ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/ઉત્તર-પ્રેમાનંદ આખ્યાનાદિ કવિતા
પ્રેમશંકર ભટ્ટ
આખ્યાન સાહિત્યસ્વરૂપને કવિ પ્રેમાનંદે ‘નળાખ્યાન’, ‘ઓખાહરણ’, ‘સુદામાચરિત્ર’, ‘મામેરું’, આદિ કૃતિઓ દ્વારા એટલી ઉત્કૃષ્ટ કોટિએ પહોંચાડી દીધું છે કે, જેમ કોઈ ઘેઘૂર વૃક્ષની છાયામાં વવાયેલાં નાનાં વૃક્ષો કે રોપાઓ ખીલી–વિકસી શકે નહિ તેમ, તેની કવિપ્રતિભાના ઓછાયામાં અન્ય કોઈ ગણનાપાત્ર આખ્યાનકાર તેની પછી તેણે જે ઉચ્ચતા સિદ્ધ કરેલી છે તેને આંબી શક્યો નથી. આથી જ કદાચ, કે. કા. શાસ્ત્રી પ્રેમાનંદને સાથે જ આખ્યાનયુગની સમાપ્તિ થઈ’ તેમ લખવા પ્રેરાયા છે.[1] આમ છતાં, તોરણાનો રહીશ ભક્ત કવિ રણછોડ, કવિ પ્રીતમદાસ, કાલિદાસ, આખ્યાનસાહિત્યને જેણે લઘુ યશમંઝિલ પહેરાવ્યું તે વૈષ્ણવકવિ રણછોડ, ‘અભિમન્યુ આખ્યાન’નો રચયિતા અમદાવાદનો રહીશ, ‘બ્રાહ્મણ ઔદીચ્ય સહસ્ર જ્ઞાતિ’નો અને પોતાને ‘હરિનો દાસ’ કહાવતો તુલજારામ, મૂળજી ભટ્ટ, પ્રીતમશિષ્ય ગોવિંદરામ, ‘સેલૈયા-આખ્યાન’ લખીને સુપ્રસિદ્ધ થયેલો કાઠિયાવાડનો પાટીદાર જ્ઞાતિનો ભોજો ભક્ત, દયારામ, – આદિ કવિઓએ આખ્યાનો તો લખ્યાં છે, પરંતુ તેમનાં આખ્યાનોની તુલના પ્રેમાનંદનાં આખ્યાનો સાથે ભાગ્યે જ કરી શકાય.[2] એ તુલના ડાઘ વિનાનાં, બહુમૂલ્ય, સાચાં અને સાચાં જેવાં જણાતાં ફટકિયાં મોતી સાથે કરેલી તુલના જેવી જ લાગશે. પ્રેમાનંદોત્તરકાલીન આ સઘળા આખ્યાનકારોમાં પ્રેમાનંદપુત્ર ગણાતા વલ્લભને નામે મળતાં આખ્યાનો શૈલી, રચના, આખ્યાનનું કથાવસ્તુ, તેમાં વ્યક્ત થયેલા વિચારો, રસનિરૂપણ, પાત્રાલેખન વગેરેની દૃષ્ટિએ, મધ્યકાલીન આખ્યાનોના રૂઢ થયેલા ઢાંચાથી સાવ અલગ તરી આવે છે. એથી, આ આખ્યાનો પ્રેમાનંદની કેટલીક કૃતિઓની જેમ જ તરકટ ઠરે છે. આપણા સાહિત્યમાં આ પ્રશ્ન આ અગાઉ સુપેરે ચર્ચાયો છે. ને તે ઉગ્રસૌમ્ય, કટુમધુ ચર્ચાની ફલશ્રુતિએ છે કે પ્રેમાનંદની ને વલ્લભનાં આખ્યાનાદિની સંદિગ્ધ કૃતિઓના લેખક તરીકે કે. હ. ધ્રુવ, નાથાશંકર શાસ્ત્રી કે છોટાલાલ નરભેરામ ભટ્ટ એ ત્રિપુટીમાંથી કોઈપણ એક વ્યક્તિ હોઈ શકે.[3] આ આખ્યાનોમાં વ્યક્ત થયેલા વિચારો ને તેની રજૂઆત, શબ્દોની ભાંગફોડ, અંગ્રેજી સાહિત્યની તેના પર પડેલી અસર, ગ્રામ્ય કહેવતો ને શબ્દો પર વધુ પડતો પક્ષપાત, ફારસી શબ્દોનો અતિરેક, એ જમાનાના ભક્તિભીના વાતાવરણમાં આખ્યાનોમાં થતી બ્રાહ્મણોની અને અશ્લીલતાની હદે પહોંચતી દેવોની ઠેકડી, અને તેમના પ્રત્યેનો કટાક્ષ, આ કૃતિઓના હરકોઈ તટસ્થ વાચકને તેના કર્તૃત્વ સંબંધે સાશંક કરે તે સાવ સ્વાભાવિક છે. પ્રેમાનંદને એક શિષ્યમંડળ હતું એવી કથા આપણે ત્યાં પ્રચલિત થયેલી. એ કવિઓમાં ડભોઈના રત્નેશ્વર (‘અશ્વમેધપર્વ’, ‘ગંગાલહરી’, ‘સ્વર્ગારોહણ’ વ.ના લેખક)નું નામ પણ ગણાય છે. એ સમયમાં હરિદાસ (‘શ્રાદ્ધ’ના કર્તા), દ્વારકાદાસ (પદકવિ), સુંદર મેવાડો (‘દશમસ્કંધ’ પૂરો કરનાર)નાં નામ પણ એ મંડળમાં ગણાવાય છે. આ કવિઓને પ્રેમાનંદના સમકાલીનો કદાચ માની શકાય. આ ઉપરાંત ‘દશમસ્કંધ’વાળો વલ્લભ ભટ્ટ, ‘અશ્વમેધ’ લખનાર તુલસી, ‘માર્કંડેય આખ્યાન’ અને ‘સુદામાચરિત્ર’ લખનાર જગન્નાથ પણ પ્રેમાનંદના અન્ય સમકાલીનો છે. વસાવડના રહીશ કાળિદાસે લખેલાં ‘પ્રહ્લાદાખ્યાન’ અને ‘ધ્રુવાખ્યાન’ ગુજરાતમાં ઠીક ઠીક પ્રસિદ્ધ છે. ‘પ્રહ્લાદાખ્યાન’માં પ્રારંભમાં આખું કડવું સરસ્વતીને ત્રિપુરેશ્વરી લેખીને તેની સ્તુતિમાં રોક્યું છે. આખ્યાનનું કથાવસ્તુ શિથિલ છે. ‘પ્રહ્લાદાખ્યાન’માં ‘હિરણ્યકશિપુ ને હિરણ્યાક્ષ ‘પાપી’ના પાત્રનો ઉલ્લેખ કરતાં પહેલાં તે પૂર્વાવતારમાં શિશુપાલ હતો તેથી શિશુપાલનું, અને ધર્મરાજાએ કરેલા રાજસૂય યજ્ઞ પ્રસંગે શ્રીકૃષ્ણની તેણે જે નિંદા કરેલી અને શ્રીકૃષ્ણે તેથી તેની હત્યા કરેલી તેનું કવિ વિગતે વર્ણન કરે છે, જે કથાપ્રસંગની દૃષ્ટિએ અપ્રસ્તુત અને આખ્યાનની વસ્તુગૂંથણીની દૃષ્ટિએ શિથિલતાપ્રેરક છે. આમ છતાં, કવિની વાણી બલવતી છે. હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુના બાળપણનું વર્ણન કરતી ‘ભોમ ઉપર ભાર લાગે, ખળભળે નવ ખંડ રે’ આદિ પંક્તિઓવાળું કડવું તેનું ઉદાહરણ છે. સમગ્ર દૃષ્ટિએ જોતાં આ આખ્યાનની લખાવટ ઘણી સામાન્ય કક્ષાની છે. આ કવિનું જ લખેલું ‘ધ્રુવાખ્યાન’ થોડી ચઢિયાતી કક્ષાનું છે. અપરમાએ ધ્રુવનું ભરસભામાં અપમાન કર્યું ને તેને પિતાએ ખોળે ન બેસાડ્યો તેથી અપમાનિત અને લાંછિત જેવો બની ધ્રુવ તપશ્ચર્યા કરવા વનમાં જાય છેઃ ધ્રુવની વનમાં શી સ્થિતિ હશે તેનો કલ્પાંત નારદમુનિ પાસે તેનો પિતા રાજા ઉત્તમ કરે છે તેમાં કરુણ રસનું ઠીક નિરૂપણ થયું જણાય છે. પ્રેમાનંદના ‘મામેરું’ આખ્યાનમાં કુંવરબાઈ પોતાની માતાને યાદ કરી નરસિંહ મહેતા પાસે જેવી કરુણ વાણીમાં કલ્પાંત કરે છે તેના પડઘા કે અનુરણન ‘ધન ગયું અમારે આજ, પુત્ર વિના સૌ સૂનો સાજ’ જેવી પંક્તિઓમાં સંભળાય છે. ‘ધ્રુવાખ્યાન’ ટૂંકી–૬૬ ચંદ્રાવળાની કડવાંની જ રચના હોવાથી કથાવસ્તુનો વણાટ ઘટ્ટ લાગે છે, ને કથનની પ્રવાહિતા અભંગ વહેતી ભાસે છે તે તેનું ગુણપાસું છે. ધ્રુવને સુમતિ નામની તેની અપરમાએ અપમાનિત કર્યો તે ઘટનામાં પૌરાણિક કથાપાત્રોનો જીવનવૃત્તાંત આલેખાયો હોવા છતાં, તેમાં તત્કાલીન સાંસારિક અને કૌટુંબિક ઘટનાનો સ્પર્શ કવિએ આપ્યો છે, ને તેથી પાત્રાલેખન સજીવ અને હૃદયસ્પર્શી બને છે, ને પાત્રોની અનુભૂતિનું ફલક સ્પર્શક્ષમ અને આત્મીય જેવું લાગે છે. આ કારણે જ, કદાચ, ‘ધ્રુવાખ્યાન’ની લોકપ્રિયતા વધી છે. કવિ જ્ઞાતિએ વડનગરો નાગર ગૃહસ્થ છે, અને શક્તિનો ઉપાસક છે. તેનો જન્મકાળ આશરે ઈ. સ. ૧૬૭૪નો ગણાય છે. ઈ.