ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૧/ગુજરાતી ભાષાનો કુળક્રમ : હરિવલ્લભ ભાયાણી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૨ ગુજરાતી ભાષાનો કુળક્રમ

હરિવલ્લભ ભાયાણી

ભાષાઓ સતત પરિવર્તનશીલ છે. બોલાતી ભાષાનું સ્વરૂપ ક્રમેક્રમે સૂક્ષ્મ રીતે, અભાનપણે અવિરત પલટાતું રહે છે. વર્ણો, રૂપો, વાક્યરચના, શબ્દભંડોળ, અર્થસંકેતો ને બંધારણ – એ સૌમાં વધતુંઓછું રૂપાંતર થતું જ રહે છે. અને આ રીતે જેમ કાળને અનુસરીને ભાષામાં વિકાર થાય છે તેમ સ્થળ અને સમાજબંધારણને અનુસરીનેયે ભાષાસ્વરૂપમાં પલટો આવે છે. અમુક પ્રદેશ પર એકરૂપે બોલાતી ભાષાની એકરૂપતા ઝાઝો સમય ભાગ્યે જ ટકી રહે છે. એ પ્રદેશનાં જુદાંજુદાં વિભાગો અને જૂથો વચ્ચેના સંબંધ ને વ્યવહાર ઐતિહાસિક આર્થિક ને સામાજિક કારણોને લીધે ઓછા થતાં, તે તે વિભાગના લોકોની બોલીમાં આગવી વિશિષ્ટતાઓ વિકસે છે, એટલે કે એકરૂપે બોલાતી ભાષામાંથી બોલીઓ ઉદ્ભવે છે. ઐતિહાસિક બળોની અનુકૂળતા મળતાં આ બોલીઓ સ્વતંત્ર વ્યક્તિત્વવાળી ભાષાઓ બની રહે છે. ઉત્તર ભારતની ઘણીખરી ભાષાઓ ભારત-યુરોપીય પરિવારની છે, એટલે કે મૂળે એકરૂપે રહેલી ભારત-યુરોપીય ભાષાનાં જ એ રૂપાંતર છે. ભારત અને યુરોપમાં પ્રચલિત ઘણી ભાષાઓનું મૂળ ભારત-યુરોપીય છે. ભારત-યુરોપીય પરિવારની દસ શાખા તે ભારત-ઈરાની, બાલ્ટિક-સ્લાવિક, આર્મિનિઆઈ, આલ્બેનિઆઈ, ગ્રીક, ઇટેલિક, સેલ્ટિક, જર્મેનિક, તોખારી અને હિત્તી. ભારતીય-ઈરાનીની એક ઉપશાખા તે ભારતીય આર્ય – ભારતવર્ષમાં આવી વસેલા આર્યોની ભાષા. ઉત્તર ભારતવર્ષની પ્રાચીન સમયની સંસ્કૃત, પ્રાકૃત વગેરે ભાષાઓ તેમજ એમાંથી કાળક્રમે ઉદ્ભવેલી ગુજરાતી, હિંદી, મરાઠી, બંગાળી વગેરે અર્વાચીન ભાષાઓ આ ભારતીય-આર્ય શાખાની છે. ભારતીય-આર્યનો વિકાસ ત્રણેક તબક્કાઓમાં વહેંચવો અધ્યયનદૃષ્ટિએ અનુકૂળ છે : પ્રાચીન ભારતીય-આર્ય, મધ્યમ ભારતીય-આર્ય અને અર્વાચીન ભારતીય-આર્ય. વૈદિક ભાષા, સંસ્કૃત વગેરેનો સમાવેશ પહેલી ભૂમિકામાં, પાલિ પ્રાકૃતો અપભ્રંશ વગેરેનો સમાવેશ બીજી ભૂમિકામાં, અને હિંદી બંગાળી ગુજરાતી વગેરે ઉત્તર ભારતવર્ષની અર્વાચીન ભાષાઓનો સમાવેશ એમનાં જૂનાં-નવાં સ્વરૂપો સાથે ત્રીજી ભૂમિકામાં થાય છે. કોઈ પણ ભાષાના વિકાસનું પૂરેપૂરું ચિત્ર તૈયાર કરવાનો આધાર એને માટે ઉપલબ્ધ સાધનસામગ્રીની પર્યાપ્તતા પર રહેલો છે. સાધનસામગ્રીની મર્યાદાથી વિકાસચિત્ર એક કે બીજી દૃષ્ટિએ અધૂરું કે ખામીભર્યું રહે છે. ભાષા એ એક વ્યવહારાર્થ પ્રયોજાતું પ્રતીકતંત્ર હોવાથી એનું અસ્તિત્વ બોલનાર સમૂહથી અલગ ન હોઈ શકે. બોલનાર સમૂહના જીવનમાં થતાં પરિવર્તન એની ભાષામાં પણ કોઈ નહિ ને કોઈ સ્વરૂપે અંકિત થતાં રહે છે. એટલે ભાષા-વિકાસની સર્વાંગીણ વિચારણા માટે બોલનાર સમૂહના ઇતિહાસનું જ્ઞાન અનિવાર્ય છે, પણ એ જ્ઞાન એ માટે મળતાં સાધનસામગ્રીના સ્વરૂપ ઉપર જ અવલંબે એ દેખીતું છે. એક ભાષા બોલનાર સમૂહને બીજી ભાષા બોલનાર સમૂહથી અળગો રાખે તેવી સ્પષ્ટ ભૌગોલિક સીમાઓનો અભાવ; રાજકીય સીમાડાઓનો સંકોચ-વિસ્તાર; સાધુસંન્યાસી, યાત્રાળુઓ, સૈન્યો, સંકટગ્રસ્ત પ્રદેશના લોકસમૂહો, પરદેશી આક્રમણકારો ને જાતિકુળો વગેરેનાં ચાલુ ભ્રમણો કે સ્થળાંતરો – આ બધાં બળોને લઈને ભારતીય-આર્યમાં એકબીજીથી જુદી તરી આવે તેવી સ્પષ્ટરેખ બોલીઓ વિકસવા આડે ઠીકઠીક નડતર હતાં. અને એવી અલગ વ્યક્તિત્વ ધરાવતી બોલીઓ વિકસ્યા પછી પણ ભાષાસામગ્રીની આપલે વધતેઓછે અંશે ચાલુ રહી. પ્રાચીન અને મધ્યમ ભૂમિકાની ભારતીય-આર્ય બોલીઓમાં આવી સામગ્રીની આપલે સારા પ્રમાણમાં થતી રહી હોવાનું જણાય છે. આ કારણે પણ એ બોલીઓના સ્વરૂપનું ચોક્કસ આલેખન કરવાનું કામ સારી રીતે મુશ્કેલ બની જાય છે. આ વાત બીજી અર્વાચીન ભારતીય ભાષાઓને તેમજ ગુજરાતીની પૂર્વભૂમિકાને સમાનપણે લાગુ પડે છે. અર્વાચીન ભારતીય-આર્ય ભૂમિકામાં પણ રાજકીય, ધાર્મિક કે સાહિત્યિક મહત્ત્વને લઈને વ્રજ, મરાઠી, હિંદી, બંગાળી જેવી ભાષાઓની ગુજરાતી ઉપર અસર પડી છે. સમકાલીન સહજન્ય બોલીઓની અરસપરસ થયેલી અસર ઉપરાંત બીજી એક દિશામાંથી પણ ભારતીય-આર્ય સમૂહની બોલીઓના વિકાસવ્યાપાર પર પ્રબળ પ્રભાવ પડતો રહ્યો છે. શિષ્ટ વ્યવહાર, સાહિત્ય ને સંસ્કારની ભાષા તરીકે સંસ્કૃત મધ્યમ અને અર્વાચીન ભૂમિકાઓને સતત પ્રભાવિત કરતી રહી છે. વિશેષ કરીને અર્વાચીન ભૂમિકામાં નવતર વિભાવો દર્શાવવા માટે સંસ્કૃતના અખૂટ અને સમૃદ્ધ શબ્દભંડારનો શતાબ્દીઓથી લાભ ઉઠાવાતો આવ્યો છે; જોકે બીજે પક્ષે સંસ્કૃતમાં પણ તે તે સમયની લોકબોલીઓના પ્રભાવથી પરિવર્તન થતું રહ્યું છે. સંસ્કૃત ઉપરાંત મહારાષ્ટ્રી અને અપભ્રંશ જેવી બીજી સંસ્કૃતોત્થ વ્યાપક અખિલ ભારતીય સાહિત્યિક ભાષાઓ પણ સમકાલીન લોકબોલીઓ પર પોતાની અસર પાડ્યા વિના ન જ રહી હોય. એક ત્રીજી દિશામાંથી પણ ભારતીય-આર્યના ઇતિહાસને વ્યાપક અસર સતત પહોંચતી રહી છે. આર્યોના ભારતવર્ષ-પ્રવેશથી માંડીને અત્યાર સુધી ભારતીય-આર્યનો અનેક ભિન્ન પરિવારની ભાષાઓ સાથે વધતોઓછો કે આછોઘેરો સંપર્ક રહ્યો છે. તે તે ભાષાભાષીઓનું મુકાબલે સંખ્યાબળ, એમનો સાંસ્કારિક કે રાજકીય મોભો, સંપર્કનો અવધિ વગેરે અનુસાર એમના પ્રભાવની માત્રા અંગે અનુમાન કરી શકાય. ઋગ્વેદની ભાષામાં દ્રવિડી તેમજ કોલ-મુંડા ભાષાઓના પ્રભાવનાં ચિહ્નો હોવાનું જાણકારો કહે છે. પછીના સમયની વાત કરીએ તો હાલની ગુજરાતી-રાજસ્થાનીના પ્રદેશનો સંબંધ કાળક્રમે બેક્ત્રિઅનો, શકો, ક્ષત્રપો, ગુર્જરો, હૂણો, અરબો, મોગલો, પારસીઓ, કન્નડભાષીઓ, ફિરંગીઓ, અંગ્રેજો વગેરે પરદેશીઓ-પરભાષીઓ સાથે રહ્યો છે. આમાં આર્યોના ગુજરાત-પ્રવેશ પહેલાંના અહીં વસેલા આદિવાસીઓની બોલીઓનો પણ સમાવેશ કરવો જોઈએ. પણ પ્રાગર્વાચીન અસરોનું ચોક્કસ સ્વરૂપ તેમજ પ્રમાણ નક્કી કરવા માટે આપણી પાસે નજીવાં જ સાધન છે. ગુજરાતી ભાષાના વિકાસનું અધ્યયન કરવામાં ઉપકારક બને તેવી ગુજરાતીઓના ઇતિહાસની જે સામગ્રી આપણને મળે છે તે ઘણી જ અધૂરી છે. એ અંગે સામાન્ય સૂચનો અને સંભાવ્ય અટકળો જ મોટે ભાગે કરવાનાં રહે છે. ભાષાવિકાસના સર્વદેશીય નિરૂપણનો બોલનાર સમૂહના ઇતિહાસ સાથે નિકટનો સંબંધ છે એ ખરું, પણ એનો પાયાનો સંબંધ તો એ ભાષાને સીધેસીધાં સ્પર્શતાં સાધનસામગ્રીના સ્વરૂપની સાથે છે. બોલાતી ભાષાનાં પૂર્વસ્વરૂપોના આપણને મળતા ઐતિહાસિક નમૂના જેટલા વિપુલ અને જેટલે અંશે પ્રતિનિધિરૂપ હોય, તથા એને લગતી વ્યાકરણ વૃત્તાંત વગેરે રૂપે રહેલી ને આનુષંગિક પુરાવા તરીકે કામમાં આવે તેવી સામગ્રી જેટલે અંશે પ્રમાણભૂત અને સમીક્ષિત હોય તેટલે અંશે ભાષાની પૂર્વભૂમિકાઓનો કડીબદ્ધ અખંડ ઇતિહાસ રચી શકાય અને અંતમાં અદ્યતન ભૂમિકાનો વિકાસવ્યાપાર એના વાસ્તવિક સ્વરૂપમાં સમજાવી શકાય. આને અંગેની આધારભૂત સાધનસામગ્રીના સ્વરૂપનું મહત્ત્વ જેટલું આંકીએ તેટલું ઓછું. ભારતીય-આર્યના આખાયે વિકાસગાળામાં એના જે નમૂના મળે છે તે, થોડા અપવાદો બાદ કરતાં, ભાષાના બોલચાલના સ્વરૂપના નહીં, પણ સાહિત્યિક સ્વરૂપના છે. બોલીના વાસ્તવિક સ્વરૂપ સાથે સંબંધ ધરાવતા નમૂના ભાગ્યે જ જળવાયા છે. જળવાયેલી ભાષા ઘણુંખરું સાહિત્યિક જ છે – અને એ વિશેષે કરીને આલંકારિક, રૂઢ તેમજ પાયાની જીવંત બોલી મૃત બની ગયા પછી કૃત્રિમ સ્વરૂપમાં સદીઓ સુધી વિશિષ્ટ વર્ગે જીવતી રાખેલી એ સ્વરૂપની છે. આમાં પ્રાચીન ભૂમિકાનું સાહિત્ય વિપુલ છે. મધ્યમ ભૂમિકાના ભાષાભેદોમાં નિબદ્ધ સાહિત્ય એમનો સંતોષપ્રદ ખ્યાલ આપવા માટે તદ્દન અપર્યાપ્ત છે. ગુજરાતી ભૂમિકાના પ્રાચીન અને મધ્યમ તબક્કા માટે સેંકડો કૃતિઓ અને હસ્તપ્રતો જળવાઈ રહી છે; જો કે આરંભના સમયમાં રચાઈ હોય તેવી કૃતિઓ ઘણી થોડી છે. પંદરમી શતાબ્દીથી સંખ્યાબંધ કૃતિઓ આપણને મળે છે. સંસ્કૃતના સ્વરૂપના વૈજ્ઞાનિક અધ્યયન માટે તો બીજું એક અમૂલ્ય સાધન પણ ઉપલબ્ધ છે. પાણિનિ અને એના પુરોગામીઓની અસાધારણ વ્યાકરણી પ્રતિભાને પરિણામે સંસ્કૃતનું સૂક્ષ્મતમ પૃથક્કરણ અને કડકમાં કડક શાસ્ત્રીય પદ્ધતિને આધારે તૈયાર થયેલું સમકાલીન વર્ણન આપણને મળે છે, પણ પાલિ, પ્રાકૃત કે અપભ્રંશનો પ્રાચીન ભારતીય વૈયાકરણોએ આપેલો વૃત્તાંત તુલનાએ તદ્દન ઉપરચોટિયો, સ્થૂળ અને પદ્ધતિદોષથી ભરેલો છે. એ સ્વાયત્ત વૃત્તાંત નથી, પણ સંસ્કૃતથી ઇતર સાહિત્યભાષાઓ જે વિગતોમાં જુદી પડતી તે વિગતોનું વ્યાવહારિક પ્રયોજનથી કરેલું તારણ છે. અર્વાચીન ભૂમિકાની કોઈ બોલીનું સાચું-ખોટું વર્ણન કરવાનો પણ પ્રાચીનોએ પ્રયાસ નથી કર્યો, ઔક્તિકોમાં મળતી આછીપાતળી સામગ્રીના અપવાદે. પ્રાચીન અને મધ્યમ ગુજરાતી ભૂમિકા પૂરતા પ્રચુર નમૂના મળે છે એમ ઉપર જણાવ્યું છે, પણ એનાથી બહુ હરખાવા જેવું નથી, કેમકે એમાંથી અમુક કૃતિઓની જ રચનાનાં ચોક્કસ સમય અને સ્થળ આપણે જાણીએ છીએ, બાકીની કૃતિઓ માટે એ ચોક્કસ કયા સ્થળે રચાઈ એનો નિર્ણય કરવાનું કોઈ સાધન નથી; જ્યારે તેમના રચનાસમય અંગે તો સાપેક્ષ રીતે અટકળ કરવા સિવાય વિશેષ કશું કહી શકાય એમ નથી. પણ રચનાસમય અને સ્થળને લગતી ચોક્કસ માહિતીના અભાવ કરતાં બીજી એક ગંભીર ખામીઓને લીધે પ્રાગર્વાચીન ગુજરાતીના ભરપૂર જળવાયેલા નમૂનાઓનું મૂલ્ય આપણે માટે ઓછું થઈ જાય છે. ઘણીખરી કૃતિઓની હસ્તપ્રતો એમના રચનાસમય કરતાં એક-બે કે એથીયે વધારે શતાબ્દીઓ પછીની છે. બીજા શબ્દોમાં કહીએ તો કૃતિના રચનાસમય અને એની મળતી હસ્તપ્રતોના પ્રતિલિપિસમય વચ્ચે ઘણુંખરું ઠીકઠીક અંતર રહેલું છે. સાથે વ્યાકરણસ્થાપિત ધોરણ અને શિષ્ટરૂઢ સ્વરૂપની અસ્પષ્ટતાને લીધે સાહિત્યમાં પ્રયુક્ત ભાષા પણ બોલચાલની ભાષામાં થયે જતા ફેરફારોનું વધતેઓછે અંશે પ્રતિબિંબ પાડતી રહેતી. કૃતિ જેમ લોકપ્રિય તેમ આ મર્યાદા એને વધુ લાગુ પડે. ત્રીજી બાજુ, લેખનપદ્ધતિ માટે ધોરણ નિશ્ચિત ન થયું હોવાથી, સૂક્ષ્મપણે બદલાયે જતા ઉચ્ચારણને વ્યક્ત કરવાના અધકચરા પ્રયત્નોને કારણે જબરી ગરબડ ઊભી થઈ હતી. આથી લહિયાને હાથે જાણતાં-અજાણતાં પ્રતિલિપિપ્રાપ્ત કૃતિની ભાષાને પોતાની બોલીનો પાસ અપાતો ને પરિણામે રચનાસમય ને પ્રતિલિપિસમય વચ્ચે અંતર હોય ત્યારે એ કૃતિની ભાષામાં મૂળના અંશોની અને મુકાબલે અર્વાચીન અંશોની અનિયંત્રિત ભેળસેળ અનિવાર્ય બનતી. અભાનપણે આવું થતું હોય ત્યાં મૂળનાં ઉચ્ચારણ ને રૂપ યથાતથ જાળવી રાખવાની કે તેમને સ્થાને થોડાક ફેરવાળાં નવાં ઉચ્ચારણ ને રૂપ મૂકી દેવાની બાબતમાં સાવ અતંત્રતા પ્રવર્તતી. આમાં જુદાજુદા બોલીપ્રદેશમાં થતી અમુક એક કૃતિની પ્રતિલિપિઓમાં સ્થાનિક અંશો પણ પ્રવેશતા અને પરિણામે ભાષાનું મૂળ સ્વરૂપ વધુ સેળભેળિયું બનતું. એટલે સૌથી પહેલાં તો, પ્રાચીન ગુજરાતી લેખનપદ્ધતિના અધ્યયન દ્વારા તથા અર્વાચીન ગુજરાતીની વ્યવસ્થાને પડછે, હસ્તપ્રતોની ભાષાના પ્રાચીન, અર્વાચીન અને સ્થાનિક અંશોને જુદા પાડવાનાં ધોરણ નિશ્ચિત કરવાનું અને તેમનો ઉપયોગ કરીને કૃતિઓનો સમીક્ષિત ગ્રંથપાઠ તૈયાર કરવાનું પ્રારંભિક કાર્ય થઈ જાય, એ પછી જ પ્રાચીન ગુજરાતી ભાષાસામગ્રીને – ઐતિહાસિક વિકાસ તપાસવા માટે – પૂરી છૂટથી ઉપયોગમાં લઈ શકાય. આંતરિક પુનર્ઘટના તથા તુલનાત્મક પદ્ધતિનો પણ આ માટે આવશ્યક ઉપયોગ કરાય. સમગ્રપણે કે સમયસમયની પ્રાચીન ગુજરાતીનું ઐતિહાસિક દૃષ્ટિએ અધ્યયન કરવા ઇચ્છનારે, એનાં આધારભૂત સાધનસામગ્રીની આ મર્યાદાઓ અને મુલવણી નજર સામે રાખીને જ, પ્રવૃત્ત થવાનું રહે છે.

