ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૬ઠ્ઠું/નવલરામ લક્ષ્મીરામ


નવલરામ
જીવન અને વાતાવરણ

[સાલવારી]

ઈ. સ. [૧૮૨૦ દલપતરામને જન્મ.]*[1] [૧૮૨૨ ભોળાનાથ સારાભાઈનો જન્મ.] [૧૮૨૬ સુરતમાં પહેલવહેલી ગુજરાતી નિશાળ.] [૧૮૨૯ મહીપતરામનો જન્મ.] [૧૮૩૨ કરસનદાસનો જન્મ.] [૧૮૩૩ નર્મદાશંકરનો જન્મ.] [૧૮૩૫ નંદશંકરનો જન્મ.] ૧૮૩૬ [ઝવેરીલાલ યાજ્ઞિકનો જન્મ]; નવલરામનો જન્મ, માર્ચની ૯મીએ સુરતમાં વિસલનગરા જ્ઞાતિમાં, લક્ષ્મીરામ પંડિતને ઘેર; માતાનું નામ નંદકોર. [૧૮૩૮ રણછોડભાઈ ઉદયરામનો જન્મ; ડૉ.ભગવાનલાલ ઈંદ્રજીનો જન્મ.] [૧૮૪૨ કેખુશરૂ કાબરાજીનો જન્મ; સુરતમાં અંગ્રેજી સ્કુલ સ્થપાઈ.] ૧૮૪૪ [અંબાલાલ સાકરલાલનો જન્મ; હરગોવિંદદાસ કાંટાવાળાને જન્મ.] દુર્ગારામ મહેતાજીની ગામઠી શાળામાં નવલરામ આઠ વર્ષની વયે દાખલ થયા. તેમને જનોઈ દેવાયું. ૧૮૪૭ નવલરામનું પહેલું લગ્ન અગિયારમે વર્ષે શિવગૌરી સાથે થયું. [૧૮૪૮ ગણપતરામ રાજારામનો જન્મ; ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના, ૨૬ ડિસેંબર.] ૧૮૫૦ નવલરામ વિધુર થતાં, બીજું લગ્ન ચૌદ વર્ષની વયે મણિગૌરી સાથે થયું. [૧૮૫૧ મુંબાઈમાં ‘બુદ્ધિવર્ધક’ સભાની સ્થાપના.] ૧૮૫૪ [કરસનદાસે ‘સત્યપ્રકાશ’ કાઢ્યું; ‘બુદ્ધિપ્રકાશ’ સોસાયટીને હસ્તક આવ્યું;] નવલરામ અઢાર વર્ષની વયે, હાઇસ્કુલનો અભ્યાસ પૂરો કરી, સંસારશાળાના વિદ્યાર્થી થયા; અને સુરતની અંગ્રેજી હાઇસ્કુલમાં નવમા એસિસ્ટંટ તરીકે રૂ. ૧૦ના પગારે નોકરી લીધી. [૧૮૫૫ ગોવર્ધનરામનો જન્મ.] [૧૮૫૭ ડાહ્યાભાઈ દેરાસરીનો જન્મ; મુંબાઇ યુનિવર્સિટીની સ્થાપના; સિપાઈનો બળવો; ઇચ્છારામ સૂર્યરામનો જન્મ.] [૧૮૫૮ ‘હોપવાંચનમાળા’ પ્રસિદ્ધ થઈ; મણિલાલ નભુભાઇનો જન્મ.] [૧૮૬૦ મહીપતરામ ઈંગ્લંડ ગયા અને ગુજરાતમાંથી પહેલવહેલું પરદેશગમન કર્યું.] ૧૮૬૧ [મહારાજા લાયબલ કેસ;] નવલરામ ક્રમે ક્રમે ચોથા એસિસ્ટંટ થયા; ત્યાંથી ડીસા એ. વી. સ્કુલમાં રૂ. ૬૦ના પગારે હંગામી હેડમાસ્તર નીમાયા; અને પછી સુરત આવ્યા. ૧૮૬૩ [કરસનદાસ ઈંગ્લંડ ગયા]; આગળ ઉપર ‘ઑથારિયો હડકવા’ નામે કટાક્ષલેખ લખનાર નવલરામને ગ્રંથકાર થઈ નામાંકિત થવાની હોંસ થઇ; મનના વિચારને પ્રકટ કરવાની શરૂઆત કરી. ‘મહારાજ લાયબલ કેસ’ ઉપર ૨૫૦ પાનાં ભરી કવિતા લખી, રૂ. ૨૫૦ના ઇનામ માટે હરીફાઈ કરી. પરીક્ષકોએ સાડાસાત મહિને તેમને અડધું ઇનામ આપવાનું ઠરાવ્યું તે તેમના સ્વમાને લેવા ના પાડી. ગ્રંથકાર તરીકે એમના પહેલા સાહસમાં એ આશાભંગ થયા; ગોપીપરાની બ્રેંચ સ્કુલમાં એ હેડમાસ્તર થયા. [૧૮૬૪ ટ્રેનિંગ કોલેજની સ્થાપના; રણછોડભાઇનું ‘લલિતા દુઃખદર્શક નાટક.’] [૧૮૬૪ ‘ગુજરાત શાળાપત્ર’નો જન્મ.] ૧૮૬૫ [‘નર્મગદ્ય’; વ્રજલાલ શાસ્ત્રીનો ‘ગુજરાતી ભાષાનો ઇતિહાસ’; ‘ડાંડિયો’ પ્રકટ થયું;] નવલરામે એક નવીન નાટક ‘વીરમતી’ લખવા માંડ્યું; અને ફ્રેંચ નાટકકાર મૉલિયેરનાં ‘મૉક ડૉક્ટર’નું ગુજરાતી કરવામાં ગુંથાયા. સુરતમાં નિકળનારી ટ્રેનિંગ કોલેજના હેડમાસ્તર થવા ઉમેદવારી કરી; પણ તે જગાએ નંદશંકર નીમાતાં, તેમાં પણ નિષ્ફળ થયા; તેથી નિરાશ મનને વિશેષ વાંચનમાં પરોવ્યું. ૧૮૬૬ [‘નર્મકવિતા;’] નવલરામના આત્મમંથનનું આ વર્ષ હતું. કેટલીક છૂટક કવિતાઓ પ્રેમશૃંગાર, માયા, બ્રહ્મ વગેરે સંબંધી લખી. નીચેનો પ્રસિદ્ધ દૂહો આવા મંથનસમયનો છે :

