zoom in zoom out toggle zoom 

< તત્ત્વસંદર્ભ

તત્ત્વસંદર્ભ/તુલનાત્મક સાહિત્ય (જ્હૉન ફ્લેચર)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


તુલનાત્મક સાહિત્ય

જ્હોન ફ્લેચર

સાહિત્યઅધ્યયનના ક્ષેત્રમાં છેલ્લા સાત-આઠ દાયકા દરમ્યાન ‘તુલનાત્મક સાહિત્ય’ તરીકે ઓળખાવાતી એક નવી વિદ્યાશાખા ઊભી થઈ છે. એને ‘તુલનામૂલક સાહિત્ય’, ‘સાહિત્યકીય તુલનાનું વિજ્ઞાન’, કે ‘તુલનારત સાહિત્ય’ જેવી સંજ્ઞાઓથી પણ ઓળખાવવામાં આવી છે. આથી આ વિદ્યાશાખાએ સાહિત્યક્ષેત્રમાં રૂઢ બની ચૂકેલી વિવેચનની પદ્ધતિઓથી અલગ અને સ્વની એવી કોઈ અધ્યયનપદ્ધતિ નિપજાવી છે કે કેમ, એવો સહેજે પ્રશ્ન થાય. પણ આ ક્ષેત્રમાં તરેહતરેહની જે બધી પ્રવૃત્તિઓ અત્યાર સુધી ચાલતી રહી છે તે જોતાં એમ સમજાય છે કે આ વિદ્યાશાખાને હજી એની આગવી પદ્ધતિ મળી નથી. હકીકતમાં ‘તુલનાત્મક અભ્યાસ’ નામે જે કંઈ પ્રવૃત્તિઓ થઈ છે તેમાં જાણ્યેઅજાણ્યેય જુદી જુદી વિદ્યાશાખાઓને લગતા અનેકવિધ પ્રશ્નો છણાતા રહ્યા છે. એમાં કેટલાક, સાહિત્યનું નિર્માણ અને તેની સંવાદભૂમાં પડેલી જુદી જુદી વિચારધારાઓને અનુલક્ષે છે; બીજા કેટલાક, સાહિત્યલક્ષી સમાજવિજ્ઞાનને સ્પર્શે છે; તો બીજા વળી સૌંદર્યમીમાંસાના ક્ષેત્રને આવરે છે. આવે પ્રસંગે જે તે વિદ્યાશાખાની આગવી અધ્યયન પદ્ધતિનું એમાં અનુસંધાન રહ્યું દેખાય છે પણ ‘તુલનાત્મક સાહિત્ય’ની પોતાની પદ્ધતિ ઊભી કરવાનો ઉપક્રમ એમાં ખાસ જોવા મળતો નથી. કેટલાક અભ્યાસીઓ, આવી પરિસ્થિતિમાં, એવો મત વ્યક્ત કરે છે કે અધ્યયનનો આ વિષય જ એક મિથ્યાનિર્માણ છે. ‘તુલનાત્મક સાહિત્ય’ને બહાને યુનિવર્સિટીઓમાં નવી નવી જગ્યાઓ ઊભી કરવામાં આવે છે કે આવા વિષયના નામકરણ નીચે થોડાક ‘મહાન ગ્રંથો’ના અભ્યાસનો કાર્યક્રમ ચલાવી શકાય છે, કે ઓક્સફર્ડ જેવી યુનિવર્સિટીમાં વળી કોઈ વિદ્યાર્થી ભારે પરિશ્રમ કરીને બિ.ફિલ.ની ઉપાધિ પામે છે – એટલું જ. પણ આગવા અધ્યયનવિષય લેખે એને એનું સ્પષ્ટ સુરેખ રીતે કંડારી આપી શકાય તેવું, ક્ષેત્ર મળ્યું નથી. એટલે આ વિષયના ટીકાકારો તો ‘તુલનાત્મક સાહિત્ય’ જેવો પ્રયોગ જ અર્થહીન છે એમ કહેવા સુધી જાય છે! સાહિત્યના કહેવાતા તુલનાત્મક અધ્યયનમાં યે કેવળ સાહિત્યિક દૃષ્ટિથી જ અધ્યયન થાય છે, એમ તેમનું કહેવું છે. પ્રસિદ્ધ વિદ્વાન રેને વેલેકે પોતાના વિવેચનગ્રંથ ‘કોન્સેપ્ટ્‌સ ઑફ ક્રિટીસીઝમ’ (૧૯૬૩)માં ‘તુલનાત્મક સાહિત્યમાં કટોકટી’ એવા શીર્ષકનું જે એક લખાણ મૂક્યું છે તેમાં તેમણે, આ વિદ્યાશાખાને હજી પોતાનું સ્પષ્ટ સુરેખ ક્ષેત્ર મળ્યું નથી, તેમ વિદ્વદ્‌મંડળમાં સ્વીકૃતિ પામે તેવી કોઈ આગવી પદ્ધતિ એણે નિષજાવી નથી, એમ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. રેને વેલેક એમ કહેવા ચાહે છે કે, આ વિષયનાં કહેવાતાં ઘણાંય અધ્યયનોમાં વૈજ્ઞાનિક કાર્યકારણની ભૂમિકાએથી જે જાતના ખુલાસાઓ આપવામાં આવ્યા હોય છે તેમાં અને તેથી ય વિશેષ તાર્કિક વિધેયવાદના પ્રભાવ નીચે જે રીતની ચર્ચાવિચારણાઓ વિકસાવવામાં આવી હોય છે તેમાં, ઘણુંખરું સાહિત્યઅધ્યયનની કોઈ ને કોઈ રૂઢ પદ્ધતિનું જ અનુસરણ થતું રહ્યું છે. આ જાતનાં અધ્યયનો ય હવે સ્થગિત અને નિષ્પ્રાણ લાગે છે. રેને વેલેકનું આ મંતવ્ય, અલબત્ત, આપણને થોડું કઠોર લાગશે. પણ એમાં ઠીકઠીક તથ્ય પડેલું છે. કોઈ ચોક્કસ અધ્યયનપદ્ધતિ આ ક્ષેત્રમાં ઊભી થઈ શકી છે એમ તો આપણે છાતી ઠોકીને કહી શકતા નથી જ. પણ, આ અંગે એટલું કહી શકાય ખરું કે, જે જાતની ચર્ચાવિચારણાઓ આ ક્ષેત્રમાં ચાલી છે તેમાં સાહિત્યવિવેચનની જોડે નિસ્બત ધરાવતા કેટલાક મહત્ત્વના પ્રશ્નો ઊભા થયા જ છે, અને એનું નિરાકરણ કરવાના પણ ઠીક ઠીક સંતોષકારક પ્રયત્નો થયા છે.

‘તુલનાત્મક સાહિત્ય’ – પ્રયોગમાં તુલના કરવાનો અર્થ સૂચિત છે જ. પણ ખરેખર કઈ બાબતની તુલના એમાં અભિપ્રેત છે, તે જ તો ખરો પ્રશ્ન છે. રેને વેલેક જેવા વિદ્વાન, રંગદર્શિતાવાદ જેવી વસ્તુ એક દેશમાંથી બીજા દેશમાં શી રીતે પહોંચી, અને એથી બીજા દેશના સાહિત્યને ખરેખર લાભ થયો કે ગેરલાભ વગેરે બાબતોને લક્ષમાં રાખી વિશાળ સાહિત્યજગતમાં કેવી કેવી જાતના વિનિમયો ચાલતા રહ્યા છે અને જુદા જુદા દેશકાળના સાહિત્ય પર એ રીતે કયાં બાહ્ય પરિબળોએ અસર પાડી છે, તેનો જ મુખ્યત્વે વિચાર કરવામાં રોકાયા છે, તેમના આ જાતના અભિગમને કારણે જ આ વિદ્યાશાખાની ગતિવિધિઓ વિશેનું તેમનું મૂલ્યાંકન એકંદરે નિરાશાવાદી રહ્યું છે. તુલનાત્મક અધ્યયનની આ દિશાની પ્રવૃત્તિઓ તો સાહિત્યજગતની ઘટનાઓ કાર્યકારણભાવે કેવી રીતે સંકળાય છે તેટલા એક માત્ર ખ્યાલને જ ઉપસાવી આપે છે. ઉ. ત. સ્કૉટ અને બાલ્ઝાક જેવા નવલકથાકારોની માત્ર સરખામણી તેમને પર્યાપ્ત લાગતી નથી. એ બંને લેખકોને કોઈક રીતે કાર્યકારણની ભૂમિકાએથી જોડવાનું ય તેમને આવશ્યક લાગે છે. પણ, ભિન્ન ભિન્ન પ્રતિભાવાળા લેખકોને આ રીતે કેવળ કાર્યકારણના સંબંધે ચર્ચવાના ઉપક્રમમાં મૂળ સર્જનપ્રક્રિયાની વિશિષ્ટતા જ બાદ થઈ જાય છે. હકીકતમાં આવા લેખકોને વિવેચનની આગવી ભૂમિકાએથી તપાસવાના રહે છે. પણ રેને વેલેકના અભિગમમાં એ મુદ્દાની અવગણના થતી જણાય છે.