સ. ૧૭૮૮માં જન્મેલા, ચિત્રોડા નાગર જ્ઞાતિના, ગોધરા તાલુકાના શહેરાના રહીશ મોતીરામે ‘નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ’ તથા ‘સુદામાચરિત્ર’ લખ્યાં છે. આ બન્ને કૃતિઓ પદ્યસ્વરૂપની દૃષ્ટિએ આખ્યાન ગણી શકાય તેવી રચનાઓ નથી. બન્ને કૃતિઓમાં કવિએ વિવિધ પદોનું સંકલન કર્યું છે. આખ્યાનમાં આવતાં ‘કડવાં’, ‘વલણ’ કે ‘ઉથલો’ આદિની યોજના નથી. ‘સુદામાચરિત્ર’ તો નવ પદોનું જ બનેલું છે, ને દરેક પદની કવિએ ‘રાગ કાફી’માં યોજના કરી છે. ‘નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ’માં ‘ઝવેર ભાભી બોલ્યાં રે, મનમાં ઘણો ગર્વ કરી’ પંક્તિથી શરૂ થતું છઠ્ઠું પદ પ્રેમાનંદકૃત ‘મામેરું’ આખ્યાનમાં મોસાળાની સામગ્રી વહેંચવાના સમયે ટીખળી નાગરસ્ત્રીઓ અને ‘વાંકાબોલા વિપ્ર’ જે કટાક્ષવેણો બોલીને નરસિંહ મહેતાનો ઉપહાસ કરે છે તેની અદલોઅદલ પ્રતિચ્છવિં રૂપ છે. બન્ને આખ્યાનોનું વસ્તુદૃષ્ટિએ પ્રેમાનંદના ‘શ્રાદ્ધ’ સાથે, અને ‘સુદામાચરિત્ર’ સાથે સામ્ય છે, પરંતુ તેની આ બન્ને રચનાઓનો ઢાંચો કવિએ, અલબત્ત, આખ્યાન જેવો રચવા પ્રયત્ન કર્યો છે, પરંતુ તેમાં તે સફળ થયો નથી. આ ઉપરાંત મૂળજી ભટ્ટ, ગોવિંદરામ લજ્જારામ જેવા કેટલાક કવિઓએ પણ નરસિંહ, અભિમન્યુ અને સુભદ્રાના જીવનપ્રસંગોને વર્ણવતાં આખ્યાનો લખ્યાં છે. ઈ. ૧૭૮૫માં જન્મેલા કવિ ભોજા ભગતે ગુજરાતી સાહિત્યમાં પ્રસિદ્ધ પદો–‘ચાબખા’–ની રચના કરેલી છે, પરંતુ તેનું લખેલું ‘ચેલૈયા આખ્યાન’ તેમાંના ભક્તિરસને કારણે ઘણું લોકપ્રિય થયેલું છે. એક સાધુને જમાડીને પછી જ જમવાનું વ્રત લેનાર સગાળ શેઠ અને તેની પત્ની સંધ્યાવતી પોતાનું વ્રત પાળવા કેવી કપરી કસોટીમાંથી પસાર થાય છે તેનું શ્રદ્ધાળુઓને આંખમાં આંસુ લાવે તેવું કરુણ વર્ણન ભોજાએ કર્યું છે. આ આખ્યાનનું કાઠું કરુણ રસથી બંધાયું છે, ભક્તિ અને ઈશ્વરશ્રદ્ધા, સત્ય અને પ્રતિજ્ઞાપાલન, બલિદાન અને સ્વાર્પણ તેની નેમ છે. ગુજરાતના અશિક્ષિત સમાજમાં આ આખ્યાન કદાચ તે જ કારણે, લોકપ્રિય થયેલું છે. ભોજા ભગતે ‘બભ્રુવાહન આખ્યાન’*[4] પણ લખ્યું છે. તે હજુ સુધી ક્યાંય પ્રગટ થયેલું જણાતું નથી. આ કવિ, તેના પૂર્વજો સાવલીના રહીશ હોવાને કારણે ‘સાવલિયો’ કહેવાતો. ‘જલા અલ્લા’ને નામે પ્રખ્યાત થયેલા વીરપુરના લોહાણા જ્ઞાતિના જલારામ તેના શિષ્યોમાંના એક હતા. ભોજો ભગત જાતે અભણ હતો, પણ તેના મુખમાં સરસ્વતીનો વાસ હતો ને અનેક જાતનાં પદ, ધોળ, કીર્તન, હોરીઓ, ચાબખા, ગોડી વગેરે બનાવી તે શિષ્યોને લખાવતો, ને તે બધાંમાં મુખ્યત્વે તેણે ભક્તિરસ અને બ્રહ્મોપદેશ આલેખ્યો છે. ‘ચંદ્રહાસાખ્યાન’ નામનું એક આખ્યાન ભોજા(કે ભોજ)નું રચેલું મળે છે, પરંતુ આ ભોજો અને ભોજો ભગત બન્ને જુદા કવિઓ છે. ‘ચંદ્રહાસાખ્યાન’નો રચનારો ભોજો સુરતનો વતની હતો, અને તેના નામની ભોજાની શેરી સુરતમાં છે, અને નવસારીમાં તેની દેરી પણ ચણેલી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ સાધુ નિષ્કુળાનંદે લખેલું ‘ધીરજાખ્યાન’ (૧૮૪૩) સંપ્રદાયના હરિભક્તોમાં ને બહાર ઠીકઠીક જાણીતું છે. આ આખ્યાનના પ્રારંભમાં નિષ્કુળાનંદ અન્ય આખ્યાનકવિઓની જેમ ગણપતિ કે સરસ્વતીનું સ્તવન નથી કરતા, પરંતુ ‘સહજાનંદજી’ તથા ‘ઘનશ્યામ’નું સ્મરણ કરી તેમને વંદના કરે છે. આ આખ્યાનનો વિષય પ્રહ્લાદ તથા હિરણ્યકશિપુની કથાનો ને હિરણ્યકશિપુનો ભગવાને સ્તંભમાંથી પ્રગટ થઈ કરેલા વધ અંગેનો જ છે. પણ નિષ્કુળાનંદ તે કથાને ‘ઘનશ્યામ’ની ભક્તિ લોકોમાં વધે તે માટે પ્રયોજે છે:
શુદ્ધ સેવક થઈ ઘનશ્યામના, અમલ ભક્તિ આદરો
સેવક થઈ ઘનશ્યામના, ઇચ્છ્યાં સુખ સંસારનાં
આ એક જ આખ્યાનમાં કવિએ ઘણી કથાઓ એક પછી એક ગૂંથી છે. બીજી કથા ધ્રુવની તે ત્રીજી કથા હરિશ્ચંદ્રની છે. ધ્રુવે પણ ભક્તિ ‘શ્રી ઘનશ્યામ’ને એટલે કે પટંતરે સ્વામિનારાયણને—પામવા કરી હતી તેવું કાલવ્યુત્ક્રમ કરીને કવિએ આલેખન કર્યું છે. – ‘શ્વાસ ઉચ્છવાસે સમરે, સુખદાઈ ઘનશ્યામ’ એમ કહીને. આ જ આખ્યાનમાં આવતી સનક ઋષિની કથામાં કવિએ શ્રી ઘનશ્યામ (એટલે સ્વામિનારાયણ) સનક ઋષિને તેમની ભક્તિથી પ્રસન્ન થઈ વરદાન માગવાનું કહે છે એવું આલેખન કર્યું છે તે પણ કાલવ્યુત્ક્રમનું જ ઉદાહરણ છે. હરિશ્ચંદ્રની કથામાં રાજા હરિશ્ચંદ્ર, રાણી તારામતી અને કુંવર રોહિત ત્રણે જણ રાજપાટ ત્યજી કાશી જતાં વચમાં સઘન વનમાંથી પસાર થાય છે. આ વનવર્ણન ‘ખરે, કેર, ખુજારી ખરાં, બાવળ કંટાળા બોરડી’ વગેરે પંક્તિથી શરૂ થાય છે. આ વર્ણન ઉપર પ્રેમાનંદના ‘નળાખ્યાન’માં ‘વૈદર્ભી વનમાં વલવલે’ પંક્તિથી શરૂ થતા વનવર્ણનની અસર પડેલી જણાય છે, પરંતુ પ્રેમાનંદની સરસતા, સચોટતા અને ઔચિત્ય ત્રણે દૃષ્ટિથી તપાસતાં, નિષ્કુળાનંદની વર્ણનકલા ઝાંખી લાગે છે. તદુપરાંત મયૂરધ્વજ રાજાની, શિબિ રાજાની, જનક રાજાની, નળ, અંબરિષ, વિભીષણ, સુધન્વા, ઋષિ જડભરત, શુક મુનિ, નારદમુનિ, સનકઋષિ, મુગદળ ઋષિ, જયદેવ વગેરેની કથાઓ કવિ, ધીરજ, તપ, ત્યાગ, ભક્તિ જેવા ઘટકાંશ-motif-ને મૂર્ત કરવા, આખ્યાનના ડોળિયામાં એક જ સૂત્રે ગૂંથી લે છે. આખ્યાનના સમાપનમાં પોતે આ આખ્યાન ક્યાં, ક્યારે, કેટલાં કડવાં, પદો વગેરેમાં રચ્યું છે તેનો પરંપરાનુસાર આખ્યાનકવિની ઢબે જ ઉલ્લેખ કર્યો છે. એક જ ઘટકાંશ-motif-ને મૂર્ત કરતી જુદી જુદી કથાઓની, વિવિધ રંગના પણ એક જ સુગંધવાળાં ફૂલોની માળા જેવું ‘ધીરજાખ્યાન’ ગણી શકાય. અઢારમા શતકના ઉત્તરાર્ધમાં થઈ ગયેલો તુલજારામ –‘સુખરામસુત તુલજારામ’– અમદાવાદનો વતની હતો, ને જ્ઞાતિએ ઔદિચ્ય બ્રાહ્મણ હતો. તેની બે આખ્યાનકૃતિઓ મળી આવે છે. આ કવિ રણછોડજીનો ભક્ત હતો. કારણ પોતાની બન્ને કૃતિઓ ‘રણછોડજીની કૃપા થકી’ પ્રાપ્ત થયેલી કવિત્વશક્તિથી પોતે રચી છે તેમ તેણે ઉલ્લેખ કર્યો છે. ‘અભિમન્યુ આખ્યાન’ અને ‘સગાળપુરી’ નામની તેણે રચેલી બે કૃતિઓમાંથી તેની કવિત્વશક્તિ ‘અભિમન્યુ આખ્યાન’માં સવિશેષરૂપે ઝળકે છે. ‘અભિમન્યુ આખ્યાન’માં તેણે પ્રયોજેલાં ગીતો ‘તમે ચાલો તો રામજીની આણ રે’ (કડવું ૩૮મું), ‘ગોરી માહારી મેલો ઘોડીલાની વાગ રે,’ (કડવું ૩૯મું) અને ઉત્તરાના મોંમાં મૂકેલું પદ ‘મને મારીને રથ ખેડ્ય બાલા રાજા રે.’ (કડવું ૪૦મું) ગુજરાતમાં આજે પણ ગવાય છે.
મને મારીને રથ ખેડ્ય, બાલા રાજા રે!
મુહુને જુધે સાથે તેડ્ય, બાલા રાજા રે!
મુહુને જુદ્ધ જોવાના કોડ, બાલા રાજા રે!
આપણ સરખા સરખી જોડ્ય, બાલા રાજા રે!
લાવો હું ધરું હથિયાર, બાલા રાજા રે!
વાલું કૌરવનો સંઘાર, બાલા રાજા રે!
આ ગીતનો રસ કરુણ છે, ને ઉત્તરાની હૃદયવ્યથા, પ્રેમ અને શૌર્ય તેના ભાવો છે. આ કવિનું રચેલું ‘સગાળપુરી’ પણ નોંધપાત્ર છે. ભોજા ભગતે રચેલા ‘સેલૈયાઆખ્યાન’નો વિષય તુલજારામના આખ્યાનનો વિષય છે. પ્રભુએ અતીત વેશે સગાળશાના આતિથ્યધર્મની જે આકરી તાવણી કરી તેની ગુજરાતમાં પ્રચલિત કથાને તુલજારામ પહેલાંના નાકર, વાસુ, કનકસુંદર વગેરે કવિઓએ પણ કાવ્યવિષય બનાવેલ છે. તુલજારામે પોતાની ‘સગાલપુરી’ સંપૂર્ણ કર્યાની વિગત નીચે પ્રમાણે નોંધી છે:
સંવત અઢાર ત્રેતાલીસ, આશ્વિન સુદ દશમી રવિવાર,
સગાલપુરી સંપૂરણ કીધી, તે દિન હરખ અપાર.
કવિની વર્ણનકલા, સંવાદો નિરૂપવાની શક્તિ, અલંકારો યોજવાની કુશળતા, દેશીઓની રચનાકલા, રસનું આલેખન વગેરે તેના વિશિષ્ટતાઓ પ્રેમાનંદ પછીના આખ્યાનકવિઓમાં તુલજારામને ગણનાપાત્ર સ્થાનનો અધિકારી ઠરાવે છે. પ્રેમાનંદની ઉત્તરાવસ્થાના સમકાલીન (જોકે ‘પ્રાચીન કવિઓ અને તેમની કૃતિઓ’ મુજબ, ઈ. ૧૭૭૩માં હયાત હતા ને તેથી પ્રેમાનંદના ઉત્તરકાલીન ઠરે તેવા)[5] રામકૃષ્ણ નામના સંખેડાના રહીશ નાગર જ્ઞાતિના વૈષ્ણવ સંપ્રદાયના કવિનું રચેલું ‘ગજેન્દ્રમોક્ષ’ નામનું નાનકડું, ૧૨ કડવાંનું આખ્યાન, તથા પ્રેમાનન્દના અન્ય સમકાલીન ગણાતા, ઈ. ૧૬૪૯માં હયાત હતા તેવા માધવદાસ સુંદરદાસનાં રચેલાં ‘ઓખાહરણ’, ‘રુક્મિણીહરણ’, ‘દશમસ્કંધ’ નામક આખ્યાનો ગણનાપાત્ર છે. તેમાં કવિ રામકૃષ્ણનું રચેલું, ‘ગજેન્દ્રમોક્ષ’ તેમાં રહેલી રૂપકકથાને કારણે સવિશેષ નોંધપાત્ર છે. સરોવર એટલે સંસાર, સરોવરમાં જળક્રીડા કરતો ગજેન્દ્ર એટલે સંસારમાં આસક્ત એવો જીવ, ગજેન્દ્રને પકડતો મગર એટલે કાળઃ જેને કાળ ગ્રહે તેને ભગવાન શ્રીકૃષ્ણ જ છોડાવી શકે. આ આખ્યાનના એક રૂપકકથા લેખે નિષ્પન્ન થતા આવા અર્થઘટનને લીધે, અને કવિની શૈલી, ‘અંતર્યમક’ વાળી દુહાની રચના, વર્ણનશક્તિ, પ્રાસાદિકતા વગેરે ગુણોને લીધે ‘ગજેન્દ્રમોક્ષ’ આજે પણ એટલું જ લોકપ્રિય રહ્યું છે. પ્રેમાનન્દનો શિષ્ય વીરજી તે ઈ. ૧૬૬૪માં હયાત હતો તેણે ‘સુરેખાહરણ’ લખ્યું છે. હરગોવિંદદાસ કાંટાવાળાએ તથા કે. હ. ધ્રુવે, ‘સુરેખાહરણ’ કાવ્ય વીરજીએ પોતાની કલ્પનાથી રચ્યું છે, ને તે ઉર્દૂ ભાષાનો સારો જાણકાર હતો વગેરે વાતો તેના વિશે લખી છે, પણ આ વાતોને કોઈ આધાર કે દસ્તાવેજી સમર્થન મળતાં નથી. વીરજીની અગાઉ થયેલા ખંભાતના કુંવર નામના કવિએ પણ ઈ.સ. ૧૬૫૫માં ‘સુરેખાહરણ’ લખેલું છે. વીરજી મોઢ ચતુર્વેદી બ્રાહ્મણ જ્ઞાતિનો, ને વડોદરા, બરાનપુરાનો રહીશ હતો, અને પ્રેમાનન્દનો પ્રીતિપાત્ર શિષ્ય હતો. સ્ત્રી કવિઓમાં અઢારમા સૈકામાં થયેલી વડનગરની નાગર જ્ઞાતિની કૃષ્ણાબાઈનું ‘રુક્મિણીહરણ’ તથા રામસીતા અને લક્ષ્મણના સંવાદરૂપે લખાયેલું કથાકાવ્ય ‘સીતાજીની કાંચળી’; ઉમરેઠની રહીશ અને અઢારમા સૈકામાં થયેલી પૂરીબાઈએ રચેલું ‘સીતામંગળ’; લગભગ ઈ. ૧૮૫૭ સુધી હયાત હતી તેવી વડોદરાની દક્ષિણી બ્રાહ્મણ જ્ઞાતિની રાધાબાઈએ રચેલી ને લોકપ્રિય થયેલી ‘રામનાથમાહાત્મ્ય’, ‘કંસવધ’, ‘મુચકંદમોક્ષ’, ‘કૃષ્ણવિવાહ’ વગેરે મરાઠી તથા હિંદી ભાષાની અસરવાળી રચનાઓ; આ કૃતિઓને આપણે આખ્યાનઢબનાં કથાકાવ્યો કહી શકીએ. મધ્યકાલીન સાહિત્યના અંતિમ જ્યોતિર્ધર દયારામે ભાગવતના આધારે લખેલું ‘અજામિલ આખ્યાન’ જાણીતું છે. તેમાં કવિએ કહ્યું છે તેમ વરણ્યો યશ હરિનામ તણો રે.’ ‘પુત્રભાવથી’ નારાયણ નામનું સ્મરણ કરવાથી પણ અજામિલનાં સર્વ પાપો નિર્મૂળ થાય છે. કવિએ આ આખ્યાનમાં ‘નામમાહાત્મ્ય’ જ ગાયું છે. જુઓઃ
* આ કૃતિઓનું કર્તૃત્વ શંકાસ્પદ જણાય છે. જુઓ ગુજરાતી સાહિત્યકોશ-૧’- સં.