ગુજરાતી ભાષા

આપણે ગુજરાતી ભાષાની વાત કરીએ છીએ ત્યારે આપણા મનમાં બીજી બધી ભાષાઓથી ભિન્ન હોય તેવી એક ભાષાનો ખ્યાલ હોય છે. ભિન્ન એટલે પોતાના આગવા સ્વરૂપથી, અલાયદા વ્યક્તિત્વથી બીજી ભાષાઓથી જુદી પડી આવતી. ગુજરાતીને આ વ્યક્તિત્વ ક્યારથી મળ્યું? એ પહેલાંથી જ સિદ્ધ હતું? આપણે જાણીએ છીએ કે ભાષાનાં ઉદ્ભવ ને અસ્તિત્વ સમાજને કારણે છે. પરિણામે ભાષાનું વ્યક્તિત્વ એના સમાજના વ્યક્તિત્વ ઉપર નિર્ભર હોય છે. વ્યક્તિના વ્યક્તિત્વ જેટલું કોઈ સામાજિક જૂથનું વ્યક્તિત્વ સુરેખ ને નિર્ભેળપણે અલગ તારવી શકાય તેવું નથી હોતું એ ખરું, પણ સ્પષ્ટ-અસ્પષ્ટ રૂપમાં આપણે એને ઓળખતા હોઈએ છીએ એ પણ એટલું જ ખરું; વાણિયો ને સોની, સુરતી ને અમદાવાદી, હિંદુ ને મુસ્લિમ વગેરેની લોકજીભે તારવી આપેલી ખાસિયતો સૌને જાણીતી છે.*[1]

