ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/હરિનારાયણ ગિરધરલાલ આચાર્ય
એમનો જન્મ વિક્રમ સંવત ૧૯૫૩ના શ્રાવણ વદિ ૧૧ને બુધવાર, તા.૨૫ ઑગસ્ટ ૧૮૯૭ના રોજ, ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિમાં, એમના મોસાળ વીરમગામમાં થયો હતો. ઉત્તર ગુજરાતમાં આવેલું ઊંઝા એમનું વતન, એમના પિતાનું નામ ગિરધરલાલ ત્રિભુવનજી આચાર્ય અને માતાનું નામ રેવાબાઈ. તેમણે બે વાર લગ્ન કર્યાં છે. પહેલી વાર તેમનાં લગ્ન તેમની દસ વર્ષની ઉંમરે વીરમગામમાં સૌ. ગોદાવરીબહેન સાથે થયેલાં. બીજું લગ્ન પણ વીરમગામમાં જ સૌ. વિજ્યાબહેન સાથે થયેલું. વતનમાં જ ઊગરા મહેતાની ગામઠી શાળામાં પ્રાથમિક અભ્યાસનો આરંભ કરીને ગાયકવાડી સરકારી નિશાળમાં ગુજરાતી છઠ્ઠું ધેારણ પૂરું કરી એ વધુ અભ્યાસ માટે સિદ્ધપુર ગયા; ત્યાં ઍંગ્લો-વર્નાક્યુલર સ્કૂલમાં તથા પછીથી પાટણની હાઈસ્કૂલમાં અંગ્રેજીનો અભ્યાસ કરીને ઈ.સ. ૧૯૧૪માં તેઓ મેટ્રિક પાસ થયા. ત્યાર પછી ઉચ્ચ અભ્યાસ માટે અમદાવાદ જઈ ગુજરાત કૉલેજમાંથી સંસ્કૃતનો વિષય લઈ બી.એ. (ઓનર્સ) થયા. કૌટુંબિક પરંપરાગત સંસ્કાર, ઊગતા અભ્યાસકાળથી જ કેળવાયેલો વાચનનો શૉખ અને શરૂઆતનાં વર્ષોમાં શ્રેયઃસાધક અધિકારી વર્ગનાં પ્રકાશનોની અસરથી એમનું સંસ્કૃતનું તથા વેદાંત આદિ તત્ત્વજ્ઞાનનાં વિષયોનું જ્ઞાન એટલું સારું હતું કે કૉલેજના અભ્યાસ દરમિયાન, સંસ્કૃતના તે સમયના અધ્યાપક સ્વ. આનંદશંકર ધ્રુવના અગ્રણી શિષ્યો પૈકી તે એક ગણાતા. વીસમી સદીના પ્રારંભના એ દાયકાઓમાં પશ્ચિમી પોશાકાદિ આકર્ષણોથી વ્યાપ્ત વાતાવરણ વચ્ચે પણ એમણે વતનનો તળપદો ગ્રામપોશાક કાયમ રાખેલો, એ હકીકત એમના સ્વદેશીપ્રેમ અને મજબૂત મનની દ્યોતક છે. ઈ.સ. ૧૯૧૯માં બી. એ. પસાર કરી એ કાયદાના અભ્યાસ માટે મુંબઈ ગયા અને ત્યાં ગોકલદાસ તેજપાલ હાઈસ્કૂલમાં શિક્ષકનો વ્યવસાય સ્વીકારી તેમાંથી ગુજરાન ચલાવતા જઈને સરકારી લૉ કૉલેજમાં પહેલી એલ એલ. બી.નો અભ્યાસ શરૂ કર્યો. પણ તેની પરીક્ષા આપવાનો સમય આવતાં જ ગાંધીજીએ અસહકારની લડત આરંભી એટલે તેની અસરથી અભ્યાસને તિલાંજલી આપી મુંબઈની ચંદારામજી ગર્લ્સ હાઈસ્કૂલમાં તથા ટિળક રાષ્ટ્રીય કન્યાશાળામાં કેટલોક સમય અધ્યાપનકાર્ય કર્યું. પછી તો મહાત્માજીએ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી એટલે તેઓ ગુજરાત મહાવિદ્યાલયના