ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૬ઠ્ઠું/વાડીલાલ મોતીલાલ શાહ
(બચપણ અને વિદ્યાભ્યાસ)
વા. મો. શાહના વડીલો મૂળ તો અમદાવાદના જ રહીશ હતા, પરંતુ ખેતી અને ધીરધારના ધંધાને ખિલવવા માટે તેઓ ત્યાંથી પાંચ કોશ દૂર આવેલા વિસલપુર નામનાં ગામમાં જઈ રહ્યા હતા. તેમના પિતાની યુવાનીના સમયે જ એ વિસલપુરની નજીકમાં જ વહેતી સાબરમતીમાં જબરું પૂર આવવાથી આસપાસનાં ઘણાં ગામો સાથે એ ગામ પણ તણાઈ જઈ પાયમાલ થઈ ગયું અને તેથી એ કુટુંબની માલેકીની જમીન, મિલ્કત તથા વ્યાપારને અંગેની ઉઘરાણી એ સઘળું એ જળપ્રલયનો ભોગ થઈ પડ્યું અને પરિણામે જીવનની તડકીછાંયડીના વમળનો અનુભવ લેવાનો પ્રસંગ એ કુટુંબને આવ્યો. લગભગ એ અરસામાં જ ૧૮૭૮ના જુલાઈની અગિયારમી તારીખે વાડીલાલ શાહનો જન્મ તેના મોસાળમાં વિરમગામ મુકામે થયો હતો અને નાનપણમાં ઘણે ભાગે તેઓ ત્યાં જ રહેતા હતા–માત્ર ગુજરાતી અભ્યાસ માટે થોડાં વર્ષ તેમના પિતાશ્રીની સાથે રહેવા પામ્યા હતા. ગુજરાતી છઠ્ઠું ધોરણ એમણે વિરમગામમાં જ પસાર કર્યા પછી અંગ્રેજી પાંચ ધોરણનો અભ્યાસ પણ ત્યાં જ કરવામાં આવ્યો હતો, કારણ કે વિરમગામમાં એ સમયે પાંચ જ ધોરણ શિખવાતાં હતાં. એટલે આગળ અભ્યાસ કરવા માટે ચૌદ વર્ષની નાની વયે એ યુવાન વિદ્યાર્થી એકલો અમદાવાદ જઈ રહ્યો અને ‘ખાનગી ટ્યુશન’માંથી કરાતી આવદાની વડે પોતાનું ગુજરાન ચલાવી રહ્યો હતો. એ સમયે ન્યુ ઈંગ્લીશ સ્કૂલ પૂર્ણ જાહોજલાલીમાં હતી. તેના મુખ્યશિક્ષક તથા વર્ગશિક્ષકની એ યુવક પર એટલી તો કૃપાદૃષ્ટિ હતી કે તે જોઈને છઠ્ઠા તેમજ સાતમા ધોરણના ઘણાખરા વિદ્યાર્થીઓ તો તેની પાસે શિખવા માટે આવવા લાગ્યા, જેને પરિણામે ભણતરની સાથે સાથે દ્રવ્યોપાર્જન રૂપી માસિક આમદાની વધતાં તેણે પોતાનાં માતપિતા તથા બંધુઓને તેમનાં મૂળ વતનમાં પુનઃ આવી વસવાને બોલાવી લીધાં. તાત્પર્ય એટલું જ કે વાડીલાલ શાહનાં જાહેર જીવનમાં સ્વાશ્રય રૂપી સદ્ગુણે જે અનોખો પાઠ ભજવ્યો છે તેનો પાયો આવી રીતે તેના વિદ્યાર્થીજીવન દરમ્યાન નંખાયો હતો.
(જાહેર જીવનની શરૂઆત અને ‘જૈનહિત્તેચ્છુ’)
વાડીલાલ શાહે જાહેર જિંદગીની શરૂઆત ખરું કહીએ તો સ્થાનકવાસી જૈન ધર્મ નામના ધર્મપંથના એક અભ્યાસક તેમજ સુધારક તરિકે કરી હતી. તેમના કૉલેજ જીવન દરમ્યાન એક દિવસે ગુજરાતનાં પાટનગર અમદાવાદમાં ખંભાત સંપ્રદાયના ઉત્સાહી મુનિશ્રી છગનમલજી સ્વામીએ એ સમયના વર્તમાન જૈનોની સંકુચિત વૃત્તિ અને સમાજમાં ચાલી રહેલાં અંધેર માટે તેમનાં દિલમાં જળહળી રહેલી બળતરા એ યુવાન વાડીલાલ સમક્ષ કાઢીને બળબળતા શબ્દોમાં તેમનો બળાપો રજુ કર્યો, જેને પરિણામે વા. મો. શાહને જૈન સમાજમાં ઉદારચિત્ત વિચારોનો ફેલાવો તેમજ પ્રચાર કરવાના ઉચ્ચ આશયથી એક માસિકપત્ર પ્રકટાવવાની ખાએશ થઈ આવી અને તે માટેની મંજુરી પણ તેમના વડીલ પાસે માગી. પરંતુ કૉલેજ જીવન દરમ્યાન વિદ્યાભ્યાસ કરતાં સાથે સાથે જાહેર જિંદગીમાં પડવા દેવાનું તેઓશ્રીને વાંધાભર્યું લાગ્યું એટલે તેમના પિતાશ્રીનાં સંપાદકપણ નીચે એક માસિક પત્ર શરૂ કરવામાં આવ્યું અને જેને હજુ આજે પણ જૈનો તો ઠીક, પરંતુ સંખ્યાબંધ જૈનેતર વાંચકો પણ હોંશભેર યાદ કરે છે એવાં ‘જૈન હિતેચ્છુ’ની શરૂઆત એ રીતે થઈ. શરૂઆતમાં તો વાડીલાલ શાહે નીતિ અને કેળવણીવિષયક લેખો લખવામાં તેમની કલમની અજમાયશ કરી જોઈ અને તેમના પિતાએ શાસ્ત્રીય વિભાગ સંભાળી લીધો હતો. સદ્ગત વાડીલાલે એ સમયનાં અનેક લખાણો માટે ધારણ કરેલાં કેટલાંયે તખલ્લુસો માંહેના ‘સ્થાનક સ્પેક્ટેટર’ તથા ‘સમયધર્મ’ ને તો ‘જૈનહિતેચ્છુ’ના રસમગ્ન વાચકો ભાગ્યે જ ભૂલી શક્યા હશે. એ માસિકનું સંચાલન એ પિતાપુત્રની બેડલીએ શરૂઆતમાં તો અત્યંત શાંત શૈલીએ ચલાવવાનું રાખ્યું હતું, છતાં પણ કેટલાયે શિથિલાચારીઓએ જનસમાજને તેની સામે ઉશ્કેરી મૂકવામાં કચાશ રાખી નહોતી અને તેને લઈને, વાંચનના શોખ વગરના તેમજ ધર્મ નિમિત્તે પણ બદામ સરખીએ ખર્ચવાની ધગશ વગરના તે વખતના સ્થાનકવાસી જૈન વર્ગમાં એ માસિકને પગભર થતાં એક દશકા જેટલો લાંબો ગાળો જતો કરવો પડ્યો હતો. પરંતુ એટલું તો સ્પષ્ટ જ છે કે જૈન સમાજમાં પ્રવર્તી રહેલી અંધશ્રદ્ધા તેમજ કુરૂઢિઓ સામે જ્યારે બોલવા–લખવાનું તો ઠીક, પરન્તુ એક હરફ વટીક કાઢવા કોઈ તૈયાર નહોતું ત્યારે એ યુવાન વાડીલાલે નિડરતાપૂર્વક અજબગજબનાં લખાણ રૂપી ‘ગોળા’ ગબડાવીને સારીયે જૈન આલમનું ધ્યાન ખેંચ્યું હતું અને એ રીતે અમુક અંશની જાગૃતિ લાવવાને કારગત થવાની પહેલ તેમણે કરી હતી. એ સમયે સ્થાનકવાસી જૈન કોમ છેક જ અંધારામાં હતી, કેળવણીનો સંચાર નહિ જેવો હતો અને અંધશ્રદ્ધાનું જોર અનહદ હતું, છતાં પણ એ પિતાપુત્ર તો અજબ પ્રકારની જાહેર હિંમતથી તેમજ અનેરી વિદ્વતાભરી રીતે એ માસિકનું સંચાલન કર્યે જતા હતા. ત્યારપછી એકાદ વર્ષના ગાળા પછી હિંદી પાક્ષિક ચલાવવાની જોખમદારી પણ તેઓએ માથે લીધી હતી એટલે એ બન્ને પત્રોનાં સંચાલન માટે થતા નુકસાનને પહોંચી વળવા માટે શ્રીમંતો તરફની મદદની દરકાર કરવાને બદલે જરૂર પૂરતું દ્રવ્યોપાર્જન કરવા માટે એ વાડીલાલે રંગુન જઈ દ્રવ્યપ્રાપ્તિ કરવા સાથે એ બન્ને પત્રોનાં સંચાલનમાં થોડી ઘણી પણ ખામી આવવા દીધી નહોતી.
(‘જૈન સમાચાર’ અને જોડકે જન્મેલી સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ)
‘જૈનહિતેચ્છુ’ના જન્મ પછી એકાદ વરસ રહીને સદ્ગત વાડીલાલે સ્થાનકવાસી જૈનોની એક કોન્ફરન્સ સ્થાપવા માટે જુદી જુદી લેખમાળાઓ તથા તે માટેનો રીતસરનો પત્રવ્યવહાર કરીને ખૂબ ઉહાપોહ કર્યો હતો. પરિણામે એ કોન્ફરન્સના જન્મ પહેલાં થોડા રોજ પર પુનાના જૈન પબ્લીક તરફથી આમંત્રણ થવાથી ‘જૈન હિતેચ્છુ’ કાર વાડીલાલ ત્યાં ગયા હતા, જ્યાં લોકમાન્ય બાલ ગંગાધર તિળક મહારાજના શુભ હસ્તે એક જંગી સભામાં તેમને માનપત્ર અને ‘પર્સ’ એનાયત કરવામાં આવ્યાં હતાં અને ખુદ લોકમાન્યે એ વાડીલાલની કલમ તેમજ પ્રવૃત્તિ માટે તારીફ કરી હતી. આવાં જબ્બર માનને લાયક થવા માટે તેમજ લોકકલ્યાણકારી કાર્ય કર્યા સિવાય એ પ્રકારનાં માનનો જશ ખાટી જવો એ તાત્વિક દૃષ્ટિએ દેવું કરવા બરાબર છે એમ સમજીને તેમણે ઘેર જઈને એક હિંદી–ગુજરાતી અઠવાડિક શરૂ કરવાની પોતાની પ્રતિજ્ઞાની જાહેરાત એજ સભા સમક્ષ કરી બતાવવાની હામ ભીડી હતી અને વાચકવર્ગ જાણીને આશ્ચર્યમાં ગરકાવ થશે કે મોરબી મુકામે ભરાયેલાં સ્થા. જૈનોની કોન્ફરન્સનાં પ્રથમ અધિવેશનને રોજ એ સેવાવ્રતધારી વાડીલાલે ‘જૈન સમાચાર’ને જન્માવ્યું હતું. પરિણામ એ આવ્યું કે ઉપતંત્રીઓ કે કલાર્કોની મદદ વગર એકલે હાથે તેમજ એકી સાથે ત્રણ ત્રણ પત્રોનાં સંચાલનનો ભાર તેમને વહેવો પડ્યો તેથી છ વર્ષ જેવા ટૂંકા ગાળાને અંતે એ જોખમભરી પ્રવૃત્તિઓએ સદ્ગત વાડીલાલનું શરીરબળ અને દ્રવ્યબળ એટલી હદ સુધી ચૂસી લીધું કે છેવટે નિરૂપાયે જનસમાજને થોડા સમયને માટે છેલ્લી સલામ કરીને વા. મો. શાહે ‘જૈન સમાચાર’ને યોગ નિદ્રામાં સુવાડી દીધું અને સમાજ સેવાનો કપરો માર્ગ પોતા માટે સુગમ કરવાને દ્રવ્યોપાર્જન નિમિત્તે ‘સાહિત્ય રાજ્યથી ભષ્ટ થઈને’ એ સમાજ સેવકે વ્યાપારમાં ઝંપલાવ્યું.
