રૂપ પ્રચલિત થયું, જેનો પહેલવહેલો જ્ઞાત ઉલ્લેખ વાઘેલા ચૌલુક્ય (સોલંકી) કાળ દરમ્યાન(૧૩મી સદીમાં) મળે છે. શાર્યાતો-યાદવો સુરાષ્ટ્રમાં વસેલા. એમની રાજધાની કુશસ્થલી-દ્વારવતી (દ્વારકા) હતી. મૌર્ય સમ્રાટોના શાસનનો સીધો પુરાવો પણ સુરાષ્ટ્ર માટે જ મળે છે. ત્યારે એનું પાટનગર ગિરિનગર હતું. પશ્ચિમી ક્ષત્રપ રાજાઓની સત્તા શરૂઆતમાં રાજસ્થાનથી મહારાષ્ટ્ર અને કચ્છ-સુરાષ્ટ્રથી માળવા સુધી પ્રસરેલી, આગળ જતાં એ દક્ષિણમાં અનૂપદેશ(માહિષ્મતીની આસપાસનો પ્રદેશ) સુધી રહી. એમાં આનર્ત-સુરાષ્ટ્રનો એક વહીવટી વિભાગ હતો. છેક ગુપ્તકાળ(લગભગ ઈ. ૪૦૦-૪૭૦) સુધી સુરાષ્ટ્રનું પાટનગર ગિરિનગર રહ્યું. મૈત્રક વંશના રાજાઓના સમયમાં રાજધાની વલભીમાં રહી. તેમની સત્તા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, અને પશ્ચિમ માળવા પર પ્રવર્તતી. ચૌલુક્ય(સોલંકી) રાજાઓના સમયમાં જાહોજલાલી દરમ્યાન તેમના રાજ્યમાં હાલના ગુજરાત ઉપરાંત રાજસ્થાનનાં સાંચોર, આબુ, ચંદ્રાવતી, કિરાડુ, નડૂલ, જાલોર, સાંભર, મેવાડ અને ભીલસા પ્રદેશનો સમાવેશ થતો. ગુજરાતની સલ્તનતના સમયમાં એમાં હાલના ગુજરાત ઉપરાંત જોધપુર, નાગોર, શિરોહી, ડુંગરપુર, વાંસવાડા, નંદરબાર, બાગલાણ, દંડરાજપુર(જંજીરા), મુંબઈ અને વસઈ પ્રદેશોનો પણ સમાવેશ થતો. મુઘલ શાસનકાળમાં ગુજરાત સૂબા(પ્રાંત)માં ડુંગરપુર, વાંસવાડા, સૂંથ(રેવાકાંઠા), શિરોહી, સુલેમાનગઢ(કચ્છ) અને રામનગર(ધરમપુર) જાગીરોનો સમાવેશ થતો. મરાઠાઓના શાસનકાળમાં તળ-ગુજરાતના ઘણા ભાગ તેમની સીધી સત્તા નીચે હતા ત્યારે બીજા થોડા ભાગ રજવાડાંઓની સત્તા નીચે રહ્યા. બ્રિટિશ શાસનકાળમાં અમદાવાદ, ખેડા, પંચમહાલ, સુરત અને ભરૂચ એ મુંબઈ ઇલાકાના ઉત્તર વિભાગના જિલ્લા બન્યા, જ્યારે રજવાડાંઓના સમૂહ જુદીજુદી એજન્સીઓમાં વહેંચાયા. ૧૯૪૭માં આઝાદી આવી ને રજવાડાંનું વિલીનીકરણ થતાં મુંબઈ રાજ્યના જિલ્લાઓમાં અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, વડોદરા અને ડાંગ જિલ્લા ઉમેરાયા; આગળ જતાં ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ અને કચ્છ જિલ્લા ઉમેરાયા. ૧૯૬૦માં મુંબઈ રાજ્યનું ભાષાકીય દ્વિભાગીકરણ થતાં ગુજરાતના આ બધા જિલ્લાઓનું ‘ગુજરાત રાજ્ય’ તરીકે સંયોજન સધાયું. આમ ગુજરાતના વિસ્તારમાં અવારનવાર વધઘટ થતી રહી છે. હવે ‘ગુજરાત રાજ્ય’માં ગુજરાતીભાષી પ્રદેશના ઘણાખરા ભાગોનું સંયોજન થયું છે, જ્યારે સીમા પરના કેટલાક ભાગ પડોશનાં રાજ્યોમાં મુકાયા છે.
પ્રાગૈતિહાસિક સંસ્કૃતિ[4]
પ્રાગૈતિહાસિક કાળનો માનવી નદીઓના કાંઠે ભમતો ને પથ્થર વગેરેનાં હથિયાર ઘડતો. પથ્થરનાં હથિયારોના અવશેષ સાબરમતી, મહી, નર્મદા, ઓરસંગ, કરજણ, પાર, અંબિકા, ભાદર, સૂકી, ભૂખી વગેરે નદીઓના કાંઠે મળ્યા છે. કંદમૂળ અને શિકાર વડે એ જીવનનિર્વાહ કરતો. ગુજરાતનો આદિ-માનવ આફ્રિકાના પૂર્વ કિનારાથી આવ્યો લાગે છે. આ સંસ્કૃતિનો સમય આજથી ૫૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ વર્ષો પૂર્વેનો આંકવામાં આવ્યો છે. સમય જતાં હવામાનમાં ને સાથોસાથ માનવનાં હથિયારોમાં ફેરફાર થતા ગયા. ધીમે ધીમે એ એક ઠેકાણે રહેતો થયો. અંત્ય પાષાણયુગનાં માનવ-હાડપિંજર લાંઘણજ(જિ.મહેસાણા)માં મળ્યાં છે, તેમાં માનવવંશ-સંકરતા માલૂમ પડી છે. આ સંસ્કૃતિનો સમય આજથી લગભગ ૫,૦૦૦ વર્ષ પહેલાંનો આંકવામાં આવ્યો છે. એ સમયે માનવી લાકડાના કે હાડકાના હાથામાં મૂકીને બંધાતાં પથ્થરનાં નાનાં નાનાં હથિયાર વાપરતો. આ યુગના ઉત્તરાર્ધમાં એ વાસણ ઘડતો પણ થયો હતો. નૂતનપાષાણ યુગ દરમ્યાન માનવ ખેતી કરી અન્ન-ઉત્પાદન કરવા લાગ્યો ને કેટલાંક પશુઓને પાળી પોતાના કામમાં જોતરવા લાગ્યો. અગાઉ અરણ્યાટન કરતો માનવી હવે ગ્રામવાસી થયો ને કૃષિ તથા પશુપાલને એના આર્થિક જીવનમાં ક્રાંતિકારક પરિવર્તન આણ્યું.
આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિ[5]
કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ-ગુજરાતના સમુદ્રતટે સિંધ-પંજાબની તામ્રપાષાણ યુગની સુવિકસિત નગરસંસ્કૃતિ પ્રસરી. આ સંસ્કૃતિના અવશેષ રંગપુર(જિ. સુરેન્દ્રનગર), લોથલ(જિ. અમદાવાદ), આમરા અને લાખાબાવળ (જિ. જામનગર), પ્રભાસ-સોમનાથ, રોજડી-શ્રીનાથગઢ (જિ. રાજકોટ), દેસલપુર, પબુમઠ અને સુરકોટડા તથા ધોળાવીરા (જિ. કચ્છ), તેલોદ, મહેગામ અને ભાગાતળાવ(જિ. ભરૂચ) વગેરે અનેક સ્થળોએ મળ્યા છે. એ સમયે સાબરમતી અને ભોગાવો નદીઓ લોથલની નજીકમાં સમુદ્રમાં મળતી. નદીઓથી ઠલવાતા કાંપને લઈને પછી સમુદ્ર દસેક માઈલ દૂર હટી ગયો છે. હડપ્પા(પંજાબ) અને મોહેંજો-દડો(સિંધ)ની જેમ લોથલની વસાહત નગર-આયોજન પ્રમાણે વસી હતી. એમાં એક બાજુએ ઉપરકોટ હતો, એની પાસે વખાર હતી ને પ્રાયઃ ભરતીને સમયે વહાણો નાંગરવા માટેનો કૃત્રિમ ધક્કો હતો. પ્રત્યેક ઘરમાં ફરસવાળો સ્નાનખંડ હતો. સ્નાનખંડોમાંનું મેલું પાણી ખાનગી મોરીઓ દ્વારા ગટરોમાં કે ખાળકૂવાઓમાં વહી જતું. રસ્તા બે વાહન સામસામાં પસાર થઈ શકે તેટલા પહોળા હતા. હુન્નરકલામાં માટીકામ, પથ્થરકામ તથા ધાતુકામનો સારો વિકાસ થયો હતો. સિંધુ લિપિમાં કોતરેલ અભિલેખવાળી મુદ્રાઓ તથા મુદ્રાંકો મળ્યાં છે. ગુજરાતમાં મળેલો લેખનનો આ પ્રાચીનતમ ઉપલબ્ધ નમૂનો ગણાય. લોથલમાંથી મળેલી હાથીદાંતની માપપટ્ટી પરની રેખાઓ દશાંશ પદ્ધતિ પ્રમાણે છે એ ખાસ નોંધપાત્ર છે. રમતોનાં સાધનોમાં સોગઠાં અને પાસા મળ્યાં છે. લોથલમાં થોડાં દફન મળ્યાં છે તેમાં મૃતકને અર્પણ કરેલી ચીજો મળી છે. ત્રણ દફનોમાં બબ્બે હાડપિંજર સાથે દાટેલાં છે. એક ખોપરીમાં કાપો કરવામાં આવેલો છે. વસ્તીનું પ્રમાણ જોતાં શબના નિકાલનો મુખ્ય પ્રકાર અગ્નિસંસ્કારનો હશે એમ જણાય છે. લોથલમાં વસ્તી આશરે ૧૦,૦૦૦ માણસોની હશે એવો અંદાજ છે. નૃવંશની દૃષ્ટિએ વસ્તી પચરંગી હતી. લોથલની વસાહતનો સમય ઈ.પૂ. ૨૪૫૦થી ૧૬૦૦ સુધીનો આંકવામાં આવ્યો છે. લોથલ એક બાજુ સિંધ-પંજાબ સાથે અને બીજી બાજુ એલમ અને મેસોપોટેમિયા જેવા દેશાવરો સાથે ગાઢ વાણિજ્યિક સંબંધ ધરાવતું. અહીં વારંવાર નદીના પૂરનો ઉપદ્રવ થયો જણાય છે. પરિણામે નગરની ભારે પડતી થઈ (લગભગ ઈ. પૂ. ૧૯૦૦). એ પછી ત્યાં ફરી વસાહત થઈ ખરી, પરંતુ ઈ. પૂ. ૧૬૦૦ના અરસામાં આવેલા પૂરે એ વસાહતનો સદંતર નાશ કર્યો. કચ્છનું ધોળાવીરા હડપ્પીય સંસ્કૃતિનું એક વિકસિત નગર હતું અને દેસલપર નાનું નગર હતું. છતાં એ મહત્ત્વનું વેપારી કેંદ્ર હતું. ત્યાં હડપ્પીય મુદ્રાઓ મળી છે. રંગપુર(જિ. સુરેન્દ્રનગર) એવું સ્થાન છે જ્યાં હડપ્પીય સંસ્કૃતિ સિંધુપ્રદેશ કરતાં વધુ સમય ટકી ને છેવટે મેવાડના ઉચ્ચ પ્રદેશમાં પ્રસરી. રોજડી(જિ. રાજકોટ)માં મળેલી હડપ્પીય સંસ્કૃતિનો સમય ઈ. પૂ. ૧૯૦૦થી ૧૬૦૦નો આંકવામાં આવ્યો છે. સોમનાથમાં થયેલા ઉત્ખનને અનુહડપ્પીય તામ્રપાષાણ યુગ અને આરંભિક લોહયુગ વચ્ચેના ગાળાને સાંકડો કર્યો છે. વસ્તીનો એનો બીજો તબક્કો ઈ. પૂ. ૧૩૦૦ સુધીનો જણાયો છે. લોખંડના ધાતુકામની નિશાનીઓ સોમનાથના ત્રીજા તબક્કામાં મળી છે. ભારતવર્ષમાં લોહનો ઉપયોગ ઈ. પૂ. ૧૦૦૦ના અરસામાં જાણવામાં આવ્યો છે. લોખંડની કાચી ધાતુને ગાળવા માટે વધુ ઉષ્ણતામાનની જરૂર પડે છે, પરંતુ એનાં હથિયાર વધુ મજબૂત અને ટકાઉ બને છે.
