ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/મધ્યકાલીન કથાસામગ્રી

From Ekatra Foundation
Jump to navigation Jump to search

પરિશિષ્ટ : ૧

કથાપ્રકૃતિઓ અને કથાઘટકો

હરિવલ્લભ ભાયાણી

સ્વપ્નસુંદરી

આપણને મળતી સૌથી જૂની પદ્યકથા અસાઈતની ‘હંસાઉલી’માં કથાનકના સ્પષ્ટપણે બે વિભાગ પડે છે. પહેલા વિભાગમાં પ્રતિષ્ઠાનનો રાજા નરવાહન સ્વપ્નમાં જોયેલી કનકપુરની કુંવરી હંસાઉલીને કઈ રીતે મેળવે છે તેની વાત છે. આ કથાંશમાં સ્વપ્નસુંદરીની પ્રાપ્તિ અને પૂર્વના પંખીભવના પતિપત્નીનું આ ભવે પ્રેમમિલન એવા બે મુખ્ય ઘટકો છે. આમાંથી પહેલો ઘટક ‘કથાસરિત્સાગર’ના વિષમશીલલંબકમાંની વિક્રમાદિત્ય અને મલયવતીની કથામાં છે, અને હકીકતે ‘હંસાઉલી’ની કથાનો એ અંશ પરોક્ષપણે એના ઉપર જ આધારિત છે. દાવાનળે વિખૂટાં પડેલાં હંસહંસી (કે પોપટપોપટી, હરણહરણી વગેરે)માંથી હંસી કઈ રીતે મનુષ્યભવે પુરુષદ્વેષિણી કુંવરી બને છે, અને તેને કુંવર બનેલો હંસ (અથવા અન્ય કોઈ) પૂર્વ ભવની ઘટનાની એંધાણી આપીને કઈ રીતે વરે છે તે વાત વાળો ઘટક પણ ‘કથાસરિત્સાગર’માં અન્યત્ર મળે છે. પાદલિપ્તની અદ્ભુતરસિક પ્રેમકથા ‘તરંગવતી’માં તો તેનો ઘણો કાવ્યાત્મક ઉપયોગ થયો છે. વિક્રમચરિત્રની કથામાં પ્રારંભનો વિક્રમ અને લીલાવતીવાળો અંશ, ચિત્રસેન-પદ્માવતીની કથાનો પ્રારંભિક અંશ, શિવદાસની ‘કામાવતીની કથા’ના ત્રીજા ભવની વાતનો પ્રારંભિક અંશ–એ બધામાં પણ આ જ ઘટક પ્રયોજાયો છે. આ કથાઓને લગતી કૃતિઓનો નિર્દેશ આગળ જતાં કર્યો છે.

બળાત્કારનું આળ

‘હંસાઉલી’ના બીજા ખંડમાં આરંભમાં, કામભોગની માગણી તરછોડતા ઓરમાન પુત્ર ઉપર સાવકી મા તરફથી બળાત્કારનું આળ ચડાવવાની વાત છે. કથાવિદોમાં ‘પોટીફરની પત્ની’ને નામે જાણીતો આ ઘટક (ક્રમાંક के ૨૧૧૧) અત્યંત વ્યાપક હોઈને, ‘ચુલ્લપદુમ જાતક’થી માંડીને ‘મહાભારત’, ‘કથાસરિત્સાગર’, ‘સમરાદિત્યકથા’ વગેરે અનેક સ્થળે મળે છે. રાજકુમારોને રાજા તરફથી મળેલા અન્યાયી મૃત્યુદંડમાંથી યુક્તિપૂર્વક ઉગારીને પ્રધાન તેમને પરદેશ મોકલી આપે છે તેવો પ્રસંગ પણ કથાઓમાં વ્યાપક છે.

બે ભાઈઓ કે જાદુઈ પક્ષી

એ પછીની હંસાવલીની કથામાં બંને રાજકુમારોની જે વીતકકથા આપી છે તેમાં આપણને એક ઘણી વ્યાપક અને લોકપ્રિય કથાપ્રકૃતિ મળે છે. (ટોમ્પ્સન અનુસાર ‘જાદુઈ પક્ષીહૃદય’, કથાપ્રકૃતિ ૫૬૭). બે ભાઈઓ વિખૂટા પડે છે. તેમાંથી એક ભાઈને રાજગાદી મળે છે, તો બીજો ભાઈ અનેક ચડતીપડતી ભોગવતો અને પરાક્રમ કરતો (જેમાં ઠગારી ગણિકાને પાઠ શીખવવાના પ્રસંગો પણ અનેક રૂપાંતરે મળે છે) છેવટે પોતાના ભાઈને ફરી પાછો મળે છે. જાતકકથા’થી માંડીને સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને જૂની ગુજરાતીની અનેક કૃતિઓમાં આ કથાનક વિવિધ રૂપાંતરે પ્રાપ્ત થાય છે. ભોજની ‘શૃંગારમંજરી’માંની કુટ્ટનીવંચનકથામાં ‘જાતકકથા’ વાળા રૂપાંતરની પહેલી પુનર્ઘટના થયેલી છે. તે પછી બારમી શતાબ્દીના પ્રાકૃત ‘પુહઇચંદચરિય’માંની વીરાંગદ–સુમિત્રની કથામાં રૂપપરિવર્તનનો નવો ઘટક ઉમેરાય છે. અને તે પછી પોણો સો જેટલાં વર્ષ જતાં રચાયેલી રત્નપ્રભની ‘ઉપદેશમાલા—દોઘટ્ટી વૃત્તિ’માંની લોહાર્ગલા ગણિકાની કથામાં આપણને પશ્ચિમના દેશોમાં જે રૂપાંતરો પ્રચલિત છે તેની વધુ નજીકનું માળખું પ્રાપ્ત થાય છે. જૂની ગુજરાતીમાં અમરસેન–વયરસેનની વાર્તા રૂપે, હંસરાજ–વત્સરાજની વાર્તા રૂપે, વીરભાણ–ઉદયભાણની વાર્તા રૂપે તથા મુનિપતિચરિતમાંની કાષ્ઠશેઠની વાર્તા રૂપે આ ‘બે ભાઈ’ની કથાપ્રકૃતિનાં અનેક રૂપાંતરો મળે છે.

આ વિષયની કેટલીક કૃતિઓ

અમરસેન-વયરસેનની કથાને લગતી રાજસિંહ (૧૫૩૮), કમલહર્ષ (૧૫૮૪), રંગકુશલ (૧૫૮૮), સંઘવિજય (૧૬૨૩), જયરંગ (૧૬૪૪), દયાસાર (૧૬૫૦), તેજપાલ (૧૬૮૮), જિનહર્ષ (૧૭મીનો અંત), જીવસાગર (૧૭૧૨) વગેરેની રચનાઓ; હંસરાજ–વત્સરાજનો રાસ, પ્રબંધ કે ચોપાઈ એવે નામે વિજયભદ્ર (૧૫૫૦), વિજયમેરૂ (૧૬૧૩), માનસિંહ (૧૬૧૮), પરમાનંદ (૧૬૧૯), જિનોદય (૧૬૨૩), વર્ધમાન (૧૬૪૯), વસ્તુપાલ (૧૬૫૦), મહિમાસેન (૧૭૧૯) વગેરેની કૃતિઓ; તથા કુશલસાગર કે કેશવકૃત ‘વીરભાણ–ઉદયભાણરાસ’ (૧૬૮૯); મુનિપતિચરિતને લગતી રાસ, ચોપાઈ અને બાલાવબોધના સ્વરૂપની ૧૩૯૪ થી ૧૯૦૨ સુધીની તેર જેટલી રચનાઓ છે. કર્તા : રાજચંદ્ર, સિંહકુલ, ગજવિજય, રત્નવિજય વગેરે. આ કથા ‘માનસિંહ અને અભેસિંહ’ (અથવા તો જયસિંહ અને વિજયસિંહ’) એવે નામે લોકકથા સંગ્રહોમાં પણ સ્થાન પામી છે. શામળભટની ‘વેતાલપચીસી’ની આઠમી કથામાં ચંદનમલયાગીરીની કથા અને બે ભાઈની કથાની ભેળસેળ કરી દીધેલી છે.

