ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/જૈનસાહિત્ય – ૩

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૯ જૈન સાહિત્ય-૩ (ઈ. ૧૭૦૧-૧૮૫૦)

વાડીલાલ ચોકસી

ઈ. ૧૭૦૧થી ૧૮૫૦ સુધીના મધ્યકાલીન જૈન સાહિત્યના ૨૭૫ જેટલા સર્વ કવિઓને આવરી લેવાનું કાર્ય અતિ પ્રસ્તારી હોઈ, ફક્ત એ સ્તબકના અગ્રણી અને કેટલાક નોંધપાત્ર કવિઓની ચર્ચા કરવાનો ઉપક્રમ છે. બાકીના લગભગ ૨૩૦ કવિઓ તથા તેમની રચનાઓનાં નામોની યાદી પરિશિષ્ટમાં આપેલ છે. એ ઉપરથી આ છેલ્લા સ્તબકના જૈન ગુજરાતી સાહિત્યનો સંપૂર્ણ ખ્યાલ આવશે. આ સ્તબકના નોંધપાત્ર કવિ કીર્તિસુંદર (કાન્હજી) છે. તેમણે (૧) અવંતિસુકુમાર ચોઢાલીઉં (૧૭૦૧) (૨) માંકડરાસ (૧૭૦૧) (૩) અભયકુમારાદિ પંચ સાધુરાસ (૧૭૦૩) (૪) કોતુકપચીસી (૧૭૦૫) (૫) ચોબોલિ ચોપાઈ (૧૭૦૬) અને (૬) વાગ્વિલાસ કથાસંગ્રહ એમ છ કૃતિઓ આપી છે. છયે કૃતિઓ રૂઢ પરંપરાની પ્રણાલિકાગત કૃતિઓ છે. જો કે તેમાં માંકડરાસ વિલક્ષણ કૃતિ છે. બીજા કવિ મોહનવિજયે છ-એક રાસ રચ્યા છે. હરિવાહનરાજારાસ (૧૬૯૯), ૩૧ ઢાળમાં રત્નપાળરાસ ૬૬ ઢાળ અને ૧૩૭૨ ગાથામાં માનતુંગ-માનવતીરાસ (૧૭૦૪), ૪૭ ઢાળમાં વહેંચાયેલી ૧૦૧૫ ગાથામાં પુણ્યપાલ ગુણસુંદરીનો રાસ (૧૭૦૭), નર્મદાસુંદરીનો રાસ (૧૭૦૮) અને ઈ. સ. ૧૭૨૭માં ચંદરાજાનો રાસ ૮૭ ઢાળ અને ૫૦૦૦ ગાથામાં રચ્યો છે. માનતુંગ-માનવતી રાસ, સત્યવચનમહિમા તથા પુણ્યપાલ ગુણસુંદરીરાસ, નર્મદાસુંદરી રાસ અને ચંદરાજાનો રાસ આ કૃતિઓ શીલમહિમા વર્ણવે છે. લોકકથાને ધર્મના સિદ્ધાંતોના વિશિષ્ટ ઉદાહરણોરૂપ આ રાસોની રચનાઓ કરવામાં આવી છે. કવિ કેસરવિમળે વ્રતનિયમ વિષેનો લોકકથા પર આધારિત એવો વંકચૂલરાસ (૧૭૦૦) બારેજામાં રચ્યો હતો. બહારવટિયા બનેલા રજપૂતને ગુરુએ અજાણ્યું ફળ ન ખાવું, સાહસકાર્ય કરતાં પહેલાં નવ ડગલાં પાછા હઠવું, રાજાની પટરાણી સાથે સંભોગ ન કરવો અને કાગડાનું માંસ ન ખાવું એવા ચાર નિયમો આપ્યા. એ નિયમોને અનુસરતાં વંકચૂલને વિવિધ ચાર પ્રસંગે ચાર લાભ થયા અને સત્તા અને સમૃદ્ધિ પ્રાપ્ત થયાં. આ કેસરવિમળના શિષ્ય દાનવિજયે ૨૭ ઢાળની ૬૮૯ ગાથામાં ‘લલિતાંગરાસ’ ૧૭૦૫માં રચ્યો છે. લલિતાંગનું કથાનક પ્રાકૃતગ્રંથ ‘વસુદેવહિંડી’માં મળે છે. કવિએ પાર્શ્વનાથચરિત્રના પહેલા સર્ગને આધારે પ્રસ્તુત રાસની રચના કર્યાનું જણાવ્યું છે.

ભાગદેવસૂરીશ્વર નિર્મિત, શ્રી જિન પાર્શ્વનાથ ચરિત્ર રે
તેહતણેં છે પહિલેં સર્ગે, એ સંબંધ પવિત્ર રે
તેહ વિલોકી રાસ રચ્યો એ, ધર્મપક્ષનો વારૂ રે.

આ પછી કવિ અમરવિજય-(૨)/અમર સુમંગલરાસ (૧૭૧૫), મેતાર્ય ચોપાઈ (૧૭૩૦), રાત્રી ભોજન ચોપાઈ, સુપ્રતિષ્ઠિત ચોપાઈ (૧૭૩૮), કાલાસવેશી ચોપાઈ (૧૭૪૧), સુદર્શન ચોપાઈ (૧૭૪૨), ધર્મદત્ત ચોપાઈ (૧૭૪૭) અને કેશી ચોપાઈ (૧૭૫૦) એમ કુલ આઠ મોટી કૃતિઓ રચી છે. આ ઉપરાંત ભાવપચીસી (૧૭૦૫), પૂજાબત્રીસી (૧૭૪૩, ગાથા ૩૩) તથા સમ્યકત્વ ૬૭ બોલ સજ્ઝાય (૧૭૪૪) એમ ત્રણ નાની કૃતિઓ રચી છે. આશરે ૪૫ વર્ષના કવનકાળમાં કવિએ આઠ મોટી અને ત્રણ નાની કૃતિઓ રચી આ સ્તબકના જૈન ગુજરાતી સાહિત્યમાં પોતાનો ઉચિત ફાળો આપ્યો છે. લક્ષ્મીવિનયે આવશ્યક સૂત્રને આધારે ચાર ખંડમાં અભયકુમાર મહામંત્રીશ્વરરાસ (૧૭૦૪) રચ્યો છે. બુદ્ધિશાળી અમાત્યની ચાર પ્રકારની બુદ્ધિની કથા વર્ણવી છે. આ કવિએ ઢુંઢક મત અર્થાત્ સ્થાનકવાસી સંપ્રદાયના ઉદ્ભવના વિષય ઉપર ‘ઢુંઢક મતોત્પત્તિરાસ’ નામની, ઐતિહાસિકતાને કારણે લાક્ષણિક ગણી શકાય એવી કૃતિ પણ રચી છે. લાધાશાહે જંબુકુમારરાસ ૩૨ ઢાળ (૧૭૦૮), શિવચંદજીરાસ-સાત ઢાળ (૧૭૩૯), ચોવીસી (૧૭૦૪) અને સૂરત ચૈત્યપરિપાટી (૧૭૩૭) એમ ચાર કૃતિઓ આપી છે. જંબુકુમાર જૈનકથાનું પાત્ર છે, અને શિવચંદજી ઐતિહાસિક વ્યક્તિ છે. ઐતિહાસિક પ્રસંગ અને વ્યક્તિઓ પર રચાયેલી રાસરચનાઓમાં લાધાશાહકૃત ‘શિવચંદજીરાસ’ લાક્ષણિક કહી શકાય. આવી કૃતિઓ અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં ગદ્યપ્રકારની ‘જીવનચરિત્ર’ કૃતિઓની પુરોગામી ગણી શકાય. કવિ દેવવિજયે નેમરાજુલના ત્રણ બારમાસ અને રૂપસેનકુમારરાસ (૧૭૨૨) રચ્યાં છે. નેમરાજુલ બારમાસની સત્તર સત્તર કડીની ત્રણ ઊર્મિસભર લઘુરચનાઓ છે. ચૈત્રથી શરૂ કરી ફાગણ સુધીના દરેક માસ ઉપર એકેક કડી રચેલી છે. જાન લઈને પરણવા આવતા નેમિનાથ હરણાંનો પોકાર સાંભળીને જાન પાછી વાળે છે અને ગિરનાર પર્વત પર દીક્ષા લે છે, પત્ની રાજિમતી વિરહથી વ્યાકુળ બનીને અંતે વૈરાગ્ય પામે છે. ઋતુ ઋતુના માદક વાતાવરણમાં સ્ત્રી-પુરુષમાં ઉત્પન્ન થતી કામવૃત્તિને મુખ્યત્વે બારમાસીમાં વર્ણવવામાં આવે છે, પતિના વૈરાગ્યમૂલક અભિગમને કામ અને વિરહથી વ્યાપ્ત પત્ની પણ અંતે જીવનધર્મરૂપે સ્વીકારે છે. સ્થૂલિભદ્ર-કોશા, જંબુસ્વામી, વિજયાશેઠ–વિજયાશેઠાણી, ક્ષુલ્લકમુનિ વગેરે આ પ્રકારનાં ‘વસંતવિજય’ નહિ પરંતુ ‘વૈરાગ્યવિજય’ દર્શાવતી કથાઓનાં જાણીતાં પાત્રો છે. કવિની બીજી રચના રૂપસેનકુમારરાસ ચરિત્રકથા છે. આ પછીના ભાવરત્ન-૨/ભાવપ્રભસૂરિએ હરિબલમચ્છીરાસ (૧૭૧૧), અંબડરાસ (૧૭૧૯), મહિમાપ્રભસૂરિનિર્વાણ કલ્યાણકરાસ (૧૭૨૬), સુભદ્રાસતીરાસ (૧૭૪૧), બુદ્ધિવિમલાસતીરાસ (૧૭૪૩) એમ કુલ પાંચ રાસ રચ્યા છે. અંબડ-વિદ્યાધરની કથા એક અદ્ભુતરંગી રોમાંચક લોકકથા છે. પરંતુ આ કવિના અંબડરાસનું કથાનક ભિન્ન પ્રકારનું છે. તેમાં તો મહાવીરસ્વામીની શ્રાવિકા સુલસાને સમ્યક્ત્વ (શ્રદ્ધા)થી ચલિત કરવા દેવલોકમાંથી ઊતરી આવેલા અંબડદેવે અનેક પ્રયત્નો-પ્રપંચો કર્યા પરંતુ સુલસાનું સમ્યક્ત્વ દૃઢ રહ્યું અને તેથી અંબડે પણ સમકિત પ્રાપ્ત કર્યું – એ વસ્તુ છે. ‘મહિમાપ્રભસૂરિ નિર્વાણ કલ્યાણકરાસ’માં કવિએ પોતાના ગચ્છાધિપતિના જીવન અને નિર્વાણનું નિરૂપણ કર્યું છે. હરિબલ, સુભદ્રા આદિ પણ જૈન કથાઓનાં જાણીતાં પાત્રો છે. ઉપરોક્ત પાંચ રાસ ઉપરાંત આ કવિએ વીશી (૧૭૨૪), ચોવીશી (૧૭૨૭) અને અનેક ચોપાઈઓ, સવૈયા અને સજ્ઝાયો રચી છે. એટલે આ કવિ પણ રાસકાર ઉપરાંત ઊર્મિપ્રધાન કવિ પણ છે. કવિનો કવનકાળ આશરે ૩૨ વર્ષનો જણાય છે. આ કવિ ભાવરત્ન (-પાછળથી ભાવપ્રભસૂરિ બન્યા હતા એ વિચારતાં જણાય છે કે તેમનું ઓછામાં ઓછું આયુષ્ય લગભગ ૫૦ વર્ષ ઉપરનું હોવું જોઈએ. વિમલવિજયશિષ્ય રામવિજયે જીવિત વ્યક્તિવિશેષને ઉદ્દેશતી ‘વિજયરત્નસૂરિરાસ’ (૧૭૧૭) નામની કૃતિ આપી છે. ધર્મકથાઓ અને લોકકથાઓને આધારે થતી રાસરચનાઓ પેઠે આ સ્તબકમાં પ્રસંગવિશેષ અને વ્યક્તિવિશેષની આવી ઐતિહાસિક પ્રકારની રાસરચનાઓ રચાઈ છે એ નોંધપાત્ર છે. લાધાશાહના ‘શિવચંદજીરાસ’ની માફક આ પણ અર્વાચીન ‘જીવનચરિત્ર’ની પુરોગામી પ્રકારની રચના છે. કવિની બીજી કૃતિઓ નીચે પ્રમાણે છે : બાહુબલ સ્વાધ્યાય (૧૭૨૫), વીરજિનપંચ કલ્યાણક (૧૭૨૮) ચોવીસી, ૨૪ તીર્થંકર આંતરાનું સ્તવન. સુમતિવિજયશિષ્ય રામવિજયે તેજપાલરાસ (૧૭૦૫), ધર્મદત્ત ઋષિરાસ (૧૭૧૦), શાંતિજિનરાસ (૧૭૨૯) અને લક્ષ્મીસાગરસૂરિનિર્વાણરાસ (૧૭૩૨) એમ ચાર રાસ રચ્યા છે. તેજપાલ અને ધર્મદત્તવિષયક રાસરચનાઓ ચરિત્રાત્મક છે. શાંતિજિનરાસ ૧૬મા તીર્થંકર શાંતિનાથનું જીવનચરિત્ર છે. લક્ષ્મીસાગરસૂરિ નિર્વાણરાસ વ્યક્તિચરિત્ર-જીવનચરિત્ર છે. આ કવિએ એક વીસી અને એક ચોવીસી પણ રચ્યાં છે તેમનો કવનકાળ આશરે ૨૭ વર્ષનો જણાય છે. આ પછીના નોંધપાત્ર કવિ છે કવિ નિત્યલાભ. ધર્મપ્રચાર અને પ્રસ્તાર માટે જૈન સંપ્રદાયના અનેક સાધુઓએ લોકકથાના પ્રચલિત કથાનકને આધારે રસ સાથે બોધ-ઉપદેશ આપ્યો છે. આ બધા રચનારામાં કથાકાર કે કવિ તરીકેની શક્તિ સમાન ન હોય એથી ઘણી બધી રચનાઓનું મૂલ્ય ઐતિહાસિકથી વિશેષ નથી. પરંતુ આ બધા રચનારામાં કેટલાક કુશળ પદ્યકાર અને કથાનિરૂપણની સૂઝવાળા પણ જણાય છે. કનકસુંદર, કુશળલાભ વગેરે આ પ્રકારના કવિઓ છે. નિત્યલાભની કૃતિઓ પણ આ રીતે પ્રાસાદિક કહી શકાય તેવી છે. એમણે ૨૪ ઢાળમાં સદેવંતસાવલિંગારાસ (૧૭૨૬) અને વિદ્યાસાગરસૂરિરાસ (૧૭૪૪) એમ બે રચનાઓ આપી છે, સદેવંતસાવલિંગાની પ્રેમકથા લોકખ્યાત છે. વિદ્યાસાગરસૂરિરાસ પદ્યમય જીવનચરિત્ર છે.