(સમાજ સુધારકને વેશે)
ત્રણ ત્રણ અખબારોનાં સંચાલનનો ભાર વહેતાં વહેતાં સાથો સાથે સદ્ગત વાડીલાલે પંજાબ, માળવા, કાઠિયાવાડ તથા દક્ષિણમાં છેક કોચીન સુધી પોતાના જ ખર્ચે ફરીને લોકજાગૃતિ માટે તથા અંદર અંદરના કુસંપ અટકાવવા માટે ભાષણો આપવાને પર્યટન પણ કર્યું હતું. પંજાબમાં એક સમયે હિંદુઓ અને જૈનો વચ્ચે મોટો ઝઘડો ચાલતો હતો અને વસ્તુસ્થિતિ એવી ગંભીર થઈ પડી હતી કે બંને પક્ષો સામસામા નિંદાનાં હેન્ડબીલો પ્રતિદિન બહાર પાડતા હતા. પરંતુ એ કુસંપ અટકાવવામાં સદ્ગત સફળ નીવડ્યા હતા. એવો જ બીજો પ્રસંગ વરાડ પ્રાંતની રાજધાની અમરાવતીમાં બન્યો હતો ત્યાં જૈનોના બે જુદા જુદા ફીરકાઓ વચ્ચે ટંટો–ફીસાદ ચાલતી હતી. ઝઘડાની એ આગ બુઝાવવાને વા. મો. શાહે એક જાહેર ભાષણ આપ્યું હતું. એ ભાષણ સાંભળીને તે સભાના પ્રમુખ સુપ્રસિદ્ધ દેશભક્ત ખાપરડે મહાશયે તેમને સઘળી કોમોના શ્રોતાઓથી બનેલી એક સભા વચ્ચે માનપત્ર આપ્યું હતું. એ સિવાય મુંબઈ, પોરબંદર, માંગરોળ, વેરાવળ ઈત્યાદિ સ્થળોનાં મહાજનો તરફથી પણ માનપત્રો અપાયાં હતાં. અને તેમની સુધારકવૃત્તિ તેમજ સમાજસેવાની ધગશની કદર બૂઝવા નિમિત્તે સ્થા. જૈનોની કોન્ફરન્સના પંજાબનાં અધિવેશન પ્રસંગે ના. મોરબી નરેશના હસ્તે એક સુવર્ણચંદ્રક તેમને એનાયત કરવામાં આવ્યો હતો. આ બધા માન મળવાના પ્રસંગોમાંથી સદ્ગતને સમાજસેવા તેમજ સંસારસુધારા માટે એવી તો અજબ પ્રેરણા મળવા પામી કે જેને લઈને સને ૧૯૧૪ પછી તો અનેકગણાં જોરપૂર્વક સમાજમાં ઘર કરી બેઠેલી કન્યાવિક્રય, બાળલગ્ન, વૃદ્ધલગ્ન, ફરજ્યાત વૈધવ્ય જેવી અનેક બદીઓને તેમજ ભૂતનાં વળગાડને પણ ભૂલાવે એવાં અજ્ઞાન રૂપી ‘વળગાટ’ને જડમૂળથી ઉખેડવા માટે તેઓશ્રીએ ભગીરથ પ્રયત્નો સેવ્યા હતા. ઝાલાવાડ પ્રાંતમાં કન્યાવિક્રય દૂર કરવા માટે, અમુક શહેરના લોકોની ખફગી વહોરી લઈને પણ તનતોડ પ્રયત્નો તેઓએ સફળતાપૂર્વક આદર્યા હતા, અને જૈન સાધુઓનો સડો દૂર કરવાને તેમણે આરંભેલા જોખમભર્યા પ્રયાસોને પરિણામે તેમને સેંકડો માણસોના શત્રુ પણ બનવું પડ્યું હતું અને પરિણામે ઘણું સહન કરવું પડ્યું હતું. પરંતુ આખર સુધી પોતાના સિદ્ધાંતને ચુસ્તપણે વળગી રહેવાના અજબ ગુણોને લઇને છેવટે સાધુઓ પૈકીના સુજ્ઞ વિભાગે તેમના તરફ સંપૂર્ણ માનની લાગણી દર્શાવવા માંડી હતી અને કચ્છમાં પહેલ વહેલી ‘સાધુ પરિષદ’ પણ તેમના જ ઉપદેશને પરિણામે ભરાવા પામી હતી. એ પરિષદમાં સાધુવર્ગે વાડીલાલ શાહને ‘જૈન સાધુઓમાં નવું લોહી રેડનાર ઉપકારી પુરૂષ’ તરીકે સ્વીકારી તેમનો આભાર માનવાનો ઠરાવ પણ કર્યો હતો. ત્યારબાદ મારવાડી સાધુઓએ પણ ‘સાધુ પરિષદ’ ભરીને સંગઠન માટે શુભ પ્રયાસો કર્યા એ પણ વા. મો. શાહની જહેમતનાં પરિણામરૂપ હતું. તે ઉપરાંત લીંબડી અને અમદાવાદ ખાતે સાધુસમાજ વચ્ચે હાજર થઈને અમુક દુરાચારી સાધુઓને બાતલ કરાવવા તેમને બહુ શોષવું પડ્યું હતું, પણ પરિણામ ઉત્તમ આવ્યું હતું.
