ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/બીજી આવૃત્તિનું નિવેદન
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને સમાવતા ગ્રંથ:૨ ખંડ-૧ (૨૦૦૩)ના અનુસંધાનમાં હવે આ ગ્રંથ:૨, ખંડ:૨, બીજી શોધિત-વર્ધિત આવૃત્તિ રૂપે પ્રકાશિત થાય છે. ગુજરાતી સાહિત્ય પરિષદે ઈ. ૧૯૬૭માં, ગુજરાતી સાહિત્યના બૃહદ ઇતિહાસની યોજના હાથ ધરી એ પછી ઈ. ૧૯૭૩થી ૧૯૮૧ સુધીમાં એના ચાર ગ્રંથો પ્રકાશિત થઈ ગયા હતા, ને સમયના ક્રમે મધ્યકાળના આરંભ(આશરે ઈ. ૧૧૫૦)થી ‘ઝવેરચંદ મેઘાણી’ સુધી પહોંચાયું હતું. એના પ્રકાશનનાં ૨૦-૨૫ વર્ષો પછી આ ચારે ગ્રંથો અપ્રાપ્ય બન્યા છે – પહેલા બે ગ્રંથો તો વર્ષોથી અપ્રાપ્ય હતા. એટલે પરિષદે આ ચારે ગ્રંથોની બીજી આવૃત્તિઓ પ્રકાશિત કરવાનું વિચાર્યું અને એના શોધન-સંપાદનની જવાબદારી મને તથા પરામર્શનની શ્રી ચિમનલાલ ત્રિવેદીને સોંપવામાં આવી. કેવળ પુનર્મુદ્રણને બદલે નવી આવૃત્તિઓ કરવાના પરિષદના નિર્ણય પાછળનું કારણ એ છે કે આ ચારે ગ્રંથોમાંની કેટલીક સામગ્રીની ફેરતપાસ જરૂરી બની હતી. ઈ. ૧૯૮૦થી ગુજરાતી સાહિત્ય પરિષદે ‘ગુજરાતી સાહિત્યકોશ’ની કામગીરી આરંભી હતી ને એમાં ઘણાબધા સંદર્ભોની તુલનાત્મક ચકાસણીને પરિણામે જે અધિકૃત વિગતો તારવવામાં આવી હતી એના પ્રકાશમાં સાહિત્યકોશપૂર્વે પ્રકાશિત થયેલી સાહિત્યના ઇતિહાસ, સંશોધન અને વિવેચનના ગ્રંથોમાંની કેટલીક સામગ્રી તથ્યોની દૃષ્ટિએ ફેરવિચાર ને સંમાર્જનને પાત્ર ઠરી હતી. કર્તાઓનાં નામોના, એક જ નામના એકાધિક કર્તાઓના ને એમના કર્તૃત્વના; કર્તાઓના સમય-નિર્ધારણના; રચનાકારો(રચિયતા) અને લેખનકારો(લહિયા)નાં નામોની સંદિગ્ધતાના અને ભેળસેળના; કૃતિઓના રચનાસમયના – કેટલાક પ્રશ્નો ઉપર તરી આવ્યા હતા. ઇતિહાસ-ગ્રંથોની આ નવી આવૃત્તિને, એ બધા સંદર્ભે, અદ્યતન(અપડેટેડ) કરવાનું વિચાર્યું છે. વિવિધ વિદ્વાનોના હાથે સમયાનુક્રમી પ્રકરણોરૂપે આ ઇતિહાસગ્રંથો તૈયાર થયા હોવાથી, શૈલીની ભલે નહીં પણ લેખનપદ્ધતિની શક્ય એટલી એકવાક્યતા ઊભી થાય તો એનું માળખું વધુ શાસ્ત્રીય ને એકરૂપ કરવાનું બની શકે, એ દૃષ્ટિકોણથી પણ સંમાર્જનો કરી લેવાનું રાખ્યું છે. જુદેજુદે હાથે, સમયાનુક્રમી પ્રકરણોરૂપે, તૈયાર થતા સંકલિત-સંપાદિત