સુંદરી અને વાંદરી

‘બે ભાઈ’ની કથાપ્રકૃતિના રૂપાંતરોમાં બીજા બે જાણીતા કથાઘટકો પણ દેખાય છે. (૧) રાજકુમારીઓ કુલવિનાશિની થશે એવું ભાવિ ભાખી તેમને પેટીમાં બંધ કરાવી નદીમાં વહાવી દેવરાવવાનો પ્રપંચ કરનાર કપટી યોગી, તે રાજકુમારીઓને પામવાને બદલે કેવી રીતે વાનરીઓનો ભોગ બને છે તેની વાત (‘નરબદાતીરનો જોગી’ને નામે જાણીતી લોકકથા), તથા (૨) ઉજ્જડ નગરીમાં રાક્ષસે રાજમહેલમાં સાતમે માળે જાદુઈ આંજણથી ઊંટડી બનાવીને રાખેલી રાજકુમારીની વાત (જે શામળ ભટની પંચદંડની વાર્તા’માંની બીજા દંડની પ્રાપ્તિની કથામાં પણ મળે છે.) વળી ‘બે ભાઈ’ના ભોજવાળા રૂપાંતરમાંનો મંત્રબળે મળતી અદ્ભુત સિદ્ધિનો ઘટક ‘કથાસરિત્સાગર’ની વૈતાલપંચવિંશતિકાની અઢારમી કથામાં, ગુણચંદ્રના ‘મહાવીરચરિય’ના પાંચમા પ્રસ્તાવમાં આપેલી એક કથામાં અને શામળની ‘સિંહાસનબત્રીશી’ની પહેલી વાર્તામાં છે. એનું બીજું રૂપાંતર માયાવી સૃષ્ટિ (એટલે કે એકાદ પળ કે ઘડીના સમયમાં જન્મથી માંડીને મૃત્યુ સુધીના સાંસારિક અનુભવ કરાવવાની વાત) અનેક રૂપે પ્રાચીન સાહિત્યમાં આપણને મળે છે. ‘સુદામાની અકળ લીલા’ને નામે જાણીતી ગુજરાતી રચનામાં આવી જ વાત છે. પૌરાણિક કથાઓમાં ભગવાનની લીલા’નામે પ્રચલિત લોકકથામાં તથા યોગવાસિષ્ઠની પદ્મરાજા અને લીલારાણીની કથામાં આ કથાપ્રકૃતિનાં વિવિધ પાસાં જોવા મળે છે.

કપટી સિદ્ધ

કપટી સિદ્ધની બીજી એક વાત–સ્મશાનમાં રાજાને ઉત્તરસાધક બનાવી તેનો ભોગ આપવા જતાં પોતે ભોગ બની જવું, અને એમ રાજાને સુવર્ણપુરુષ સિદ્ધ થવો—પણ અનેક વાર્તાઓમાં દેખા દે છે (જેમ કે ‘કથાસરિત્સાગર’માં રત્નપ્રભાલંબકમાં પ્રપંચબુદ્ધિ ભિક્ષુ અને વિક્રમાદિત્યની વાતમાં, ગુણચંદ્રના ‘મહાવીરચરિય’માં નરવિક્રમની વાતમાં, શામળ વગેરેની વેતાલપચીશીમાં).

વ્યભિચારિણીનું આળ

બળાત્કારના આળની જેમ ગુપ્ત રીતે પતિથી રહેલા ગર્ભને કારણે પત્ની પર સાસુ વગેરે તરફથી વ્યભિચારિણી હોવાનું આળ, પરિણામે દેશવટો અને અનેક વિપત્તિઓ વેઠવાની વાતમાં એક ઘણો જાણીતો કથાપ્રકાર છે. તેનો ઉત્તરાર્ધ તો રામકથાના ઉત્તર–સીતાચરિતથી જાણીતો છે. જૈન પરંપરા પ્રમાણેની રામકથામાંની અંજનાસુંદરી અને પવનંજયની કથામાં, તથા અન્યત્ર મૃગાંકલેખા અને સાગરચંદ્રની કથામાં પણ તેનો ઉપયોગ થયો છે. રામકથાથી સ્વતંત્ર રીતે પણ અંજનાસુંદરીને લગતી જૂની ગુજરાતીમાં માલમુનિ (૧૬મી સદીનો અંત), નરેન્દ્રકીર્તિ (૧૫૯૬), ગુણવિનય (૧૬૦૬), વિમલચરિત્ર (૧૬૦૭), ક્ષેમકુશળ (૧૬૧૧), પુણ્યસાગર (૧૬૩૩), ભુવનકીર્તિ (૧૬૫૦), વગેરેની; તથા મૃગાંકલેખાને લગતી વચ્છ (૧૫મી શતાબ્દી), વિવેકવિજય (૧૬૭૪), જિનહર્ષ (૧૬૯૨) વગેરેની કૃતિઓ છે. શામળ ભટની કસ્તુરચંદ કે ભદ્રાભામિનીની વાર્તામાં (‘સિંહાસનબત્રીશી’ની વાર્તા ૨૩મી) તથા તેની ‘ચંદ્ર-ચંદ્રાવતી’માં પણ આ કથાઘટક વપરાયો છે.

યુવરાજને દેશવટો

‘હંસાઉલી’ પછીની જૂની ગુજરાતની બીજી મહત્ત્વની પદ્યકથા ભીમકૃત ‘સદયવત્સવીરપ્રબંધ છે.’ સદયવત્સની કથાના બે નિરાળા પ્રવાહો છે. પહેલો અને વધુ પ્રાચીન પ્રવાહ ભીમની કૃતિમાં મળે છે. એ કથા અપભ્રંશ સાહિત્યનો વારસો હોવાનું જણાય છે. ઉજ્જયિનીના રાજકુમાર સદયવત્સ કે સુદવચ્છના દેશવટા અને ભ્રમણને લગતી એ કથા શૃંગાર, વીર અને અદ્ભુત રસના પ્રસંગોથી ભરપૂર છે. વિવિધ જાણીતા કથાઘટકો અને ઘટનાઓ વડે તે ગુંથાઈ છે. આરંભની ગાંડા થયેલા જયમંગળા હાથીના ઘાતવાળી વાત ગુણચંદ્રના ‘મહાવીરચરિય’માંના નરસિંહરાજાના દૃષ્ટાંતમાં અને પછી અન્યત્ર અનેક વાર મળે છે. અપરમાનું આળ, પોતાના રૂપથી નગરસ્ત્રીઓને ઘેલી કરવાથી ઠપકો મળતાં થયેલું અપમાન (જેમ કે વસુદેવ, માધવાનલ વગેરેનું), એવાં એવાં દેશવટો મળવાનાં કે પરદેશ નાસી જવાનાં બીજાં પણ નિમિત્તોનો આશરો ઇતર કથાઓમાં લેવાયો છે.

પાણી સાટે લોહીની કસોટી

કુમાર સુદવચ્છ સાવલિંગાની સાથે આગળ વધતાં હરિસિદ્ધમાતાની પરબે પોતાનું લોહી આપીને બદલામાં પીવાનું પાણી મેળવે છે. તે પ્રસંગ ‘સિંહાસનબત્રીશી’ને લગતી કથાઓમાં (જેમ કે શામળની કૃતિમાંની દસમી ગર્ધવસેનની અને ત્રીશમી ભરથરીની વાર્તામાં) પણ છે.

ડાકણ રાજકુમારી

સદયવત્સકથામાં શૂળીએ ચડેલા પતિને પાણી પાવાને બહાને કોઈ પરોપકારીની પીઠ પર ચડીને શૂળીએ લટકતા માણસનું લોહી પીતી કે માંસ ખાતી ડાકણ રાજકુમારીવાળી વાતનું મૂળ ‘કથાસરિત્સાગર’ના ચતુર્દારિકાલંબકમાંની અશોકદત્ત અને વિજયદત્તની કથામાં છે, અને મધ્યકાલીન સાહિત્યમાં તેનો વારંવાર ઉપયોગ થયો છે.