શાર્યાતો, ભૃગુઓ અને યાદવો[6]
પૌરાણિક અનુશ્રુતિઓના આધારે ગુજરાતમાં આ દરમ્યાન થયેલા કેટલાક આદ્ય-ઐતિહાસિક રાજવંશો વિશે માહિતી મળે છે. એ અનુસાર અહીં વૈવસ્વત મનુના પુત્ર શર્યાતિનો વંશ રાજ્ય કરતો હતો. શર્યાતિના પુત્રનું નામ આનર્ત હતું. એના પુત્ર રેવના સંદર્ભમાં શાર્યાતોનો રાજ્યપ્રદેશ ‘આનર્ત’ નામે ઓળખાતો; એની રાજધાની કુશસ્થલી હતી. પુરાણોમાં શાર્યાતવંશના ચારેક રાજાઓની જ અનુશ્રુતિ જળવાઈ રહી છે, જ્યારે બીજા અનેક રાજાઓનો વૃત્તાંત વિસ્મૃતિમાં લુપ્ત થયો લાગે છે. ભૃગુના પુત્ર ચ્યવન પ્રસિદ્ધ ઋષિ હતા. શર્યાતિની પુત્રી સુકન્યા એમની પત્ની હતી. ચ્યવનના સમયથી ભૃગુઓ દક્ષિણ ગુજરાત સાથે ગાઢ સંબંધ ધરાવતા. એને લઈને ભારુકચ્છ પ્રદેશ ભૃગુક્ષેત્ર તરીકે અને ભરુકચ્છ નગર ભૃગુકચ્છ તરીકે ઓળખાયું. ચ્યવનના પુત્ર દધીચનું સ્થાન ચંદ્રભાગા-સાબરમતીના સંગમ પાસે મનાય છે, જેની સમીપમાં ગાંધીજીએ આશ્રમ સ્થાપ્યો. ભાર્ગવો આગળ જતાં હૈહય યાદવો સાથે પુરોહિત તરીકે સંબંધ ધરાવતા. હૈહય સમ્રાટ અર્જુન કાર્તવીર્યના વિશાળ રાજ્યમાં ગુજરાતનો સમાવેશ થતો. એના પિતા કૃતવીર્યના સમયથી હૈહયો અને ભૃગુઓ વચ્ચે સંઘર્ષ થયો. આ સંઘર્ષ અર્જુન કાર્તવીર્ય અને રામ જામદગ્ન્યના સમયમાં પરાકાષ્ઠાએ પહોંચ્યો. પિતાની હત્યાનું વેર વાળવા પરશુરામે ક્ષત્રિયોનું એકવીસ વાર નિકંદન કાઢ્યું ને છેવટે એ ભૃગુક્ષેત્ર તજી શૂર્પારક(સોપારા) ચાલ્યા ગયા. આગળ જતાં સાત્વત કુળના યાદવો જરાસંધ વગેરેના ઉપદ્રવને લઈને કૃષ્ણ વાસુદેવની આગેવાની નીચે મથુરા તજી સૌરાષ્ટ્રમાં આવી વસ્યા. શાર્યાતોની જૂની રાજધાની કુશસ્થલીના જીર્ણ દુર્ગને સમારાવી એને દ્વારવતી કે દ્વારકા નામે નવી નગરીનું સ્વરૂપ આપ્યું. કકુદ્મી રૈવતે પોતાની કન્યા રેવતી બલરામ વાસુદેવને પરણાવી. કૃષ્ણ વાસુદેવે વિદર્ભ, મદ્ર, શિબિ વગેરે પ્રદેશોની રાજકન્યાઓને પરણી અનેક રાજકુળો સાથે સંબંધ બાંધ્યો. પાંડવોના અભ્યુદયમાં તથા ભારતયુદ્ધમાં થયેલા પાંડવોના વિજયમાં કૃષ્ણનો ફાળો ગણનાપાત્ર હતો. પરંતુ યાદવો મદ અને મદિરાને વશ થઈ પ્રભાસમાં આપસઆપસમાં લડી મર્યા ને અર્જુને દ્વારકામાં રહેલાં સ્ત્રીબાળકોને લઈ જઈ કૃષ્ણના પ્રપૌત્ર વજ્રનો અભિષેક ઇન્દ્રપ્રસ્થમાં કરાવ્યો. સમય જતાં કૃષ્ણ વાસુદેવ વિષ્ણુના પૂર્ણાવતાર તરીકે તેમજ ભાગવત સંપ્રદાયના ઇષ્ટદેવ તરીકે સ્થાન પામ્યા. `ગીતાના ગાનાર’ તરીકે પણ તેઓ ખ્યાતિ ધરાવે છે. કુશસ્થલી-દ્વારકા રૈવતક ગિરિ પાસે વસેલી હતી ને એની આસપાસ સમુદ્ર હતો; કૃષ્ણનો દેહોત્સર્ગ થતાં સમુદ્રે એને ડુબાડી દીધી એવી અનુશ્રુતિ છે. યાદવકાલીન દ્વારકાનું સ્થાન નક્કી કરવું મુશ્કેલ છે, કેમકે રૈવતક ગિરિ અને સમુદ્રના સામીપ્યનો મેળ વર્તમાન ભૌગોલિક સ્થિતિમાં મળતો નથી. યાદવાસ્થળી પછીના આદ્ય-ઇતિહાસને લગતી અનુશ્રુતિ ઉપલબ્ધ નથી.
આરંભિક ઐતિહાસિક કાળ[7]
ગુજરાતના પ્રમાણિત ઇતિહાસનો આરંભ મૌર્યકાળથી થાય છે. ચંદ્રગુપ્ત મૌર્ય(લગભગ ઈ.પૂ. ૩૨૨–૨૯૮)ના રાષ્ટ્રિયે (રાજ્યપાલે) ગિરિનગર પાસે બંધ બાંધી સુદર્શન નામે જળાશય કરાવ્યું. અશોક મૌર્ય(લગભગ ઈ. પૂ. ૨૭૩–૨૩૭)ના રાષ્ટ્રિયે એમાંથી નહેરો કરાવી. દેવોના પ્રિય પ્રિયદર્શી રાજા અશોકે ચૌદ ધર્મલેખોની એક પ્રત ગિરિનગર પાસેના શૈલ પર કોતરાવી. ઐતિહાસિક કાળનો ગુજરાતમાં એ સહુથી પ્રાચીન અભિલેખ છે. એ પ્રાકૃત ગદ્યમાં ને બ્રાહ્મી લિપિમાં છે. ગિરિનગર એ ગિરિ ઉર્જયત્(ગિરિનગર) પાસે વસેલું નગર હતું ને સુરાષ્ટ્રનું વડું મથક હતું. અશોકના કોતરેલા ધર્મલેખવાળો શૈલ જૂનાગઢના દામોદર કુંડ પાસે આવેલો છે. ગિરિનગર પાસેના ડુંગરોમાં બૌદ્ધ ભિક્ષુઓના નિવાસ માટે ગુફાઓ કંડારી આપવાની શરૂઆત આ સમયે થઈ લાગે છે. અશોક બૌદ્ધ ધર્મનો અને એનો પૌત્ર સંપ્રતિ જૈન ધર્મનો પરમ અનુયાયી અને પ્રભાવક હતો. આ બે ધર્મોનો પ્રભાવ ગુજરાતમાં મૌર્યકાળમાં શરૂ થયો જણાય છે. ગુજરાતમાં કેટલાંક પ્રાચીન જિનાલય સંપ્રતિએ બંધાવ્યા હોવાનું મનાય છે. શ્રીલંકાના પાલિ સાહિત્યમાં `દીપવંસ’ અને `મહાવંસ’ નામે જે ઇતિહાસગ્રંથો છે, તેમાં ત્યાંની સિંહલ સંસ્કૃતિનો આરંભ લાળ દેશના સિંહપુરના રાજપુત્ર વિજયના આગમનથી ગણવામાં આવે છે. વિજય પોતાના ૭૦૦ સાથીઓ સાથે સમુદ્રમાર્ગે સિંહપુરથી સોપારા થઈ લંકાદ્વીપ ગયો હતો ને પછી એ સહુ ત્યાં રહી ગયા હતા. એનું આગમન ભગવાન બુદ્ધના પરિનિર્વાણ(શ્રીલંકાની અનુશ્રુતિ અનુસાર ઈ.પૂ. ૫૪૪-૪૩)ના દિવસે થયું હતું. આ અનુશ્રુતિમાં જણાવેલ લાળદેશ એ લાટ(ગુજરાત) અને સિંહપુર એ ભાવનગર જિલ્લામાંનું સિહોર હોવા સંભવ છે. `લંકાની લાડી ને ઘોઘાનો વર’ એ ગુજરાતી કહેવત શ્રીલંકા અને ગુજરાત વચ્ચેના સાંસ્કૃતિક સંબંધનું સમર્થન કરે છે. આ અનુશ્રુતિ અનુસાર રાજપુત્ર વિજયને લગતી ઘટના આરંભિક ઐતિહાસિક કાળના પ્રાગ્-મૌર્ય કાળખંડ દરમ્યાન બની ગણાય. મગધના સામ્રાજ્યની સત્તા ગુજરાતમાં ક્યાં સુધી ચાલુ રહી એ જાણવા મળતું નથી. શુંગકાળ દરમ્યાન બાહ્લિક દેશના યવનો(ગ્રીકો)ની સત્તા ઉત્તર-પશ્ચિમ ભારતમાં સ્થપાઈ. એ પૈકી મિનન્દર(લગભગ ઈ. પૂ. ૧૫૫થી ૧૩૦) અને અપલદત-બીજો (લગભગ ઈ.પૂ. ૧૧૫થી ૯૫)ના સિક્કા ગુજરાતમાં મળ્યા છે. ઈ. પૂ. ૫૭માં શરૂ થયેલો વિક્રમ સંવત ઉજ્જનના જે શકારિ વિક્રમાદિત્યે શરૂ કરેલો મનાય છે તે વિક્રમાદિત્ય ભરુકચ્છ(ભરૂચ)નો રાજા બલમિત્ર હોવો સંભવે છે.
