ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/શામળ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૮ શામળ

જનક દવે

મધ્યયુગના સાહિત્યકારોમાં શામળ ઘણો જુદો તરી આવે છે. મધ્યકાળ દરમિયાન પ્રચલિત થયેલા સાહિત્યપ્રકારોને એ અડકતો જ નથી. પ્રભાતિયાં, ભજનો, આખ્યાનો, ગરબીઓ જેવા સાહિત્યપ્રકારોને પડતા મૂકીને એ બહુ જ થોડા પ્રચલિત થયેલા એવા પદ્યવાર્તાના પ્રકારને અજમાવે છે. પ્રભુભક્તિનો વિષય તેમજ પૌરાણિક પાત્રોને છોડીને માણસને જેમાં નિતાંત રસ પડે છે એવી સંસારની કથાઓ જ આલેખવાનું શામળને શા માટે સૂઝ્યું હશે એ તો એક પ્રશ્ન જ રહે છે, પણ આપણે એટલું સ્વીકારવું પડે કે શામળને વાર્તાપ્રકાર ફાવ્યો માટે તેણે વાર્તાઓ લખી. એ સમય દરમિયાન કથા-સાહિત્યમાં આખ્યાનો વિશેષ પ્રચલિત હતાં, તો સાથોસાથ વાર્તાઓ પણ–ભલે થોડે અંશે–લખાતી હતી. આખ્યાનપ્રકારમાં જેમ પ્રેમાનંદે પોતાની શક્તિથી વિશેષ સિદ્ધિ મેળવી, તેમ જ, શામળે વાર્તાશક્તિનો ઉત્તમ વિનિયોગ કરીને વાર્તાક્ષેત્રે અનન્ય સિદ્ધિ પ્રાપ્ત કરી છે. લોકો જે વિસરી ગયા હતા તે સંસ્કૃત અને પ્રાકૃત તેમજ પ્રાકૃત-સંસ્કૃતમાંથી રૂપાંતરિત થયેલ કથા-સાહિત્યના કોશો ઉઘાડીને એમાંથી કથાબીજો ઉપાડીને શામળે મૌલિક કહી શકાય તેવી પદ્યવાર્તાઓ આપવા માંડી. આમ પ્રાચીન વાર્તાસાહિત્યને અને તેની પરંપરાને ગુજરાતીમાં ઉતારીને શામળે મધ્યકાળ દરમિયાન એક અગત્યનું સાહિત્યિક અને સામાજિક કાર્ય કર્યું હતું.

શામળનો સમય

શામળ પ્રેમાનંદનો સમકાલીન હતો અને શામળ અને પ્રેમાનંદ વચ્ચે સાહિત્યિક કે વ્યાવસાયિક સ્પર્ધા અને ઝઘડા હતા એ માન્યતા ખોટી ઠરી છે. ‘કહ્યું કથે તે શાનો કવિ’ જેવી ઉક્તિ શામળે પ્રેમાનંદના કવિયશને ઉતારી પાડવા માટે લખી હતી એમ કહેવું પણ ખોટું ઠર્યું છે. શામળ પ્રેમાનંદ-પુત્ર વલ્લભ (વલ્લભ નામનો પ્રેમાનંદને કોઈ પુત્ર હતો તે પણ સાબિત થયું નથી)નો સમકાલીન હતો એ માન્યતા પણ ખોટી ઠરી છે. શામળ તો પ્રેમાનંદનો અનુગામી હતો. એની કૃતિઓમાં જ આવતા ઉલ્લેખો પરથી તેનો સમય નક્કી થઈ શકે તેમ છે. એની ‘પદ્માવતીની વાર્તા’ સં. ૧૭૧૮ની છે. એ પહેલાંની શામળની કોઈ કૃતિ મળી આવતી નથી. શામળે ઈ. ૧૭૨૧–૧૭૨૯ દરમિયાન ‘સિંહાસનબત્રીસી’ની પહેલી પંદર વાર્તાઓ રચી છે. ઈ. ૧૭૪૫ સુધીમાં તેણે ‘સિંહાસનબત્રીસી’ની બાકીની સત્તર વાર્તાઓ પૂરી કરી હતી. ઈ. ૧૭૧૮માં ‘શિવપુરાણ’ અથવા ‘શિવમાહાત્મ્ય’ લખ્યું હતું. ઈ. ૧૭૫૨માં ‘અંગદવિષ્ટિ’ અને ઈ. ૧૭૬૫માં ‘સૂડાબહોતેરી’ લખી હતી. આ ઉપરાંત ઈ. ૧૭૪૦માં ગુમાન બારોટે ‘સિંહાસનબત્રીસી’ની પંદર વાર્તાઓની નકલ કરી હતી. શામળના આશ્રયદાતા રખીદાસે ઈ. ૧૭૩૯-૪૦માં કૂવો બંધાવ્યો હતો. આવા આંતરબાહ્ય પુરાવાઓ પરથી એટલું તો જરૂર કહી શકાય કે કવિ શામળનો સાહિત્યવ્યવસાય ઈ. ૧૭૧૮ થી ઈ. ૧૭૬૫ સુધી ચાલ્યો હતો. અને શામળને સ્પષ્ટપણે ઈ. ની ૧૮મી સદીનો કવિ ગણી શકાય.

શામળનું જીવન

પ્રાચીનકાળમાં લેખકો પોતાના જીવન અંગેની કેટલીક માહિતી પોતાની કૃતિમાં જ આપતા. શામળે પણ એ નિયમનું પાલન કર્યું છે. એટલે તેના જીવન વિશેની કેટલીક હકીકતો પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે છે : (૧) તે શ્રીગોડ બ્રાહ્મણ હતો. (૨) તેના પિતાનું નામ વીરેશ્વર હતું. (૩) માતાનું નામ આનંદીબાઈ (કે આણંદબાઈ) હતું. (૪) પુત્રનું નામ પુરુષોત્તમ હતું. (૫) તેના ગુરુનું નામ હતું નાના ભટ્ટ. (૬) તે વેગણપુર (હાલના ગોમતીપુર-અમદાવાદ)નો વતની હતો. (૭) માતર પરગણાના સિંહુજ-‘સુંઝ’ ગામના જાગીરદાર કણબી લેઉઆ પટેલ રખીદાસનો પરિચય ગુમાન બારોટ દ્વારા તેને થયો હતો. (૮) રખીદાસે તેના યોગક્ષેમની જવાબદારી ઉપાડી લીધી હતી, અને એકધારી સાહિત્ય-પ્રવૃત્તિ કરવાની અનુકૂળતા કરી આપી હતી.

શામળની પદ્યવાર્તાઓ

શામળે કેટલી પદ્યવાર્તાઓ લખી છે એ વિશે ચોક્કસપણે કહેવું મુશ્કેલ છે. પરંતુ નીચેની વાર્તાઓનું કર્તૃત્વ તો શામળનું સિદ્ધ થયેલું છે : (૧) પદ્માવતી (૨) ચંદ્રચંદ્રાવતી (૩) નંદબત્રીસી (૪) મદનમોહના (૫) બરાસકસ્તૂરી (૬) સિંહાસનબત્રીસી (૭) સૂડાબહોતેરી.