મુનિ પદ્મવિજય

એમની (ઈ. ૧૭૩૬-૧૮૦૬)ની પ્રથમ કૃતિ અષ્ટકારી પૂજા ઈ. સ. ૧૭૬૩માં અને છેલ્લી કૃતિ જયાનંદકેવલીરાસ ઈ. સ. ૧૮૦૨માં રચાઈ છે. આમ કવિનો કવનકાળ ૪૦ વર્ષનો છે. કવિએ પોતાના ૭૦ વર્ષના આયુષ્યનાં ૪૦ વર્ષ સાહિત્યસેવામાં આપ્યાં છે. આ કવિએ નીચેની પાંચ મોટી કૃતિઓ આપી છેઃ (૧) ૧૬૮ ઢાળ અને ૫૫૦૩ કડીનો નેમનાથરાસ (૧૭૬૪) (૨) ૧૩ ઢાળ અને ૧૭૭૨ ગાથાનો ઉત્તમવિજયનિર્વાણરાસ (૩) હરિભદ્રસૂરિકૃત સમરાદિત્યકેવલીચરિત્રને આધારે નવખંડ-૯૦૦૦ કડીનો સમરાદિત્યકેવલી રાસ (૧૭૮૫) (૪) મદનધનદેવરાસ (૧૮૦૧) (સુમતિનાથચરિત્ર અને જયાનંદકેવલીચરિત્રના આધારે)–ઢાળ ૧૯, કડી ૪૫૯. (૫) મુનિસુંદરસૂરિરચિત જયાનંદકેવલીચરિત્રના આધારે નવખંડ-૨૦૦ ઢાળ-૬૦-૫૧૧ કડીનો જયાનંદ કેવલી રાસ (૧૮૦૨). કવિએ નીચેની લઘુ કૃતિઓ પણ રચી છેઃ (૧) અષ્ટપ્રકારી પૂજા (૧૭૬૩), (૨) મહાવીર સ્તવન (૧૭૭૪), (૩) જિનનાં કલ્યાણ સ્તવન (૧૭૮૧), (૪) પંચકલ્યાણ મહોત્સવ સ્તવન (૧૭૮૧), (૫) નવપદપૂજા (૧૭૮૨), (૬) સિદ્ધાચળનવાણુંયાત્રાપૂજા (નવાણુંપ્રકારીપૂજા) (૧૭૯૫), (૭-૮) બે ચોવીસી, (૯) ચોમાસીનાં દેવવંદન, (૧૦) વીરજિન સ્તવન (૨૪ દંડકગર્ભિત), (૧૧) ખંભાત ચૈત્યપાટીસ્તવન, (૧૨) સમકિત પચીસી સ્તવન (૧૭૫૫), (૧૩) સિદ્ધિચક્રાદિ નમસ્કારસંગ્રહ, (૧૬) સિદ્ધદંડિકા સ્તવન (૧૭૫૮), (૧૭) પંચકલ્યાણક સ્તવન (૧૭૬૧), (૧૮) પંચકલ્યાણક માસાદિ ગર્ભિત સ્તવન, (૧૯) સપ્તશતજિનનામ ગર્ભિત સ્તવન, (૨૦) સ્તવનાવલિ, (૨૧) નેમિજિનાદિ સ્તુતિ સંગ્રહ, (૨૨) ગંહુલી સ્તવન સંગ્રહ, (૨૩) ગંહુલી સંગ્રહ, (૨૪) હરીઆલીઓ. આ સિવાય કવિએ ઊર્મિકાવ્યપ્રકાર જેવાં નીચેનાં સ્તવનો રચેલાં છેઃ (૧) આબુજી સ્તવન, (૨) સિદ્ધાચળ સ્તવન, (૩) સીમંધર સ્તવન–‘સુણોચંદાજી’થી શરૂ થતું આ સ્તવન આજે પણ અતિ લોકપ્રિય છે. નમૂના માટે થોડીક પંક્તિઓ જોઈએઃ

તુમ સેવા કરવા રસિયો છું, પણ ભરતમાં દૂરે વસિયો છું,
મહામોહરાય કર ફસિયો છું: સૂણો ચંદાજી–

પણ સાહિબ ચિત્તમાં ધરિયો છે, તુજ આણા ખડ્ગ કર ગ્રહિઓ છે,
તો કાંઈક મુજથી ડરિયો છે–સુણો ચંદાજી.

ભાષા સરળ અને પ્રાસાદિક છે. (૪) ‘જાત્રા નવ્વણું કરીએ વિમળગિરી’ – એ શત્રુંજયનું સ્તવન પણ એક લોકપ્રિય ઊર્મિપ્રધાન સ્તવન છે. (૫) સહસ્ત્રફણા પાર્શ્વનાથ સ્તવન.

કવિની કેટલીક સજ્ઝાયો ઊર્મિસભર અને અતિ લોકપ્રિય છે : (૧) ‘વણઝારાની સજ્ઝાય’માં જીવને-આત્માને વણઝારાની ઉપમા આપી છે અને આ માનવનગરમાંથી ઉચ્ચ કોટિનું કરિયાણું (સુંદર આત્મભાવો) લઈ જીવ મોક્ષનગર જવા નીકળ્યો છે. ક્રોધ, માન, માયા, લોભને જીતી જીવ રાગદ્વેષનો નાશ કરે છે અને પછી ક્ષય અને ઉપશમ ભાવનામાં આવી ક્ષાયિક ભાવને પ્રાપ્ત કરે છે. આત્મોન્નતિને આડે આવતાં સઘળાં વિઘ્નો દૂર કરી છેવટે જીવ મોક્ષનગરમાં પહોંચે છે. નમૂનારૂપે કેટલીક કડીઓ જોઈએ:

નરભવનયર સોહામણૂં વણઝારા રે! પામીને કરજે વ્યાપાર,
અહો મોરા નાયક રે.
મોક્ષનગર જાવા ભણી વણઝારા રે, કરજે તે ચિત્ત અનુકૂલ, અહો૰
ક્રોધ દાવાનળ ઓળવી વણઝારા રે, માન વિષમ ગિરિરાજ. અહો૰
ઓળંગજે હળવે કરી વણઝારારે, પડણનું નહિ કામ
વંશજાળ માયાતણી વણઝારા રે, નવિ કરજે વિશ્રામ. અહો૰
ખાડી મનોરથ ભવતણી વણઝારા રે, પૂરણનું નહિ કામ, અહો૰
ઉત્તમ વણજ જે એમ કરે વણઝારા રે, પદ્મ નમે વારંવાર અહો૰

કવિની બીજી સજ્ઝાય ‘સાંભળજો તુમે અદ્ભુત વાતો, વયરકુંવર મુનિવરની રે’ પણ એટલી જ લોકપ્રિય છે. તેમાં ટૂંકામાં વજ્રસ્વામીની જીવનપ્રશસ્તિ આવે છે. આ બંને સજ્ઝાયોમાં ગેયત્વ, લયનું તત્ત્વ તથા રૂપકનો સુંદર ઉપયોગ જોવા મળે છે. કવિની રાસરચનાઓ કરતાં કવિની પૂજાઓ, સ્તવનો, સ્તુતિઓ અને સજ્ઝાયોએ આમ વર્ગને સારા પ્રમાણમાં આકર્ષ્યો છે. ઊર્મિપ્રધાન કવિ તરીકે કવિ પદ્મવિજયનું સ્થાન જૈન ગુજરાતી સાહિત્યમાં ઊંચું છે. પદ્ય ઉપરાંત એમણે કેટલીક બાલાવબોધો અને સ્તબક જેવી ગદ્યરચનાઓ પણ કરી છે.