વિપ્ર તણા ધન કેરો તસ્કર, મદ્યપાની પણ હોય,
માત–પિતા હણનારો, ગૌ-બ્રાહ્મણ-ગુરુહત્યાકારી,
શિશુ, પશુ, સ્ત્રી, નૃપ આદિક જેણે નાખ્યાં હો મારી,
આતતાયી ઇત્યાદિ દુષ્ટ, હોય જાતિ અધમ ચાંડાળ,
તે પણ છૂટી શ્રેય પામે, ગાતાં શ્રી ગોપાળ.
આ ઉપરાંત દયારામે ‘રુક્મિણી વિવાહ’, ‘રુક્મિણી સીમંત’, ‘સત્યભામાવિવાહ’, ‘નાગ્નજીતી વિવાહ’, ‘અષ્ટપટરાણી વિવાહ’ આદિ આખ્યાન ઢબની રચનાઓ કરી છે, પણ તે રચનાઓને સ્વરૂપ દૃષ્ટિએ આખ્યાનો નહિ, પરંતુ ભોગીલાલ સાંડેસરાએ કહ્યું છે તેમ ‘આખ્યાનાત્મક કાવ્યો’[6] કહી શકાય. ‘રસિકવલ્લભ’ને પણ બાહ્ય ધાટીએ આખ્યાન જેવી કૃતિ બનાવવાનો દયારામે આયાસ કર્યો છે. ‘ગુરુશિષ્ય સંવાદ’માં પણ દયારામે આખ્યાનનો ‘કડવાબંધ’ સ્વીકારી તેને આખ્યાનનો ઘાટ આપવા નિષ્ફળ પ્રયત્ન કર્યો છે. પોતાની કેટલીક કૃતિઓમાં દયારામ આખ્યાનના ‘કડવાબંધ’ને ‘મીઠાબંધ’ તરીકે પણ ઓળખાવે છે. દયારામની આત્મલક્ષી, ઊર્મિસભર કવિપ્રતિભા તેની ગરબીઓ અને પદોમાં પૂર્ણપણે ખીલે છે – શૃંગારરસનું નિરૂપણ કરતી વેળા સવિશેષપણે. આખ્યાનઢબની તેની રચનાઓમાં તેની કવિત્વકલા સામાન્ય કોટિની જ રહે છે, ને ભાગ્યે જ ઝળકે છે.
કેટલાક વધુ મહત્ત્વના કવિઓ
ભાણદાસ
ભીમનો પુત્ર ભાણદાસ (કવનકાળ ૧૬૫૦) અખાનો સમકાલીન માની શકાય : તેની કવિતા અખા ભક્તની કવિતાની પરંપરાને સજીવન રાખતી ‘જ્ઞાનીની કવિતા’ જ છે. ‘હસ્તામલક’ (ર.ઈ. ૧૬૫૧) નામનું ભાણદાસનું કાવ્ય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ‘હસ્તામલક’ ઉપરાંત, ભાણદાસે ‘પ્રહ્લાદાખ્યાન’ (ર.ઈ. ૧૬૫૦), ‘અગર-અવધૂત સંવાદ’, ગરબા, ‘નરસિંહજીની હમચી’, અને પ્રકીર્ણ પદો પણ લખ્યાં છે. ‘હસ્તામલક’ કડવાંબદ્ધ અને આખ્યાનઢબની રચના છે. તેને વિકસિત સ્વરૂપનું સંપૂર્ણ આખ્યાન ભાગ્યે જ ગણી શકાય. આ રચનામાં કવિએ શંકરાચાર્ય અને હસ્તામલક વચ્ચે સંવાદ કે પ્રશ્નોત્તરની રચના કરીને જ્ઞાનમાર્ગની શ્રેષ્ઠતા બતાવવાનો પ્રયત્ન કર્યો છે. આ જ્ઞાનમાર્ગ સમજાવવા ભાણદાસ જ્યારે –
સંસ્કૃત માંહે કોણ સમજે, પ્રાકૃત વાણી રચશું,
સુગમ અર્થે સોહેલો પ્રીછીયો, આ તત્ત્વજ્ઞાન ઉચરશું.
એમ કહે છે ત્યારે ‘સંસ્કૃત બોલે શું થયું, કાંઈ પ્રાકૃતમાંથી નાસી ગયું?’ કહેતો અખો સહેજે યાદ આવે છે. હસ્તામલક જન્મથી જ પૂરેપૂરો આત્મજ્ઞાની છે. બાલ્યાવસ્થાથી જ સંસાર તરફ તેને વિરક્તિ છે, ને તે ‘જાણી પ્રીછી બાળ જડ થઈ બેઠો, બોલે બંધન દીઠ, માનીને કોઈ સાથે કશું બોલતો નથી, અને મૌન ધારીને ‘જ્ઞાનામૃત’ અને ‘આત્મસુખ’ ભોગવે છે. માતાપિતા આવા સુંદર બાળકને લાગેલું મૂંગાપણાનું લાંછન ટાળવા કોટિ ઉપાયો કરે છે ને અકળાય છે, ને છેવટે તેને શંકરાચાર્ય પાસે ‘એ બાળકની શી ગત થાશે’ તે જાણવા લઈ જાય છે. શંકરાચાર્ય હસ્તામલકની મુદ્રા જોઈને જ તેને સાચા સ્વરૂપે પામી જાય છે, ને તેને પોતાની પાસે રાખી લે છે, તે પછી બન્ને વચ્ચે જ્ઞાનગોષ્ઠિ સંવાદના રૂપમાં થાય છે. ‘તું કોણ છે’ તેવા શંકરાચાર્યના પ્રશ્નના ઉત્તરમાં હસ્તામલક તેમને પરમાત્માનું આપણાં શાસ્ત્રોમાં (तत्त्वमसि) કહીને જે વર્ણન કર્યું છે, તેવું પોતાનું સ્વરૂપવર્ણન કરે છે:
અસંખ્ય અનંત અક્ષય પદપૂરણ, અભેદ, અછેદ્ય અપાર;
ચંદ્ર સૂર્યમાં ચૈતન્ય મારું, તેજ તણો પ્રકાશ.
કોટિ બ્રહ્માંડ રહ્યાં મુજ રોમે, ચરાચર મારો વાસ.