શામળની વાર્તાઓનું સ્વરૂપ

શામળે ‘પદ્માવતી’, ‘ચંદ્રચંદ્રાવતી’, ‘નંદબત્રીસી’, ‘મદનમોહના’, તથા ‘બરાસકસ્તૂરી’ જેવી સ્વતંત્ર પદ્યવાર્તાઓ લખી છે. આ સ્વતંત્ર વાર્તાઓ ઘણી વિસ્તૃત છે અને એકજ વાર્તા ન રહેતાં કેટલીક નાની-મોટી વાર્તાઓનું ગુચ્છ બની રહે છે. મુખ્યવાર્તા સાથે દૃષ્ટાંત સારુ, શામળ આડવાર્તાઓનો અનેકવાર ઉપયોગ કરે છે. એણે ‘મદનમોહના’માં છએક આડ કથાઓ મૂકીને વાર્તાનું કદ ઘણું વિસ્તૃત કર્યું છે. આ વાર્તાઓને સ્વતંત્ર એટલા માટે કહીશું કે એ દરેક વાર્તા શામળની બીજી વાર્તાઓ સાથે કોઈ સંબંધે જોડાયેલી નથી. પોતાની રીતે સ્વતંત્ર અને સ્વયંસિદ્ધ બની રહે છે જ્યારે શામળની ‘સિંહાસનબત્રીસી’ તેમજ ‘સૂડાબહોતેરી’માંની પ્રત્યેક વાર્તા એક બીજી વાર્તાથી તદ્દન સ્વતંત્ર ન રહેતાં એકબીજી વાર્તા સાથે કંઈક અંશે પણ સંકળાયેલી છે. ‘સિંહાસનબત્રીસી’ અને ‘સૂડાબહોતેરી’ એ બે તો વાર્તાઓના ભંડાર બને છે.

‘સિંહાસનબત્રીસી’

શામળની આ પ્રસિદ્ધ વિસ્તૃત કૃતિ છે. આ કૃતિમાં એકત્રીસ વાર્તાઓ ટૂંકા સ્વરૂપની છે અને બત્રીસમી વાર્તા ‘વેતાલપચીસી’ એ પચીસ વાર્તાઓનું બીજું ગુચ્છ છે. શામળની ‘સિંહાસનબત્રીસી’ની વાર્તાઓમાં કેટલીક વાર્તાઓનાં મૂળ, એજર્ટન જેને ‘सिंहासनद्वात्रिंशिका’ની દક્ષિણી વાચના કહે છે તેમાં છે, તો કોઈક વાર્તાઓનાં મૂળ જૈન વાચનામાં એટલે કે ક્ષેમાંકરની ‘सिंहासनद्वात्रिंशिका’માં છે. સોમદેવના ‘કથાસરિત્સાગર’માંની કેટલીક વાર્તાઓ પણ શામળની ‘સિંહાસનબત્રીસી’માં દેખાશે, અને એ જ પ્રમાણે શુભશીલગણિકૃત ‘વિક્રમચરિત્ર’ જોતાં શામળની સિંહાસનબત્રીસીની કેટલીક વાર્તાનાં મૂળ તેમાં પણ જોવા મળશે. ખરેખર જોવા જઈએ તો શામળે, સિંહાસનદ્વાત્રિંશિકા, વૈતાલપંચવિંશતિ, ભોજપ્રબંધ, કથાસરિત્સાગર, પંચતંત્ર જેવા સંસ્કૃત અને અનેક પ્રાકૃત તથા મધ્યકાળ સુધી લંબાયેલા પરંપરાગત કથાપ્રવાહમાંથી કથાઘટકો લીધાં છે અને મૌલિક પ્રકારની લાગે એ રીતે વાર્તાઓ રચી છે. ‘સિંહાસનબત્રીસી’ની વાર્તાનો નાયક છે ઉજ્જયિનીનો રાજા વિક્રમ. પરંતુ શામળે વાર્તા કહેવા માટે માત્ર વિક્રમના નામનો જ ઉપયોગ કર્યો છે. તેણે વિક્રમનું કોઈ ઐતિહાસિક પાત્ર સર્જ્યું નથી. એટલું જ નહિ, પરંતુ તેણે આલેખેલું વિક્રમનું પાત્ર સજીવ પણ બનતું નથી. શામળે તો વિક્રમ એટલે શૂરો, સાહિત્યરસિક, ન્યાયી, પ્રજાવત્સલ, દાનેશ્વરી, પરદુઃખભંજક, પરસ્ત્રીસહોદર એવો માણસ કલ્પ્યો છે. આ માણસ પાસે પોતાના વાર્તાકથનને ઉપયોગી થાય તેવાં કાર્યો કરાવે છે. શામળે હરસિદ્ધમાતા અને વીર વેતાળને વિક્રમની સેવામાં મૂકી દીધાં છે. જેથી ગમે ત્યારે અને ગમે તેવાં મુશ્કેલ કામ પણ તે વિક્રમ પાસે સહેલાઈથી કરાવી શકે છે. આમ શામળે તેની ‘સિંહાસનબત્રીસી’ની બધી જ (૩૧ + ૨૫=૫૬) વાર્તાઓને એક સૂત્રે બાંધવા માટે વિક્રમના નામનો ઉપયોગ કરી લીધો છે. આ જ જો ઉદ્દેશ ન હોત તો શામળે વિક્રમના પાત્રનો ધીમે ધીમે વિકાસ સિદ્ધ કર્યો હોત, પણ ‘સિંહાસનબત્રીસી’માં એવું બન્યું નથી. વળી એમાં એક પછી એક બનેલી ઘટનાનું નિરૂપણ પણ નથી. ઊલટાનું વિક્રમ રાજા કેવી રીતે થયો તેની વાત તો એ ૩૦મી વાર્તા ‘ભર્તૃહરિની વારતા’માં કહે છે. અને ત્યાં પણ તે ક્યાં પૂરી વિગતે વિક્રમની વાતને વર્ણવે છે? એ વાર્તામાં તો વિક્રમ અને ભર્તૃહરિની વાર્તા કરતાં અન્ય આડવાર્તાઓ જ ઝાઝો ભાગ રોકે છે. વળી ‘ભાભારામ’ની વાર્તા, જે શામળે રખીદાસનું ઋણ ચૂકવવા લખી છે, તેને અને વિક્રમને શો સંબંધ? વળી વિક્રમ કુંભારના ઘરમાં રાતવાસો રહે છે અને દરરોજ એક માણસનો ભોગ લેનાર વેતાળને જીતે છે તેની તથા શણવીની અને સિંહાસનપ્રાપ્તિની વાત એ એક કરતાં વધારે વાર્તાઓમાં મૂકે જ છે. આમ વિક્રમના પાત્રનું મહત્ત્વ ‘સિંહાસનબત્રીસી’ની વાર્તાઓને એક સૂત્રે બાંધવા સિવાય વિશેષ જણાતું નથી. શામળની ‘સિંહાસનબત્રીસી’ની વાર્તાનું સ્વરૂપ ઘણું ઢીલું છે. પરંતુ અહીં તો શામળ કથાસરિત્સાગર, પંચતંત્ર, હિતોપદેશ, દશકુમારચરિત જેવા વાર્તાના ગ્રંથોની–જેમાં અનેક વાર્તાગુચ્છો છે–પરંપરાને જ અનુસર્યો છે. અને એટલે જ બત્રીસ વાર્તાઓમાં એ એકસો ઉપરાંત વાર્તા