‘રંગી નવલ, જ્ઞાની નવલ, નવલ પ્રીતમ તલ્લીન;
દરદી નવલ બેબાકળો, નવલ ઉદાસીનશીન’

૧૮૬૭ [દલપતરામનું ‘મિથ્યાભિમાન નાટક;’ ઝવેરીલાલ યાજ્ઞિકનો ‘અભિજ્ઞાન શાકુંતલ’નો અનુવાદ; હીરાલાલ શ્રોફનો જન્મ.] ચિત્તેક્ષોભ શમી જતાં, પુરુષાર્થની પ્રવૃત્તિ તરફ નવલરામનું મન વળ્યું, ‘હિંદુસ્તાનની હાલની સ્થિતિ’ તથા ‘ગ્રંથકારનો ધંધો’ સંબંધી નિબંધ લખ્યા. સુરતમાંથી પ્રકટ થતા ‘ગુજરાતમિત્ર’ પત્રમાં સંસારસુધારાના વિષયો ઉપર લખવા માંડ્યું. ‘કરણઘેલા’ ઉપરનું વાર્તિક પણ એ પત્રમાં જ એમણે લખ્યું હતું.

આ વર્ષમાં તેમનો નોકરીમાં ઉદય થયો; અને ગ્રંથકાર થવાની હોંસ તેમના હૃદયમાં નવો જીવ મૂકવા લાગી. નંદશંકર લાઇસન્સ ટેકસ ખાતામાં જવાથી, તેમની રૂા. ૧૦૦) વાળી સુરત ટ્રેનિંગ કોલેજની જગા તેમને મળી; અને તેમ થતાં કાયદાનો આરંભેલો અભ્યાસ પડતો મૂક્યો. પરિણામે નવલરામ ગ્રંથકાર રહી શક્યા. તેમણે ફારસી વાંચવા માંડ્યું, અને વ્યાકરણલેખના પાઠ લખવા માંડયા. તે ઉપરાંત અનેક વાર્તા, નાટક અને નિબંધ રચવાનાં ખોખાં દોરવા માંડ્યાં. ‘પોપટિયો સુધારો’નું હાડપિંજર પણ આ જ વર્ષમાં ચીતર્યું. આ વર્ષ તેમની અજબ માનસિક પ્રવૃત્તિઓનું હતું.

૧૮૬૭ ઘણા વખતથી રચી મૂકેલું સ્વતંત્ર કલ્પનાનું ‘વીરમતી’ નાટક, શરમાળ સ્વભાવને લીધે પ્રકટ ન કરતાં, મૉલિયેરના ફ્રેંચ નાટકના થયેલા ‘Dumb Lady’ or ‘Mock Doctor’ નામના અંગ્રેજી અનુવાદ ઉપરથી, તેની કલ્પનાને ગુજરાતી પહેરવેશમાં આણી, એના રૂપાંતરને ‘ભટનું ભોપાળું’ નામ આપી ૫૦૦ નકલો છપાવી; જે થોડા વખતમાં ખપી ગઈ. તેમાંની કવિતા નર્મદે રચી હતી. વૃદ્ધવિવાહનિષેધ સંસારસુધારો જેનું પ્રયોજન છે એવા પ્રસ્તુત નાટકનો ‘હાસ્યરસ’ કવિ નર્મદને અસંભવિત લાગતો હતો. તે વિશે તેમની અને નવલરામની વચ્ચે ચર્ચા ચાલી; નવલરામે પોતાના વિચાર ‘હાસ્યરસ વિષે’ નામક લેખમાં જણાવ્યા છે. દલપતરામનું હાસ્યરસનું નાટક ‘મિથ્યાભિમાન ખંડન’ પણ આ જ વર્ષમાં બહાર પડ્યું; તે યોગ નોંધવા જેવો છે. ૧૯૧૨માં રમણભાઈનું ‘રાઈનો પર્વત’ અને ન્હાનાલાલનું ‘જયા જયન્ત’ એમ બે વિશિષ્ટ નાટકો એક જ સાલમાં બહાર પડ્યાં હતાં; ગુજરાતી સાહિત્યમાં એ એવો બીજો યોગ હતો.

૧૮૬૮ [‘કરણઘેલો’;] નવલરામ ટ્રેનિંગ કોલેજમાં રૂા. ૧૨૦ના પગારે કાયમ થયા. ગરબીઓનું પિંગળ તથા તાલ સંબંધી આ વર્ષમાં મનન ચાલ્યું. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓ સંબંધી કેટલીક હસ્તલિખિત પોથીઓ તપાસી, શોધખોળ ચલાવી. નવી વાર્તાઓનાં સ્વપ્નાં રચ્યાં.

૧૮૬૯ ‘વીરમતી નાટક’ની ૬૦૦ નકલો છપાવી બહાર પાડી. ‘ગુજરાત મિત્ર’માં ‘શાકુંતલના અનુવાદો’, ‘પ્રેમાનંદની હારમાળા’ વગેરે સંબંધી વાર્તિકો લખ્યાં. ‘Fatalism’ ઉપર અંગ્રેજીમાં સો સવાસો પાનાનું લખાણ લખ્યું. એકવાર ઘરમાં બેઠાં બેઠાં, બારણે કોઈ બ્રાહ્મણ ‘વેરાવળ’ (બિલાવલ) રાગમાં ‘બાર મહિના’ ગાતો હતો; તેમાં માલિની છંદની ચાલ વચ્ચે વચ્ચે સાંભળી તેમને વિચાર થયો કે “આપણામાં છંદો કેટલા વપરાયા છે તેની બારીક શોધ થવી જોઈએ.” સંશોધક નવલરામનું દર્શન અહીં થાય છે.