આ ક્ષેત્રમાં તથા સાહિત્યના ઇતિહાસની રૂઢ પદ્ધતિઓથી ભિન્ન એવી કેટલીક પદ્ધતિઓ પણ જોવા મળશે. એમાં સૌથી જાણીતી પદ્ધતિ તે ભિન્નભિન્ન પરંપરાનાં સાહિત્યોમાંથી સાવ નાનાં એકમો લઈને તેનું તુલનાત્મક અધ્યયન કરવાની છે. કોઈ એક સર્જક બીજા સર્જકની અપેક્ષાએ, કે એક સાહિત્યકૃતિ બીજી કોઈ કૃતિની અપેક્ષાએ કઈ કઈ રીતે જુદાં પડે છે કે કઈ વિલક્ષણતા બતાવે છે, તેને લગતી તપાસ એમાં મુખ્યત્વે થતી હોય છે. દેખીતી રીતે જ, આ જાતનો તુલનાત્મક ઉપક્રમ ‘રાષ્ટ્રીય સાહિત્ય’ના સાંકડા ખ્યાલને ઓળંગી જાય છે. અને ‘વિશ્વસાહિત્ય’ કે ‘આંતરરાષ્ટ્રીય સાહિત્ય’ના વ્યાપક સંદર્ભોને અનુલક્ષે છે. ‘રાષ્ટ્રીય સાહિત્ય’ એવી વસ્તુ છે, જેને તમે એની સાતત્યભરી એવી આગવી ‘રાષ્ટ્રીય પરંપરા’ના પ્રકાશમાં વત્તુંઓછું સમજાવી શકો, કે પછી તાજેતરની સામાજિક-સાંસ્કૃતિક પરિસ્થિતિમાં તેનો ઉદ્‌ભવ બતાવી શકો પણ, તુલનાની પ્રવૃત્તિ જ્યારે વિશાળ આંતરરાષ્ટ્રીય સાહિત્યરાશિને સ્પર્શવા જાય છે, ત્યારે એવા વ્યાપક સંદર્ભમાં કેવળ સાહિત્યિક કળાનો ખ્યાલ જ પ્રસ્તુત બની રહે છે. પણ આ રીતનો અભિગમ સ્વીકારીને ચાલવા જતાં વળી બીજા જ પ્રશ્નો ઊભા થાય છે. સાહિત્ય જેવી વસ્તુનો પ્રાદુર્ભાવ જુદા જુદા સમાજોની જુદી જુદી પરિસ્થિતિઓ વચ્ચે થતો રહ્યો છે, તો તેના એ સર્વ પ્રાદુર્ભાવોમાં ખરેખર કોઈ સર્વસાધારણ તત્ત્વ બતાવી શકાય ખરું? અને એ સર્વ પરસ્પરથી કઈ રીતે ભિન્નતા સાધે છે? વિશાળ વિશ્વસાહિત્યમાં એની કોઈ એવી ચોક્કસ તરાહ (કે તરાહો)નું આવર્તન બતાવી શકાય ખરું? અને એ આવર્તન કેવી રીતનું હોય? અથવા, સાહિત્યકાર પોતે જે સમાજ વચ્ચે જન્મ્યો અને ઊછર્યો છે, અને જે લોક વચ્ચે પોતાની લેખનપ્રવૃત્તિ કરી રહ્યો છે, તેથી વધુ વ્યાપક દેશકાળમાં વિસ્તરેલી માનવજાતિ તેને માટે વધુ વાસ્તવિક ‘વાતાવરણ’(milieu) રચે છે એમ કહીએ, તો એ જાતના કથનથી કશું વિશેષ ફલિત થાય છે ખરું? મૂળ વાત એ છે કે, સાહિત્યની અસરોને લગતા પ્રશ્નો કોઈક નક્કર હકીકતો જોડે સંકળાયેલા હોય છે, અને તેના સત્યાસત્યની ચકાસણી થઈ શકે છે. પણ પ્રસ્તુત પ્રશ્ન જુદી જાતનો છે. સાહિત્યપ્રકારો અને સ્વરૂપોના ઉદ્‌ભવવિકાસના પ્રશ્નો, સાહિત્ય કેટલે અંશે સામાજિક આવિર્ભાવ છે અને તેનું સ્વરૂપ કેવું છે, એવા પ્રશ્નો, કે સાહિત્યકૃતિ સામાન્ય માણસના મનમાં કેવી રીતે ગ્રાહ્ય બને છે અને આવી કૃતિ પોતાની સંરચના કેવી રીતે ખુલ્લી કરે છે, એ જાતના પ્રશ્નો ઉઠાવવામાં, અલબત્ત, ઓછું જોખમ નથી જ. પણ કંઈક પણ બૌદ્ધિક પ્રાપ્તિની આશા એ દિશામાં જ રાખી શકાય. ખરેખર તો, સાહિત્યના આ જાતના પ્રશ્નો જ આપણને સંસ્કૃતિઓ વિશે, ભાષાઓનાં જુદાં જુદાં બંધારણો વિશે, સમાજ અને સાહિત્યના પરસ્પરના સંબંધો અને માનવચિત્તની સર્જકકલ્પના વિશે, તેમ જ તેની પશ્ચાદ્‌ભૂમાં રહેલી વિચારધારાઓના ઇતિહાસ વિશે વિચારણા કરવા સતત પ્રેરે છે.