ક્ષત્રપ કાળ[8]
ઈ. ૭૮માં ભારતવર્ષમાં શક સંવતનો આરંભ થયો. શક જાતિના ક્ષત્રપ રાજાઓ પશ્ચિમ ભારતમાં સત્તારૂઢ થયા. ક્ષહરાત કુલના રાજા ક્ષત્રપ ભૂમક તથા નહપાને અહીં એ પહેલાં ચાળીસ વર્ષ રાજ્ય કર્યું. નહપાન(નભોવાહન)ની રાજધાની પ્રાયઃ ભરુકચ્છ(ભરૂચ)માં હતી. એનું રાજ્ય પ્રાયઃ ઉત્તરમાં પુષ્કર (અજમેર પાસે) સુધી, પશ્ચિમમાં સૌરાષ્ટ્ર સુધી, પૂર્વમાં માળવા સુધી અને દક્ષિણમાં નાસિક-પૂના જિલ્લા સુધી વિસ્તૃત હતું. એના જમાઈ ઉષવદાતે ભરુકચ્છ તથા પ્રભાસમાં વિવિધ દાન દીધેલાં. કચ્છમાં વળી કાર્દમક કુળના રાજા ક્ષત્રપ ચાષ્ટનની સત્તા પ્રવર્તી. દખ્ખણના સાતવાહન રાજા ગૌતમીપુત્ર શાતકર્ણિએ રાજા નહપાનને હરાવી ક્ષહરાત વંશનો અંત આણ્યો, પણ રાજા ચાષ્ટને થોડાં જ વર્ષોમાં એમાંના ઘણા પ્રદેશ જીતી લીધા ને પોતાનું રાજ્ય પુષ્કર, માળવા અને નર્મદા સુધી વિસ્તાર્યું. એની રાજધાની ઉજ્જનમાં હતી. એના સમયમાં શક વર્ષ ૭૨ (ઈ. ૧૫૦)માં અતિવૃષ્ટિથી આવેલા નદીઓના પૂરને લઈને ગિરિનગરના સુદર્શનનો બંધ તૂટી ગયો ત્યારે આનર્ત-સુરાષ્ટ્રના રાજ્યપાલે રાજાની મંજૂરી મેળવી એને સમયસર સમરાવી દીધો. આને લગતો જે લેખ ગિરનાર શૈલની બીજી બાજુએ કોતરેલો છે તેમાં મહાક્ષત્રપ રુદ્રદામાની પ્રશસ્તિ સંસ્કૃત સાહિત્યમાં ઉચ્ચ શૈલીના ગદ્યના પ્રાચીન નમૂના તરીકે જાણીતી છે. ક્ષત્રપ રાજાઓના સેંકડો સિક્કા મળ્યા છે. એમાં સિક્કા પડાવનાર રાજાનું પૂરું નામ આપવામાં આવતું. રુદ્રસિંહ-પહેલાના સમયથી એમાં વર્ષ આપવામાં આવતું. આ પરથી આ રાજાઓની વંશાવલી તથા સાલવારી બંધ બેસાડવામાં ઘણી સરળતા રહી છે. છેલ્લા રાજા રુદ્રસિંહ-ત્રીજાના સિક્કા શક વર્ષ ૩૨૦ (ઈ. ૩૯૮–૯૯) સુધીના મળ્યા છે. આમ ક્ષત્રપકાલ ગુજરાતના પ્રાચીન ઇતિહાસમાં ત્રણસોથી વધુ વર્ષનો સમય રોકે છે. આ કાળ દરમ્યાન ગુજરાતમાં પાદલિપ્તાચાર્ય, વજ્રભૂતિ આચાર્ય, આર્ય નાગાર્જુન, સિદ્ધસેન દિવાકર, મલ્લવાદી વગેરે જૈન વિદ્વાનો થયા, જેમની કૃતિઓમાં ‘તરંગવતી’કથા, સન્મતિતર્ક, ન્યાયાવતાર અને દ્વાદશારનયચક્ર નોંધપાત્ર છે. ઈ. ૩૦૦ના અરસામાં મથુરામાં આર્ય સ્કંદિલે ને વલભીમાં આર્ય નાગાર્જુને જૈન આગમોની વાચના તૈયાર કરી. મલ્લવાદી તાર્કિકોમાં અગ્રિમ સ્થાન ધરાવે છે. બૌદ્ધ આચાર્ય સ્થિરમતિ અને ગુણમતિએ વલભીની નજીકના વિહારમાં રહી પોતાના પ્રસિદ્ધ ગ્રંથ રચ્યા. પહેલા કે બીજા સૈકામાં દુર્ગાચાર્યે જંબુસરમાં ‘નિરુક્ત’ પર ટીકા લખી ને ચોથા સૈકામાં વલભીના સ્કંદસ્વામીએ ઋગ્વેદભાષ્ય લખ્યું. જ્યોતિષી લાટદેવ (ત્રીજી સદી) લાટદેશના વતની લાગે છે. રાજકીય લખાણોમાં પ્રાકૃતને સ્થાને સંસ્કૃતનો ઉપયોગ થવા લાગ્યો. બ્રાહ્મી લિપિના અક્ષર વધારે મરોડદાર બન્યા ને એના પર નાની શિરોરેખા ઉમેરાઈ. ધર્મમાં તીર્થસ્થાન, દાન અને પૂર્તધર્મનો મહિમા મનાતો. દાનમાં કન્યાદાન, ગ્રામદાન, સુવર્ણદાન તથા ગોદાનનું માહાત્મ્ય ગણાતું. મનુષ્યોના પરિચયમાં ગોત્ર મહત્ત્વ ધરાવતું. શક જાતિના શાસકો પણ શૈવ તથા બૌદ્ધ ધર્મ અપનાવતા. પ્રભાસમાં સોમશર્માએ સોમસિદ્ધાંત પ્રવર્તાવ્યો. એ શિવના સત્તાવીસમા અવતાર મનાયા. ‘સોમનાથ’ની ઉત્પત્તિ એમના નામ પરથી થઈ લાગે છે. ડભોઈ પાસે આવેલા કારવણમાં નકુલીશ કે લકુલીશ નામે આચાર્ય થયા તે શિવના અઠ્ઠાવીસમા અવતાર મનાય છે. ભગવાન રુદ્ર ત્યાં એક મૃત બ્રહ્મચારીની લકુલ કાયામાં અવતર્યા તેથી એ સ્થાન ‘કાયાવરોહણ’ કહેવાયું એમ મનાય છે. નકુલ/લકુલ એટલે લકુટ(દંડ). લકુલીશના સ્વરૂપમાં એમના એક હાથમાં લકુટ ધારણ કરેલો હોય છે. લકુલીશને વાસુદેવના સમકાલીન ગણાવ્યા છે, પરંતુ તેઓ ખરેખર બીજા શતકમાં થયા જણાય છે. ભગવાન લકુલીશે પાશુપત સંપ્રદાય પ્રવર્તાવ્યો, એ દેશભરમાં પ્રસર્યો. એમને ચાર શિષ્ય હતા. કુશિક, ગર્ગ, મિત્ર અને કુરુષ. તેઓમાંથી અનુક્રમે કૌશિક, ગાર્ગ્ય, મૈત્ર્ય અને કૌરુષ્ય શાખા થઈ. પાલીતાણા પાદલિપ્તસૂરિની સ્મૃતિ જાળવે છે. શત્રુંજય, ઉજ્જયંત(ગિરનાર), પ્રભાસ, ઢાંક સ્તંભનક(થામણા), શંખેશ્વર વગેરે જૈન તીર્થો પણ પ્રાચીન છે. ગુજરાતમાં કેટલાંક સ્થળોએ બૌદ્ધ સ્તૂપો તથા વિહારો બંધાતા કે કંડારાતા હતા. વડનગર, નગરા, શામળાજી, દેવની મોરી, ધાતવા, અકોટા, ટીંબરવા, કામરેજ, વલભીપુર, સોમનાથ, દ્વારકા, પીંડારા, ઇંટવા વગેરે અનેક સ્થળોએ સ્થળતપાસ અને/અથવા ઉત્ખનન દ્વારા આ કાળના વિવિધ અવશેષ પ્રાપ્ત થયા છે. એમાં રોમના મૃદ્ભાણ્ડ ખાસ નોંધપાત્ર છે. રોમ સાથે ત્યારે ભારત ગાઢ વાણિજ્યિક સંબંધ ધરાવતું. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, તળાજા, સાણા, ખંભાલીડા વગેરે સ્થળોએ ડુંગરમાં બૌદ્ધ વિહાર કંડારેલા છે, તો ઢાંકના ડુંગરમાં જૈન ચૈત્ય કંડારેલાં છે. જૂનાગઢ અને શામળાજી પાસે ઇંટેરી સ્તૂપો અને વિહારોના અવશેષ મળ્યા છે. દેવની મોરીના સ્તૂપના પેટાળમાંથી પથ્થરનો દાબડો નીકળેલો. એના પર કોતરેલા સંસ્કૃત પદ્યબદ્ધ લેખમાં આ સ્તૂપ અમુક શાક્ય ભિક્ષુઓએ બંધાવેલો અને એમાં અમુક ભિક્ષુએ દશબલ(બુદ્ધ)ના દેહાવશેષ આ શૈલમય સમુદ્ગમાં પધરાવેલા એવું જણાવેલું છે. દાબડામાં તાંબાની દાબડીમાં અસ્થિ ભરેલી શીશીઘાટની સોનાની નાની દાબડી હતી. પથ્થરના દાબડાના ઢાંકણા પર બૌદ્ધ ત્રિપિટકમાંનું પ્રતીત્યસમુત્પાદના સિદ્ધાંતને લગતું સૂત્ર(પ્રવચન) કોતરેલું છે. સ્તૂપની અંદરથી તથા આસપાસથી બુદ્ધ-પ્રતિમાઓ મળી છે. આ સ્તૂપ ઈ. ૩૭૫ના અરસામાં બંધાયો લાગે છે. શામળાજીની નજીકમાં આ કાળની અનેક સુંદર શૈવ શિલ્પકૃતિઓ પણ પ્રાપ્ત થઈ છે. એમાં સપ્તમાતૃકાઓ તથા ભીલડીવેશે રહેલાં પાર્વતીની મૂર્તિ ખાસ નોંધપાત્ર છે. ખેડબ્રહ્મામાંથી મળેલું એકમુખ શિવલિંગ, વલભીમાંથી મળેલી કેશિનિષૂદન કૃષ્ણ તથા મહિષાસુરમર્દિનીની મૂર્તિઓ, તેન(જિ. સુરત)માંથી મળેલી વિષ્ણુની નાની કે ખંડિત પ્રતિમા વગેરે પણ ક્ષત્રપકાલીન છે. ગ્રીક ભાષામાં પહેલી સદીમાં લખાયેલા ‘ઇરિથ્રિયન(લાલ) સમુદ્રનો પેરિપ્લસ (ભોમિયો)’માં કચ્છનો કાંઠો, દ્વારકાનો અખાત, સૌરાષ્ટ્રનો કાંઠો, ભરૂચનો અખાત વગેરેનું વિગતે નિરૂપણ કરેલું છે. પશ્ચિમ સાથેના વેપારના સંદર્ભમાં અકીક, પન્ના, હિંદી મલમલ, મુલાયમ કાપડ અને સાદા કાપડ વગેરેની નિકાસનો તથા ઇટાલિયન દારૂ. તાંબું. કલાઈ, સીસું, પીતળ, પરવાળાં, પોખરાજ, કાચ, સોનાચાંદીના સિક્કા, રૂપાનાં વાસણ, રૂપાળી બાંદીઓ વગેરેની આયાતોનો ઉલ્લેખ આવે છે. તોલમાય(ટોલેમી)ની ‘ભૂગોળ’(બીજી સદી)માં પણ કચ્છ, સુરાષ્ટ્ર તથા લાટના કાંઠાનું વર્ણન કરેલું છે.
ગુપ્તકાળ[9]
મગધના ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યે ઈ. ૪૦૦ના અરસામાં માળવા જીત્યું ને થોડા વખતમાં ગુજરાત પર પણ ગુપ્ત સામ્રાજ્યનું શાસન પ્રવર્ત્યુ. કુમારગુપ્ત-પહેલા(ઈ. ૪૧૫થી ૪૫૫)ના ચાંદીના સંખ્યાબંધ સિક્કા ગુજરાતમાં મળ્યા છે. ગુપ્ત સમ્રાટો મગધમાં સોનાના અને તાંબાના સિક્કા પડાવતા હતા, પરંતુ જ્યારે એમણે પશ્ચિમ ભારત પર પોતાની સત્તા પ્રસારી ત્યારે એમને અહીં લાંબા ક્ષત્રપકાલ દરમ્યાન પ્રચલિત થયેલા ચાંદીના સિક્કાઓનું ચલણ અપનાવવું પડેલું. લાટદેશમાંથી દશપુર(મંદસોર)માં જઈ વસેલા પટ્ટવાયો (પટોળાં વણનાર કારીગરો)ની શ્રેણીએ(મંડળે) ત્યાં ઈ. ૪૩૬માં સૂર્યમંદિર બંધાવેલું. સ્કંદગુપ્તના સમયમાં (ઈ. ૪૫૫માં) ગિરિનગરના સુદર્શનનો બંધ અતિવૃષ્ટિથી નદીઓમાં આવેલા પૂરને લઈ ફરી તૂટી ગયો ત્યારે નગરપાલક ચક્રપાલિતે એ બંધ બીજે જ વર્ષે સમારાવી દીધો ને પછીને વર્ષે એની પાસે ચક્રભૃત વિષ્ણુનું મંદિર પણ બંધાવ્યું. જૂનાગઢના શૈલની ત્રીજી બાજુ પર કોતરેલો આને લગતો લેખ સંસ્કૃત પદ્યની સરસ શૈલીમાં રચાયો છે. ગુપ્ત સમ્રાટો ‘પરમ ભાગવત’ હતા તેથી તેમના રાજ્યકાલ દરમ્યાન અહીં પણ વૈષ્ણવ સંપ્રદાયને ખાસ પ્રોત્સાહન મળેલું. કુમારગુપ્ત તથા સ્કંદગુપ્તના સિક્કાઓ પર ગરુડનું ચિહ્ન અંકિત કરેલું છે. ગુજરાતમાં ગુપ્ત સમ્રાટોનું શાસન ફક્ત સિત્તેરેક વર્ષ (લગભગ ઈ. ૪૦૦થી ૪૭૦) રહ્યું. આ કાળના સાહિત્યમાં અગાઉ ક્ષત્રપકાળ દરમ્યાન તૈયાર થયેલી જૈન આગમોની માથુરી વાચના તથા વાલભી વાચનાના પાઠની તુલના કરીને દેવર્દ્ધિગણિ ક્ષમાશ્રમણે વલભીમાં સમીક્ષિત વાચના તૈયાર કરી તે ખાસ નોંધપાત્ર છે. સમસ્ત ભારતવર્ષમાં શ્વેતાંબર જૈનો આ વાચનાને અનુસરે છે. ગુજરાતનું સહુથી પ્રાચીન વિદ્યમાન મંદિર ગોપ(જિ. જામનગર)નું છે. એ આ કાળના અંતનું ગણાય છે. શામળાજી પાસે મળેલાં કેટલાંક શિલ્પ આ કાળનાં છે. અકોટા(વડોદરા)માંથી મળેલ તીર્થંકર આદિનાથની ખંડિત પ્રતિમા પાંચમી સદીની છે.