૧૮૬૯ આ વર્ષમાં કર્ટિસ સાહેબને લાંબી રજા ઉપરથી આવેલા જાણી, નવલરામ મળવા ગયા. જરા પણ થોભ્યા વગર સાહેબે તેમને કહ્યું : ‘હું બહાર જાઉં છું.’ એટલે તેમના મનને બહુ માઠું લાગ્યું. પરદેશીની આવી વર્તણુકથી એ સમસમી ઊઠ્યા. સ્વમાન ઘવાયાથી, તેમણે ‘સાહેબ’ને ઉદ્દેશી લખી રાખ્યું.

‘સાહેબ એક ઉપર વસે, સમરથ સરજનહાર :
કોણ મૂરખ તું માનવી! સાહેબ આપ થનાર?’

૧૮૭૦ [‘રાસમાળા’નો અનુવાદ થયો;] નવલરામનો આત્મમંથન–કાળ પાંત્રીસમું વર્ષ બેસતાં પૂરો થયો. “A Hindu is a radical at 25 and a conservative at 35”–એવા એમના વિધાન પ્રમાણે, હવે એ ઘડાઈને ઠરેલ થયા. નવાં નાટક અને વાર્તાઓની યોજના કરવી મૂકી દઈ, આરંભેલા કાર્યોને વળગી રહેવાની તેમને વૃત્તિ થઈ.

ફેબ્રુઆરીમાં સુરતની ટ્રેનિંગ કોલેજ બંધ થઇ; એટલે નવલરામ અમદાવાદ ટ્રેનિંગ કોલેજમાં સવાસોના પગારથી વાઇસ પ્રિન્સિપાલ નીમાયા : મહીપતરામ તે વખતે ત્યાં પ્રિન્સિપાલ હતા. ‘મેઘદૂત’ને મેઘછંદમાં ઊતારી, ભાષાંતરની કળા વ્યક્ત કરી. ‘મૂળ લેખકની રસજ્ઞતા સમજ્યા સિવાય તેનો રસ બીજી ભાષામાં ઊતારવો અશક્ય છે’–એમ તેમણે જણાવ્યું.

૧૮૭૧ નવલરામે અમદાવાદમાં આવી ‘ગુજરાત શાળાપત્ર’ના તંત્રીનો અને ‘બાળવિવાહનિષેધક મંડળી’ના મંત્રીનો–એમ બે ધર્મ માથે લીધા; અને ‘બહાર પડ્યા.’ અંબાલાલ સાકરલાલ તેમના સહમંત્રી હતા. ‘બાળલગ્નનિષેધક પત્રિકા’માં ‘વનેચરનો વિવાહ’ સંબંધી લેખ લખ્યો. શિક્ષકોના હિત માટે પ્રકટ થતા ‘ગુજરાત શાળાપત્ર’ના મુખપૃષ્ટ ઉપર તેમણે દોહરો મૂક્યો કે :

‘મહેતાજી! બહુ મોટું તુજ, નામ તેમ છે કામ :
કર ખંતે મન–ક્ષેત્રની ખરી ખેતી, ધરી હામ.’

અમદાવાદમાં આવી, પોતાના મિત્ર નર્મદના પ્રતિસ્પર્ધી કવિ દલપતરામને મળ્યા. અમદાવાદનાં માણસો, ઇમારતો, ભાષા, વિદ્યાકલા વગેરે વસ્તુઓની મુદ્રા નવા આવનાર નવલરામના મન ઉપર જેમ જેમ પડી અને તાજી રહી તેમ તેમ તેમાં ઐતિહાસિક સંસ્કારો સ્ફુરવા લાગ્યા. સુરતી નવલરામ, અમદાવાદીઓના સ્વભાવ અને ભાષાની વિચિત્રતા અને રહેણીકરણીથી વાકેફ થયા; અને પોતાનો સ્વભાવ પણ કઈક બદલ્યો. ‘મળતાવડા કેમ થવું?’–એ બાબતમાં સૂક્ષ્મ પૃથક્કરણવાળા નિયમો ઘડી કાઢ્યા : કારણકે એમના શૂન્યમનસ્કપણા માટે, ‘વાતો કરતાં કરતાં સ્વપ્નાં આવે છે’–એવો ઉદ્ગાર કર્ટિસ સાહેબે તેમને માટે કાઢ્યો હતો.

૧૮૭૧ [‘પ્રાર્થનાસમાજ’ની સ્થાપના; કરસનદાસનું મૃત્યુ.] ‘ભટના ભોપાળા’માનાં નથ્થુકાકા તથા બીજા પાત્રોનાં ચિત્ર બંગાળા ઈલાકામાં ભાગલપુરમાંના બાંકાના મેજીસ્ટ્રેટ બોઝ માર્ફત બંગાળી ચિત્રકાર પાસે તૈયાર કરાવી નવલરામે આ અરસામાં મગાવ્યા હતાં. તેમનો વિચાર નાટકની બીજી આવૃત્તિને સચિત્ર છપાવવાનો હશે એમ જણાય છે. એટલામાં મુંબઈની કોઈ પારસી નાટકમંડળીએ ‘ભટનું ભોપાળું’ ભજવ્યું હતું. નાટકની ભાષાને પારસીઓ સમજે એવી તેમણે કરી આપી હતી. ચિત્રોના ખર્ચ ઉપરાંત બીજી કંઈક રકમ નવલરામને તેમના તરફથી મળી હતી. ચિત્રો નાટકમંડળીને અપાયાં હશે.

૧૮૭૨ [ભોળાનાથની ‘ઈશ્વર પ્રાર્થનામાળા’,] નવલરામે કાયદાનો અભ્યાસ કરી, મુનસફની પરીક્ષા આપી; પણ તેમાં નપાસ થવાથી ‘શાળાપત્ર’ના તંત્ર તરફ વિશેષ ધ્યાન આપી શકાયું : તેને પરિણામે નવલરામ શિક્ષક, વિવેચક અને સાક્ષર રહી શક્યા. ‘ગ્રંથકારનો ધંધો’ જુદો પાડવાનું તેમને અનુકૂળ બન્યું.