સમાવી શક્યો છે. વાર્તામાં વાર્તા કે વાર્તામાં આડવાર્તા કે દૃષ્ટાંતવાર્તા આપતો. એના પુરોગામી વાર્તાકારોને અનુસરતો શામળ એની વાર્તાના સ્વરૂપને ઘટ્ટ કેવી રીતે બનાવી શકે? એ સર્વથા અશક્ય છે અને એના જમાનામાં તો બિનજરૂરી પણ છે. એનું વાર્તાચક્ર ચાલ્યા જ કરે છે અને એના શ્રોતાઓને એમાં રસ પડે છે. ‘સિંહાસનબત્રીસી’ની વાર્તાઓ એક વાર્તાચક્ર હોવાથી અપેક્ષિત રહે છે કે તેમાં વાર્તાનો ક્રમ કોઈક રીતે નિશ્ચિત હોય; પરંતુ શામળની ‘સિંહાસનબત્રીસી’ની દરેક વાર્તા સ્વયંપર્યાપ્ત ઘટક છે. પાછળ આવતી વાર્તાઓ આગળની વાર્તાઓ પર ખાસ આધાર રાખતી નથી. વળી, એની દરેક વાર્તાનો આરંભ સ્વતંત્ર રીતે મંગળાચરણથી થાય છે અને અંતમાં ફલશ્રુતિ વર્ણવી હોય છે તથા કવિના જીવન વિશેની માહિતી આપેલી હોય છે. આથી જ તો શામળની વાર્તાઓને ગમે તે ક્રમમાં મૂકી શકાય તેમ હોય છે. ‘વેતાલપચીસી’માં પણ આજ રીતિને શામળ અનુસરે છે. ‘વેતાલપચીસી’માં આરંભ અને અંતની વાર્તા સિવાયની કોઈપણ વાર્તાને કોઈપણ ક્રમમાં મૂકો, છતાં કંઈ વાંધો આવશે નહિ. દરેક વાર્તા બીજી વાર્તાઓથી તદ્દન સ્વતંત્ર રહે છે. ‘સૂડાબહોતેરી’ની વાર્તાઓમાં પણ આ જ લેખનરીતિ જોવા મળે છે. એમાં પણ વાર્તાઓ અન્યોન્યથી સ્વતંત્ર રહે છે. શામળની ‘સિંહાસનબત્રીસી’ની દરેક વાર્તા સ્વતંત્ર છે એના સમર્થનમાં એક હકીકત નોંધપાત્ર છે કે તેની દરેક વાર્તાની હસ્તપ્રતો જુદી જુદી મળે છે. એક સાથે જવલ્લે જ જોવા મળે છે. શામળની ‘સિંહાસનબત્રીસી’ને જોતાં લાગે છે કે આગલી પરંપરાની કોઈક સિંહાસનબત્રીસીનું સ્વરૂપ શામળ સમક્ષ હશે અને સિંહાસનબત્રીસીના માળખા પરત્વે પ્રધાનપણે શામળ તેને અનુસરતો હોય; પરંતુ કોઈ એક જ સિંહાસનબત્રીસી–સંસ્કૃત કે ઇતર–ને પૂરેપૂરી રીતે કે મોટેભાગે પણ વફાદાર રહેવાની તેણે પ્રતિજ્ઞા લીધી નથી. જેમ એના ઘણાખરા પુરોગામી વાર્તાકારોએ પણ લીધી ન હતી. શામળે તો સંસ્કૃત, પ્રાકૃત, જૂની ગુજરાતી કે લોકવાર્તાનું જૈન કે વૈદિક પરંપરાનું – જે વાચનશ્રવણ કર્યું હશે અને એમાંનાં જે કોઈ કથાનકો તેના મનમાં તરવરતાં હશે, એ બધાંનો, પોતાની પાસે રહેલા માળખામાં, સમુચિત ઉપયોગ કરી લેવાની જ પ્રતિજ્ઞા કરી લાગે છે. એ ફાવે ત્યાં અને ફાવે તેમ મુખ્ય વાર્તામાં કથાનકોને મૂકી દે છે. શામળ એકને એક કથાનકને વારંવાર વાપરતાં પણ અચકાતો નથી. કોઈક વાર જરાતરા વધારો-ઘટાડો કરી એ જ કથાનક એક કરતાં વધારે વાર વાપરે છે, તો કોઈક વાર એમને એમ જ એક જ કથાનક વારંવાર ઉપયોગમાં લઈ લે છે. ઉદાહરણ તરીકે, ‘મેનાપોપટની વાર્તા’ અને ‘શુકસારિકાની વાર્તા’માં મેના અને પોપટના પરસ્પરના આક્ષેપો છે. ‘વહાણની વાર્તા’માં રજપૂતાણીનું સ્ત્રીચરિત્ર વર્ણવાયું છે. તે જ કથાનક ‘સૂડાબહોતેરી’ની ‘રામસિંહ’ની વાર્તામાં આવે છે. શામળની વાર્તાઓનું સ્વરૂપ એટલું બધું ઢીલું છે કે એની વાર્તાઓની નકલ કરનાર લહિયાઓએ પંક્તિઓના સરવાળા-બાદબાકી કર્યાં છે; અને છતાં પણ વાર્તાને ખમવું પડ્યું નથી. વિવિધ પ્રતો વાંચતાં આપણને જણાય છે કે કેટલાંક વર્ણનો અમુક હસ્તપ્રતમાં મળે છે અને અમુકમાં મળતાં નથી. અને એવું જ બને છે ઉપદેશાત્મક છપ્પાઓનું. લહિયાઓએ શામળની વાર્તાઓનાં કદ વધારી કે ઘટાડી નાંખ્યાં છે. આવું બન્યું છે માત્ર સ્વરૂપની શિથિલતાને કારણે. શામળે પ્રાચીન વાર્તાઓના મહાકોશોમાંથી મન ફાવે તેમ ઉપાડ્યું છે. જૈન રાસાઓમાંથી પણ છૂટથી કથાનકો લીધાં છે, પરંતુ શામળ કોઈપણ પ્રકારની સાંપ્રદાયિકતાથી મુક્ત રહ્યો છે. શામળ પહેલાંના ઘણા જૈન કવિઓએ શામળના જેવી જ–કદાચ વધારે પણ–શૃંગાર, અદ્ભુત અને વીરરસની વાર્તાઓ લખી છે. પરંતુ તે વાર્તાઓ સાંપ્રદાયિક બોધપ્રધાન હોઈને સંપ્રદાય પૂરતી જ ખપની રહી હતી. તે ક્યારેય આમસમુદાયની વાર્તાઓ બની શકી ન હતી. શામળે જૈનોની એ વાર્તાઓનો પણ ઉપયોગ કરી લીધો છે; પરંતુ તેમાંથી સાંપ્રદાયિકતાનું તત્ત્વ ગાળી નાખીને, તેને લોકોની, કોઈપણ સંપ્રદાયના લોકોને ગમે તેવી, વ્યાવહારિક વાર્તાઓ બનાવી છે. જોકે એણે વૈદિક દેવદેવીઓનાં નામનો ઉપયોગ કર્યો છે ખરો; પરંતુ તેમાં સંપ્રદાયનો ઉપદેશ આપવાનો ઉદ્દેશ હોતો નથી.