વળી પાવકમાં પ્રકાશ મારો, સૌનો સાક્ષી હું કાહાવું,
સૂક્ષ્મ સ્વરૂપ સકળમાં વ્યાપક, વળી સૌ કોને શોભાવું.
ચંદ્ર વડે નવ દીસું, અગ્નિ વડે નવ દાધું,
આપે આપ તણું પદ પામ્યો, તમે જૂઓ વિચારી બાધું.
આ ઉપનિષદોનું જ તત્ત્વજ્ઞાન છે, ‘તેજમાં તત્ત્વ હું’ કહેતા નરસિંહ મહેતાની વાણીનો જ આ પડઘો છે. અખાએ આંકેલી તત્ત્વજ્ઞાન નિરૂપતી આ પ્રાકૃત અભિવ્યક્તિની જ કેડી છે. ભાણદાસે તત્ત્વજ્ઞાનની ગહન વાત સમજાવવા માટે યોજેલાં દૃષ્ટાંતો, ખાસ કરીને તેણે યોજેલી ઉપમાઓ અખાની જ યાદ આપે છે. દૃષ્ટાંત કે ઉપમાના પ્રકાશમાં તત્ત્વજ્ઞાનની ગૂઢ વાત કે રહસ્ય ઝળાંહળાં ને સુગમ થઈ પડે છે. પોતાના પરિપૂર્ણ, અકળ અને અવિનાશી આત્માનું વર્ણન વાણીમાં કરી શકાય તેમ નથી તે વાત, ભાણદાસ અખાના જેવી જ ઉપમાઓ યોજીને, સુગમ અને વેધક બનાવીને કહે છેઃ જેમ અખો, તેમ ભાણદાસ આ સાદાં દૃષ્ટાંતો યા અલંકારો પાસેથી સરાણનું કામ લે છે, ને પોતાને જે કહેવાનું છે તેને ધારદાર બનાવે છે. જુઓઃ
વચ્છ જેમ ધાવે ને પૂંછ હલાવે, વળી મુંગો મીસરી ખાય.
સારું સ્વપ્ન થયું ગુંગાને, સ્વાદ કહ્યો નવ જાય.
એવો હું આત્મા પરિપૂરણ, અકળ ને અવિનાશ;
હસ્તામલક હસીને બોલ્યા, તેમ કહે છે ભાણદાસ.
જેમ દર્પણ માંહે આપણું, પ્રતિબિંબ દીસે જેહ;
આપણથી અળગું નથી, પણ મુળગું તેનું તેહ.
બીજું કાંઈ મળે નહિ, આપણ વિના વ્યતિરેક;
દર્પણ માટે પૃથક દીસે, પણ નષ્ટ તારો વેશ.
અસલ જાણે અખાની જ વાણી! કવિનો જ શબ્દ યોજીએ તો ‘બ્રહ્મવિદ્યા’ને, અંતરની દૃષ્ટિ ઉઘાડતા ‘કેવળ જ્ઞાન’ને ભાણદાસે અત્યંત સરળ બનાવીને આ રચનામાં આલેખી છે. ભાણદાસ પોતાને કવિ નહિ ‘કવિદાસ’ ગણે છે તે તેની વિનમ્રતા દર્શાવે છે. ભાણદાસના ગુરુ કૃષ્ણપુરી નામના મહાત્મા હતા તેવો ઉલ્લેખ પણ તેની આ રચનામાં મળે છે. ભાણદાસે રચેલી ૭૧ જેટલી તત્ત્વલક્ષી ગરબીઓમાં ‘ગગનમંડળની ગાગરડી’ સવિશેષ નોંધપાત્ર છે. આદ્યશક્તિ ભવાની ગગનમંડળ રૂપી ગાગરડી (ગરબો) માથે મૂકીને રાસ રમે છે તેનું તેમાં કવિએ વર્ણન કર્યું છે. માત્ર બત્રીશ પંક્તિની આ ટૂંકી રચના, કવિએ તેમાં કલ્પનાની જે ભવ્યતા દર્શાવી છે તેને લીધે હૃદયંગમ બની છે. આ ગરબી વાંચતાં અર્વાચીન યુગના આપણા શ્રેષ્ઠ કવિ ન્હાનાલાલનું ‘વિરાટનો હિંડોળો’ નામનું કલ્પનોત્થ ભવ્યતાભર્યું કાવ્ય આપણને સહેજે યાદ આવે છે. ગરબામાં ઝગતા દીપકનું કવિ ભાણદાસે આવું વર્ણન કર્યું છેઃ
સાતિ સાગર તેલિ ભર્યું, ગુણ ગરબી રે,
માંહિ મુગતાફલ ચુફેર, ગાઉં ગુણ ગરબી રે,
સર પરિ ગાદી કછપની ગુણ ગરબી રે,
ઊઢણી શેષનાગ, ગાઉં ગુણ ગરબી રે.
ગાગરિ ઉપરિ ઢાંકણું, ગુણ ગરબી રે,
અંબર એક અપાર, ગાઉં ગુણ ગરબી રે.
તેત્રીસ કોટિ વિવર કર્યાં, ગુણ ગરબી રે,
તેજ તણું નહિ પાર, ગાઉં ગુણ ગરબી રે.
અહનિશિ અમૃત ઝરિ, ગુણ ગરબી રે,
જગત કરિ છિ પાન, ગાઉં ગુણ ગરબી રે.
સૂર્યચંદ્રનો દીપક કરી, પૃથ્વીનું કોડિયું બનાવી; તેમાં સાત સમુદ્રના જલ જેટલું તેલ પૂરી, ગગનનો ગરબો બનાવી, શેષનાગની ઇંઢોણી કરી, તેત્રીસ કોટિ છિદ્રવાળો ને અહર્નિશ ઝળાંહળાં થતો ને અમૃત વર્ષાવતો તે ગરબો માથે મૂકી ઘૂમતી આદ્ય શક્તિ ભવાનીનું રૂપવર્ણન, કવિની ભવ્ય કલ્પનાશક્તિનું પણ દ્યોતક છે. કવિ ભાણદાસે સંખ્યાદૃષ્ટિએ ઓછી, પણ ઠીક ઠીક કાવ્યગુણવાળી કૃતિઓ, વાગીશ્વરીને ચરણે, કોઈપણ પ્રકારનો કાવ્યાડંબર કર્યા વિના ‘ઇંમ કહિ છિ ભાણદાસ’ કહીને ભેટ ધરી છે.