૧૮૭૩–૭૬ પોતેજ બાળલગ્નના ભોગ બનેલા એવા નવલરામે ‘બાળલગ્ન બત્રીશી’ની ગરબીઓ રચી. આ ગરબીઓએ દેશકાળને ઉદ્દેશી, ટોળટીખળ કરી, મર્મવાક્યો બોલી–ઉપદેશકનું કામ કર્યું છે. પોતે ‘ગુર્જર ગ્રંથભંડાર’ નામનું ત્રિમાસિક કાઢવા વિચાર ચલાવ્યો. પ્રાચીન કવિઓના કાવ્યભંડાર ઉખેળવા માંડ્યા. સુરતમાં કરવા ધારેલું ગરબીઓના તાલનું વર્ગીકરણ થોડા નમૂના લઈ ગોઠવવા માંડ્યું.

પ્રેમાનંદનું ‘મામેરું’–એક માર્મિક હાસ્યરસવાળુ કાવ્ય તેમણે એડિટ કરવા પસંદ કર્યું; અને ‘પ્રેમાનંદ’ તથા ‘મામેરા’ના હાસ્યરસ સંબંધી પ્રસ્તાવલેખો જોડ્યા. સુરતથી અમદાવાદ આવ્યા પછી, તેમના સુરતવાળા કેટલાક વિચાર બદલાયા. નર્મદના પ્રતિસ્પર્ધી દલપતરામ સંબંધી થોડો થોડો મત બદલાયો; પરંતુ એક પ્રસંગે ‘બુદ્ધિપ્રકાશ’માં દલપતરામે ‘જનાવર’ની વ્યુત્પત્તિ સૂચવતાં, તેમણે ‘શાળાપત્ર’માં ‘જનાવરને સંસ્કૃત કર્યું!’ એ નામે લેખ લખી મીઠી મજાક કરી. સુરતમાં પ્રેમાનંદ કરતાં નર્મદ તેમને રસમાં ચઢિયાતો લાગતો હતો : પરંતુ અમદાવાદમાં લખેલા પ્રેમાનંદના વિવેચનમાં ખુલ્લું લખ્યું કે : ‘રસની બાબતમાં પ્રેમાનંદના પેગડામાં પગ ઘાલે એવો બીજો કોઈ કવિ થયો નથી.’

૧૮૭૫ [મુંબઈમાં ‘આર્ય સમાજ’ની સ્થાપના.] આ સાલમાં લૉર્ડ લીટનની કારકીર્દિને લીધે હિંદમાં જે અસંતોષ ફેલાયો હતો તે સામે સરકારે વફાદારીના પ્રદર્શન માટે તક મળે એવાં પગલાં લેવા માંડ્યાં. તેને અંગે પારસી પત્રકાર અને સંગીતજ્ઞ કેખુશરૂ કાબરાજીએ ‘ગુજરાતી રાજગીત’ રચ્યું. તે ગીતને, રાજભક્ત ગુજરાતી પ્રજાનું ગીત કહેવા સામે નવલરામે વાંધો લીધો; તેમાંથી ‘પારસી–ગુજરાતી’ શૈલીની ચર્ચાનો જન્મ થયો.

૧૮૭૬ ડિસેંબરમાં રાજકોટ ટ્રેનિંગ કોલેજનાં પ્રિન્સિપાલ નીમાયા. તેમનો પગાર રૂા. ૧૪૦થી ૨૦૦ સુધી ત્યાં વધ્યો હતો. ટ્રેનિંગ કોલેજના મુખ્ય શિક્ષક, ગ્રંથકાર, ગ્રંથપરીક્ષક અને ‘ગુજરાત શાળાપત્ર’ના ઉત્સાહી તંત્રીને કાઠિયાવાડનાં રાજ્યોના મધ્યબિન્દુ રાજકોટનો પવન જુદી રીતે વાવા લાગ્યો. ગ્રંથપરીક્ષક તરીકે નવલરામની કીર્તિ એટલી બધી જામી હતી કે, જે ‘શાળાપત્ર’ની ખ્યાતિ તેમનાં લખાણોથી અમદાવાદમાં જામી હતી તે ‘શાળાપત્ર’નું તંત્ર તેમની સાથે જ્યારે રાજકોટ ગયું ત્યારે, થોકડાબંધ ગ્રંથો તેમના ઉપર અવલોકન માટે આવવા લાગ્યા : કારણ કે નવલરામના સર્વગ્રાહી અને સર્વરસજ્ઞ સ્વભાવને લીધે ગ્રંથકારોને સહૃદયી વિવેચક મળતો હતો. તેમનામાં વિચારની સમતુલા સુરતમાં નહોતી; તેનાં બીજ અમદાવાદમાં રોપાયાં; અને રાજકોટમાં તેનો વિકાસ થયો; ડોલતી દાંડી ઠરી : નવલરામ, અમુક નગરના મટી સમસ્ત ગુજરાતના ગુજરાતી જ્યારે થયા ત્યારે તેમ થવા પામ્યું.

૧૮૭૭ ‘ઇતિહાસની આરસી’, ‘ગુજરાતનો પ્રવાસ’, ‘જનાવરની જાન’ અને ‘સ્ત્રીસ્વરૂપ’ જેવી મોહક ગરબીઓવાળી ‘બાળ–ગરબાવળી’ રચી. ગુજરાતના પ્રવાસની ગરબીમાં તો એમણે જનસ્વભાવના સૂક્ષ્મ નિરીક્ષણનાં સૂચક એવાં સચોટ વચનો દ્વારા સુરતીઓનો શોખીલો સ્વભાવ, ચરોતરીઓની જડતા, અમદાવાદીઓનો ઉદ્યોગ, અને કાઠિયાવાડીઓનો મિશ્ર ગુણોવાળો સ્વભાવ વર્ણવ્યો છે. સાહિત્યપ્રદેશમાં જૂના કવિઓની લોકપ્રિયતા દેશપરત્વે કેવી વહેંચાઈ ગઈ છે તે, અમદાવાદનું વર્ણન કરતાં એ જણાવે છે :

‘રસમાં છે અહીં છપ્પા સામળ કવિના પૂરણકામ રે :
જેમ સુરતમાં પ્રેમાનંદ ને વડોદરે દયારામ :
–રમિયે ગુજરાતે.