સામાજિક જૂથના વ્યક્તિત્વનો પાયો એની રહેણીકરણીની વિશિષ્ટતામાં હોય છે. એક જૂથ અને બીજા જૂથ વચ્ચે પહેરવેશ, રીતરિવાજ, ખાનપાન, બોલી, માનસિક વલણો વગેરે જેવી બાબતોમાં ઉઘાડો ફરક હોય છે, – ને એ ફરક પણ આજકાલનો નહિ, પણ પરંપરાથી બંધાતો આવેલો. દરેક સામાજિક જૂથના સભ્યોને આપસમાં સાંધનારી કડીઓ તે બીજી કોઈ નહિ, પણ આવી સમાન સાંસ્કૃતિક વિશિષ્ટતાઓ જ છે. સમયેસમયે પ્રવર્તેલાં ઐતિહાસિક, ભૌગોલિક ને આર્થિક પરિબળોથી એ વિશિષ્ટતાઓ ઉદ્ભવે છે ને જૂથભાવના પ્રગટ ભાન સાથે પોષાતી જાય છે. આ રીતે બંધાતા સામાજિક વ્યક્તિત્વમાં ભાષા એ સૌથી ઉપર તરી આવતું ભેદક લક્ષણ બને છે. આ દૃષ્ટિએ સમજી શકાશે કે ગુજરાતી સમાજનું અને એના અનુષંગે ગુજરાતી ભાષાનું વ્યક્તિત્વ સમયના પ્રવાહ સાથે ઉત્તરોત્તર સિદ્ધ થતું આવ્યું હોઈને, જેમ-જેમ સંપર્કની માત્રા ઓછી થઈ ગઈ તેમતેમ, ક્રમેક્રમે જ, ગુજરાત પ્રદેશના લોકો ભારતવર્ષના બીજા પ્રદેશોના લોકોથી રહેણીકરણીમાં જુદા પડતા ગયા હોય અને ગુજરાતી સમાજ તથા ભાષાનું આગવું વ્યક્તિત્વ વિકસ્યું હોય. આ પ્રક્રિયા સર્વસામાન્ય છે, એટલે કે એ બીજી ભારતીય ભાષાઓ ને સમાજોના વિકાસ પરત્વે પણ સમજવાની છે. એ ગુજરાતીનો ઉદ્ગમ તેમજ વિકાસ કેટલેક અંશે અન્ય ઉત્તરભારતીય ભાષાઓ સાથે નિકટપણે સંકળાયેલા હોવાથી, સ્પષ્ટ ચિત્ર ઉપસાવવા માટે તેમને અલગરૂપે નહિ, પણ સમગ્રના સંદર્ભમાં જ જોવાના રહેશે.

પ્રાચીન બોલીભેદો

ઈસવી સન પૂર્વે પંદરસો વરસના અરસામાં જ્યારે આર્યોએ ભારતવર્ષમાં પ્રવેશ કર્યો ત્યારે ભારતમાં જુદાંજુદાં ત્રણેક કુળોની ભાષા બોલતા લોકો વસેલા હતા. ઉત્તર-પૂર્વ અને પૂર્વ સરહદ પર ચીની તિબ્બતી બોલીઓ, મધ્ય ભારતની મુંડા બોલીઓ અને દક્ષિણ ભારતની દ્રાવિડી બોલીઓ. દ્રાવિડીભાષી લોકો એ વેળા ઉત્તર ભારતવર્ષમાં પણ અમુક અંશે વસેલા હતા. હડપ્પા સંસ્કૃતિ(સિંધુ સંસ્કૃતિ)ના લોકોની, વિશેષે ગુજરાતમાંની લોથલ વગેરે હડપ્પીય સંસ્કૃતિની વસાહતોની, ભાષા દ્રાવિડી હતી કે બીજી કોઈ, એનો નિર્ણય હજી થઈ શક્યો નથી. ગુજરાતીનું મૂળ `ત્રીજી પેઢીએ’ આર્યોની ભાષામાં રહેલું છે. બધા આર્યો એકસાથે ભારતવર્ષમાં ન આવ્યા હોય, પણ જુદેજુદે સમયે અમુક ટોળીઓના જથ્થા આવતા રહ્યા હોય એ સમજી શકાય છે. એટલે ભારતવર્ષમાં આવી વસેલા આર્યોની ભાષા સાવ એકરૂપ હોવા કરતાં તે વધતોઓછો બોલીભેદ ધરાવતી હોવાનો ઘણો સંભવ. અને બીજી રીતે પણ એ માટે થોડાક પુરાવા પાછળથી મળે છે. ભારતવર્ષમાં આવેલા આદિમ આર્યોમાં સામાજિક ભેદ અનુસાર જુદાજુદા સ્તરનાં ત્રણ ભાષાસ્વરૂપ પ્રચલિત હતાં. દેવતાનાં સ્તોત્રો કે સૂક્તો તથા અન્ય ધાર્મિક કાવ્યો રચવા માટે બ્રાહ્મણો–પુરોહિતો એક ખાસ (ને મુકાબલે પ્રાચીન, અને અન્યથા કાલગ્રસ્ત) ભાષાસ્વરૂપ વાપરતા. ઋગ્વેદ વગેરેની વૈદિક ભાષા એ તેનો જળવાઈ રહેલો નમૂનો છે. આ ઉપરાંત બ્રાહ્મણો તથા અન્ય ઉચ્ચ વર્ગોમાં શિષ્ટ વ્યવહાર અને અધ્યયન-અધ્યાપન માટે એક એવું ભાષાસ્વરૂપ વપરાતું, જે સૂક્તોની ભાષાથી વધુ આગળ વધેલું, વધુ અર્વાચીન હતું. આ બે સિવાય ત્રીજું ભાષાસ્વરૂપ સામાન્ય જનતામાં નિત્યના વ્યવહાર માટે વપરાતું, જે ઉપર્યુક્ત બીજા સ્વરૂપથી પણ વધુ પરિવર્તન પામેલું હતું. આમાંનું બીજું સ્વરૂપ પછીથી ‘સંસ્કૃત’ ભાષા તરીકે સ્થિર થાય છે, અને ત્રીજા સ્વરૂપનો મધ્યદેશ અને પશ્ચિમ કાંઠે પ્રવર્તતો ભેદ, શતાબ્દીઓ પછી, સાહિત્યિક શૌરસેની પ્રાકૃતની આધારશિલા બને છે. ભાષાનું સાહિત્યિક સ્વરૂપ બંધિયાર બનતું જાય છે. બોલચાલનું સ્વરૂપ જ પરિવર્તનશીલ હોય છે. એ અનુસાર સમય જતાં આર્યો પંજાબ ને ગંગાયમુનાના દોઆબમાં થઈને પૂર્વ તરફ બિહાર સુધી વિસ્તર્યા તેમતેમ એમની બોલીઓમાં પ્રાદેશિક ભેદો સ્પષ્ટ સ્વરૂપ પકડતા ગયા. બ્રાહ્મણ ગ્રંથોમાં ઉદીચ્ય(ઉત્તરનો), મધ્યદેશીય(એટલે હાલના મધ્યપ્રદેશનો નહિ, પણ ગંગાયમુનાના દોઆબનો) ને પ્રાચ્ય(પૂર્વનો) એવા ભાષાભેદોના ઉલ્લેખ છે. ઈ. પૂર્વે છઠ્ઠી-પાંચમી શતાબ્દીમાં મધ્યદેશીય ભાષાના શિષ્ટ વ્યવહારમાં વપરાતા રૂઢ સ્વરૂપને નિયમબદ્ધ કરવાના પ્રયત્ન થયા છે. એવા પ્રયત્ન પાણિનિના વ્યાકરણમાં અંતિમ કક્ષા સિદ્ધ કરે છે, અને ઉપર કહ્યું તેમ, ‘સંસ્કૃત’ નામે એ ભાષાપ્રકાર મધ્યપ્રદેશના સાંસ્કારિક વર્ચસને કારણે વધુ ને વધુ પ્રસાર પામતો રહી સર્વકાલીન ગૌરવનો ભાગી બને છે. ભારતીય-આર્યની મધ્યમ ભૂમિકાનો પણ આરંભ ઈસુ પૂર્વે છઠ્ઠી સદી લગભગ થયો હતો. એ અરસામાં બુદ્ધે અને મહાવીરે એમના સમયમાં પંડિતો અને શિષ્ટ વર્ગમાં પ્રચલિત સંસ્કૃત ભાષામાં ઉપદેશ નહિ કરતાં સામાન્ય જનતાની નિત્યના વ્યવહારની ભાષામાં ઉપદેશ અને પ્રચાર કરવાનું પસંદ કર્યું હતું. આ રીતે સંસ્કૃતની જેમ પૂર્વના પ્રદેશની એક જનબોલીને પણ પ્રતિષ્ઠા અને ગૌરવ મળ્યાં. પૂર્વની એ માગધીની જેમ મધ્યદેશની, ઉત્તરની તથા પશ્ચિમની જનબોલીઓ પણ આગવા સ્વરૂપે વિકસી રહી હતી. ત્યારથી ભારતીય આર્ય ભાષાઓની બીજી ભૂમિકા – ‘પ્રાકૃત’ ભૂમિકા આરંભાય છે. ઈસવી સન પૂર્વે ત્રીજી શતાબ્દીમાં અશોકના શિલાલેખોની ભાષામાં આપણને તત્કાલીન બોલીઓનું સ્થૂળ ચિત્ર – છતાં પણ અમુક અંશે વાસ્તવિક-ચિત્ર પ્રથમવાર જોવા મળે છે. એમાં પ્રગટ રીતે પૂર્વની, પશ્ચિમની અને ઉત્તરની બોલીઓ તારવી શકાય છે.