વિદ્યાભ્યાસ કરતાં પ્રણયસંબંધ

સદયવત્સકથાનો ભીમની કૃતિમાં જે છે તેનાથી જુદો જ પ્રવાહ સદેવંત–સાવળિંગાની લોકપ્રચલિત કથામાં જોવા મળે છે. જૂની ગુજરાતીમાં કેશવ (કે કીર્તિવર્ધન) ની ‘સદયવત્સસાવલિંગા-ચઉપઈ’, અજ્ઞાતકર્તૃક ‘સદયવત્સ–સાવલિંગી-પાણી-ગ્રહણ–ચુપઈ’ અને નિત્યલાભની સદેવંત-સાવલિંગા–રાસ’ વગેરે એ પ્રવાહની રચનાઓ છે. તેમાં રાજપુત્ર સદયવત્સ અને પ્રધાનપુત્રી સાવલિંગાની વચ્ચે ગુરુને ત્યાં ભણતાં થયેલા પ્રણયસંબંધની, પછી બન્નેનો અન્યત્ર વિવાહ થયાની અને વિવિધ અંતરાયો પછી છેવટે તેમનું મિલન થયાની વાત છે. આરંભનો ઘટક–વિદ્યાભ્યાસ કરતાં પ્રણયસંબંધ–જૂની ગુજરાતીમાં પણ ઘણો લોકપ્રિય રહ્યો છે. સંસ્કૃત કાવ્યને અનુસરીને જૂની ગુજરાતીમાં રચાયેલી જ્ઞાનાચાર્યની ‘બિલ્હણ–પંચાશિકા–રાસ’ (૧૬મી શતાબ્દી) તથા ‘શશિકલા-પંચાશિકા’ (૧૬મી શતાબ્દી) અને સારંગની ‘બિલ્હણપંચશિકા-ચોપાઈ’ (૧૫૮૩) એ કૃતિઓમાં બિલ્હણ અને શશિકલાનો પ્રસંગ, રાજશેખરના ‘પ્રબંધકોશ’ (૧૩૪૯)માંના મદનકીર્તિપ્રબંધમાં મદનકીર્તિ અને મદનમંજરીનો પ્રસંગ (સંસ્કૃતમાં), વિનયચંદ્રના સંસ્કૃત ‘મલ્લીનાથકાવ્ય’ (૧૨૨૯) ના બીજા સર્ગમાંની મૂર્ખચટ્ટ અને વિનયચટ્ટની આડકથામાં આપેલાં નયનસાર અને સૌભાગ્યમંજરીનો પ્રસંગ (જે હીરાણંદના ૧૪૨૯માં રચાયેલા ‘વિદ્યાવિલાસપવાડુ’માં અને લઘુ–સુખની ‘વિદ્યાવિલાસિની વાર્તા’માં પણ છે), માધવની ‘રૂપસુંદરકથા’ (૧૬૫૦)માંનો સુંદર અને રૂપાંનો પ્રસંગ (એ શામળની ‘સિંહાસનબત્રીશી’ની ૩૧મી વાર્તા – રૂપાવતીની વાર્તામાં પણ છે. રૂપાવતી ‘રૂપસુંદરકથા’નું જ રૂપાંતર છે) વગેરે એનાં ઉદાહરણો છે. શામળની ‘પદમાવતીની વાર્તા’માં પણ આ કથાઘટકનો અણસાર છે, અને ‘બિલ્હણપંચાશિકા’, ‘સદેવંત–સાવલિંગા’ અને ચતુર્ભુજદાસની હિંદી ‘મધુમાલતી’માં આ પ્રસંગના જે રૂપાંતરો છે તે ઉપરથી શામળે પોતાની ‘મદનમોહના’માં મદન અને મોહનાની સંબંધયોજના ઘડી કાઢેલી જણાય છે.

પૂર્વભવ સુધી કથાનું વિસ્તરણ

સદેવંતસાવળિંગાની કથાનાં ઉત્તરકાલીન રૂપાંતરોમાં વાર્તાનો વિસ્તાર થયો છે અને નાયક-નાયિકાના સાત પૂર્વ ભવોની વાત ઉમેરાઈ છે. ‘હંસાવલી’ની વાર્તામાં પણ પૂર્વ ભવની કથા મતિસારે ઉમેરેલી છે. પૌરાણિક કથાઓમાં અભિમન્યુની પૂર્વકથાને લગતી ગુજરાતી રચનાઓ અહીં સરખાવી શકાય). પાછળના સમયમાં વિવિધ કથાઓને આ રીતે વિસ્તારવાનું વલણ સ્થપાયેલું જોઈ શકાય છે. જૈન પરંપરાની કથાઓનું તો આ પહેલેથી જ લક્ષણ રહ્યું છે, કારણ કે તે વડે કર્મના સિદ્ધાંતનું પ્રતિપાદન થતું.

ઠગારું માગણું અને ઠગારી ચુકવણી

આગળ જતાં ‘સદયવત્સકથા’માં પોતાને સ્વપ્નમાં વણિકપુત્રે ભોગવ્યાનો બદલો વણિકપુત્રની પાસે માગતી ઠગારી ગણિકાને, દર્પણમાં ધનના ઢગલાનું પ્રતિબિંબ પાડીને ચુકવણી તરીકે તે પ્રતિબિંબ આપવાની ચતુરાઈની વાત આવે છે. આ ઘટક બૌદ્ધ ગ્રંથ ‘મહાવસ્તુ’ના પુણ્યવંત જાતકમાં તથા જૈન ઔપદેશિક ગ્રંથ ‘દાનપ્રદીપ’ની પણ એક કથામાં વપરાયો છે. ધૂતવાની આવી યુક્તિને પ્રતિયુક્તિથી મહાત કરવાના બીજા પણ અનેક પ્રકાર ઔત્પત્તિકી બુદ્ધિને લગતી કથાઓમાં, ગણિકાઓની બનાવટોનો બદલો લેવાની વાતોમાં (જેમ કે રત્નચૂડની કથા ઉપર રચાયેલા વિવિધ રાસ વગેરેમાં) તેમ જ ‘ઊંદર લોઢું ખાઈ ગયા’ જેવા ઘટકોનો ઉપયોગ કરતી (‘જાતકકથા’થી લઈને આજ સુધી અનેક સ્થળે મળતી) કથામાં પ્રયોજાયા છે.

મિત્રની બદલીમાં શૂળી

સદયવત્સની કથાનો આ પછીનો પ્રસંગ-મિત્રને ખાતર તેની બદલીમાં શૂળી વહોરતા મિત્રનો પ્રસંગ–ચત્રભુજદાસની ‘મધુમાલતી’માં અને તેના રૂપાંતર સમી માધવની ‘રૂપસુંદરકથા’ અને શામળની ‘રૂપાવતી’ (‘સિંહાસનબત્રીશી’ની ૩૧મી વાર્તા) માં પણ છે.

ચિત્રસુંદરી, શિલ્પસુંદરી

સ્વપ્નમાં જોયેલી સુંદરી (અથવા તો ઉષા-અનિરુદ્ધની કથામાં છે તેમ સ્વપ્નમાં જોયેલો પ્રેમી) જેમ કેટલીક કથાઓનું ચાલક બળ બને છે, તેમ અન્ય કથાઓમાં તેવું કાર્ય ચિત્ર કે શિલ્પની સુંદરી કરે છે. ચિત્રસુંદરીનો ઉપયોગ તો કથાઓમાં ઘણો વ્યાપક છે. પ્રાકૃત ‘આખ્યાનકમણિકોશ’માં કુમાર અમરદત્ત પાટલિપુત્રના દહેરામાંની પૂતળીના પ્રેમમાં પડી જાય છે અને તેને પ્રાપ્ત કરવાની કારવાઈઓ ચાલુ થાય છે. આ અમરદત્ત-મિત્રાણંદના કથાનક ઉપર જૂની ગુજરાતીમાં દેવગુપ્તશિષ્ય (૧૫૫૦), સોમવિમલશિષ્ય (૧૫૬૨), લક્ષ્મીપ્રભ (૧૬૨૦), નેમવિજય (૧૬૩૯), તત્ત્વવિજય (૧૬૬૮), જિનહર્ષ (૧૬૮૮) અને યશોલાભ (૧૭મી શતાબ્દીનો અંતભાગ) એટલા લેખકોના રાસ છે. ‘જિનદત્તાખ્યાન’માં, મતિસારની ‘કર્પૂરમંજરી’માં અને ચિત્રસેન-પદ્માવતીના કથાનકમાં આ જ ઘટકનો ઉપયોગ થયો છે.