અન્ય કવિઓ

એમના પછીના કવિ સુજ્ઞાનસાગરે ૬ ખંડ ૧૭ ઢાળ, અને ૫૩૩ કડીનો ‘ઢાલમંજરી-ઢાલસાગર’ યાને ‘રામરાસ-રઘુવંશ’ (૧૭૬૬) રચ્યો છે. તેમાં સીતાનો અગ્નિપ્રવેશ, સીતા-લવકુશનો અયોધ્યાપ્રવેશ, શીલગુણવૃદ્ધિ અને પ્રવજ્યા, લક્ષ્મણના મૃત્યુવિયોગે રામનો વૈરાગ્ય ઇત્યાદિનું વર્ણન છે. આ કવિની બીજી કૃતિ ‘અધ્યાત્મનયેન ચતુવિંશતિ સ્તવન’ એક ઊર્મિકાવ્ય છે. આ પછીના કવિ દર્શનસાગરે ૬ ખંડ, ૧૭૭ ઢાળ અને ૪૭૯૭ કડીનો આદિનાથરાસ (૧૭૬૮) રચ્યો છે. કવિ વિજયલક્ષ્મીસૂરિએ જ્ઞાનદર્શનચારિત્ર સંવાદરૂપ વીરસ્તવન (૧૯૬૧), ષટ્અષ્ટાહ્નિક (છ અઠ્ઠાઈ) સ્તવન (૧૭૭૮), વીશ સ્થાનક પૂજા સ્તવન (૧૭૮૯), ચોવીશી, જ્ઞાનપંચમી દેવવંદન આદિ કૃતિઓ રચી છે. તેમણે નીચેની સજ્ઝાયો પણ રચી છે. (૧) રોહિણી સજ્ઝાય (૨) ભગવતી સજ્ઝાય (૩) મૃગાપુત્ર સજ્ઝાય અને જ્ઞાનપંચમી સજ્ઝાય. કવિ ભાણવિજયે ૪ ખંડ, ૪૩ ઢાળ, અને ૫૭૯૭ કડીનો વિક્રમાદિત્ય પંચદંડરાસ (૧૭૭૪), તથા ચોવીશી રચી છે. કવિ ફકીરચંદે ‘બૂઢાલારી ચોપઈ’ (૧૭૮૦) રચી છે. આ કૃતિને બુઢાચરિત્ર રાસ-ઢાલ તથા બુઢાનો રાસ એવાં શીર્ષકો પણ આપેલાં જોવા મળે છે. આ કૃતિઓમાં કવિએ કન્યાવિક્રય અને વૃદ્ધ લગ્ન સામે બંડ પોકાર્યું છે. અર્વાચીન કવિઓ નર્મદાશંકર અને દલપતરામ પહેલાં ઊઠેલા ખોટી રૂઢિ સામેના અવાજના નમૂનારૂપે આ કૃતિ નોંધપાત્ર છે. કવિએ આ વસ્તુને કળજુગની નિશાની કહી છે. જૂની રાજસ્થાની ભાષાના નમૂના તરીકે પણ આ કૃતિ ઉપયોગી છે. આ પછીના ગૃહસ્થ કવિ વસ્તાએ ૯૧ કડીનો ‘જુઠા તપસીનો શલોકો’ (૧૭૮૦) રચ્યો છે. તેમાં સ્થાનકવાસી જુઠા નામના મુનિની પ્રશસ્તિ છે. એમની પછીના નોંધપાત્ર કવિ ઋષભસાગરે ૪ ઉલ્લાસ, ૩૫ ઢાળ અને ૧૫૩૦ ગાથામાં વિનયચટરાસ (૧૭૭૪), શત્રુંજયરાસ (૧૭૮૬) તથા ૭૩૫ કડીનો પ્રેમચંદસંઘવર્ણનરાસ (સિદ્ધાચળરાસ) (૧૭૮૭) એમ ત્રણ રાસ રચ્યા છે. કવિ ફતેન્દ્રસાગરે વિજયચંદકેવલી ચરિત્રના આધારે ‘અષ્ટપ્રકારીપૂજારાસ’ રચ્યો છે. કવિ રૂપચંદે શ્રીપાલચોપાઈ (૧૭૮૦), ધર્મપરીક્ષારાસ (૧૮૦૩), પંચેન્દ્રીની ચોપાઈ (૧૮૧૭), રૂપસેનચોપાઈ (૧૮૨૨) અને અંબડરાસ (૧૮૨૪) એમ પાંચ મોટા રાસ રચ્યા છે. આઠ ખંડની છેલ્લી કૃતિ અંબડરાસમાં પ્રસ્તુત અંબડ તે અગાઉ જોઈ ગયા તે કવિ ભાવરત્ન (૨)-ભાવપ્રભસૂરિના અંબડરાસમાં આવે છે તે મહાવીર સ્વામીના શિષ્ય અંબડ નહિ પણ વિક્રમરાજાના સમયમાં ગોરખયોગિનીના વચનથી શ્રી અને સત્તા પામતું અદ્ભુતરસિક લોકકથાનું પાત્ર છે. આ અંબડ વિષે મુનિરત્નસૂરિએ ગદ્યપદ્યમાં સંસ્કૃતમાં અંબડચરિત્ર રચેલું છે. મધ્યકાલીન લોકકથાના અભ્યાસ માટે આ અંબડકથા મહત્ત્વની છે. કવિ માલે અષાઢભૂતિનું ચોઢાલીઉં (૧૭૫૪), એલાચીકુમાર છઢાલીઉં (૧૭૯૯), ઈષુકાર કમલાવતી છઢાલીઉં (૧૭૯૯) અને ષડ્બંધવ (છભાઈનો) રાસ (૧૮૦૧) એમ ચાર કૃતિઓ રચી છે. છેલ્લી કૃતિ ‘ષટ્બાંધવરાસ’માં કવિએ ગજસુકુમાર અને કૃષ્ણના બીજા છ ભાઈઓની રસપ્રદ અને બોધક કથા નિરૂપી છે. ચારેક મોટી કૃતિઓ રચી આ સ્તબકના સાહિત્યમાં આ કવિએ સારો ફાળો નોંધાવ્યો છે. આ કવિનો કવનકાળ આશરે ૪૨ વર્ષનો છે. કવિ માલ પછી કવિ રાયચંદ (૩)એ ચેલણા ચોઢાલીઉં (૧૭૬૪), પ્રવચનમાતાઢાલ (૧૭૬૫), ચેતનપ્રાણી સજ્ઝાય (૪ ઢાળ), ૧૫૦ કડીનો ગૌતમસ્વામી રાસ (૧૭૭૮), કલાવતીચોપાઈ (૧૭૮૧), ૬૨ ઢાળની મૃગલેખના ચોપાઈ (૧૭૮૨), ૪૭ ઢાળનું ઋષભચરિત્ર (૧૭૮૪), ૨૮ ઢાળની નર્મદાસતીચોપાઈ (૧૭૮૫), અષાઢભૂતિ ચોઢાલીઉં-પંચઢાલીઉં (૧૭૮૦) અને મહાવીર ચોઢાલીઉં એ દશ કૃતિઓ રચી છે. કવિની બીજી નાની કૃતિઓ છેઃ કૃપણપચીશી, કપટપચીશી, સમાધિપચીશી (૧૭૭૭), લોભપચીશી (૧૭૭૮), જ્ઞાનપચીશી (૧૭૭૯) અને જોબનપચીશી (૧૭૮૪), આ ઉપરાંત કવિએ ઘણાં સ્તવનો અને સજ્ઝાયો પણ રચ્યાં છે. આશરે ૨૭ વર્ષના પોતાના સર્જનકાળમાં કવિએ દશ મોટી કૃતિઓ, આઠેક નાની કૃતિઓ તથા સ્તવનો, સજ્ઝાયો આદિનું માતબર સાહિત્ય પીરસ્યું છે. કવિ જેમલે નેમચરિત્ર ચોપાઈ-નેમરાસ (૧૭૪૮), સાધુવંદના (૧૭૫૧), ૨૨ ઢાળનો પરદેશી રાજાનો રાસ, અર્જુનમાલીની છ ઢાળ (૧૭૬૪), અવંતીસુકુમાલ ચોઢાલીઉં (૧૭૬૯) અને ખંધકચોપાઈ (૧૭૫૫) એ છ મોટી કૃતિઓ રચી છે. તદુપરાંત દિવાળી સજ્ઝાય, ચંદ્રગુપ્ત ૧૬ સ્વપ્ન સજ્ઝાય, કમલાવતી સજ્ઝાય અને સ્થૂલભદ્ર સજ્ઝાય એ ચાર સજ્ઝાયો-ઊર્મિકાવ્યો પણ રચ્યાં છે. આ કવિ ઉપર કોઈ અજ્ઞાત કવિએ ‘જેમલજીગુણવર્ણન’ કાવ્ય-૩ ઢાળ-૫૩ કડી-લખ્યું છે. કવિનો કવનકાળ આશરે ૨૧ વર્ષનો છે. કવિ દીપવિજય-૨ એ બે હજાર કડીનો ઐતિહાસિક સોહમકુલપટ્ટાવલીરાસ (૧૮૨૧) રચ્યો છે. તેમાં મહાવીરસ્વામીના પાંચમા ગણધર સુધર્માસ્વામીથી માંડી કવિના ગચ્છાધિપતિ રત્નસૂરિ સુધીના ૨૦૦૪ આચાર્યોની પાટપરંપરા વિગતવાર વર્ણવી છે. આ પ્રકારની અન્ય રચનાઓ તરીકે મુનિસુંદરસૂરિકૃત પટ્ટાવલી, ધર્મસાગર ઉપાધ્યાયકૃત દુપસહયંત્ર, દેવેન્દ્રસૂરિકૃત પ્રભાવકચરિત્ર અને કલ્પસૂત્ર થેરાવલી ઉલ્લેખનીય છે. ઉપરાંત કવિની બીજી ૪ કૃતિઓ છે. રોહિણીસ્તવન (૧૮૦૩), કેશરીયાજી લાવણીરૂષભદેવસ્તવન (૧૮૧૯), પાર્શ્વનાથ પાંચ વધાવા (૧૮૨૩), કાવીતીર્થ વર્ણન (ઐ.) ૩ ઢાળ (૧૮૩૦), અડસઠ આગમની અષ્ટપ્રકારીપૂજા (૧૮૩૦), નંદીસર મહોત્સવપૂજા (૧૮૩૨), ૮૩ ગાથાની સૂરતકી ગજ્જલ (હિંદીમાં) (૧૮૨૧), ૧૦૩ ગાથાની ખંભાતકી ગજ્જલ, ૮૫ ગાથાની જંબુસરકી ગજ્જલ, ૧૨૭ ગાથાની ઉદેપુરકી ગજ્જલ, વટપ્રદ (વડોદરા)ની ગજ્જલ (૧૭૯૬) મહાવીર પંચકલ્યાણના વધાવાપાંચ, માણિભદ્ર છંદ, ચંદનો ગુણાવલિ પર કાગળ-૩૨ કડી, અષ્ટાપદપૂજા (૧૮૩૬). આ કવિએ બે ગદ્યકૃતિઓ પણ રચી છે. દીપવિજય (૩) એ ચોવીશી (૧૮૨૨ પહેલાં) અને ‘સુરસુંદરી મહાત્મ્યગર્ભિત છંદ’ (૫૬ કડી) (૧૮૨૯) રચ્યાં છે.

વીરવિજય/‘શુભવીર’

હવે આવે છે આ સ્તબકના એક અગ્રણી કવિ પંડિત વીરવિજય. એમનો જન્મ ૧૭૭૩/૭૪માં થયો હોવાનું મનાય છે. તેમનું મૃત્યુ ઈ. ૧૮૫૨માં થયું હતું. કવિની પ્રથમ કૃતિ ‘સુરસુંદરીરાસ’ ૧૮૦૧માં રચાઈ છે અને કવિની છેલ્લી બે કૃતિઓ ‘સંઘવણ હરકુંઅર સિદ્ધિક્ષેત્ર સ્તવન’ તેમજ ‘મહાવીરના ૨૭ ભવનું સ્તવન’ ૧૮૫૨માં રચાયાં છે એ જોતાં કવિનો કવનકાળ લગભગ બાવન વર્ષનો થવા જાય છે. દીક્ષાપૂર્વે આ સાધુકવિ બ્રાહ્મણજ્ઞાતિના હતા. એમનું નામ કેશવ હતું. શુભવિજય પાસે એમણે દીક્ષા લીધેલી. એમણે આ ગુરુનામ પોતાની કૃતિઓમાં, પોતાની નામછાપ દર્શાવતાં હંમેશા વાપર્યું છે એટલે વીરવિજયની કૃતિઓ ‘શુભવીર’ નામે મળે છે.