અને, આ કારણે જ, તુલનાત્મક સાહિત્યને જે જે વિદ્યાશાખાઓમાં તુલનાત્મક અધ્યયનનાં તાત્કાલિક પણ નક્કર પરિણામો આવ્યાં છે તેની સાથે નિકટનો સંબંધ થવા પામ્યો છે. અલબત્ત, ‘તુલનાત્મક સંગીત’ જેવું કોઈ અધ્યયનક્ષેત્ર ઊભું કરવાની જરૂર નથી કેમ કે સંગીતના ક્ષેત્રમાં એવી એકરૂપતા સંભવે છે, જે સાહિત્યમાં કદી જોવા ન મળે. પણ, ‘તુલનાત્મક શરીરશાસ્ત્ર’, ‘તુલનાત્મક ધર્મશાસ્ત્ર’ અને ‘તુલનાત્મક વ્યાકરણશાસ્ત્ર’ જેવા વિષયોનો ખ્યાલ સાવ મિથ્યા નથી જ. આવા વિષયોમાં નાનાંનાનાં ઘટકો લઈને તુલનાત્મક રીતે વિચારીએ તો એમાં ભિન્નતાઓ પ્રત્યક્ષ થશે, પણ એમાં કશુંક સર્વસામાન્ય તત્ત્વ પણ જોવા મળશે. આમ, રૂઢ અવલોકનની પદ્ધતિએ ચાલીને માત્ર નાનાં એકમોની ભિન્નતાઓ તપાસીએ, તો એવી પ્રવૃત્તિ પણ દ્યોતક નીવડે છે; બલકે ઉપકારક નીવડે છે. આ જાતની પ્રવૃત્તિ સમયનો વ્યય માત્ર છે, એવું પહેલેથી ધારી લઈને ન ચાલીએ. બીજી બાજુ, આ દિશામાં મહાન અમૂલ્ય આંતર્દૃષ્ટિઓ મળી જ જશે, એમ સ્વીકારી લેવુંય બરાબર નથી. ખરેખર તો આવી તપાસનાં કેવાં પરિણામો આવે છે તે જોયા પછી જ આખરી નિર્ણય પર આવવું ઘટે. ભૌતિક વિજ્ઞાનો કે સામાજિક વિજ્ઞાનો કરતાં સાહિત્ય-વિવેચનના ક્ષેત્રમાં આવું કામ કપરું બની રહે, એ સ્વાભાવિક છે. કેમ કે, ભૌતિક વિજ્ઞાનોમાં જે રીતે વિશ્વસનીયતા ઊભી થાય છે, તેવી અહીં શક્ય નથી. મુશ્કેલી એ વાતની છે કે ‘તુલનાત્મક સાહિત્ય’ સંજ્ઞાથી તુલનાની પ્રવૃત્તિ વૈજ્ઞાનિક પદ્ધતિએ ચાલતી હોવાનો ભાસ થાય, પણ એમ નથી. એ કારણે આ અધ્યયનક્ષેત્ર વિશે જુદી જુદી અપેક્ષાઓ જન્મી પડી છે. આવી સમજથી પ્રેરાઈને કેટલાક નામાંકિત વિદ્વાનો આ વિષયમાં કેવળ ચોકસાઈભરી હકીકતોનો સંચય કરી બેઠા છે. અને પોતાના વિરોધીઓનું એવી હકીકતોના સંચય તરફ વારંવાર ધ્યાન ખેંચતા રહ્યા છે. રેને વેલેક પણ આ ક્ષેત્રમાં આવી મહાન આકાંક્ષાઓ લઈને ચાલનારાઓ તરફ અપવાદ લે છે. પણ આપણે સ્મરણમાં રાખવાનું કે અતિ ઊંચાં લક્ષ્યો લઈને ચાલનાર વિદ્વાનોએ પણ કેટલુંક સઘન અભ્યાસપૂર્ણ એવું અર્પણ કર્યું જ છે. કવિ હાઈન વિશે ફ્રાન્સમાં થયેલું કે મહાકવિ ગ્યુથે વિશે ઇંગ્લૅન્ડમાં થયેલું અધ્યયન આ જાતનાં સરસ દૃષ્ટાંતો છે. એ અધ્યયનો આજે પણ એટલાં જ પ્રમાણભૂત અને ફલપ્રદ જણાશે. આમ છતાં સાહિત્યનું તુલનાત્મક અધ્યયન અનિવાર્ય તથા સંગીન પરિણામ લાવશે જ, એમ અગાઉથી ખાતરીપૂર્વક કહી શકાય નહિ : બલકે સાહિત્યવિવેચનની બીજી પદ્ધતિઓને જે સફળતાઓ મળી છે તેટલી ય એમાં મળી જશે, એમ માનવું વધારે પડતું છે. તુલનાવાદના પુરસ્કર્તાઓએ આરંભમાં આ વિશે વધુ પડતા દાવાઓ કર્યા, એ પણ એક કમનસીબ બાબત હતી. પણ આટલા જ કારણે તુલનાત્મક અધ્યયન વિશે એકદમ સંશયી બની જવાની પણ જરૂર નથી. થોડાંક નીચાં, બલકે જરા જુદી રીતનાં, લક્ષ્યાંકો નક્કી કરવામાં આવે, તો એ સહેજે ફળપ્રદ નીવડે. ખરી વાત એ છે કે સાહિત્યવિચારના ક્ષેત્રમાં તુલનાવાદ સાવ નવી વસ્તુ નથી. છેક એરિસ્ટોટલના સમયથી ફરીફરીને એ દેખા દેતો રહ્યો જ છે; અને અનેકોનું ધ્યાન રોકી લે એટલી પ્રવૃત્તિ તે આજે પણ કરી રહ્યો છે.

જ્યોર્જ સ્ટાઈનરે તેમના તાજેતરમાં પ્રગટ થયેલા ગ્રંથ ‘લેંગ્વેઝ એન્ડ સાય્‌લન્સ’(૧૯૬૭)માં ફરીથી તુલનાત્મક સાહિત્યની હિમાયત કરી છે. જોકે જૂની દલીલ જ તેમણે એમાં દોહરાવી છે. તેમનું એમ કહેવું છે કે સાહિત્ય માત્રનું અધ્યયન અને અર્થઘટન તુલનાત્મક પદ્ધતિએ કરવું જોઈએ. તેઓ પ્રશ્ન કરે છે : કવિ સ્પેન્સરનું તમે મૂલ્યાંકન કરવા ચાહતા હો અને ઈટાલીની મહાકાવ્ય-પરંપરાનો કોઈ ખ્યાલ જ તમને ન હોય તે કેમ ચાલે? અથવા પોપનાં કાર્યનો સાચો ખ્યાલ મેળવવો હોય તો બ્વાલોના પરિચય વિના કેમ ચાલે? અથવા, વિકટોરિયન યુગના નવલકથાકારોની નવલકથાઓ – ઉદા. જેમ્સની નવલકથાઓની સિદ્ધિમર્યાદાઓ સમજવા ચાહતા હો, તો બાલ્ઝાક સ્ટેન્થાલ અને ફ્લૉબેર જેવા તેમના પુરોગામીઓના કથા સાહિત્ય વિશે સઘન પરિચય વિના કેમ ચાલે? હકીકતમાં તમારી સામે આવતી પરંપરાઓનો તમને કોઈ ખ્યાલ જ ન હોય તો, તો તમારું વાંચન સાવ છીછરું અને વંધ્ય જ બની રહેવાનું. અંગ્રેજી ભાષાસાહિત્યનું અધ્યયન કરનારે યુરોપ ખંડના ભાષાસાહિત્ય, વાગ્મિતાશાસ્ત્ર, કળાવિચાર આદિને લક્ષમાં લેવાં જ જોઈશે અને આ કોઈ માત્ર આંતરવિદ્યાકીય શિસ્તનો જ પ્રશ્ન નથી : એથી એ વધુ ગહનગંભીર બાબત છે. વ્યક્તિ માત્ર એક જ ભાષાના સાહિત્યને સારી રીતે અવગત કરી શકે, એવો જો કોઈ ખ્યાલ ધરાવતું હોય, તો તે બરોબર નથી જ. કવિતા, નાટક, નવલિકા, નવલકથા જેવાં સાહિત્યસ્વરૂપોના ઉદ્‌ભવવિકાસના સંદર્ભે કોઈ પણ એક જ રાષ્ટ્રની સાહિત્યિક પરંપરાઓનો વિચાર અપૂરતો જ નીવડવાનો. આવાં સ્વરૂપોને અનુલક્ષીને, તેનાં પ્રેરણાસ્રોતોનો આવશ્યક હોય ત્યાં રાષ્ટ્રીય સીમાઓની બહાર જઈને વિચાર કરવો જોઈએ. સાહિત્યઅધ્યયનના ક્ષેત્રમાં અંધ રાષ્ટ્રભક્તિને સ્થાન ન હોય.

પણ સ્ટાઈનર જેવાનું આ ઉદાર માનવતાવાદી દૃષ્ટિબિંદુ પણ તુલનાત્મક સાહિત્યના ટીકાકારોને કદાચ સ્વીકાર્ય ન બને. સાહિત્યના આવા તુલનાત્મક અધ્યયનથી વ્યક્તિ સંકુચિત રાષ્ટ્રવાદથી ઊંચે ઊઠશે, વધુ સહિષ્ણુ અને ઉદારમતવાદી બનશે, એવી કોઈ શ્રદ્ધા એમાં રણકતી સંભળાશે, પણ એવી શ્રદ્ધા તો સતત ઠગારી જ નીવડી છે. એટલે તુલનાત્મક સાહિત્યની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા અર્થે આરંભકાળના તુલનાવાદીઓ કરતાં ઘણી વધુ સંગીન દલીલો આપણે રજૂ કરવી પડશે.