શામળની પાત્રસૃષ્ટિ

આખ્યાનકારો માત્ર દેવદેવીઓની જ વાર્તા આલેખતા એને બદલે શામળે માનવની, અને માત્ર માનવીની, વાર્તાઓ લખવા માંડી. તેનાં પાત્રોમાં વિક્રમ મહામાનવ લાગે છે; પરંતુ બીજાં બધાં પાત્રો તો સામાન્ય કક્ષાનાં સંસારીજનો જેવાં જ લાગે છે. ખરેખર તો શામળની વાર્તાઓમાં, પૃથ્વીના પટ પર વસતા, આખા માનવસંસારનું ચિત્ર દેખાય છે. લેખકે બધા જ થરનાં પાત્રોને પોતાની વાર્તાઓમાં સ્થાન આપ્યું છે. એનાં પાત્રોમાં રાજાઓ અને રાણીઓ હોય છે, બ્રાહ્મણો હોય છે, માલણો હોય છે, વીર વેતાળ હોય છે તો હરસિદ્ધ માતા પણ હોય છે. મેના અને પોપટ પણ તેની વાર્તાનાં પાત્રો બને છે. પરંતુ શામળનાં આ પાત્રો કોઈ વ્યક્તિ નહિ પણ પ્રતિનિધિ હોય છે. કોઈ એક વાણિયો બધા વાણિયાનો પ્રતિનિધિ હોય છે. કોઈ પાત્રને પોતાનું વ્યક્તિત્વ હોતું નથી પણ વર્ગના સ્થૂળ અને પરંપરાગત સ્વભાવ અને ગુણદુર્ગુણ હોય છે. શામળનાં કેટલાંક પાત્રો બુદ્ધિશાળી હોય છે, કેટલાંક સાહસશૂરાં હોય છે, કેટલાંક વિદ્યાવિનોદી હોય છે તો કેટલાંક પરોપકાર-પરાયણ હોય છે. શામળનાં સ્ત્રીપાત્રો અને પુરુષપાત્રોની સરખામણી કરીએ તો તેનાં સ્ત્રીપાત્રો પુરુષપાત્રો કરતાં વધારે તેજસ્વી અને વૈવિધ્યવાળાં લાગે છે. પ્રથમ દર્શને કોઈ પુરુષને મનથી વરી ચૂકેલી સ્ત્રી, કોઈ પુરુષને નહિ પરણવાનો નિશ્ચય કરી બેઠેલી પુરુષદ્વૈષિણી સ્ત્રી, પુરુષનો વેશ ધારણ કરી ઘર છોડી ચાલી નીકળેલી અને માર્ગમાં અનેક પ્રકારનાં સાહસો કરનાર સ્ત્રી, તો ગુપ્તકાર્યોની અંદર ચતુરાઈ અને હોશિયારીથી મદદ કરનારી સ્ત્રી–આવાં તો અનેક સ્ત્રીપાત્રો શામળની વાર્તાઓનાં સંભારણાં બને છે. શામળ આ બધાં પાત્રોને ખૂબ જ લડાવે છે. જોકે માત્ર શામળે જ પહેલવહેલી આવી પાત્રસૃષ્ટિ ઊભી કરી છે એમ કહી શકાશે નહિ. એના અનેક પુરોગામી વાર્તાકારોએ આ કાર્ય કર્યું છે; પરંતુ એ પુરોગામીઓનું કાર્ય માત્ર અંજલિરૂપે મળે છે ત્યારે શામળે તો અનેક વિશિષ્ટ પાત્રોનો મહેરામણ ઊભરાવીને એ બધાં ભૂલાવી દીધાં છે. શામળની વાર્તાઓને જોતાં એમાં આપણને અનેક પ્રકારની છોળ છે એમ લાગ્યા વિના રહેતું નથી. શૂરવીરતાના, અદ્ભુત રસના અને ચમત્કારના અગણ્ય પ્રસંગો એની વાર્તામાં વર્ણવેલા જોવા મળે છે. વણિકની ચતુરાઈ અને બુદ્ધિકૌશલ્યના અનેક દાખલા સાંપડે છે. સ્ત્રીચરિત્રની વાતો વારંવાર આવે છે. પહેલી નજરે પ્રેમમાં પડવાના દાખલાઓ પણ અનેકવાર જોવા મળે છે. આ બધી સામગ્રી એની વાર્તાઓનાં આકર્ષણો વધારે છે. બીજી બાજુ, શામળ બોધ આપવામાં પણ પાછો પડતો નથી. જ્યાં ને ત્યાં પ્રસંગ ઊભો કરીને શામળ બોધ આપવા બેસી જાય છે. કેટલીકવાર વાર્તારસને પણ થંભાવી દે છે. જેમ બોધનું તેમજ સમસ્યાનું બાહુલ્ય પણ વર્તાય છે. જ્યાં લાગ આવે ત્યાં સમસ્યાની આતશબાજી ફોડવા મંડી પડે છે. અને શામળને એવો જ શોખ છે આડકથાઓને વાર્તામાં સમાવી દેવાનો. એની વાર્તામાં અનેક આડવાર્તાઓ જોવા મળે છે. શામળને કશું ટૂંકું પોસાય નહિ, શામળ એક કે બે વાતે રીઝે નહિ. એને તો બધું જ જથ્થાબંધ જોઈએ. એટલે તો એ પાપની મોટી નામાવલિ હાજર કરે. હત્યાની વાત કરે તો અનેક હત્યાઓ યાદ કરે. તેનાં પાત્રો પાસે સમ ખવડાવે ત્યારે પણ લાખો અને કરોડો સમ ખવડાવે. ઉપલબ્ધ મધ્યકાલીન વાર્તાસાહિત્યનો આપણે અભ્યાસ કરીશું તો જોવા મળશે કે જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ સંક્ષિપ્તને બદલે વિસ્તૃત કરવાનું વલણ વધતું ગયું છે. શામળમાં તો એ વૃત્તિએ માઝા જ મૂકી છે.

કવિત્વ અને ભાષા

શામળમાં જે જે વાતની આપણને છોળ લાગે છે તે તે વાતમાં પણ ખાસ સત્ત્વ જણાતું નથી. ઊલટાની શામળની વાર્તાઓ એ છોળના અંશોને પરિણામે સ્થૂળ બને છે. શામળની વાર્તામાં જે અનેક પ્રકારનાં વર્ણનો હોય છે, તે બધાં નીરસ લાગે છે. એ સ્ત્રી કે પુરુષ પાત્રોનાં જે બાહ્ય વર્ણનો કરે છે તે કંઈ પણ વૈવિધ્ય વિનાનાં જણાય છે. મનોભાવનાં કે વૃત્તિઓનાં વર્ણનો પણ શુષ્ક લાગે છે. આનું કારણ એ છે કે શામળમાં ખાસ કલ્પના-લાલિત્ય જણાતું નથી. કલ્પનાદારિદ્રવાળો કવિ વારંવાર મનોરમ શબ્દચિત્રો તો ક્યાંથી ઊભાં કરી શકે? અલંકારની સમૃદ્ધિ પણ એ ક્યાંથી દાખવી શકે? એ ઉપમા ઇત્યાદિનો ઉપયોગ કરે ખરો પણ ચારુત્વનો અભાવ વર્તાયા વિના રહે નહિ. તે માત્ર રોજિંદા જીવનવ્યવહારમાંથી પ્રાપ્ત થતાં ઉપમાનોનો જ ઉપયોગ કરી શકે અને કાં તો પરાપૂર્વથી ચાલ્યાં આવતાં વર્ણનો અહીંતહીં નજીવા ફેરફારો સાથે નિયોજી શકે. શામળમાં અવારનવાર અનેક પ્રકારની પુનરુક્તિઓ દેખાય છે તે પણ આ જ કારણે. શામળ એક રસમાંથી બીજા રસમાં સંક્રમણ કરવાની કળાથી અજાણ છે. પણ શામળનો તો કથારસ પણ સ્થૂળ હોઈને બીજા રસોની જમાવટમાં રુકાવટ નાખે છે. આટલું જ નહિ પણ શામળ તો કથારસમાં વિક્ષેપ પડશે એવો ભય રાખ્યા વિના બોધ આપવા પણ બેસી જાય છે. ક્યારેક આડકથાઓ પણ મૂકી દે છે. આથી શામળની વાર્તાઓ ખંડ ખંડમાં વહેંચાયેલી લાગે છે. નવલરામ પંડ્યાએ આથી જ તો શામળની વાર્તાને ખંડલહરી જેવી કહી છે. શામળની કવિતામાં મનોરમ અને તાદૃશ શબ્દચિત્રો નથી, કલ્પનાનું લાલિત્ય નથી, અલંકારથી ઊપજતું અર્થગૌરવ નથી તો ભાષાનું ચેતન અને દીપ્તિ પણ નથી.

‘સાદી ભાષા, સાદી કડી, સાદી વાત વિવેક,
સાદામાં શિક્ષા કથે તે જ કવિજન એક.’