મૈત્રકકાળ[10]
સ્કંદગુપ્તના મૃત્યુ પછી ગુપ્ત સામ્રાજ્યની સત્તા શિથિલ થતાં એના કેટલાક પ્રાંત સ્વતંત્ર થયા. સુરાષ્ટ્રમાં સેનાપતિ ભટાર્કે વલભીમાં સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું (લગભગ ઈ. ૪૭૦). એ મૈત્રકકુળનો હતો, તેથી આ રાજવંશ ‘મૈત્રક વંશ’ તરીકે ઓળખાય છે. સુરાષ્ટ્રનું પાટનગર હવે ગિરિનગરમાંથી વલભીપુરમાં ગયું. વલભી એ પૂર્વ સૌરાષ્ટ્રમાં સમુદ્રતટ પર આવેલી પ્રાચીન નગરી હતી. મૈત્રકો ‘પરમ માહેશ્વર(શૈવ)’ હતા. મૈત્રક રાજાઓ સમય જતાં પહેલાં ‘મહારાજ’ અને આગળ જતાં ‘મહારાજાધિરાજ’ જેવાં રાજપદ ધારણ કરવા લાગ્યા. તેઓ બ્રાહ્મણો, મંદિરો અને બૌદ્ધ વિહારોને અનેક ભૂમિદાન દેતા. એને લગતાં સોએક તામ્રશાસન મળ્યાં છે. તામ્રપત્રો પર કોતરેલાં ભૂમિદાનને લગતાં એ રાજશાસનો પરથી એ કાળના રાજકીય તથા સાંસ્કૃતિક ઇતિહાસ વિશે ઠીકઠીક માહિતી સાંપડે છે. મૈત્રકવંશમાં શીલાદિત્ય-પહેલો(લગભગ ઈ. ૫૯૫–૬૧૫) ‘ધર્માદિત્ય’ તરીકે ખ્યાતિ પામ્યો. એણે પોતાના મહેલની બાજુમાં બૌદ્ધ વિહાર બંધાવ્યો હતો ને એમાં સાત બુદ્ધોની પ્રતિમાઓ પધરાવી હતી. એણે પોતાના રાજ્યની સત્તા પશ્ચિમ માળવા પર વિસ્તારી. ધ્રુવસેન-બીજો ઉત્તરાપથના ચક્રવર્તી હર્ષના હાથે પરાજય પામ્યો, પરંતુ થોડા વખતમાં હર્ષે એને પોતાનો જમાઈ બનાવી એની સાથે મીઠો સંબંધ બાંધ્યો. એના સમયમાં ચીની મહાશ્રમણ યુઅન શ્વાંગે ભારતવર્ષના પ્રવાસ દરમ્યાન ભરૂચ, માળવા, ખેડા, આનંદપુર(વડનગર), વડાલી, વલભી અને ગિરિનગરની મુલાકાત લીધી(ઈ. ૬૪૦). હર્ષે યુઅન શ્વાંગને કનોજ તેડાવી ધર્મપરિષદ ભરીને ગંગા-યમુનાના સંગમ પર એની હાજરીમાં છઠ્ઠી પંચવાર્ષિક મોક્ષપરિષદ ભરી (ઈ. ૬૪૪) ત્યારે ત્યાં હર્ષની રાજસભામાં ધ્રુવસેન અગ્રિમ સ્થાન ધરાવતો. એના પુત્ર ધરસેન-ચોથાએ ‘ચક્રવર્તી’ બિરુદ ધારણ કર્યું. શીલાદિત્ય-સાતમાના સમયમાં સિંધની અરબ ફોજે વલભી પર દરિયાઈ હુમલો કરી વલભીપુરનો નાશ કર્યો ને રાજાને મારી મૈત્રકવંશનો અંત આણ્યો (ઈ. ૭૮૮). મૈત્રકોની સત્તા સમસ્ત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ માળવા પર પ્રવર્તતી ને તેમનું રાજ્ય ત્રણસોથી વધુ વર્ષ જેટલા લાંબા કાળ સુધી ચાલ્યું, આથી ગુજરાતના ઇતિહાસમાં આ કાળને ‘મૈત્રકકાળ’ તરીકે ઓળખવામાં આવે છે. આ કાળ દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં બીજાં રાજ્યોની સત્તા પ્રવર્તતી. શરૂઆતમાં એના દક્ષિણ ભાગમાં કોંકણના ત્રૈકૂટકોનું રાજ્ય હતું. છઠ્ઠી સદીના આરંભમાં દક્ષિણ ગુજરાત પર માહિષ્મતીના કટચ્ચુરિવંશની સત્તા પ્રવર્તી. સાતમી સદીના આરંભમાં નાંદીપુરી(નાંદોદ)માં ગુર્જરનૃપતિવંશની સત્તા સ્થપાઈ, જ્યારે નવસારિકા(નવસારી)માં દખ્ખણના ચાલુક્યવંશની શાખા સ્થપાઈ. ગુર્જરનૃપતિવંશે પછી રાજધાની ભરૂચમાં રાખી. ઈ. ૭૨૬ના અરસામાં સિંધની આરબ ફોજે કચ્છ, સૌરાષ્ટ્ર અને ભરૂચ પર વિજય મેળવી દક્ષિણાપથ જીતવા માટે નવસારી સુધી કૂચ કરી ત્યારે ત્યાંના ચાલુક્ય રાજા અવનિજનાશ્રય પુલકેશીએ એને હરાવી પાછી કાઢી ને ભરૂચના રાજા જયભટ-ચોથાએ એનો વલભીપુરમાં પરાભવ કર્યો. ઈ. ૭૫૦ના અરસામાં દખ્ખણના રાષ્ટ્રકૂટ રાજા દંતિદુર્ગે ચાલુક્ય સત્તાનું ઉન્મૂલન કરીને અને મહીપર્યંત કૂચ કરીને લાટ તથા માલવ દેશ જીતી લીધા. થોડા વખતમાં દંતિદુર્ગના પિતરાઈ ગોવિંદરાજના પુત્ર કક્કરાજે દક્ષિણ ગુજરાતમાં પોતાની સ્વતંત્ર સત્તા સ્થાપી. આ બધો વખત ગુજરાતના મોટા ભાગ પર વલભીના મૈત્રક રાજાઓની વિશાળ સત્તા પ્રવર્તતી. મૈત્રકકાળ દરમ્યાન બ્રાહ્મણો વેદોનો સ્વાધ્યાય કરતા તેમજ અગ્નિહોત્ર અને પંચ મહાયજ્ઞની આહ્નિક ક્રિયાઓ કરતા. કૃષિ અને પશુપાલન ઉપરાંત વેપારવણજ તથા હુન્નરકલાઓના વ્યવસાય પ્રચલિત હતા. વલભીમાં દેશદેશાવરની કિંમતી અને વિરલ ચીજોની આયાત થતી. તળ-ગુજરાતની પ્રજા માટે વિદ્યા, વિનય અને રીતભાત અંગે ઊંચી છાપ પડતી. હિંદુ ધર્મના સંપ્રદાયોમાં માહેશ્વર સંપ્રદાય સહુથી વધુ લોકપ્રિય હતો. માહેશ્વરોમાં પાશુપત મત ઘણો પ્રચલિત હતો. વિષ્ણુ ભગવાનના અવતારોમાં વરાહ, વામન અને કૃષ્ણના અવતાર લોકપ્રિય હતા. આદિત્ય-ભક્તિ પણ પ્રચલિત હતી. ગુજરાતમાં બૌદ્ધ ધર્મ સારા પ્રમાણમાં વ્યાપક હતો. વલભીમાં ભિક્ષુઓના વિહારોનું તથા ભિક્ષુણીઓના વિહારોનું એકેક મંડલ હતું. અહીં હીનયાનના તથા સમ્મિતીય નિકાયના અનુયાયીઓ અધિક હતા. વિહારોમાં ભગવાન બુદ્ધની કે બુદ્ધોની પૂજા થતી. વલભી જૈન ધર્મનું પણ કેન્દ્ર હતું. વલભીનો નાશ થવાનો હતો ત્યારે ત્યાંની મુખ્ય જૈન પ્રતિમાઓને અન્ય સ્થળોએ ખસેડવામાં આવેલી ને ત્યાંનો શ્રાવક સંઘ મોઢેરા ચાલ્યો ગયેલો. પ્રભાસ, શત્રુંજય, વઢવાણ, કાસંદ્રા અને હારીજનાં જૈન ચૈત્ય પણ ગણનાપાત્ર ગણાતાં. મૈત્રકોનાં દાનશાસનોમાં આપેલી રાજાઓની પ્રશસ્તિઓ સંસ્કૃતની ઉચ્ચ ગદ્યશૈલીમાં રચાઈ છે. એમાં લાંબા સમાસો તથા શબ્દાલંકારો અને અર્થાલંકારોનું પ્રાચુર્ય રહેલું છે. આ શૈલી દક્ષિણ ગુજરાતનાં ઘણાં સમકાલીન રાજ્યોના દાનશાસનોમાં પણ પ્રયોજાઈ છે. રાષ્ટ્રકૂટ રાજાના દાનશાસનમાં સમસ્ત પ્રશસ્તિ પદ્યમાં રચેલી છે ને એમાં સુંદર કાવ્યોચિત કલ્પનાઓ પ્રયોજાઈ છે. વલભીના શિલાલેખોમાં પ્રસાદ અને માધુર્યના ગુણ રહેલા છે. આમ આ કાળની પ્રશસ્તિઓની ગદ્યશૈલી દંડી, સુબંધુ અને બાણભટ્ટની ઉચ્ચ ગદ્યશૈલીનું અને પદ્યરચના કાલિદાસની કાવ્યશૈલીનું સ્મરણ કરાવે છે. વલભીમાં કવિ ભટ્ટિએ રચેલું ‘રાવણવધ’ નામે મહાકાવ્ય સંસ્કૃત મહાકાવ્યોમાં અનોખી ભાત પાડે છે, કેમકે એમાં કથાપ્રસંગોના નિરૂપણની સાથે શબ્દશાસ્ત્ર તથા કાવ્યશાસ્ત્રના નિયમોનાં ઉદાહરણ વણી લેવાની અપૂર્વ પદ્ધતિ અપનાવાઈ છે, આથી આ મહાકાવ્ય પર અનેક ટીકાઓ લખાઈ છે. પાંચ પ્રશિષ્ટ મહાકાવ્યો પર ટીકા લખનાર મલ્લિનાથે પણ આ મહાકાવ્ય પર ટીકા લખી છે. કવિના નામ પરથી આ કાવ્ય ‘ભટ્ટિકાવ્ય’ તરીકે વધારે જાણીતું છે. એની રચના રાજા ધરસેનના સમયમાં થઈ હતી, એ ધરસેન મૈત્રક વંશનો ધરસેન બીજો (લગભગ ઈ. ૫૭૦–૫૯૫) કે ધરસેન ત્રીજો (લગભગ ઈ. ૬૨૦–૬૨૮) હોવો જોઈએ. શાસ્ત્રના અટપટા નિયમો કાવ્યાંતર્ગત ઉદાહરણો દ્વારા સરળતાથી યાદ રહે એ દૃષ્ટિએ આ કાવ્યપ્રકાર નોંધપાત્ર છે. પુન્નાટ સંઘના દિગંબર જિનસૂરિએ વઢવાણમાં રચેલું ‘હરિવંશપુરાણ’ એ આ કાળનું બીજું મહાકાવ્ય છે. એ ઈ. ૭૮૩માં રચાયેલું. અહીં ‘હરિ’ એ કૃષ્ણ વાસુદેવના પૂર્વજનું નામ છે. એમના વંશમાં જન્મેલા અરિષ્ટનેમિ(નેમિનાથ) તથા વસુદેવનું ચરિત એ જૈન કથાસાહિત્યના માનીતા વિષય છે. અનેક બૌદ્ધ ગ્રંથોનો ચીની ભાષામાં અનુવાદ કરનાર ભિક્ષુ ધર્મગુપ્ત (છઠ્ઠો સૈકો) લાટ દેશના વતની હતા. શિક્ષાસમુચ્ચય, બોધિચર્યાવતાર અને સૂત્ર-સમુચ્ચય નામે ગ્રંથોના કર્તા ભિક્ષુ શાંતિદેવ(સાતમો-આઠમો સૈકો) સૌરાષ્ટ્રના રાજપુત્ર હતા. ‘અંગવિજ્જા’ તથા ‘વસુદેવહિંડી’ જેવા પ્રાકૃત ગ્રંથ પશ્ચિમ ભારતમાં લખાયા. જૈન આગમો પરના વિવરણસાહિત્યમાં વિપુલ ફાળો આપનાર અનેક ગ્રંથ પશ્ચિમ ભારતમાં વિહાર કરતા જૈન સાધુઓએ લખેલા છે એમાં ગુજરાતનો પણ ઠીકઠીક ફાળો ગણાય. