જનપદ/હડુડુ ઢુંમ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
હડુડુ ઢુંમ

કરોડ ખીલડો
ઉપર માથાનો મરઘો મોભી.

વહાણાં વાયાં.

આવ્યાં દેદકાના તાળવા સરખાં વાદળ.
કુશકી મેઘલય ચાલ્યો.
આમેય પહેલેથી
આંગળાંના વળામણમાં હતા ભૂરા વાયરા.
વાયરા આડા રમે હોળ હડદોલ.

ઊભા કણસલે
રણઝણ અવતરે એમ, એવો,એટલો
કે પવનને પણ ધોઈ ઉતારે ભેળવે માટીમાં.

મોભ ભાળે –
ચાલ્યાં આવે નાચતાં જળસાંબેલાં
કાય ઉલેચે ને તળે પરેડાટ
પાણી હવા ધરતીનો એકતાર જીવ.
એમાં જનોઈવઢ
ઊતરે
અગનફળું તલવાર વીજ.

મરઘાંની પાંથી તળે જ્યોત ઝપલાય
અડે, ઢાળે ગોળ કેરી ભીંતરડીને
કોપરિયાં છાપરાંને દુણાવે.
નવા જીવ જેટલી ઊંડી સોડમ સીમ પર
એ સીમમાં પીપળો.

મોભી ફાડમાંથી જુએ –
ચોમેરથી ઊંચે આવી
ગુંબજ થતા વાદળ જીભડા.
વચ્ચે ખળામાં
પીપળો મેડ*
કાટકાનું વજ્જર હડુડુ ઢુંમ.
ચોટલીથી પીપળો ફાચરાયો.
વજજર ચાંચ પીએ પાટલાઘોનું તળ.

વહાણાં વાયાં.

  • મેડ : ખળામાં રોપેલું ઊંચું લાકડું જેની સાથે બંધાયેલા બળદ લણણીના ધાન પર ફરે.