એમ લખનાર શામળ છેક જ ગદ્યાળુ ભાષા વાપરે છે અને ક્યારેક તો ગ્રામ્યતા પણ દાખવે છે. આથી એ એના સમાજના નીચલા થરના લોકો માટે કવિ ગણાયો હશે. પરંતુ સાહિત્યજગતમાં એનું સ્થાન કવિ તરીકે ઘણું બધું નીચું રહેશે, અને આથી જ નવલરામભાઈ કહે છે કે પ્રેમાનંદ જેવાનાં કાવ્યોમાં ‘એક Ageનાં (સમયનાં) કાવ્ય કરતાં જનપ્રિયપણું ઓછું, પણ કુલજનપ્રિયપણું વધારે. પ્રેમાનંદ કરતાં શામળ એના વખતમાં વધારે જનપ્રિય હતો, હાલના કાળમાં કંઈક છે અને થશે, પણ થોડા વખતમાં ડૂબશે. નામ તો નહીં ભૂલાય.’ નવલરામભાઈના આ મતનો પૂર્વભાગ ચિન્ત્ય ગણાય. આપણે કયા આધારથી એમ કહી શકીએ કે પ્રેમાનંદ કરતાં શામળ વધારે જનપ્રિય હતો? શામળમાં સામાન્ય કોટિના લોકોને આકર્ષે તેવું વધારે છે અને પ્રેમાનંદમાં સાહિત્ય સુરુચિ જેમની ઘડાઈ હોય તેવાને આકર્ષે તેવું વધારે છે–એમ તો આપણી જ એવી માન્યતાઓને આધારે કહીશું ને? આપણે પુરવાર કરી આપી શકીએ તેમ નથી કે પ્રેમાનંદના શ્રોતાઓમાં સાહિત્યિક રુચિવાળાઓ જ હતા, અને આમવર્ગના લોકોને તેનાં આખ્યાનો ઊંચી કોટિનાં હોઈને નીરસ લાગતાં હતાં. પ્રેમાનંદનો શ્રોતૃવર્ગ પણ બહુ કેળવાયેલો નહીં જ હોય. જેમ આજે પણ અણકેળવાયેલાં અનેક વૃદ્ધજનો ધાર્મિક પ્રસંગે તેનાં આખ્યાનો રસપૂર્વક સાંભળે છે. બીજી બાજુ યુનિવર્સિટીનું શિક્ષણ આટલું વ્યાપક બન્યું છે ત્યારે પણ શામળની વાર્તાઓનો વાચક વર્ગ જણાઈ આવે છે. એની વાર્તાઓની અનેક આવૃત્તિઓ થઈ છે. દરેક યુગમાં સામાન્ય લોકોની રસવૃત્તિ બહુ ઊંચા પ્રકારની નથી હોતી. ખરેખર તો, આ Classes અને Massesની વિચારણા પણ આજની છે. એના ધોરણે મધ્યકાળના સાહિત્યકારોને મૂલવવા એ બરાબર નથી. એ વાત તો સાચી છે કે શામળ કવિ તરીકે તો કોઈનેય યાદ આવતો નથી. પદ્યવાર્તાકાર તરીકે તેનું ઐતિહાસિક સ્થાન જળવાઈ રહ્યું છે. એનામાં કવિતાની છોળ હોત તો આમ ન બનત, પરંતુ પદ્યવાર્તાકાર શામળમાં કવિતાની ખરેખર મોટી ખોટ વર્તાય છે. શામળની વાર્તામાં, એકબાજુથી જેમ કવિતાની ખોટ સાલે છે, તેમજ તેની વાર્તાઓમાં રહેલી અપ્રતીતિકરતા પણ સાલે છે, અને કદાચ તે ઘણી વધારે સાલે છે. જોકે લોકકથાઓમાં અપ્રતીતિકરતા ઘણીવાર સ્વાભાવિક લક્ષણ હોય છે અને તેને આપણાં આજનાં વાસ્તવિકતાનાં ધોરણ લાગુ પાડવાં ન જ જોઈએ. પરંતુ શામળમાં રહેલી અપ્રતીતિકરતા વિચિત્ર પ્રકારની હોય છે. ઉદા.,–એની ‘સ્ત્રીચરિત્રની વાર્તા’માં આવે છે તેમ, વણિક કન્યા દિવસો સુધી તેના ગુપ્ત આવાસમાંથી ગેરહાજર હોય છે ત્યારે દરરોજ રતબ આપવા આવતી નવી નવી દાસીઓમાંથી કોઈને તેની ખબર પડતી નથી એ તો ઠીક, પણ તે પાછી સાકરી સાબલિયણ બને, પાછી જોગણી બને, વળી તેને ચેલાચેલીઓ પણ હોય, એક રાતમાં આવે અને એક રાતમાં અલોપ થઈ જાય, છતાંય બધું ગુપ્ત રહે તે આશ્ચર્યજનક નથી લાગતું? ‘ભર્તૃહરિની વાર્તા’માં અનંગ સેનાથી છેતરાયેલો રાજા અનંગસેનાને ઊતરતી કક્ષાની સ્ત્રી ગણે, પણ પાછો મદન પર રોષ ઠાલવતાં અનંગસેનાનાં વખાણ કરે એ પણ કેટલું વિચિત્ર લાગે છે? શામળની વાર્તાઓમાં આવું ઘણીવાર બને છે; શામળ સંભવિતતા અને અસંભવિતતાનાં આપણાં ધોરણોથી જુદો પડે એ સમજી શકાય એવું છે; પરંતુ મધ્યકાલીન ધોરણો પણ એણે જાળવ્યાં નથી. શામળમાં માત્ર આ જ પ્રકારની અસંગતિઓ છે એમ નથી. તેના પાત્રનિરૂપણમાં પણ અપ્રતીતિકર અસંગતિઓ હોય છે. તેનાં મહાજ્ઞાની કહેવાતાં પાત્રો પાછાં થોડી જ વારમાં મૂર્ખરૂપે પણ રજૂ થાય છે. તેનાં સાહસશૂરાં પાત્રો ક્યારેક પાછાં એવાં ભીરુ દેખાય છે કે આપણે તેની કઈ છાપ ગ્રહણ કરવી તે જ સમજાતું નથી. શામળની અગિયાર વર્ષની અર્ભકી ક્યારેક તો એવી પુખ્ત વયની અને અનુભવરીઢી લાગે છે કે તેનું મુગ્ધ બાલિકાનું સ્વરૂપ મનમાંથી ભૂંસાઈ જાય છે, અને પ્રૌઢ સ્વરૂપે નજરે ચઢે છે. આમ પાત્રના વ્યક્તિત્વનો છેદ જ ઉડાવી નાખનારાં વર્ણનો શામળની વાર્તામાં ઠેર ઠેર આવે છે. શામળની ભાષા માત્ર સાદી અને અર્થગૌરવ વિનાની છે એટલું જ નહિ પણ એની ભાષા તો ગ્રામ્ય, ક્યારેક બીભત્સ અને બહુધા અર્થગૌરવને નુકસાન પહોંચાડે તેવી છે. એ ‘રાંડ’ અને ‘રાંડવા’ જેવા ગ્રામ્ય અને બીભત્સ શબ્દો વાપરે છે. પુત્રીનું વર્ણન કરતાં ‘કામિની’ શબ્દ વાપરે છે, જોગણી માટે ‘પ્રેમદા’ અને મોટા મૂર્ખને માટે ‘મૂર્ખનો મહિપતિ’ જેવા શબ્દો યોજે છે. આપણને લાગે છે કે શામળને ભાષાગૌરવની કે અર્થની કંઈ જ પડી નથી. એને મન પણ ‘ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર’ જેવું લાગે છે. અલબત્ત, ક્યારેક શામળ ભાષામાં પ્રૌઢિ દાખવે છે, કહેવતનો સચોટ ઉપયોગ કરે છે અને સંસ્કૃત સૂત્રોને મળતાં ગુજરાતી વાક્યો વાપરે છે. કદાચ એનામાં સાહજિક રીતે એવાં વાક્યો આવી જાય છે. પરંતુ એવાં સુભગ સ્થાનો એની વાર્તામાં જવલ્લે જ જણાય છે. શામળે ‘નંદબત્રીસી’માં લખ્યું છે કે, ‘કહ્યું કથે તે શાનો કવિ, શીખી વાત તે શાની નવી.’ શામળે આ પંક્તિ પ્રેમાનંદ માટે તો યોજી જ ન હતી એ તો હવે પુરવાર થઈ ગયું છે. પણ શામળે પોતાના લેખનવ્યવસાયનો ખુલાસો આપવા માટે પણ આ વાક્ય નથી જ લખ્યું લાગતું. એ તો એની ‘નંદબત્રીસી’ની વાર્તાના અમુક સંદર્ભમાં જ વપરાયું છે. શામળ જો એક બાજુથી એમ માનતો હોય કે કહેવાઈ ગયેલી વાત કહે એ શાનો કવિ, તો એ પોતે જ શા માટે કહે કે પોતાની વાર્તાઓનું વસ્તુ તેણે સંસ્કૃતમાંથી લીધું છે. તે તો વારંવાર કહે છે કે :

વચન આપ ચઢાવ્યું શીશ, સંભાર્યા ઉમયાપતિ ઈશ,
સંસ્કૃત માંહેથી શોધી જથા, કહી પ્રાકૃત કવિઇએ કથા.