વલ્લભ ભટ
વલ્લભ ભટનો જન્મકાળ આશરે ઈ.સ. ૧૭૦૦ ગણાય છે. પરંતુ એને કોઈ આધાર નથી. ‘ધનુષધારીનો ગરબો’નું રચનાવર્ષ ઈ. ૧૭૩૬ (સં. ૧૭૯૨, અસાડ વદ ૧૧, મંગળવાર) મળે છે. એ જોતાં ૧૮મી સદી પૂર્વાર્ધમાં એ થઈ ગયો એમ કહી શકાય. તે જ્ઞાતિએ મેવાડા બ્રાહ્મણ હતો, અને તેઓ ધોળા ભટ, હરિ ભટ આદિ ચાર ભાઈઓ હતા. આમાંથી વલ્લભ અને ધોળા એ બે ભાઈઓ કવિતા રચતા. વલ્લભે રચેલ ગરબા-ગરબીઓ પ્રખ્યાત છે ને આજે પણ લોકકંઠે ગવાય છે, ખાસ કરીને નવરાત્રિના દિવસોમાં. વલ્લભ ભટ પ્રથમ વૈષ્ણવસંપ્રદાયનો અનુયાયી હતો તેમ કહેવાય છે, પરંતુ એક સમયે શ્રીનાથજીના મંદિરમાં તેનાથી એક ખૂણામાં થૂંકાઈ ગયું તેથી, લોકોએ તેનો તિરસ્કાર કર્યો. સ્વબચાવમાં વલ્લભે ‘પોતે જાણીને નથી થૂંક્યો, ને માબાપનો ખોળો બાળક ખૂંદે કે ગંદો પણ કરે તેથી શું થયું?’ તેમ જણાવ્યું, પરંતુ લોકોએ પ્રત્યુત્તર વાળ્યો કે ‘આ તો બાપનું ધામ છે, માનું નથી: મા સહન કરે કારણ તેનું વહાલ વધારે હોય છે.’ આ ઉત્તર સાંભળી તેણે ‘આજથી હું માને જ ગાઈશ’ તેવી પ્રતિજ્ઞા કરી, ને માતાજીના ગરબાઓ રચ્યા. તેની રચનાઓને અનુલક્ષીને કોઈએ ઉપજાવી કાઢેલી આ લોકવાયકા તો નથી જ. ગુજરાતી ગરબા એટલે વલ્લભ અને વલ્લભ એટલે ગરબા એમ કશી અતિશયોક્તિ કર્યા સિવાય કહી શકાય તેવું એ બન્ને વચ્ચે સાયુજ્ય છે. માતા બહુચરાનાં વિવિધ રૂપો, તેની શક્તિ, પરાક્રમો, શણગારનાં વર્ણનો, અસુરો સાથેનાં યુદ્ધો, એક ભક્તની આરતથી બહુચરાને ત્રિપુરેશ્વરી ગણીને કરેલી આરાધના–આ બધું વલ્લભ મુક્ત મને અને ક્યારેક ઊંડી આરતથી પોતાના ગરબાઓમાં વર્ણવે છે, ને તે પણ ભાવને અનુરૂપ લય, રાગ, તાલ, ચાલ યોજીને. વલ્લભના ગરબાને આજ લગી સજીવન રાખવામાં આ રાગ, તાલ, લય અને ચાલનો ફાળો નાનોસૂનો નથી. તેના ગરબાઓમાં ‘કળિકાળનો ગરબો’, ‘સત્યભામાનો ગરબો’ અને ‘કજોડાનો ગરબો’ સવિશેષ નોંધપાત્ર છે. કળિકાળના ગરબામાં ‘સંવત સત્તર સત્યાશિએ હો બહુચરી, સૃષ્ટિ તજાવ્યું સત્ય’ અને ‘અકળાવ્યા અઠાશિયે હો બહુચરી, વિધવિધ પડી વિપત્ય’ એમ સંવત ૧૭૮૭ (ઈ.૧૭૩૧)માં ગુજરાતમાં દુષ્કાળની પ્રવર્તમાન ભીષણ સ્થિતિનું, ને તેને પરિણામે નાશ પામતાં સનાતન જીવનમૂલ્યોનું દારુણ ચિત્ર કવિએ દોર્યું છે, અને એવી પરિસ્થિતિને પલટવા માટે ‘આઈ અમિછાંટો નાંખીએ હો બહુચરી’ કહીને ‘વલ્લભ ગુલામની વિનતિ’નો સ્વીકાર કરવા અરજ ગુજારી છે. વલ્લભનો ‘કજોડાનો ગરબો’ પણ કવિના સમયમાં પ્રચલિત શારીરિક કજોડાના લગ્નના રિવાજનાં અનિષ્ટ પરિણામોનું, અને વૃદ્ધ પતિની કોડભરી યુવાન ભાર્યાના શારીરિક-માનસિક સંતાપનું આઘાતજનક ચિત્ર દોરે છે. આખો ગરબો વૃદ્ધ ભરથારને પનારે પડેલી કોડભરી નાગર જ્ઞાતિની ‘જોબનવેશ’માં આવેલી ‘નવરંગીનાર’ની પ્રાકૃત કહી શકાય તેવી સ્વગતોક્તિરૂપે લખાયો છે. વલ્લભનો ‘સત્યભામાનો ગરબો’, મીરાંબાઈના આ પૂર્વે લખાયેલા ‘સતભામાનું રૂસણું’માં આલેખાયેલા પ્રસંગનું જ આલેખન કરે છે. વલ્લભનો અને મીરાંબાઈનો વર્ણ્યવિષય એક જ છે. શ્રી કૃષ્ણે પારિજાતકનું ફૂલ જે ‘સ્વર્ગનું પુષ્પ અનોપમ સાર કે, આપ્યું રૂક્મણી રે લોલ’ તેમ નારદ બન્ને કૃતિઓમાં સત્યભામાને ખબર આપે છે, ને બન્નેમાં સ્ત્રીસહજ ઈર્ષ્યા, રોષ, પ્રેમકલહ, સત્યભામાનાં રિસામણાંને શ્રીકૃષ્ણની ચાટૂક્તિઓ વગેરેનું આલેખન થયું છે. વલ્લભના ગરબામાં સત્યભામા, પ્રાકૃત સ્વભાવની, ઈર્ષ્યાથી સળગી ઊઠેલી, ક્રોધથી અંધ થયેલી કોઈ સામાન્ય કક્ષાની અભણ સ્ત્રીજન જેવી અને ‘પાપી પિતા હમારો અંધ કે, લંપટ લાવિયા રે લોલ’ જેવી ઉક્તિઓ બોલી પિતા અને પતિ બન્નેને ઉપાલંભ આપતી, આલેખાઈ છે. મીરાંબાઈએ સત્યભામાને આટલી બધી પ્રાકૃત સ્વભાવની નથી આલેખી. મીરાંબાઈએ દોરેલા ચિત્રમાં શિષ્ટતા અને માર્દવ બન્ને સચવાયાં છે, જે વલ્લભે દોરેલા ચિત્રમાં ખૂટે છે. વલ્લભે ‘અંબાજીના મહિના’ લખ્યા છે તેમાં તેણે અંબાજી માતાનાં દર્શન માટે પ્રતિમાસ તેનામાં કેવી ભાવોત્કટતા પ્રગટે છે તેનું વર્ણન કર્યું છે. તેણે રચેલા ‘કમળાકંથના બાર મહિના’ પણ મહિનાઓનું એટલે કે ઋતુવર્ણનનું જ કાવ્ય છે, પરંતુ તેમાં વલ્લભની કોઈ સ્વકીય મુદ્રા ઊઠતી નથી. ઋતુકાવ્યોની રચના-પરિપાટી પ્રમાણે આ કાવ્યને તેણે રાધા-કૃષ્ણના પ્રણય અને વિરહનું આલેખન કરવા જ રચ્યું જણાય છે, અને આ પ્રકારની રચનાઓમાં થાય છે તેવું વિપ્રલંભ શૃંગારનું તેમાં ચિરપરિચિત નિરૂપણ થયું છે. વલ્લભે રચેલું ‘વ્રજવિયોગ’ નામનું કાવ્ય પણ ‘ગરબો વ્રજ વિરહિણિયાંનો’ જ છે, અને તેમાં કૃષ્ણ-ગોપીના વિરહને કવિએ ગાયો છે. આ રચના પણ પ્રાચીન પરિપાટીને જ અનુસરે છે. વલ્લભનો ‘અંબાજીના શણગારનો ગરબો’ તેમાં આવતા શણગારના વર્ણનની ચિત્રાત્મકતાને લીધે નોંધપાત્ર છે. અંબાજીએ સજેલા વસ્ત્રાભૂષણના વર્ણનમાં વલ્લભની શબ્દપીંછીથી સહજભાવે ચિત્રો દોરવાની કલાવાચકને મુગ્ધ કરે તેવી છેઃ
વેલા સવારે મા આપસું રે શેંથે ભર્યો સિંદોર;
નયણે કાજલ રે મા સારીયાં, અણીઆળે નાકે મોર.
દાડમ કળીઓ રે મા દંત છે, ને મુખ ચાવ્યા તંબોળ;
મુખથી બોલે રે મા મરકલડે, ને નૌતમ કરે કલોલ.
આ ચિત્રમાં એક પ્રકારની મુખર સજીવનતા આપોઆપ પ્રગટતી જણાય છે. વલ્લભનો શ્રેષ્ઠ અને અત્યંત લોકપ્રિય તેવો ગરબો તો ‘મહાકાળીનો ગરબો’ છે. ‘મહાકાળીનો ગરબો’ ખરી રીતે એક કથાકાવ્ય -ballad- જેવો છે. તેમાં વર્ણવેલા પ્રસંગોમાં નાટ્યક્ષમતા છે. વલ્લભનાં વર્ણનોમાંની સજીવન ચિત્રાત્મકતા, અલંકારયોજના, વાણીમાંથી પ્રગટતી રવાનુસારી સંગીતક્ષમતા–એ બધી સામગ્રી તો અહીં છે જ; પરંતુ કથનપ્રવાહિતા અને નાટ્યક્ષમતા એ બે નવાં તત્ત્વો આ ગરબામાં દૃશ્યામાન થાય છે. નોરતાંમાં–નવરાત્રિમાં, અંગે સોળે શણગાર સજી સખીઓ સાથે ગરબે રમતી કાળિકાના રૂપ ઉપર રાજા મોહિત થાય છેઃ કાળિકાએ જે કાંઈ જોઈએ તે માગવાનું રાજાને વરદાન આપ્યું છે–‘માગ માગ પાવાના રાજન કે, તુષ્ટમાન થયાં ઘણાં રે, લોલ.’ પુત્રની જોડ, ઘોડાની ઘોડાશાળ, હસ્તી, તોપ-તોપખાના, ‘ગુજરાત સરખો દેશ’, ‘સુરત સરખું શહેર’, ‘નવ કોટી માળવો’, ‘ચાંદો, સૂરજ તપે ત્યાં સુધીનું નવખંડનું રાજ’– જે જોઈએ તે આપવા મહાકાળી ઉત્સુક છે; ને રાજા માગે છે ‘કે માગું એકલડું વરદાન કે, મોહોલે પધારજો રે’. ખરી રીતે રાજાએ વરદાનને બદલે પોતાનો વિનાશ જ માગી લીધો. કથાકાવ્યોમાં કથનનો જે અણિયાળો વળાંક, ચમત્કૃતિ, અને નાટ્યક્ષમતા હોવાં જોઈએ તે વલ્લભે આ સ્થળે જરા પણ આયાસ વિના યોજ્યાં છે. મહાકાળીના પ્રચંડ ક્રોધ અને તિરસ્કારનું વલ્લભે આશ્ચર્યકારક કહીએ તેવી સંયમિત પણ ઉચિત વાણીમાં –
ફટ ફટ પાવાના રાજન કે, એ શું માગીયું રે લોલ,
આજથી છઠ્ઠે ને છ માસ કે, તારું મૂળ ગયું રે લોલ.