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે લખેલું ‘વિશેષાવશ્યકભાષ્ય’ જે ઈ. ૬૦૯માં વલભીમાં પૂર્ણ કે અર્પણ થયેલું તે, દાર્શનિક ગ્રંથોમાં ઘણું મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એ વિદ્વાને બીજા અનેક ગ્રંથ(મૌલિક તેમજ વિવરણાત્મક) લખ્યા છે. જિનદાસગણિ મહત્તર(સાતમી સદી) અનેક જૈન આગમ ગ્રંથો પર પ્રાકૃત-સંસ્કૃત મિશ્રભાષામાં ગદ્યમાં લખાયેલી ચૂર્ણિઓના કર્તા તરીકે પ્રસિદ્ધ છે. આચાર્ય હરિભદ્રસૂરિ(ઈ. ૭૦૦–૭૭૦) પશ્ચિમ ભારતના એક પ્રકૃષ્ટ વિદ્વાન હતા, જેમણે અનેકાનેક ગ્રંથ લખેલા છે. એમાં અનેકાંતજયપતાકા તથા અનેકાંતવાદપ્રદેશ, ધર્મસંગ્રહણી, ન્યાયપ્રવેશ, યોગદૃષ્ટિસમુચ્ચય અને ષડ્દર્શનસમુચ્ચય જેવા દાર્શનિક ગ્રંથો ઉપરાંત ધૂર્તાખ્યાન, યશોધરચરિત્ર અને સમરાઈચ્ચકહા જેવા ચરિતગ્રંથોનો પણ સમાવેશ થાય છે. ‘કુવલયમાલા’ રચનાર ઉદ્દ્યોતનસૂરિ આ સમયમાં થયા. આ કથાકૃતિ પ્રાકૃત, પૈશાચી, અપભ્રંશ અને સંસ્કૃત ભાષામાં ગદ્ય તથા પદ્યમાં રચાઈ છે. બ્રહ્મગુપ્તના જ્યોતિષ-ગ્રંથની તથા કવિ માઘના ‘શિશુપાલવધ’(માઘકાવ્ય) મહાકાવ્યની રચના હાલના ગુજરાતની ઉત્તરે આવેલા પ્રાચીન ગુર્જરદેશમાં આ કાળ દરમ્યાન થયેલી. ઇ-ત્સિંગ વલભી વિદ્યાપીઠને મગધની સુપ્રસિદ્ધ નાલંદા વિદ્યાપીઠની હરોળમાં મૂકે છે ને એ બે વિદ્યાપીઠોને ચીનમાં પ્રખ્યાત વિદ્યાપીઠો જેવી ગણાવે છે. શબ્દવિદ્યા, સાહિત્યવિદ્યા, જ્યોતિષવિદ્યા, ચિકિત્સાવિદ્યા અને અભિધર્મવિદ્યાનું શિક્ષણ લીધેલા વિદ્યાર્થીઓ અહીં ઉચ્ચ શિક્ષણ માટે પ્રવેશ પામતા ને ત્રણ વર્ષ અભ્યાસ કરી વિદ્વત્તામાં તેમજ વાદવિદ્યામાં વિશારદ બનતા, સમાજમાં ભારે ખ્યાતિ પામતા તેમજ રાજસભામાં ઉચ્ચ અધિકાર પ્રાપ્ત કરતા. ગુજરાતમાં ક્ષત્રપકાલ દરમ્યાન શક સંવત વપરાતો, ગુપ્તકાલ દરમ્યાન ગુપ્ત સંવત પ્રચલિત થયો, મૈત્રકકાલ દરમ્યાન પણ ગુપ્ત સંવત પ્રચલિત રહ્યો, પરંતુ એમાં ચૈત્રાદિ વર્ષની જગ્યાએ કાર્ત્તિકાદિ વર્ષની પદ્ધતિ અપનાવવામાં આવી. આ પદ્ધતિવાળો ગુપ્ત સંવત ‘વલભી સંવત’ તરીકે ઓળખાયો. દક્ષિણ ગુજરાતમાં વળી કલચુરિ સંવત વપરાતો. મંદિરોમાં સ્થાપત્ય-સ્વરૂપમાં પગથીબંધી પિરામિડ ઘાટના શિખરમાં સીધી સળંગ ઊભી રેખાવાળાં અંગ ઉમેરાતાં ગયાં, જેને લઈને આગળ જતાં શંકુઘાટનું નાગર શૈલીનું શિખર વિકસ્યું. આ ક્રમિક વિકાસના અંતરાલ તબક્કા સૌરાષ્ટ્રમાં વિસાવાડા, બીલેશ્વર, સુત્રાપાડા વગેરેનાં મંદિરોમાં નજરે પડે છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા તથા સાબરકાંઠા જિલ્લામાં પણ આવાં થોડાંક મંદિર જોવામાં આવે છે. દેવદેમાઓમાં શિલ્પકલાનો સ્પષ્ટ વિકાસ વરતાય છે. ગુજરાતની પૂર્વ સીમા પાસે આવેલી બાઘ ગુફાઓનાં ચિત્રોમાં અજંતા ગુફાઓની ચિત્રશૈલી જેવી એક વિશિષ્ટ ચિત્રશૈલી જોવા મળે છે.
અનુમૈત્રક કાળ[11]
વલભીના મૈત્રક રાજ્યના અંત પછી ગુજરાતમાં એવું મોટું રાજ્ય સ્થપાતાં લગભગ દોઢ સૈકો લાગ્યો. એ દરમ્યાન ઉત્તર ગુજરાતમાં પંચાસરના ચાવડા રાજ્યનો નાશ થયો ને એ પછી પચાસ વર્ષે અણહિલવાડમાં વનરાજ ચાવડાના વંશનું રાજ્ય પ્રવર્ત્યું. પરંતુ આ રાજ્યનો પ્રદેશ ઘણો મર્યાદિત રહ્યો. દક્ષિણ ગુજરાતમાં જે રાષ્ટ્રકૂટ રાજ્ય હતું તેની સત્તા હવે ઉત્તરમાં છેક સાબરકાંઠા સુધી પ્રસરી ને એની રાજધાની ખેટક(ખેડા)માં ખસેડાઈ. દખ્ખણના રાષ્ટ્રકૂટ રાજા ગોવિંદરાજ-ત્રીજાએ લાટમંડલ પોતાના ભાઈ ઇંદ્રરાજને સોંપ્યું. અહીં ઇંદ્રરાજની શાખા લગભગ એક શતક સુધી સત્તારૂઢ રહી. નવમી સદીના અંતભાગમાં વળી અહીં દખ્ખણના રાષ્ટ્રકૂટ વંશનું સીધું શાસન પ્રવર્ત્યુ. દખ્ખણના રાષ્ટ્રકૂટોના પ્રતિસ્પર્ધી હતા કનોજના પ્રતીહારો. પ્રતીહાર નરેશ નાગભટ-બીજાના સમયથી સૌરાષ્ટ્ર પર પ્રતીહારોનું આધિપત્ય પ્રવર્ત્યું. દક્ષિણ સૌરાષ્ટ્રમાં એક ચાલુક્ય કુળનું રાજ્ય હતું ને ઉત્તરપૂર્વ સૌરાષ્ટ્રમાં એક ચાપ કુળનું. આ બંને રાજ્યોના રાજાઓ કનોજના પ્રતીહાર રાજાધિરાજોનું આધિપત્ય અંગીકાર કરતા. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જયદ્રથવંશી ગણાતા સૈંધવ રાજાઓનું રાજ્ય ચાલુ રહ્યું. સૌરાષ્ટ્રમાં એ ઉપરાંત વાળાઓ, ચૂડાસમાઓ વગેરેનાં રાજ્ય પ્રવર્તતાં, આથી આ કાળને ‘અનુ-મૈત્રક કાળ’ તરીકે ઓળખવો પ્રાપ્ત થાય છે. રાષ્ટ્રકૂટોના રાજ્યમાં શક સંવત પ્રચલિત થયો. ઉત્તર ગુજરાતના ચાવડા વંશના કોઈ અભિલેખ મળ્યા નથી. એથી એ રાજ્યમાં કયો સંવત પ્રવર્તતો એ જાણવા મળ્યું નથી. વઢવાણના ચાપ રાજ્યમાં પણ શક સંવત વપરાતો. સૈંધવ રાજ્યમાં ગુપ્ત સંવત પ્રચલિત હતો. દક્ષિણ સૌરાષ્ટ્રના ચાલુક્ય રાજ્યમાં વલભી સંવત ઉપરાંત વિક્રમ સંવત વપરાવા લાગ્યો. રાષ્ટ્રકૂટ, સૈંધવ વગેરે રાજ્યોનાં અનેક દાનશાસન મળ્યાં છે. અણહિલવાડના ચાવડા રાજાઓ બાહ્મણોને તેમજ જૈનોને પ્રોત્સાહન આપતા. રાષ્ટ્રકૂટ રાજ્યમાં દખ્ખણના બ્રાહ્મણો ગુજરાતમાં આવી વસવા લાગ્યા. બૌદ્ધ ધર્મ ભારતના બીજા ઘણા પ્રદેશોની જેમ આ પ્રદેશમાં પણ હવે લગભગ લુપ્ત થઈ ગયો, જ્યારે જૈન ધર્મનો અભ્યુદય થયો. ગુજરાતના પ્રદેશમાં હવે અરબો તથા અન્ય મુસ્લિમો વસવા લાગ્યા ને મસ્જિદો બંધાવવા લાગ્યા. દસમી સદીના આરંભમાં અરબોના અત્યાચારને લઈ ઈરાનના કેટલાક જરથોસ્તીઓ ધર્મના જતન માટે વતન તજી સૌરાષ્ટ્રમાં આવ્યા ને દીવમાં ૧૯ વર્ષ રહી ઈ. ૯૩૬માં સંજાણમાં જઈ વસ્યા. પારસી તરીકે ઓળખાતી આ પ્રજા આગળ જતાં દક્ષિણ ગુજરાતમાં સ્થિર થઈ ને ગુજરાતી પ્રજા સાથે દૂધમાં સાકરની જેમ ભળી ગઈ. આ કાળ દરમ્યાન સંસ્કૃત સાહિત્યમાં લાટ દેશની વિશિષ્ટ રીતિ ઘડાઈ. જે ‘લાટી રીતિ’ તરીકે ઓળખાઈ. અનુપ્રાસ અલંકારના પ્રકારોમાં લાટાનુપ્રાસ પ્રચલિત થયો. કનોજના પ્રસિદ્ધ કવિ રાજશેખરે પોતાની નાટિકાઓમાં નાયિકા તરીકે લાટદેશની રાજકન્યાઓ પસંદ કરી છે ને ‘કાવ્યમીમાંસા’માં જણાવ્યું છે કે સુરાષ્ટ્રના લોકો અપભ્રંશયુક્ત વચનો બોલે છે, જ્યારે લાટદેશના લોકો સંસ્કૃત તજી પ્રાકૃત વિશે રુચિ ધરાવે છે. આ કાળ દરમ્યાન હવે સંસ્કૃત તથા પ્રાકૃતની જેમ અપભ્રંશ ભાષામાં પણ સાહિત્ય સર્જાતું હતું. બપ્પભટ્ટિસૂરિ મોઢેરાથી કનોજ ગયા ને ગુરુબંધુ રાજા આમ ઉર્ફે નાગાવલોક(લગભગ ઈ. ૭૫૨–૮૩૪)નો સમાદર પામ્યા. એમણે અનેક સ્તોત્ર આદિ કૃતિઓ રચેલી. આ કાળ દરમ્યાન ગુજરાતમાં જૈન આગમગ્રંથો પર સંસ્કૃત ટીકા લખાવા લાગી. શીલાચાર્યે લખેલી ‘આચારાંગસૂત્ર’ તથા ‘સૂત્રકૃતાંગસૂત્ર’ પરની ટીકાઓ ઉપલબ્ધ છે. ‘વિશેષાવશ્યકભાષ્ય’ પર વૃત્તિ લખનાર કોટ્યાચાર્ય અને આ શીલાચાર્ય એક ગણાય છે. વનરાજના પ્રતિબોધક શીલગુણસૂરિ પણ આ હોવા સંભવે છે, પરંતુ પ્રાકૃતમાં ‘ચઉપન્નમહાપુરિસચરિય’ રચનાર શીલાંકાચાર્ય આ શીલાચાર્યથી ભિન્ન હોવાનું જણાય છે. આ ચરિતગ્રંથમાં ૨૪ તીર્થંકરો, ૧૨ ચક્રવર્તીઓ, ૯ વાસુદેવો અને ૯ પ્રતિવાસુદેવો મળી કુલ ૫૪ મહાપુરુષોનું ચરિત નિરૂપવામાં આવ્યું છે. આ કાળની એક બીજી પ્રસિદ્ધ કૃતિ છે ‘ઉપમિતિભવપ્રપંચકથા’, જે ભારતીય સાહિત્યમાં પ્રાચીન રૂપકગ્રંથ તરીકે જાણીતી છે. એના કર્તા સિદ્ધર્ષિ લાટ દેશના સૂરાચાર્યની શિષ્યપરંપરામાં થયા. આ કૃતિ ભિલ્લમાલમાં ઈ. ૯૦૬માં રચાઈ. એની રચના સંસ્કૃત ભાષામાં કરેલી છે ને એમાં વિવિધ ભાવોને પાત્રરૂપે રજૂ કરીને રસ પડે તેવી રીતે ઉપદેશ આપવામાં આવ્યો છે ને ઉપમિતિ(રૂપક) દ્વારા ભવ(સંસાર)નો પ્રપંચ દર્શાવ્યો છે. પુન્નાટ સંઘના આચાર્ય હરિષેણે વઢવાણમાં ઈ. ૯૩૨માં સંસ્કૃતમાં ‘બૃહત્કથાકોશ’ નામે મોટો કથાસંગ્રહ લખ્યો. ‘ભગવતી આરાધના’ પરથી લખાયેલા આ ગ્રંથમાં જૈન ધર્મની પ્રભાવના દર્શાવતી ૧૫૭ ધર્મકથા આપવામાં આવી છે. ઉદ્યોગોમાં સુરાષ્ટ્ર લવણ(મીઠું) અને કાંસા માટે જાણીતું હતું. અરબ લેખકોએ અહીંના બારીક કાપડની ભારે તારીફ કરી છે. સુલેમાન સોદાગર નોંધે છે કે આ કાપડનો આખો તાકો અંગૂઠીના ગાળામાંથી પસાર થઈ જાય તેટલો બારીક હોય છે. ખંભાતનાં પાનાં તથા પગરખાં મશહૂર હતાં. સૌરાષ્ટ્રમાં સૈંધવ રાજ્યમાં અનેક મંદિર બંધાયાં, જેના સ્થાપત્ય-સ્વરૂપમાં નાગર શૈલી તરફનો અધિકાધિક વિકાસ થતો ગયો. તારંગા પરની બૌદ્ધ દેવી વરદતારાની મનોહર મૂર્તિ આ કાળની છે.
