ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/નટવરલાલ ઈચ્છારામ દેશાઈ

નટવરલાલ ઇચ્છારામ દેસાઇ,

બી. એ.

એઓ જ્ઞાતે દશા શ્રીમાળી-સુરતી તલબદા-વણિક-વૈષ્ણવ-કંઠીબંધા અને વતની સુરતના છે. જન્મ સન ૧૮૮૬માં સુરતમાં થયો હતો. જાણીતા “ગુજરાતી” અઠવાડિક પત્રના સ્થાપક સ્વ. ઈચ્છારામના એ ત્રીજા પુત્ર થાય. પિતાના નિકટ સમાગમમાં રહેવાથી તેમ તેમની પાસેથી તાલીમ લઈને જે ગુણોશક્તિ સ્વર્ગસ્થે કેળવી હતી તેના સંરસ્કારબીજ એમનામાં ઉતરી તે દિન પ્રતિદિન વિકાસ પામી ખીલતા જાય છે. એમના માતુશ્રીનું નામ ગં. સ્વ. દિવાળીબ્હેન છે. એમનું લગ્ન સન ૧૯૧૧માં સૌ મંજુલાગૌરી સાથે થયું હતું. અને તેઓ શાણા અને સુશિક્ષિત છે, એવી પ્રતીતિ એમણે એમના પતિ નટવરલાલને પિતૃઋણ અદા કરવા સુરતમાં ઈચ્છારામની જયંતિ નિમિત્ત વ્યાખ્યાતા તરીકે નિમંત્રણ સ્વીકારવા સલાહ આપી હતી, તે પરથી થાય છે. તેમણે થોડાંક યુગધર્મ ગીત રચેલાં છે. મ. ગાંધીજીની સત્યાગ્રહની ચળવળમાં ઇ. સ. ૧૯૩૦માં તેમણે સારો ભાગ લીધો હતો. એમણે અભ્યાસ ગં. સ. નાનીબ્હેન ગજ્જરના હાથ નીચે સુરત વનિતા વિશ્રામમાં સૌથી પહેલો કરેલો છે. એમણે બધું શિક્ષણ મુંબાઈમાં લીધું હતું. માધ્યમિક શિક્ષણ સેંટ ઝેવિયર હાઈસ્કુલમાં અને કૉલેજ અભ્યાસ પણ એ જ મિશનરી સંસ્થામાં કર્યો હતો. પણ ત્યાં સંસ્કૃતના શિક્ષણ માટે જોગવાઈ ન હોવાથી તેમને ફ્રેન્ચ અન્ય ભાષા તરીકે લેવી પડી હતી; તેમ છતાં પિતાને સંસ્કૃત માટે પ્રેમ, તેથી તેનો અભ્યાસ થોડોઘણો ઘેર અને વે. શા. સં. નરહરિ શાસ્રીની ભગવદગીતા પાઠશાળામાં કરેલો છે. તેઓ સન ૧૯૦૯માં બી. એ. થયા હતા અને તે પછી પિતાની સાથે પત્રકારના ધંધામાં જોડાયલા. હમણાં તેઓ “ગુજરાતી” પત્રના તંત્રી સ્થાને છે; બલ્કે આખું તંત્ર તેમના બીજા બે ભાઇઓની સાથે મળીને એમના હસ્તક છે, એમ કહેલું તે વાસ્તવિક છે. એમના પ્રિય વિષય સાહિત્ય અને વેદાંત છે. તેઓ પ્રાચીન સાહિત્યના સારા સંશોધક અને અભ્યાસી છે. એમના જીવનપર એમના પિતાની પ્રતિભાની પ્રબળ છાપ પડેલી છે; તેમજ તેઓ માને છે કે ભાગવતે પણ એમના જીવનમાં ઉડું પરિવર્તન કરેલું છે. ગીતા, એ એમના નિત્ય પાઠનું પુસ્તક છે. એક પત્રકારનું જીવન એટલે સતત્‌ પ્રવૃત્તિમય જીવન; જેમાં દીર્ઘ અભ્યાસ કે મનન માટે થોડો અવકાશ હોય. પણ ઘડિયાળની પેઠે નિત્ય નિયમિત રીતે કાર્યવ્યવસ્થા ગોઠવ્યાથી તેઓ સાહિત્ય સંશોધન અને પ્રકાશન કાર્ય થોડું થોડું કરવાને શક્તિમાન થયલા છે; અને ખુશી થવા જેવું એ છે કે તેમનું એ કાર્યઃ એમનો “આવરણ ભંગ” નામક નિબંધ અથવા એમના પિતા ઈચ્છારામ વિષે આપેલું વ્યાખ્યાન અગર તો “ત્રિકમદાસનાં કાવ્ય અને ચરિત્ર’નું સંપાદનકાર્ય, એ બધું વિદ્વાનોની પસંદગી અને પ્રશંસા પામ્યું છે. પિતાના મૃત્યુ પછી મિલ્કતની ભાગીદારીમાં એમને પુસ્તકો મળેલાં. પણ પત્ર માટે સ્વાભાવિક પ્રેમ તેથી ગુજરાતી ‘કેસરી’નું કામ તેમણે ઉપાડી લીધેલું; પરંતુ તેમાં આર્થિકખોટ જતાં તે પડતું મૂકેલું. સુભાગ્યે “ગુજરાતી”નું એડિટીંગ પુનઃ એમને પ્રાપ્ત થયું છે; અને સૌ કોઈ “ગુજરાતી”ના શુભેચ્છકો ઈચ્છશે કે ફરી તે પોતાનું અસલ સ્થાન પ્રજાજીવનમાં વધારે અસરકારક રીતે પ્રાપ્ત કરે.