કવન : મોટી કૃતિઓ (૧) ચાર ખંડ, ૫૨ ઢાળ, ૧૫૮૪ કડીનો સુરસુંદરીરાસ (૧૮૦૧) (૨) ૭૨ ઢાળ, ૩૬૦૦ કડીનો ધમ્મિલકુમાર રાસ (૧૮૪૦) (૩) ૫૭ ઢાલ, ૧૯૯૧ કડીનો ચંદ્રશેખરરાસ (૧૮૪૬), (૪) અષ્ટપ્રકારીપૂજા (૧૮૦૨) (૫) ૨૨ ઢાલ, ૧૫૧ કડી નિમિનાથ વિવાહલો-વિવાહ ગરબો (૧૮૦૪) (૬) શુભવેલી (૧૮૦૪) (૭) ૧૮ ઢાળ, ૨૪૬ કડીની સ્થૂલિભદ્રજીની શીયલવેલ (૧૮૦૬) (૮) ૫ ઢાળની દશાર્ણભદ્ર સજ્ઝાય (૧૮૦૭), (૯) ૧૧ ઢાળ, ૨૧૨ કડીનું કોણિકરાજાભક્તિગર્ભિત વીરસ્તવનકોણિકનું સામઈયું (૧૮૦૮) (૧૦) ત્રિકચતુર્માસ દેવવંદનવિધિ-ચોમાસી દેવવંદન વિધિસહિત (૧૮૦૯) આ કૃતિમાં ૨૪ ચૈત્યવંદન, ૫ સ્તવન, ૫ સ્તુતિનાં જોડા-એટલે ૫ તીર્થનાં સ્તવનો અને (૫x૪) ૨૦ સ્તુતિઓ છે. એક રીતે આ ઉર્મિપ્રધાન નાની કૃતિઓનો સંગ્રહ છે. (૧૧) ચોસઠપ્રકારી પૂજા (૧૮૧૮) આ કૃતિમાં આઠ કર્મએ દરેક પર આઠ આઠ પૂજા એટલે ૬૪ પૂજા છે. (૧૨) પિસ્તાળીસ આગમગર્ભિત અષ્ટપ્રકારી પૂજા-૪૫ આગમની પૂજા (૧૮૨૫) : આ પણ ઊર્મિપ્રધાન કાવ્યોનો સંગ્રહ છે. (૧૩) નવાણું પ્રકારી પૂજા, શત્રંજયમહિમાગર્ભિત (૧૮૨૮) (૧૪) બારવ્રતની પૂજા (૧૮૩૧) ઊર્મિપ્રધાન કાવ્યોનો સંગ્રહ, (૧૫) એક્યાસી ગાથાનું ભાયખલ્લા (મુંબઈપુરીસ્થ) ઋષભચૈત્ય સ્તવન (૧૮૩૨), (૧૬) પંચકલ્યાણ પૂજા (૧૮૩૩) ઊર્મિપ્રધાન કાવ્યોનો સંગ્રહ, (૧૭) ૭ ઢાલનું અંજનશલાકા સ્તવન (૧૮૩૭), મોતીશા નામના શેઠે પાલીતાણામાં આદીશ્વરની ટૂંક સામે કુતાસરનો મોટો ખાડો પૂરાવી ત્યાં એક મોટી ટૂંક બંધાવી તેની અને ઋષભદેવ, પુંડરિક પ્રમુખની ત્રણસો નવી પ્રતિમાઓ ભરાવી તેની અંજનશલાકા વગેરેમાં નવ લાખ પાંત્રીસ હજાર રૂપિયા ખર્ચ્યા. આ અને અન્ય પ્રસંગની આ સ્તવનમાં સ્તુતિ છે. આજે પણ તે મોતીશાની ટૂંક તરીકે વિખ્યાત છે. પાલીતાણામાં કુલ નવ ટૂંક કહેવાય છે. તેમાં આ મોતીશાની ટૂંક આઠમી છે. (૧૮) મહાવીરના ૨૭ ભવનું સ્તવન (૧૮૫૨)–૭૨ કડીનું આ સ્તવન રાગ અને લયથી ભરપૂર છે અને તેમાં અનોખું ગેયત્વ રહેલું છે. (૧૯) હઠીસિંગની અંજનશલાકાનાં ઢળિયાં ૬ ઢાળ (૧૮૩૭). આ કૃતિમાં અમદાવાદના પ્રસિદ્ધ હઠીસિંગના મંદિરની સ્થાપના પ્રતિમાપ્રતિષ્ઠાનું વર્ણન આવે છે. (૨૦) સિદ્ધાચળ ગિરનાર સંઘ સ્તવન (૧૮૪૯) સાત ઢાળ – આમાં અમદાવાદના શેઠ પ્રેમાભાઈ હેમાભાઈના સંઘનું વર્ણન છે. (૨૧) સંઘવણ હરકુંઅર સિદ્ધિક્ષેત્ર સ્તવન (૧૮૫૨). આ કૃતિમાં હરકુંઅર શેઠાણીએ કાઢેલા સિદ્ધાચળ-ગિરનારના સંઘનું વર્ણન છે. (૨૨) ગંહુલીસંગ્રહ અને (૨૩) સ્નાત્રપૂજા. આ કવિ એકલા રાસકાર જ નહિ પણ એક સમર્થ ઊર્મિપ્રધાન કવિ પણ છે. સ્તવન, સજ્ઝાય, પૂજા આદિ તેમનાં બીજાં સેંકડો ઊર્મિકાવ્યો જોવા મળે છે. જેમાં નીચેનાં ખાસ નોંધપાત્ર છે. (૧) આમલકી ક્રીડા સ્તવન, (૨) પૂજા અવસરે સ્તુતિરૂપ દુહા-૧૦ ‘જલભરી સંપુટપત્રમાં’ વગેરે, (૩) સ્થૂલિભદ્ર નાટક-૩-કડી (૪) વયરસ્વામી ફૂલડાં-૮ કડી, (૪) અક્ષયનિધિ તપસ્તવન ઢાળ પાંચ (૧૮૧૫), (૫) સિદ્ધાચળ ખમાસમણા દુહા-૨૧, (૬) નેમનાથ રાજમતી બારમાસી-૧૮ કડી, (૭) હિતશિક્ષા છત્રીશી-૩૬ કડી, (૮) છપ્પન દિક્કુમારી રાસ-૨ ઢાળ, (૮) રહનેમી સજ્ઝાય-૧૩ કડી, (૧૦) શત્રુંજયતીર્થ-૨૧ નામના દુહા. કવિની પ્રથમ સાહિત્યકૃતિ, સુરસુંદરીરાસ ૨૨૭૧ શ્લોકના કોઈ સંસ્કૃત કે પ્રાકૃત ‘સુરસુંદરી ચરિત્ર’ ઉપરથી રચેલી છે. આ પહેલાં સત્તરમા શતકના કવિ નયસુંદરે તેમજ બીજા અનેક કવિઓએ આ વિષય ઉપર કૃતિઓ રચી છે. કવિ ક્ષેમવર્ધને ‘સુરસુંદરી અમરકુમાર રાસ’ રચ્યો છે. આ બધી કૃતિઓ એક બીજા સાથે સરખાવવા જેવી છે. કવિનો ‘ધમ્મિલકુમારરાસ’ પ્રાકૃતગ્રંથ વસુદેવહિંડીના આધારે રચાયેલો છે. આ રાસમાં તપ અને વ્રત નિયમ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. ધમ્મિલકુમારે આશંસાસહિત છ માસનું આયંબિલતપ કર્યું અને તેના પ્રતાપે સુખસમૃદ્ધિ પ્રાપ્ત થઈ એ વસ્તુ આ રાસનો વિષય છે. ચંદ્રશેખરરાસમાં કવિએ આશંસારહિત તપનું ફળ બતાવ્યું છે. આશંસારહિત ભાવે રોમાંચ અનુભવી ભક્તિભાવે મુનિને દાન દેવાથી-સુપાત્રદાનથી શાલિભદ્ર બીજા ભવમાં દેવનાં સુખ ભોગવી અંતે મોક્ષસુખ પામ્યા. રાજા ચંદ્રશેખર પણ આશંસારહિત ભાવે મુનિને દાન દેવાથી આ સંસારને તરી ગયા. મોક્ષસુખ પામ્યા આશંસારહિત તપનું ફલ આશંસાસહિત તપ કરતાં ચઢી જાય છે એ આ રાસનું મુખ્ય વસ્તુ છે. આ રાસ શેઠ સવાભાઈ રાયચંદે અમદાવાદમાં પ્રસિદ્ધ કર્યો છે. (ઈ. ૧૮૯૯). આ ત્રણ રાસ ઉપરાંત કવિની વિવિધ પ્રકારની મોટી પૂજાઓ આદિ બીજી વીસેક કૃતિઓ ઊર્મિસભર કૃતિઓ છે. તે ઉપરાંત કવિનાં બીજાં ૧૦૦ જેટલાં સ્તવન સજ્ઝાય આદિ ઊર્મિકાવ્યોએ લોકોનાં હૃદયને જીતી લીધાં છે. કવિનું ૧૮ કડીનું ‘નેમિનાથ રાજેમતિ બારમાસ’ કાવ્ય પણ એક ઊર્મિપ્રધાન કાવ્ય છે. તેમાં આદિનાથ, શાંતિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીરસ્વામી આદિ ચોવીસે તીર્થંકરોના દેવદેવીઓએ કરેલા જન્મ મહોત્સવનું હૂબહૂ ભાવવાહી અને ચિત્રાત્મક વર્ણન છે. આમ આ કવિ મધ્યકાલીન રાસસાહિત્ય અને ઊર્મિપ્રધાન કવિતાના છેલ્લા પ્રતિનિધિ સમાન છે. એટલું જ નહિ પણ આ સ્તબકના છેલ્લા અગ્રણી કવિ છે. મધ્યકાળના આરંભથી તે અંત સુધી જૈન રાસપરંપરાની રચનાઓને તેમજ જૈનપૂજા સાહિત્ય અને ઊર્મિપ્રધાન કવિતાને જાળવી રાખનારા અનેક સમર્થ કવિઓમાંના આ છેલ્લા સમર્થ કવિ છે.