ઇતિહાસ-લેખનના પ્રશ્નો રહેવાના. એટલે એમાં સંપાદકની કામગીરી, ને એનું ઉત્તરદાયિત્વ પણ, વધી જવાનાં. આ ઇતિહાસગ્રંથોની પ્રથમ આવૃત્તિનું સંપાદન, તેમજ સહસંપાદન, ગુજરાતીના ઉત્તમ વિદ્વાનો-સારસ્વતોના હાથમાં સોંપાયેલું હોવાથી તેમજ એના સહયોગી લેખકો તરીકે પણ આપણા કેટલાક તજ્જ્ઞ અભ્યાસીઓની મદદ મળી હોવાથી સાહિત્યના ઇતિહાસને સમૃદ્ધ કરે એવા તેજસ્વી અંશો આ ગ્રંથોમાં અવશ્ય દેખાય છે. તેમ છતાં, ભલે દરેકની આગવી છતાં ભિન્નભિન્ન શૈલીઓના – ને ખાસ તો લેખનપદ્ધતિના – જુદાપણાનો સામનો કરવાનો તો આ બૃહદ ઇતિહાસને પણ આવ્યો છે. એ ઘણે અંશે સ્વાભાવિક પણ ગણાય એટલે આ શોધિત-વર્ધિત આવૃત્તિમાં પણ પરિરૂપ ને લેખનપદ્ધતિની પૂરી એકવાક્યતા સુધી જવું તો શક્ય હતું નહીં છતાં અહીં યથાશક્ય, ને જરૂરી એટલી, એકવાક્યતા સાધવાની મથામણ કરી છે. અલબત્ત, એમ કરવામાં પણ, સ્વાભાવિક રીતે જ, ઘણી જહેમત લેવાની થઈ છે. પુસ્તકમાં લેખનપદ્ધતિની એકરૂપતા માટે આ મુજબનાં સંમાર્જન, ફેરફારો અહીં કરી લીધાં છે : ૧.૧ ‘લ/ળ’ના વિકલ્પવાળા શબ્દોમાં, ગુજરાતીમાં હવે રૂઢ થયેલા ‘ળ’ને જાળવ્યો છે. ઉ.ત. મધ્યકાળ, કુમારપાળ, સકળ વગેરે; પરંતુ કૃતિનામોમાં મૂળનો ‘લ’ જાળવ્યો છે. જેમકે ‘કુમારપાલપ્રબંધ’. તત્સમ પ્રત્યયોવાળાં પદોમાં ‘લ’ રૂઢ રહ્યો છે એટલે ત્યાં પણ એને જાળવ્યો છે : મધ્યકાલીન, તત્કાલીન વગેરે. ૧.૨ દ્વિરુક્તોને સમાસ ગણીને એનાં પદોને છૂટાંછૂટાં ન લખતાં એકશબ્દરૂપ લખ્યાં છે. જેમકે, ‘ઠેરઠેર’, ‘લઈલઈને’ વગેરે. ૧.૩ સંદર્ભદર્શક નોંધો તે-તે પાના નીચે નહીં, પણ પ્રકરણને અંતે મુકાયેલી હોવાથી ‘પાદટીપ’(ફુટનોટ્સ) શબ્દ રાખ્યો નથી, એને બદલે ‘સંદર્ભનોંધ’ શબ્દ મૂક્યો છે. એ રીતે, એજન’નું પણ સર્વત્ર ‘એ જ’ એવું સ્પષ્ટ અર્થ-નિર્દેશકરૂપ મૂક્યું છે. ૨. કોઈ વિશેષ સંદર્ભ જરૂરી હોય એ સિવાયનાં સ્થાનોમાં બધે સંવતને ઈસવીસનમાં ફેરવીને વર્ષનિર્દેશો કર્યા છે. અલબત્ત, જ્યાં કૃતિનું રચનાવર્ષ વગેરે (એની પંક્તિઓનો આધાર લઈને) તિથિ-વાર-માસ-વર્ષ(સંવત) – એમ સર્વ વિગતો સાથે દર્શાવ્યાં હોય, કે એવા બીજા નિર્ણાયક બનનારા વિગતનિર્દેશો હોય ત્યાં તિથિ-માસ સમેત સંવત તથા ઈસવી સન બંને જાળવ્યાં છે. આ સિવાય બધે જ, સંવત ને ઈસવી સન સાથેસાથે દર્શાવ્યાં હોય એમાંથી ઈસવી સન જ જાળવ્યા છે. આંકડાકીય ભ્રાન્તિની સંભાવનાને ટાળનારી વિશદતાના સંદર્ભે આ ફેરફાર ઉપયોગી જણાયો છે. ગ્રંથમાં બધે જ સદી-નિર્દેશો તો ઈસવી સન પ્રમાણે જ થયા છે (જેમકે, ઈ.