ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૬ઠ્ઠું/હરગોવિંદદાસ ઈશ્વરદાસ પારેખ
જન્મ તા. ૩૦–૧૨–૧૮૭૯
મરણ તા. ૨૨–૧–૧૯૩૪
ગુજરાત અને હિંદી કલામાં અપૂર્વ રસ લેનાર, જર્જરિત થયેલી, ગુંગળાઈ ગયેલી હિંદી કલાને પોતાના પ્રાણને ભોગે સજીવન કરનાર શ્રી. હરગોવિંદદાસ ઈશ્વરદાસ પારેખનો જન્મ તા. ૩૦–૧૨–૧૮૭૯ને દિને થયો હતો. એમની બાલ્યાવસ્થા, યુવાવસ્થા સંબંધી વિગતો મેળવવા લેખકે પ્રયાસ કરવા છતાં આવા ભેખધારી રસાત્માના સંબંધી બહુજ અલ્પ વિગતો મેળવી શકાઈ છે એ આપણી કરૂણ દશા છે.
સ્વ. હરગોવિંદદાસે અંગ્રેજી સાત ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો, અને પછી બેંકીંગમાં રસ પડવાથી બેંકીંગનો અભ્યાસ શરૂ કર્યો હતો. આ અભ્યાસના પરિણામે તેઓએ ઇન્ડસ્ટ્રીઅલ બેંક સુરતમાં સ્થાપી હતી. આ સમય દરમ્યાન એમને કલાની લગની લાગી હતી. પોતાની આર્થિક સ્થિતિ સારી હોવાથી જુદી જુદી જગ્યાઓમાંથી કલાના સુંદર નમૂનાઓ પુષ્કળ પૈસા ખર્ચીને તેએાએ એકઠા કરવા માંડ્યા. આનું પરિણામ એ આવ્યું કે સ્વ. હરગોવિન્દદાસનું ઘર સ્વ. પુરૂષોત્તમ વિશ્રામ માવજીના ઘરની માફક કલામંદિર થઈ રહ્યું. આ સમય દરમ્યાન તેઓ ગાડીઘોડે ફરતા, જાતે ગાડી હાંકતા અને કોઈ રસિક આત્માની માફક કલામય જીવન જીવતા.
પણ આવી રીતે કલાના નમૂનાઓ એકઠા કરવામાં હરગોવિંદદાસે ખરચ તરફ બીલ્કુલ લક્ષ આપ્યું જ નહીં. ભોજરાજાની માફક કલાના નમૂનાઓ મેળવવા એમણે ધન વેરતી વખતે પાછું ફરીને જોયું નહીં. પરિણામ એ આવ્યું કે એમની આર્થિક સ્થિતિ બગડતી ગઈ, ઇન્ડસ્ટ્રીઅલ બેંક બંધ કરવી પડી, ગાડીઘોડો કાઢી નાંખ્યા, આર્થિક વિમાસણ વધી અને કલાને માટે હરગોવિંદદાસ ફકીર બન્યા. ગાડીઘોડે ફરનાર હરગોવિંદદાસને જેમણે પૂર્વાવસ્થામાં જોયા હોય અને સાધન વિનાના, ગરીબાઇમાં સડતા, પગે ઘસડાતા હરગોવિંદદાસને પાછલી અવસ્થામાં જોયા હોય તેમને આઘાત થયા વિના રહે નહીં.
આવી ઉગ્ર વિમાસણ હોવા છતાં કલાના અપાર પ્રેમ અને ધગશને લીધે હરગોવિંદદાસનો રસાત્મા સૂકાયો નહીં અને એમણે તો કલાને અર્થે ગુજરાતમાં પ્રચાર કામ શરૂ કર્યું. એ પ્રચાર અર્થે તેઓ ત્રણ ચાર વાર અમદાવાદ આવેલા. ૧૯૨૮–૩૦માં સર ચિનુભાઈના દેસાઇની પોળમાં આવેલા મકાનમાં ભારત કલા સમાજ તરફથી પ્રદર્શન ભરવામાં આવેલું. તે પ્રદર્શનમાં તેઓ પોતાના નમૂનાઓ લઈને જાતે આવેલા. એ નમૂનાઓ એવી ઉત્તમ કોટીના હતા કે મીલના ચુનંદા કારીગરો બારીકાઇથી તેનો અભ્યાસ કરતા હતા અને સ્વ. હરગોવિંદદાસ તેઓને આ નમૂનાઓ બરાબર સમજાવી રસ જમાવતા હતા. બીજીવાર ૧૯૩૧માં અમદાવાદમાં ખાદી પ્રદર્શન ભરાયું ત્યારે એમને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેઓ હોંસથી અમદાવાદ આવ્યા હતા. ત્રીજીવાર લાલદરવાજે સ્વદેશી પ્રદર્શનમાં એમના નમૂનાઓ મૂકવામાં આવ્યા હતા. ચોથી વાર ૧૯૩૩માં દિવાળીની રજા દરમ્યાન સ્વદેશી બજાર મંડળ તરફથી હંસરાજ પ્રાગજી હોલમાં ત્રણ દિવસ પ્રદર્શન ભરાયું હતું તેમાં પણ એમના નમૂનાઓ મૂકવામાં આવ્યા હતા. આ નમૂનાઓ એવા વિવિધ પ્રકારના હતા કે ફરીથી જોનારને પણ નિરસ લાગતા નહીં. આ નમૂનાઓ એવી ઉત્તમ કોટીના. હતા કે ગાયકવાડ સરકારે એ ખરીદી લેવા પોતાની ઇચ્છા દર્શાવેલી; કેટલીક પરદેશી કંપનીઓએ પણ એવી ઇચ્છા દર્શાવેલી પણ આ નમૂનાઓ પ્રાણ સમાન હોવાથી પૈસાના મૂલે આપવાની હરગોવિન્દદાસે ના જ પાડી. જ્યાં સુધી પ્રાણ હતો ત્યાં સુધી આ નમૂનાઓ જનેતાની માફક છાતી સરસા તેઓએ દાબી રાખ્યા. આજે એ નમૂનાઓ રસિકજનના હૃદયસ્પર્શ વિના એકલવાયાં થઈ ગયાં છે અને સ્વ. હરગોવિન્દદાસના ભાઈ છોટાલાલને ત્યાં મુંબાઈમાં પડેલાં છે. ગુજરાતનો કોઇ રસિકજન પોતાના ઉલ્લાસથી આ નમૂનાઓ સાચવી ઉદ્ધાર કરે તો હરગોવિંદદાસની ફકીરીનું સાફલ્ય અને ગુજરાતનું અહોભાગ્ય.
ગુજરાતનો એક રસિક આત્મા આર્થિક મુંઝવણોને લીધે શરીરે સંપત્ત હોવા છતાં ફક્ત ૫૫ વર્ષની ઉંમરે પોતાની પાછળ પત્ની મૂકી સ્વર્ગે સીધાવ્યા. આર્થિક મુંઝવણો ઓછી હોત તો એમનું આયુષ્ય લંબાત અને પોતાનાં સ્વપ્નાંનું સેવન કરી ગુજરાત સમક્ષ પોતાનો કલાપ્રેમ અને ભાવના ધરી શકત. એ સમય રહ્યો નથી અને આજે એક ઉજ્જવળ હિરા ગુજરાતના કમભાગ્યથી જમીનમાં દટાઈ ગયો છે.