કહીને, નિરૂપણ કર્યું છે. ગુજરાતી સાહિત્યનાં ઉત્તમ કથાકાવ્યોમાં આ ગરબો સ્થાન પામે તેવો છે. ગુજરાતમાં માતાજીનાં મંદિરોમાં આજે પણ આરતી પ્રસંગે જય બોલાય છે તેમાં ‘વલ્લભ ધોળાકી જે’ એમ પણ દર્શનાર્થીઓ અને ભક્તજનો કહે છે. તે તેના, આ પ્રકારના ગરબાઓ અને તેમાં તેણે દર્શાવેલી માતાજીના ભક્ત ઉપાસક તરીકેની તેની આજદિન સુધી સચવાયેલી અખંડિત પ્રતિષ્ઠાને લીધે જ.
ગિરધર
૧૮મી સદી ઉત્તરાર્ધથી ૧૯મી પૂર્વાર્ધની મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની પરંપરામાં દયારામનો સમકાલીન કવિ ગિરધર કે ગિરધરદાસ (જન્મ ઈ. ૧૭૮૭– અવ. ઈ. ૧૮૫૨, સં. ૧૯૦૮, ભાદરવા વદ-૧૧) એક મહત્ત્વનો પદકવિ ને આખ્યાન કવિ છે. મધ્યકાલીન રામાયણ-કાવ્ય-પરંપરામાં પણ એનું પ્રદાન મહત્ત્વનું છે. વડોદરા જિલ્લાના પાદરા પાસેના માસર ગામમાં જન્મેલા આ કવિ દશા લાડ વણિક હતા. પિતાનું નામ ગરબડદાસ. નાનપણમાં જ માતાપિતાનું અવસાન થયેલું. તીર્થયાત્રા દરમ્યાન શ્રીનાથદ્વારા પાસેના આમધરા ગામે કવિનું અવસાન થયેલું. કવિએ એ જમાનાની ગામઠી-વ્યવહારપૂરતી કેળવણી લીધેલી એ પછી સત્સંગબળે પુરાણાદિ સંસ્કૃત ગ્રંથોનો પરિચય મેળવેલો. મથુરાના રાધાવલ્લભ-સંપ્રદાયના વડોદરામાંના મંદિરનો કરનાર આચાર્ય રંગીલલાલજીમહારાજે તેમને સોંપેલો. કવિ ભક્તિની એક પ્રવૃત્તિરૂપે, પરમાર્થ માટે જાતે જ કાવ્ય-ગ્રંથો રચી-લખીને બ્રાહ્મણોને તે આજીવિકા માટે આપતા અને પ્રસંગોપાત્ત જાતે રાગતાલમાં ગાઈ સંભળાવતા. એમની કૃતિઓમાં સૌથી મહત્ત્વની કૃતિઓ છે. ‘રામાયણ’ (ઈ. ૧૮૩૭) અને ‘કૃષ્ણચરિત્ર’ (૧૮૫૨). આ ઉપરાંત એમની બીજી આખ્યાન કૃતિઓ છે : ૫૨ કડવાં અને ૧૮૪૫ કડીની ‘રાજસૂયયજ્ઞ’ (૨.ઈ. ૧૮૩૧); ૩૨ કડવાં અને ૮૪૫ કડીની ‘પ્રહ્લાદાખ્યાન’ (૨.ઈ. ૧૮૨૦) સં. ૧૮૭૬ ચૈત્ર સુદ ૯ ગુરુવાર); તેમજ ‘પદ’ નામક ૨૬ કડવાં અને ૩૭૦ કડીની ‘તુલસીવિવાહ’ (૨.ઈ. ૧૮૧૫ કે ૧૮૨૨/સં. ૧૮૭૧ કે ૧૮૭૯, અસાડ સુદ ૭ બુધવાર). ‘રાજસૂયયજ્ઞ’માં કવિના ઊંડા અધ્યાત્મજ્ઞાનને પ્રગટ કરતું કૃષ્ણનું વ્યક્તિચિત્રણ, ‘પ્રહ્લાદાખ્યાન’માં નિશાળિયા પ્રહ્લાદને મુખે ભક્તિબોધના કક્કાની ગૂંથણી અને ‘તુલસીવિવાહ’માં લગ્નોત્સવના ગુજરાતી વાતાવરણનું વીગતપ્રચુર વર્ણન ધ્યાનપાત્ર છે. આ ઉપરાંત ગિરધરદાસની ૨૬ કડીની ‘રાધિકાવિરહના દ્વાદશમાસ’; હનુમાનચરિત્રને સંક્ષેપમાં કહેતી ‘પંદર તિથિ હનુમાનની’; ૧૪ કડીની, રાધાના રૂપની શોભા વર્ણવતી ‘ધોળ હીંચું’, ‘અંબિકાષ્ટક’, ‘કાલીઅષ્ટક/મહાકાળની સ્તુતિ’, ૧૮ કડીની પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથ તેમજ ગરબી, ધોળ વગેરે નામોથી ઓળખાવાયેલાં પ્રેમલક્ષણાભક્તિનાં તથા ઉપદેશાત્મક પદો તથા કુંડળિયા, ઝૂલણા, સવૈયા જેવી પ્રકીર્ણ પ્રકારની રચનાઓ મળે છે. પદો તેમજ પ્રકીર્ણ રચનાઓનો ઘણો ભાગ હિંદીમાં છે ને એમાં વસંતનાં, હિંડોળાનાં, હોળીનાં, રામજન્મસમયનાં એમ વિવિધ વિષયનાં પદો પણ મળે છે. કવિએ હિંદી ભાષામાં ‘દાણલીલા’ (ઈ. ૧૮૧૮) વગેરે કેટલીક કૃતિઓ પણ રચેલી છે. કવિની બધી જ કૃતિઓ મુદ્રિતરૂપે પણ પ્રકાશિત થયેલી છે. એમની સૌથી મહત્ત્વની બે કૃતિઓનો વિગતે પરિચય કરવો જરૂરી ગણાય : ‘રામાયણ’ (૨.ઈ. ૧૮૩૭/સં. ૧૮૯૩ માગશર વદ ૯, રવિવાર) : ‘અધ્યાય’ નામનાં ૨૯૯ કડવાં અને ચોપાઈને નામે ઓળખાવાયેલી વિવિધ દેશીઓની ૯૫૫૧ કડીઓની આ દીર્ઘ આખ્યાનકૃતિ ગુજરાતી પ્રજામાં અસાધારણ પ્રચાર પામેલી રામકથા છે. આ કૃતિમાં કવિએ વાલ્મીકિ રામાયણ, હનુમાન નાટક, પદ્મપુરાણ, અગ્નિપુરાણ, યોગવાશિષ્ઠ, શ્રીમદ્ ભાગવત, હરિવંશ, આનંદરામાયણ વગેરેનો આધાર લીધો છે તેમજ અહીંતહીં રામચરિતમાનસ, અધ્યાત્મરામાયણ, ગીતાવલી, મહાભારત વગેરેનો પણ આધાર લીધો છે. કવિએ પોતે આ આધારસ્થાનોનો નિર્દેશ કર્યો છે. એમાં ક્યાંક સરતચૂક પણ થયેલી છે. કવિએ નાકર, શ્રીધર, પ્રેમાનંદ, શામળ, કૃષ્ણાબાઈ, દયારામ એ પુરોગામીઓની અસર પણ ઝીલી છે. મૂળ કથાવસ્તુમાં કવિએ કેટલાક ફેરફાર ને કેટલાંક ઉમેરણ પણ કર્યાં છે. જેમકે, અહલ્યા પ્રસંગમાં રામના ચરણસ્પર્શને બદલે રામની ચરણરજ પવનમાં ઊડીને શલ્યાને સ્પર્શી જતાં અહલ્યા થઈ એવું નિરૂપણ કવિ કરે છે. અશ્વમેધવૃત્તાંતમાં નાનકડો મૌલિક વિનોદપ્રસંગ મળે છે : અશ્વ પર બાંધેલા પતરામાં ‘સ્ત્રીવિપ્રસાધુજન સાથે યુદ્ધ ન કરીશ વીર’ લખેલું જોઈ રામનો સાળો લક્ષ્મીનિધિ તાડિકાવધને યાદ કરાવી મશ્કરી કરે છે ત્યારે રામ જવાબ આપે છે કે તમે જનકવિદેહીના પુત્ર