ડોનાલ્ડ ડેવી જેવા અભ્યાસી વળી તુલનાત્મક સાહિત્યનું જરા જુદી રીતે સમર્થન કરે છે. તેમની ભૂમિકા એ છે કે સાહિત્યના અભ્યાસીએ જો ઐતિહાસિક અને સંરચનાવાદી અભિગમોની બાબતમાં ઊંડી સૂઝથી કામ કરવું હોય તો પણ કોઈ એક સાંકડી રાષ્ટ્રીય પરંપરાનો અભ્યાસ તેને પૂરતો નહિ નીવડે. તેમની આ ભૂમિકા, ઉપરની ભૂમિકા કરતાં વધુ સંગીન હોવાનું જણાશે. થિયોફિલ ગોશ્યિર જેવા કવિની કૃતિઓનો અભ્યાસ માત્ર ફ્રેંચ સાહિત્યના અભ્યાસીઓ પૂરતો સીમિત થઈ જાય એ બરોબર નથી. જુદી જુદી ભાષાનાં ટૂંકાં ઊર્મિકાવ્યોના રચનાતંત્રમાં રસ ધરાવતા સૌ કોઈ અભ્યાસી માટે એ અભ્યાસવિષય બની રહેવો જોઈએ. આ વાત બ્રેક્ત, ગ્રેવ્ઝ અને ક્વોઝિમોદો જેવા કવિઓનાં ઊર્મિકાવ્યોની સંરચનાઓ માટેય લાગુ પડે છે. નવલિકા જેવા કથામૂલક સ્વરૂપોની રચનાત્મક ભાત બાબતે પણ આવી તપાસ માટે અપાર અવકાશ છે. ભિન્ન ભિન્ન ભાષામાં ખેડાયેલાં ભિન્ન ભિન્ન સ્વરૂપોની રચનાગત ભાતોનું અવલોકન-અધ્યયન એ રીતે ઘણું ફળપ્રદ બની શકે.

તુલનાત્મક સાહિત્યના ટીકાકારો તરત જ અહીં વાંધો ઉઠાવશે કે આ રીતે તો સાહિત્યજગતની દરેક જાતની વિગતોનો, કોઈપણ જાતના વિવેક વિના, તમે ખડકલો જ કરી મૂકશો. કોઈ પણ વિગતને અન્ય પરંપરાના સાહિત્યની ગમે તે વિગત જોડે સરખાવવા જશો તો એ રીતે અરાજકતા નહિ ઊભી થાય? એટલે તુલનાત્મક સાહિત્યની, એક અલગ અને સ્વતંત્ર વિદ્યાશાખા લેખે તમે પ્રતિષ્ઠા કરવા ચાહતા હો તો, એના કાર્યક્ષેત્રની અમુક નિશ્ચિત સીમારેખા બાંધવી જ ઘટે. આ માટે નીચેની બે વ્યાખ્યાઓ માર્ગદર્શક બની રહેશે એમ માનું છું.

હેન્નિ રિમૅક : તુલનાત્મક સાહિત્ય એટલે કોઈ પણ એક નિશ્ચિત પ્રદેશની સીમા બહાર વિસ્તરી રહેલા સાહિત્યનું અધ્યયન. એમાં એક બાજુ ભિન્ન ભિન્ન પરંપરાનાં સાહિત્યો વચ્ચે સંભવતા આંતરસંબંધોનું અધ્યયન થાય છે; તો બીજી બાજુ, જે તે પ્રદેશના સાહિત્યને ત્યાંની અન્ય લલિતકળાઓ, તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, સમાજશાસ્ત્ર, સંસ્કૃતિ, ભૌતિક વિજ્ઞાનો, ધર્મચિંતન આદિ જ્ઞાનવિજ્ઞાનની અન્ય શાખાઓ જોડે કેવો આંતરસંબંધ રહ્યો છે તેની તપાસ થાય છે. મતલબ કે, એક સાહિત્યને અન્ય સાહિત્ય જોડે સરખાવીને કે માનવબુદ્ધિનાં અન્ય વૈચારિક-દાર્શનિક સ્ફુરણો જોડે સરખાવીને, આ અધ્યયન થાય છે.

અલબત્ત, આ ચર્ચામાં ‘સરખામણી’ કે ‘તુલના’ના સંકેતો વિષયભેદે થોડા બદલાય છે. જુદા જુદા સાહિત્યની ‘સરખામણી’ કરવાની વાત છે ત્યાં તેનો એક અર્થ થશે. સાહિત્યને ધર્માદિ વિષયો જોડે સરખાવવાની વાત છે ત્યાં બીજો અર્થ થશે. આમ છતાં રિમૅકની ઉપરોક્ત વિભાવના સમજવાનું એટલું મુશ્કેલ નથી. તેને એમ અભિપ્રેત હોવાનું જણાય છે કે માનવવ્યક્તિની સર્જક કલ્પનામાંથી જે જે સૃષ્ટિઓ નિર્માણ પામી છે તે, અને માનવબુદ્ધિમાં દર્શનચિંતનરૂપે જે કંઈ ઉપલબ્ધિઓ સિદ્ધ થઈ છે તે – એ બે વચ્ચે ક્યાંય પણ મહત્ત્વપૂર્ણ મિલનબિંદુઓ જોવા મળે, તેની મુક્તપણે પસંદગી કરી શકાય.

‘તુલનાત્મક સાહિત્ય’ની (પિકૉઈ અને રુસો દ્વારા પ્રસ્તુત) બીજી એક નોંધપાત્ર વ્યાખ્યા આ પ્રમાણે છે :

‘તુલનાત્મક સાહિત્ય’ એટલે – સાહિત્યિક પ્રવૃત્તિને, માનવચિત્તના જ એક વિશિષ્ટ આવિર્ભાવ રૂપે યથાર્થપણે પામી શકાય એ હેતુથી, તેની કૃતિઓનું ઇતિહાસ, વિવેચન, અને તત્ત્વજ્ઞાનના પ્રકાશમાં વિભિન્ન આંતરસાંસ્કૃતિક અને આંતરભાષાકીય ઘટના લેખે અધ્યયન. આ અધ્યયનમાં કૃતિઓનું વિશ્લેષણમૂલક વર્ણન, વ્યવસ્થિત તુલના દ્વારા કૃતિઓનાં ભેદક લક્ષણોની તારવણી, અને સમન્વયવાદી દૃષ્ટિથી થતું વ્યાપક અર્થઘટન – આ જાતની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય.

પિકૉઈ અને રુસોની આ વ્યાખ્યા કરતાં ઉપરની રિમૅકની વ્યાખ્યા પ્રમાણમાં સરળ જણાય છે. ખાસ કરીને, આ ક્ષેત્રમાં સક્રિયપણે કામ કરવા ચાહતા અભ્યાસીઓને એ વધુ આવકાર્ય લાગશે. આ ક્ષેત્રના કેટલાક અભ્યાસીઓએ સાહિત્ય અને અન્ય લલિતકળાઓ (જેમ કે, સંગીતની કળા અને ‘શુદ્ધ કવિતા’ના ખ્યાલને કે ફિલ્મ અને નવલકથાની ટેકનિકને અનુલક્ષીને) વચ્ચે રહેલાં મિલનબિંદુઓ વિશે તાગ લેવા પ્રયત્નો કર્યા છે. અને આ જાતના અભ્યાસવિષયો સામાન્યતઃ સૌંદર્યમીમાંસાના ક્ષેત્રમાં પડતા લાગે, પણ ઉપરોક્ત રિમૅકની વ્યાખ્યામાં ‘તુલનાત્મક સાહિત્ય’ની અંદર તેનો સમાવેશ થયો હોવાથી તેમને એ વ્યાખ્યા સહેજે અનુકૂળ લાગશે.

પણ ‘તુલનાત્મક સાહિત્ય’ને એક અલગ અને સ્વતંત્ર વિદ્યાશાખા તરીકે પ્રતિષ્ઠિત કરવાની બાબતમાં રિમૅક થોડી અવઢવ અનુભવી રહ્યા હોય એમ દેખાય છે. આ અધ્યયનક્ષેત્ર એટલું સ્વતંત્ર સ્વાયત્ત ક્ષેત્ર નથી, વિવેચનવિષયની તુલનાએ એ કંઈક ગૌણ અને ઉપજીવી છે, એવું કંઈક તેમને લાગે છે. અને આટલું સ્વીકાર્યા પછી વળી તેઓ એમ કહેવા સુધી જાય છે કે, આ વિષયમાં અમુક એક પ્રાદેશિક સાહિત્યનાં નાનાં નાનાં એકમો વચ્ચે – માનવીની સર્જકચેતનાનાં ભિન્ન ભિન્ન સ્ફુરણો વચ્ચે – જો ક્યાંક પણ કોઈક અફર નિયમ કામ કરતો લાગે તો તેની ખોજ કરવી જોઈએ, એથી વિશેષ નહિ. અને, ત્યારે, તેઓ તુલનાવાદના ટીકાકારો આગળ નમતું જોખતા હોય એમ પણ સમજાય છે.