સંસ્કૃતમાંથી શોધિયું, પ્રાકૃતમાં પુરાણ,
રખીદાસ હૃદે ધરે, કવ્યું સામળ સુજાણ.

કવિ પૂર્વે તો કોટિધા, પડ્યું જમતાં જે જૂઠ,
શામળભટે સંઘરી કર્યું, માન દઈ રાખ્યું મૂઠ.
વિચાર કર્યો નિજ મનમાં, સંસ્કૃતનો છે સાર.

સંસ્કૃત કાલિદાસકૃત, નિરખ્યો ગ્રંથ જે નેહ,
તે પ્રાકૃત પ્રીતે કરું, તમ કૃપાથી તેહ.

સંસ્કૃતમાંથી શોધિયું, પ્રાકૃત કીધું પૂર,
ભોજન પ્રબંધ ભરતખંડમાં, નારાયણનું નૂર.

શામળે વિશાળ પૂર્વ પ્રચલિત વાર્તાસાહિત્યમાંથી મન ફાવે તેમ લઈને પોતાની વાર્તામાં બંધબેસે તે રીતે વસ્તુ મૂક્યું છે. શામળે મૌલિક રચનાઓ કર્યાનો દાવો કર્યો નથી. નવલરામ ત્રિવેદી કહે છે એ પ્રમાણે મૌલિકતાનો દાવો કરવાનો એ યુગ જ નહોતો. પ્રાચીનોમાંથી, ખ્યાતનામોમાંથી લીધું છે એમ કહેવામાં જ વધારે ગૌરવ મનાતું. પ્રેમાનંદ પણ કહે છે ને કેઃ ‘આ પાસા વ્યાસ વાંચે સંસ્કૃત, આ પાસા મારું પ્રાકૃત.’ શામળ તો પોતાની કૃતિઓનું ગૌરવ વધારવા માટે કાલિદાસના નામનો પણ ઉલ્લેખ કરે છે. પણ કોઈ કાલિદાસને ‘સિંહાસનદ્વાત્રિંશિકા’નો કર્તા ગણવો એના કરતાં ‘કાલિદાસ’ એ સામાન્ય નામ છે અને કોઈ પણ કૃતિને ગૌરવ આપવા માટે એનો ઉપયોગ થયા કર્યો છે એમ માનવું વધારે ઉચિત છે. ઘણી કૃતિઓ પ્રતિષ્ઠિત લેખકોના નામે ચડી ગઈ હોવાના દાખલા આપણા તેમજ અન્ય દેશોના સર્વકાલીન સાહિત્યમાંથી પુષ્કળ મળી આવશે. ‘ભોજપ્રબંધ’નો કવિ કાલિદાસ હોય તો પણ તે કોઈ બીજો જ કાલિદાસ હશે. શામળની વાર્તાઓમાં ‘ભાભારામની વાર્તા’ સિવાય એકેય વાર્તા મૌલિક નથી એ સાચું, પરંતુ શામળે અન્ય કથાઓમાંથી ઉપાડેલાં કથાનકોને એવી ચતુરાઈથી વધારી-ઘટાડીને પોતાની વાર્તામાં ગોઠવી દીધાં છે કે એને માટેનો યશ એને મળવો જ જોઈએ. સાહિત્યમાં તો કોણે પુરોગામીઓમાંથી લીધું નથી હોતું? શું કાલિદાસે પોતે જ નથી લીધું? શેક્સપિયરમાં મૌલિકતા કેટલી? તુલસીદાસ પણ શું વાલ્મીકિના ઋણી નથી? આપણા સમર્થ નવલકથાકાર મુનશીએ એલક્ઝાન્ડર ડૂમાનું ઋણ નથી સ્વીકાર્યું? સાહિત્યમાં પુરાગામીઓની અસર હોય એનો વાંધો નથી. લેખકે પુરોગામીઓનું વસ્તુ લઈને પોતાની કલાનો ઢોળ ચઢાવીને એને નવું જ વ્યક્તિત્વ આપવું જોઈએ. શામળ કંઈક અંશે એ કાર્ય કરી શક્યો છે અને એટલે અંશે એ મૌલિક વાર્તાઓનો સર્જક છે. મૌલિકતાનો પ્રશ્ન એ આપણા સમયનો પ્રશ્ન છે. શામળના સમયમાં સાહિત્ય મૌલિક હોવું જોઈએ એવું કોઈ સમજતું ન હતું.