કકડે કકડે ‘ઈંગ્લંડની પ્રજાનો ઇતિહાસ’ શાળોપયોગી દૃષ્ટિએ તેમણે શાળાપત્રમાં લખ્યો; જે છેવટે અધૂરો રહ્યો છે. ‘ભંડોળ કમિટી’ દ્વારા એ પુસ્તકાકારે પ્રકટ થયો છે.

[૧૮૭૮ ‘કરસનદાસ ચરિત્ર’ મહીપતરામનું છપાયું; દુર્ગારામ મહેતાજીનું મૃત્યુ.]

૧૮૭૮ ‘અકબર બિરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ’ની યોજના કરી. તેની રચના દલપતરામના ‘ફાર્બસ વિલાસ’ને મળતી છે. ‘ફાર્બસ વિલાસ’માં સામાન્ય લોકો સમજે તેવી કવિતા છે; ‘અકબર બિરબલ’માં વિદ્વાનોના રસને અનુકૂળ પડે તેવી કવિતા અને કાવ્યચર્ચા છે. તેમાંની હિંદી કવિતા નવલરામની જ રચેલી છે.

‘હિંદીકાવ્યતરંગ’માંના ‘તરંગ’ શબ્દ માટે નોંધવા જેવું છે કે નવલરામ, ન્હાનપણથી પોતાની કલ્પનાને સતેજ રાખવા ભાંગનું સેવન કરતા; પરંતુ તે કવચિત. તેથી જ એ બહુ તરંગી રહેતા. અમદાવાદના કાર્યક્ષેત્રમાં તેમને ભાગ્યે જ absent–minded થવા ફુરસદ મળતી. પરંતુ રાજકોટમાં પાછી આ સાલમાં તેમને તેવી અસર જણાવા લાગી.

૧૮૭૯ ઇચ્છારામનું ‘હિંદ અને બ્રિટાનિયા’ છપાયું. તેનું અવલોકન શ્રી નવલરામે ‘શાળાપત્ર’માં કર્યું. પ્રસ્તુત પુસ્તકમાં રાજદ્રોહી લખાણ છે, એવા પ્રકારની ફરિયાદ ‘રાસ્ત ગોફતાર’ના તંત્રી કેખુશરૂ કાબરાજીની ચર્ચાથી પગભર થતાં, કેસ થયો. ચોપડી નિર્દોષ જાહેર થઇ : છતાં, આ ઊહાપોહને લીધે ‘શાળાપત્ર’માં અવલોકન લખનાર નવલરામનો ખુલાસો તેમના ઉપરીઓએ માગ્યો. ખુલાસો માન્ય રહ્યો : તોપણ તે પ્રસંગને લીધે નવલરામના મનમાં પારસીપત્રકાર વિરૂદ્ધ વસવસો રહ્યો. રાજભક્તિ અને ખુશામત વચ્ચે કેટલું થોડું અંતર છે તે વિચારતાં તેમના મનને બહુ દુઃખ થયું.

આ અરસામાં રાજકોટમાં સર જેમ્સ પીલના પ્રમુખપણા નીચે હાઇસ્કુલનો એક મેળાવડો થયો. ત્યાં નવલરામની ગરબી કન્યાઓએ ગાઈ. તેમાં ‘અંગ્રેજો રાજ કરે, દેશી રહે દબાઇ’–એવી લીંટી કન્યાઓના મ્હોંથી સાંભળતાં, ત્યાંના એજન્સીના ખુશામદખોર દેશી કારભારીઓમાં કોલાહલ મચી રહ્યો! પ્રમુખને તો તેમાંનું કાંઈયે થયું નહોતું–શ્રી. દેરાસરીએ નોંધેલાં ‘જીવનસ્મરણો’માંનો આ પ્રસંગ નવલરામનો સ્પષ્ટવક્તા તથા નીડર સ્વભાવ વ્યક્ત કરે છે.

નવલરામને તેમની પુત્રી કમળાના વિવાહ બાબત આ અરસામાં બહુ ઊંચો જીવ કરવો પડ્યો. તેનું બાળલગ્ન પોતે ન કર્યું : તેથી વય આવી પહોંચતાં વિસલનગરા નાગરમાંથી વર ન મળ્યો. આ વખતે અમદાવાદની ‘બાળલગ્નનિષેધક સભા’ના બંધારણ ઉપર ઘણી ચર્ચા જાતઅનુભવ ઉપરથી કરી. આખરે પોતાના મિત્ર નરભેરામ વિધુર થવાથી, તેની સાથે પોતાની પુત્રીને પરણાવી. સમાજસુધારકની મુશ્કેલીઓ તેમણે આમ સહન કરી હતી. તેમની બીજી સંતતિમાં માત્ર પુત્ર ધીમતરામ હતો.

૧૮૮૧ [‘અંધેરી નગરીનો ગર્ધવસેન’; ‘વનરાજ ચાવડો’; ‘કાન્તા’.] નવલરામને ઉત્તરાવસ્થાનાં ચિહ્ન જણાવા લાગ્યાં. ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર વાંચવા તરફ મન વળવા લાગ્યું. પેન્શન લેવા વિચાર કર્યો; અને તે પછીના વાનપ્રસ્થાશ્રમનો કાર્યક્રમ ઘડવા માંડ્યો :

‘મુંબાઈમાં રહેવું’, ‘રાજમંત્રી’ અથવા ‘આર્યમંત્રી’ નામનું પત્ર પ્રકટ કરવું : આર્ય નાટકમંડળી ઊભી કરવી : નવી ઢબના હરદાસ ઊભા કરવા : Epics અને National Ballads લખવાં : પુસ્તક વેચનારાઓનો ધંધો દેશની રીતભાતને અનુકૂળ કરવો : અને દેશસુધારાને અર્થે ‘ફ્રી મેસન’ જેવી સમર્પણીઓની એક સભા કરવી વગેરે : આમાં દોરેલું ચિત્ર આજે પણ ઉપયોગી થવા જેવું તાજું છે.