હકીકતમાં તુલનાત્મક અધ્યયન, આથી ઘણી વ્યાપક રૂપની પ્રવૃત્તિ છે, અને એક અલગ સ્વતંત્ર અને સ્વાયત્ત વિદ્યાશાખા લેખે અધિકારપૂર્વક તે સ્થાન ધરાવે છે. ડેવિડ એચ મલોન જેવો અભ્યાસી આ અધ્યયનવિષયની સ્વાયત્તતા અર્થે જે રીતે ભારપૂર્વક પ્રતિપાદન કરે છે, તેની ભૂમિકા જોવા જેવી છે. તેમની મુખ્ય દલીલ એ છે કે, સાહિત્યજગતમાં તુલનાવાદ એક વિશિષ્ટ રૂપની ઐતિહાસિક વૃત્તિ છે. એક પૂર્વસિદ્ધ હકીકત રૂપે એ માનવચિત્તમાં સંભવે છે. જુદી જુદી વિગતોની તુલના અર્થે વિશ્લેષણનાં ઓજારોથી તે કામ પાડે છે એ ખરું, પણ મૂળભૂત રીતે માનવચિત્તની એ સમન્વયકારી પ્રવૃત્તિ છે. સાહિત્યકૃતિઓને એના ભૌગોલિક સીમાડાઓની બહાર લઈ જઈ વ્યાપક સંદર્ભમાં જોવા-તપાસવાનો ઉપક્રમ તો એમાં છે જ, પણ એથીયે વિશેષ તો એના સ્વરૂપના ઉદ્‌ભવવિકાસ અંગેની તપાસનો પ્રશ્ન પણ એમાં જોડાયેલો છે.

અલબત્ત ‘વિશ્વસાહિત્ય’નું અધ્યયન અને ‘તુલનાત્મક અધ્યયન’ બંને એક વસ્તુ નથી. કાચાપાકા થોડાક પરભાષાના અનુવાદોને આધારે જે તે ભાષાના લેખકોનો ઉપરછલ્લો પરિચય કેળવવા માત્રથી જ કંઈ તુલનાત્મક અધ્યયન થઈ જતું નથી. તુલનાવાદી હંમેશાં અનેક ભાષાસાહિત્યોનો જાણકાર હોય એ એટલું અનિવાર્ય નથી; પણ પોતાની પ્રવૃત્તિને પૂરી ગંભીરતાથી તે સ્વીકારતો હોય તો અન્ય ભાષા કે ભાષાઓથી તે સાવ અપરિચિત હોય તે પણ બરોબર નથી. તુલનાવાદી, અલબત્ત, અમુક વિલક્ષણ સંજોગોમાં ઉપલબ્ધ અનુવાદોથી ચલાવશે – અને એ સમજી શકાય તેવી વાત છે – પણ એવે પ્રસંગેય ઉપલબ્ધ અનુવાદો પૈકી જે કાંઈ શ્રેષ્ઠ હોય, સૌથી વધુ પ્રમાણભૂત હોય, તેનો જ ઉપયોગ કરવાને તે આતુર હશે, જરૂર જણાય ત્યાં મૂળ કૃતિના બધાય ઉપલબ્ધ અનુવાદોની તે સરખામણી કરતો જશે.

તો હવે એમ પ્રશ્ન થશે કે ‘વિશ્વસાહિત્ય’ના કે કેવળ ‘મહાન ગ્રંથો’ના અધ્યયનથી તુલનાવાદી ખરેખર ક્યાં, કઈ રીતે જુદો પડે છે? તો આ અંગે પહેલી મહત્ત્વની વાત એ કે, તુલનાવાદીની સમગ્ર અધ્યયન પ્રવૃત્તિ સ્પષ્ટપણે તુલનાની પ્રવૃત્તિમાં રોકાયેલી છે, કંઈ અહીં તહીં પ્રાસંગિક કે ગર્ભિત તુલનાની એ વાત નથી. તુલનાવાદી એ રીતે ‘મહાન ગ્રંથો’નો માત્ર સાર આપીને અટકી જતો નથી. એવા ગ્રંથો વચ્ચે કોઈ પણ સ્તરે કોઈ પણ જાતનો આંતરસંબંધ જોવા મળતો હોય તો તેનો સ્પષ્ટ રૂપમાં ઉલ્લેખ કરવાનો, તેનું અવલોકન કરવાનો પ્રતિજ્ઞાપૂર્વકનો તેનો ઉપક્રમ હશે. વળી બીજી મહત્ત્વની વાત એ કે, આખીય તુલનાત્મક અધ્યયનની પ્રવૃત્તિ અમુક ચોક્કસ પદ્ધતિનો સ્વીકાર કરીને જ ચાલે છે. એક રીતે એ સંશોધનનું કાર્ય છે. એટલે સંશોધનની પ્રવૃત્તિને અનુરૂપ, પ્રસ્તુત વિષયમાં નિહિત રહેલી તાર્કિકતાને અવગણીને, પ્રચલિત માન્યતાઓ કે લોકવાયકાઓથી તે અળગો રહીને ચાલવા માગે છે. છેલ્લો મહત્ત્વનો મુદ્દો પણ એ જ કે, આ પ્રવૃત્તિ ગમે તેટલી પ્રારંભિક દશાની હોય, એમાં અમુક ચોક્કસ હેતુપૂર્વક પદ્ધતિનો વિનિયોગ થાય જ છે. અને એ રીતે ‘વિશ્વસાહિત્ય’ કે માત્ર ‘મહાન ગ્રંથો’ના અધ્યયનથી તે જુદી પડે છે.

વળી ‘સર્વસાધારણ સાહિત્ય’(General Literature) અને ‘તુલનાત્મક સાહિત્ય’ પણ સાવ એકરૂપ વિષયો નથી. જોકે ‘સર્વસાધારણ સાહિત્ય’ શીર્ષક નીચે ટ્રેજેડી કે વાસ્તવવાદના સ્વરૂપના પ્રશ્નો જેવા પ્રશ્નોય ચર્ચાય, અને તે પણ સાહિત્યમીમાંસાના પ્રશ્નો જ ગણાય; બલકે, બીજી કેટલીક વિચારસરણીઓ પણ એમાં આવી જતી હોય છે; અને એ રીતે ‘તુલનાવાદી અભ્યાસ’ એક તબક્કે, ‘સર્વસાધારણ સાહિત્ય’માં ભળી જતોય લાગે. પણ ‘સર્વસાધારણ સાહિત્ય’ની વ્યાખ્યા તમે એ રીતે કરવા જાઓ, તો તો ‘રાષ્ટ્રીય સાહિત્ય’(National Literature)નો કોઈ પણ સઘન અભ્યાસ એમાં આવી જશે. ફ્રાન્સમાં પુલે અને બાર્થ જેવા વિવેચકોનું અધ્યયન આ રીતે ‘રાષ્ટ્રીય સાહિત્ય’ના ક્ષેત્ર જોડે એકાકાર થઈ જતું જણાશે. પણ આ જાતનું ‘સર્વસાધારણ સાહિત્ય’ કોઈ એક પ્રજાના જીવનમાં ભલેને મુખ્ય પ્રવાહરૂપ હોય, તો પણ છેવટે એ સીમિત અને આંશિક દૃષ્ટિવાળું સંભવે છે. જેમ કે, કોમેડી જેવા નાટ્યસ્વરૂપની વિચારણામાં મોલિયર, મારિમા, બોલાર્ક અને મસેત જેવા માત્ર ફ્રેંચ નાટ્યકારોનો જ સંદર્ભ લઈએ તો તો કોમેડી સ્વરૂપનું એ ખંડદર્શન જ કહેવાય. જોકે, ફ્રાન્સમાં આ જાતની અધ્યયનપ્રવૃત્તિ વ્યાપક બની ચૂકી છે.