‘રતલામ જૈન ટ્રેનિંગ કૉલેજ’ અને લોકકેળવણી
સદ્ગત વાડીલાલ કહેતા કે વિશ્વધર્મ તરીકે જૈન ધર્મનો સ્વીકાર દુનિયા કરે એવો સંભવ વિશેષ છે, કારણ કે જગતના કોઈ પણ ખૂણામાં રહેનારને એ જૈન ધર્મમાં ઉપદેશાયેલાં તત્વો ગ્રહણ કરવામાં કંઈ પણ વાંધો નડે એવું નથી. આવી વિશાળ દૃષ્ટિએ યોજાયલા ધર્મનું રહસ્ય અને ઉપદેશકો સાથે અંગ્રેજી, સંસ્કૃત, હિંદી વગેરે ભાષાઓનું જ્ઞાન યુવકોને આપીને ઉપદેશકો તૈયાર કરવા માટે સદ્ગતે ભગીરથ પ્રયત્નો આદર્યા હતા અને તેને માટે અનેક લેખો લખીને જુદા જુદા પ્રાંતોમાં પદરનાં ખર્ચે મુસાફરી કરીને તેઓએ એક ફંડ એકઠું કર્યું હતું અને રતલામ ખાતે સને ૧૯૧૧માં એક ‘જૈન ટ્રેનિંગ કોલેજ’ સ્થાપવામાં તેઓ ફળીભૂત થયા હતા. પરંતુ સમાજના દુર્ભાગ્યે સદ્ગત વાડીલાલની યોજના મુજબ એ કૉલેજનું સંચાલન થયું નહિ એટલું જ નહિ પણ ત્રણ વર્ષ સુધી એ અખતરાને અજમાવીને તેના સંચાલકોએ ‘જાગ્યા ત્યાંથી સવાર’ ગણી એ કામ સમેટી લીધું હતું. એ સઘળી હકીકતનો ઉલ્લેખ વા. મો. શાહે ૧૯૧૪ના ‘જૈન હિતેચ્છુ’માં ‘મારું મરવા પડેલું વહાલું બાળક–રતલામ ટ્રેનિંગ કૉલેજ’ શીર્ષક લેખમાં પૂરતા વિવેચન પૂર્વક કર્યો હતો.
એ કૉલેજના ચાર ચુનંદા વિદ્યાર્થીઓને સાધુ બનાવવા માટે અમુક મુનિએ પ્રયાસ સેવ્યો ત્યારે સદ્ગત વાડીલાલે જાતે માળવા જઈ, સેંકડો મનુષ્યોના શત્રુ થવાના જોખમે પણ એ વિદ્યાર્થીઓને ફરી પાછા કૉલેજમાં આણ્યા હતા. અને વિદ્યાર્થીઓ પ્રત્યેની મર્હુમની લાગણી માટે તો લખવું જ શું? અમદાવાદ ખાતે મેટ્રિક્યુલેશનની તેમજ સ્કુલ ફાઇનલની પરીક્ષા આપવા આવતા ત્રણે ફીરકાના જૈન વિદ્યાર્થીઓને પોતાના જ ખર્ચે ભોજન–ઉતારાની સગવડ કરી આપતા એટલું જ નહિ પણ તે વિદ્યાર્થીઓને માટે દાકતરી મદદ ઉપરાંત જુદા જુદા વિદ્વાનોને રોકીને પરીક્ષાપત્રોના જવાબ સંબંધી જરૂર પૂરતી સમજણ અપાવવાને પણ પ્રબંધ તેઓએ વરસો સુધી કર્યો હતો. વળી તેમની ખરાબમાં ખરાબ સ્થિતિના સમયે પણ સ્ત્રીધન વેચીને મળેલી રકમ સ્થા. જૈન કોન્ફરન્સને મોકલાવીને ‘વિદ્યોત્તેજક ફંડ’ ખોલવાની અરજ કરનાર પણ એ વાડીલાલ શાહ પોતે જ હતા અને એ ફંડના ભંડોળમાં વૃદ્ધિ કરાવવા માટે કેટલાયે લેખો લખીને તેમજ જાતે જુદે જુદે સ્થળે ફરીને તથા ભાષણો આપીને ચારથી પાંચ હજારની રકમ એ ફંડમાં તેઓએ જમા કરાવી હતી. આ બધા ઉપરાંત ‘જૈનસમાચાર ઑફિસ’માં જ એક ‘ફ્રી નાઈટ કલાસ’ તેમણે ખોલ્યો હતો, જેમાં હરકોઈ જ્ઞાતિ કે ધર્મના પુખ્ત ઉંમરના કોઈ પણ માણસને નીતિ અને સામાન્ય ધર્મનો ઉપદેશ બબ્બે ત્રણ ત્રણ કલાક સુધી દર રાત્રિએ તેઓ આપતા તેમજ જુદા જુદા ધર્મના મહાત્માઓના પુસ્તકો વાંચવાનો જનતાને શોખ જગાડવાને માટે તેમની પોતાની ‘જૈનસમાચાર લાયબ્રેરી’ને જાહેર પુસ્તકાલય તરિકેનો ઉપયોગ કરવાની છૂટ સૌ કોઈને તેમણે આપી હતી અને દર અઠવાડિયે, એ ‘જૈનસમાચાર હોલ’માં સારા સારા વિદ્વાનો પાસે ખાસ વિષયો પર ભાષણો અને વ્યાખ્યાનો કરાવવાનો પ્રબંધ પણ તેમણે વરસો સુધી કર્યો હતો.