સાહિત્યમાં સ્વેચ્છાએ વાનપ્રસ્થધર્મ સ્વીકારનાર ગોવર્ધનરામે મુંબાઈથી નડિયાદ આવી નિવૃત્તિ–નિવાસ સેવ્યો : ત્યારે નવલરામે, ગુજરાતને એક છેડેથી, છેક બીજે છેડે જઈ, જાહેર અને સાર્વજનિક જીવન ગાળવાનાં સ્વપ્નાં સેવ્યાં : જે ભોગજોગે સ્વપ્નાં જ રહ્યાં!

૧૮૮૨ નવલરામે ‘ગૂર્જરપરીક્ષા’, ‘સમયપરીક્ષા’ કે ‘ત્રિમાસિક ચર્ચા’–એવા કોઈ નામથી ‘રિવ્યુ’ કાઢવા ધાર્યું. તે માટે જુદા જુદા વિષયો માટે સમગ્ર ગુજરાતમાંથી કોણ કોણ લખવાને વધારે લાયક છે તેની નોંધ કરી. એ નોંધ એટલી બધી વ્યાપક છે કે તેવી ઉદાર મતસહિષ્ણુતાથી નામ પસંદ કરનાર તંત્રી–સાક્ષરો ખોળવા મુશ્કેલ છે : અંબાલાલ સાકરલાલ, લાલશંકર, હરગોવિંદદાસ, ઝવેરીલાલ, મલબારી, નર્મદાશંકર, દલપતરામ, મનસુખરામ, રણછોડભાઈ, વ્રજલાલ શાસ્ત્રી, મણિશંકર કીકાણી, મહીપતરામ, નંદશંકર–વગેરે લેખકોના સહકારની યોજના તેમણે ઘડી. દરેકને કયા વિષય પર લખવાનું સોંપવું તે પણ નક્કી કર્યું. – આ યોજના પાર પડી શકી હોત તો ગુજરાતમાં એક એવું સુંદર આદર્શ ત્રિમાસિક નિકળી શક્યું હોત કે તેનાં લખાણો ગુજરાતી સાહિત્યનાં મહત્ત્વનાં દફતર બન્યાં હોત. પરંતુ દૈવનું કરવું તે નવલરામ વાનપ્રસ્થ થઈને જીવતા રહેવા પામ્યા નહીં. અને તેમની યોજના તેમની સાથે જ ગઇ!

૧૮૮૩–૮૫ આ વર્ષોમાં નર્મદે વિચારપલટો કર્યો, ‘ધર્મ વિચાર’ (૧૮૮૫)નાં લખાણો પ્રકટ થયાં. તેની સામે ‘શું સુધારો પડી ભાગ્યો?’–એ નામથી નવલરામે લેખ લખ્યા; અને ‘ગુજરાતી’ પત્રમાં ‘સુધારાના ઇતિહાસનું વિવેચન’ નામે લેખમાળા લખવા માંડી. તે તેમના મૃત્યુ પછી પૂરી છપાઈ.

૧૮૮૩ આ વર્ષમાં શ્રી. ગોવર્ધનરામને અડધા કલાક માટે નવલરામનો મેળાપ થયો. પરિણામે ‘નવલ જીવનકથા’ રૂપી અર્ધ્ય આપવાનો યોગ તેમને સાંપડ્યો.

[૧૮૮૫ ‘ધર્મવિચાર’; ‘જ્ઞાનસુધા’નો જન્મ; કોંગ્રેસની સ્થાપના] [૧૮૮૬ નર્મદનું મૃત્યુ; ભોળાનાથનું મૃત્યુ.]

૧૮૮૭ [‘સરસ્વતીચંદ્ર’ ભા. ૧; ‘કુસુમમાલા.’] નર્મદનું મૃત્યુ થયું; એટલે તેમની જીવનકથા લખવાનું કામ નવલરામને માથે આવ્યું. ‘કવિજીવન’ લખતાં તેમણે મિત્રકવિના શ્રાદ્ધનો ઉચિત માર્ગ બતાવ્યો કે

‘......પંડિતશ્રાદ્ધમાં, યશાંજલિ જ ઉચિત.’

કવીશ્વર દલપતરામની ગુણવત્તા સ્વીકારી, તેમને ન્યાય આપતાં તેમણે ‘નર્મકવિતા’ની બીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં સ્પષ્ટ લખ્યું કે : ‘આ જમાનાના કવિ તે બે જ : નર્મદાશંકર અને દલપતરામ.’

૧૮૮૮ [ડૉ. ભગવાનલાલ ઈંદ્રજીનું અવસાન.] રાજકોટમાં તબિયત બગડતાં હવાફેર માટે સુરત ગયા. ત્યાંથી ડુમસ જઈ પાછા સુરત આવ્યા. પરંતુ આખરે ઑગસ્ટની ૭મી તારીખે પ્રભુસ્મરણ કરતાં, તેમની જીવનલીલા સંકેલાઈ.

‘સુબોધ ચિંતામણિ’ના જુવાન કવિ વલ્લભ પોપટે તેમના અવસાન પ્રસંગે વાસ્તવિક શોકોદ્ગાર કાઢ્યો :

“નવલ વિવેચક વિના, શૂન્ય સાક્ષરતા ભાસે :
ભાષાની માધ્યસ્થી કસીને કોણ તપાસે?
ટીકાકારની ગાદી પડી ખાલી ગુજરાતે :
કોણ હીરા પારખે ઝવેરી જાતાં આજે?”
દલપતરામે પણ ઉદારભાવે ઉદ્ગાર કાઢ્યા :
“નવલ ગયો, નર્મદ ગયો : ગયો જ મહીપતરામ :
દુખિયો દલપતરામ છે ઠાલો દેખી દામ.”