ગિરનારની અશોકકાલીન ભાષા

અશોકના ગિરનારના શિલાલેખની ભાષા અમુક અંશે એ સમયની પશ્ચિમની બોલીનું પ્રતિનિધિત્વ કરે છે. પછીના સમયમાં ગિરનારમાં જ મળતા ક્ષત્રપ રુદ્રદામાના અને ગુપ્તરાજા સ્કંદગુપ્તના લેખો સૂચવે છે કે રાજકીય દૃષ્ટિએ સૌરાષ્ટ્ર પ્રદેશનું મહત્ત્વ મૌર્યકાળથી લઈને ગુપ્તકાળ સુધી સતત ટકી રહ્યું હતું, અને પરિણામે એ પ્રદેશની લોકભાષા પણ વ્યાપક પરિબળોના પ્રભાવ નીચે ઘડાતી રહેતી હતી. ગિરનારના અશોકલેખની ભાષાની કેટલીક લાક્ષણિકતાઓ ઠેઠ ગુજરાતી સુધી ઊતરી આવી છે એ જોતાં આપણે માટે એ લેખનું મહત્ત્વ આ દૃષ્ટિએ પણ અસાધારણ છે. અશોકકાલીન પૌરસ્ત્ય બોલીના વિરોધમાં પશ્ચિમની બોલીમાં, क्र, त्र, प्र, स्र જેવા રકારવાળા વ્યંજનસંયોગ જાળવી રાખવાનું પ્રબળ વલણ હતું. પૌરસ્ત્ય બોલીમાં આવા સંયોગોમાં રકાર સારૂપ્ય પામ્યો છે – લુપ્ત થયો છે. अतिक्रात (सं. अतिक्रान्त), पराक्रम, पुत्र, मित्र, त्रि, त्रइदश (सं. त्रयोदशन्), प्रकरण, प्रजा, प्रवास, प्राण, प्रपोत्र, ब्राह्मण, स्रमण (सं. श्रमण) सुस्रुसा (सं. सुश्रूषा), श्रुणारु (सं. शृणेयुः) વગેરે ઉદાહરણો ગિરનાર-લેખમાંથી આપી શકાય.[2] આ વલણ પછીથી પણ કેટલીક પ્રાકૃત બોલીઓમાં અને વિશેષે અપભ્રંશના પાયામાં રહેલી બોલીઓમાં પ્રવર્તતું રહ્યું છે અને ગુજરાતીમાં મૂળના સંયુક્ત રકારને જાળવી રાખતા સંખ્યાબંધ શબ્દ છે; જેમકે ‘ત્રણ,’ ‘ત્રીશ’, ‘વકરો’, ‘પતરું,’ ‘પાતરી,’ ‘પરાણે,’ ‘પરિયા,’ ‘ભાદરવો,’ ‘ભત્રીજો,’ ‘ધરો,’ ‘દરાખ,’ ‘દાદર,’ ‘હળદર,’ ‘ભાદર,’ ‘સાબરમતી,’ ‘કોદરા,’ ‘ગોંદરું,’ ‘છત્તર,’ ‘છતરી,’ ‘ચીતરવું,’ ‘નાતરું,’ ‘પરિયાણ,’ ‘પરબ,’ ‘વરુ,’ ‘ત્રાપો,’ ‘વૈતરું,’ ‘ખત્રી,’ ‘ખેતર,’ ‘પાદર,’ ‘૦વદર’ (‘ભાયાવદર’ વગેરેમાં), ‘૦ઓદરું’ (‘વડોદરું’ વગેરેમાં), ‘ચંદરવો’ વગેરે વગેરે.[3] ઉપર્યુક્ત શબ્દોને મળતા હિંદી વગેરે અન્ય અર્વાચીન ભાષાઓના શબ્દ રકાર વિનાના છે એ જોતાં ગુજરાતીની આ લાક્ષણિકતા તરત જ પ્રતીત થશે. એ જ પ્રમાણે ગિરનારલેખની ભાષામાં સપ્તમી એકવચનમાં પ્રત્યય ૦म्हि છે, જ્યારે બીજી સમકાલીન બોલીઓમાં ૦सि કે ૦स्पि છે. આ પ્રત્યય ૦हिं અને ૦र्हि રૂપે અપભ્રંશ, પ્રાચીન ગુજરાતી અને મધ્યકાલીન ગુજરાતી સુધી ઊતરી આવ્યો છે. ગિરનારના धम्मम्हि, अत्थम्हिનું પ્રતિનિધિત્વ અપભ્રંશમાં धम्महिं, अत्थहिं કરે છે, અને જૂની ગુજરાતીમાં પણ हाथिहिं, माथिहि જેવાં રૂપોનું ચલણ હતું. द्व्૦ના द्ब्૦ લોપ દ્વારા થયેલા ब૦ (‘બે’, ‘બીજું’, ‘બારણું’, ‘બારું’) વગેરેનો પણ કદાચ આ સંબંધમાં ઉલ્લેખ થઈ શકે. આ રીતે ગિરિનગરની અશોકકાલીન બોલી અને અર્વાચીન ગુજરાતી વચ્ચે તદ્દન આછુંપાતળું સંબંધસૂત્ર સ્થાપી શકાય છે ખરું.

સાહિત્યિક પ્રાકૃતો અને લોકબોલીઓ

સાહિત્યિક પ્રાકૃતો ઘણુંખરું તો અત્યંત રૂઢ સ્વરૂપની, અને સ્થાનિક છાયાવાળા સંસ્કૃતના `પાઠભેદો’ જેવી હોવાથી તેમાં સમકાલીન પ્રાદેશિક બોલીઓનું તત્ત્વ બહુ ઓછું મળે છે. કૃત્રિમપણે તેમને એક જ ઢાંચામાં ઢાળી દીધેલી છે એટલે ક્વચિત્ કળાતા આછાપાતળા સંકેતો ઉપરથી અટકળો કરવાની રહે છે. ઈસવી સનની બીજી શતાબ્દી લગભગનો કેવળ એક જ શબ્દનો પુરાવો એ સમયની ગુજરાતીની બોલી કેટલીક બાબતમાં તો આજની ગુજરાતીની પરંપરાએ પૂર્વજ હશે એવું આપણને કહી જાય છે. ઈસવી સન બીજી શતાબ્દીમાં ગ્રીક ભાષામાં લખાયેલો દરિયાઈ પ્રવાસનોંધનો ગ્રંથ ‘પેરિપ્લસ’ એ સમયના ભરૂચના બારાનું વર્ણન કરતાં કહે છે કે એ પરદેશી વહાણો માટે જોખમી હોવાથી નર્મદાના મુખ આગળ ત્યાંના રાજાએ ભોમિયા તરીકે કામ કરતા માછીમારોને રોકેલા હોય છે, જે ‘ત્રપ્પગ’ અને ‘કોટિંબ’ નામથી ઓળખાતાં વહાણોમાં ઠેઠ સૌરાષ્ટ્રના કાંઠા સુધી જઈને પરદેશી વહાણોને સંભાળપૂર્વક ભરૂચના બંદરે લઈ આવે છે. ‘પેરિપ્લસ’માં ભરૂચનું એ સમયની ખારવાઓની ભાષામાં જે નામસ્વરૂપ હતું – ‘ભરુગજ્ઝ’ – તે જ ગ્રીક ઉચ્ચારણમાં `બરુગઝ’ એવે રૂપે રજૂ કર્યું છે. આ સાથે પાલિ ‘ભરુકચ્છ’ સરખાવી શકાય. પણ ખાસ ધ્યાનપાત્ર તો છે સમુદ્રી પથ-પ્રદર્શકો જે વિશિષ્ટ પ્રકારનાં વહાણ વાપરતા તે – ‘ત્રપ્પગ’ અને ‘કોટિંબ’ – અત્યારે ‘ત્રાપો’ અને ‘કોટિયું’ નામે જાણીતાં છે. ઈસવી ચોથી શતાબ્દીમાં પ્રાકૃતમાં રચાયેલા જૈન શાસ્ત્રગ્રંથ ‘અંગવિજ્જા’માં ‘તપ્પક’ અને ‘કોટ્ટિંબ’નો મધ્યમ કદનાં જળ-યાનો તરીકે ઉલ્લેખ છે, અને પ્રાકૃત સાહિત્યમાં ‘તપ્પય’, તો હેમચંદ્રની ‘દેશીનામમાલા’માં ‘કોટ્ટિંબ’ મળે છે. પણ ‘પેરિપ્લસ’માં રકારને જાળવી રાખતું, સ્થાનિક પ્રાકૃત સ્વરૂપ ‘ત્રપ્પગ’ આપેલું છે, ‘તપ્પગ’ નહિ, અને એ અચૂકપણે પુરવાર કરે છે કે તત્કાલીન વ્યવહારભાષામાં એ શબ્દ લાક્ષણિક રીતે ‘ત્ર’થી શરૂ થયો હતો, અને એ અત્યારના ગુજરાતી ‘ત્રાપા’ શબ્દનો સીધી રેખાએ વડવો હતો.[4] આમ ઈસવી સનના આરંભની આસપાસની શતાબ્દીઓની સૌરાષ્ટ્ર અને લાટની બોલીનાં કોઈકોઈ લક્ષણોનો જે સહેજસાજ અણસાર મળે છે તે પછી આપણને પાંચમી-છઠ્ઠી શતાબ્દી સુધી ગુજરાતની કે એની સાથે ભાષાદૃષ્ટિએ સંબદ્ધ પ્રદેશની વિશિષ્ટ ભાષા વિશે કશું જાણવા મળતું નથી. સમયના વીતવા સાથે પ્રાદેશિક વિશિષ્ટતાનું પ્રમાણ વધતું જાય છે અને બોલીઓનો આકાર બંધાતો જાય છે. ઈસવી ત્રીજી-ચોથી શતાબ્દીની ભાષાવિષયક પરિસ્થિતિનો કાંઈક ખ્યાલ આપણને ભરતના `નાટ્યશાસ્ત્ર’ ઉપરથી મળે છે. નાટકના ઉપયોગની દૃષ્ટિએ એમાં ગણાવેલી સાત બોલીઓ તે માગધી ને પ્રાચ્યા (પૂર્વની), શૌરસેની (મધ્યની), આવંતી (મધ્ય અને પશ્ચિમની મિશ્ર), અર્ધમાગધી (પૂર્વ ને મધ્યની મિશ્ર), બાલ્હીકી (ઉત્તરની), અને દાક્ષિણાત્યા (દક્ષિણ-પશ્ચિમની). આ ઉપરાંત આભીર, ચાંડાલ, વગેરે પ્રદેશના બોલીભેદોની પણ એકાદ લક્ષણવાળી નોંધ આપી છે. આ પછીના ગાળા માટે મૈત્રક રાજાઓનાં દાનશાસનોમાં આવતાં કેટલાંક સ્થળનામોના સ્વરૂપ પરથી આપણે સમકાલીન ઉચ્ચારણની થોડીક ઝાંખી કરી શકીએ. સંઘદાસની ‘વસુદેવહિંડી,’ જિનભદ્રના ‘વિશેષાવશ્યક-ભાષ્ય’ આદિ ગ્રંથો વગેરેની પ્રાકૃત પર – થોડાક વિશિષ્ટ શબ્દો અને પ્રયોગો રૂપે – જે સ્થાનિક પ્રભાવની છાયા વરતાય તે પણ કામમાં આવે. હ્યુએનત્સંગ અને ઇત્સિંગની પશ્ચિમ ભારતને લગતી પ્રવાસનોંધોમાં તે-તે પ્રદેશની બોલીઓ વિશે નક્કર સામગ્રી રૂપે કશી માહિતી નથી. હેમચંદ્રની `દેશીનામમાલા’માં પૂર્વવર્તી શતાબ્દીઓની શબ્દસામગ્રી સંચિત હોઈને વચગાળાની શતાબ્દીઓની બોલીઓની થોડીક સામગ્રીનું પગેરું તેમાં મળે ખરું.