ની ૧૨મી સદી, વગેરે) – એ જોતાં પણ ઉપર મુજબના ફેરફારની (=એકવાક્યતાની) ઉપયુક્તતા સમજી શકાશે. ૩. વિગતોની શુદ્ધિ (કર્તાનામ/કૃતિનામ/કર્તૃત્વ/સમય આદિની શુદ્ધિ), આ ખંડમાં, મુખ્યત્વે ‘ગુજરાતી સાહિત્યકોશ’ ખંડ:૧ (૧૯૮૯)ને સામે રાખીને કરી છે. અલબત્ત, ક્યારેક, જ્યાં બંને વિગતો શંકાસ્પદ લાગી ત્યાં ‘જૈનગૂર્જર કવિઓ’ વગેરે બીજા સંદર્ભોની મદદ લઈને વિગતશુદ્ધિ કરી લીધી છે. આવી વિગતશુદ્ધિઓ/વિગતફેરની કોઈ નોંધ ગ્રંથમાં તે-તે સ્થાને (કે અહીં) કરી નથી. અભ્યાસીઓ આ શોધિત-વર્ધિત આવૃત્તિની વિગતોને આજસુધીની યથાશક્ય પ્રમાણિત વિગતો તરીકે સ્વીકારી અને મૂલવી શકશે. ૪. સંદર્ભનોંધોમાં ગ્રંથનામો ઇટાલિક ટાઈપમાં કરી લીધાં છે. ૫. ગ્રંથ:૨ની પહેલી આવૃત્તિ (૧૯૭૬)ની આ બીજી આવૃત્તિમાં નીચે મુજબ છે: ગ્રંથ:૨ ઈ. ૧૪૫૦થી ઈ. ૧૮૫૦ સુધીના મધ્યકાલીન સાહિત્યના ઇતિહાસને સમાવતો હોવાથી સ્વાભાવિક રીતે જ એની પૃષ્ઠસંખ્યા વધારે હતી (પાનાં ૮૬૦). એ કારણે, ગ્રંથ દળદાર થયેલો. આ શોધિત-વર્ધિત આવૃત્તિમાં કેટલાંક ઉમેરણોની સંભાવના હોવાથી પૃષ્ઠસંખ્યા એથી પણ વધવાની હતી. એટલે, ગ્રંથ : ૨ને બે ખંડોમાં વહેંચી દીધો છે : ગ્રંથ : ૨, ખંડ-૧ : ઈ. ૧૪૫૦થી ઈ. ૧૬૫૦ ગ્રંથ : ૨, ખંડ-૨ : ઈ. ૧૬૫૦થી ઈ. ૧૮૫૦
ગ્રંથ:૨ના આ ખંડ-૨માં કેટલાંક શોધન-વર્ધન કરવાનાં થયાં છે: (૧) પ્રકરણ-વ્યવસ્થામાં ફેરફાર: સમયાનુક્રમ તેમજ વિષય-સંદર્ભ અને નિરૂપણ-સંદર્ભને ધ્યાનમાં લઈને પ્રકરણોના મૂળ ક્રમને થોડાક ફેરવીને વ્યવસ્થાને વધુ સંગત કરી લીધી છે – ક ‘જૈનસાહિત્ય:૨ (૧૬૦૧-૧૭૫૦)’ એ પ્રકરણની વિગતો છેક ૧૮મી સદીના મધ્યભાગ સુધી લંબાતી હોવાથી, એને મૂળ ક્રમમાંથી આગળ ખસેડીને, આ ખંડના આરંભે મૂક્યું છે. ખ ‘દયારામ’ વિશેના અંતિમ કર્તા-પ્રકરણ પછી ‘સંતકવિતાધારા’(ઉમેરણ), ‘પારસી કવિઓ’, ‘ગદ્યસાહિત્ય’, ‘લોકસાહિત્ય’, ‘લોકનાટ્ય ભવાઈ’ – એ, આખા મધ્યકાળમાં વ્યાપેલી સાહિત્યપરંપરાઓને આલેખતાં પ્રકરણોને, એ ક્રમે, મૂક્યાં છે