ધર્મ–સેવા કરવા જતાં નડેલી ‘ધાડ’
‘વિદ્યોત્તેજક ફંડ’માં ચારથી પાંચ લાખની રકમ અપાવવાનો પ્રયાસ કરવા જતાં પત્રકારોને માથે લટકતી ‘ડેમોકિલસની તરવાર’ રૂપી માનહાનિ(ડેફેમેશન)ના સપાટામાં સદ્ગત વાડીલાલ પણ આવી ગયા હતા અને એ બાબત માટે પ્રજાનું તેમજ સરકારનું ધ્યાન ખેંચવા માટે લખાયલાં ‘અગ્ર લેખો’ અને નોંધો બદલ માફી માગવાનું કહેવામાં આવતાં તેમ કરવાને બદલે તેમણે પોતાના શિર પર સંકટ વહોરી લીધું હતું. ‘માનહાનિ’ના એ ખટલામાં સામા શ્રીમંત પક્ષ તરફથી મોટા વકીલ–બેરિસ્ટરો અને સોલિસિટરોની ફોજ હોવાથી અને સદ્ગત વાડીલાલે કાયદાનો અભ્યાસ નહિ કરેલો હોવાથી કેટલાએ જનોએ એમના બચાવ સારૂ ધારાશાસ્ત્રી રોકવાને માટે એક ‘પર્સ’ આપવાનું કહ્યું ત્યારે એ મદદનો પણ સાભાર અસ્વીકાર કરી પોતે જાતે કાયદાનો અભ્યાસ શરૂ કરી દીધો હતો અને એ મુકર્દમામાં પોતાનો બચાવ પોતે જ કર્યો હતો. પરંતુ કાયદાની બારીકીઓ તેમજ ઉલટ તપાસ કરવાના અનુભવની ખામીઓને અંગે એ કેસમાં તેમની હાર થઈ અને છેવટે એ લખાણ લખવા બદલ દિલગીરી દર્શાવવાની સામા પક્ષની માગણી રૂપી ઉપકારનો પણ સાભાર અસ્વીકાર કરીને બે માસની સાદી કેદની શિક્ષાનો હસ્તેમુખે સ્વીકાર કર્યો હતો.
(‘સંયુક્ત વિદ્યાર્થી ગૃહ’ની સ્થાપના)
જાહેર જીવનને તિલાંજલિ આપીને જનસમાજનને છેલ્લી સલામ કરનાર વાડીલાલે સને ૧૯૧૩ની આખરે ઘડીભર એમ માન્યું કે પોતે સેવાવ્રતથી છૂટા થયા છે. પણ જનસેવાના રંગે રંગાયા હોય તે જ જાણી શકે છે કે એ વ્રતથી દૂર રહેવું બહુ આકરું હોય છે, અને થોડા સમયમાં જ વાડીલાલ શાહ પોતાની વ્યાપાર પ્રવૃત્તિનાં સંચાલનની સાથોસાથ ફરી વાર સમાજસેવક તરિકેનો પાઠ ભજવવામાં પોતાનો ફાજલ પડતો બધો વખત ગાળવા લાગ્યા, અને તે એટલે સુધી કે સને ૧૯૧૭માં સ્થા. જૈન કોન્ફરન્સની અમદાવાદ મુકામે ભરાયેલી જનરલ કમીટીની સભામાં પોતાનું સર્વસ્વ કોમને અર્પણ કરવાની તેમજ ત્રણ વર્ષ સુધી કોન્ફરન્સના વગર પગારે–માનદ સેવક તરિકે જનસેવા કરવાની દરખાસ્ત પોતે જ રજુ હતી. પરંતુ એ દરખાસ્તનો સ્વીકાર કરવામાં ફક્ત એક મતવિરુદ્ધ પડ્યો, તેથી સભાના પ્રમુખે તે દરખાસ્ત પાછી ખેંચી લેવાનો શ્રી. શાહને આગ્રહ કર્યો હતો અને એ રીતે જનસેવા કરવાના પોતાના મનોરથમાં નિષ્ફળ નિવડવાના અવસરનો અનુભવ કર્યા પછી પોતે જુદી જ દિશામાં ઝંપલાવ્યું. કોન્ફરન્સ સાથેનો સંબંધ તોડી નાંખીને અમદાવાદ તથા મુંબઈમાં ‘સંયુક્ત વિદ્યાર્થીગૃહ’ની સ્થાપના કરવા નિમિત્તે તેમણે તનતોડ મહેનત આદરી અને પરિણામે સને ૧૯૧૭માં મહાત્મા ગાંધી અને બીજા કેટલાયે દેશનેતાઓની હાજરી વચ્ચે સદ્ગત શાહે ઝાલરાપાટણના સ્વર્ગસ્થ મહારાજાના શુભ હસ્તે એ ‘ગૃહ’ની ઉદ્ઘાટન ક્રિયા કરાવી હતી. મુંબઈનું એ ‘ગૃહ’ હજુ પણ ચાલુ છે અને ઉચ્ચ કેળવણી લેવા ઇચ્છતા કોઈપણ વિદ્યાર્થીને દાખલ થવા માટે કોઈ પણ વાડા કે ફિરકા કે જ્ઞાતિનું બંધન નડતું નથી. ટૂંકી ને ટચ વાત તો એ છે કે વિચારકો અને ફીલસુફોને જનતા સાથેનાં ઘર્ષણને પરિણામે કેવા કપરા અનુભવો થાય છે એ જાણવાની ઇચ્છાવાળાઓએ, ‘સંયુક્ત વિદ્યાર્થી ગૃહ’ નિમિત્તે જે અદ્ભુત પ્રકારના અનુભવ વા. મો. શાહને થયા હતા તે સંબંધી “જૈન હિતેચ્છુ”માં અનેકવાર લખાયેલા લેખો વાંચી લેવાની ભલામણ છે.