સોલંકી કાળ[12]
સોલંકી કાળ (ઈ. ૯૪૨–૧૩૦૪) એ ગુજરાતનો સુવર્ણકાળ હતો. ચૌલુક્ય(સોલંકી) કુળના મૂળરાજે અણહિલવાડ પાટણમાં ચાવડા વંશનો અંત આણી જે નવા રાજ્યની સ્થાપના કરી તે સમય જતાં ઉત્તરોત્તર વિસ્તૃત થતું ગયું. લાટ(દક્ષિણ ગુજરાત), સૌરાષ્ટ્ર અને કચ્છ પર ચૌલુક્યવંશનું આધિપત્ય પ્રસર્યું એટલું જ નહીં, હાલના ગુજરાતની બહાર આવેલા કેટલાક પડોશી પ્રદેશોનાં રાજ્યો પર પણ અણહિલવાડના સોલંકી રાજાઓની આણ પ્રવર્તી. આ રાજાઓમાં સિદ્ધરાજ જયસિંહ(ઈ. ૧૦૯૪–૧૧૪૩) તથા કુમારપાળ(ઈ. ૧૧૪૩–૧૧૭૨) સહુથી પ્રતાપી રાજવીઓ તરીકે સુપ્રસિદ્ધ છે. માળવાના પરમાર રાજાઓ સાથેના લાંબા વિગ્રહમાં સિદ્ધરાજે અજબ વિજય મેળવી ‘અવંતીનાથ’નું બિરુદ પ્રાપ્ત કરેલું. એના અભિલેખ ભીનમાલ, જોધપુર, સાંભર, વાંસવાડા અને ઉજ્જન પ્રદેશમાં પણ મળ્યા છે. સિદ્ધરાજે વિદ્યાકલાને ઘણું પ્રોત્સાહન આપેલું ને રાજ્યમાં અનેક દેવાલયો તથા જળાશયો બંધાવેલાં. સિદ્ધપુરનો રુદ્રમહાલય તથા પાટણનું સહસ્રલિંગ સરોવર એ એનાં સુપ્રસિદ્ધ સ્મારક છે. કુમારપાળની સત્તા ઉત્તરમાં સાંભર-અજમેર સુધી અને પૂર્વમાં ભીલસા સુધી પ્રવર્તતી. સિદ્ધરાજની જેમ કુમારપાળ પણ વિદ્યાકલાને ઘણું પ્રોત્સાહન આપતો. સિદ્ધરાજ-કુમારપાળના સમયમાં આચાર્ય હેમચંદ્રે વિદ્યા તથા સાહિત્યમાં અપૂર્વ પ્રદાન કર્યું. કુમારપાળ જૈન ધર્મનો પ્રભાવક હતો. એણે પોતાના રાજ્યમાં અમારિઘોષણા પ્રવર્તાવેલી તેમજ અપુત્રિકાધન જપ્ત કરી લેવાની પ્રથા રદ કરેલી. ભીમદેવ-બીજાના સમય (ઈ. ૧૧૭૮–૧૨૪૨) દરમ્યાન આ રાજવંશની સત્તા શિથિલ થઈ, પરંતુ વાઘેલા શાખાના રાણા લવણપ્રસાદે તથા એના વીર પુત્ર વીરધવલે એ રાજ્યને વફાદાર રહી સંરક્ષિત રાખ્યું. તેમના મહામાત્ય વસ્તુપાળે તથા તેજપાળે તત્કાલીન રાજકીય તથા સાંસ્કૃતિક ક્ષેત્રે ગણનાપાત્ર પ્રદાન કર્યા. વિ. સં. ૧૩૦૦(ઈ. ૧૨૪૪)માં મૂળરાજના વંશનો અંત આવતાં ધોળકાના રાણા વીસલદેવે અણહિલવાડની ગાદી સંભાળી. એ સોલંકી વંશની વાઘેલા શાખાના રાણા વીરધવલનો પુત્ર હતો. એના વંશજ કર્ણદેવના સમયમાં દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખીલજીની ફોજે ગુજરાત પર વિજયી આક્રમણ કર્યું – પહેલાં ઈ. ૧૨૯૯માં ને ફરી ઈ. ૧૩૦૪માં. એને લઈને ગુજરાતમાં સોલંકી રાજ્યનો અંત આવ્યો ને એને સ્થાને દિલ્હી સલ્તનતની હકૂમત સ્થપાઈ. સોલંકી રાજ્ય ઘણું વિશાળ હતું ને એને વહીવટ માટે સારસ્વત, સત્યપુર(સાંચોર), કચ્છ, સૌરાષ્ટ્ર, ખેટક(ખેડા), લાટ(દક્ષિણ ગુજરાત), દધિપદ્ર(દાહોદ), અવંતિ, ભાઇલ્લસ્વામી(ભીલસા), મેદપાટ(મેવાડ), અષ્ટદશશત(આબુની આસપાસ) વગેરે મંડલોમાં વિભક્ત કરવામાં આવેલું. સારસ્વતમંડલમાં ગાંભૂતા(ગાંભુ), વર્દ્ધિ(વઢિયાર), ધાણદ(ધાણદા), વિષય(સિદ્ધપુરની આસપાસ), દંહાડી(મહેસાણા-કડી-કલોલ) વગેરે પથક આવેલા હતા. સોલંકી રાજાઓ સામાન્યતઃ શૈવધર્મના અનુયાયી હતા. શ્રીસ્થલ(સિદ્ધપુર)નો રુદ્રમહાલય, પ્રભાસનું સોમેશ્વર(સોમનાથ) મંદિર અને ડભોઈનું વૈદ્યનાથ મંદિર એ સમયનાં શિવાલયોમાં જાણીતાં છે. સોમનાથના પાશુપત મહંતોમાં બૃહસ્પતિ અને ત્રિપુરાંતક વિખ્યાત છે. કર્ણદેવ વાઘેલાના પુરોગામી રાજા સારંગદેવના સમયના શિલાલેખના મંગલાચરણમાં જયદેવના ‘ગીતગોવિંદ’માંનો શ્રીકૃષ્ણના દશાવતારને લગતો શ્લોક આપવામાં આવ્યો છે. સૂર્યમંદિરોમાં મોઢેરાનું ભવ્ય સૂર્યમંદિર સુપ્રસિદ્ધ છે. આબુ, ગિરનાર, શત્રુંજય, તારંગા, કુંભારિયા વગેરે સ્થળોએ આવેલાં અનેક સુંદર દેરાસર આ કાળનાં છે. સિદ્ધરાજની રાજસભામાં કર્ણાટકના દિગંબર કુમુદચંદ્ર અને ગુજરાતના શ્વેતાંબર દેવચંદ્રસૂરિ વચ્ચે વાદવિવાદ થતાં એમાં દિગંબર પક્ષનો પરાજય થયો ને ગુજરાતમાં શ્વેતાંબર સંપ્રદાયનું વર્ચસ્વ સ્થપાયું. રાજા કુમારપાળ તથા મંત્રી વસ્તુપાળ જૈન ધર્મના પ્રભાવક તરીકે પ્રસિદ્ધ છે. આબુ પર દેલવાડામાં બંધાયેલાં જૈન મંદિરોમાં ભીમદેવ-પહેલાના દંડનાયક વિમલે બંધાવેલું આદિનાથનું મંદિર તથા તેજપાલે બંધાવેલું નેમિનાથનું મંદિર આરસની મનોહર શિલ્પકળા-સમૃદ્ધિ માટે દેશવિદેશમાં ખ્યાતિ ધરાવે છે. કુંભારિયાનું મહાવીરનું મંદિર પણ વિમલ મંત્રીએ બંધાવ્યું જણાય છે. ગિરનાર પર સિદ્ધરાજના દંડનાયક સજ્જને નેમિનાથનું પથ્થરનું મંદિર બંધાવેલું તેમજ મહામાત્ય વસ્તુપાળે પણ એક મોટો ત્રિકૂટ પ્રાસાદ બંધાવેલો. તારંગા પરનું અજિતનાથનું મંદિર કુમારપાળે બંધાવ્યું ગણાય છે. શત્રુંજય પર ઉદયન મંત્રીની ઇચ્છા અનુસાર એના પુત્ર વાગ્ભટે આદિનાથનું પથ્થરનું મંદિર બંધાવેલું. કુમારપાળે તથા વસ્તુપાળ-તેજપાળે ગુજરાતમાં ઠેકઠેકાણે સુંદર જિનાલય બંધાવ્યાં હતાં. પ્રભાસના સોમનાથ મંદિરનો આ કાળ દરમ્યાન અનેક વાર જીર્ણોદ્ધાર થયેલો. મંદિરોના સ્થાપત્ય-સ્વરૂપમાં હવે સળંગ ઊભી રેખાવાળાં ઊંચાં શિખર ધરાવતાં મંદિરોની નાગર શૈલી પૂર્ણ વિકાસ પામી. એના તલમાનમાં પણ ગર્ભગૃહ, પ્રદક્ષિણાપથ, અંતરાલ, ગૂઢમંડપ, સભામંડપ, મુખમંડપ, તોરણ, કુંડ ઇત્યાદિ અનેક અંગોનો વિકાસ થયો. સેજકપુર તથા ઘૂમલીનાં નવલખા મંદિર, ગળતેશ્વર(તા. ઠાસરા)નું મંદિર, થાનનું ત્રિનેત્રેશ્વર મંદિર વગેરે મોટાં પ્રાચીન મંદિર પણ સોલંકીકાળનાં સ્મારક છે. અજ્ઞાન લોકોમાં કોઈ ને કોઈ પ્રસિદ્ધ યુગલની ચૉરી તરીકે ઓળખાતાં ઉત્તુંગ તોરણ (કમાનદાર દરવાજા) શામળાજી, મોઢેરા, સિદ્ધપુર, વડનગર, કપડવણજ વગેરે અનેક સ્થળોએ જોવા મળે છે. જળાશયોમાં વિરમગામનું મુનસર અને ધોળકાનું મલાવ તળાવ પણ જોવાલાયક છે. કિલ્લાઓમાં ડભોઈ અને ઝીંઝુવાડાના કિલ્લા ખાસ દર્શનીય છે. સોલંકી કાળની વિવિધ પ્રતિમાઓ તથા સુશોભન-શિલ્પકૃતિઓ સંખ્યા તેમજ કળાકૌશલ માટે નોંધપાત્ર છે. ગ્રંથોની હસ્તલિખિત પ્રતોમાં સુલેખનકળા ઉચ્ચ છાપ પાડે તેવી છે. આ કાળની પ્રતો મુખ્યતઃ તાડપત્ર પર લખાતી. આ તાડપત્ર ૦.૬ થી ૦.૯ મીટર (બે થી ત્રણ ફૂટ) લાંબાં, પણ પહોળાઈમાં માત્ર ૫ થી ૭.૫ સે.મી.(બેથી ત્રણ ઈંચ) જેટલાં જ હોય છે. કેટલીક પ્રતોમાં સુંદર લઘુચિત્ર ચીતરેલાં હોય છે. સચિત્ર હસ્તપ્રતોમાં પશ્ચિમ ભારતની ચિત્રકળાની એક વિશિષ્ટ શૈલી નજરે પડે છે. હસ્તપ્રતો લખાવવામાં તેમજ જાળવવામાં જૈન સમાજે ઘણી કાળજી રાખેલી છે. પ્રજાનો મોટો વર્ગ ખેતી કરતો. ચોમાસુ પાક ઉપરાંત શિયાળુ પાક પણ લેવાતો. અનાજ ઉપરાંત શેરડી, ગળી અને કપાસનું વાવેતર થતું. માંગરોળ-ચોરવાડ પ્રદેશમાં નાગરવેલનાં પાન થતાં. ગુજરાતનું કાપડ ભરૂચ અને ખંભાત બંદરથી દેશવિદેશમાં નિકાસ થતું. ચામડાની સુંદર ચીજો દેશવિદેશમાં મશહૂર ગણાતી. ગુજરાતનો બીજો કેટલોક વર્ગ વેપારવણજમાં પરાયણ રહેતો. ગુજરાતના વેપારીઓ સિલોન, જાવા, ચીન વગેરે દેશો સાથે દરિયાઈ વેપાર કરતા. કરોડપતિ શ્રીમંતોનાં મકાનો ઉપર કોટિધ્વજ ફરકતો. હવે બ્રાહ્મણો તથા વણિકોમાં પેટાજ્ઞાતિઓ પ્રચલિત થઈ. લગ્ન નાની ઉંમરે થતાં ને એની ગોઠવણ વડીલો કરતાં. શ્રીમંત લોકો બે, ત્રણ કે ચાર પત્ની રાખતા. પતિ મૃત્યુ પામતાં સ્ત્રી સામાન્યતઃ વૈધવ્ય પાળતી, છતાં ક્યારેક પુનર્વિવાહ પણ કરતી. એવી રીતે ક્યારેક છૂટાછેડા પણ લેવાતા. સોલંકી કાળમાં ગુલામીનો રિવાજ પણ પ્રચલિત હતો. સમાજમાં સુરાપાન, દ્યૂત, વેશ્યાગમન વગેરે મોજશોખ પણ પ્રવર્તતા. ઉત્સવો, રમતો તથા નાટ્યપ્રયોગો તરફ લોકો ઠીકઠીક અભિરુચિ ધરાવતા. લોકો અમાનુષી ચમત્કારોમાં તથા વહેમોમાં ઘણી શ્રદ્ધા ધરાવતા. સોલંકી રાજ્યની રાજધાની અણહિલવાડ પાટણમાં ચોરાસી ચોક અને ચોરાસી ચૌટાં હતાં. ગુજરાતની પ્રજા થોડી મહેનતે ઘણું રળવાની કુનેહ ધરાવતી. ‘ગુજરાત’ નામ પણ આ કાળ દરમ્યાન પ્રચલિત થયું. જૂની ગુજરાતી કે ગૌર્જર-અપભ્રંશ ભાષા તથા સાહિત્યનાં પગરણ આ કાળમાં થયાં. એની પાછળ સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓ તથા એના વિપુલ સાહિત્યની ભૂમિકા રહેલી હતી. વિદ્યા તથા સાહિત્યના વિકાસમાં સોલંકીકાળ દરમ્યાન ઇયત્તા તથા ગુણવત્તામાં ઘણી ગણનાપાત્ર પ્રગતિ સધાઈ.[13]
એ સમયે તર્ક (તર્કશાસ્ત્ર તથા વાદવિદ્યા), લક્ષણ (શબ્દશાસ્ત્ર તથા ભાષાતત્ત્વ) અને સાહિત્ય (કાવ્ય તથા કાવ્યશાસ્ત્ર) એ વિદ્યા અને શિક્ષણના મુખ્ય વિષય ગણાતા.