શામળના છપ્પા

શામળે સંસ્કૃત, પ્રાકૃત અને મધ્યકાલીન વાર્તાપરંપરાને જીવતી રાખી છે એટલું જ નહિ પરંતુ એ પરંપરાને કેટલેક અંશે સમૃદ્ધ પણ કરી છે. શામળ ચોપાઈ અને દુહાઓમાં વાર્તાઓ લખે છે. શામળ વાર્તામાં વાર્તા આલેખવાની જૂની પરંપરાને અનુસરે છે. ક્યારેક એ વાર્તામાં આડવાર્તા આપે છે તો ક્યારેક દૃષ્ટાંતવાર્તા આપે છે. મૂળ વાર્તાનો રસ આપણી દૃષ્ટિએ તૂટે તો પણ એના શ્રોતાઓને એ ગમતું હશે માટે શામળ વારંવાર આડવાર્તાઓ અને દૃષ્ટાંતવાર્તાઓનો ઉપયોગ કરે છે. આમ આડવાર્તાઓ અને દૃષ્ટાંતવાર્તાઓ ઉપરાંત શામળ પોતાના શ્રોતાજનોને રીઝવવા માટે સમસ્યાઓ પણ આલેખે છે. શામળ એ દ્વારા લોકરંજન ઉપરાંત લોકશિક્ષણનું કાર્ય પણ કરી લેતો લાગે છે. પરંતુ લોકશિક્ષણનું કાર્ય વિશેષપણે તો એ એના છપ્પાઓ દ્વારા કરે છે. વાર્તા કહેતાં કહેતાં જરાક જેટલો પણ અવસર ઊભો થાય તો શામળ બોધ આપવાની તક જતી કરતો નથી. એક કે બે સુભાષિતો તો એ જરૂર આપી દે. પણ એક કે બે સુભાષિતો આપીને શામળ ભાગ્યે જ અટકે છે. શામળને ફાવતું નથી. મન મૂકીને ન કહે ત્યાં સુધી એનો જીવ જંપતો નહીં હોય એમ લાગે છે. એ તો એકસાથે અનેક છપ્પાઓ આલેખે છે. બોધક છપ્પાઓને કારણે એની વાર્તાનો મુખ્ય સૂર તૂટે તો એની એને કંઈ પડી નથી. કદાચ એના શ્રોતાઓને પણ રસભંગ થતો નહીં હોય. આમ શામળની વાર્તાઓમાં ઉપદેશાત્મક છપ્પાઓ વારંવાર જોવા મળે છે. શામળમાં જ્યારે બોધાત્મક છપ્પાઓની આવી છોળ જોવા મળે છે ત્યારે એક એવો વહેમ આવે છે કે શામળે વાર્તામાં બોધાત્મક છપ્પાઓ આલેખ્યા છે તે માત્ર પરંપરાનું પરિપાલન તો નહીં હોય? જેમ એની વાર્તામાં આડવાર્તાઓ વધારે, ક્યારેક સમસ્યાઓનું પ્રમાણ મોટું તેમજ છપ્પાઓનું નહીં હોય? નહીંતર વાર્તામાં આટલો સીધો ઉપદેશ કેમ ચાલે? શામળની વાર્તાઓની હસ્તપ્રતો જોતાં આ વહેમ સાચો ઠરતો લાગે છે. લહિયાઓએ એની વાર્તાનાં કદ વધારી કે ઘટાડી નાખ્યાં છે અને જ્યાં ઉમેરણ કે કાપકૂપ કર્યાં છે ત્યાં મોટેભાગે છપ્પાઓની બાબતમાં જ કર્યાં છે. એ હકીકત સૂચવે છે કે શામળે પરંપરા જાળવવા માટે અનેક પ્રકારના બોધક છપ્પાઓ લખ્યા છે, પરંતુ વાર્તાના રસિયા લોકોને વાર્તારસમાં બાધક જણાતાં તે દૂર પણ થયા છે. એથી ઊલટું વાર્તારસના ભોગે પણ છપ્પામાં નિરૂપાયેલા વક્તવ્યને વખાણનારાઓએ તેને અતિ ઉત્સાહથી વધાવ્યા છે. વાર્તાની બીજી સામગ્રીની જેમ છપ્પા પણ વાર્તાના સામાન્ય પ્રવાહ સાથે શિથિલપણે જોડાયેલા છે. આના પરિણામે એમ પણ બન્યું હોય કે કેટલાક છપ્પા, જેમાં શામળનું નામ ગુંથાયું નથી તે અન્ય કવિઓની રચનાઓ હોય અને શામળની વાર્તામાં પ્રવેશ પામ્યા હોય. ઉપદેશ આપવાનું કાર્ય શામળ બે રીતે કરે છે : એક તો વાર્તાના કથાનકના એક અંગરૂપે જ એ બોધ આપે છે. પરંતુ બીજી રીતે જ્યારે શામળને વાર્તાકથનથી વિશેષ કંઈ કહેવું હોય છે, જ્યારે વ્યાપક રીતે જીવ જીવન અને વ્યવહારનું ડહાપણ વ્યક્ત કરવું હોય છે, ત્યારે એ ખાસ કરીને વાર્તાપ્રવાહથી જુદા પડી જાય એ રીતે છપ્પાનો ઉપયોગ કરે છે. વાર્તાના પ્રવાહથી જુદું, અલબત્ત, વાર્તાના પ્રસંગને નિમિત્તે પ્રાપ્ત થયેલું, શામળનાં પાત્રોનું નહીં પણ શામળનું પોતાનું જ વક્તવ્ય શામળની પોતાની મુદ્રા સાથે, છપ્પારૂપે પ્રગટ થાય છે. આવા છપ્પાઓ ભલે વાર્તાના કોઈ પાત્રને મુખે બોલાતા હોય તો પણ એમાં શામળનું નામ જોડાયેલું હોય છે. મધ્યકાલીન કેટલીક વાર્તાઓમાં જ્યારે કોઈ ઉત્કટ ઊર્મિનું આલેખન થયેલું જોવા મળે છે ત્યારે ચોપાઈ અને દુહાને છોડીને વાર્તાકારે એ ઊર્મિને ગેય પદ દ્વારા રજૂ કરી હોય છે. એ જ પ્રમાણે શામળ જ્યારે કોઈક વિશિષ્ટ વક્તવ્ય કે વ્યાપક નીતિશાસ્ત્ર રજૂ કરવા ઇચ્છે છે ત્યારે છપ્પાનો ઉપયોગ કરે છે. શામળના છપ્પા અખાના છપ્પા કરતાં જુદા પડે છે. અખાના છપ્પામાં ચોપાઈનાં છ ચરણ હોય છે. શામળના છપ્પાનું સ્વરૂપ જુદું જ છે. એની પહેલી ચાર પંક્તિઓ ટૂંકા માપની–રોળાની (૨૪ માત્રાની = ૧૧+૧૩) હોય છે. એની પછીની બે પંક્તિ ઉલ્લાલાની (૨૮= ૧૫+૧૩ માત્રાની) હોય છે. ઉપરની ચાર પંક્તિમાં જે વક્તવ્ય રજૂ થયું હોય છે તે અંગેની વ્યાપ્તિ પછીની બે પંક્તિમાં આવી હોય છે. આમ શામળના છપ્પાનો એક રીતે બાહ્ય આકાર હોય છે તે જ રીતે એનું વિચારસ્વરૂપ પણ હોય છે. શામળે અપનાવેલી છપ્પા લખવાની આ પરંપરાનાં મૂળ આપણને ૧૩મા અને ૧૪મા સૈકાની પ્રાકૃત જૈન કથાઓમાં જોવા મળે છે. શામળના છપ્પાઓ એવા તો ચોટદાર છે કે લોકોને એમાં રસ પડ્યો છે અને પરિણામે તે છપ્પાઓને મૂળની કૃતિઓમાંથી અલગ પાડીને એના સંગ્રહો પ્રગટ કરવામાં આવ્યા છે. એની અનેક આવૃત્તિઓ પ્રગટ થઈ છે. શામળે ધર્મ, વ્યવહાર અને સામાન્ય નીતિનાં કેટલાંક પાસાંના અનેક છપ્પાઓ લખ્યા છે. તેના કેટલાક જાણીતા વિષયો આ પ્રમાણે છે : વિદ્યાનો મહિમા, ધનનો મહિમા, દાતા કોણ? મૃત્યુ કોઈને છોડે નહિ, સાચી સમજનો મહિમા, જીવતો નર ભદ્રા પામે, અન્નપૂર્ણાનું માહાત્મ્ય, પેટ, સ્ત્રીની મહત્તા, પરનારીનો સ્નેહ, નારીની સંહારશક્તિ, જુવાનીનું જોર, પાપીનો સંગ, નામની કિંમત, સપૂત કોણ? સાચની મહત્તા, સાહસ ન કરવા વિશે, સારું અને નરસું, સદ્ગુણ-દુર્ગુણ, વચનનો મહિમા, શું તજવું? લોભપાપનું મૂળ છે, રાજા મિત્ર નહીં : આવા અનેક વિષયો પર શામળે છપ્પા લખ્યા છે.