ગુજરાતી, સંસ્કૃત અને તત્ત્વજ્ઞાનના અધ્યાપક તરીકે અમદાવાદ આવ્યા. પોતાના અધ્યાપનના વિષયોમાં મેળવેલી પારંગતતા તેમજ વિશાળ વાચનને લીધે કેળવાયેલી બહુશ્રુતતાને લીધે તેઓ વિદ્યાપીઠમાં એટલે વિદ્યાર્થીપ્રિય થઈ પડ્યા કે પર્યટનો, વ્યાયામો, નાટ્યપ્રયોગો, ઉત્સવો, સાહિત્યચર્ચાઓ અને અંધારી રાતના લાંબા સાઈકલપ્રવાસો જેવી ખડતલ પ્રવૃત્તિઓમાં પણ વિદ્યાર્થીઓ તેમને કેન્દ્રસ્થાને રાખી ટોળે વળતા. ઈ.સ. ૧૯૨૮માં આવું વિદ્યા, વ્યાયામ, જ્ઞાન અને અભ્યાસનું નિરાળું વાતાવરણ છોડી એમણે અમદાવાદની ભરતખંડ ટેક્સ્ટાઈલ મિલમાં મૅનેજરની નોકરી લીધી. એ તદ્દન અજાણ્યા ક્ષેત્રમાં પણ ટૂંક સમયમાં જ તેમણે એવી કુશળતા બતાવી, કે ઈ.સ. ૧૯૪૫માં એ સ્થાન છોડ્યું ત્યારે અમદાવાદની આટલી વિપુલ સંખ્યાવાળી મિલોના મૅનેજરોમાં સૌથી કાબેલ અધિકારીઓ પૈકીના એક તરીકે તેમની ગણના થયેલી. તેથી જ, ત્યારબાદ તરત અમદાવાદના મિલ ઓનર્સ એસોસીએશનના સહાયક મંત્રી તરીકેના જવાબદારીભર્યા સ્થાને સારા પગારે એમની નિમણૂંક થઈ આજે તેઓ મિલ ઓનર્સ એસોસીએશનના મંત્રીપદે છે. ઈ.સ. ૧૯૨૦ની શરૂઆતમાં એમને દમનો વ્યાધિ લાગુ પડ્યો હતો. એ વ્યાધિએ લીધેલા ગંભીર રૂપને અંતે એમનું પડછંદ શરીર તદ્દન કૃશ થઈ ગયું અને તેનાથી તે એવા તો કંટાળી ગયા કે આપઘાત કરવા સુધીનો વિચાર પણ આવી ગયેલો, પરંતુ નિર્બળતા અને રોગ સામે ઝઝૂમવાનો તેમનો મૂળથી જ સ્વભાવ હોવાથી દેહને ખડતલ અને સુષ્ઠુ બનાવવાનો તેમણે દૃઢ નિર્ધાર કર્યો. પોતાના રોગના નિદાન માટે અસંખ્ય પુસ્તકો તેમણે વાચવા માંડ્યાં. એમાં અમેરિકાના વિખ્યાત શરીરવિજ્ઞાની તથા વ્યાયામવીર બર્નાર મૅકફૅડનનાં લખાણોએ એમનામાં શ્રદ્ધા પ્રેરી. મૅકફૅડન સાથેના પત્રવ્યવહાર તથા શરીરશાસ્ત્રના પોતાના જ્ઞાન પરથી કરેલી અનેક વિચારણાને અંતે તેઓ એવા નિર્ણય પર આવ્યા કે એ વ્યાધિનું મૂળ નબળી હોજરી ને આંતરડામાં હતું, એટલે તેને માટે દોડવું, લાકડાં ફાડવાં, જમીન ખોદવી વગેરે પેટ તથા પેઢુને વલોવી નાંખનારો વ્યાયામ જરૂરી હતો. તરત એમને પોણોસો વર્ષથી અવાવરુ પડી રહેલું ઊંઝા પાસેનું પોતાનું ખેતર યાદ આવ્યું, અને એમાં જ એ ઉપચાર અજમાવવાનો નિશ્ચય કરીને ઉનાળાની રજાઓમાં ઊંઝા ગયા ને દોઢેક માસમાં તો એક શેઢાથી બીજા શેઢા સુધીનું આખું ખેતર તેમણે એવું તો ખોદી કાઢ્યું કે ફરી એ પાક આપતું થઈ ગયું અને એમના શરીરમાંથી દમનો જીવલેણ વ્યાધિ પણ સદાને માટે અદૃશ્ય થઈ ગયો. આ સફળતા પછી તે શરીરસૌષ્ઠવ અને વ્યાયામવિજ્ઞાનમાં એમનો રસ પાર વગરનો રેલાયો. અનેક વ્યાયામપ્રકારો વડે શરીરને પલોટ આપી આપીને તેમણે તેને સમપ્રમાણ અને બલિષ્ઠ બનાવ્યું., દુનિયામાં જેટલા વ્યાયામપ્રકારો ખેડાયેલા છે તે સર્વનું તેમણે એટલું ઊંડું અને શાસ્ત્રીય જ્ઞાન મેળવ્યું કે સ્વ. પ્રૉ. રામમૂર્તિ પણ તેમના શરીરસૌષ્ઠવ તેમજ તદ્વિષયક જ્ઞાન પર મુગ્ધ થયેલા. સ્વ. રામમૂર્તિ ગુજરાતમાં સ્થાયી થઈને એક આદર્શ વ્યાયામ વિદ્યાલય કાઢવાનો મનસૂબો કરતા હતા. તેમને આખા વિદ્યાલયની રૂપરેખા, અભ્યાસક્રમ આદિ શ્રી. આચાર્યે ગોઠવી આપેલાં. ગુજરાતભરની વ્યાયામ–હરીફાઈઓમાં નિષ્ણાત અને તજ્જ્ઞ પંચ (અમ્પાયર) તરીકે શ્રી. આચાર્યની જ નિમણૂંક થતી. વજન ઉપાડવાના (વેઈટ લિફટિંગ): વ્યાયામમાં પણ તેમણે એટલું પ્રભુત્વ મેળવ્યું કે માથા ઉપર બે હાથે ૨૧૦ રતલથીય વધુ અને પગની પેશીઓના ઘડતર માટે ૨૫૦ થી ૪૦૦ રતલ સુધીનું વજન તેઓ ઊંચકી શકતા. આમ છતાં તેઓ ખોટી હરીફાઈઓમાં પડ્યા નથી. એમનું સમગ્ર લક્ષ વજન ઊંચકવાના વ્યાયામ દ્વારા શરીરને દૃઢ અને બળવાન બનાવવા પર જ કેન્દ્રિત રહેતું. પરિણામે, ૨૭ ઈંચ સાથળ, ૪૬ ઈંચ છાતી, ૧૮ ઈંચ ગરદન અને ૧૪ ઈંચ પ્રકોષ્ઠ કેળવવા એ શક્તિમાન થયા હતા. એ વખતનો એમનો શરીરવિકાસ અતિ ઉચ્ચ કક્ષાએ પહોંચેલો. એમનું પોતાનું વજન ૨૧૦ રતલ હતું. વ્યાયામના સર્વાંગીણ જ્ઞાન સાથે શરીર અને આરોગ્યના શાસ્ત્રનું પણ તેઓ સારું જ્ઞાન ધરાવે છે. મનના નિર્વ્યાજ આનંદને ખાતર વિવિધ વિષયનું તલસ્પર્શી જ્ઞાન મેળવવાની ઝંખના એમનામાં છેક હાઈસ્કૂલના દિવસેથી ઊગેલી. ગામની લાઈબ્રેરીને બારણે, સાંજે છેક અક્ષરો ન ઊકલે ત્યાંસુધી સંધ્યાનાં અંધારાં પથરાતાં લગી વાંચતા એ બેસતા. વાર્તાઓ, જીવનચરિત્રો ને કવિતાસાહિત્યથી થયેલી શરૂઆત ધીમે ધીમે ધર્મ અને તત્ત્વજ્ઞાનના વિષયો ઉપરાંત પુરાતત્ત્વ, સિક્કાશાસ્ત્ર, ભાષાશાસ્ત્ર આદિ અનેકવિધ ક્ષેત્રોમાં વિસ્તરી. લોકસાહિત્યના આદિ પુરસ્કર્તા સ્વ. રણજિતરામ પછી, પણ ગિજુભાઈને મેઘાણીની પહેલાં શ્રી. આચાર્યે ગામડે ગામડે ફરી લોકગીતો ભેગાં કરેલાં; કવિતાના ક્ષેત્રમાં પણ એમની કલમ ચાલેલી. છેક ઈ.સ. ૧૯૨૩માં ‘સમાલોચક’માં ‘વનફૂલ’ની સહીથી લખેલા ‘સીતા-વિવાસન’ નામે લાંબા કાવ્યમાંથી માત્ર વાનગી તરીકે થોડીક પંક્તિઓ અહીં ઉતારીએ.