‘તુલનાત્મક સાહિત્ય’ વિશે ઉપરનિર્દિષ્ટ રિમેકની વ્યાખ્યાને આપણે અલબત્ત, આ રીતે વ્યાપક ભૂમિકાએથી સ્વીકારીએ અને એના ક્ષેત્રને અતિક્રમી જતી બીજી બધી અધ્યયનપ્રવૃત્તિઓથી એને અલગ રેખાંકિત કરી લઈએ, ત્યાર પછી પણ એની પદ્ધતિનો પ્રશ્ન તો ઊભો રહે જ છે. ખાસ તો તુલનાવાદના ક્ષેત્રમાં ‘ફ્રેંચ શાળા’ તરીકે જાણીતા થયેલા વિદ્વદ્‌મંડળની પદ્ધતિવિષયક વિચારણાને અનુલક્ષીને આ પ્રશ્ન વિચારણા માગે છે. મારિયા ફ્રાન્કો ગુયાર્દની જાણીતી પુસ્તિકામાં આ ‘શાળા’ની આ વિષયની વિચારસરણી ટૂંકમાં પણ યથાર્થ પરિપ્રેક્ષ્યમાં રજૂ થઈ. તુલનાવાદના બીજા અગ્રણી જ્યાં મારિ કારે એની પ્રસ્તાવના લખી છે. તેઓ ત્યાં સ્પષ્ટ રૂપે કહે છે : ‘તુલનાત્મક સાહિત્ય એ સાહિત્યના ઇતિહાસની જ એક શાખા છે.’ આ રીતે સાહિત્યક્ષેત્રમાં ખરેખરા આંતરિક સંબંધો અને આંતરરાષ્ટ્રીય વિનિયોગના અધ્યયનની વાત એમાં આવી જ જાય છે. બલકે, તુલનાત્મક અધ્યયનમાં કેવળ સાહિત્યિક તુલનાનો કે કેવળ સાહિત્યને અસર કરનારાં પરિબળોનો વિચાર જ નહિ, વૈજ્ઞાનિક દૃષ્ટિએ જેના ખુલાસા ન મળી શકે અને એ રીતે જેનો સ્વીકાર ન થઈ શકે તેવાં અજ્ઞાત અનિયત પરિબળોનો વિચાર પણ એમાં આવી જાય. ગુયાર્દ આ પ્રશ્નને, અલબત્ત, કંઈક સરળ રૂપે જુએ છે. તેમના મતે તુલનાત્મક અધ્યયન એટલે આંતરરાષ્ટ્રીય સ્તરે સંભવતા સાહિત્યિક સંબંધોના ઇતિહાસ માત્રનું અધ્યયન. એમાં કૃતિવિવેચનનાં મૂલ્યો કરતાંયે તેની ઐતિહાસિકતા માટે વધુ નિસ્બત હોવાનું તેઓ સ્વીકારે છે પણ તેમણે આ જાતનો અભિગમ લઈને જે કામ કર્યું તેમાં સાક્ષરી ભાષાનો વધુ પડતો બોજ, અતિ સરલીકૃત સ્પષ્ટીકરણ, અને તેમની આગવી મૂલ્યવ્યવસ્થા – એ બધું ય મૂંઝવનારું બને છે. હકીકતમાં, નાનામોટા બધાય લેખકોને તેમણે એક જ સ્તરે મૂકી દીધા છે! ઉ. ત. સ્કોટ અને બાલ્ઝાક વિશેની તેમની ચર્ચા જુઓ. એમાં એમની અધ્યયનદૃષ્ટિની મર્યાદા છતી થઈ જાય છે. અલબત્ત ફ્રાન્સની વિદ્વત્તા અનોખી જ છે. ત્યાંનું તુલનાત્મક અધ્યયન, પિકોઈ અને રુસોએ નોંધ્યું છે તેમ, હવે છીછરી વાગ્મિતામાંથી અળગું થઈ ગયું છે. ત્યાંના વિદ્વાનો હવે ‘આંતરરાષ્ટ્રીય સાહિત્યોમાં ચાલતા વિનિમયો’ અને એવાં સાહિત્યોનું ‘સંવહન કરનારી વચલી કડીરૂપ સંસ્થાઓ’ પર વિશેષ ભાર મૂકતા થયા છે. આરંભકાળની તુલનાવાદી પ્રવૃત્તિમાં આ જાતનું અધ્યયન રૂઢ થવા આવ્યું. ત્યાંના અભ્યાસીઓ હવે સાહિત્યપ્રવૃત્તિની પાછળ તેના ઉદ્‌ભવવિકાસ પાછળ અને જે જાતની વિચારસરણીઓ તેની પાછળ કામ કરી રહી હોય તેની પાછળ, તેમ જ એવા સાહિત્યની વિવિધ સંરચનાઓ પાછળ, વધુ ને વધુ લક્ષ કેન્દ્રિત કરતા ગયા. વેલેક અને વૉરેનના પ્રસિદ્ધ ગ્રંથ ‘થિયરી ઑફ લિટરેચર’માં ‘બર્હિગત અભિગમો’ તરીકે જેની વિચારણા કરવામાં આવી છે તે ખરું જોતાં વ્યાપકરૂપે તુલનાવાદી અધ્યયનની જ ભૂમિકા છે. આથી ઊલટું, વેલેક અને વૉરેને જેને ‘આંતર્વર્તી અભિગમો’ કહ્યા છે તેની સર્વ ચર્ચા અંતે સાહિત્યના તત્ત્વજ્ઞાન તરફ દોરી જાય છે. જેમ કે યુરોપની મુખ્ય ગણાય તેવી પાંચ ભિન્ન ભિન્ન સ્વરૂપની ટ્રેજેડીઓનું અત્યંત બારીકાઈથી તુલનાત્મક અધ્યયન કરતાં, અંતે, એ સ્વરૂપની કોઈ કાર્યક્ષમ વ્યાખ્યા નિપજી આવે એ શક્ય છે. સાહિત્યના ઇતિહાસનો ઉદ્દેશ જે તે સાહિત્યના પૂરેપૂરા શોધનઅધ્યયન દ્વારા તેની સંપૂર્ણ હકીકતો સ્થાપવાનો છે : જ્યારે વિવેચન સાહિત્યકૃતિઓના વિપુલ અભ્યાસમાંથી બારીક દૃષ્ટિએ પ્રકારો અને તરાહો શોધવા મથે છે. આ દૃષ્ટિએ જોતાં, પિકોઈ અને રુસોએ તુલનાત્મક સાહિત્ય અંગે જે અપેક્ષા મૂકી છે તેમાં સાહિત્યના ઇતિહાસ પરથી તેના વિવેચન પર ભાર ખસતો હોવાનું સમજાશે.

ગુયાર્દે, આ રીતે, તુલનાવાદની સુરેખ નિશ્ચિત વ્યાખ્યા કરવાનો સમર્થ પ્રયત્ન કર્યો, પણ એમાં તેમને ઝાઝી સફળતા મળી નહિ.