શામળ અને નીતિ

સાહિત્ય અને નીતિને કંઈ સંબંધ ખરો? એવો પ્રશ્ન અવારનવાર પૂછવામાં આવે છે અને એનો જવાબ ‘હા’ અને ‘ના’માં આપવામાં આવે છે. શામળે જે વાર્તાઓ લખી છે એના પરથી પણ સાહિત્યમાં નીતિનો પ્રશ્ન સંચર્યો છે. શામળે ‘સૂડાબહોતેરી’ની લાંબી વાર્તામાં અનીતિમય આલેખન કર્યું છે એવો આક્ષેપ કરવામાં આવ્યો છે. અને એવો જ આક્ષેપ તેણે લખેલી ‘સ્ત્રીચરિત્ર’ની વાર્તા માટે તેમજ ‘સિંહાસનબત્રીસી’ની અન્ય વાર્તાઓમાં આવતાં ચરિત્રનાં કથાનકો માટે કરવામાં આવ્યો છે. શામળે આ વાર્તાઓમાંનાં સ્ત્રીપાત્રોને પતિને છોડી જારને રીઝવતાં ચીતર્યાં છે, અને એમની જારવિદ્યાનાં વર્ણન કર્યાં છે. એમાં કેટલાંક સ્ત્રીપાત્રોનું ચારિત્ર્ય ભ્રષ્ટ હોય છે અને વાચકના મન પર એની અમુક અસર પડે છે. જો આમ જ બનતું હોય તો શામળ દોષપાત્ર ઠરે ખરો, પરંતુ ખરેખર વાચક કે શ્રોતા પર તેની ખરાબ અસર પડે છે ખરી? ‘સ્ત્રીચરિત્ર’ની વાર્તામાં તો વણિકકન્યા, વિક્રમચરિત્ર–જે પોતાનો પતિ છે તેની જ જોડે સંગ કરે છે અને વાચકને તેની પૂરી ખબર છે. ‘સૂડાબહોતેરી’ની લાંબી વાર્તામાં પણ પરદેશ ગયેલા શેઠની જુવાન અને કામુક પત્ની એ વાર્તાઓ સાંભળીને અથવા સાંભળવાના લોભે અનીતિમય આચરણ કરતી અટકી જાય છે અને આખી વાર્તાને અંતે તો એનું શીલ સચવાઈ ગયું છે એવી જ પ્રતીતિ થાય છે. કેટલાંક કથાનકોમાં સ્ત્રી પતિથી છૂપી ભોગવિલાસ ભોગવે છે તેનાં વર્ણનો છે, પરંતુ ત્યાંયે લેખકનો ઉદ્દેશ તો પોતા માટે બંધ આંખ રાખી ગુમાનમાં ફરનારને એજ બોધપાઠ આપવાનો છે કે તું અન્યના દોષ જોવા અધીરો થા મા, દીવા નીચે જ અંધારું હોય છે અથવા તો ઘેર ઘેર માટીના ચૂલા હોય છે. અલબત્ત, સ્ત્રીની બુદ્ધિચાતુરી વર્ણવવાનો ઉદ્દેશ પણ લેખકનો હશે જ. શામળ પોતાનાં સ્ત્રીપાત્રોને તેજસ્વી ચીતરવાનો લોભ આવી વાર્તામાં પણ રોકી શક્યો નથી લાગતો. Women outwit men જેવું લાગે છે. આમ છતાંય જો શામળનો દોષ જ જણાતો હોય તો પ્રશ્ન એ પૂછવાનું મન થાય કે શું માત્ર શામળે જ આ પ્રકારની વાર્તાઓ લખી છે? જૈન વાર્તાકારોએ તો ભોગવિલાસનાં કેવાં રંગીન ચિત્રો દોર્યાં છે? અને લોકકથાઓમાં પણ સ્ત્રીપુરુષના વિલાસનાં કેવાં કથાનકો જોવા મળે છે! પૂર્વમાંથી પશ્ચિમમાં ગયેલી વાર્તાઓને પરિણામે તૈયાર થયેલા બોકાશિયોના ‘ડેકામેરોન’ને સરખાવતાં શું લાગે છે? આપણને સહેજે સમજાય છે કે આ વિષયમાં પણ શામળ સૌ પ્રથમ તો નથી જ. એણે તેના પુરોગામીઓનું આવી વાર્તાઓ લખવામાં પણ અનુકરણ કર્યું છે. આવી વાર્તાઓ એના સમય અગાઉ અને ખુદ એના સમયમાં, ખૂબ જ પ્રચલિત હતી. લોકોને એવી વાર્તામાં અન્ય વાર્તાઓ કરતાં વિશેષ રસ પડતો. આજે શામળની અન્ય વાર્તાઓની હસ્તપ્રતો કરતાં તેની ‘સ્ત્રીચરિત્ર’ની વાર્તાની હસ્તપ્રતો કેટલી બધી વધારે મળે છે? એ જ બતાવી આપે છે કે એવી વાર્તાનું આકર્ષણ લોકોને વધારે હતું. અને એવી વાર્તા લોકો વધારે હોંશથી સાંભળતા તેમજ સંઘરતા પણ ખરા. શામળે પોતે તો અનીતિનું આલેખન કરીને પણ નીતિનું જ સૂચન કર્યું છે. એ તો શ્રોતાઓને કહે છે :

માખણ માંહેથી કાઢજો, તજજો ખાટી છાશ,
ઘૃતનો ગુણ સહુ રાખજો, વસજો વૈકુંઠ વાસ.
કો ગુણ ગ્રહશે ચારણી, કો ગુણ ગ્રહશે સૂપ.

શામળ એના શ્રોતાઓને વારંવાર એની વાર્તાઓ માટે આદરભાવ રાખવાનું સૂચવે છે. શામળ તો ‘સિંહાસનબત્રીસી’–જેમાં વિક્રમ વાર્તાઓના મણકાઓને સાંધનાર સૂત્ર જેવો છે–ને ભાગવત અને રામચરિત્રની કક્ષામાં ગણવાનું કહે છે.

જેહવું શ્રીમદ્ ભાગવત્, જેહવું રામચરિત્ર,
તેહવું ચરિત્ર વિક્રમતણું, પૂરણ મન પવિત્ર.

તેના યુગનું પ્રતિબિંબ

શામળની વાર્તાઓમાં તેના જમાનાનું પ્રતિબિંબ પડે છે એવો એક મત છે. એ મત જોકે અનેક રીતે ચિંન્ત્ય છે. છતાં એટલું સાચું લાગે છે કે શામળે દોરેલાં નાતજાતનાં અને રીતિરિવાજોનાં કેટલાંક ચિત્રો યથાર્થ છે. એ જમાનામાં બાળલગ્નો પ્રચલિત હતાં. (અગિયાર વર્ષની અર્ભકી જુવાન તો ન જ ગણાય.) ઘણા બધા પુરુષો ધનના અભાવે પરણી શકતા નહીં, એ બતાવે છે કે કન્યાવિક્રયની પ્રથા મોજુદ હતી. તેમજ એકંદરે ચારિત્ર્યશિથિલતા પ્રવર્તતી હતી અને કેટલાક લોકો ભ્રષ્ટાચાર આચરી લેતા હતા. શામળની વાર્તાઓમાં શિથિલ ચારિત્ર્યનાં પાત્રો મોટે ભાગે હલકી કોમનાં હોય છે. કાછિયણ, માલણ, ઘાંયજણ, રજપૂતાણી (હલકી સ્થિતિના ઠાકરડાની સ્ત્રી), કોળણ વગેરે પાત્રો પ્રસંગ મળતાં પરપુરુષનું સેવન કરી લે છે. ક્યારેક તો એવું પણ જોવા મળે છે કે એવા દુરાચાર આચરવામાં સ્ત્રીઓ એકબીજાને સાથ આપે છે. સરખેસરખી સ્ત્રીઓ એકબીજાને મદદરૂપ થાય એ હજી સમજી શકાય તેવું છે, પરંતુ વડીલ ગણાય એવી સ્ત્રીઓ પણ સહાયક થાય છે. ઘણી બધી વાર પતિએ પોતાની પત્નીની મદદથી જ અન્ય સ્ત્રીને પ્રાપ્ત કરી હોય છે. આ બધું સ્પષ્ટ દર્શાવે છે કે શામળના સમયમાં નીતિનાં બંધનો ઘણાં શિથિલ હતાં. આ પ્રકારની શિથિલતા માટે સામાજિક કારણો પણ જવાબદાર હોય એ સમજી શકાય તેમ છે. પરંતુ એમ માનવું કે શામળના સમયમાં ચક્ષુરાગ થતાં લગ્ન થતાં હતાં, અથવા તો માબાપની મરજી વિરુદ્ધ લગ્ન થતાં હતાં, સ્ત્રીઓ પણ ઘણી બધી સાહસિક હતી અને પુરુષનો વેશ ધારણ કરી પતિ સાથે અને એકલાં પણ દેશવિદેશ ઘૂમતી હતી, તથા લોકો વિદ્યાવિનોદી હતા, તે ખોટું છે. એ શામળના જમાનાનાં ચિત્રો નથી. તેમજ ગોવર્ધનરામ માને છે તેમ આવતા જમાનાનાં ચિત્રો પણ નથી. આ બાબતમાં પણ શામળે તેના પુરોગામી વાર્તાકારોને પગલે ચાલવા સિવાય કશું જ વધારે કર્યું નથી. શામળ મધ્યકાલીન યુગનો નોંધપાત્ર વાર્તાકાર છે. તેણે લોકવાર્તાની પરંપરાને જીવંત રાખી છે એટલું જ નહીં, ઘણે અંશે સમૃદ્ધ પણ કરી છે. આજે જ્યારે આપણે ત્યાં અને અન્યત્ર લોકકથાસાહિત્યનો અભ્યાસ થઈ રહ્યો છે ત્યારે શામળ એ દિશામાં આગળ વધવા ઇચ્છનારાને ઘણી બધી મૂલ્યવાન સામગ્રી પૂરી પાડી શકે તેમ છે.