‘ન્યાયવનસિંહ’ તથા ‘તર્કપંચાનન’ તરીકે ખ્યાતિ પામેલા અભયદેવસૂરિએ સિદ્ધસેન દિવાકરના ‘સન્મતિતર્ક’ પર ‘તત્ત્વબોધદાયિની’ અથવા ‘વાદમહાર્ણવ’ નામે ટીકા લખી એમાં સર્વ દાર્શનિક મતોની મીમાંસા કરી. ભીમદેવ-પહેલાના સમયથી અણહિલવાડના વિદ્વાનો માળવાની ધારાનગરીના વિદ્વાનો સાથે સ્પર્ધા કરવા લાગ્યા. એમણે ‘રાઘવપાંડવીય’ જેવું દ્વિસંધાન મહાકાવ્ય રચી એમાં શ્લેષ દ્વારા એક બાજુ ઋષભદેવના તથા બીજી બાજુ નેમિનાથના ચરિતને વણી લીધું છે. વળી એમણે ગદ્ય-પદ્યમાં ‘નેમિચરિત’ પણ લખ્યું. ચમ્પૂમાં ‘ઉદયસુંદરીકથા’ જાણીતી છે. એના કર્તા કવિ સોડ્ઢલ વલભીના કાયસ્થ કુળના હતા ને લાટ દેશમાં વસતા હતા. જિનેશ્વરસૂરિએ ‘પ્રમાણલક્ષણ’ અને બુદ્ધિસાગરસૂરિએ પંચગ્રંથી વ્યાકરણ લખ્યું, જે પાણિનિ, ચંદ્ર, જૈનેંદ્ર, વિશ્રાંત અને દુર્ગ એ પાંચ વૈયાકરણોના ગ્રંથોના આધારે લખાયું છે. ભરૂચના કૌલ કવિ ધર્મે અણહિલવાડમાં જૈન વાદિવેતાલ શાંત્યાચાર્ય સાથે વાદવિવાદ કર્યો. એની દલીલો જયરાશિભટ્ટના ‘તત્ત્વોપપ્લવ’માંથી લીધેલી હતી. શાંતિસૂરિ ભીમદેવની સભામાં ‘કવીંદ્ર’ તથા ‘વાદિચક્રી’નાં બિરુદ પામ્યા. ધારા નગરીમાં જઈ એમણે ધનપાલની ‘તિલકમંજરી’નું સંશોધન કર્યું ને ભોજની પાસેથી ‘વાદિવેતાલ’નું બિરુદ પ્રાપ્ત કર્યું. શાંતિસૂરિએ ઉત્તરાધ્યયનસૂત્ર ઉપર ટીકા લખી. કર્ણદેવના સમયમાં કાશ્મીરના કવિ બિલ્હણે ગુજરાતમાં થોડો વખત રહી ‘કર્ણસુંદરી’ નામે નાટિકા રચી. આ નાટિકા પાટણમાં આદિનાથના યાત્રામહોત્સવ પ્રસંગે ભજવાઈ હતી. અભયદેવસૂરિ નામે એક બીજા સૂરિએ જૈન આગમનાં પહેલાં બે પછીનાં નવ અંગો પર સંસ્કૃત ટીકા લખી, આથી જૈન સાહિત્યમાં એ નવાંગી-ટીકાકાર તરીકે પ્રસિદ્ધ છે. સિદ્ધરાજની રાજસભામાં દિગંબર કુમુદચંદ્રનો પરાજય કરનાર વાદી દેવસૂરિ એક મોટા વિદ્વાન હતા. એમનો ‘પ્રમાણનયતત્ત્વાલોકાલંકાર’ અને એના પરની ‘સ્યાદ્વાદરત્નાકર’ ટીકા જૈન ન્યાયના ક્ષેત્રમાં સુપ્રસિદ્ધ છે. સિદ્ધરાજે ‘કવિચક્રવર્તી’ શ્રીપાળને પોતાનો બંધુ ગણ્યો હતો. એ પ્રજ્ઞાચક્ષુ કવિએ સહસ્રલિંગ સરોવર તથા રુદ્રમહાલય તેમજ આનંદપુર(વડનગર)ના વપ્રને લગતી પ્રશસ્તિઓ રચેલી. વળી એક દિવસમાં ‘વૈરોચન-પરાજય’ નામે નાટક પણ રચેલું. મલધારી હેમચંદ્રસૂરિ શ્વેતાંબરાચાર્ય ભટ્ટારક તરીકે ખ્યાતિ પામેલા. આગમોના નામાંકિત ટીકાકારોમાં તેઓ ગણનાપાત્ર સ્થાન ધરાવે છે. રાજા કુમારપાળે એકવીસ જ્ઞાનભંડાર સ્થાપ્યા ને પોતાના જ્ઞાનભંડાર માટે આગમ ગ્રંથની હસ્તપ્રત સુવર્ણાક્ષરે લખાવી. કુમારપાળના સમયમાં મલયગિરિએ આગમોના બાકીના અનેક ગ્રંથો પર સંસ્કૃત ટીકાઓ લખી. સોમપ્રભસૂરિએ ‘સોમશતક’ નામે શતક કાવ્ય, એક શતાર્થ શ્લોક અને ‘કુમારપાલપ્રતિબોધ’ નામે પ્રાકૃત ગ્રંથની રચના કરી. દેવેંદ્રસૂરિએ ‘કાલિકાચાર્યકથા’ લખી. સિદ્ધરાજ-કુમારપાળના સમયના વિદ્વાનો તથા સાહિત્યકારોમાં હેમચંદ્રાચાર્ય અગ્રિમ સ્થાન ધરાવે છે. સિદ્ધરાજની પ્રેરણાથી એમણે ‘સિદ્ધહેમ શબ્દાનુશાસન’ નામે અપૂર્વ વ્યાકરણ લખ્યું. સિદ્ધરાજે એ માટે કાશ્મીરના શારદાપીઠમાંથી જરૂરી ગ્રંથ મંગાવેલા ને આ શબ્દાનુશાસન તૈયાર થતાં એની નકલો કરાવીને એની પ્રતો ભારતવર્ષમાં બધે મોકલી. આ ગ્રંથના પહેલા સાત અધ્યાયોમાં સંસ્કૃત વ્યાકરણનું અને આઠમા અધ્યાયમાં પાંચ પ્રાકૃત અને અપભ્રંશ ભાષાઓના વ્યાકરણનું નિરૂપણ કરેલું છે. આ વ્યાકરણનાં સૂત્રોનાં ઉદાહરણ વણી લેતું તથા ચૌલુક્ય વંશના રાજાઓનું ચરિત આલેખતું ‘દ્વયાશ્રય’ નામે મહાકાવ્ય પણ એમણે રચ્યું. એના પહેલા ૨૦ સર્ગ સંસ્કૃતમાં ને પછીના ૮ સર્ગ પ્રાકૃતમાં છે. હેમચંદ્રે ‘શબ્દાનુશાસન’ની જેમ ‘કાવ્યાનુશાસન’ તથા ‘છંદોનુશાસન’ પણ લખ્યાં. વળી ‘અભિધાનચિંતામણિ’ તથા ‘અનેકાર્થસંગ્રહ’ નામે સંસ્કૃત કોશ તેમજ ‘દેશીનામમાલા’ નામે દેશ્યશબ્દકોશ તૈયાર કર્યો. ‘પ્રમાણમીમાંસા’ અને ‘યોગશાસ્ત્ર’ પણ લખ્યાં. ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત’માં ૨૪ તીર્થંકરો, ૧૨ ચક્રવર્તીઓ, ૯ વાસુદેવો, ૯ બલદેવો અને ૯ પ્રતિવાસુદેવો મળી કુલ ૬૩ શલાકાપુરુષોનું ચરિત આલેખ્યું. ‘વીતરાગસ્તોત્ર’ નામે સ્તોત્રસંગ્રહ પણ રચ્યો. આવા પ્રભાવશાળી વિદ્વાનના શિષ્યોમાં રામચંદ્રસૂરિએ ‘નલવિલાસ’ વગેરે ૧૧ નાટક રચી ગુજરાતનાં સંસ્કૃત નાટકોમાં વિપુલ ફાળો આપ્યો. રામચંદ્ર અને ગુણચંદ્રે લખેલું ‘નાટ્યદર્પણ’ એ ભારતીય નાટ્યશાસ્ત્રના વિરલ ગ્રંથોમાં જાણીતું છે. દેવચંદ્રે ‘ચંદ્રલેખાવિજય પ્રકરણ’ નામે રૂપક-નાટક રચ્યું. અજયપાલના અમાત્ય યશઃપાલે રચેલું ‘મોહરાજપરાજય’ નાટક રૂપકપાત્રોનું પ્રાધાન્ય ધરાવે છે. આબુના પ્રહ્લાદનદેવે ‘પાર્થપરાક્રમ વ્યાયોગ’ નામે રૂપકની રચના કરી, તો કવિ શ્રીપાળના પૌત્ર વિજયપાળે ‘દ્રૌપદીસ્વયંવર’ નાટક રચ્યું. આ સમય દરમ્યાન કથાનકો અને ચરિતોને લગતાં કેટલાંક રસપ્રદ પુસ્તક લખાયાં. ચંદ્રમુનિનો ‘કથાકોશ’, જિનેશ્વરસૂરિનો ‘કથાનકકોશ’ અને ગુણચંદ્રગણિનો ‘કથારત્નકોશ’ જેવા કથાસંગ્રહ પણ લખાયા. સોલંકી કાળના સાહિત્યમાં હેમચંદ્ર અને એમના શિષ્યમંડળની જેમ વસ્તુપાળ અને એના સાહિત્યમંડલે પણ વિપુલ અને અમૂલ્ય ફાળો આપેલો છે. વસ્તુપાળ પોતે કવિકુંજર, કવિચક્રવર્તી, કૂર્ચાલ-સરસ્વતી અને સરસ્વતીકંઠાભરણ તરીકે ખ્યાતિ પામ્યો હતો. એણે ‘નરનારાયણાનંદ’ નામે મહાકાવ્ય રચ્યું છે. એ સ્તોત્રો તથા સૂક્તિઓ પણ રચતો. વસ્તુપાળની આસપાસ અનેક કવિઓ તથા વિદ્વાનોનું સાહિત્યમંડળ જામ્યું હતું એ એમની રચનાઓની કદર કરતો ને એમની સાહિત્યપ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતો. એમાંના કેટલાકે તો વસ્તુપાળના ચરિત વિશે સુંદર પ્રશસ્તિઓ રચી છે. એમાં ચૌલુક્યરાજ પુરોહિત સોમેશ્વર અગ્રિમ સ્થાન ધરાવે છે. એણે ‘સુરથોત્સવ’ અને ‘કીર્તિકૌમુદી’ નામે બે મહાકાવ્ય, ‘ઉલ્લાઘરાઘવ’ નામે નાટક, ‘રામશતક’ નામે શતકકાવ્ય, ‘કર્ણામૃતપ્રપા’ નામે સુભાષિતાવલી, અનેક પૂર્તકાર્યોને લગતી પ્રશસ્તિઓ ઇત્યાદિની રચના કરી છે. ગૌડ કવિ હરિહર દ્વારા અહીં ‘નૈષધીયચરિત’ પ્રચલિત થયું. એ મહાકાવ્ય પર તેરમી સદીમાં અહીં બે ટીકા લખાઈ, જેમાં એકનો કર્તા વિદ્યાધર અને બીજીનો કર્તા ધોળકાનો ચંડૂ પંડિત