અપભ્રંશનો ઉદ્ગમ

પાંચમી-છઠ્ઠી શતાબ્દીના અરસામાં પશ્ચિમ કાંઠાની અને મધ્યદેશની લોકબોલીઓના આંશિક મિશ્રણવાળી એક નવી સાહિત્યભાષા પ્રચલિત બની. એ ભાષા તે અપભ્રંશ. અપભ્રંશને લગતા પ્રાચીનતમ ઉલ્લેખ ઈસવી પાંચમી સદીથી બહુ આગળ જતા નથી. સાતમી સદીનો બાણભટ્ટ ‘ભાષાકવિ’નો ઉલ્લેખ કરે છે. છઠ્ઠી સદીનો વલભીનો રાજા મૈત્રક ગુહસેન સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ એમ ત્રણે ભાષાઓમાં સાહિત્યરચના કરતો એવો મોડેના સમયનો ઉલ્લેખ છે. પાંચમી સદીના જૈન માહારાષ્ટ્રી ભાષાના ગ્રંથ ‘વસુદેવહિંડી’માંના એક પદ્યમાં કેટલાંક વિશિષ્ટપણે અપભ્રંશ રૂપ વપરાયેલાં છે. એ પહેલાંના કેટલાક બૌદ્ધ ગ્રંથોની મિશ્ર કે સંકર સંસ્કૃત પર અને પાંચમી સદી પછીના જૈન માહારાષ્ટ્રી ગ્રંથ ‘પઉમચરિય’ની ભાષા પર તત્કાલીન લોકબોલીની, અપભ્રંશને મળતી, અસર છે. આ ઉપરથી ઈસવી પાંચમી-છઠ્ઠી શતાબ્દી લગભગ અપભ્રંશ ભાષા સંસ્કૃત અને પ્રાકૃતની હરોળમાં બેસવાને પાત્ર એક સાહિત્યભાષા તરીકે પ્રતિષ્ઠિત થઈ ચૂકી હતી એમ ચોક્કસ કહી શકાય. મૈત્રક રાજાઓની રાજધાની વલભી વૈદિક, જૈન અને બૌદ્ધ ધર્મનું તથા વિદ્યાનું કેંદ્ર હતી. દેવર્દ્ધિગણિ, ભટ્ટિ અને કદાચ સ્થિરમતિ, ગુણમતિ વગેરે અનેક આચાર્યો અને કવિઓએ ત્યાં રહીને સાહિત્યરચના કરેલી છે. રાજસ્થાન-પ્રદેશમાં પણ બ્રહ્મગુપ્ત, હરિભદ્ર, ઉદ્દ્યોતન વગેરે પ્રખર વિદ્વાનો થયા. એ સમયમાં રાજસ્થાન, ગુજરાત અને માળવામાં સંસ્કૃત, માહારાષ્ટ્રી, અર્ધમાગધી, પાલિ અને અપભ્રંશનું અધ્યયન-અધ્યાપન સારા પ્રમાણમાં થતું. નવમી શતાબ્દી સુધીમાં અપભ્રંશનું સાહિત્યભાષા લેખે વર્ચસ્વ ઘણું વધી ગયું. પશ્ચિમના અને મધ્ય ભારતના સંખ્યાબંધ જૈન કવિઓએ શતાબ્દીઓ સુધી અપભ્રંશ સાહિત્યનું નિર્માણ કર્યું છે. નવમી શતાબ્દીનો કવિ રાજશેખર પશ્ચિમ તરફનો પ્રદેશ (ગુજરાત, રાજસ્થાન, માળવા, વગેરે) અપભ્રંશ કવિઓનું સ્થાન હોવાનું સૂચિત કરે છે. અપભ્રંશ વિશેની ચર્ચામાં એક હકીકત સતત લક્ષમાં રાખવાની છે કે પ્રાકૃત વ્યાકરણકારોએ જે અપભ્રંશનું વર્ણન કર્યું છે અને જે આપણને વિપુલ અપભ્રંશ સાહિત્યની કૃતિઓમાં મળે છે તે અપભ્રંશભાષા પ્રાકૃતોની જેમ જ, એક કૃત્રિમ સાહિત્યભાષા હતી. સાહિત્યિક પ્રાકૃતનું કેટલોક ફેરફાર પામેલું સ્વરૂપ તે જ સાહિત્યિક અપભ્રંશ. પણ આ ફેરફારના મૂળમાં લોકબોલીઓનો પ્રભાવ હતો અને એ પ્રભાવ સતત વધતો રહ્યો એ દૃષ્ટિએ અપભ્રંશનું ઘણું જ મહત્ત્વ છે. પ્રાકૃતની જેમ જ અપભ્રંશભાષા પણ સાહિત્યમાં અત્યંત રૂઢિબદ્ધ બની ગઈ, પણ બીજી તરફ વધુ ને વધુ બોલીનાં તત્ત્વ ગ્રહણ કરતું એનું લૌકિક સ્વરૂપ પણ વિકસતું ગયું. પ્રાદેશિક ભાષામાં સાહિત્ય રચવાનું વલણ તો ઈસવી સનની બીજી સહસ્રાબ્દીના આરંભે ઉદ્ભવે છે, પણ એ પહેલાં પણ, અપભ્રંશ ભાષા લોકબોલીઓ તરફ પ્રમાણમાં વધુ અભિમુખ રહી હોવાથી, ભારતીય-આર્ય ભાષાઓના ઇતિહાસ માટે એનું મૂલ્ય ઘણું છે. છતાં પણ એ ભૂલવાનું નથી કે પ્રાકૃત તેમજ અપભ્રંશ સાહિત્ય ‘લોકસાહિત્ય’ નથી જ. ભાષા, શૈલી, રચના અને ભાવના – બધી દૃષ્ટિએ જૂજ અપવાદે, એ સંસ્કૃતના જેવું અને જેટલું વિદગ્ધ જનોએ વિદગ્ધ જનો માટે રચેલું ઉચ્ચ શિષ્ટ સાહિત્ય જ છે. એ સાહિત્યમાં મળતી પ્રાકૃત અને અપભ્રંશભાષા પણ લોકભાષાઓ નથી જ.

ગુજરાતીની વિકાસ-પરંપરા

વ્યાકરણ, શબ્દભંડોળ, પ્રયોગો, સાહિત્યશૈલી, છંદોરચના અને સાહિત્યસ્વરૂપો – એ બધી બાબતોમાં ગુજરાતી-રાજસ્થાની-હિંદી વગેરેને અપભ્રંશનો ભરપૂર વારસો મળેલો છે. સાહિત્યિક ભાષા પર પ્રાકૃત અને સંસ્કૃતનું જે મોટું ભારણ છે તે બાદ કરીને ‘શુદ્ધ’ અપભ્રંશને અનુલક્ષીને વાત કરીએ તો તરત જ જોઈ શકાશે કે પશ્ચિમના સંપર્કથી ભારતીય ભાષાઓનું અર્વાચીન સમયમાં આંતરિક તેમજ બાહ્ય નવવિધાન થયું તે પહેલાંના આપણી ભાષાઓના સ્વરૂપમાં અપભ્રંશનું લગાતાર અનુસંધાન હતું. શબ્દરચના, સમાસ, નામિક અને આખ્યાતિક રૂપરચના, વાક્યની લઢણો અને રૂઢોક્તિઓ એ બધી બાબતમાં અપભ્રંશનાં વલણ અને પરંપરા જૂની ગુજરાતી અને મધ્યકાલીન ગુજરાતી દ્વારા અર્વાચીન સમય સુધી અતૂટ ચાલ્યાં આવ્યાં છે. નવવિધાન અવશ્ય થયું છે અને સારા પ્રમાણમાં થયું છે, પરંતુ એ અપભ્રંશકાલીન ભોંયની ઉપર થયું છે એ પણ સ્પષ્ટ છે. જૂનું શબ્દરચનાનું તંત્ર તેમજ વિભક્તિતંત્ર ઘસાઈ ગયું, સમાસરચનાની શક્તિ કુંઠિત બની, પરિણામે શબ્દસાધક અનેક નવા પ્રત્યય વિકસ્યા, અનુગો વડે વિભક્તિ-સંબંધો વ્યક્ત કરતી વ્યવસ્થા ઊભી થઈ, વાક્યરચનાનું મહત્ત્વ વધ્યું અને એમાં શબ્દવિન્યાસની નિયત ભાતો ઊપસવા લાગી. કાળની અને ક્રિયાવસ્થાની વિવિધ અર્થછાયાઓ વ્યક્ત કરતાં સંયુક્ત રૂપો અને નામની સાથે થોડાંક સર્વસામાન્ય અર્થનાં ક્રિયાવાચક પદ જોડીને અભિવ્યક્તિની અમર્યાદ ક્ષમતા સિદ્ધ કરતા પ્રયોગોનું વર્ચસ વધવા લાગ્યું. ભાષાનું શ્લિષ્ટ પદરચનાવાળું સ્વરૂપ અપભ્રંશોત્તર કાળમાં ક્રમે કરીને સારા પ્રમાણમાં વિશ્લિષ્ટ બની ગયું. પ્રાકૃત વ્યાકરણકારોમાં સાહિત્યિક ઉપયોગ માટે પ્રારંભમાં ચાર મુખ્ય પ્રાકૃતો ગણાવવાની એક પરંપરા હતી : શૌરસેની, માગધી, માહારાષ્ટ્રી ને પૈશાચી. પછીથી આમાં અપભ્રંશને પણ ભેળવતા. પણ બોલીઓના વિકાસની દૃષ્ટિએ જોઈએ તો સાતમી-આઠમી શતાબ્દી લગભગ સિંધ-પંજાબની બોલીઓનું જૂથ તથા પહાડી બોલીઓનું જૂથ પશ્ચિમ અને મધ્યના શૌરસેની બોલીજૂથથી અલગ પડી ગયું માની શકાય. અને આગળ જતાં દસમી શતાબ્દી સુધીમાં શૌરસેની જૂથ પણ મધ્યમ ને પશ્ચિમી એમ બે શાખામાં ફંટાયું – એ શાખાઓ હિંદી જૂથ અને રાજસ્થાની-માળવી-ગુજરાતી જૂથ તરીકે આપણને જાણીતી છે.[5] આઠમી શતાબ્દીમાં થયેલા ઉદ્દ્યોતનસૂરિ પ્રાકૃત કથાગ્રંથ ‘કુવલયમાલા’માં મધ્યપ્રદેશ, ટક્ક(પંજાબ), સિંધુ, મરુ, માલવ, ગુર્જર ને લાટના વેપારીઓની બોલીઓ જુદીજુદી હોવાનો નિર્દેશ કરે છે, પણ એ નિર્દેશ `બાર ગાઉએ બોલી બદલાય’ એવા અર્થના બોલીભેદને અનુલક્ષીને હોય એ ઘણું સંભવિત છે. અપભ્રંશની વાત કરીએ તો,[6] હેમચંદ્રનાં કેટલાંક ઉદાહરણપદ્યોની અપભ્રંશભાષા સ્વયંભૂ (નવમી શતાબ્દીનો ઉત્તરાર્ધ), પુષ્પદંત (દસમી શતાબ્દી) વગેરેના ઉચ્ચ અપભ્રંશની તુલનાએ અર્વાચીન હોવા ઉપરાંત, એનું ખાસ મહત્ત્વ તો એ રીતે છે કે એ એક મિશ્ર ભૂમિકા રજૂ કરતી જણાય છે. એમાં પ્રથમાનાં ઉકારાંત ને આકારાંત રૂપો (ગુજરાતી ‘ઘોડઉ’-‘ઘોડો’, હિંદી ‘ઘોડા’), મકાર અવિકૃત ને મકારનો વઁકાર (ગુજરાતી ‘નામ,’ હિંદી ‘નાવઁ’), વકારની જાળવણી ને વકારનો લોપ (ગુજ. ‘દીવો’, હિંદી ‘દિયા’), ‘ઇઉ’વાળાં તેમજ ‘ઇ’વાળાં સંબંધક ભૂતકૃદંતો (ગુજ. ‘કરિઉ’-‘કરી’, હિંદી ‘કરિ’-‘કર’) વગેરે જેવાં લક્ષણ સાથોસાથ મળે છે, જે પાછળથી રાજસ્થાની-ગુજરાતી અને હિંદી બોલીઓ માટે લાક્ષણિક બની જાય છે. હેમચંદ્રનાં ઉદાહરણોમાં અપાયેલા માલવપતિ મુંજરચિત અપભ્રંશ દુહા તથા ચૌલુક્ય કાળની પાટણ અને ધારા વચ્ચેની સાહિત્યિક તથા વિદ્યાચાતુર્યની સ્પર્ધા આ દૃષ્ટિએ સૂચક છે. ને તેવી જ સૂચક છે હિંદી ને ગુજરાતી-મારવાડી વચ્ચેની અનેક દેશ્ય ને તળપદા શબ્દોની, રૂપોની ને રૂઢોક્તિઓની સમાનતા – જે સમાનતા ઉપરકહ્યા અપભ્રંશના સમાન વારસાને જ આભારી છે. શબ્દભંડોળના વિષયમાં એક ખાસ નોંધવા જેવી વિશિષ્ટતા એ છે કે પ્રાકૃત વ્યાકરણોએ જેમને ‘દેશ્ય’ કે ‘દેશી’ એવું નામ આપ્યું છે, તે શબ્દોનો પ્રચાર પ્રાકૃત કરતાં અપભ્રંશમાં અને એનાથી અનેકગણો પછીની ભૂમિકામાં થયો છે. ‘દેશ્ય’ એટલે વસ્તુતઃ તો એવા શબ્દ જે પ્રાકૃતમાં-અપભ્રંશમાં પ્રવર્તતાં સાદાં અને વધુ વ્યાપક ધ્વનિવલણોની નીચે સહેલાઈથી ન આવતા હોય, જે શબ્દનું પૂર્વરૂપ સંસ્કૃતમાં કે એની પૂર્વ ભૂમિકામાં ન જળવાઈ રહ્યું હોય, જે શબ્દ દ્રાવિડી વગેરે ભારતવર્ષની આર્યેતર ભાષાઓમાંથી અથવા તો ભારતવર્ષની બહારની પરદેશી જાતિઓની ભાષામાંથી આવ્યા હોય, અથવા તો છેવટે જેઓનું મૂળ અજ્ઞાત હોય. પૂર્વભૂમિકા – કહો કે જનની – લેખે અપભ્રંશની ગુજરાતી હિંદી જેવી અર્વાચીન ભૂમિકાની ભાષાઓ સાથે આંતરિક નિકટતા હોવા છતાં બાહ્ય દેહે એ એક મધ્યમ ભારતીય-આર્ય ભાષા જ છે, જ્યારે ગુજરાતી વગેરે ભાષાઓ અર્વાચીન ભારતીય-આર્ય ભૂમિકાની છે. અપભ્રંશનો પ્રભાવ–અપભ્રંશરંગી શબ્દો, લઢણો ને રૂઢિપ્રયોગો તો પંદરમી-સોળમી શતાબ્દી સુધી સાહિત્યક્ષેત્રે વપરાતાં રહ્યાં છે, પણ બારમી શતાબ્દીથી જ આપણને રાજસ્થાન ગુજરાત માળવાના પ્રદેશની તળપદી બોલીઓની સ્પષ્ટ છાપ ધરાવતી ભાષામાં સાહિત્ય મળવા લાગે છે. દસમી શતાબ્દી પછી ઉત્તરભારતીય બોલીઓની જે નવી – ત્રીજી ભૂમિકા મંડાય છે તેની એ હકીકત દ્યોતક છે. ઉક્ત સમગ્ર પ્રદેશની ભાષા સાહિત્યિક પ્રયોજન પૂરતી એકરૂપ ગણી શકાય એમ હતું. નરસિંહ, ભાલણ, ગણપતિ વગેરે જેવા જેમ આપણા તળગુજરાતના સાહિત્યકાર તેમ ‘કાન્હડદેપ્રબંધ’નો કર્તા પદ્મનાભ, મીરાં વગેરે જેવાં આપણા જ તળ રાજપૂતાનાનાં સાહિત્યકાર, અને ગુજરાતીના જૈન રાસાકારો ને ગદ્યકારોમાંથી અનેકે ગુજરાતમાં રહીને, તો અનેકે રાજપૂતાનામાં રહીને, પોતાની લેખનપ્રવૃત્તિ કરી હોવાનું જાણીતું છે.

