ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/મણિલાલ નથુભાઈ દોશી
એઓ જ્ઞાતિએ વીશા ઓસવાલ જૈન; અને અમદાવાદના વતની છે. એમનો જન્મ ૨જી નવેમ્બર ૧૮૮૨માં–સં. ૧૯૩૮ના આસો વદ ૭ ના રોજ–વિજાપુરમાં થયો હતો. એમના પિતાનું નામ નથુભાઈ જીવરાજ દોશી અને માતાનું નામ માકોરબાઈ મયાચંદ છે.
એમણે બધું શિક્ષણ અમદાવાદમાં જ લીધેલું. સન ૧૮૯૮માં મેટ્રીક્યુલેશનની પરીક્ષા પસાર કરી હતી. તે પછી ગુજરાત કૉલેજમાં દાખલ થઈ સન ૧૯૦૨માં ભાષા અને સાહિત્ય ઐચ્છિક વિષય લઈને બી. એ.ની ડીગ્રી મેળવી હતી; અને ઉંચે નંબરે આવવાથી તેઓ દક્ષિણા ફેલો નિમાયા હતા. સન ૧૯૦૩માં તેમણે એક શિક્ષકનો ધંધો પસંદ ક્યોં હતો. એમની શિક્ષણ આપવાની પદ્ધતિથી અને શિષ્યો પ્રતિના સમભાવ અને પ્રેમથી તેઓ વિદ્યાર્થી વર્ગમાં બહુ પ્રિય થઈ પડતા; અને એમના સાલસ સ્વભાવ અને ઉત્તમ ચારિત્ર્યથી, એમના સમાગમમાં આવનાર સૌ કોઈને પોતા પ્રતિ આકર્ષતા હતા. એમના પ્રિય વિષયો માનસ શાસ્ત્ર, નીતિ અને ધર્મ છે. વળી એમ કહેવું વધારાપડતું નથી કે તેના અભ્યાસ અને પ્રચાર કાર્ય પાછળ એમણે પોતાનું જીવન સમર્પણ કરેલું છે. આખા ગુજરાતમાં તેઓ એક આગેવાન થિઓસોફીસ્ટ તરીકે જાણીતા છે. એમના એ સેવા કાર્યથી ઘણાંનાં જીવનમાં સુંદર ફેરફાર અને પલટો થયલા અમારા જાણવામાં છે. શિક્ષણકાર્ય સાથે સમાજસેવાના કાર્યમાં તેમજ થિઓસોફીના પ્રચારકાર્યમાં વખતોવખત મુશ્કેલીઓ નડવાથી સન ૧૯૧૯માં એમણે શિક્ષક તરીકેની નોકરી કાયમ માટે છોડી દીધી હતી અને તે સમયથી એક સમાજસેવક તરીકે અને થિઓસોફીના પ્રચારક તરીકે પ્રવૃત્તિ આદરી રહ્યા છે. લેખનકાર્ય તો એમણે સન ૧૯૦૩થી શરૂ કરેલું અને એ પ્રવાહ સતત વહેતો અને વિકસતો રહેલો છે. માત્ર નાના મોટા પુસ્તકો લખીને એમણે સંતોષ માન્યો નથી; પણ જૂદે જૂદે સમયે એક વા બીજું માસિક ચલાવીને, તે દ્વારા જનતાની સેવા કરવાને પ્રયત્નો કરેલાં છે. અત્યારે તેઓ બે માસિકો ચલાવે છે. સ્ત્રીજીવનના વિકાસ અને અભ્યુદય અર્થે પણ એમની પ્રવૃત્તિ થોડી નથી. સ્ત્રીઓ માટે તેઓ એક જૂદું માસિક કાઢે છે. એમનું “સખીના પત્રો” એ નામનું પુસ્તક ગુ. વ. સોસાઇટી તરફથી પ્રસિદ્ધ થયેલું છે, તે પરથી જોઈ શકાશે કે સ્ત્રીમાનસને સમજવામાં તેઓ કેટલા નિપૂણ અને ઉંડા ઉતરેલા છે.
લેખન વ્યવસાયમાં તેમ એક ઉપદેશક તરીકે એમનું ઘણું ખરું જીવન વ્યતીત થયેલું હોવાથી એમનો લેખ સંગ્રહ બહુ મોટો જણાશે. અહિં માત્ર એમના ગ્રંથોની યાદી આપી છે:-