ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/ઇતિહાસગ્રંથોના પુનર્મુદ્રણ અવસરે
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત ગુજરાતી સાહિત્યનો ઇતિહાસના ૧થી ૩ અને ૫,૬,૭ ભાગનું પુનર્મુદ્રણ થાય છે એ પરિષદ માટે મોટો અવસર છે. ૧૯૭૩થી ૨૦૧૮ સુધીના સમયગાળામાં આ ઇતિહાસગ્રંથોના વિવિધ ભાગ શોધિત-સંવર્ધિત અથવા પુનર્મુદ્રિત થઈ પ્રકાશિત થતા રહ્યા છે. આજે પરિષદ પાસે ઇતિહાસગ્રંથોનો પૂરો સેટ ઉપલબ્ધ નથી. ઇતિહાસગ્રંથોના અનઉપલબ્ધ થવાનું આ ચિત્ર ગુજરાતી સાહિત્યના અભ્યાસીઓની સજ્જતા કેળવવાની વૃત્તિનો પણ પરિચય કરાવે છે. પ્રસ્તુત સંદર્ભમાં ઇતિહાસગ્રંથોનું પુનર્મુદ્રણ કરીએ છીએ. આ ઇતિહાસગ્રંથો ગુજરાતી સાહિત્યકારો અને તેમના સર્જનના આલેખનું દર્પણ છે સાથે સાથે આપણી ભાષાના ગૌરવવંતા ઇતિહાસનો આધારભૂત દસ્તાવેજ પણ છે. ગુજરાતી ભાષાના તજ્જ્ઞ વિવેચકોએ આ ઇતિહાસ રચ્યો છે. આટલા વર્ષ દરમિયાન સંખ્યાબંધ વિદ્યાર્થીઓ, અભ્યાસીઓ અને અધ્યાપકોએ આ ગ્રંથોનો ઉપયોગ કર્યો છે. આવનાર નવા અભ્યાસીઓ માટે પરિષદે આ ગ્રંથોનું પુનર્મુદ્રણ કર્યું છે. સૌ એનો લાભ લેશો. સમૂહમાધ્યમોના ઘોંઘાટ વચ્ચે પુસ્તકો સ્થિર છે અને રહેશે જ.
કીર્તિદા શાહ
મહામંત્રી, ગુજરાતી સાહિત્ય પરિષદ