સૉર્બોના મહાન પ્રોફેસર અને તુલનાવાદના અગ્રણી ચાર્લ્સ દિદેરોએ પોતાના અધ્યયનમાં વળી વધુ તો ચરિત્રલક્ષી અભિગમ સ્વીકાર્યો છે. તેમનાં આ ક્ષેત્રનાં અધ્યયનો વિશેષ તો સંદર્ભસૂચિ જેવાં બની ગયાં છે. તેમના સહઅભ્યાસી જેક વોલઝિને જોકે જે કામ કર્યું તેમાં તેઓ દિદેરોની અતિશય વિગતપ્રચુરતાથી મુક્ત રહી શક્યા છે. ‘જ્યાં જૅક રુસો ઈન ઇંગ્લૅન્ડ ડ્યુરિંગ ધ રોમેન્ટિક પિરિયડ’ (પેરિસ ૧૯૫૬) જેવા મહાન દળદાર ગ્રંથમાં પ્રસ્તુત વિષયનું અત્યંત ઝીણવટભર્યું આલેખન તેમણે કર્યું છે. એમાં તેમણે એ જાતનું તારણ કાઢ્યું છે કે આપણા પાડોશી રાષ્ટ્ર ઇંગ્લૅંડે રુસોની જે રીતે મૂલવણી કરી છે તે રુસોને યથાર્થ રીતે સમજવામાં ઘણી ઉપકારક નીવડે એમ છે. જોકે વૉલઝિનનું આ જાતનું અવલોકન પણ ચર્ચાસ્પદ બને જ છે. ખરેખર તો ૧૭૮૦-૧૮૩૦ના ગાળાની અંગ્રેજ પ્રજાની સંવેદનશીલતા અને તેનાં રુચિ-વલણો પર એથી વધુ પ્રકાશ પડે છે એમ કહેવું જોઈએ. રુસોની મનોઘટના કરતાંયે અંગ્રેજ પ્રજાનો સાંસ્કૃતિક ઇતિહાસ સમજવામાં આ અધ્યયન વધુ સહાયક બને છે. પણ તુલનાત્મક અધ્યયન જો આ રીતે અન્ય પ્રકારનાં અધ્યયનોમાં કેવળ સહાયક બનનારી ગૌણ પ્રવૃત્તિ હોય, તો તો એને પોતીકું કોઈ ગૌરવ નથી. ગુયાર્દેને અનુસરી, પિકોઈ અને રુસો ‘ક્ષ’ અને ‘ય’ ની કારિકાને લગભગ અનંતપણે વિસ્તારી શકાય એમ કહેવા પ્રેરાયા છે. પણ ઇંગ્લૅંડના વૉલ્ટેર કે જર્મનીમાં માદામ દ સ્તલના સંપર્કો અંગેના ઊંડા સંશોધન સિવાય ફ્રાન્સનો તુલનાવાદ ઝાઝું સિદ્ધ કરી શક્યો હોય એમ જણાતું નથી. વૉયઝિન તો ‘રેવ્યૂ દ લિતરેચર કમ્પેરિ’ની સંપાદકસમિતિનો સભ્ય હતો. પણ તેમની પદ્ધતિયે વિશેષતઃ સાહિત્ય વિશેના બહિર્વર્તી, ઐતિહાસિક અભિગમથી જ નિયંત્રિત થયેલી છે. આ જાતના અભિગમની મર્યાદા એ છે કે દરેક ‘વૃક્ષ’ને એ અલગ વસ્તુ રૂપે જ જુએ છે, એને આખા ‘અરણ્ય’ના ભાગરૂપે જોઈ શકતો નથી. એટલે જ આ જાતનાં અધ્યયનોમાં વર્ણ્યવિષયનું અશેષ નિરૂપણ કરવામાં આવ્યું હોય તો પણ એની નીચે રહેલી મહત્ત્વપૂર્ણ ભૂમિકા સાવ અણસ્પર્શી રહી ગઈ હોય, એમ બનવા પામ્યું છે. જોકે આ રીતના વિપુલ વિગતોના સંચયનું પણ અમુક મહત્ત્વ તો છે જ, પણ એની ય મર્યાદા સંભવે છે.

છતાં, સાહિત્યક્ષેત્રમાં આમ જે રીતે આંતરિક વિનિમયો ચાલતા રહ્યા છે અને જે રીતે વિભિન્ન સાહિત્યો એકબીજા પર અસર પાડતાં રહ્યાં છે, તેનો અભ્યાસ નકામી વસ્તુ છે, એમ કહી તેનો એકદમ છેદ ઉડાવી દેવાની જરૂર નથી. કેમ કે, જો કોઈ એક લેખક બીજા લેખકનો પ્રભાવ ઝીલતો હોય – અને નિશ્ચિત રૂપે એ પ્રભાવ બતાવી શકાતો હોય – તો એ બે પૈકી પેલા પ્રભાવ પાડનાર લેખક વિશે ભલે ઓછા પણ એને ઝીલનાર લેખક વિશે જરૂર વિશેષ પ્રકાશ પડી શકે. તેની સર્જનપ્રક્રિયા વિશેય કદાચ થોડો અંદાજ આવી શકે. આવા પ્રસંગમાં પ્રભાવ પાડનાર અને ઝીલનાર બંનેય લેખકો એક જ ભાષામાં કામ કરનારા હોય, એટલા માત્રથી જ, એ તો ‘રાષ્ટ્રીય’ ક્ષેત્રના વિવેચકોનો પ્રશ્ન છે, એમ કહી દેવું એ બરાબર નથી. વળી, બર્ગમેન જેવો ફિલ્મસર્જક સ્ટ્રીન્ડબર્ગનો જે રીતે ઋણી બન્યો છે, અથવા માલરો જે રીતે યુરેશિયાનાં શિલ્પ-સ્થાપત્યની તળપદી શૈલીમાંથી પ્રેરણા પામ્યો છે તે જાતની હકીકતો તુલનાત્મક અધ્યયનની બહારની છે એ ખ્યાલ પણ ખોટો છે. વાસ્તવમાં, કોઈ સર્જક પોતાને ઉદ્દીપ્ત કરે એવી કોઈ સામગ્રીની આંતરિક જરૂરિયાત અનુભવી રહ્યો હોય અને પોતાના પ્રાંતની કોઈ સામગ્રી તેને એ રીતે સ્પર્શતી ન હોય તો સહેજે તે બીજી સંસ્કૃતિ કે બીજા સાહિત્ય તરફ વળે. એલિયટે પણ પરભાષાના સાહિત્યમાંથી પ્રેરણા લીધી હતી, અને બૉદલેર વળી વાગ્નેરનો ઋણી હતો, એ વાત અહીં યાદ આવશે. બૉદલેર જેવા દૃષ્ટાંતમાં બીજી લલિતકળાની પ્રેરણા હતી, તે નોંધવા જેવું છે. તુલનાવાદી, જ્ઞાનવિજ્ઞાન અને કળાઓના ક્ષેત્રનાં કોઈપણ કૃત્રિમ વિભાજનોથી સંકોચાતો નથી. વિવેકદૃષ્ટિ જોડીને, પૂરી દક્ષતાથી, વિભિન્ન વિદ્યાઓ અને કળાઓ વચ્ચે તે આંતરિક કડી પકડવા મથશે. યુરોપીય પરંપરામાં બેકેટનું સ્થાન ખરેખર ક્યાં છે તેવી તપાસ કરવા નીકળેલા અભ્યાસીને બેકેટ પોતાના દેશના જ કોઈ લેખક સ્વિફટથી પણ પ્રભાવિત થયો હતો એમ સમજાય તો એ કારણે જ કંઈ એ પ્રશ્ન માત્ર અંગ્રેજી સાહિત્યના અભ્યાસી પૂરતો સીમિત બની જતો નથી, તુલનાવાદીનો ય એ પ્રશ્ન રહે જ છે.

પણ સાહિત્યના ક્ષેત્રમાં આ ‘પ્રભાવ’ તે શી વસ્તુ છે. અને કોઈ એક લેખક પર બીજા લેખકનો ‘પ્રભાવ’ છે એ સિદ્ધ કરવા કયા કયા પુરાવાઓ અનિવાર્ય ગણાય, તે જાતના પ્રશ્નો ય વળી ઊભા થવાના. કોઈ ‘ય’ના અંગત ગ્રંથસંગ્રહમાં ‘ક્ષ’નું અમુકતમુક પુસ્તક જોવા મળે. કે ‘ય’ના લખાણમાં ‘ક્ષ’ના સાહિત્યમાંના અમુક અંશો પ્રચ્છન્ન રૂપમાં ઊતરી આવ્યા હોય એમ લાગે, એટલા આધાર પર જ ‘ય’ પર ‘ક્ષ’નો પ્રભાવ હતો, એવું બતાવવાના પ્રયત્નો ય થયા છે. પણ પ્રભાવની વાત કંઈ એટલી સરળ, સીધી નથી. સર્જકનું ચિત્ત કંઈ માત્ર શાહીચૂસ કાગળ નથી! એટલે લેખકની અભરાઈ પર જે કોઈ ‘ક્ષ’ની ચોપડી કે ચોપડીઓ જોવા મળે તેથી તેણે ‘ક્ષ’ની સીધેસીધી અસર ઝીલી જ હોય એમ હંમેશ બનતું નથી. ખરેખર તો પ્રભાવકતાની ઓળખ માટેય અભ્યાસીમાં અમુક સંવેદનપટુતાની અપેક્ષા રહે જ છે. ખરેખર તો ‘ય’ના સાહિત્યને ‘ક્ષ’ના સાહિત્યવિશ્વ જોડે ઘણું આંતરિક સામ્ય રહ્યું છે, ‘ક્ષ’ની પાત્રસૃષ્ટિ કે, પરિસ્થિતિઓમાંથી ‘ય’એ નિશ્ચિતપણે અમુક વિગતો લીધી છે. ‘ક્ષ’ના સાહિત્યમાંથી ‘ય’એ ઘણા અંશો આદરભાવે ઉતાર્યા છે, ‘ક્ષ’ની શૈલીનું ‘ય’ સભાનપણે અનુસરણ કરે છે. કે ‘ક્ષ’ના ગ્રંથોની ગંભીર દૃષ્ટિએ ટીકાટિપ્પણી કરે છે – આવીઆવી વાત જો દૃઢપણે પ્રસ્થાપિત કરી શકાય તો જ ‘ય’ પરનો ‘ક્ષ’નો ‘પ્રભાવ’ એ એક સ્પષ્ટરૂપની શ્રદ્ધેય બાબત ગણાય.

