જનપદ/મોભ ભળે આકાશે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મોભ ભળે આકાશે


ઘાસઘેનમાં શેઢો.
મોલ અમળાય.
તુવેર ગાભા પર પતંગિયું
નવી મૂછ જેમ ફરકે.

કંટી તે કલગી.
નાળિયાના પડખે સીતાફળની પેશીઓના સાંધા ઝળહળે.

ટેકરીઓમાં આછા ઊના સ્નાયુપ્હાણા
ખોબો પખવાજ.
ધબકે ફાડામાં ડુંગર.

તડકો
કૂકડો વહેરે ઉકરડો
નવું ધાન કોઠારે આવે
લીંપણ ઝાંઝર
ધડૂકે મોભારાં
ભીંતો દે માગ
આંગણમાં ઋતુ મોભ સુધીનું ચાલે
મોભ ભળે આકાશે.