ડાકણનું આળ

પણ અમરદત્ત–મિત્રાણંદની કથાનું મહત્ત્વ મુખ્યત્વે તો તેમાં ઉદાહૃત થયેલી એક વ્યાપક કથાપ્રકૃતિને કારણે છે. મિત્રની અભિષ્ટ સુંદરીને કપટયુક્તિ દ્વારા ડાકણનું આળ લગાડીને પ્રાપ્ત કરવી – એવા ઘાટવાળી આ કથાપ્રકૃતિ દંડીની અવંતીસુંદરીકથા’ના ભાગરૂપ ‘દશકુમારચરિત’માંની નિતંબવતીની આડકથામાં, ‘કથાસરિત્સાગર’માંની (અને તેને અનુસરીને શિવદાસ, જંભલદત્ત વગેરેની) ‘વેતાલપંચવિશતકા’ની પહેલી કથામાં (શામળની ‘વેતાલપચીશી’ની ૧૧મી કથામાં), તેમ જ ઉપર્યુક્ત વિક્રમાદિત્ય અને મલયવતીની કથા મળે છે.

વિચિત્ર ભાગ્યપલટો

વિધિપરિણામ, ભાગ્યદશાનો ઊથલો, સુખદુઃખના વારાફેરા કે વિધાતાની અથવા કર્મની વિચિત્ર ગતિને કારણે થતી ચડતીપડતી–એવા આધારભૂત ભાવને વ્યક્ત કરનારી કથાઓ પરાપૂર્વથી લોકપ્રિય રહી છે. પુરાણકથાઓમાંથી રામ, પાંડવો, નળ અને હરિશ્ચંદ્રનાં કથાનકો સુવિદિત છે. લૌકિક પરંપરામાં એના નિદર્શન તરીકે ચંદનમલયાગિરીની વાર્તા હજારેક વર્ષથી આપણે ત્યાં પ્રચારમાં છે. નરવિક્રમરાજાની વાર્તાને નામે તે પ્રાકૃતમાં (૧૧મી સદીમાં) ગુણચંદ્રના ‘મહાવીરચરિય’માં, ૧૨મી સદીમાં આમ્રદેવની ‘આખ્યાનકમણિકોશવૃત્તિ’માં, તથા સંસ્કૃતમાં (જેમ કે શુભશીલના ‘પંચશતીપ્રબોધ’ની ૫૪૩મી કથામાં) મળે છે. જૂની ગુજરાતીમાં અગિયારેક જૈન અને એક અજૈન (શામળ) એમ બાર જેટલા લેખકોએ આપણને ચંદનમલયાગિરીની કથા આપેલી છે. રાજા, રાણી અને બે કુમારો સુખની અવસ્થામાંથી ઓચિંતા દુર્દશામાં કેમ આવી પડે છે, સૌ વિખૂટા પડી જઈને અનેક આપત્તિ સહે છે અને અંતે સૌનું સુખરૂપ પુનર્મિલન થાય છે એવો કથાનો ઢાંચો છે.

શીલકથાઓ

સ્ત્રીની સ્વભાવગત દુઃશીલતા, કુલટાવૃત્તિ કે સ્ત્રીચરિત્રને લગતી સેંકડો કથાઓની સાથેસાથે શીલવતી સ્ત્રીની કથાઓ પરાપૂર્વથી પ્રચલિત છે. જૈન પરંપરામાં આવી અનેક કથાઓ જયકીર્તિની ‘શીલોપદેશમાલા’ જેવી કૃતિઓમાં મળે છે. નર્મદાસુંદરી, ઋષિદત્તા, દવદંતી, અંજનાસુંદરી, શીલવતી વગેરેની કથાઓ ઉપર અનેક સ્વતંત્ર રચનાઓ પણ છે.

ફસાવનારાની ફસામણી

શીલવતીની વાર્તામાં બે ખંડ પડે છે. પહેલા ખંડમાં વ્યવહારકુશળ ચતુર પુત્રવધૂની વાર્તા છે. એક તરફથી બૌદ્ધ ‘જાતકકથા’ની અમરાદેવી અને જૈન ‘જ્ઞાતાધર્મકથા’ની રોહિણી, તો બીજી તરફ વિવિધ પ્રાકૃત કથાઓમાં મળતું બાલપંડિતાનું પાત્ર આગળ જતાં કથાસાહિત્યમાં અનેક અવતાર પામે છે. શીલવતીની વાર્તાના બીજા ખંડમાં શીલભંગ કરવા આવનારને ચતુરાઈથી બંધ પેટીમાં કે ખાડામાં બંદી બનાવીને પાઠ શીખવવાની વાત છે. ‘કથાસરિત્સાગર’ની દેવસ્મિતાની વાર્તામાં તથા અનેક જૈન પ્રાકૃત અને સંસ્કૃત કૃતિઓમાં આ શીલરક્ષાની કથા મળે છે. સોમપ્રભના ‘કુમારપાલપ્રતિબોધ’માં અને જયકીર્તિની ‘શીલોપદેશમાલા’માં પણ એ છે. જૂની ગુજરાતીમાં શીલવતીની કથા ઉપર જયવંત (૧૫૫૮), દેવરત્ન (૧૬૪૨), દયાસાર (૧૬૪૯), કુશલધીર (૧૬૬૬), જિનહર્ષ (૧૭૦૨) વગેરેની રચનાઓ છે.

નંદબત્રીસી

શીલવતી પ્રધાનપત્ની અનુચિત માગણી કરનાર રાજાને શરમાવીને કઈ રીતે પાછો વાળે છે, પછી સંબંધના વહેમે ભરમાયેલો પ્રધાન કઈ રીતે રાજાની ગુપ્તપણે હત્યા કરે છે અને રાજકુમાર કઈ રીતે એ પકડી પાડે છે તેની રસિક વાત નંદબત્રીશીને નામે જાણીતી છે. શામળ ભટની ‘નંદબત્રીશી’ની પહેલાં આ કથાની લાંબી પૂર્વપરંપરા છે. નંદ રાજા અને વરરુચિ મંત્રીની સાથે સંકળાયેલી એ કથાનું મૂળ ‘બૃહત્કથા’માં હોવાનું જણાય છે. પછીથી કોઈ સંસ્કૃત રચના તેને આધારે થઈ લાગે છે, કેમ કે કથાપ્રસંગોને લગતા બત્રીશ શ્લોકોવાળું ‘નંદોપાખ્યાન’ મળે છે (એ ઉપરથી જ કથા ‘નંદબત્રીશી’ કહેવાતી થઈ). જૈન પરંપરામાં તે રોહિણીની કથા તરીકે જાણીતી થઈ (જેમ કે આમ્રદેવની પ્રાકૃત ‘આખ્યાનકમણિકોશવૃત્તિ’માં આપેલું રોહિણીનું આખ્યાન). સત્તરમી-અઢારમી સદીમાં આ કથાને લગતા ઉદયવિજય વગેરેએ રચેલા ત્રણચાર રાસ મળે છે. ‘પંચશતીપ્રબોધ’માં પણ એ ૧૦૨મી કથામાં સંગૃહીત છે.

પતિનું આહ્વાન

બુદ્ધિ કે કુશળતાના અભિમાનને તોડવા પતિએ આહ્વાન આપીને સોંપેલા અસંભવિત જેવા કાર્યને (જેમ કે ત્યક્તા હોવા છતાં પતિ દ્વારા પુત્રપ્રાપ્તિનું કાર્ય) પાર પાડતી શીલવતી પત્નીની વાત પ્રથમ આપણને ‘કથાસરિત્સાગર’ના વિષમશીલલંબકમાંની મૂલદેવની વાતમાં મળે છે. ‘પંચશતીપ્રબોધ’ની ૯૬મી અને ૩૭૨મી કથાઓમાં આ ઘટકનાં બીજાં રૂપાંતર મળે છે. જૈન પરંપરામાં તેનો ઉપયોગ માનતુંગ-માનવતી, લીલાવતી-સુમતિ-વિલાસ, ગુણાવલી-ગુણકરંડ, અમરકુમાર–સુરસુંદરી તથા ચંદ્રલેખા–એમની કથાઓને લગતા બારપંદર રાસોમાં થયેલો છે. જૈનેતર પરંપરામાં શામળની ‘સિંહાસનબત્રીશી’ની ૨૯મી સ્ત્રીચરિત્રની કથામાં પણ એ જ વાત છે. વીરસિહ-સુંદરાબાઈની લોકકથાનું વસ્તુ પણ આ જ પ્રકારનું છે.