‘ગુજરાત’ નામકરણ

‘ગુજરાતી’ નામના મૂળમાં ‘ગુજરાત’ એ પ્રાદેશિક સંજ્ઞા છે. ‘ગુજરાત’નું પ્રાચીન રૂપ હતું ‘ગુજ્જરત્તા’(સંસ્કૃત બનાવેલું રૂપ ‘ગુર્જરત્રા’ કે ‘ગૂર્જરત્રા”), ને એનો અર્થ હતો ‘ગુર્જર લોકો,’ ‘ગુર્જર લોકોનો સમૂહ’ અને પછી ‘ગુર્જરોના અધિકાર નીચેનો પ્રદેશ.’ મૂળે પરદેશી જણાતા ગુર્જરો (કે ગૂર્જરો) સાતમી શતાબ્દી સુધીમાં તો આર્ય પ્રજામાં ભળીને એકરૂપ થઈ ગયેલા. પણ જ્યારેજ્યારે કોઈ પણ પરદેશી જૂથ સમયાંતરે બીજા ભિન્ન ભાષાભાષી મોટા જૂથમાં ભળી જાય છે અને પોતાની ભાષા અને રહેણીકરણી તજી દઈ ક્રમે કરીને બીજી અપનાવે છે ત્યારેત્યારે ત્યજી દીધેલી ભાષા ને રહેણીકરણી પોતાની વધતીઓછી છાપ મૂકી ગયા વિના રહેતી નથી. તદનુસાર પ્રાચીન ગુર્જરોની મૂળ ભાષા પણ અત્રત્ય ભાષા પર પોતાના થોડાક સંસ્કાર મૂક્યા વિના ન જ રહી હોય. ગુજરાતી શબ્દભંડોળમાં રહેલા દેશ્ય શબ્દોમાંથી જે અંશ ઇતર ભારતીય ભાષાઓમાં નથી મળતો – ગુજરાતીનો જ લાક્ષણિક અંશ છે, તેને અમુક અંશે ગુર્જરોની મૂળ ભાષા સાથે ઠીકઠીક લેવાદેવા હોય એમ માનવું વધારે પડતું નથી.

ગુર્જરભાષાની લાક્ષણિકતા

પ્રાચીન ગુર્જરભાષાને એની પૂર્વભૂમિકાથી જુદી પાડતાં લક્ષણ વ્યવહારદૃષ્ટિએ નીચે પ્રમાણે આપી શકાય : ધ્વનિવિકાસના વિષયમાં, (૧) પૂર્વ ભૂમિકામાં આરંભાયેલું દીર્ઘ વ્યંજનોને હ્રસ્વ કરવાનું (અનુસ્વારનો અનુનાસિક કરવાનું) અને સાથોસાથ પ્રથમાક્ષર પૂરતું પૂર્વવર્તી હ્રસ્વ સ્વર દીર્ઘ કરવાનું વલણ હવે ઠરીને ઠામ થાય છે. ‘સત્ત’ જેવા ઉચ્ચારને સ્થાને ‘સાત’ જેવો ઉચ્ચાર સંભળાતો થાય છે. બીજી પણ ઘણી નવ્ય ભારતીય-આર્ય ભાષાઓ માટે આ વલણ લાક્ષણિક છે. ખુલ્લા અક્ષરો બોલવાની આ ખાસિયતથી પ્રાચીન ગુજરાતી વગેરેમાં, સંસ્કૃતમાં હતા તેવા, સ્વરાંતર્ગત એકવડા સ્પર્શ વ્યંજન ફરી પ્રચારમાં આવે છે અને પરિણામે સંસ્કૃત શબ્દોને તેઓના અવિકૃત રૂપમાં અપનાવવા શક્ય બને છે. (આગલી ભૂમિકામાં, સ્વીકૃત સંસ્કૃત શબ્દો અમુક ધ્વનિવિકાર સાથે જ વાપરી શકાતા.) બીજાં ધ્વનિવલણોમાં (૨) અમુક ધ્વનિસંદર્ભમાં હકાર ને વકારનો લોપ, (૩) અંત્ય ઉકારનો અકાર, (૪) સંપર્કમાં રહેલા સ્વરોનો સંકોચ, એ ગણાવી શકાય. રૂપવિકાસના વિષયમાં, આગળના વિભક્તિતંત્રની વિચ્છિન્નતા, અનુગોનો વધતો જતો વપરાશ અને તેમને સંબંધે એક સામાન્ય રૂપનો વિકાસ, સહાયક ક્રિયાપદોની અને કૃદંતમૂલક કાળોની રચના, અને કર્મણિ પ્રત્યય વગેરે જેવા નવતર પ્રયોગો લાક્ષણિક રીતે ધ્યાન ખેંચે છે. શબ્દભંડોળમાં અનેક નવતર શબ્દોના ભરણા ઉપરાંત રવાનુકારી અને દ્વિરુક્ત ઘડતરના શબ્દોનું પ્રમાણ ઘણું વધી જાય છે. આ બધાં લક્ષણો જે ભાષા ધરાવતી જણાય તેને જ અર્વાચીન ભૂમિકાની કહેવાય. પ્રાચીન ગુર્જર ભાષાની આરંભની કૃતિઓ વજ્રસેનકૃત ‘ભરતેશ્વર-બાહુબલિ-ઘોર’ (ઈ. ૧૧૬૯ લગભગ), શાલિભદ્રકૃત ‘ભરતેશ્વર-બાહુબલિ-રાસ’ (ઈ. ૧૧૮૫), ધર્મકૃત ‘જંબૂસ્વામિચરિત્ર’ (ઈ. ૧૨૧૦) અને વિજયસેનસૂરિકૃત ‘રેવંતગિરિરાસુ’ (ઈ. ૧૨૩૦ આસપાસ) છે. આ કૃતિઓની ભાષા ઉપરની કસોટીએ અર્વાચીન ભૂમિકાની જણાય છે. ક્વચિત્ નવમી-દસમી સદીની અપભ્રંશમાં પણ કોઈકોઈ શબ્દમાં બેવડા વ્યંજનને એકવડો કરવાનું ને તેની પૂર્વેના હ્રસ્વ સ્વરને દીર્ઘ કરવાનું વલણ છે, પણ ત્યાં આ વલણ ફુટકળ શબ્દોમાં જોવા મળે છે, જ્યારે ઉપર્યુક્ત કૃતિઓમાં એ વ્યાપકપણે અને દૃઢમૂળ થયેલું જોઈ શકાય છે. તેવી જ રીતે વિશિષ્ટ અનુગોનો વપરાશ અપભ્રંશ ભૂમિકાથી શરૂ થઈ ગયો છે, પણ પ્રાચીન ગુજરાતીની ઉપર ગણાવેલી કૃતિઓમાં તેનો ઉપયોગ બહોળા પ્રમાણમાં અને લાક્ષણિક રૂપે થયો છે. આમ પ્રાચીન ગુજરાતી બારમી સદીના ઉત્તરાર્ધમાં તો સાહિત્યભાષા તરીકે વપરાતી થઈ ગઈ હતી. ઉપરાંત હેમચંદ્રીય અપભ્રંશને પણ અર્વાચીનતાનો પાસ લાગેલો છે એ લક્ષમાં લેતાં બોલચાલના વ્યવહારમાં બારમી સદીના આરંભથી કે એ પહેલાં પચીસપચાસ વરસથી અર્વાચીન ભૂમિકા અસ્તિત્વમાં આવી ગઈ ગણાય.