વીરરસમાં ન સમજો. રામબાલચરિત તથા અધ્યાત્મ રામાયણને અનુસરતો તત્ત્વવિચાર એ પણ ગિરધરના આ રામાયણની વિશિષ્ટતા છે. પાત્ર પરત્વેનું મૂળનું યથાતથ પ્રતિબિંબ ઝીલવાનો કવિએ પ્રયત્ન કર્યો છે પણ કથા પ્રસંગો અનેક ઠેકાણેથી ઉપાડ્યા હોવાથી પાત્રો વાલ્મીકિરામાયણનાં સીધાં અનુકરણ જેવાં ન લાગતાં વૈવિધ્યસભર રેખાઓવાળાં બન્યાં છે. પોતાના સમયની સામાજિકતાનું કવિએ પાત્રોમાં આરોપણ થવા દીધું છે. છતાં પાત્રોનાં મૂળ વ્યક્તિત્વ જરાય જોખમાતાં નથી. પાત્રો છેક દેવકોટિનાં અને રાક્ષસકોટિનાં નહીં પણ માનવકોટિનાં બની રહ્યાં છે. પ્રતાપી અને ભવ્ય પાત્રોમાં માનવસહજ નિર્બળતા તો દાનવકોટિનાં પાત્રોમાં માનવસહજ લાગણીશીલતાનું કવિએ આલેખન કર્યું છે. માનવીય આકાંક્ષાઓ, ચિત્તવૃત્તિનાં ઘમસાણો, સબળતા-નિર્બળતા વગેરેનું આ આલેખન રસપ્રદ બન્યું છે. કૃતિમાં કરુણ, શાંત, વીર અને શૃંગારરસ મુખ્ય છે. શાંત અને કરુણમાં કવિની પ્રતિભા વિશેષ જણાય છે. મધ્યકાલીન પરંપરાની અલંકારસમૃદ્ધિ અને વર્ણનસિદ્ધિ પણ આ કૃતિના નોંધપાત્ર અંશો છે. કવિની લખાવટમાં સંસ્કૃત અને હિંદી ભાષાનો પ્રભાવ છે. કૃષ્ણચરિત્ર (૨.ઈ. ૧૮૫૨/સં. ૧૯૦૮, માધવમાસ સુદ ૧૩, રવિવાર) : ૨૧૨ અધ્યાય અને ૯૫૦૦ કડીઓની આ કૃતિને કવિએ ચોપાઈની કહી છે પણ એમાં ચોપાઈ ઉપરાંત દુહા, સોરઠા, ભુજંગી, હરિગીત, અને અન્ય દેશીબંધોનો વિનિયોગ થયો છે. એના અધ્યાય તે, કેટલીકવાર મુખબંધ વિનાનાં કડવાં જ છે. કૃતિ ગોકુળલીલા, મથુરાલીલા અને દ્વારિકાલીલા એમ ૩ ખંડમાં સમગ્ર કૃષ્ણચરિત્રનું નિરૂપણ કરે છે. એમાં ભાગવત, હરિવંશ, પદ્મપુરાણ, મહાભારત, ગર્ગસંહિતા તથા નારદપુરાણનો, ક્વચિત્ ફેરફાર સાથે, આધાર લેવામાં આવ્યો છે અને તેને કારણે ધ્યાન ખેંચે તેવું પ્રસંગોનું વૈવિધ્ય આવ્યું છે. કથા પ્રસંગોના આધ્યાત્મિક અર્થઘટનમાં કવિની વિશેષતા જણાય છે. કૃષ્ણ-જસોદા જેવાં કેટલાંક પાત્રોને અધ્યાત્મરૂપકમાં ઘટાવ્યાં છે. ને કૃષ્ણવલોણું તાણે છે તે પ્રસંગમાં સમુદ્રમંથનનો પ્રસંગ વણી લીધો છે. વર્ષા અને શરદવર્ણન જેવાં પ્રકૃતિવર્ણનોમાં પણ કવિએ અધ્યાત્મક્ષેત્રનાં ઉપમાનો યોજ્યાં છે. બીજી બાજુથી મધ્યકાલીન કાવ્યપરંપરામાં જોવા મળતું દૈવી પાત્રોનું માનવીકરણ તથા સામાજિક વહેમોનું નિરૂપણ પણ અહીં જોવા મળે છે. કૃતિમાં રાજસૂયયજ્ઞના પ્રસંગે પ્રગટ થતું કૃષ્ણનું વિનમ્ર વ્યક્તિત્વ હ્રદયસ્પર્શી બને છે. તે ઉપરાંત કૃષ્ણનો સ્વાભાવિક બાલભાવ, વેરભાવે બ્રહ્મમય બનતા કંસનો અજંપો, કંસપ્રેર્યા કૃષ્ણને મળવા જતા ને મનોમંથન અનુભવતા અક્રૂરનો ભક્તિભાવ ને એવા બીજા ઘણા મનોભાવોનાં ચિત્રો પણ આસ્વાદ્ય છે. કમળ પર અક્રૂરને થતા કૃષ્ણદર્શનમાં અદ્ભુતરસ, કંસ પાછળ રાણીઓએ કરેલા વિલાપમાં કરુણરસ, દ્વારિકાલીલાના જુદાજુદા પ્રસંગોમાં શૃંગારરસ, યજ્ઞકુંડમાંથી યજ્ઞપુરુષ નીકળે છે તે પ્રસંગમાં ભયાનક રસ એમ વિવિધ રસો નિરૂપવાની કવિએ તક લીધી છે તે નોંધપાત્ર છે. વ્યક્તિ, સ્થળ અને પ્રકૃતિનાં વર્ણનો કવિએ પ્રાસાદિકતાથી કર્યાં છે. વર્ષાનું સૌમ્ય અને રૌદ્ર સ્વરૂપ એકસરખી નિષ્ઠાથી વર્ણવ્યું છે. જરાસંધ-કૃષ્ણ-યુદ્ધવર્ણનમાં કવિએ શબ્દની નાદશક્તિ પાસેથી કામ લીધું છે. કૃતિ ઉપમાકોશ જેવી છે. ‘મથુરાલીલા’માં કૃષ્ણને અનાદિ વૃક્ષ તરીકે વર્ણવ્યા છે તે એક સુંદર પૂર્ણરૂપક છે તો દ્વારિકાલીલામાં કૃષ્ણ-સત્યભામા વચ્ચેના સંવાદમાં ‘વસંત’, ‘ચક્રધારી’, ‘ધરણીધર’ વગેરે શબ્દો ઉપરના શ્લેષ ચમત્કૃતિભર્યાં છે.
સંદર્ભનોંધ :
- ↑ ‘હિન્દુસ્તાન’ દીપોત્સવી અંક ઈ.સ. ૧૯૪૯ (સંવત ૨૦૦૫), ‘ઉત્તર ભક્તિયુગનું આખ્યાન સાહિત્ય’, કે. કા. શાસ્ત્રી.
- ↑ ‘સંશોધનની કેડી’, પૃ. ૨૮૫, ભોગીલાલ સાંડેસરા.
- ↑ આ કથનનું સમર્થન કરતો નીચેનો અભિપ્રાય સરખાવો :
‘આપણી આ ચર્ચાનો નિકષ શો? સ્વ. કે. હ. ધ્રુવ, સ્વ. છોટાલાલ નરભેરામ અને સ્વ. નાથાશંકર શાસ્ત્રી ભિન્ન ભિન્ન મતે અને દૃષ્ટિએ આ કાવ્યો ને નાટકોના કર્તા હોય એવું જણાય છે. છતાં એક્કે વિશે નિશ્ચયાત્મક કથન થઈ શકતું નથી. એ વિચિત્ર સંજોગોમાં આપણે શું સમજવું?’
– ‘પ્રેમાનંદની સંદિગ્ધ કૃતિઓ’, પ્રસન્ન ન. વકીલ, પૃ. ૨૩૯ - ↑ * આ કૃતિનું કર્તૃત્વ શંકાસ્પદ છે. જુઓ `ગુજરાતી સાહિત્ય કોશ-1’ – સં.
- ↑ ‘પ્રાચીન કવિઓ અને તેમની કૃતિઓ’ – સંપાદક રમણીક શ્રીપતરામ દેસાઈ, પૃ. ૨૯૨.
- ↑ ‘દયારામ’, સં. ભોગીલાલ સાંડેસરા. પૃ. ૧૭
* ગિરધર વિશેનું લખાણ દેવદત્ત જોશીનું છે. – સં.