પરપુરુષો અને લગ્નની પહેલી રાત

લગ્નની પહેલી રાત અન્યની સાથે ગાળવા વચનબદ્ધ થયેલી પત્ની પતિની રજા લઈને વચન પાળવા નીકળે છે, અને વચ્ચે મળેલા બીજા પુરુષોની માગણીઓનાં વિઘ્નો પણ પાર કરી, શીલ જાળવીને તે કઈ રીતે પાછી ફરે છે તેની વાત હરિભદ્રના ‘ઉપદેશપદ’માંની શ્રેણિકની વાર્તાની આડકથા લેખે મળે છે. ગુજરાતીમાં શામળની ‘સિંહાસનબત્રીશી’ની ૧૧મી કળશની વાર્તામાં પણ આડકથારૂપે એ જ આપેલી છે. પ્રવાસમાં પતિથી છૂટી પડી ગણિકાની જાળમાં ફસાયેલી નાયિકા યુક્તિથી છૂટી પુરુષવેશે અનેક રાજકન્યાઓને પરણે છે એવી વાત શીલસુંદરીની કથામાં (રાજવિજયની રાસકૃતિઃ ૧૭૩૩), શામળની ‘મદનમોહના’માં તથા દ્રાવિડભાષી પ્રદેશની સદારામાની કથામાં મળે છે.

વરબદલો

હીરાણંદના ‘વિદ્યાવિલાસ-પવાડુ’ (૧૪૨૯)માં વિદ્યાભ્યાસ કરતાં પ્રણયસંબંધવાળા ઘટક ઉપરાંત વરબદલો અને પુરુષનું પોપટમાં રૂપાંતર એ બીજા બે જાણીતા ઘટકો વપરાયા છે. અંધારાને કારણે ગોટાળો થતાં પ્રેમીને બદલે કોઈ ભળતાની સાથે નાસી જવાની ભૂલ થયાનો પ્રસંગ ‘કથાસરિત્સાગર’માં વિષમશીલલંબકમાં આવતી કુસુમાયુધ અને કમલલોચનાની કથામાં છે. હીરાણંદ ઉપરાંત આજ્ઞાસુંદર (૧૪૬૦), આનંદઉદય (૧૬૧૬), રાજસિંહ (૧૬૨૬), જિનહર્ષ (૧૬૫૫), અમરચંદ (૧૬૮૯), યશોવર્ધન (૧૭૦૨), ઋષભસાગર (૧૭૮૪)– એ સૌએ વિદ્યાવિલાસની કથા ઉપર રાસ, ચોપાઈ, આદિ રચ્યાં છે. જૈનેતરોમાં પ્રેમીને બદલે ભળતા સાથે નાસી જવાનો કથાઘટક ‘હંસાવતી–વિક્રમચરિત્ર’ (૧૭મી સદી), ‘કામાવતી’ (૧૭મી સદી) અને શામળના ‘પંચદંડ’માંની ત્રીજા દંડની વાર્તામાં વપરાયો છે. નક્કી કરેલા કદરૂપા વરરાજાને સ્થાને બીજા કોઈ રૂપાળા યુવકને દગાથી ગોઠવી દેવાની યુક્તિ ‘કથાસરિત્સાગર’ના વિષમશીલલંબકમાંની કેશટ અને કંદર્પની વાર્તામાં મળે છે. ‘મંગલકલશ’ની તથા પ્રેમલાલચ્છીની કથામાં પણ તેનો ઉપયોગ થયો છે. એ કથાની પંદરમીથી અઢારમી શતાબ્દી સુધીમાં બાર જેટલી રાસ, ફાગ આદિ સ્વરૂપની જૈન રચનાઓ છે. શામળના ‘પંચદંડ’ની ચોથા દંડની પ્રાપ્તિકથામાં પણ એ કથાઘટક જોવા મળે છે. જાદુઈ દોરો બાંધીને પુરુષને પોપટ બનાવી દેવાની વાત શામળની ‘સિંહાસનબત્રીસી’માં, પરકાયાપ્રવેશની (સાતમી) વાર્તામાં પણ છે.

નાચી ફાડેલી મોજડી

પંચદંડની આરંભકથા તરીકે વિદ્યાબળે દ્યૂતમાં અજેય અને ગુપ્તપણે રાત્રે ઇંદ્રસભામાં નૃત્ય કરવા જતી સુંદરીની વાત છે. થોડા વિગતફેરે સંસ્કૃત તેમ જ ગુજરાતી પંચદડોમાં તે મળે છે. રાજકુમારીની ભેદી રાત્રીચર્યાની વાર્તા તરીકે તે પ્રાકૃતમાં શીલાંકના ‘ચઉપન્નમહાપુરિસચરિય’ (૮૭૯)માં ગુણવર્મા અને કનકવતીની આડકથા રૂપે જોવા મળે છે. (જિનેશ્વરના ‘કથાકોષ’માં તે શીલાંકમાંથી ઉઠાવેલી છે.) ભદ્રેશ્વરની ‘કહાવલિ’માં પણ તે શીલાંક પરથી લીધેલી છે, જૈન પરંપરામાં આ ઉપરથી ૧૭મી શતાબ્દીમાં ગુણવર્મકુમાર–રાસ પણ રચાયેલા છે. પાશ્ચાત્ય સાહિત્યમાં આ કથાપ્રકૃતિના ‘નાચી ફાડેલી મોજડી’ને નામે ઓળખાવાતાં સોએક રૂપાંતરો નોંધાયાં છે. (કથાપ્રકૃતિ ૩૦૬).

નાગકથાઓ

નાગદેવની કૃપાથી જેના મસ્તક ઉપર બગીચાના વૃક્ષોની છાયા સદાય રહેતી હતી તેવી અણમાનીતી અને દુખિયારી બ્રાહ્મણકુંવરી રાજરાણી બની જતાં તેનું કાસળ કાઢીને તેની જગ્યાએ પોતાની સગી પુત્રીને ગોઠવી દેવાનું કાવતરું કરનારી ઓરમાન માતા છેવટે કેમ નિષ્ફળ જાય છે અને શિક્ષા પામે છે તેની વાત જૈન પરંપરામાં આરામશોભાની કથાને નામે પ્રચલિત છે. ‘સ્થાનકવૃત્તિ’ તથા હરિભદ્રની ‘સમ્યકત્વસપ્તતિ’ ઉપરની સંઘતિલકની ટીકા (૧૩૬૫)માં તેનાં પ્રાકૃત રૂપાંતર મળે છે. તે પછી જૂની ગુજરાતીમાં એ વિષયના થોડાક રાસ છે. આ કથાનું એક રૂપાંતર સુગંધદશમીકથા તરીકે દિગંબરોમાં જાણીતું છે, અને એને લગતી અગિયારમી શતાબ્દી પછીની અપભ્રંશ, ગુજરાતી, સંસ્કૃત, મરાઠી અને હિન્દી રચનાઓ મળે છે. પશ્ચિમના સાહિત્યમાં અનેક રૂપાંતરોમાં મળતી ‘સિન્ડ્રેલા’ની વાર્તા આ આરામશોભાનો જ પાશ્ચાત્ય અવતાર છે. બીજી એક નાગકથા આપણી નાગપંચમીની લોકકથામાં મળે છે. તેનું પ્રાચીન સ્વરૂપ ‘પ્રબંધકોશ’ના આર્યનંદિપ્રબંધમાંની વૈરોટ્યાની વાતમાં અને ‘પંચશતીપ્રબોધ’ની ૪૬૦મી કથામાં જળવાયું છે. પેટમાં વસતા સર્પને મારીને કુંવરીને રોગમુક્ત કરી પરણવાની વાત સંસ્કૃતમાં ‘કથાસરિત્સાગર’માં, પ્રાકૃતમાં ભદ્રેશ્વરની ‘કહાવલી’ની વીરભદ્રની કથામાં તથા તેને અનુસરીને ‘જિનદત્તાખ્યાન’માં અને ગુજરાતીમાં શામળની ‘સિંહાસનબત્રીશી’ની નવમી વાર્તામાં(હંસની વાર્તામાં) આવે છે.

આપકર્મી અને બાપકર્મી

આપકર્મી અને બાપકર્મી કુંવરીઓની વાર્તાઓમાં કેટલીક વાર આ પેટમાં રહેલા સર્પવાળો ઘટક ગૂંથાયેલો હોય છે. ‘કથાસરિત્સાગર’ ઉપરાંત તે ‘પંચશતીપ્રબોધ’ (ક્રમાંક ૪૧૧)માં અને શામળની ‘સિંહાસનબત્રીશી’ની બીજી વાર્તા–વિધાતાની વાર્તા–માં મળે છે.