ગૂર્જરભાષાનું વિભાજન

ચૌદમી શતાબ્દી પછીથી રાજસ્થાની-માળવી જૂથના બે ફાંટા પડે છે : એક તરફ જયપુરી ને બીજી તરફ ગુજરાતી-મારવાડી-માળવી. આ બીજો ફાંટો પંદરમી શતાબ્દી લગભગ જુદીજુદી ત્રણ શાખાઓમાં વિભક્ત થવા લાગે છે. એ શાખાઓ તે મારવાડી, માળવી ને ગુજરાતી. નપુંસકલિંગની જાળવણી અને બીજાં કેટલાંક લક્ષણો જોતાં અર્વાચીન ગુજરાતી વધુ અંશે પૂર્વપરંપરાને વળગી રહી હોવાનું કહી શકાય. બીજું એ કે પશ્ચિમ રાજપૂતાના અને ઉત્તર ગુજરાતનો ઘણો-ખરો પ્રદેશ સંયુક્ત રીતે આઠમીથી અગિયારમી શતાબ્દી વચ્ચે ‘ગુજ્જરત્તા’ ‘ગુર્જરત્રા’ નામે જાણીતો હતો, એટલે એ પ્રદેશમાં સમાનપણે પ્રચલિત ભાષાને ‘જૂની પશ્ચિમ રાજસ્થાની’ કે ‘મારુગુર્જર’ એવે નવે નામે ઓળખવા કરતાં ‘પ્રાચીન ગુર્જર’ કહેવી વધુ યોગ્ય લાગે છે. પણ ખરા સ્વરૂપને લક્ષમાં રાખીએ તો નામનું એવું કોઈ મહત્ત્વ નથી. આ ઈસવી બારમી સદીનો આરંભ એ ગુજરાતીના ઉદ્ગમ માટે આપેલી સમયમર્યાદા અભ્યાસદૃષ્ટિએ જ સાચી ગણાય. બાકી તો ભાષામાં અવિરતપણે પરિવર્તન થયા કરતું હોય છે. એની ગતિ પ્રમાણમાં ધીમી અને સ્વરૂપ સૂક્ષ્મ અને ક્રમિક હોવાથી એ પરિવર્તન તત્કાલીન નજરે ચડતું નથી. ભાષા બોલનાર લોકોને તો પોતાની ભાષા સદાને માટે એક જ રૂપે બોલાતી હોવાનો ભ્રમ રહે છે. ઉચ્ચારણમાં પડતો જતો સૂક્ષ્મ ફરક, શબ્દોની ધીમેધીમે બદલાતી જતી અર્થછાયા, પ્રચલિત શબ્દોનો વપરાશલોપ અને નવતર શબ્દોનો પ્રચાર, પ્રયોગોની ચડતીપડતી – આ પરિવર્તનોનો પેટાળમાં વહેતો પ્રવાહ ભાષા બોલનારના લક્ષની બહાર રહે છે, પણ પોણોસો કે સો વરસ જેટલા અંતરે રહેલા બે ભાષાનમૂના તપાસતાં થયેલું પરિવર્તન આપણે તરત પકડી શકીએ છીએ. જેમ આપણી આંખ સામે સતત રહેતા માણસમાં થતો ફેરફાર આપણે કળી શકતા નથી, પણ દસપંદર વરસને અંતરે એકની એક વ્યક્તિને જોતાં તેનામાં થયેલો ફેરફાર તરત જ દૃષ્ટિગોચર થાય છે, તેવું જ ભાષાનું છે. આમ હોવાથી કોઈ પણ ભાષાના ઇતિહાસમાં અમુક ચોક્કસ સમયે આગલી ભૂમિકા શરૂ થઈ એમ ભાગ્યે જ કહી શકાય પણ ભાષામાં થતાં પરિવર્તનોની ગતિ એકધારી નથી હોતી. ઐતિહાસિક કારણોને લઈને અમુક એક ગાળામાં ભાષામાં પ્રમાણમાં થોડા ફેરફાર થતા હોય, તો બીજો સમયનો ગાળો એવો હોય, જેમાં ભાષાનાં વિવિધ અંગોમાં વિપુલ પ્રમાણમાં પલટો આવે. જ્યારે પરિવર્તનનાં સંખ્યાબંધ વલણો અમુક સમયના ગાળામાં અપેક્ષાએ સ્થિર થયેલાં જોવામાં આવે ત્યારે ભાષાની નવી ભૂમિકા સિદ્ધ થઈ એમ ગણાવી શકાય. નવી ભૂમિકાની તુલનામાં આગલી ભૂમિકા પૂરી થાય અને બીજી ભૂમિકા સિદ્ધ થાય એ વચ્ચે હંમેશા સંક્રાંતિનો ગાળો સ્વીકારવાનો હોય છે, જેમાં કેટલીક બાબતમાં આગલી ભૂમિકાનાં વલણ અને પાછલી ભૂમિકાનાં વલણ સાથોસાથ પ્રવર્તતાં હોય છે. એ દૃષ્ટિએ ઈસવી અગિયારમી સદી લગભગથી ઉત્તર ગુજરાત અને મારવાડના પ્રદેશની ભાષામાં અર્વાચીન વલણો પ્રબળ થયાં હોવાનું અને ઈસવી બારમી સદીમાં એ વલણો સ્થિર થયાં હોવાનું આપણે માનીશું તો એ સયુક્તિક ગણાશે.

પ્રાચીન ગુજરાતી

આપણી પાસે પ્રાચીન ગુજરાતીની ઠેઠ બારમી સદી લગભગની કૃતિઓ હોવાથી આપણે ગુજરાતીના ઉદ્ગમનો સમય કાંઈક ચોક્કસાઈ સાથે ઠરાવી શક્યા. ઉત્તર ભારતવર્ષની અર્વાચીન ભૂમિકાની ઘણી ભાષાઓનું સાહિત્ય આટલું વહેલું નથી મળતું, કેમકે સાહિત્યભાષા તરીકે રૂઢ થયેલી ભાષાને બદલે બોલચાલની ભાષા સાહિત્યરચના માટે વપરાય એવું અસાધારણ સંજોગોમાં જ બનતું. અપભ્રંશ જેવી સદીઓથી પ્રતિષ્ઠિત સાહિત્યભાષાની તુલનામાં બોલચાલની ભાષા ગ્રામ્ય ગણાય, અને એમાં સાહિત્ય રચવાનું કોઈની કલ્પનામાં પણ ન આવે. પણ અપભ્રંશમાં ક્રમેક્રમે ‘ગ્રામ્ય’ તત્ત્વોનું ભરણું થતું ગયું એટલે શિષ્ટ અપભ્રંશની સાથોસાથ આ ‘ગ્રામ્ય’ તત્ત્વોવાળો – એટલે કે બોલચાલની ભાષાની સેળભેળવાળો ઉત્તરકાલીન અપભ્રંશ પણ સાહિત્યરચના માટે વપરાતો થયો. ઉપરાંત ગુજરાતના જૈનો(અને બૌદ્ધો)માં પહેલેથી જ સામાન્ય જનતાની મધ્યમવર્ગની ભાષામાં સાહિત્ય રચવાનો પ્રઘાત હોવાથી એમણે અપભ્રંશની થોડીક છાંટવાળી લોકબોલીમાં જ સાહિત્ય રચવા માંડ્યું. પ્રાચીનતમ ગુજરાતી કૃતિઓ જૈન લેખકોની છે એનું એક કારણ આ છે. પ્રાચીન સમયથી જ ગુજરાત અનેક પરદેશી જાતિઓના વધતાઓછા ને આછા ગાઢા સંપર્કમાં રહ્યું છે. દરિયાકાંઠાના અને વાણિજ્યપ્રિય હોવાને કારણે ગુજરાતીઓની ભાષામાં અન્યાન્ય ભાષાઓમાંથી સામગ્રીની આયાત થતી રહી હોય એ સમજી શકાય તેમ છે. દસમી શતાબ્દી સુધીમાં ગ્રીકો, શક-ક્ષત્રપો, હૂણો, ગુર્જરો જેવી વિદેશી જાતિઓ સ્થળાંતર કરીને ગુજરાતમાં આવી અને કેટલીક જાતિઓએ રાજકીય વર્ચસ પ્રાપ્ત કર્યું. એમની બોલીઓમાંથી કેટલીકને અપનાવીને ગુજરાતની લોકભાષા સમૃદ્ધ બનતી રહી. પછીના સમયમાં મુસ્લિમો દ્વારા ગુજરાતી ઉપર અરબી-ફારસીનો ઘણો દૂરગામી પ્રભાવ પડ્યો અને ખાસ કરીને ગુજરાતી શબ્દભંડોળને આ સંપર્કથી ઘણી અસર પહોંચી. હિંદી ને મરાઠી ને ફિરંગી અસરોએ પણ આ જ દિશામાં કામ કર્યું, પણ અંગ્રેજીના સંપર્કથી તો ગુજરાતીની કાયાપલટ થઈ ગઈ. વિચારની સાથોસાથ વાક્યનાં ઢાળા ને લઢણો ધરમૂળથી પલટાઈ ગયાં ને બુદ્ધિ ને તર્કના ભારને ઝીલતું ગદ્ય વિકસ્યું. બીજી દૃષ્ટિએ, ઈસવી સનના આરંભથી અહીંના લોકો યથાપ્રાપ્ત સંસ્કૃત પ્રાકૃત અપભ્રંશ ને દેશી ભાષામાં સાહિત્યપ્રવૃત્તિ કરતા રહ્યા હોવાથી તેમની ભાષાને સંસ્કારનું પોષણ સતત મળ્યા કર્યું છે અને વ્યાવહારિક ઉપરાંત સાંસ્કારિક જીવનની સૂક્ષ્મ અને અનેકવિધ આવશ્યકતાઓને પહોંચી વળવાની ક્ષમતા તે ખીલવતી રહી છે.