(સાહિત્યકાર અને ચિંતક તેમજ ફિલસુફના સ્વાંગમાં)
વાડીલાલ શાહે કદિ પણ સાહિત્યકાર કે સાક્ષર હોવાનો દાવો કર્યો નથી અને સાચી વાત પણ એ છે કે સાહિત્યમાં અભિવૃદ્ધિ કરવાના આશયથી કદિ પણ લખવાનો કે સાહિત્ય ક્ષેત્રમાં મહાલવાનો ઘમંડ તેમણે કર્યો નથી. એમના હાથે તો, સમાજસેવા કરવા જતાં તેમજ ત્રણ ત્રણ પત્રોનું સંપાદનકાર્ય કરતાં કરતાં કેટલુંક અનોખું સાહિત્ય સર્જાવા પામ્યું છે એ વાત તરફ ભાગ્યે જ આંખમીંચામણાં થઈ શકે. તેમનું પહેલું પુસ્તક ‘મધુ મક્ષિકા’ વીસ વર્ષની ઉંમરે લખાયું હતું. એ પુસ્તકની અંદર સુપ્રસિદ્ધ આંગ્લ લેખક એડિસનની શૈલિએ યુવાનોને સંબોધીને થોડાક પત્રો લખાયા છે. તે ઉપરાંત ધર્મ–જ્ઞાન મેળવવાની જીજ્ઞાસાવાળા વાચકવર્ગ માટે ‘બાર વ્રત’ (૧૯૦૫), ‘હિત શિક્ષા’ (૧૯૦૪), ‘સમ્યકત્વ અથવા ધર્મનો દરવાજો’ (૧૯૦૩), ‘ધર્મ તત્વ સંગ્રહ’ (૧૯૦૬), ‘સંસારમાં સુખ ક્યાં છે?’ (૧૯૦૯), ‘કબીરનાં અધ્યાત્મિક પદો’ (૧૯૧૧), ‘સદ્ગુણ પ્રાપ્તિનો ઉપાય’ (૧૯૦૮), ‘ભક્તામર સ્તોત્ર : વિવેચન સહિત’ (૧૯૦૯), ‘કલ્યાણ મંદિર સ્તોત્ર’ (૧૯૧૦), ‘ધર્મસિંહ બાવની’ (૧૯૧૧), ‘દશ વૈકાલિક સૂત્ર’ (૧૯૧૨), ‘પર્યુષણ પર્વ અથવા પવિત્ર જીવનનો પરિચય’ (૧૯૧૪) ઈત્યાદિ પુસ્તકો પ્રકટ કરીને જનસમાજમાં સાચી ધર્મજીજ્ઞાસાની ભૂખ જગાડવા માટે પૂરતો પ્રયાસ સેવ્યો હતો અને પોતાનું દૃષ્ટિબિંદુ ફળિભૂત કરાવાને માટે “જૈન સમાચાર”ના ગ્રાહકોને દર મહિને એક ભેટ પુસ્તક આપવાની પ્રથા શરૂ કરી હતી. વળી ધર્મ અને નીતિનાં રહસ્યને વાર્તામાં ગુંથી લઈને તેમણે પ્રકટાવેલાં ‘સતી દમયંતી’ (૧૯૦૨), ‘રૂષિદત્તા આખ્યાયિકા’ (૧૯૦૪), ‘નમીરાજ’ (૧૯૦૬), ‘સુદર્શન’ (૧૯૧૨), ‘બ્રહ્મદત્ત ચક્રવર્તી’ (૧૯૧૨); ‘મહાવીર કહેતા હવા’ (૧૯૧૪), ‘મૃત્યુના મ્હોમાં’ ઇત્યાદિ પુસ્તકો ખરેખર જીવનને ઉચ્ચ બનાવવાની પ્રેરણા પાય તેવી શૈલિમાં લખાયેલાં છે. ‘મહાવીર કહેતા હવા’ તો ભવિષ્યમાં સદ્ગતને હાથે લખવાનાં આદર્શ પુસ્તકની પ્રસ્તાવનાની ગરજ સારે એ દૃષ્ટિએ લખાયલું છે. અને ગાંધીયુગની શરૂઆતનાં જ વર્ષમાં પ્રગટ થયેલ ‘મૃત્યુના મ્હોમાં’ની અંદર ભારતના આઝાદીજંગની એક કાલ્પનિક કથા આલેખાયેલી છે, જેમાં એક મહાત્મા, એક મીલમાલેક અને એક સાયન્ટિસ્ટ ભારતનો ઉદ્ધાર કરવા માટે કેવી રીતે કમર કસે છે તેનું તાદૃશ ચિત્ર રજુ કરેલું છે. તે ઉપરાંત જૈનિઝમ, વેદાંત અને નિત્શેઅન તત્વજ્ઞાનને એકાકાર બનાવીને પ્રકટાવેલા ‘મસ્ત વિલાસ’(૧૯૨૫)માં તો તત્વજ્ઞાન અને જીવન વચ્ચેના સંબંધને દર્શાવનારી તત્વકથાઓ (Philosophical stories)નાં દર્શન થાય છે. આ પુસ્તકને પણ સદ્ગતની હંમેશની ટેવ મુજબ વિના મૂલ્ય પ્રચાર અર્થે પ્રકટ કરવામાં આવ્યું હતું. અને જેને મફત લેવું ન પરવડે તેવાઓ માટે જ ત્રણ રૂપિઆની કીંમત રખાઈ હતી. અને સદ્ગતે પોતાનાં ઐહિક જીવન દરમ્યાન પ્રકટ કરેલું છેલ્લું પુસ્તક તે ‘જૈન દીક્ષા.’ એ પુસ્તકને તો સને ૧૯૨૯નાં ગુજરાતી પ્રકાશનોમાંના શાસ્ત્રીય વાઙમયનાં શ્રેષ્ઠ પુસ્તકોમાંના એક તરિકે વિદ્વાનોએ પ્રશંસ્યું હતું. એ ‘જૈન દીક્ષા’ તો હિંદુ, જૈન અને એવા બીજા ધર્મોમા ઉપદેશાયેલા સિદ્ધાંતો તથા દેવલોક, મુક્તિ, તપ આદિ કેટલીયે ભાવનાઓનાં અનોખાં મૂલ્ય આંકીને તે સઘળાંને આ જીવનનાં વિકાસ માટેનાં ઉપયોગી સાધન તરિકે સમજાવનારો ગુજરાતી ભાષામાં લખાયલો પહેલો જ ગ્રંથ છે; તેમજ કૃષ્ણ, મહાવીર, રામ જેવા મહાપુરૂષો (Supermen) અને અવતારોના ઇતિહાસને મનુષ્ય-વિકાસના ઇતિહાસ તરિકે સમજાવનાર તેમજ ધર્મ તથા સાયન્સનું વ્યવહારૂ ‘સમાધાન’ (compromise) કરનારું એકનું એક ગુજરાતી પુસ્તક છે. આ બધા ઉપરાંત માનસશાસ્ત્રની દૃષ્ટિએ મહાત્માજીનાં સૂત્રોની બારીક ચિકિત્સા કરનારાં બે પુસ્તકોની જરૂર નોંધ લેવી ઘટે; અસહકાર અને Political Gita, એ પુસ્તકમાં–ખાસ કરીને બીજામાં, લેખકે હાલનાં ગંદાં પોલિટિક્સને આડકતરી રીતે પ્રગટ કરી સર્વદેશીય ‘પોલિટિકલ રિફોર્મ’ અને એ કામ માથે લેનારની સર્વદેશીય યોગ્યતાનાં લક્ષણ બતાવી આપ્યાં હતાં. આ પુસ્તક જગતભરના ચિંતકો અને ફિલસુફોમાં વિના મૂલ્ય પ્રચાર અર્થે ફેલાવો કરવા માટે લેખકે પદરના પાંચેક હજાર રૂપિયા ખર્ચ્યા હતા અને યૂરોપ તથા હિંદના ચુનંદા વિચારકોએ તેમજ રાજદ્વારીઓએ એ પુસ્તકની પુષ્કળ પ્રશંસા કરી હતી.