અન્ય કવિઓ

કવિ રઘુપતિ (રૂપવલ્લભ) એ નંદિષેણ ચોપાઈ (૧૭૪૭), શ્રીપાલચોપાઈ (૧૭૫૦), ૫૪૦ ગાથા ને ૨૧ ઢાળની સુભદ્રાચોપાઈ (૧૭૬૯), ૨૫૦ ગાથાની રત્નપાલ ચોપઈ (૧૮૧૩) એ ચાર મોટી કૃતિઓ આપી છે. તેમની અન્ય નાની કૃતિઓ છે : (૧) ગોડીપાર્શ્વસ્તવન (૧૭૩૬), (૨) સુગુણબત્તીસી-૩૨ કડી (૩) ગોડીછંદ (૪) કરણીછંદ (૫) નાકાડા પાર્શ્વસ્તવન (૧૭૩૬) (૬) બીકાનેર શાંતિસ્તવન (૧૭૬૧) (૭) જૈનસારબાવની-ગાથા ૬૨ (૧૭૪૬) (૮) કુંડલિયા બાવની-ગાથા ૫૭ (૧૭૫૨) (૯) ઋષિપંચમી ગાથા ૫૮ (૧૦) જિનદત્તસૂરિછંદ-ગાથા ૩૫ (૧૭૮૩), (૧૧) ઉપદેશબત્રીસી (૧૨) પ્રાસ્તાવિક છપ્પબાવની (૧૭૬૯), (૧૩) ઉપદેશપચીસી (૧૪) ઉપદેશબત્રીસી (૧૫) ઉપદેશરસાલબત્રીસી (૧૬) દૌષગર્ભિત સ્તવન-ગાથા ૩૨ અને (૧૭) ૭૨ મિથ્યાત્વભેદસ્તવન ગાથા ૩૧. આ કવિ પણ એક સારા રાસકાર અને ઊર્મિપ્રધાન કવિ છે અને આ સ્તબકના સાહિત્યમાં સારો ફાળો નોંધાવે છે. તેમનો કવનકાળ આશરે ૭૭ વર્ષનો જણાય છે. એ હિસાબે તેમનું આયુષ્ય પણ આશરે ૯૦ વર્ષનું કલ્પી શકાય. કવિ અમર-અમરવિજયે સુમંગલરાસ (૧૭૧૫), મેતાર્યચોપઈ (૧૭૩૦), રાત્રિભોજન ચોપઈ (૧૭૩૧), સુપ્રતિષ્ઠિત ચોપઈ (૧૭૩૮), કાલાસવેસી ચોપઈ (૧૭૪૧), સુદર્શન ચોપઈ (૧૭૪૨), ધર્મદત્ત ચોપઈ (૧૭૪૭) અને કેશી ચોપઈ (૧૭૫૦) એમ આઠ મોટી કૃતિઓ આપી છે. તેમની અન્ય નાની કૃતિઓ નીચે પ્રમાણે છે : (૧) ભાવપચીસી ગાથા ૨૬ (૧૭૦૫) (૨) પૂજાબત્તીસી-ગાથા ૩૩ (૧૭૪૩) (૩) સમ્યકત્વ ૬૭ બોલ સજ્ઝાય (૧૭૪૪). કવિનો કવનકાળ આશરે ૪૫ વર્ષનો છે. આ સ્તબકના બીજા નોંધપાત્ર કવિ છે કવિ પદ્મવિજયના શિષ્ય રૂપવિજય. તેમણે ગુણસેનકેવલીરાસ (૧૮૦૫), ૧૨ ઢાળનો પદ્મવિજય નિર્વાણરાસ (૧૮૦૬) અને ચાર ખંડનો વિમલમંત્રીરાસ (૧૮૪૪) તથા પૃથ્વીચંદ્ર ગુણસાગર ચરિત્ર એવા ચાર રાસ રચ્યા છે. તે ઉપરાંત આ કવિની અન્ય કૃતિઓ નીચે પ્રમાણે છે. (૧) અષ્ટપ્રકારીપૂજા (૧૮૨૩), (૨) ૨૧ ઢાળની વીર સ્થાનકપૂજા (૧૮૨૭), (૩) સ્નાત્રપૂજા (૧૮૨૮ પહેલાં) (૪) પિસ્તાળીસ આગમપૂજા (૧૮૨૯), (૫) ૧૧ ઢાળની પંચજ્ઞાનની પૂજા (૧૮૩૧), (૬) પંચકલ્યાણકપૂજા (૧૮૩૩). આ ઉપરાંત કવિનાં બીજાં ઊર્મિકાવ્યો નીચે પ્રમાણે છેઃ (૧) અજિતનાથ જન્માભિષેક (૨) મહાવીર સત્તાવીશ ભવસ્તવન (૩) અરણિકમુનિ સજ્ઝાય (૪) મન સ્થિર કરવાની સજ્ઝાય (૫) આત્મબોધ સજ્ઝાય (૬) નેમરાજુલ સજ્ઝાય (૭) તારંગા સ્તવન આ પછી આવતા કવિ જ્ઞાનસાગર શાસ્ત્રાભ્યાસ અને સ્વાનુભવથી મસ્તયોગી, કવિ, અને અધ્યાત્મી થયા હતા. તેમણે પોતાની કૃતિઓ પ્રાયઃ હિંદીમાં અને ક્વચિત્ રાજસ્થાની ગુજરાતી મિશ્રિત હિંદીમાં કરેલી છે. તેમનું પ્રસિદ્ધ નામ નારાયણજીબાબા હતું. કવિની ગુજરાતી કૃતિઓ છે : (૧) દંડક ભાષા ગર્ભિત સ્તવન ૨૬ કડીનું (૧૮૦૫) (૨) જીવવિચારભાષા ગર્ભિત સ્તવન-૨૯ કડી (૧૮૦૫) (૩) નવત્વ ભાષા ગર્ભિત સ્તવન-૩૩ કડી (૧૮૦૫) કવિ ઋષભવિજયે વત્સરાજરાસ–ચાર ઉલ્લાસ, ૫૬ ઢાળ અને ૨૦૧૭ કડી (૧૮૧૬), નેમિનાથવિવાહલો-૧૭ ઢાળ, (૧૮૩૦), રામસીતાનાં ઢાલીયાં-૭ ઢાળ (૧૮૪૭) રચ્યાં છે. કવિએ ખંધકમુનિ સજ્ઝાય-૩ ઢાળ (૧૮૨૧), ૧૫ તિથિ, રાજિમતી બારમાસ અને સ્થૂલિભદ્ર સજ્ઝાય પણ રચેલ છે. કવિની આ છેલ્લી સજ્ઝાય ‘શ્રીસ્થૂલિભદ્રજી મુનિગણમાં શિરદાર જો’ એ પંક્તિથી શરૂ થાય છે. તે સંવાદરૂપમાં રચાઈ છે અને પ્રાસાદિકતા, ગેયત્વ તથા અલંકારાદિથી અતિ લોકપ્રિય બની છે. કવિએ તેમાં શૃંખલાબદ્ધ અલંકાર વાપર્યા છે. કવિએ તેમાં વાપરેલી કેટલીક સુંદર કહેવતો પણ નોંધપાત્ર છે. નમૂના માટે જોઈએ : (૧) દર્પણની છાયાના જેવું રૂપ જો’. (૨) ‘સ્વપ્નાની સુખલડી ભુખ ભાંગે નહિ જો’. (૩) ‘પાણી માંહે પંકજ કોરું જાણીએ જો’. (૪) ‘ઢાંક્યો અગ્નિ ઉઘાડ્યો પરજાળે જો’. મારા ડૉક્ટરેટના મહાનિબંધ ‘સત્તરમા શતકના પૂર્વાધના જૈન ગુજરાતી કવિઓ’માં મેં ‘ઋષભ કહે નિત્ય તેહને મારી વંદના રે’ એ આ સજ્ઝાયની છેલ્લી પંક્તિના આધારે આ સજ્ઝાય એ મહાકવિ ઋષભદાસની માની લીધી છે તે ભૂલ છે. આ સજ્ઝાય ૧૭મા શતકના કવિ ઋષભદાસની નહિ પણ ઓગણીસમી સદીના આ કવિ ઋષભવિજયની છે! આમ મધ્યકાલના અંત ભાગની જૈન સાહિત્યપરંપરા પર દૃષ્ટિ કરતાં સ્પષ્ટ થાય છે કે તેમાં કેટલીક ઉચ્ચ પ્રકારની ઊર્મિકવિતા રચાઈ હોવા છતાં પણ આ સ્તબકમાં મુખ્યત્વે રાસાઓ જ રચાયા છે. રાસાના વિષયવસ્તુ તરીકેની ઘણી મોટી સામગ્રી મધ્યકાલીન લોકકથામાંથી જ પસંદ કરવામાં આવી છે. ધર્માર્થપ્રવાહની આ રચનાઓ હોવાને કારણે એમાં કથાનકમાં અહીંતહીં ફેરફારો કર્યા હોય તે બાદ કરતાં લોકકથાનું નિજી રૂપ આ રચનાઓમાં જળવાયેલું છે. આથી સાહિત્યની કૃતિઓ તરીકે આ પરંપરાની મોટા ભાગની કૃતિઓ નિરર્થક હોવા છતાં મધ્યકાલીન કથાસાહિત્યના અભ્યાસ માટેની એ બહુમૂલ્ય સામગ્રી છે, એ ભૂલવા જેવું નથી. જૈન સંપ્રદાય જેવી જૈનેતરમાં સાહિત્યકૃતિઓની જાળવણી કરવાની કોઈ નિશ્ચિત પદ્ધતિ અને પરંપરાગત વ્યવસ્થા ન હોવાને કારણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની સ્વબળે તરી રહેલી કૃતિઓને બાદ કરતાં, નાની મોટી મધ્યમ કદની અનેક જૈનેતર રચનાઓ લુપ્ત બની છે. એ લુપ્ત બનેલા રાશિમાં કાવ્ય અને કથાની કેટલી મૂલ્યવાન સંપત્તિ હશે, પણ એ અટકળનો તો હવે કોઈ લાભ નથી. પરંતુ સાહિત્યની જાળવણી માટેની જૈન ઉપાશ્રયો અને ભંડારોની અમૂલ્ય સેવાથી મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય સચવાયું છે. એ ઓછું આશ્વાસક નથી. વિશ્વના પ્રાચીન અને મધ્યકાલીન કથાસાહિત્યમાં ભારતનું કથાધન પ્રાચીનતમ અને બહુસંખ્ય છે. અનેક કથાઓએ ભારતમાંથી જે વિશ્વના વિવિધ દેશોમાં વિકાસ કર્યો છે, અને ભારતના પ્રાંતોમાં કેવળ ગુજરાત અને રાજસ્થાનને જ, આ પ્રકારના સાહિત્યને સજીવ રાખ્યાનો યશ મળી શકે છે. આથી, માત્ર ગુજરાતી જ નહીં પરંતુ સમગ્ર ભારતીય સાહિત્યના મધ્યકાલીન સાહિત્ય તરીકે આ બધી સામગ્રી મૂલ્યવાન છે. આ સ્તબકના રાસાઓ આદિમાં પૂર્વ સ્તબકોની પરંપરાપ્રાપ્ત કથાઓ રચાયેલી છે, તેમ કેટલીક નવી કથાઓ પણ પ્રવેશી છે. રામાયણ અને કૃષ્ણકથાની જૈન સંપ્રદાયની જુદી જ પરંપરા છે અને એને આધારે રચાયેલી પૌરાણિક પ્રકારની રાસાઓની રચનાઓ આ સ્તબકમાં પણ મળે છે. આ સમયગાળામાં પણ જૈન રાસો મોટા, મધ્યમ અને ટૂંકા એમ ત્રણ પ્રકારના રચાયા છે. અનેક વિષયો ઉપર રચનાઓ થઈ હોવા છતાં એક ને એક વિષય-વસ્તુ પર થયેલી અનેક રચનાઓને કારણે વૈવિધ્યનું પ્રમાણ અલ્પ છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની આ એક ખાસિયત છે એમ પણ કહી શકાય. લોકકથા અને પૌરાણિક ચરિત્રાત્મક કથાઓ ઉપરાંત પ્રસંગવિશેષ અને વ્યક્તિવિશેષ પર રચાયેલી રાસાની રચનાઓ પણ આ સ્તબકમાં પુષ્કળ પ્રમાણમાં મળે છે. વ્યક્તિ વિષયક રચનાઓને અર્વાચીન ગુજરાતી ગદ્યપ્રકાર ‘જીવનચરિત્ર’ની પુરોગામી ગણી શકાય. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ઢુંઢક મતનો વિરોધ કરતી કૃતિઓ તેમજ તેનું સમર્થન કરતી એકાદ કૃતિ પણ આ સ્તબકમાં રાસારૂપે રચાઈ છે. આ સ્તબકમાં થઈ ગયેલા મોટા ભાગના કવિઓ રાસરચનાકારો હોવા છતાં તેમાં પદ્મવિજય અને વીરવિજય જેવા ગણનાપાત્ર તેમજ બીજા અનેક નોંધપાત્ર કવિઓ પણ છે. એમણે રાસ-રચનાઓ ઉપરાંત સુંદર ઊર્મિકાવ્યો રચ્યાં છે જે અતિ લોકપ્રિય બન્યાં છે અને ઘણાં નરનારીઓને આજે પણ કંઠસ્થ છે. એ ઊર્મિકાવ્યોએ આ સ્તબકની રસસમૃદ્ધિમાં ખૂબ વધારો કર્યો છે અને તે આ સ્તબકના જૈન ગુજરાતી સાહિત્યની કિંમતી મૂડી છે. રાસ કરતાં કદ અને વિસ્તારમાં અતિ ટૂંકાં કહી શકાય તેવાં પ્રથમ બે સ્તબકમાં મળી આવતાં સુંદર ફાગુકાવ્યો આ સ્તબકમાં અદૃશ્ય થાય છે. પરંતુ પ્રથમ બે સ્તબકની બારમાસી કાવ્ય-પરંપરા આ સ્તબકના અંત સુધી ચાલુ જ રહે છે. આ લઘુ રચનાઓ આકર્ષક અને રોચક છે. ભો. જે. સાંડેસરાએ ‘ફાગુસંગ્રહ’ ભાગ ૧-૨માં ફાગુકાવ્યોનું સંપાદન કર્યું છે તથા જેસલપુરાએ જૈન સંવાદકાવ્યોનું તેમ બારમાસીસંગ્રહનું સંપાદન કર્યું છે. મોટા ભાગનાં બારમાસી કાવ્યો નેમ-રાજેમતી ઉપર રચાયાં છે, તો કેટલાંક સ્થૂલિભદ્ર અને કોશા આદિ ઉપર પણ રચાયાં છે. એક ‘મૂલીબાઈ બારમાસ’ પણ રચાયો છે. સમગ્ર રીતે વિચારતાં જૈનપરંપરાની મુખ્ય સમૃદ્ધિ રાસ, ફાગુ અને બારમાસીની છે. રાસ એનું મુખ્ય અંગ છે. ચોપઈ, પ્રબંધ, આખ્યાન, કથા, ચરિત, ચોઢાલિયું શ્લોકો, વગેરે અન્ય કાવ્યપ્રકારો માટેની સંજ્ઞાઓ રાસના પર્યાયરૂપે પણ પ્રયોજાઈ છે. આ ઉપરાંત સંવાદો, છંદ, પૂજાઓ, શલોકા, ઢાળો, ગઝલો, સ્તવનો, સજ્ઝાયો અને થોયો જેવી ઊર્મિકાવ્યોની રચનાઓ પણ જૈન પરંપરાની સમૃદ્ધિનું બીજું અંગ છે. તદુપરાંત કવિ ઉમેદચંદના ખ્યાલ, ખિસા, કીસા, કાફી, ગરબી, ગરબા તથા અન્ય કવિઓના ચોક, લાવણી, વધાવા, છપ્પા આદિ જેવા નૂતન કાવ્યપ્રકારો પણ નોંધપાત્ર છે. સમગ્ર મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું કેન્દ્ર ભક્તિ છે. રાસસાહિત્યમાં પણ પ્રાધાન્ય ભક્તિનું છે. હૃદયની સાચી ભક્તિ દર્શાવતી આ રચનાઓમાં પણ નવરસ સાથે વિશેષતઃ ભક્તિરસ નિષ્પન્ન થાય છે. રાસના રચયિતાઓ ભક્તિમય અને ધર્મપરાયણ જીવન ગાળતા હોઈ ત્યાગ અને સંયમનો મહિમા રચનામાં કેન્દ્ર સ્થાન પામે એ સ્પષ્ટ છે. અહીં પ્રેમની વાતોમાં શૃંગાર અને કરુણ આવે છે. પણ અંતે તો વિજયી બને છે ત્યાગ-વૈરાગ્ય. કથારસ દ્વારા ધર્મતત્ત્વનો બોધ અને ઉચ્ચ નીતિમત્તા અને સંયમનો આદર્શ આ કવિઓને અભિપ્રેત છે. બારમાસી કાવ્યો, સંવાદો, છંદ, પૂજાઓ, શલોકા, સ્તવનો, સજ્ઝાયો, થોયો, લાવણી, વધાવા, કીસા, ખ્યાલ, ખીસા, કાફી, ગરબી, ગરબા આદિ ઊર્મિકાવ્યો જેવી રચનાઓ પણ ભક્તિસભર હોય છે. અંતમાં એટલું નોંધવું આવશ્યક છે કે જૈન સાહિત્યના પ્રથમ બે સમૃદ્ધ સ્તબકોના મુકાબલે આ ત્રીજો સ્તબક પણ કાંઈ ઊણો ઊતરે તેમ નથી. પ્રથમ બે સ્તબક જેવી અને જેટલી જ રાસરચનાઓ (જુઓ પરિશિષ્ટ) ઉપરાંત આ સ્તબકમાં રચાયેલાં કેટલાંક સુંદર બારમાસી કાવ્યો અને પદ્મવિજય અને પંડિત વીરવિજય જેવા ગણનાપાત્ર રાસકારો તથા અન્ય નોંધપાત્ર કવિઓની ઊર્મિસભર કાવ્યરચનાઓ આ સ્તબકના સાહિત્યસમીરની મીઠી લહરીઓ સમાન છે.