બોલીભેદોનો વિકાસ

પ્રાચીન ગુજરાતમાં આનર્ત (ઉત્તર), લાટ (દક્ષિણ), સુરાષ્ટ્ર જેવા વિશિષ્ટ નામ ધરાવતા વિભાગો હતા. મૌર્ય, ક્ષત્રપ અને ગુપ્ત, મૈત્રક અને ગુર્જરપ્રતિહાર, રાષ્ટ્રકૂટ, ચૌલુક્ય અને વાઘેલા, તથા મુસ્લિમ – એ વિવિધ યુગો દરમ્યાન આખું ગુજરાત હમેશાં કોઈ એક જ રાજકીય વર્ચસ નીચે નથી રહ્યું, એના જુદાજુદા વિભાગો ઉપર અવારનવાર જુદુંજુદું રાજશાસન પણ રહેતું હતું. બીજી તરફ, ઇતિહાસના વિવિધ ગાળાઓ દરમ્યાન ઉત્તરની સરહદે મારવાડ અને સિંધની સાથે, પૂર્વમાં માળવા સાથે, તો દક્ષિણમાં ખાનદેશ અને મહારાષ્ટ્ર સાથે ગુજરાતનો ગાઢ સાંસ્કૃતિક સંબંધ – ક્વચિત્ ઓછો, ક્વચિત્ વધુ પણ સતત – રહ્યો છે. સાંસ્કૃતિક દૃષ્ટિએ તે તે દિશામાં ચોક્કસ સીમાડા દોરવાનું હમેશાં ઓછુંવધતું મુશ્કેલ રહ્યું છે. ત્રીજી તરફ, ગુજરાતના આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક જીવનમાં પ્રવાસપ્રવણ વેપારવણજ કરનાર વર્ગ અને વિહારધર્મી જૈન સાધુઓનો વર્ગ ઘણો પ્રભાવક રહ્યો છે. આવાં પરિબળો અને પરિસ્થિતિને પરિણામે, ગુજરાતીમાં પોતપોતાની અમુક લાક્ષણિકતાવાળા બોલીભેદો વિકસ્યા હોવા છતાં તેમનાં સ્વરૂપોમાં એવી કશી ઉગ્ર વિભાજકતા જણાતી નથી અને તેમનું આગવાપણું વ્યાપક વ્યવહાર માટેનું એક માન્ય ભાષાસ્વરૂપ વિકસવાની આડે આવ્યું નથી. રાજકીય, સાંસ્કૃતિક અને વ્યાપારી કેંદ્રોની બોલીઓ ભેળસેળવાળી અને પ્રસરણશીલ હોય છે અને એવાં સ્થળો પ્રાદેશિક બોલીકેંદ્રોનો મોભો પ્રાપ્ત કરે છે. ઐતિહાસિક કાળ દરમ્યાન ગુજરાતનાં આવાં મુખ્ય કેંદ્રોમાં ઉત્તર ગુજરાતમાં, રાજસ્થાનનું ભિલ્લમાલ ભાંગતાં અણહિલ્લપુર પાટણ (ચૌલુક્યકાળ), મધ્ય ગુજરાતમાં, પાટણ ભાંગતાં, અમદાવાદ (મુસ્લિમકાળ), દક્ષિણ ગુજરાતમાં ભરૂચ (મૌર્યકાળથી રાષ્ટ્રકૂટકાળ સુધી) તથા સુરત (મુસ્લિમ અને અર્વાચીન કાળ); સૌરાષ્ટ્રમાં સોરઠમાં ગિરિનગર અને પ્રભાસ (મૌર્યકાળથી ચૌલુક્યકાળ); ગોહીલવાડમાં વલભી (મૈત્રકકાળ); ઝાલાવાડમાં વર્ધમાનપુર–વઢવાણ (ગુર્જર-પ્રતિહારકાળ); હાલારમાં દ્વારકા (ક્ષત્રપકાળથી) અને જામનગર (જેઠવા-શાસનથી). આ હકીકતો ધ્યાનમાં રાખતાં ઉત્તર ગુજરાતી, ચરોતરી, દક્ષિણ ગુજરાતી, અને સૌરાષ્ટ્રી (સોરઠી, ગોહીલવાડી, ઝાલાવાડી, હાલારી) એવા સાધારણ રીતે ગણાવાતા ગુજરાતીના વ્યાપક બોલીવિભાગો સમજી શકાશે. બોલીની દૃષ્ટિએ કચ્છ સિંધનો જ વિસ્તાર છે – કચ્છીમાં ગુજરાતીનાં તત્ત્વોનું સારું એવું ભરણું કે ભારણ હોવા છતાં સ્વરૂપે તો તે સિંધીની જ એક બોલી છે. આ પ્રાદેશિક બોલીઓ ઉપરાંત કેટલાક સામાજિક બોલીભેદો પણ નોંધ માગી લે છે. આદિવાસી કોમો અને પછાત જાતિઓની બોલીઓમાં ભીલો, ચોધરા, દૂબળા, ખારવા, કોળી, વાઘેર, બારૈયા, મેર, ભરવાડ વગેરેની બોલીઓનો નિર્દેશ કરી શકાય. બીજી કોમોમાં પારસીઓની તથા વહોરા વગેરે મુસ્લિમ કોમોની બોલીઓ ધ્યાન ખેંચે તેવી લાક્ષણિકતાઓ ધરાવે છે. ગુજરાતની બહારની કોઈ ગુજરાતી બોલી વિશે આપણી પાસે પ્રમાણભૂત માહિતી નથી. ખાનદેશી, આહીરાણી, મારવાડી અને નિમાડીના કેટલાક પ્રકારો વગેરે ગુજરાતની સરહદી બોલીઓને તો એક જુદી જ કોટિમાં મૂકવી પડે. તે સિવાય તમિળભાષી મદુરાના સૌરાષ્ટ્રી બ્રાહ્મણોની આગવી બોલી – દક્ષિણની સૌરાષ્ટ્રી, હૈદરાબાદી લંબાડી કે લમાણી, યુરોપના વિવિધ પ્રદેશોની જિપ્સી બોલીઓ, સોવિયેટ રશિયા નીચેના મધ્ય એશિયાના પ્રદેશની `પાર્યા’ બોલી વગેરેનો સંબંધ ઐતિહાસિક દૃષ્ટિએ રાજસ્થાની-ગુજરાતીની સાથે હોવા છતાં તે બોલીઓનું આજનું સ્વરૂપ જોતાં તેમને ગુજરાતીની બોલીઓ ન જ ગણી શકાય. તો ભારતીય ઉપખંડના અન્ય પ્રદેશોમાં અને ભારતવર્ષની બહારના એશિયા અને આફ્રિકાના વિવિધ પ્રદેશોમાં લાંબા સમયથી વસવાટ કરી રહેલા ગુજરાતીભાષી સમૂહોમાંથી કોઈની બોલી નોંધપાત્ર રીતે તળ ગુજરાત-સૌરાષ્ટ્રની બોલીઓથી ફંટાઈ છે કે કેમ એની કોઈએ તપાસ કરી નથી. બોલીભેદોની દૃષ્ટિએ ગુજરાતીનું અધ્યયન ગ્રિઅર્સનના પ્રારંભિક પણ વ્યાપક પ્રયાસ પછી ખાસ આગળ વધ્યું નથી. મારવાડ તરફની સરહદની કેટલીક સરહદી બોલીઓ, પૂર્વની સરહદપારની વાગડી, હાલારી અને ચરોતરી, તથા ભીલી, ચૌધરી, વાઘેરી અને વાઘરી – આ બોલીઓનો અમુક અંશે અભ્યાસ થયો છે, પણ સમગ્રપણે અને વિગતે ગુજરાતી બોલીઓનું આધુનિક પદ્ધતિનું સર્વેક્ષણ ઘણું જટિલ કામ હોઈને તે હજી સુધી અસ્પષ્ટ રહ્યું છે.[7] ઓગણીસમી શતાબ્દીના ઉત્તરાર્ધથી પાશ્વાત્ય સંપર્કને પરિણામે, અંગ્રેજી શાસન નીચે, શિક્ષણ સાહિત્ય અને અન્ય સાંસ્કૃતિક પ્રયોજનો માટે વ્યાપક વ્યવહારની આજની ‘શિષ્ટ’ કે માન્ય ગુજરાતી વિકસી. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, કેટલાક સંતભક્ત કવિઓને બાદ કરતાં, ઘણુંખરું તો બ્રાહ્મણો અને જૈન સાધુઓએ ખેડ્યું છે. અર્વાચીન યુગમાં પણ પ્રારંભે બ્રાહ્મણો (નાગરો વગેરે) તથા કાયસ્થોએ માન્ય ગુજરાતીના ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તેમની પાસે પ્રશિષ્ટ તેમજ લૌકિક સાહિત્યના અધ્યયન અને નિર્માણની દીર્ઘ પૂર્વપરંપરા હતી એટલે અર્વાચીન માન્ય ગુજરાતીના ઘડતરમાં અમદાવાદ, સુરત, ભાવનગર, વઢવાણ આદિમાંથી કોઈ એક કે વધુ પ્રદેશની બોલીએ અધિષ્ઠાનનો ભાગ ભજવ્યો હોવા છતાં પણ અમુક અંશે પ્રાદેશિક મર્યાદાથી અલિપ્તપણે અમુક સુશિક્ષિત કોમોમાં સચવાયેલી રૂઢ ભાષાપ્રયોગોની પરંપરાએ પણ સારો એવો ફાળો આપ્યો હશે એમ લાગે છે. પ્રાગર્વાચીન સાહિત્ય દ્વારા સૂચવાતું અમુક પ્રકારનું ગુજરાતીનું વ્યાપક-અપ્રાદેશિક સ્વરૂપ અર્વાચીન સમયમાં વિવિધ અને સંકુલ પરિબળોથી વિકસ્યું હોવાના સંકેતો છે, પણ વિશિષ્ટ સંશોધન પછી જ આ અંગે ચોક્કસ વિધાનો કરી શકાય. શહેરી સુશિક્ષિત વર્ગના સાહિત્ય, શિક્ષણ, અખબારો, નાટક, રેડિયો આદિ વ્યવહારોમાં વપરાતી આજની માન્ય ગુજરાતીનું સ્વરૂપ સારા પ્રમાણમાં શિથિલ, પ્રવાહી, ભેળસેળિયું અને અનિયત છે. અને જેમજેમ શિક્ષણનો તથા સામુદાયિક સંદેશવ્યવહારનાં માધ્યમોનો ફેલાવો વધતો જાય છે અને નાગરિક જીવનની દરેક કક્ષાએ ગુજરાતી વપરાતી થાય છે તેમતેમ આ શિથિલતા અને ધોરણનો અનાગ્રહ કે અનાદર વ્યાવહારિક તેમજ અર્થસંક્રમણની વધુ ગૂંચો અને વધુ મુશ્કેલીઓ ઊભી કરતાં જાય છે. ઉચ્ચારણ, વ્યાકરણ અને શબ્દપ્રયોગનાં સાર્વત્રિક ધોરણો હવે સ્થપાવાં જરૂરી છે. માન્ય ગુજરાતીની આધુનિક સંસ્કારજીવનના સાધન લેખેની ક્ષમતા વધવાને બદલે ઘટવાનાં સ્પષ્ટ ચિહ્ન વરતાઈ રહ્યાં છે.

સંદર્ભનોંધ

  1. * અર્વાચીન ગુજરાતીમાંના સામાજિક બોલીભેદો પરત્વે જુઓ આ ગ્રંથના પ્રકરણ ૩ ‘ગુજરાતી ભાષાનાં વિધાયક પરિબળો’નો ત્રીજો ખંડ.
  2. Woolner, A.C., "Asoka Text and Glossary", ૧૯૨૪, ભાગ ૧, ભૂમિકા, પૃ. ૨૧; ભાગ ૨, શબ્દકોશમાં તે તે શબ્દો; Bloch, Jules, "Indo-Aryan (translated by Master, A.) ૧૯૬૫, પૃ. ૮૮-૮૯; રકારવાળા વ્યંજનસંયોગોના ઇતિહાસ માટે જુઓ, Ghatage, A. M., ‘Historical Linguistics and Indo-Aryan Languages’, ૧૯૬૨, પૃ. ૧૨૩-૧૨૯.
  3. Bhayani, H. C. ‘Middle-Indo-Aryan Groups of consonants with unassimilated -r-’ Annals of B.O.R.I. ગ્રંથ. ૩૧. ૧૯૫૧, પૃ. ૨૨૫-૨૩૨.
  4. આ અંગે જુઓ, ભાયાણી, હ. ચૂ, ‘શોધ અને સ્વાધ્યાય’, ૧૯૬૫, પૃ. ૪૨૪-૪૨૭ અને ત્યાં આપેલા સંદર્ભો.
  5. ભારતીય-આર્યના ઇતિહાસમાં બોલીઓના ક્રમિક વિભાજન માટે જુઓ આ ગ્રંથમાં, પ્રબોધ પંડિતનો લેખ. (પ્રકરણ : ૩)
  6. અપભ્રંશના સ્વરૂપ માટે અને હેમચંદ્રે ઉદ્ધૃત કરેલાં અપભ્રંશ ઉદાહરણોના વ્યાકરણ માટે જુઓ, હરિવલ્લભ ભાયાણી, ‘અપભ્રંશ વ્યાકરણ’, ૧૯૭૧, પૃ. ૧-૫૧.
  7. આ સંબંધમાં શાંતિલાલ આચાર્યનો અપ્રસિદ્ધ મહાનિબંધ ‘A Linguistic Study of Halari Dialect’ તથા આ ગ્રંથમાં પ્રબોધ પંડિતનો લેખ મહત્ત્વનાં પ્રદાન છે.