ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/પ્રથમ આવૃત્તિનું નિવેદન
ગુજરાતી સાહિત્યના ઇતિહાસલેખનના અનેક નાનામોટા પ્રયત્નો આ પૂર્વે થયા છે, પરંતુ ચાર ગ્રંથોમાં અને બે હજાર જેટલાં પૃષ્ઠોમાં, વિવિધ વિદ્વાનોના સહકારથી, ગુજરાતી સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ આલેખવાનો પ્રયાસ આ પ્રથમવાર જ થાય છે. ગુજરાતી સાહિત્યના વિકાસનાં જે બે સ્પષ્ટ સ્થિત્યંતરો છે એને લક્ષમાં રાખીને આ ઇતિહાસલેખન હાથ ધરાયું છે. પહેલા સ્થિત્યંતરને બે ગ્રંથોમાં વહેંચી નાખ્યું છે : પહેલા ગ્રંથમાં ગુજરાતની ભૌગોલિક અને રાજકીય-સાંસ્કૃતિક ભૂમિકા, ગુજરાતી ભાષાનો વિકાસ અને સાહિત્યિક પૂર્વપરંપરા એટલું સમાવતાં ઈ. ૧૧૫૦થી ઈ. ૧૪૫૦ સુધીના ગુજરાતી સાહિત્યના મધ્યકાળને આવરી લેવામાં આવ્યો છે. એના બીજા સ્થિત્યંતરને પણ એ જ રીતે બે ગ્રંથોમાં વહેંચ્યું છે. ત્રીજા ગ્રંથમાં કલાપી સુધીના અને ચોથા ગ્રંથમાં ઝવેરચંદ મેઘાણી સુધીના અર્વાચીન કાળનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રીતે, પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન ગુજરાતી સાહિત્યનો આ બૃહદ્ ઇતિહાસ એમાંની માહિતી અને માવજતથી આપણી વણપુરાયેલી જરૂરિયાતને સંતોષશે એવી આશા છે. આ ઇતિહાસલેખન આપણા ભિન્નભિન્ન વિદ્વાન લેખકો દ્વારા થયું છે. એટલે, એક કલમે લખાતા સળંગ ઇતિહાસલેખન કરતાં આ પ્રયત્ન સ્વાભાવિક રીતે જ જુદો પડવાનો. અલબત્ત, સંપાદન દ્વારા એમાં શક્ય એટલી એકવાક્યતા સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વાચકની સહાયથી મનોભાવની એકવાક્યતા જળવાશે એવી શ્રદ્ધા પણ છે. તેમ છતાં, સર્વત્ર એ જળવાય એ અપેક્ષા સંપૂર્ણપણે સંતોષી ન પણ શકાય. પણ એમાં વ્યક્ત થયેલ વિવિધ દૃષ્ટિકોણો અને અભિરુચિઓ પણ એક આનુષંગિક લાભ જ છે. આ કાર્યને ન્યાય આપી શકે એવા લગભગ બધા ઉત્તમ વિવેચકોનો સહકાર ગુજરાતી સાહિત્ય પરિષદે પ્રાર્થેલો છે. અમને જણાવતાં આનંદ થાય છે કે આપણા વિદ્વાનોએ આ કાર્યમાં અમને ઉમંગભેર સહકાર આપ્યો છે. એ સર્વ વિદ્વાનોનો પરિષદ તરફથી હ્રદયપૂર્વક આભાર માનીએ છીએ. સાહિત્યનો ઇતિહાસ આલેખવો એ એક સાહસ છે. જીવંત લેખકોની મનઃસૃષ્ટિનો પાર પામવો એ જ જો દોહ્યલું કામ હોય તો જેઓ હયાત નથી એમને વિશે માહિતી તારવવી અને અનુમાનો સારવવાં એ તો ખરેખરું કપરું કામ છે. પરિણામે, સર્જનને સામાજિક સંદર્ભમાં મૂકી આપીને સમગ્ર પ્રજાના જીવનમાં તેના, આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવકથિત, ‘વાઙ્મય ચૈતન્ય’ના આવિર્ભાવનો આલેખ આપીને કૃતાર્થતા અનુભવવી રહે છે. સાહિત્યના ઇતિહાસે કર્તા અને કૃતિની મૂલવણીનું વિવેચનકાર્ય પણ કરવાનું રહે છે. અનેક લેખકોનો સહકાર મેળવીને સાહિત્યનો ઇતિહાસ તૈયાર કરવાનો હોય ત્યારે એનો વિવેચનઅંશ વિશેષપણે એકધારો કેટલો ઊપસી આવે એ જોવાનું રહે. બાકી ઝાઝા હાથે તૈયાર થયેલો ઇતિહાસ તત્ત્વતઃ વર્ણનાત્મક રહેવાનો. આ કાર્યમાં પરિષદને પ્રેરવા માટે સૌ પ્રથમ આભાર ગુજરાત રાજ્યના એ સમયના મુખ્ય મંત્રીશ્રી સ્વ૰ બળવંતરાય મહેતાનો માનવાનો રહે છે. પરિષદના કાર્યવાહકોનો સામેથી સંપર્ક સાધીને એમણે કરવા જેવાં કામોની અને કામ ઉપાડી શકે એવી સંસ્થાઓની ટીપ માગેલી અને ધરખમ આર્થિક સહાયનું વચન પણ આપેલું. એ પ્રમાણે અનેક સંસ્થાઓ પાસેથી એમણે સૂચનો પણ માગેલાં, ગુજરાતી સાહિત્યના બૃહદ્ ઇતિહાસનું આ કાર્ય એમના પ્રોત્સાહનનું જ એક ફળ છે. સામાન્ય વહીવટ વિભાગના તા. ૭-૧૦-૧૯૬૭ના સરકારી ઠરાવ નં. પરચ-૧૦૬૬-૬૭૯૭-આર-થી ગુજરાત સરકારે ચોથી પંચવર્ષીય યોજના હેઠળની યોજના નં. ૫૦૩ અનુસાર વિધિસર આ કાર્ય પરિષદને સોંપ્યું હતું. આ સ્થાને અમે સ્વ૰ બળવંતરાય મહેતાની સાહિત્યસંસ્કાર-પ્રીતિનું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરીએ છીએ અને ગુજરાત સરકારનો માતબાર આર્થિક અનુદાન માટે આભાર માનીએ છીએ. સરકારશ્રીની આ અનુદાનયોજના મુજબ ગુજરાતી સાહિત્ય પરિષદની એ સમયની કાર્યવાહક સમિતિએ એની તા. ૧૪-૧૧-૬૭ની બેઠકમાં સાહિત્યના ઇતિહાસલેખન અંગે માર્ગદર્શન આપવા નીચેના વિદ્વાન સભ્યોની નિયુક્તિ કરી હતી :
શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
શ્રી રસિકલાલ પરીખ
શ્રી જ્યોતીન્દ્ર દવે
શ્રી ઉમાશંકર જોશી.