પરિશિષ્ટ

આ સ્તબકના અન્ય કવિઓ અને તેમની કૃતિઓની યાદી રચના ઈ.

અજ્ઞાત ખિમઋષિપારણાં-૮૩ કડી ૧૭૨૬
અનોપચંદ ગોડીપાર્શ્વનાથ બૃહદ્સ્તવન ૧૭૬૯
અનોપચંદ શિષ્ય માનતુંગ–માનવતી સંબંધ ચોપઈ ૧૮૧૬
અમરવિજય શાંતિનાથસ્તુતિ-૧૩૫ કડી ૧૭૬૩
અમરસિન્ધુર (૧) નવાણુંપ્રકારી પૂજા ૧૮૩૨
(૨) પ્રદેશીચોપઈ ૧૮૩૬
અમીવિજય (૧) નેમરાસો ૧૮૩૩
(૨) મહાવીરનું પારણું ...
અમૃતવિજય (૧) (૧) નેમનાથ રાજિમતી સંવાદના ચોક ...
(૨) વિમળાચળ તીર્થમાલા ૧૭૮૪
અમૃતવિજય(૨) કલિયુગનો છંદ ૧૮૪૬
અમૃતસાગર પુણ્યસાગર રાસ ૧૭૬૧
અમોલક ભીમસેન ચોપઈ ૧૮૦૦
અવિચળ ઢુંઢરાસ-ઢુંઢક પવાડા લે.ઈ. ૧૮૧૩
આણંદવિજય ઉદયરાજર્ષિ ચોપઈ લે.ઈ. ૧૭૯૯
આનંદ જેઠમલ જંબૂસ્વામી ગુણરત્નમાલાઃ ૩૫ ઢાલ ૧૮૪૬
આલમચંદ (૧) મૌન એકાદશી ચોપઈ ૧૭૫૮
(૨) સમક્તિ કૌમુદીચતુષ્પદી ૧૭૬૬
(૩) જીવવિચાર ભાષા-ગાથા ૧૧૪ ૧૭૫૯
આસકરણ નેમિરાજી ઢાલ અને ચુંદડી ઢાલ ૧૭૯૩
ઉત્તમવિજય(૧) (૧) સંયમશ્રેણિ ગર્ભિત મહાવીર સ્તવન ૧૭૪૩
(૨) જિનવિજય નિર્વાણ રાસ ૧૭૪૩
(૩) અષ્ટપ્રકારીપૂજા ૧૭૫૭
(૪) ચોવીશી
ઉત્તમવિજય (૩) (૧) રહનેમિ રાજીમતિ ચોક-૪ ૧૮૧૯
(૨) ધનપાલ શીલવતી રાસ. (ચારખંડ) ૧૮૨૨
(૩) ઢુંઢકરાસ : ૭ ઢાળ ૧૮૨૨
(૪) સિદ્ધાચળ સિદ્ધવેલિ - ૧૩ ઢાલ ૧૮૨૯
(૫) નેમિરાજિમતી સ્નેહવેલ - ૧૫ ઢાલ ૧૮૨૦
(આમાં બારમાસી પણ અંતર્ગત છે.)
ઉદય કમલ વિજયશેઠ વિજયશેઠાણી ચોપઈ ૧૭૬૪
ઉદયચંદ (૧) વિકાનેરવર્ણન ગઝલ ૧૭૦૯
ઉદયચંદ (૨) બ્રહ્મવિનોદ ૧૮૨૮
ઉદયચંદ (3) (૧) સીમંધર સ્તવન ૧૮૦૧
(૨) ખંધક ચોઢાલિઉં ૧૮૨૮
(૩) જિનપાલ જિનરક્ષિતરાસ ૧૮૧૧
(૪) જિનકુશલસૂરિ નિશાની ૧૮૧૮
ઉદયસાગર કલ્યાણસાગરસૂરિ રાસ ૧૭૪૬
ઉદયસિંહ મહાવીરચોઢાલીઉં ૧૭૧૨
ઉદયસોમસૂરિ શ્રીપાલરાસ ૧૮૪૨
ઋદ્ધિવિજય રોહિણીરાસ ૧૭૨૬
ઋષભદાસ (૨) ૨૩ પદવી સ્વાધ્યાય- ૧૮ કડી ૧૭૧૬
કનીરામ (ઋષિ)(૧) તિલોકસુંદરીચોપઈ ૧૭૫૫
કનીરામ (૨) ચર્ચા-કડી ૬૯ ૧૮૩૮
કમલવિજય ચંદ્રલેખા રાસ ૧૭૬૪
કર્મસિંહ અઢારનાત્રાં ચોપઈ (ગાથા ૫૯) (મોહચરિત્ર ગર્ભિત) ઢાલ-૯. ૧૭૦૬
કલ્યાણ ગિરનાર ગઝલ ૧૭૭૨
કવિયણ દેવવિલાસ ૧૭૬૯
કાનફૂલવર્ધી (ફૂલૌ ધિ) પાર્શ્વનાથ છંદ ...
કાંતિવિજય મહાબલ મલયસુંદરી રાસ ૧૭૨૫
કાંતિવિજય વિક્રમ કનકાવતી રાસ ૧૭૧૧
કીર્તિસુંદર-કહાનજી (૧) અવંતીકુમાર ચોઢાલીઉં ૧૭૦૧
(૨) માંકડ રાસ ૧૭૦૧
(૩) અભયકુમાર પંચસાધુ રાસ ૧૭૦૩
(૪) કૌતુકપચીસી ૧૭૦૫
(૫) ચોબોલી ચોપઈ ૧૭૦૬
(૬) વાગ્વિલાસ કથાસંગ્રહ (રાજસ્થાનીમાં) ...
કીસન (કૃષ્ણદાસ) ઉપદેશ બાવની ૧૭૭૧
કુશલ (લોંકા) (૧) દશાર્ણભદ્રચોઢાલીઉં ૧૭૩૦
(૨) સનતકુમારચોઢાલીઉં ૧૭૩૩
(૩) લઘુ સાધુવંદના- ૩૩ ગાથા ...
(૪) સીતા આલોયણા ...
કુશલવિજય ત્રૈલોક્ય દીપકકાવ્ય ૧૭૫૬
કુશલવિનય નેમરાજુલ શલોકો ૧૭૦૧
કૃષ્ણવિજય રાજુલ બારમાસ ૧૮૨૩
કુંવરવિજય અષ્ટપ્રકારી પૂજા ...
કેશરીચંદ જ્ઞાનપંચમી મહિમા સ્તવન ૧૮૫૦
ક્ષમાકલ્યાણ (૧) થાવચ્ચા ચોપઈ ૧૭૯૧
(૨) સ્થૂલભદ્ર-સજ્ઝાય ૧૭૯૨
(૩) ચોવીસી ૧૮૦૦
(૪) જયતિહુઅણસ્તોત્ર ભાષા-૪૧ કડી
(૫) હિતશિક્ષાબત્રીસી
(૬) અઈમુત્તા ઋષિબત્રીસી
(૭) અઠ્ઠાવીસેક સ્તવનો
ક્ષેમવર્ધન (૧) સુરસુંદરી અમરકુમારરાસ-૫૩ ઢાલ ૧૭૯૬
(૨) શાન્તિદાસ વખતચંદ શેઠ રાસ ૧૮૧૪
(પુણ્યપ્રકાશરાસ-૪૫-ઢાલ ૬૬૫-કડી.)
(૩) શ્રીપાલરાસ
ક્ષેમવિજય પ્રતિમાપૂજા રાસ ૧૮૩૬
ક્ષેમહર્ષ ચંદનમલયગિરિ ચોપઈ ૧૭૬૯
ખુશાલ નેમિબારમાસા ૧૭૪૨
ખુશાલચંદ સમ્યકત્વ કૌમુદી ચોપઈ (ઢાલ ૬૪ : અર્હદ્રાસ ચરિત્ર) ૧૮૨૩
ખેમવિજય અષાઢભૂતિ ચોઢાલિઉં ૧૭૮૩
ગજવિજય (૧) જયસેનકુમાર ચોપઈ ૧૭૨૩
(૨) મુનિપતિરાસ ૧૭૨૫
(૩) ગુણાવલિ ૧૭૨૮
ગુણચંદ (૧) ધન્ના ચોઢાલીઉં ૧૭૮૭
(૨) ચંદ્રગુપ્ત ૧૬ સ્વપ્ન ચોઢાલિઉં-ગાથા-૫૭ ૧૭૯૪
ગુણવિલાસ ચોવીસી ૧૭૪૧
ગુમાનચંદ કેશીગૌતમ ચોઢાલીઉં ૧૮૧૧
ગુલાબ (ઋષિ) તેજસાર ચોપઈ ૧૭૬૫
ગુલાબવિજય સમેતશિખર રાસ ૧૭૯૦
ગંગમુનિ-ગાંગજી (૧) રત્નસાર તેજસાર રાસ (ચાર ખંડ ૩૮ ઢાલ : ૮૦૯ ગાથા) ૧૭૦૫
(૨) ધનારાસ ...
(૩) જંબૂસ્વામી સ્વાધ્યાય (૪ ઢાલ) ૧૭૦૯
(૪) ગૌતમસ્વામી સ્વાધ્યાય કડી ૬ ૧૭૧૨
(૫) સીમંધર વિનતિ-કડી-૧૩ ...
ગંગવિજય (૧) ગજસિહકુમાર રાસ-ત્રણ ૧૭૧૬
(૨) કુસુમશ્રી રાસ (૫ ઢાલ) ૧૭૨૧
ચતુરસાગર મદનકુમાર રાસ ૧૭૧૬
ચરિત્રસુંદર (૧) સ્થૂલિભદ્ર ચોપઈ ૧૭૬૮
(૨) સંપ્રતિ ચોપઈ ...
ચારિત્રનંદિ (૧) નવપદ પૂજા ...
(૨) ૨૧ પ્રકારી પૂજા ...
(૩) પંચકલ્યાણક પૂજા ...
ચિદાનંદ કપૂરચંદ (૧) પુદ્ગલ ગીતા ...
(૨) પરમાત્મછત્રીસી ...
(૩) હિતશિક્ષા-દોહા-૪૧ ...
(૪) ચિદાનંદકૃત સવૈયા ...
(૫) દયાછત્રીસી ...
(૬) ચિદાનંદબહોતરી ...
(૭) પ્રશ્નોત્તરમાલા ૧૮૫૦
(૮) સ્વરોદય-દોહામાં ૧૮૫૧
ચોથમલ ઋષિદત્ત ચોપઈ ૧૮૦૮
ચંદ્રભાણ જંબૂચોપાઈ ૩૫ ઢાલ ૧૭૮૨
જયચંદ (૧) પ્રતિમારાસ ૧૮૨૨
(૨) સંવેગી મુખપય ચર્ચા ...
(૩) બ્રહ્મદત્ત ચોપઈ ૧૮૨૪
(૪) કુમતિ નિવારક સુમતિને ઉપદેશ સજ્ઝાય ૧૮૨૨
જયરંગ ભૃગુપુરોહિત ચોપાઈ-૨૩ ઢાલ ૧૮૧૬
જિનકીર્તિસૂરિ (૧) ચોવીસી ૧૭૫૨
(૨) પાર્શ્વનાથ બૃહદ્ સ્તવન-ઢાલ-૪
જિનદાસ (૧) ચોવીસી ૧૮૭૪
(૨) ચોવીસીપૂજા ૧૮૭૫
જિનસુખસૂરિ (૧) જેસલમેર ચૈત્ય પરિપાટી ૪-ઢાલ ૧૭૧૫
(૨) ચોવીસી ૧૭૧૮
જિનેન્દ્રસાગર (૧) વિજ્યલક્ષ્મીસૂરિનો સલોકો ...
(૨) ચોવીસી ...
જિનલાભસૂરિ (૧) ચોવીસી-૧
(૨) ચોવીસી-૨
(૩) સૂરતપ્રતિષ્ઠા સ્તવનસંગ્રહ ૧૭૭૨
જિનવિજય-૩ (૧) કર્પૂરગણિરાસ ૧૭૨૩