શ્રીમંત સસરો અને ભિખારી જમાઈ

આ કથાપ્રકૃતિ (કથાપ્રકૃતિ ૯૩૦) વાળી કથાઓ વૈદિક, બૌદ્ધ તેમ જ જૈન પરંપરામાં મળે છે. પોતાનાથી ઊતરતા મોભાનો કે હીનજાતિનો જમાઈ પોતાની કુંવરી માટે વિધિનિર્મિત હોવાનું જાણીને તેને મારી નાખવાનો પ્રપંચ કરનાર રાજાની બાજી કેવી રીતે ઊંધી વળે છે તેને લગતી કથા ચંદ્રહાસ (પુરાણોમાં : ગુજરાતીમાં પ્રેમાનંદ વગેરેનાં આખ્યાનો), ઘોષક (બૌદ્ધ ‘ધમ્મપદ–અટ્ટકથા’ વગેરેમાં) કે દામન્નક (જૈન ‘કથાકોશો’માં, ‘ચંપકશ્રેષ્ઠી-કથાનક’માં) એવા મુખ્યપાત્રના નામ વાળી અનેક રચનાઓમાં મળે છે. મૃત્યુદંડના આદેશવાળા ગુપ્તપત્રના અક્ષર બદલી નાખવાનો ઘટક (‘વિષ’ આપવાને બદલે ‘વિષયા’ કન્યા આપવાની વાત) પણ આમાં આવી જાય છે.

વિધાતાની શોધમાં

વિક્રમકથાગુચ્છમાં ખાસ કરીને ‘સિંહાસનદ્વાત્રિંશિકા’માં મુખ્ય ઉદ્દેશ પરદુઃખભંજનનો છે. પરદુઃખભંજનની બીજી જાણીતી કથાઓમાં પાશ્ચાત્ય કથાવિદોએ જે કથાપ્રકૃતિને ‘શયતાનની દાઢીના ત્રણ વાળ’ (કથાપ્રકૃતિ ૪૬૧) એવું નામ આપ્યું છે તે છે. યુરોપમાંથી આ કથાનાં ત્રણસો જેટલાં રૂપાંતરો નોંધાયાં છે. આને મળતી બીજી એક કથાપ્રકૃતિ તે ‘વિધાતાની શોધમાં’ (ક્રમાંક ૪૬૦ बी) છે. ઘણી વાર તે કથા આ પહેલાં જેનો નિર્દેશ કર્યો છે તે ‘શ્રીમંત સસરો અને ભિખારી જમાઈ’ની કથાપ્રકૃતિ (ક્રમાંક ૯૩૦)ની સાથે સંયુક્તપણે મળે છે. ભારતીય પરંપરામાં એક રૂપાંતર પુરાતનપ્રબંધ-સંગ્રહ’ (૧૪મી શતાબ્દી)ની ‘કુંભારપુત્ર’ની કથામાં મળે છે. વિધાત્રીના લેખ અનુસાર રાજકુમારીનું જે કુંભારપુત્રને પરણવાનું ભવિષ્ય હતું તે કુંભારપુત્રનું કાસળ કાઢવા માટે રાજા તેને વિધાત્રીને નોતરું આપવા મોકલી દે છે. વિધાત્રીની શોધમાં જતાં રસ્તે તે અનેક દુઃખિયાને મળે છે અને વિધાત્રીને પૂછવાના તેમના પ્રશ્નો પોતાની સાથે લેતો જાય છે. વિધાત્રીને મળીને તે બધા પ્રશ્નોના ઉત્તર પૂછીને લાવે છે, દુઃખિયાઓનાં દુઃખ નિવારે છે અને છેવટે રાજકુમારીને વરે છે. શામળની ‘સિંહાસનબત્રીસી’ની ૩૧મી રૂપાવતીની વાર્તા, શીતળા સાતમની લોકકથા તથા ‘પંચશતીપ્રબોધ’ની ૧૯૩મી વાર્તા આ પ્રકારનાં અન્ય ઉદાહરણ છે.

વિધિના લેખ

વિધાતાના લેખ મિથ્યા કરવાની અન્ય કથાઓમાં ચોરીના માટલા પર ચીતરેલો વાઘ સજીવન થઈને વરને ફાડી ખાય છે અને એમ વિક્રમની ચોકી છતાં વિધાતાના લેખ સાચા પડે છે એ વાત (શામળની ‘સિંહાસનબત્રીશી’ની બીજી વાર્તા), તથા વિધાતાએ ભાખેલા રાજકુમારીના દુઃખદ ભાવિને પ્રધાન પોતાની બુદ્ધિ લડાવીને કેવી રીતે સુખદ બનાવી દે છે તેની વાત (‘રત્નચૂડરાસ’માં) ખાસ નોંધપાત્ર છે.

ભલો અને ભૂંડો

ટોમ્પ્સને ‘બે પ્રવાસીઓ’ના નામ નીચે જેનું નિરૂપણ કર્યું છે તે ક્રમાંક ૬૧૩વાળી કથાપ્રકૃતિનાં નિદર્શનો આપણને સાતમી શતાબ્દી પછીના પ્રાકૃત કથાસાહિત્યમાંથી મળવા લાગે છે. ૭૭૯માં રચાયેલી ‘કુવલયમાલા’માં માયાદિત્યની કથાને નામે, શાંતિસૂરિના ‘પુહવીચંદરિય’માં ધન અને ધરણની કથાને નામે, અને આમ્રદેવસૂરિની ‘આખ્યાનકમણિકોશવૃત્તિ’માં બંધુદત્ત અને વસુદત્તની કથાને નામે તે મળે છે. ભારતીય કથાનો મર્મ જોતાં આ કથાપ્રકૃતિને ‘ભલો અને ભૂંડો’ અથવા ‘ધર્મી અને અધર્મી’ એવે નામે ઓળખવી વધુ યોગ્ય છે. વલ્લભને નામે ચડેલા ‘મિત્રધર્માખ્યાન’માં આ જ કથાનકનો આધાર લીધેલો છે.

અધર્મી અને ધર્મ પતિપત્ની

ધર્માચરણ કે ચમત્કારને પ્રભાવે વાનરીમાંથી રાજરાણી બનેલી પત્નીનું અને મૂર્ખાઈથી હીનજાતિમાં કે વાનરરૂપે જ રહેલા પતિનું પરસ્પર પુનર્મિલન, અને પતિનો પસ્તાવો એવી ઘટના જંબુસ્વામીચરિતની જે એક આડકથામાં છે (સંસ્કૃતમાં હેમચંદ્રના ‘સ્થવિરાવલિચરિત’માં, પ્રાકૃતમાં ગુણપાલના ‘જંબુચરિય’માં અને અપભ્રંશમાં વીરકવિના ‘જંબુસામિચરિય’માં) ને યશોવિજયના ‘જંબુસ્વામી રાસ’માં પણ છે. વળી એનું એક રૂપાંતર પ્રાકૃતમાં ‘સ્થાનકવૃત્તિ’ની ધન્યાની કથામાંથી અને ‘પંચશતીપ્રબોધ’ની કબાડીની કથામાંથી (ક્રમાંક ૩૫૭), તો બીજું રૂપાંતર ‘પંચશતીપ્રબોધ’ની રાજપુત્રી અને ઊંટની વાર્તામાંથી (ક્રમાંક ૫૪૨), તથા અધિકમાસના માહાત્મ્યને લગતી ‘ઘણકા અને ઘણકી’ની લોકકથામાંથી મળે છે.