શ્રી ડોલરરાય માંકડ
શ્રી અનંતરાય રાવળ
શ્રી યશવંત શુક્લ
શ્રી રામપ્રસાદ બક્ષી
શ્રી ભોગીલાલ સાંડેસરા
શ્રી મનસુખલાલ ઝવેરી
શ્રી કેશવરામ શાસ્ત્રી,
શ્રી હરિવલ્લભ ભાયાણી
આ સમિતિએ પ્રથમ શ્રી ઉમાશંકર જોશી અને શ્રી યશવંત શુક્લની મુખ્ય સંપાદકો તરીકે નિયુક્તિ કરી હતી અને પાછળથી શ્રી અનંતરાય રાવળની સેવાઓ પણ સંપાદનકાર્ય માટે માગી લીધી હતી. સલાહકાર સમિતિએ વખતોવખત ચર્ચાવિચારણા કરીને આ યોજના હેઠળ ચાર ગ્રંથોમાં ગુજરાતી સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ તૈયાર કરવાનું નક્કી કર્યું હતું. ઉપરાંત, પ્રત્યેક ગ્રંથની રૂપરેખા તૈયાર કરીને જુદાજુદા વિદ્વાનોને આ કાર્ય માટે નિમંત્રણ આપવાનું ઠરાવ્યું હતું. એ મુજબ આપણા વિદ્વાન અભ્યાસીઓને ગુજરાતી સાહિત્યના ઇતિહાસનાં જુદાંજુદાં પ્રકરણો કે એના અંશો તૈયાર કરી આપવાની વિનંતી કરવામાં આવી હતી.સલાહકાર સમિતિના માર્ગદર્શન મુજબ તૈયાર થયેલી યોજનાનો આ પ્રથમ ગ્રંથ આજે પ્રગટ થાય છે. બાકીના ગ્રંથો પણ તૈયાર થઈ રહ્યા છે. બીજો ગ્રંથ ટૂંક સમયમાં જ પ્રેસમાં જશે. ત્રીજો અને ચોથો ગ્રંથ પણ આ વર્ષ દરમ્યાન પ્રેસમાં આપી શકાય એ માટે તૈયારી ચાલી રહી છે. ગુજરાત રાજ્યના ભાષાનિયામક શ્રી હસિતભાઈ બૂચે અને નાયબ ભાષાનિયામક શ્રી ઈશ્વરપ્રસાદ જોષીપુરાએ તથા એમની કચેરીએ અમને વખતોવખત માર્ગદર્શન અને સહકાર આપીને અમારું કામ સરળ બનાવ્યું છે એ માટે અમે એમનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. સ્વ૰ જયંતી દલાલે તેમજ ગુજરાત રાજ્યના એ સમયના નાણામંત્રી શ્રી જશવંત મહેતાએ સંસ્કારપ્રીતિને વશ થઈ આ કાર્યને આગળ ધપાવવામાં પુષ્કળ અંગત રસ લીધો હતો એ માટે એમના તથા પ્રારંભિક સહાય માટે આચાર્યશ્રી વિનોદ અધ્વર્યુના અમે ઋણી છીએ. ચંદ્રિકા પ્રિન્ટરીના સંચાલકોએ આ ગ્રંથના છાપકામ અંગે કરી આપેલી સુવિધા માટે એમના પણ અમે આભારી છીએ. ગુજરાતની સાહિત્યરસિક પ્રજાને આ ઇતિહાસગ્રંથો ઉપયોગી લાગશે તો ગુજરાતી સાહિત્ય પરિષદ કૃતાર્થતા અનુભવશે.
ઉમાશંકર જોશી
અનંતરાય રાવળ
યશવંત શુક્લ
સંપાદકો
અમદાવાદ; ૨૮, ફેબ્રુઆરી ૧૯૭૩