ઊગે શશાંક, રજની રમણી ધીરેથી
આલિંગને ભુજ ભીડી નિજ કંઠ બાંધે;
તારાવલિ ચમકતી કહિં વ્યોમભાગે.
મંદાકિની જલ-પડ્યાં કુમુદાવલિ શી.
આ અરસામાં કવિ ન્હાનાલાલના નિકટ પરિચયમાં તેઓ આવેલા. એમની લેખનપ્રવૃત્તિ શરૂઆતમાં ‘કુમાર’ અને પછી ‘પ્રકૃતિ’ પૂરતી જ મર્યાદિત રહી છે, પણ એમાં વહેવડાવેલ સમૃદ્ધ જ્ઞાનરાશિથી તેઓ ગુજરાતના અનન્ય પ્રકૃતિવિદ્દ તરીકે ખ્યાતિ પામ્યા છે. એ સૌથી વધુ પ્રસિદ્ધિ પામ્યા, કદાચ ‘કુમાર’માં ‘વનેચર’ની સહીથી લખેલી એમની લેખમાળા ‘વનવગડાનાં વાસી’માં અપાયેલાં પક્ષી-પ્રાણીઓના અભ્યાસ અને નિરીક્ષણભર્યા રસપ્રદ પરિચયોથી; એમનાં બીજાં લખાણો પણ ઉચ્ચ કક્ષાનાં છે. રામમૂર્તિ, ગામી અને ઝિબિશ્કો જેવા મલ્લશિરોમણિઓનાં ચરિત્રો, થોડી પક્ષી-પ્રાણી–કથાઓ તથા ‘સ્વાસ્થ્ય–શક્તિસૌન્દર્ય’ના વિભાગમાં આવતી શરીર-સૌષ્ઠવ પરની નોંધો ઉપરાંત ‘અખાડો’ને ‘ખભે ખડિયો’ નામના તેમણે સંભાળેલા ‘કુમાર’ના વિભાગો પણ એટલા જ લોકપ્રિય નીવડેલા. પ્રકૃતિવિજ્ઞાનના અભ્યાસમાં પોતે કેમ પ્રવેશ કર્યો એની તેમણે નીચે આપેલી હકીકત લક્ષમાં રાખવા જેવી છેઃ “પ્રકૃતિ–અવલોકનના અભ્યાસનો મારા જીવનમાં પ્રવેશ થયો છે કેવળ અકસ્માત રૂપેજ. સને ૧૯૨૯નો ડિસેમ્બર માસ હતો. એક દિવસે બપોરે હું કુમાર કાર્યાલયમાં બેઠો હતો. એ વખતે શ્રી. બચુભાઈ ટપાલમાં આવેલા કાગળો વાંચતા હતા, મને નિરુદ્યમી બેસી રહેલો જોઈ એમણે ટપાલમાં આવેલો ‘ઈડિયન સ્ટેટ રેલ્વેઝ મૅગેઝીન’નો નાતાલ નિમિત્તે પ્રસિદ્ધ થયેલો ખાસ અંક કાળ વ્યતીત કરવા આપ્યો, અલસપણે એનાં પાનાં ફેરવવા માંડતાં ‘ભારતવર્ષની દિવાચર પતંગિકાઓ (Butterflies)’ વિષયનો લેખ એમાં મારા જોવામાં આવ્યો. એના લેખક મુંબઈની ‘નૅશનલ હિસ્ટરી સોસાયટી’ના ક્યુરેટર શ્રી. એસ. એચ. પ્રેટર હતા. લેખની સાથે પતંગિકાઓની સુંદર દેહછટા ને વર્ણશોભાની પ્રતીતિ આપતું રમણીય ચિત્ર પણ હતું. ચિત્રથી આકર્ષાઈ હું એ લેખ વાંચી ગયો. અને એ વિશેનું વિશેષ જ્ઞાન મેળવવાની ઉત્કંઠા મારા મનમાં જાગ્રત થઈ અંગ્રેજી સાહિત્યના વાચન દ્વારા ૫તંગિયાનાં એ લોકોનાં અભ્યાસ અને રસવૃત્તિથી હું પરિચિત હતો, પરંતુ આપણા દેશમાં આવાં રૂપાળાં પતંગિયાં થાય છે ને એનો અભ્યાસ સામાન્ય જન પણ સરળતાથી કરી શકે છે તેનું તો