એ બધાં ઉપરાંત ‘મુંઝાઈ પડેલી દુનિયા’ શીર્ષક લેખમાળાદ્વારા જનતા સમક્ષ આજની દુનિયાની ખરી મુંઝવણનાં સાચા કારણોનો ચિતાર રજુ કરવામાં આવ્યો હતો, અને ‘આ બધો પ્રતાપ વેપારનો!’ (૧૯૨૭) નામનો લેખ પ્રગટ કરીને, ઉચ્ચતમ જીવનને અનુકૂળ તેમજ જરૂરી એવાં વાતાવરણને અશક્ય બનાવનાર આજના વ્યાપારીયુગ પર લેખકને કેટલો તિરસ્કાર હતો તે બતાવી આપ્યું હતું. આવી જબ્બર સાહિત્યસેવાને ધ્યાનમાં લેતાં પહેલાં સૌ કોઈએ નોંધી રાખવું ઘટે કે વાડીલાલ શાહે લખવા ખાતર કદિ પણ લખ્યું નહોતું, પરંતુ મનન કરવાની સ્થિતિમાં મૂકાવું પડે એવો બનાવ કે ઘટના જ તેમની પાસે કલમ ઉપડાવી શકતાં. વળી સાહિત્ય કે સાક્ષરિત્વ એ કંઈ તેનાં ધ્યેય નહોતાં. સને ૧૯૨૭માં સાહિત્ય પરિષદ મારફત મળેલાં ગલીયારા પારિતોષિકનાં અભિનંદનના જવાબમાં તેઓએ કહેલું કે, “I am not a ‘સાહિત્યકાર.’ I do not write for the sake of writing or for adding to or improving literature. I think and feel and when my action of thinking and feeling reaches its zenith it showers in the form of words which people call ‘Books’!” ટૂંકમાં સદ્ગતનું એક પણ પુસ્તક, ભાષણ, લેખ એવો નથી કે જેમાં જૈન તેમજ જૈનેતર સિદ્ધાંતને વાણા ને તાણાની માફક ગુંથીને જનતાનાં જીવનને જય તેમજ પ્રકાશનું–કર્મયોગ અને જ્ઞાનયોગનું ધ્યેય આપવાની તેઓએ જહેમત ન ઉઠાવી હોય.
સમાજ સેવાનો છેલ્લો પ્રયત્ન અને વિદેશગમન
સમાજસેવાની ધૂન સદ્ગત વા. મો. શાહને એટલી હદ સુધીની હતી કે શ્વેતામ્બર અને દિગમ્બર જૈનો વચ્ચેના ઝઘડાના સમાધાન માટે પદરના ખર્ચે તેમણે ભગીરથ પ્રયત્નો કર્યા હતા અને કોમી પ્રતિનિધિત્વનો અવાજ જે વખતે શરૂ થયો તે વખતે તેને દાબી દેવાને એ વાડીલાલ શાહે તનતોડ મહેનત કરી આકાશ પાતાળ એક કર્યાં હતાં. મહાત્મા ગાંધીજીનું ઑઈલ પેઇન્ટીંગ એક જાહેર સભામાં રાષ્ટ્રિય શાળાનાં ફંડ માટે લીલામ કરવામાં આવતાં ગાંધીજીના ભક્તોની મોટી સંખ્યા જ્યારે પાંચસો રૂપિઆની રકમથી આગળ વધતી અટકી હતી ત્યારે એ સભામાં એક પ્રેક્ષક તરીકે થોડી મિનિટની હાજરી આપવા આવેલા સદ્ગત શાહે ૨૭૦૦ રૂપિયામાં ખરીદી ત્રણસો સુધીની રકમ બોલનાર એક વૃદ્ધ પણ ભક્તિમાન બાઈને એ છબી ભેટ તરિકે આપી દઈને ચાલી નીકળ્યા હતા. વળી વિધવાવિવાહનો સુધારો પોતાના ઘેરથી જ શરૂ કર્યો હતો. પરંતુ આ બધા પ્રસંગો સાથે ‘યુદ્ધ’ ખેલવા જતાં જે કપરા અનુભવનો સામનો તેમને કરવો પડ્યો તે અનુભવે જ તેમને જાહેર જીવનમાંથી નિવૃત્ત થવાને પ્રેર્યા અને સને ૧૯૨૧ની સાલથી તો તેઓ બધી પ્રવૃત્તિઓનો ‘વળગાટ’ છોડી દઇને આધ્યાત્મિક ચિંતન તેમજ મનનમાં જ મસ્ત રહેવા લાગ્યા. પરંતુ સને ૧૯૨૭ની અધવચમાં તેઓને ખૂબ આગ્રહ કરીને તેમજ સમાજહિતને લગતી તેમની આકરી માગણીઓને સંતોષવાની ખાત્રી આપીને શ્વે. સ્થાનકવાસી જૈન સમાજે, નિવૃત્તિ લેતા એ ફિલસુફને ફરી એક વાર જાહેર જીવનમાં ઘસડ્યો હતો, અને તેને પરિણામે બિકાનેર મુકામે ભરાયેલી સ્થા. જૈન કોમના સભાપતિ તરિકેનું તેમજ તેજ મુકામે ભરાયેલા સમસ્ત જૈન મહામંડળના વીસમા અધિવેશનના પ્રમુખ તરિકેનું તથા તારણ સમાજ દિગમ્બર જૈન સમાજના કુલસરમુખત્યાર