માર્મિક પદ્યોક્તિ

ઉપર્યુક્ત કથાનાં કેટલાંક રૂપાંતરોમાં કથાનો અંત એક માર્મિક પદ્યથી સાધેલો છે. કથાઓની રચનામાં કોઈક લાક્ષણિક પદ્યાત્મક ઉક્તિનો ઉપયોગ અનેક રીતે થતો હોય છે, કટોકટીની પળમાંથી એક સાથે અણધાર્યાં બચાવવા, વાતને નવો જ વળાંક આપવા, ઓળખાણની એંધાણી તરીકે, અથવા તો કાકતાલીય ન્યાયે કૌતુક ઉપજાવવા–એમ વિવિધ રીતે કથાઓમાં સદુક્તિ અથવા સૂચક, બોધક કે માર્મિક મુક્તક (અથવા તો જોડકણું પણ) વપરાય છે. મંગલમાણેકના ‘અંબવિદ્યાધર–રાસ’ (૧૫૮૨)માં નટવાએ ગાયેલો શ્લોક થાકથી ભાંગી પડતી નર્તકીને ટકાવી રાખવાની સાથે, તે સાંભળનાર રાજકુમાર, શ્રેષ્ઠીની પુત્રવધૂ, અને વૈરાગીને પણ અકસ્માત જ ભૂલભર્યું પગલું લેતાં રોકે છે. શામળની ‘મદનમોહના’માંની સહસા કામ ન કરવાની દૃષ્ટાંતકથામાં ભીંત પરનો શ્લોક વાંચીને શેઠપુત્ર છેલ્લી પળે દુષ્કૃત્ય કરવાથી ઊગરી જાય છે. મંગલકલશની વાતના એક રૂપાંતરમાં બદલીના વર તરીકે પરણીને પછી ચાલ્યા ગયેલા મંગલકલશની શોધ રાજકુમારી ભીંત પરના શ્લોક ઉપરથી કરી શકે છે. માર્મિક પદ્યોક્તિ અને પાદપૂર્તિનો વધુ રસિક પ્રયોગ શાંતિસૂરિના પ્રાકૃત ‘પુહવીચંદ ચરિય’માંની સિદ્ધદત્ત અને કપિલની આડકથામાં મળે છે. દેવીએ આપેલી પોથીને બ્રાહ્મણની પાસેથી વેચાતી લેનાર વણિકપુત્રને તે પોથીમાંનું શ્લોકનું ચરણ અણધાર્યું ફળે છે : નક્કી કરેલા પ્રેમીને બદલે અજાણ્યે આ વણિકપુત્રને પરણી બેસનાર રાજકુમારી અને તેની ચાર સખીઓ એકબીજાને આ શ્લોકચરણને આધારે કરેલી પાદપૂર્તિ દ્વારા સંકેત પહોંચાડે છે. અમુક સંદર્ભમાં રચાયેલા પાદપૂર્તિવાળા પદ્યનો ભળતા જ સંદર્ભમાં અને જુદા જ અર્થમાં થતો લાભકારક કે સંકટહારક પ્રયોગ બીજી કેટલીક કથાઓમાં ચમત્કાર સર્જે છે. ‘પંચતંત્ર’માંની દેવશર્મા અને અષાઢભૂતિની કથામાં જુદા જુદા પ્રસંગ કે અનુભવને અનુલક્ષીને એક એક ચરણ રચવાની વાત છે. ‘તીડા જોશી’ વાળી તથા ‘ખડબડ ખડબડ ખોદત હે’ વાળી લોકકથામાં આવું જોડકણું રાજાના કોપમાંથી કે ચોરના જોખમમાંથી ઉગારનારું નીવડે છે. રાજા ભોજ ને ગાંગા તેલીની કથામાં પણ જુદા જ અર્થમાં સમજાતો સંકેત તારણહાર બને છે. ‘પંચશતીપ્રબોધ’માંની ૫૦૧ ક્રમાંક વાળી કથામાં આ જ ઘટક છે.

ધૂર્તકથાઓ

ધૂર્તકથાઓમાં મૂલદેવની સાથે સંકળાયેલી કથાઓ અગ્રસ્થાને છે. તેમાં (૧) ‘ધૂર્તાખ્યાન’ વાળો કથાગુચ્છ, (૨) મૂલદેવ અને દેવદત્તા ગણિકા, (૩) મૂલદેવનો પુત્ર અને (૪) મૂલદેવના મિત્ર શશની સ્ત્રીવેશે રાજકુંવરીની પ્રાપ્તિ એ કથાઓ મુખ્ય છે. ‘ધૂર્તાખ્યાન’નું કથાસૂત્ર આ પ્રમાણે છેઃ મૂલદેવ અને બીજા ચાર ધૂર્તનાયકો (તેમાં એક સ્ત્રી છે) તેમના પાંચસો પાંચસો ઠગો સાથે ઉજ્જયિનીમાં એકઠા થઈને અંદરોઅંદર એવી શરત લગાવે છે કે દરેક જણ કોઈક અશ્રુતપૂર્વ અને અભૂતપૂર્વ વાત કહે, જેનું સમર્થન પુરાણ, ભારત, રામાયણ વગેરેને આધારે શ્રોતાએ કરી બતાવવું; જો સાંભળનાર એવું ન કરી શકે તો તે શિક્ષા તરીકે સૌ ધૂર્તોને ભોજન પૂરું પાડે. તે પછી દરેક ધૂર્તનાયકની અસંભાવ્ય વાત બીજો કોઈક ધૂર્તનાયક પુરાણકથાઓ વડે સમર્થિત કરી બતાવે છે. છેવટે વિજેતા બનતી ધૂર્તારી ખંડપાના ઠગવિદ્યા વાપરીને બધા ધૂર્તોને જમાડે છે. હરિભદ્રનું પ્રાકૃત ‘ધૂર્તાખ્યાન’, સંઘતિલકનું સંસ્કૃત રૂપાંતર (૧૩૬૬), અને સોળમી શતાબ્દીનો અજ્ઞાતકર્તૃક ગુજરાતી ‘ધૂર્તાખ્યાનબાલાવબોધ’ તથા ઇંદ્રસૌભાગ્યકૃત ‘ધૂર્તાખ્યાનપ્રબંધ’ (૧૬૫૬) – એટલી રચનાઓ આ વિષયમાં મળે છે. ઉપરાંત આને મળતા તાત્પર્યવાળી ‘ધર્મપરીક્ષા’ નામક કથાત્મક રચનાઓ સંસ્કૃત, અપભ્રંશ વગેરે વિવિધ ભાષામાં રચાયેલી છે. ગુજરાતીમાં સુમતિકીર્તિની (૧૫૬૯) તથા તે પછી મોડેની બેએક કૃતિઓ મળે છે. સાંપ્રદાયિકતાના સ્પર્શવાળી કટાક્ષકલા લેખે પણ આ બંને કથાપ્રકારો નોંધપાત્ર છે. એ રીતે શૈવ પૂજારીઓની – ભરડાઓની મૂર્ખતા અને દુરાચારને લગતી કટાક્ષકથાઓ આપણને ‘ભરડકબત્રીસી રાસ’ (૧૫૮૮)માં અને સંસ્કૃત રૂપાંતર ‘ભરટકદ્વાત્રિંશિકા’ (૧૪મી શતાબ્દી)માં મળે છે. મૂલદેવ અને દેવદત્તાની કથા અનેક રૂપાંતરે જાણીતી છે. જયસિંહનું ‘ધર્મોપદેશમાલાવિવરણ’, દેવેન્દ્રની ‘સ્થાનકવૃત્તિ’, આમ્રદેવની ‘આખ્યાનકમણિકોશવૃત્તિ’, સોમપ્રભનો ‘કુમારપાલપ્રતિબોધ’ વગેરે વગેરે કૃતિઓમાં તે મળે છે. ‘કથાસરિત્સાગર’ના વિષમશીલલંબકમાંની મૂલદેવના પુત્રની કથામાં ત્રણ ઘટકો છે. પહેલો ઘટક આહ્વાન તરીકે પતિ પાસેથી ગુપ્તપણે પુત્રપ્રાપ્તિ કરતી પત્નીનો છે, જેની વાત આ પહેલાં કરી છે. બીજો ઘટક પિતા કરતાં પુત્ર સવાયો નીવડવાનો છે. મૂલદેવને તેનો પુત્ર હરાવીને દાસ બનાવે છે. ત્રીજો ઘટક મૂલદેવ અને તેના પુત્ર વચ્ચે જે બાબત હોડ બાંધવામાં આવે છે તેને લગતો છે. અસંભવ લાગતી વાતને સંભવિત બનાવવાનો એ ઘટક ઉપર્યુક્ત ‘ધૂર્તાખ્યાન’ તથા ‘ધર્મપરીક્ષા’ને લગતી કથાઓ દ્વારા વિશેષ જાણીતો થયો છે. વિક્રમાદિત્યના પુત્ર વિક્રમચરિત્રને લગતી કથાઓમાં પણ આ ત્રણે ઘટકોનો ઉપયોગ થયો છે. જૂની ગુજરાતીમાં સાધુકીર્તિ (૧૪૪૩), ઉદયભાનુ (૧૫૦૯), મધુસૂદન (૧૫૫૦), અભયસોમ (૧૬૬૮), પરમસાગર (૧૬૭૩) વગેરેની વિક્રમચરિત્રકુમારને લગતી રચનાઓ મળે છે. શામળની ‘સિંહાસનબત્રીશી’ની બારમી વાર્તામાં પણ આ જ વાત ગૂંથાઈ છે. આ કથામાં અમુક અંશે ચાલાક ચોરના કથાઘટકની (જે ‘કથાસરિત્સાગર’ના શક્તિયશલંબકમાંની ઘટકર્પરની વાર્તામાં તથા અન્યત્ર અનેક સ્થળે મળે છે તેની) ભેળસેળ થઈ ગઈ છે. મૂલદેવે આપેલી ગુટિકાની મદદથી મનઃસ્વામી સ્ત્રીરૂપ ધરીને ઇષ્ટ રાજકુમારીની સાથે અંતઃપુરમાં કેવી રીતે રહે છે તેની વાત ‘વેતાલપંચવિંશતિ’ની પંદરમી કથામાં છે. એ પછી તેના વિવિધ ગુજરાતી રૂપાંતરો મળે છે – જેમ કે શામળની ‘વેતાલપચીશી’ની સોળમી વાર્તામાં. ધુતારાનગરી પણ આપણને કથાસાહિત્યમાં વારંવાર મળે છે. ‘રત્નચૂડરાસ’માંથી, ‘પંચશતીપ્રબોધ’માંથી અને શામળની ‘સિંહાસનબત્રીશી’ની સત્તરમી વાર્તા (વહાણની વાર્તા)માંથી તેનાં ઉદાહરણો ટાંકી શકાય.