[૧૮૯૧ નવલરામના મૃત્યુ પછી ત્રણ જ વર્ષે ‘સરસ્વતીચંદ્રકાર’ ગોવર્ધનરામે તેમના એકંદર લેખોની ચાર ભાગમાં સંયોજના કરી, ‘નવલ ગ્રંથાવલિ’ પ્રકટ કરી : તેમાં પ્રસ્તાવના ઉપરાંત એક વિસ્તૃત જીવનકથા લખીને જોડી; વિદેહ થનાર ગ્રંથકારને આટલા પ્રેમથી સંભારી, તેમના તરફનો પૂજ્યભાવ બતાવ્યાના દાખલા ગુજરાતી સાહિત્યમાં ગણ્યાગાંઠ્યા છે.

ગોવર્ધનરામે ‘નવલજીવનકથા’ના ઉપસંહારમાં લખ્યું છે : “નવલરામ કોઈ રાજા નહોતા; એમણે કઈ રણક્ષેત્રમાં યુદ્ધ નથી કર્યું : શાસ્ત્રના શોધ નથી કર્યા; ગ્રંથકારરૂપે યુરોપમાં પ્રસિદ્ધિ નથી મેળવી; લક્ષાધિપતિ ન હતા; અંગ્રેજ સરકારના રાજ્યના કોઈ મોટા જજ ન હતા; દેશી રાજ્યના દીવાન ન હતા; સી. એસ. આઈ. નહોતા; અને સભાઓ ધ્રુજાવનાર ન હતા.”

ત્યારે નવલરામે શું કર્યું? તેમની જીવનકથામાં શો ચમત્કાર છે? અને આ કથા શા વાસ્તે લખી?...વાંચનાર, આપણું ગુજરાત જો, આપણા ગુજરાતીઓ જો, આપણા ગ્રંથકારો જો, અને તને એમ નથી લાગતું કે આપણે આપણા પ્રમાણમાં નવલરામ પણ ઠીક હતા? નવલરામ જીવ્યા એટલા સમયમાં નવલરામનું કર્યું બીજા કોણે કર્યું છે?”

શ્રી. નરસિંહરાવે નવલરામના ‘જીવનદર્શન’માં લખ્યું છે :

“હેમણે (નવલરામે) સાહિત્યના અનેક અને વિવિધ પ્રદેશમાં સમર્થ વિહાર કર્યો છે; કેળવણી માત્ર મેટ્રીકના વર્ગ જેટલી છતાં આપબળે સમર્થ વિદ્વાન જેટલી યોગ્યતા સંપાદન કરી હતી; સાહિત્યના પ્રદેશમાં અશ્રાન્ત વિચરી સાહિત્યની અનુપમ સેવા અને સંસારસુધારાના ક્ષેત્રમાં પોતાની સાક્ષરપ્રવૃત્તિનાં સાધનવડે ઉત્સાહભેર દેશસેવા કરી છે; અચળ ધાર્મિકભાવ, મરણપથારી પર્યંત સચવાયલો ભાવ, એમની કવિતામાં ઝળકી ઊઠે છે; ‘ગુજરાત શાળાપત્ર’ને ગુજરાતમાં ઉંડી અસર કરનારું સમર્થ સાધન એમણે જ બનાવ્યું હતું; હેમને ભૂલવા એ એક પ્રકારનો સાહિત્યદ્રોહ જ ગણાય.

એ કાંઇ સામાન્ય સાહિત્યચર્ચા કરનારા પંડિત હતા એમ ન્હોતું, હેમની દૃષ્ટિ દૂર ભવિષ્યમાં પ્હોંચનારી હતી. હાલ જે જે મહત્ત્વના પ્રશ્નોનું મંથન આપણે કરિયે છિયે તે સર્વના આદ્યદૃષ્ટા અને સમર્થ ચર્ચક એ હતા.........એમણે કરેલી સેવા અદ્વિતીય રહેશે. હેનું ભૌતિક શરીર નાશ પામ્યું છે; પણ એને બીજું જોઈતું પણ શું હતું? ધર્મ એ જ હેનું લક્ષ્ય હતું...એમનો ઊંડો ઉદ્ગાર છે :

‘વિના ધર્મ નવલ, આ સ્થાન ચલિત સહુ છેક જ રે.’* [2] મંજુલાલ ર. મજમુદાર

-: સંદર્ભ લેખસૂચી :-

૧. નવલ ગ્રંથાવલી – ચાર ભાગમાં.
(સ્વ.) શ્રી. ગોવર્ધનરામ ત્રિપાઠીએ ‘નવલ ગ્રંથાવલી’ની ચાર ભાગવાળી પ્રથમ આવૃત્તિ માટે લખેલી જીવનકથા (૧૮૯૧) પૃ. ૧-૮૪.

૨. ભટનું ભોપાળું (ઑપરા).
સુરત નાગર એસોસિયેશન તરફથી સં. ૧૯૫૬ (૧૯૦૦) છપ્પનિયા દુકાળ સંકટ નિવારણ અર્થે ભજવાયેલા કૉન્સર્ટમાંનો ભાગ. તે પ્રસંગે કેટલાંક નવાં ગાયન કોઈકે એમાં રચેલાં છે.

૩. નવલરામ–જીવનદર્શન.
શ્રી. નરસિંહરાવ ભોળાનાથ દીવેટિયાએ ‘ગુજરાત શાળાપત્ર’ના સુવર્ણ મહોત્સવ નિમિત્તે લખેલું વિસ્તૃત જીવનદર્શન : સં. ૧૯૬૭ (ઈ. સ. ૧૯૧૧)ના ‘વસંત’ના વૈશાખ તથા જ્યેષ્ટના અંકોમાં પ્રકટ થયું છે.

૪. નવલગ્રંથાવલી–શાળોપયોગી આવૃત્તિ, ભાગ ૧.
(સ્વ.) શ્રી. હીરાલાલ વ્રજભૂખણદાસ શ્રોફ વિદ્યાભૂષણે, બે ભાગમાં તૈયાર કરેલી ‘શાળાપયોગી નવલગ્રંથાવલી’નો પહેલો ભાગ નવલરામના પુત્ર ધીમતરામ (પંડ્યાએ) પંડિતે પ્રકટ કર્યો (૧૯૧૧) : તેમાં સંયોજક શ્રોફની સ્વતંત્ર પ્રસ્તાવના (પૃ. ૧-૧૩) છે.