તરિકેનું ગૌરવભર્યું પદ તેઓએ એક લોકનેતાને છાજે તેવી કુનેહથી શોભાવ્યું હતું અને સાથોસાથ કોન્ફરન્સના મુખપત્ર “જૈનપ્રકાશ”ના સંચાલક તેમજ મુખ્ય લેખક તરિકે સમાજહિતનાં અનેક કાર્યો કરવા ધાર્યા હતા; અને સૌ કોઈ જાણે છે કે દશ દશ વર્ષનાં મનન તેમજ ચિંતન પછી એ અરસા દરમ્યાન લખાયલાં તેમનાં સઘળાં લખાણ તત્વજ્ઞાનના નિચોડ રૂપ તેમજ કોઈ અનોખી રીતે ‘અપૂર્વ’ હતાં. પરંતુ એ વીર ‘યોદ્ધા’ની ‘આગ’ સ્થાનીકવાસી જૈન સમાજથી જરા પણ જીરવી શકાઈ નહિ અને પરિણામે સમાજનું હિત કરવા જતાં ગજબનું અહિત થવાનો સંભવ વિશેષ છે એમ શ્રીયુત શાહને લગતાં તેમનાં હૃદયને તેમજ શરીર સ્વાસ્થ્યને એવી તો જબ્બર ચોંટ લાગી હતી કે તેઓએ તુરતમાં જ સભાપતિ તરીકેનાં પોતાના હોદ્દાનું રાજીનામું આપ્યું એટલું જ નહિ પણ ડોક્ટરોના અત્યંત આગ્રહને વશ થઈને, શરીરસુધારણા અર્થે તેઓની જર્મની સુધીની વિલાયત યાત્રા કરવાનું સાહસ ખેડ્યું હતું. ત્યાંથી તેઓ એકાદ વરસ રોકાઈને સ્વદેશ પાછા ફર્યા પછી તદ્દન નિવૃત્તિમય જીવન ગાળતા હતા. પરન્તુ એ બધા અરસા દરમ્યાન તેમણે સ્નેહીઓ તેમજ જીજ્ઞાસુઓ પ્રતિ પ્રત્યુત્તર રૂપે કરેલો પત્રવ્યવહાર ઘણો જ કિંમતી તેમ જ ગુજરાતી સાહિત્યમાં અનોખો ફાળો આપનારાં સત્વ તરિકે શોભે એવો છે.
ઉપસંહાર
ગુજરાતની ભૂમિ પર એવું અનોખું જીવન જીવનાર એ વાડીલાલ શાહનાં જીવનની આછી રૂપરેખા આંહિ પૂરી થાય છે. પરંતુ એમના સ્વર્ગવાસની આ બીજી સંવત્સરીના રોજ એમનાં જીવનનો સરવાળો સમજવા પ્રયત્ન કરવો જોઈએ. એમણે આપણને અજ્ઞાનને દૂર કરી જ્ઞાનનો પ્રાદર્ભાવ કરવાની પ્રેરણા વારસામાં આપી છે; તેમણે આખાં જીવન દરમ્યાન ‘મિથ્યાત્વ’ અને ‘સમકિત’ (Right knowledge) વચ્ચેનો ભેદ સમજાવવા તનતોડ પ્રયાસ સેવ્યો હતો; જનતાનાં હૃદયમાંથી ધર્મધુતારાપણને દેશવટો અપાવી ખરાં ધાર્મિકપણની સ્થાપના કરવાની એમને ઉમેદ હતી; જનતા ‘મુડદાંની ચુપકી’ને તિલાંજલિ આપી યોગીની–ફિલસુફની ચુપકી ધારણા કરે એમ તેઓએ ઉપદેશ્યું હતું; ચાહે તેવાં સારાં–નરસાં કાર્ય કરવાનો ‘મોહ’ દૂર કરી એ કાર્ય કરવાનો ‘શોખ’ પ્રકટાવવાનું જીવનભર એમણે શીખવ્યું હતું; વ્યક્તિગત લાભોને બાજુ પર રાખી સામાજિક લાભોની દૃષ્ટિ કેળવતી થવાના પ્રયાસો સેવતી જનતા થાય એવી એમને ખાએશ હતી. ટુંકમાં એવી એક પણ પ્રવૃત્તિ એમણે આદરી નહોતી કે જેના મૂળમાં સમષ્ટિભાવની પ્રેરણા સિવાય બીજું કંઇ હોય; એવી એક પણ અપીલ એમણે કરી નથી કે જે લખવા પહેલાં પોતા તરફનો ફાળો તેમણે આપ્યો ન હોય. એટલે આપણે એમની ખરી સંવત્સરી ત્યારે જ ઉજવી કહેવાય જ્યારે તેઓએ ઉપદેશેલા તત્વને અપનાવી લઈને, ભવિષ્યમાં પાંચ પચીસ કે તે કરતાં પણ વધારે વરસો પછી સદ્ગત શાહનો આત્મા નૂતન દેહ ધારણ કરીને તેઓનું અધૂરું રહેલું ‘મિશન’ પૂરું કરવા ‘અવતરે’ ત્યારે તેને ખેલવા માટે યોગ્ય ભૂમિકા આપણે તૈયાર કરી શકીએ. અને એ વાતની સૌ કોઈ ખાત્રી રાખે કે એવું ક્ષેત્ર તૈયાર થશે તો એ નૂતનદેહધારી વાડીલાલ આ જીવનમાં ઘૂમેલ છે તેના કરતાં પણ દશ ગણાં જોરથી અને શૌર્યથી તેમજ એટલી જ હિંમતથી ઘૂમશે અને તેનાં અધુરાં રહેલાં મિશનને પાર પાડશે.
ત્રિભુવન વીરજીભાઈ હેમાણી