(૨) ક્ષમાવિજયગણિનિર્વાણરાસ. ૧૭૩૦
(૩) ચોવીસી-૧
(૪) ચોવીસી-૨
(૫) વીશી
(૬) સજ્ઝાયો
જિનવિજય-૪ (૧) શ્રીપાલચરિત્ર રાસ (૪૧-ઢાલ) ૧૭૩૫
(૨) ધનાશાલિભદ્ર રાસ ૧૭૪૩
(દાન કલ્પપ્રુમરાસ:ચાર ઉલ્લાસ-૨૨૫૦ કડી)
જિનસૌભાગ્યસૂરિ (૧) સમેતશિખર સ્તવન ૧૮૩૯
(૨) નવપદ સ્તવન. ૧૮૩૯
(૩) ૧૪ પૂર્વ સ્તવન. ૧૮૪૦
જિનહર્ષસૂરિ વિંશતિ (૨૦) સ્થાનક પૂજા. ૧૮૧૬
જીવજી મયણરેહા રાસ (સાત વ્યસન પર) ૧૮૪૪
જૈનચંદ નંદીશ્વરદીપ પૂજા.
જોરાવરમલ પાર્શ્વનાથ શલોકો ૧૭૯૫
જ્ઞાનઉદ્યોત (૧) ૨૧ પ્રકારી પૂજા ૧૭૬૭
(૨) અષ્ટપ્રકારીપૂજા (વિધિ) ૧૭૬૭
(૩) આરાધના ૩૨ દ્વાર રાસ.
(૪) વીરચરિત્રવેલી ગાથા-૧૭.
(૫) બારવ્રતની ટીપ-(ગદ્ય) ૧૭૭૦
જ્ઞાનવિજય (૧) મલયચરિત્ર ૧૭૨૫
(૨) ચોવીસી
૯૧ (ક્ષમાલાભ શિષ્ય)
જ્ઞાનસાગર (૧) નલદમયંતી ચરિત્ર ચોપઈ ૧૭૦૨
(૨) કયવન્ના ચોપઈ ૧૭૦૮
જ્ઞાનસાગર. (આચાર્યપદ પછી ઉદયસાગરસૂરિ) (૧) સમક્તિની સજ્ઝાય. (પડઢાલ) ૧૭૩૦
(૨) ભાવપ્રકાશ (છ ભાવ સજ્ઝાય) ૧૭૩૧
(૩) ગુણવર્મારાસ ૧૭૪૧
(૪) ૩૪ અતિશયનો છંદ
(૫) સ્થૂલિભદ્ર, ષડાવશ્યક અને શિલ્પ ઉપર સજ્ઝાયો.
જ્ઞાનસાગર (જ્ઞાનસમુદ્ર) (૧) અનંતચતુર્દશી કથા કડી-૫૪. ...
(૨) સુગંધદશમી વ્રતકથા કડી-૪૪
(૩) દશ લાક્ષણિક કથા કડી-૫૫
(૪) રત્નત્રયવ્રતકથા. કડી-૩૪
(૫) સોલ કારણ વ્રતકથા. કડી-૪૧
(૬) નિર્દોષ સપ્તમીકથા કડી-૪૧
(૭) આકાશપંચમીકથા કડી-૭૯
(૮) નેમરાજુલ બત્રીસી-૪૨ કવિત
તેજવિજયશિષ્ય નવકાર રાસ ૧૮૦૧
તેજસિહ નેમરાજિમતી બારમાસો ૧૭૧૦
દર્શનસાગર. આદિનાથ રાસ ૧૭૬૮
દિનકરસાગર. (૧) ચોવીસી.
(૨) માનતુંગી સ્તવન-ગાથા ૧૭. ૧૮૨૩
(૩) ૨૪ જિનચરિત્ર (દોહાબંધ) ૧૮૨૩
દીપ (લોંકા) (૧) સુદર્શન શ્રેષ્ઠિરાસ (છપ્પયબંધ) ૧૭૮૦
(૨) વીરસ્વામી રાસ. પહેલાં
દીપચંદ (૧) ગુણકરંડ ગુણાવતી ચોપઈ ૧૭૦૧
(૨) પાચમ ચોપઈ.
દીપવિજય (૧) ચોવીસી. ૧૮૨૨
(૨) સામાયક ૩૨ દોષ સજ્ઝાય.
(૩) મૃગસુંદરી મહાત્મ્યગર્ભિત છંદ. ૧૮૨૯
દુર્ગાદાસ (૧) મેરાટકી ગઝલ-૧૨૦ કડી. ૧૭૦૯
(૨) જંબૂસ્વામી ચોઢાલીઉં ૧૭૩૭
દેવચંદ્ર (ગણિ) (૧) ધ્યાનદીપિકા ચતુષ્પદી ૧૭૧૦
(૨) દ્રવ્યપ્રકાશ ભાષા. ૧૭૧૧
(૩) સ્નાત્રપૂજા.
(૪) નવપદપૂજા-સિદ્ધચક્ર સ્તવન.
(૫) અતીત જિન ચોવીસી.
(૬) અધ્યાત્મ ગીતા.
(૭) વીરજિન નિર્વાણ.
(૮) ચોવીશી.
(૯) વીશી.
(૧૦) સાધુવંદના
(૧૧) આત્મહિત શિક્ષા.
(૧૨) નીચેની આઠ સજ્ઝાયો : પ્રભંજના સજ્ઝાય. દ્વાદશાંગી સજ્ઝાય. અષ્ટપ્રવચનમાતા સજ્ઝાય. પાંચ ભાવના સજ્ઝાય. ઢંઢણમુનિ સજ્ઝાય. આઠરૂચિ સજ્ઝાય. નિજગુણ ચિંતવન મુનિ સજ્ઝાય. ગજસુકુમાલ સજ્ઝાય. ૧૭૨૫
(૧3) વિચારસાર (પ્રાકૃતગ્રંથ)
(૧૪) ૪ ગદ્ય ગ્રંથો : આગમસાર, જયચક્રસાર, ૨૪ દંડક વિચાર બાલાવબોધ, ગુરુગુણ છત્રીસી-બાલાવબોધ.
(૧૫) ચાર સ્તવનો : શત્રુંજ પરિપાટીસ્તવન, ગિરનાર સ્તુતિ, સિદ્ધાચળ સ્તુતિ, પાર્શ્વજિન નમસ્કાર.
દેવચંદ (ગૃહસ્થકવિ) (૧) નેમનાથ શલોકો. ૧૮૪૪
(૨) વિવેકવિલાસનો શલોકો ૧૮૪૭
દેવરત્ન (૧) ગજસિંહકુમાર રાસ ૧૭૫૯
દેવરત્ન (૨) ગજસિંહકુમાર રાસ (૧૦૦૦ કડી) ૧૭૦૩
દેવહર્ષ ૧. પાટણ ગઝલ-૧૩૩ કડી. ૧૮૧૬
૨. ડીસા ગઝલ-૧૨૦ કડી
દેવીચંદ્ર (ઋષિ) રાજસિંહકુમાર ચોપઈ (દશઢાલ) ૧૭૭૧
દ્યાનન ૧. તત્ત્વસાર-ભાષા.
૨. પદો.
ધર્મચંદ્ર-૧ ૧. જીવવિચાર ભાષાદોહા. ૧૭૫૦
૨. નવતત્ત્વ ભાષાદોહા. ૧૭૫૯
ધર્મચંદ્ર-૨ નંદીશ્વર દીપપૂજા. ૧૮૪૦
નવલવિજય મેત્રાણામંડન ઋષભદેવ. ૧૮૫૫
નિહાલચંદ બ્રહ્મબાવની
નેમવિજય (૧) (૧) શીલવતીરાસ-શીલરક્ષા પ્રકાશ રાસ (૬ ખંડ, ૮૪ ઢાલ, ૨૫૬૭ કડી.) ૧૬૯૪
(૨) સુમિત્રરાસ-રાજરાજેશ્વર રાસ ૧૬૯૯
(૩) વચ્છરાજ ચરિત્રરાસ (૪ ખંડ, ૬૩ ઢાળ, ૨૦૦૦ ગાથા) ૧૭૦૨
(૪) ધર્મબુદ્ધિ પાપબુદ્ધિ મંત્રી-નૃપરાસ. ૧૭૧૨
(૫) તેજસાર-રાજર્ષિરાસ-૩૯ ઢાળ (૧૯૫૮ ગાથા–) ૧૭૩૧
(૬) નેમિબારમાસ-૫૯ કડી. ૧૬૯૮
નેમવિજય (૨) (૧) થંભણ, સેરીસા, શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન. ૧૭૫૫
(૨) ગોડી પાર્શ્વનાથ સ્તવન. ૧૭૬૧
(૩) ધર્મપરીક્ષારાસ. ૧૭૬૫
(૪) શ્રીપાલ રાસ. ૧૭૬૮
નેમીદાસ. (૧) અધ્યાત્મસારમાલા. ૧૭૦૯
(૨) ધ્યાનમાલા. ૧૭૧૦
નંદલાલ (ઋષિ) લબ્ધિપ્રકાશચોપઈ. ૧૮૪૭
ન્યાયસાગર (૧) સમ્યક્ત્વ ગર્ભિત મહાવીર સ્તવન. ૧૭૧૦
(૨) ૯૭ પિંડદોષવિચાર સજ્ઝાય. ૧૭૨૫
(૩) નિગોદ વિચારગર્ભિત મહાવીર સ્તવન.
(૪) મહાવીર રાગમાલા.
(૫) ચોવીશી ૧.
(૬) ચોવીશી-૨.
(૭) વીશી.
(૮) બારવ્રત-રાસ. ૧૭૨૮
પહ્મો ધ્યાનામૃત રાસ લે.ઈ. ૧૭૦૨
પાસોપટેલ. (ગૃહસ્થ કવિ) ભરતચક્રવર્તીરાસ. ૧૭૬૨
પુણ્યરત્ન-૨. પં. શ્રી ન્યાયસાગરનિર્વાણરાસ
પુણ્યવિલાસ માનતુંગ-માનવતીરાસ ૧૭૨૪
પુણ્યસાગરસૂરિ સૂતક સજ્ઝાયચોપઈ ૧૮૬૦
પૂર્ણપ્રભ (૧) પુણ્યદત્ત સુભદ્રાચોપઈ. (ખંડ-૩, ૬૧૬ ગાથા.) ૧૭૩૦
(૨) ગજસુકુમારચોપઈ. ૨૫ ઢાળ, ૧૭૩૦
(૩) જયસેનકુમાર પ્રબંધરાસ. (૪ ખંડ, ૭૬૨ ગાથા.) ૧૭૩૬
પ્રકાશસિંહ બારવ્રતના છપ્પા ૧૮૧૯
પ્રેમચંદ શીલશ્રીચોપઈ. ૧૮૭૨
પ્રેમ (૨) શંભુઓ (૧) હરિશ્ચંદ્રચોપઈ. ૧૮૦૨
(૨) વૈદર્ભીચોપઈ.
પ્રેમવિજય. ચોવીસી.
ફતેચંદ. પ્રીતિધરનૃપ ચોપઈ. ૧૭૬૩
બાલ સીતારામ (લીંબડી ભંડાર) ૧૭૩૪
બાલચંદ. (વિજયવિમલ) (૧) સમેતશિખરરાસ. ૧૮૫૧
(૨) સમેતશિખરગિરિપૂજા ૧૮૫૨
(૩) પંચકલ્યાણકપૂજા. ૧૮૫૭
બ્રહ્મરૂપચંદ. બંગાલદેશ ગઝલ. ...
કેવલ સત્તાવની ૧૭૪૫
ભગુદાસ ચોવીસી. ૧૭૮૩
ભાગવિજય નવતત્ત્વ ચોપઈ. ૧૭૧૦