૫. નવલરામ–નાટકકાર તરીકે.
શ્રી. બેરિસ્ટર ડાહ્યાભાઈ દેરાસરીએ ‘સાઠીના સાહિત્યનું દિગ્દર્શન’ (૧૯૧૧, ડિસેંબર)માં ‘સમાલોચક’ ત્રિમાસિકના એક અંકમાં છપાયલા ‘ભટના ભોપાળા’ના અવલોકનમાંની નોંધ સહિત કરેલું વિવેચન, પૃ. ૯૪-૯૮

૬. નવલરામ–વિદેહી સાક્ષર.
શ્રી. જયસુખરાય પુરુષોત્તમરાય જોશીપુરાએ વડોદરામાં મળેલી ચોથી ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રસંગે રચેલી ‘સચિત્ર સાક્ષરમાળા’ (૧૯૧૨, એપ્રિલ)માં જીવનનોંધ, પૃ. ૧૧૧-૧૧૩.

૭. નવલગ્રંથાવલી–શાળોપયોગી આવૃત્તિ, ભાગ ૨.
(સ્વ.) શ્રી. હીરાલાલ શ્રોફે યોજેલી શાળોપયોગી આવૃત્તિનો બીજો ભાગ (૧૯૧૫) : નવા કવિઓની કવિતા સંબંધી પહેલા ભાગની પ્રસ્તાવનામાં ઉભા કરેલા વાદવિષયમાં મકરંદે (સર રમણભાઈએ) ‘જ્ઞાનસુધા’માં ચર્ચા કરેલી : તેનો ઉત્તર આ ભાગની પ્રસ્તાવનામાં આપ્યો છે.

૮. ઇંગ્રેજ લોકોનો સંક્ષિપ્ત ઇતિહાસ.
શ્રી. બલવંતરાય કલ્યાણરાય ઠાકોરે ‘પરિષદ ભંડોળ કમિટિ’ ફંડ દ્વારા નવલરામે ‘શાળાપત્ર’માં લખેલાં પ્રકરણોને પુસ્તકાકારે પ્રકટ કર્યાં; (૧૯૧૫)

૯. નવલરામ–વિવેચક તરીકે.
શ્રી. હિમ્મતલાલ ગણેશજી અંજારિયાની ‘સાહિત્ય પ્રવેશિકા’(૧૯૨૨)માં નોંધ, પૃ. ૧૦૨-૧૦૮.

૧૦. નવલરામ જયન્તિ–વ્યાખ્યાન.
શ્રી. ન્હાનાલાલ દલપતરામ કવિનું મુંબાઈમાં નવલરામ જયન્તી નિમિત્તે વ્યાખ્યાન : ‘સાહિત્યમંથન’(૧૯૨૪)માં પ્રકટ; પૃ. ૨૩૦-૨૫૩.

૧૧. નવલરામ–જીવનદર્શન.
શ્રી. નરસિંહરાવ ભોળાનાથ દીવેટિયાના ‘વસંત’ (૧૯૧૧)માં પ્રકટ થયેલા લેખની બીજી આવૃત્તિ ‘મનોમુકુર’માં થઈ; (૧૯૨૪, મે.), પૃ. ૨૯૮-૩૪૮.

૧૨. નવલરામ–ગદ્યકાર તથા નાટકકાર તરીકે.
શ્રી. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીના “Further Milestones in Gujarati Literature” (1924, June)માં અંગ્રેજીમાં કરેલી વિવેચન નોંધ, પૃ. ૧૬૪-૧૬૯, ૧૯૬-૧૯૭.

૧૩. સ્વ. નવલરામ અને સ્વ. અંબાલાલ.
શ્રી. નરસિંહરાવ દિવેટિયાએ ‘સ્મરણમુકુર’ (૧૯૨૬)માં અમદાવાદની ગ્રહકુંડળી આપી, વર્ણવેલો નવલરામનો પ્રસંગ, પૃ. ૭૪-૭૯.

૧૪. સ્વ. નવલરામજીનાં જીવનસ્મરણો–વ્યાખ્યાન
શ્રી. બેરિસ્ટર ડાહ્યાભાઈ દેરાસરીનું સુરતમાં નવલરામભાઈનું તૈલચિત્ર ખુલ્લું મૂકતી વખતે આપેલું વ્યાખ્યાન : ‘બુદ્ધિપ્રકાશ’ પૃ. ૭૮, અંક ૮ : ઓગસ્ટ ૧૯૨૭માં પ્રકટ.

૧૫. નવલરામના કેટલાક જીવન પ્રસંગો.
‘ગતકાળનાં સાહિત્ય અને સમાજજીવનનાં કેટલાંક રેખાચિત્રો’ નામે શ્રી. બેરિસ્ટર ડાહ્યાભાઈ દેરાસરીનું ગુ. વ. સોસાઇટીનું વાર્ષિક વ્યાખ્યાન; (૧૯૩૦)


  1. * આ નોંધના તાણાવાણામાં, નવલરામ જેમના પ્રસંગમાં આવ્યા હતા તેવા તેમના સમકાલીનોના અને એવી બીજી લગતી હકીકતના ઉલ્લેખોનો સમાવેશ કર્યો છે. અવાન્તર વિષયો તથા વર્ષોને સુગમતા ખાતર [ ] કૌંસમાં મૂકી, નવલરામના જીવનથી તેને જુદા પાડ્યા છે, છતાં એમાં ઘણું ઘણું નોંધવાનું રહી પણ ગયું છે.
  2. * શ્રી વડોદરા સાહિત્ય સભા તરફથી તા. ૯મી માર્ચ ૧૯૩૫ના રોજ ઉજવાયલી નવલરામ શતાબદી પ્રસંગે આપેલા વ્યાખ્યાનની નોંધ.