બુદ્ધિચાતુર્યની કથાઓ

બુદ્ધિચાતુર્યની કથાઓનો આરંભ ‘જાતકકથા’ના મહાઉમ્મગ્ગ જાતક’માં આપેલી મહૌષધને લગતી કથાઓથી અને જૈન પરંપરાની ચાર પ્રકારની બુદ્ધિને લગતી કથાઓમાંની નટપુત્ર રોહક, અભયકુમાર વગેરેની વિવિધ કથાઓથી થાય છે. જૈન પરંપરામાં સંસ્કૃત, પ્રાકૃત વગેરે બધી ભાષાઓમાં આ કથાઓ અનેક રૂપાંતરે મળે છે. નવી નવી કથાઓ આ પ્રવાહમાં ભળતી રહી છે. પછીથી ભોજ અને કાલિદાસ, અકબર અને બીરબલ, દક્ષિણમાં રાયા અને અપ્પાજી તથા તેનાલીરામની વિનોદકથાઓ તરીકે આજ સુધી અનેક ટુચકાઓ ઊતરી આવ્યા છે. જૂની ગુજરાતીમાં પણ અનેક રચનાઓમાં આ સામગ્રીનો ઉપયોગ થયેલો છે. આની સાથે જ મૂર્ખકથાઓનો નિર્દેશ કરી શકાય. ‘કથાસરિત્સાગર’માં આનો એક આખો ગુચ્છ છે, જેમાંથી કેટલીક છૂટક છૂટક રૂપે આજ સુધી પ્રચલિત રહી છે. અડવાનાં પરાક્રમો આપણને જાણીતાં છે. શિખામણનું કેવળ શબ્દાર્થ પ્રમાણે પાલન કરતા એ મૂર્ખની આપવીતીની કથા પ્રાકૃતમાં ઠેઠ દશમી સદીના જયસિંહકૃત ‘ધર્મોપદેશમાલા વિવરણ’માં ગમારની કથા તરીકે મળે છે.

આંતરકથા ગૂંથવાની યુક્તિઓ

કથામાં કથા ગૂંથવાની જાતજાતની યુક્તિઓ ભારતીય કથાસાહિત્યમાં યોજાઈ છે. મુખ્ય પાત્રની ભ્રમણકથા કે અનેક પત્નીઓની પ્રાપ્તિકથા (‘બૃહત્કથા’, ‘વસુદેવહિંડી’), અનેક ભવની કથા (‘જાતકકથા’, ‘કાદંબરી’, ‘સમરાદિત્યકથા’, ‘પૃથ્વીચંદ્રચરિત્ર’, ‘સદેવંતસાવલિંગા’), અનેક પ્રસંગોને લગતી આડકથાઓ (પંચતંત્ર), અનેક પાત્રોની વીતકકથા (‘અવંતીસુંદરીકથા’), મુખ્ય પાત્રની પરાક્રમકથા કે પરોપકારકથા (વિક્રમકથા, અંબડચરિત્ર), અમુક વિષયગુચ્છની સાથે સંકળાયેલી કથાઓ (‘કુવલયમાલા’, ‘ઉપદેશમાલા’, ‘શીલોપદેશમાલા’, ‘ભરડકબત્રીશી’ વગેરે) વગેરે. આમાં અમુક ઘટના બનતી રોકવા યુક્તિરૂપે કહેવાતી કથાશ્રેણિ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ‘શુકસપ્તતિ’માં પરપુરુષનો સંગ કરવા જતી નાયિકાને રોકવા દરરોજ એક કુતૂહલપ્રેરક વાર્તા કહેવાની યુક્તિ છે. એક હજાર અને એક રાત્રીની અરબી વાર્તાઓમાં મૃત્યુના મુખમાંથી બચવા દરરોજ એક રસિક વાર્તા કહેવાની યુક્તિ છે. આનું મૂળ પણ ભારતીય હોવાનું જણાય છે. જયસિંહના ‘ધર્મોપદેશમાલાવિવરણ’ (૮૫૯)માંની ચિત્રકરસુતાની કથા, હરિભદ્રના ‘મલ્લિનાથચરિત’ (બારમી શતાબ્દીનો ઉત્તરાર્ધ) માં ભાવનાવિષયે ‘મતિસુંદરી’ની કથા વગેરેમાં આ જ કથાઘટકનો ઉપયોગ થયો છે. ‘વેતાલપંચવિંશતિ’માં, વાટ કાપવા માટે કહેવાની પ્રશ્નાંત વાર્તાનો ઉત્તર આપવાથી મૌનભંગ થતાં કૃતપ્રણાશ થાય છે અને એમ ફરીફરીને પચીશ વાર્તા કહેવાની ગોઠવણ કરી લીધેલી છે. વિક્રમ અને ચઉબોલાની વાતમાં પણ વાર્તા કહીને કુમારીનું મૌનભંગ કરાવી એક એક કરીને ચારેય પડદા ખોલાવવાની યોજના છે. તે આપણને પ્રાકૃતમાં આમ્રદેવની ‘આખ્યાનકમણિકોશવૃત્તિ’માંની ભાવટ્ટિકાની કથામાં, સંસ્કૃતમાં કેટલાંક વિક્રમચરિત્રોમાં અને સિંહાસનબત્રીશીમાં (જેમ કે શામળની કૃતિમાં છઠ્ઠી અને સોળમી વાર્તામાં) તેમ જ કેટલીક સ્વતંત્ર રચનાઓમાં મળે છે. જૂની ગુજરાતી કથાસાહિત્યમાં મળતી કથાપ્રકૃતિઓ અને કથાઘટકોની આ તો માત્ર એક ઊડતીઅછડતી ઝાંખી છે. આ વૃત્તાંત અનેકગણો લંબાવી શકાય. હકીકતે તો એક બૃહત્કથાકોશની યોજના દ્વારા જ આ અત્યંત વ્યાપક અને વૈવિધ્યવાળા વિષયને ન્યાય થઈ શકે. અહીં તો માત્ર કેટલાક વારંવાર મળતા કથાપ્રકારો, કથાયુક્તિઓ વગેરેનો થોડોક પરિચય આપવાનો અવકાશ હતો. આ અત્યંત સંક્ષિપ્ત અને અવ્યવસ્થિત નિરૂપણ ઉપરથી પણ મધ્યકાલીન કથાસાહિત્યની વિશાળતાનો અને આપણને મળેલા વિપુલ પ્રાચીન વારસાનો કાંઈક ખ્યાલ મળી રહેશે. જૂની ગુજરાતી સાહિત્ય ધર્મપ્રધાન હોવાનું વારંવાર કહેવાયું છે. વાસ્તવમાં તે કથાપ્રધાન સાહિત્ય છે, લૌકિક તત્ત્વોથી ભરપૂર છે, અને તેમાં વ્યાપક લોકજીવન, લોકવ્યવહાર અને લોકભાવનાનાં હજારો પાસાંનું પ્રતિબિંબ પડતું હોવાથી અનેક અર્થમાં તે લૌકિક સાહિત્ય કહેવાવાને પાત્ર છે.