મને એ ઘડીએ જ ભાન થયું. એ થતાં જ મેં, લેખકે પ્રમાણરૂપ ગણાવેલો એવન્સપ્રણીત ‘ભારતવર્ષનાં પતંગિયાં’ ગ્રંથ ખરીદ્યો. પ્રકૃતિ-અવલોકનના ક્ષેત્રમાં મારું એ પ્રથમ પાદાર્પણ. એ સમયે ઉત્પન્ન થયેલું કુતૂહલ સામાન્ય જનસુલભ કુતૂહલ જ માત્ર હતું. એ સમયે મેં કલ્પેલું નહિ કે આવી એક અતિ સામાન્ય જિજ્ઞાસા દ્વારા મારું અભ્યાસક્ષેત્ર પલટાઈ જશે ને યદચ્છા રોપાયેલા એક બીજમાંથી આટલો વિશાળ વૃક્ષાધિરાજ ફાલશે ફૂલશે………………. એક સેશન્સ જજ કલાપ્રેમી અને પક્ષીઓના ભારે અભ્યાસી હતા. એમની સાથે મારો પરિચય વધતાં એમણે મને પક્ષીઓમાં રસ લેતો કર્યો. સવિશેષ પક્ષીઓ પાળવાનો ચેપ તો એમણે જ મને લગાડેલો. એ વખતે મારું સમગ્ર ધ્યાન કીટકસૃષ્ટિનાં અભ્યાસ-અવલોકનમાં સ્થિર થયું હતું. એટલે પક્ષી–અવલોકનમાં મને વધુ ઉત્સાહ થયો ન હતો. પરંતુ એ સજ્જનના સંબંધના યોગે પક્ષીપાલનનાં તો હું ગાંડો બનેલો. એ વાતને વીસ વર્ષ થઈ ગયાં. આરંભની પતંગિયાંની સૃષ્ટિના પરિચયમાંથી અન્ય કીટકસૃષ્ટિનો પરિચય, પક્ષીપાલનમાંથી પક્ષીપરિચય, પછી સાપ, ઘો આદિ સરિસૃપો તથા મીઠા જળની માછલીઓની સૃષ્ટિ, ૫છી કરોળિયા,–એમ ઉત્તરોત્તર મારી જિજ્ઞાસા વધતાં હું પ્રકૃતિનાં અન્યોન્ય અંગોનાં પરિચય, અવલોકન અને અભ્યાસમાં પરોવાયો. એ પળથી આજ સુધીનાં અશેષ વર્ષોમાં આહારાદિ શરીર-વ્યવહારો અને વિત્તોપાર્જનના વ્યવસાય કરવામાંથી બચેલા સમગ્ર સમયનો ઉપયોગ મેં મારા આ નવા વ્યાસંગમાં કરેલો છે. એ માટે મેં ભારે પુરુષાર્થ પણ કર્યો છે. અરધી રાતે એકાદ અજાણ્યા પક્ષીને બોલતું સાંભળીને સફાળો જાગીને એનો પરિચય કરવા દોડ્યો છું. વર્ષો સુધી, પ્રત્યેક રજાએ, બ્રાહ્મ મુહૂર્તથી રાત્રિ પર્યંત, આખો દિવસ અમદાવાદના પરિસરોમાં ખભે ખડિયો ભરાવીને હું આથડ્યો છું. એ જ વિષયના વધું દૃઢીકરણ અર્થે અવકાશ મળ્યે મેં પગપાળા અનેક પરિભ્રમણો કર્યાં છે. પરિણામે પ્રાણીજીવનનાં વિવિધ પાસાંઓનું જે જ્ઞાન મને રણભૂમિ, અરણ્યો અને પહાડી પ્રદેશોમાં થયું છે એ અનેક ગ્રંથોના વાચનથી પણ હું ભાગ્યે જ મેળવી શક્યો હોત. છતાં મારો અભ્યાસ કેવળ પ્રાણીજીવનમાં જ પરિમિત રહેલો નથી. પ્રાણીજીવનની કાલિક ઉત્ક્રાન્તિના પ્રશ્નના વિચાર અંગે મારે ભૂવિદ્યાનો, સવિશેષ પુરાણજીવવિદ્યાના