હતો. હરિહરે ‘શંખપરાભવ’ નામે નાટક તથા સંખ્યાબંધ સુભાષિત રચ્યાં છે. વીસલદેવનો માનીતો વિદ્વાન નાનાક ઋગ્વેદ, મહાભારત, રામાયણ, પુરાણો, સ્મૃતિઓ, કાવ્ય, નાટક, અલંકાર અને વ્યાકરણમાં નિપુણ હતો. એ મૂળ આનંદપુર(વડનગર)નો નાગર બ્રાહ્મણ હતો ને પ્રભાસમાં રહેતો. જ્યાં તેણે સરસ્વતીતીરે સરસ્વતીસદન સ્થાપ્યું હતું. કવિ સુભટે રચેલું ‘દૂતાંગદ’ ત્રિભુવનપાળની આજ્ઞાથી અણહિલવાડમાં ભજવાયું હતું. અમરચંદ્રસૂરિએ ‘બાલભારત’, ‘કાવ્યકલ્પલતા’, ‘અલંકારપ્રબોધ’, ‘છન્દોરત્નાવલી’, ‘સ્યાદિશબ્દસમુચ્ચય’, ‘સૂક્તાવલિ’, ‘કલાકલાપ’, ‘જિનેંદ્રચરિત’ ઇત્યાદિ અનેક ગ્રંથ રચી વિવિધ વિષયોમાં પોતાની પ્રતિભા દર્શાવી છે. કવિ તરીકે એ ‘વેણીકૃપાણ’ તરીકે પ્રસિદ્ધ છે. અરિસિંહની કૃતિઓમાં વસ્તુપાળ વિશેનું ‘સુકૃતસંકીર્તન’ સુપ્રસિદ્ધ છે. ઉદયપ્રભસૂરિ-કૃત ‘સુકૃતકીર્તિકલ્લોલિની’ પણ વસ્તુપાલની પ્રશસ્તિનું કાવ્ય છે. આ કવિએ ‘ધર્માભ્યુદય’ નામે મહાકાવ્યમાં સંઘપતિ વસ્તુપાળનું ચરિત આલેખ્યું છે. વળી ‘આરંભસિદ્ધિ’ નામે જ્યોતિષગ્રંથ લખ્યો છે. નરચંદ્રસૂરિ, જેમણે વસ્તુપાલને ન્યાય, વ્યાકરણ અને સાહિત્યનું શિક્ષણ આપેલું તેમણે પ્રાકૃત વ્યાકરણ વિશે ‘પ્રાકૃતબોધ’ નામે તેમજ જ્યોતિષ વિશે ‘જ્યોતિઃસાર’ નામે ગ્રંથ લખ્યો. વળી ‘ન્યાયકંદલી’ પર ટિપ્પણ લખ્યું તેમજ ‘કથારત્નાકર’ નામે કથાસંગ્રહ લખ્યો. એ સંગીતશાસ્ત્રમાં પણ કુશળ હતા. નરેંદ્રપ્રભસૂરિએ વસ્તુપાળની વિનંતીથી ‘અલંકારમહોદધિ’ નામે સુબોધ ગ્રંથ લખ્યો. વળી ‘કાકુત્સ્થકેલિ’ નામે નાટકની તથા ‘વિવેકપાદપ’ અને ‘વિવેકકલિકા’ નામે બે સુભાષિતસંગ્રહોની રચના કરી. બાલચંદ્રસૂરિએ વસંતપાળ(વસ્તુપાળ) વિશે ‘વસંતવિલાસ’ નામે મહાકાવ્ય રચ્યું. એમણે ‘કરુણાવજ્રાયુધ’ નામે નાટક પણ રચ્યું. જયસિંહસૂરિએ ‘હમ્મીરમદમર્દન’ નામે નાટકની રચના કરી. માણિક્યચંદ્રે મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ પર ‘સંકેત’ નામે ટીકા લખી ને ‘શાંતિનાથચરિત’ તથા ‘પાર્શ્વનાથચરિત’ રચ્યાં. તેજપાળ ક્યારેક કાવ્યરચના કરતો. એની વિદુષી પત્ની અનુપમાદેવી ‘ષડ્દર્શનમાતા’ ગણાતી. એણે એક કંકણ-કાવ્ય રચેલું. વસ્તુપાળનો પુત્ર જયંતસિંહ પણ વિદ્યાવિલાસી હતો. જાલોરનો કવિ-મંત્રી યશોવીર ધોળકાના કવિ-મંત્રી વસ્તુપાળનો ગાઢ મિત્ર હતો. ઊગતા કવિને સહાયરૂપ શિક્ષા(સૂચના) આપતા સાહિત્યનો નવો પ્રકાર ખીલ્યો, તેમાં જયમંગલકૃત ‘કવિશિક્ષા’, વિનયચંદ્રકૃત ‘કાવ્યશિક્ષા’ અને અમરચંદ્રકૃત ‘કાવ્યકલ્પલતા’ નોંધપાત્ર છે. ‘કાવ્યકલ્પલતા’ ઉપર ‘કવિશિક્ષા’ અને ‘પરિમલ’ નામે બે સ્વોપજ્ઞ વૃત્તિ પણ છે. ‘પ્રબંધ’ એ ગુજરાત-માળવાનો એક વિશિષ્ટ સાહિત્યપ્રકાર છે ને ખાસ કરીને જૈન લેખકોએ ખેડેલો છે. એમાં ઐતિહાસિક અનુશ્રુતિઓને આધારે કથાનક લખાયાં હોય છે. જિનભદ્રકૃત ‘પ્રબંધાવલી’ એ ઉપલબ્ધ પ્રબંધસંગ્રહોમાં સૌથી પ્રાચીન છે. પ્રભાચંદ્રસૂરિના ‘પ્રભાવકચરિત’માં જૈન ધર્મના અમુક પ્રભાવકોનાં ચરિત આલેખાયાં છે. મેરુતુંગાચાર્યનો ‘પ્રબંધચિંતામણિ’ પ્રબંધસંગ્રહોમાં સર્વોત્તમ છે. જિનપ્રભસૂરિકૃત ‘વિવિધતીર્થંકલ્પ’માં જૈન તીર્થોને લગતા સંસ્કૃત-પ્રાકૃત વૃત્તાંત આવે છે. વાઘેલા કાળ દરમ્યાન વસ્તુપાળના અવસાન પછી ગુજરાતમાં જે સાહિત્યપ્રવૃત્તિઓ ચાલી તેમાં પેથડે ભરાવેલા સરસ્વતીભંડારો, અભયતિલકે હેમચંદ્રાચાર્યના ‘દ્વયાશ્રય’ પર લખેલી વૃત્તિ, અને મલ્લિષેણસૂરિએ લખેલી ‘સ્યાદ્વાદ-મંજરી’ નોંધપાત્ર છે. આમ ગુજરાતમાં પ્રાચીન કાળથી લલિત સાહિત્યમાં તેમજ વિવિધ શાસ્ત્રોમાં સંસ્કૃત તથા પ્રાકૃત ભાષામાં વિપુલ ખેડાણ થતું રહ્યું તેમજ વિદ્યા તથા શિક્ષણનો પણ વિકાસ થતો ગયો. સોલંકી કાળ દરમ્યાન ગૌર્જર અપભ્રંશ ભાષા તથા સાહિત્યનો વિકાસ શરૂ થયો ત્યારે એની ભૂમિકારૂપે વિદ્યા તથા સાહિત્યનો આ વિપુલ વારસો રહેલો હતો. વિદ્યા, શિક્ષણ તથા સાહિત્યના વિકાસમાં રાજાઓ, અમાત્યો વગેરેનું પ્રોત્સાહન પણ મહત્ત્વનું પ્રદાન કરતું. સોલંકી કાળ દરમ્યાન આ પ્રદેશ માટે ‘ગુર્જર દેશ’ અને ‘ગુજરાત’ નામ પ્રચલિત થયાં ત્યારે શતકોથી અસર કરતાં અનેક રાજકીય તથા સાંસ્કૃતિક પરિબળોએ ગુજરાતી પ્રજાના ઘડતરમાં પોતાની ચોક્કસ છાપ અંકિત કરી દીધી હતી.
સંદર્ભનોંધ
- ↑ ડી. એન. વાડિયા, ‘ગુજરાતની ભૂસ્તર-રચના’ – ‘ગુજરાતની કીર્તિગાથા’, પૃ. ૩-૧૬ અને ૧૮૦; હ. ધી. સાંકળિયા, ‘ભૂસ્તર-રચના’ – ‘ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ’, ગ્રંથ ૧, પ્રકરણ. ૨
- ↑ હ. ગં. શાસ્ત્રી, ‘ભૌગોલિક લક્ષણો’ – ‘ગુરાસાંઇતિહાસ’, ગ્રંથ ૧, પ્ર. ૧
- ↑ કે. કા. શાસ્ત્રી, ‘ગુજરાતની સીમાઓ’ – ‘ગુરાસાંઇતિહાસ’, ગ્રં. ૧, પ્ર. ૩
- ↑ હ. ધી. સાંકળિયા, ‘પ્રાગૈતિહાસિક ગુજરાત’ – ‘ગુજરાતની કીર્તિગાથા’, પૃ. ૧૮૧-૯૪; ‘પ્રાગ્-ઐતિહાસિક સંસ્કૃતિઓ’ – ‘ગુરાસાંઇતિહાસ’, ગ્રં. ૧, પ્ર. ૫
- ↑ એસ. આર. રાવ, ‘આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિઓ’ – ‘ગુરાસાંઇતિહાસ’, ગ્રં. ૧, પ્ર. ૬-૭.
- ↑ સુ. શ. શાહ, ‘શાર્યાતો, ભૃગુઓ અને હૈહયો’ – ‘ગુરાસાંઇતિહાસ’, ગ્રં. ૧, પ્ર. ૮-૯
- ↑ ‘ગુરાસાંઇતિહાસ’, ગ્રં. ૨, પ્ર. ૪-૫ તથા ૧૧-૧૭
- ↑ એ જ, ગ્રં. ૨, પ્ર. ૬-૭ તથા ૧૧-૧૭
- ↑ એ જ, ગ્રં. ૨, પ્ર. ૯ તથા ૧૧-૧૭
- ↑ હ. ગં. શાસ્ત્રી, ‘મૈત્રકકાલીન ગુજરાત’, ભાગ ૧-૨
- ↑ દુ. કે. શાસ્ત્રી, ‘ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ’, પ્ર. ૩-૫; હ. ગં. શાસ્ત્રી, ‘ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ’, પ્ર. ૧૨-૧૩
- ↑ ‘ગુમરાઇતિહાસ’, પ્ર. ૬-૨૨; A. K. Majumdar, ‘The Chaulukyas of Gujarat’
- ↑ મો. દ. દેસાઈ, ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ’, પૃ. ૧૯૧-૪૨૧; R. C. Parikh, ‘Introduction to the History of Gujarat as a Background to the Life & Times of Hemachandra’, ‘Kavyanusasana’, Vol. II, pp. CCXLIII-CCLXII, CCXC-CCCXXX.; ભો. જ. સાંડેસરા, ‘મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ તથા સંસ્કૃત સાહિત્યમાં તેનો ફાળો’; હરિપ્રસાદ ગં. શાસ્ત્રી, ‘ગુપ્રાઇતિહાસ’, પૃ. ૨૫૨-૨૬૩.