ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/તારાચંદ પોપટલાલ અડાલજ
એલ. ટી. એમ.
એઓ જ્ઞાતિએ મોઢ વણિક અને હળવદ (ધ્રાંગધ્રા રાજ્ય)ના વતની છે. ઇ. સ. ૧૮૮૭ માં એમનો જન્મ હળવદમાં થયો હતો. એમના પિતાનું નામ પોપટલાલ નથુભાઈ અને માતાનું નામ શિવકુંવર કુંવરજી છે. લગભગ ૨૨ વર્ષની ઉમ્મરે એમનું લગ્ન શ્રીમતી ગોદાવરીબહેન સાથે વઢવાણમાં થયું હતું. હળવદમાં સાત ધોરણ પૂરાં થયાં પછી તેઓએ મુંબઈમાં ફોર્ટ પ્રોપ્રાયટરી હાઈસ્કુલમાં અભ્યાસ કર્યો હતો અને ત્યાં દરેક વાર્ષિક પરીક્ષામાં પહેલો નંબર તેઓ રાખતા. સન ૧૯૦૫માં મેટ્રીક્યુલેશનની પરીક્ષા પાસ કરી તે વખતે તેમને વિજ્ઞાન માટે એમની સ્કુલનું ઇનામ મળ્યું હતું. તે પછી વિક્ટોરિયા જ્યુબીલી ટેકનિકલ ઇન્સ્ટીટ્યુટમાં દાખલ થયલા અને ત્યાંની L. T. M.ની ડીગ્રી મેળવેલી. અહિંની કારકિર્દી પણ ઇંગ્રેજી શાળા જેવી યશસ્વી નિવડી હતી. દરેક પરીક્ષામાં સ્કોલરશીપ અને ઇનામ મેળવતાં; એટલું જ નહિ, પણ તેઓ ત્યાંની ફેલોશિપમાંથી છૂટા થયા ત્યારે વિદ્યાર્થીઓએ એમને એક માનપત્ર આપી, એમની લાયકીની કદર કરી હતી. વિક્ટોરિયા ટેકનિકલ ઇન્સ્ટીટ્યુટમાંથી ફારેગ થયા પછી તેઓ વડોદરા કલાભવનમાં જોડાયલા અને અત્યારે તેઓ વડોદરા રાજ્યના વેપાર ઉદ્યોગ ખાતામાં વિવિંગ આસિસ્ટન્ટ તરીકે કામ કરે છે. મીલ લાઈનમાં કામ કરનારાઓમાંથી એવા થોડા પુરુષો મળી આવશે કે જેમને સાહિત્ય માટે અત્યંત પ્રેમ હોવા છતાં, સાહિત્યલેખનમાં કંઈ ફાળો આપતા હશે. પણ એમના સંબંધમાં કંઇક જૂદુંજ જોવામાં આવે છે. એમની કલમમાંથી હરહમેશ કંઈને કંઇ લેખ વા વાર્તા ઝરતી રહે છે અને તેના કારણે એમના સાહિત્યનાં પુસ્તકોની સંખ્યા પણ મોટી થઇ છે. ન્હાનપણથી એ સાહિત્યસંસ્કારનો પાસ એમને એમના પિતા પાસેથી લાગેલો; અને એમના સ્વર્ગસ્થ બંધુ હેમચંદ, જેઓ સાહિત્યના ભારે શેખીન હતા તેમણે, એમને એ દિશા પ્રતિ વાળેલા. ઇતિહાસ અને પ્રાચીન સાહિત્ય એ એમના પ્રિય વિષયો છે. એમનું ધાર્મિકગ્રંથોનું વાચન વિશેષ અને સાહિત્યકારોમાં કલાપી અને ગોવર્ધનરામે અસર કરેલી; અને બીજા એની પેઠે ગાંધીછાયામાંથી તેઓ પણ મુક્ત રહી શક્યા નથી. સન ૧૯૦૮માં ‘સાંજ વર્તમાન’માં ન્હાના લેખો, વાર્તા લખવાનું આરંભેલું. તે પછી “ગુજરાતી”ના દિવાળીના અંકોમાં એમની ઐતિહાસિક વાર્તાઓ પ્રકટ થવા માંડી અને અત્યારે તેઓ ગુજરાતી સાહિત્યમાં ઐતિહાસિક વાર્તાના ચુનંદા લેખક તરીકે સારી રીતે જાણીતા છે. આ વિષયની સાથે પોતાના ધંધાના અંગનાં પુસ્તકો પણ તેમણે રચ્યાં છે. જેમકે હાથવણાટ ભા. ૧ અને ૨; અને રાજ્ય માટે ‘પાટણનાં પટોળાં’, ‘વડોદરા રાજ્યની કારીગીરી’, ‘સુધરેલી ઢબની સાળ’, ‘હાથવણાટનાં કારખાનાં’, ‘કળાકૌશલ્ય’ વગેરે વિષયો પર પત્રિકાઓ લખી આપી હતી. એમની પ્રવૃત્તિ એટલેથી અટકતી નથી. સિનેમા માટે અત્યંત શોખ છે; એટલે સુધી કે તે માટે એક બે ફિલ્મ પણ સિનેમા કુંપનીઓને એમણે લખી આપી છે. આ પ્રમાણે જૂદી દિશામાં-ધંધામાં પડ્યા છતાં, તેઓ સાહિત્યસેવા સતત્ અને સારા પ્રમાણમાં કરતા રહ્યા છે, એ ખુશી થવા જેવું છે અને અન્યને તેમાંથી જરૂર પ્રેરણા-પ્રેત્સાહન મળે. એમના પુસ્તકોની સંકલના, રચના, મુદ્રણકામ, કાગળ, ચિત્રો વગેરે સુંદર હોય છે; અને તે સાથે તેની કિંમત પણ મધ્યમસરની હોય છે, તેથી તેનો ઉપાડ પણ મોટો હોય છે.
: : એમની કૃતિઓ : :
| ૧. | હાથવણાટ (પ્રથમ ખંડ) | સન ૧૯૨૨ |
| ૨. | હાથવણાટ (દ્વિતીય ખંડ) | ” ૧૯૨૩ |
| ૩. | વીરની વાતો પુ. ૧ (ત્રણ આવૃતિ) | ” ૧૯૨૫ |
| ૪. | ””પુ. ૨ (બે આવૃત્તિ) | ” ૧૯૨૬ |
| ૫. | ””પુ. ૩ (બે આવૃત્તિ) | ” ૧૯૨૮ |
| ૬. | અજામિલ અથવા ગરીબનું નસીબ ગરીબ ભા. ૨ જો. | ”” |
| ૭. | પ્રેમ પ્રભાવ | ” ૧૯૩૦ |
| ૮. | વીરાંગનાની વાતો | ” ૧૯૩૧ |
| ૯. | વીર વનરાજ (બાળ વીરકથા) | ”” |