ભારમલ્લ. સપ્તવ્યસન સમુચ્ય ચોપઈ. ૧૭૫૮
ભીખજી અષાઢભૂતિ ચોઢાલીઉં ૧૭૮૦
ભીખુ (ભીખાજી) (૧) બારવ્રતચોપઈ. ૧૮૦૪-૧૮૦૪ વચ્ચે
(૨) નવતત્ત્વચોપઈ. ,, ,,
(૩) અનુકંપા ઢાલ. ,, ,,
(૪) નિક્ષેપ વિચાર. ,, ,,
ભીમરાજ. (૧) શત્રુંજય ઉદ્ધાર રાસ. ૧૭૬૦
(૨) લોદ્રવા સ્તવન. ૧૭૬૮
મકન. (૧) શીયલની નવવાડ ૧૭૮૪
(૨) બારમાસ-૧૨ કડી. ૧૭૯૨
મણિચંદ્ર. (૧) આધ્યાત્મિક સજ્ઝાયો. ...
મણિચંદ્ર (૨) આધ્યાત્મિક સજ્ઝાયો.
મતિલાભ (ભયાચંદ) નવતત્ત્વસ્તવન ૪૫ ગાથા. ૧૭૫૬
મયાચંદ (૧) (૧) બુદ્ધિરાસ યાને સવાસો શીખ સજ્ઝાય. ૧૭૦૩
મયાચંદ (૨) (૨) ગજસિંહકુમાર, રાજાનો રાસ. ૧૭૫૯
મયારામ ભોજક (ગૃહસ્થકવિ) (૧) શત્રુંજ્ય માહાત્મ્ય. ૧૭૬૧
(૨) પ્રદ્યુમ્નકુમારરાસ.
મહાનંદ (૧) રૂપસેનરાસ : (૫ ખંડ) ૧૭૫૩
(૨) દશાર્ણભદ્ર સજ્ઝાય (ઢાલબંધ) ૧૭૭૬
(૩) સનત્કુમારરાસ. ૧૭૮૩
(૪) નેમરાજુલ બારમાસ-૮૦ કડી ૧૭૮૯
(૫) ચોવીસી. ...
(૬) શીયલસજ્ઝાય. ૧૭૮૯
(૭) કલ્યાણકચોવીસી. ૧૭૯૩
(૮) સ્તવનો, સજ્ઝાયો-૫૦.
મહિમાવર્ધન. ધનદત્તરાસ.
મહિમાસેન. વચ્છરાજ હંસરાજ ચોપઈ. ૧૭૧૯
માણેકવિજય. સ્થૂલિભદ્ર કોશ્યસંબંધ રસવેલિ. ૧૮૧૧
માનવિજય ૧. (૧) રાજસિંહકુમાર રાસ. ૧૭૯૭
(૨) માનતુંગ માનવતી રાસ. ...
માનવિજય-૨ સિદ્ધાર્થ તીર્થમાલા. ૧૭૮૪
મેઘ. (૧) મેઘવિનોદ ૧૭૭૯ આસપાસ
(૨) ચતુર્વિશતિ સ્તુતિ. ૧૭૭૯
મેઘવિજય. ગોડી પાર્શ્વનાથ સ્તવન. મેઘકાજલ સંધ્યાદિનું સ્તવન. ૧૮૦૧ પહેલાં
મોતીમાલુ નેમિજિન શલોકો. ૧૭૪૨
મોહનવિમલ વેરસિંહકુમાર બાવનાચંદના ચોપઈ ૧૭૦૨
રગનાથ વાલમ શેઠ. રાજસિંહ રત્નવતી ચોપઈ. ૧૮૯૧
રત્નવિજ્ય-૧. ચોવીસી ૧૭૦૨
રત્નવિજ્ય-૨. શુકરાજ ચોપઈ. ૧૭૫૨
રત્નવિજ્ય-૩. ચોવીસી ૧૭૫૮
રત્નવિમલ-૧. (૧) ચોવીસી. ૧૭૨૫
(૨) એલચરિત્ર. ૧૭૨૯
રત્નવિમલ-૨. (૧) મંગલ કલશ ચોપઈ ૧૭૭૬
(૨) ઈલાપુત્રરાસ ૧૭૮૩
(૩) તેજસાર ચોપઈ. ૧૭૮૩
રાજરત્ન ઉત્તમકુમારરાસ ...
રાજવિજ્ય શીલસુંદરીરાસ (૩૮ ઢાલ) ૧૭૩૪
રાજસુંદર ચોવીસી ૧૭૧૬
રાજેન્દ્રવિજય ૨૧ પ્રકારી પૂજા. ૧૮૧૦
રામચંદ્ર-૨. તેજસાગરરાસ. ૧૮૦૪
રામવિજય ઉર્ફે રૂપચંદ (૧) ચિત્રસેન પદ્માવતી રાસ. ૧૭૫૮
(૨) આબુયાત્રા સ્તવન. ૧૭૬૫
(૩) ફલૌધી પાર્શ્વસ્તવન ૧૭૬૭
(૪) નેમિ નવરસો
(૫) પરચુરણ સ્તવનો તથા ગદ્યકૃતિઓ.
રાયચંદ (૧) ચેલણા ચોઢાલીઉં ૧૭૬૪
રાયચંદ (૨) (૧) દેવકી ઢાલ ૧૭૮૩
(૨) નંદમણિયાર ચોપઈ ...
(૩) ચેલણા ચોઢાલીઉં. ૧૭૮૩
રાયચંદ (૩) (૧) કર્મબંધવિચાર. ૧૮૫૧
(૨) તેર કાઠિયા સજ્ઝાય. ૧૮૫૪
રૂપ (૧) ગોડી પાર્શ્વનાથ છંદ-૧૧૨ કડી ...
રૂપ (૨) ૨૮ લબ્ધિ પૂજા ૧૮૩૨
રંગવિજય (૧) (૧) પ્રતિષ્ઠાકલ્પ (શંખેશ્વર) સ્તવન. ૧૭૯૩
(૨) સદયવચ્છ સાવલિંગા રાસ. ૧૮૦૪
(૩) પાર્શ્વનાથ વિવાહલો ૧૮૦૪
(૪) ગજસુકુમાલ સજ્ઝાય. ...
રંગવિજય (૨) વીરવિજયનિર્વાણ રાસ. ૧૮૫૫
લક્ષ્મીવિમળ (વિબુધવિમળ) વીશી. ૧૭૨૪
લખમિવિજય ઢૂંઢિયા ઉત્પત્તિ. ૧૭૯૫ પછી
લબ્ધિ નેમિશ્વર ભગવાનના ચંદ્રાવલા-૨૯૫ ૧૭૯૬
લબ્ધિવિજય (૨) (૧) હરિબલ મચ્છી રાસ ૧૭૫૪
(૨) જંબૂસ્વામી શલોકો ...
લાલચંદ(૨) (ગૃહસ્થકવિ) શ્રીપાલરાસ ચોપઈ. ૧૭૮૧
લાલચંદ્ર સાગરચંદ શુશીલા ચોપઈ. ૧૭૪૩
લાલરત્ન રત્નસારકુમાર ચોપઈ ૧૭૧૦
લાલવિજય ઇલાકુમાર રાસ ૧૮૨૫
લાલવિનોદ નેમિ બારમાસા ...
વરસિંહ. નવતત્ત્વ ચોપઈ ૧૭૧૦
વલ્લભકુશલ (૧) શ્રેણિકરાસ. ૧૭૧૯
(૨) હેમચંદ્રગણિ રાસ. ૧૭૩૭
વાનો (ગૃહસ્થ કવિ) વિબુધવિમલ રાસ ૧૭૬૪
વિજયલક્ષ્મીસૂરિ (૧) જ્ઞાનદર્શનચરિત્ર સંવાદરૂપી વીરસ્તવન. ૧૭૬૧
(૨) ષટ્ષષ્ટાનિકા (છ અઠ્ઠાઈ) નું સ્તવન ૧૭૭૮
(૩) વીશસ્થાનક પૂજા સ્તવન. ૧૭૮૯
(૪) ચોવીસી.
(૫) જ્ઞાનપંચમી દેવનંદન.
(૬) સજ્ઝાયો
વિબુધવિજય-૨ સુરસુંદરી રાસ. ૧૭૨૫
વિનય (૧) (૧) મયણરેહા ચોપઈ. ૧૮૧૪
(૨) સુભદ્રા ચોપઈ પાંચ ઢાલ ૧૮૧૬ પહેલાં
વિનયચંદ્ર ચંદનબાલા ચોઢાલીઉં ૧૮૨૯
વિનયચંદ્ર (ગૃહસ્થકવિ) ચોવીસી ૧૮૫૦
વિવેકવિજય (૧) (૧) રિપુમર્દન રાસ ૧૭૦૫
(૨) અર્બુદાચલ ચોપઈ ૧૭૦૮
વિવેકવિજય (૨) નવતત્ત્વસ્તવન ઢાલ-૧૧ ૧૮૧૬
વીરચંદ (૧) પંદરમી કલા વિદ્યારાસ ૧૭૪૨
વેણીરામ જિનરાસ ૧૭૪૩
વીરચંદ (૨) અંતરંગ કુટુંબકબીલાનું ચોઢાલીઉં ૧૮૨૯
વૃદ્ધિવિજય-(૩) ચિત્રસેન પદ્માવતીરાસ ૧૭૫૩
શાંતિવિજય શત્રુંજય તીર્થમાલા-૩ ઢાલ ૧૭૪૧
શિવચંદ (૧) નંદીસર પૂજા ૧૮૧૫
(૨) વીશસ્થાનક પૂજા ૧૮૧૫
(૩) એકવીસ પ્રકારી પૂજા ૧૮૨૨
(૪) રૂષિમંડળ પૂજા ૧૮૨૩
શિવલાલ રામલક્ષ્મણસીતા વનવાસ ચોપઈ ૧૮૨૬
શોભાચંદ શુકરાજ ચોપઈ ૧૭૬૬
સત્યરત્ન સમેતશિખર રાસ ૧૮૨૪
સત્યસાગર વચ્છરાજ રાસ ૧૭૪૩
સબલદાસ ત્રિલોકસુંદરી વર્ણન (ઢાલ) ૧૮૩૬
સબલસિંહ વીશી ૧૮૦૫
સવરાજ મૂલીબાઈ બારમાસ-૫૨ગાથા ૧૮૩૬
સાવંતરામ (ઋષિ) (૧) મદનરેહા ચોપઈ
(૨) સતી વિવરણ ચોઢાલીઉં ૧૮૫૧
સિદ્ધિવિલાસ ચોવીસી ૧૭૪૦
સિંહ શાલિભદ્ર શ્લોકો ગાથા ૧૪૭ ૧૭૨૫
સુખસાગર વૃદ્ધિવિજયગણિરાસ ૧૭૧૩
સુજ્ઞાનસાગર (૧) ઢાલમંજરી-રામરાસ-ઢાલ સાગર ૧૭૫૬
સુંદર નેમરાજુલ નવભવસજ્ઝાય ૧૭૨૫
સૌજન્યસુંદર દ્વુપદી ચરિત્ર ૧૭૬૨
સૌભાગ્યસાગર (૧) જંબૂકુમાર ચોઢાલીઉં ૧૮૧૭
(૨) ઢુંઢકરાસ ૧૮૨૨
હર્ષચંદ્ર (૧) વર્ધમાનજન્મમંગલ ...
હર્ષચંદ્ર (૨) ૨૪-જિનપૂજા ૧૭૮૭
હર્ષવિજય સાંબપ્રદ્યુમ્ન રાસ ૧૭૮૬
હીરસેવક-હરસેવક મયણરેહીદાસ-સજ્ઝાય ૧૭૧૮
હીરાનંદ ચોબોલી ચોપઈ ૧૭૧૪ પહેલાં
હેમવિલાસ ઢુંઢકરાસો ૧૮૨૩
હંસરત્ન રત્નશેખરનૃપરાસ ૧૭૨૫ આસપાસ