અંગસમા ઉત્ખાત અશ્મીભૂત અવશેષોનો અભ્યાસ પણ કરવો પડ્યો છે. વનસ્પતિઓને પણ હું ભૂલ્યો નથી, એ કે એમનો સંગ્રહ કરવાની મારી પ્રવૃત્તિ સાધનોના અભાવે વેગવતી થઈ શકી નથી.” આમ કેવળ પક્ષીપરિચય જ નહિ પણ સમસ્ત પ્રકૃતિના અભ્યાસઅવલોકનનો શૉખ જાગ્યો ત્યારે એ પ્રવૃત્તિએ એમના મન ને સમયનો કબજો લઈ લીધેલો. પછી તો ઘેર પણ પંખીઓ પાળ્યાં અને ભાડાના નાના ઘરની સાંકડી પરસાળમાં પણ પાંજરીઓની ભીડ જામવા માંડી. માત્ર સાહિત્ય અને વિજ્ઞાનના જ નહિ, પરંતુ ધંધા–વ્યવસાય કે અન્ય નિમિત્તે હાથ ચડતા કોઈ પણ ક્ષેત્રના વિષયનું બને તેટલું બારીક જ્ઞાન મેળવવાની એમની ખાસિયત જ થઈ પડી છે. ટૂંકમાં શ્રી. આચાર્ય વિદ્વાન ‘હૉબીઈસ્ટ’ છે. વિવિધ પક્ષીઓ તથા સર્પ, મત્સ્ય, કીટકો, કરોળિયા આદિનું તેમને ઊંડું જ્ઞાન છે. મુંબાઈના ‘પ્રકૃતિ વિજ્ઞાન–મંડળ’, તથા ‘બૉમ્બે નૅચરલ હિસ્ટરી સોસાયટી’ના તેઓ અગ્રગણ્ય સભ્ય છે. એ સોસાયટીના મુખપત્ર કીટકજ્ઞાન વિશે આવેલી એમના અમુક વિધાનોની નોંધો તદ્વિદોમાં માન્ય થઈ છે. જાત–જાહેરાત પ્રત્યે ઉદાસીન હોવાથી તેઓ પ્રમાણમાં જાહેરમાં ઘણા જ ઓછા જાણીતા છે. એમણે કદિ ભાષણો આપ્યાં નથી; ‘કુમાર’ અને ‘પ્રકૃતિ’ સિવાય ક્યાંય લેખો લખ્યા નથી. ઈ. ૧૯૩૮માં એમણે મિત્રો તથા એ વિષયમાં રસ લેનારાઓને પ્રેરી પ્રેરીને ‘ગુજરાત પ્રકૃતિ મંડળ’ની સ્થાપના કરી; ને એ સંસ્થા તરફથી ગુજરાતીમાં વિજ્ઞાનનું પ્રથમ માસિક ‘પ્રકૃતિ’ શરૂ કર્યું. તેના તંત્રી તરીકે તેમણે અભ્યાસપ્રચુર અને વિદ્વનમાન્ય લેખો, નોંધો તથા સંપાદન વડે ગુજરાતના નામને હિંદભરમાં ઊજળું ક્યું છે. ગુજરાતના પ્રકૃતિવિજ્ઞાનના ક્ષેત્રમાં સ્વ. જયકૃષ્ણ ઈન્દ્રજી પછી તેમનું નામ મોખરે આવે છે. તેમને પ્રકૃતિવિજ્ઞાનના ઊંડા અભિનિવેશને માટે શ્રી આચાર્યને ગુજરાત સાહિત્ય સભા તરફથી ઈ.સ. ૧૯૪૭નો રણજિતરામ સુવર્ણચંદ્રક પણ એનાયત થયેલો. માસિકમાં દટાઈ રહેલાં તેમનાં લખાણો વહેલી તકે પુસ્તકાકારે પ્રગટ થાય તે ઈચ્છવાજોગ છે.*[1]
અભ્યાસ-સામગ્રી
- ૧. ગુજરાત સાહિત્ય સભાની કાર્યવહી ૧૯૪૭-૪૮.
સંદર્ભ:
- ↑ *ચંદ્રકપ્રદાન સમારંભ નિમિત્તે શ્રી બચુભાઈ રાવતે લખેલી તેમની ૫રિચય-પત્રિકા પરથી.
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.
***