અને ‘મધ્યકાલીન સાહિત્યમાં કથાપ્રકૃતિ અને કથાઘટકો’ તથા ‘મધ્યકાલીન કવિતામાં છંદોબંધ’ જેવાં સાહિત્યપ્રયુક્તિ-વિનિયોગને ચર્ચતાં પ્રકરણોને પરિશિષ્ટ તરીકે મૂક્યાં છે. આ પુનર્વ્યવસ્થાથી ઇતિહાસ-વાચન વધુ ક્રમબદ્ધ ને સુગમ થશે એવી આશા છે. (૨) ‘જૈનસાહિત્ય-૩’માં કેટલીક વિગત-સંશુદ્ધિ કરી લીધી છે. એ પ્રકરણનો સમયગાળો ૧૭૫૦-૧૮૫૦ બતાવેલો હતો પણ એમાં ૧૭૦૦-૧૭૫૦ વચ્ચેનાં કર્તા-કૃતિના ચર્ચા-નિર્દેશો પણ સામેલ હોવાથી, સમયગાળો ૧૭૦૦-૧૮૫૦ એમ કરી લીધો છે. (એથી, ‘જૈનસાહિત્ય-૨’ની જે વિગતો પુનરાવર્તિત થતી હતી એ રદ કરી છે છતાં નિરુપણાદિના ભેદને કારણે કેટલીક વિગતોનું પુનરાવર્તન રહેવા દેવું પડ્યું છે. આ પ્રકરણ (‘જૈનસાહિત્ય-૩’)માં ઈ. ૧૮૫૦ પછીની છેક ૧૯મી સદીના અંત સુધીની કૃતિઓના નિર્દેશો પણ હતા એ કાઢી નાખીને મધ્યકાળના ઇતિહાસને સમયદૃષ્ટિએ પણ ૧૯મી સદીના મધ્યભાગ સુધી સીહ્લિત રાખ્યો છે. કેમકે મધ્યકાલીન માનસ અને પરંપરાની ધાર્મિક-સાંપ્રદાયિક કૃતિઓ તો છેક ૨૦મી સદી સુધી પણ લખાતી રહી છે. એ બધીનો સમાવેશ સાહિત્યના અન્ય ઇતિહાસોએ કે સાહિત્યકોશે સ્વાભાવિક રીતે જ કર્યો નથી. આ સંશુદ્ધિ સ્વામિનારાયણ સંપ્રદાય વિશેના પ્રકરણ-અંશમાં પણ કરી લીધી છે. (૩) મધ્યકાલીન સાહિત્ય વિશેના આ ઇતિહાસ-ખંડમાં કેટલુંક ઉમેરણ કરવું પણ આવશ્યક હતું. એની જે યોજના મનમાં હતી એ બધી, સમયના તકાદાએ, પાર પડવા દીધી નથી. જે થઈ શક્યું તે એ ઉમેરણ આ મુજબ છે : (૧) ‘મધ્યકાલીન સંતસાહિત્યધારા’ (પ્રકરણ-૨૨) એના અભ્યાસી નિરંજન રાજ્યગુરુને નિમંત્રણ આપી એમની પાસે તૈયાર કરાવ્યું છે; એ જ રીતે (૨) ‘ગિરિધર’ વિશેનું લખાણ દેવદત્ત જોશી પાસે અને (૩) સમયસુંદરની બે કૃતિઓ : ‘સીતારામચોપાઈ’ અને ‘મૃગાવતીચરિત્રચોપાઈ’ રાજેશ પંડ્યા પાસે લખાવ્યું છે. (૪) સંતધારામાં મુસ્લિમ કવિઓ વિશેનું લખાણ રમણ સોનીનું છે. આ ઇતિહાસ-ખંડમાં મહત્ત્વની મધ્યકાલીન કૃતિઓ વિશેના પરિચયોની ઓછપ છે. કેટલાંક પ્રકરણોમાં કૃતિ-ચર્ચા સ્વતંત્ર રીતે નિખરી આવી છે. બાકી તો કર્તાના સાહિત્યકાર્યની વિશેષતાઓ રૂપે, દૃષ્ટાંતો તરીકે કૃતિની વિગતો કે પંક્તિઓ આગળ અટકી રહેવાયું હોય એવાં સ્થાનો ઘણાં છે. ગ્રંથના પ્રકાશન-વિલંબના ભયે એવી ઘણી કૃતિઓ વિશેનાં ઉમેરણો, ઇચ્છા છતાં, થઈ શક્યાં નથી. સાહિત્યના ઇતિહાસની આ ગ્રંથશ્રેણીની પહેલી આવૃત્તિઓના પ્રકાશન પછી લગભગ એક દાયકે, ગુજરાતી સાહિત્ય પરિષદે, જ, ‘ગુજરાતી સાહિત્ય કોશ ખંડ:૧ મધ્યકાલીન’(૧૯૮૯)નું પ્રકાશન કરેલું. એમાં તે સમય સુધીના ગુજરાતી સાહિત્ય અંગેના લગભગ બધા ઇતિહાસ-વિષયક ગ્રંથો-સંદર્ભોનો ઉપયોગ (એની સંશુદ્ધિ સાથે) થયેલો હોવાથી વિગતોની દૃષ્ટિએ એ અધિકૃત પ્રકાશન હતું. આ બીજી આવૃત્તિ વખતે એ કોશગ્રંથનો વિગત-ચકાસણી અને પૂર્તિ માટે વારંવાર ઉપયોગ કરવાનો થયો છે. એ માટે એના સંપાદકોનું ઋણ સ્વીકારું છું. આ ગ્રંથમાં કર્તાઓના સમયનિર્દેશો, કૃતિઓનાં રચનાવર્ષો અને એના ઢાળ/ગ્રંથાગ્ર/કડીસંખ્યા આદિ વિગતો ‘સાહિત્યકોશ’ની વિગતો સાથે સરખાવીને, સ્પષ્ટપણે અધિકૃત લાગી ત્યાં, સુધારી લીધી છે તેમજ, ન હતી ત્યાં ઉમેરી લીધી છે. આમ છતાં, જ્યાં આ ‘ઇતિહાસ’ અને ‘સાહિત્યકોશ’માંના વિગતભેદોમાંથી કોઈ એકને સ્વીકારી લેવાનું ચોક્કસપણે નિશ્ચિત થઈ શક્યું નથી ત્યાં ‘ઇતિહાસ’માંની મૂળ વિગતો જેમની તેમ રાખી છે. એટલે કે, એવી વિગતોને ભાવિ સંશોધનને હવાલે રાખી છે. ગ્રંથને અંતે મૂકેલી સંદર્ભગ્રંથસૂચિમાં, બિબ્લીઓગ્રાફીની હાલ પ્રચલિત પદ્ધતિ-અનુસાર, વિગતક્રમની એકવાક્યતા નિર્દેશતી, ફેરગોઠવણ કરી લીધી છે. સાહિત્યકોશના સંપાદનકાર્યનો અનુભવ આ કામમાં પણ બહુ ઉપયોગી નીવડ્યો છે. ખાસ તો પદ્ધતિ અંગેની ચોકસાઈ ને શિસ્તના સંદર્ભમાં. આ ગ્રંથોના પરામર્શક આદરણીય ચિમનભાઈની, સંપાદન અંગે કેટલાક નિર્ણયો લેવાના થયા ત્યાં સંમતિ મળી છે. આ ગ્રંથોની પ્રથમ આવૃત્તિ વખતે, સહાયક સંપાદક તરીકે એમની ઘણી સક્રિય ભૂમિકા રહેલી. એથી, આ બીજી આવૃત્તિમાં એ પરામર્શક હોય એ સર્વથા ઉચિત હતું. એમનાં સૂચનો બહુ ઉપયોગી રહ્યાં છે અને એમણે મને હંમેશાં મોકળાશ આપી છે. આ ગ્રંથ-૨, ખંડ-૨માં પૂરક લેખસામગ્રી તૈયાર કરી આપનાર અભ્યાસી મિત્રો નિરંજન રાજ્યગુરુ, દેવદત્ત જોશી અને રાજેશ પંડ્યાનો તથા સૂચિ તૈયાર કરી આપનાર કોમલ ઠાકરનો આભાર માનું છું. પરિષદે આ આવૃત્તિનું સંપાદન સોંપ્યું એ કારણે સાહિત્યના ઇતિહાસને નવેસરથી ને નજીકથી જોવાની તક મળી છે – પરિષદનો એ માટે આભારી છું.
વડોદરા; ૩૦, મે ૨૦૦૪
– રમણ સોની