પણ આપણે જ્યાં આ બિંદુએ પહોંચીએ છીએ ત્યાં જ વળી વિવેચનની દૃષ્ટિએ એક રસપ્રદ મુદ્દો ઊભો થાય છે. ‘ક્ષ’માંથી ‘ય’એે જે કંઈ ગ્રહણ કર્યું તેનું ખરેખર તેણે શું કર્યું? ડબ્લિન ટ્રિનીટિ કૉલેજમાં બૅકેટે પહેલી વાર દાન્તેનો ગ્રંથ વાંચેલો ત્યારે જ તે દાન્તેથી પ્રભાવિત થયેલો. પણ આ તો કેવળ સાહિત્યના ઇતિહાસની એક હકીકત માત્ર થઈ. આવી બીજી કોઈપણ ઐતિહાસિક વિગતોથી એનું ઝાઝું મહત્ત્વ હોઈ શકે નહિ પણ બેકેટની સાહિત્યસૃષ્ટિમાં ગૂંથાયેલાં પ્રતીકો જો દાન્તેની સૃષ્ટિમાંથી આવ્યાં હોય તો દાન્તેનાં મૂળ પ્રતીકો કલ્પનો અને પૌરાણિક કથાસંદર્ભો તેની સૃષ્ટિમાં કેવી રીતે આત્મસાત્‌ થયાં, અને કેવી રીતે રૂપાંતર પામ્યાં. તેનું અધ્યયન ઘણું મહત્ત્વનું બની રહે આથી ભિન્ન, રેસિન જેવો નાટ્યકાર ઇંગ્લૅંડમાં ઝાઝી લોકપ્રિયતા કેમ ન પામ્યો, તેની તપાસ સંભવતઃ સંસ્કૃતિના ઇતિહાસકાર કે સમાજલક્ષી મનોવિજ્ઞાનના નિષ્ણાતો માટે વધુ ઊંડા રસનો વિષય બને, પણ રેસિનની ટ્રેજેડીના સ્વરૂપ પર એવી તપાસથી ઝાઝો પ્રકાશ ન પડે. વળી પ્રુસ્ત વિશેના નિબંધમાં બેકેટ તેનાં અમુક પાસાં પર ભાર મૂકે છે – અને એડમંડ વિલ્સન જેવા વ્યવસાયી વિવેચકે જેના પર વિશેષ ધ્યાન આપ્યું છે તે પાસાંઓની જ બેકેટ ઉપેક્ષા કરે છે. તો, બેકેટના આ જાતના અભિગમની બારીક તપાસ તુલનાવાદીને અત્યંત રસપ્રદ નીવડવા સંભવ છે. કારણ એ કે સાહિત્યક્ષેત્રમાં નવા નવા સર્જકો, રૂઢ વર્ણ્યવિષયો અને સંસિદ્ધ આકારોમાંય જે રીતે નવવિધાન સિદ્ધ કરતા આવે છે તેની ઓળખને લગતો એક પાયાનો પ્રશ્ન અહીં છેડાયો છે.

ફ્રાન્સના તુલનાવાદી સાહિત્યમાં અમુક કામો તો ઘણી ઉચ્ચ કોટિનાં અને ખરેખર નોંધપાત્ર બની રહ્યાં છે, પણ પ્રભાવકતાને લગતી ચર્ચાઓમાં પ્રભાવ પાડનાર લેખક વધુ મહત્ત્વનો હોય એવી તેમની સમજ રહેલી દેખાય છે, અને તે તેથી વારંવાર દૂષિત પણ થઈ છે. આ જાતની વિચારણામાં ખરેખર મહત્ત્વ તો સર્જકની નિજી કલ્પનાશક્તિનું છે, નહિ કે તે જે સામગ્રી આત્મસાત્‌ કરવા પવૃત્ત થયો છે તેનું. જોકે સર્જક કલ્પનાના સ્વરૂપના પ્રશ્ને સહજ જ તમે મનોવિશ્લેષણના ક્ષેત્રમાં પ્રવેશી જાઓ છો. અહીં એમ નોંધવાનું રહે છે કે ફ્રેંચ તુલનાવાદીઓનાં મનોવિશ્લેષણવિષયક કેટલાંક તારણો વાંધાજનક છે.

તુલનાવાદી ‘ફ્રેંચશાળા’ વિશે આટલા વિસ્તારથી અહીં ચર્ચા કરી, તે તો એટલા માટે કે, તુલનાવાદી સાહિત્યના ક્ષેત્રની એ એક સમર્થ અને પ્રતિનિધિરૂપ શાખા છે. રેને વેલેક જેવા વિદ્વાન તુલનાવાદી પ્રવૃત્તિ વિશે જે જાતની ટીકાટિપ્પણી કરવા પ્રેરાય છે તેની પાછળ આ ‘ફ્રેંચશાળા’ની પ્રવૃત્તિ કંઈ ઓછી જવાબદાર નથી. બલકે, ‘તુલનાવાદી સાહિત્ય’ કહેતાં ઘણાય લોકો હજી ફ્રેંચ તુલનાવાદ જ સમજે છે. અને એ કારણે પણ કેટલાક ગૂંચવાડા ઊભા થયા છે.

પણ તુલનાત્મક પદ્ધતિ કે અભિગમનો પ્રશ્ન માત્ર ફ્રેંચ તુલનાવાદીઓને જ સ્પર્શે છે એમ નથી. આગવો સૌંદર્યલક્ષી દૃષ્ટિકોણ લઈ ચાલનારા ઇંગ્લૅંડ-અમેરિકાના અભ્યાસીઓ માટે ય આ પ્રશ્ન રહ્યો જ છે. આ ક્ષેત્રનાં તેમનાં અધ્યયનોમાં આથી એક યા બીજી રીતની નિર્બળતા રહી ગઈ છે. એ પૈકી એનિડ સ્ટાર્કિનો ગ્રંથ ‘કોમ્ફોગોશ્યિર ટુ એલિયેટ’ (૧૯૬૦), ગ્રેહામ હાઉનો ‘ધ લાસ્ટ રોમેન્ટિક્સ (૧૯૪૯), આર.બી. લિવિસનો ‘ધ પિકેરસ્ક સેઈન્ટ’ (૧૯૬૦) જેવાં અધ્યયનો ઠીક ઠીક ધ્યાનપાત્ર છે. આ જાતનાં અધ્યયનોમાં કેટલીક વાર લેખકોની ‘પેઢી’નો ખ્યાલ ચર્ચાસ્પદ બની રહેતો સમજાશે. માત્ર લેખકોની જન્મતારીખોને જ વધુ પડતું મહત્ત્વ અપાયું હોય એમ પણ જોવા મળશે. એ રીતે સમયના ક્રમને જ ધ્યાનમાં લઈ આગળપાછળના લેખકોની સાહિત્યિક પ્રવૃત્તિઓને કાર્યકારણની દૃઢ નિશ્ચિત સાંકળથી જોડવામાં ક્યાંક સરલીકરણ થઈ જાય એમ બને.

વળી સાહિત્યના વિકાસક્રમમાં કેટલીક વાર આંતરરષ્ટ્રીય વિનિમયના તબક્કાઓ આવે છે. બોહેમિયન અને આવાં ગાર્દની પેઢીને એ રીતે વ્યાપક આંતરરાષ્ટ્રીય હિલચાલના એક ભાગ રૂપે જોવી જોઈએ. રસપ્રદ મુદ્દો એ છે કે શૈલીઓ અને રચનાગત તરાહો કરતાં વિચારવલણો વધુ ત્વરાથી ગતિ કરે છે, અને વધુ વ્યાપકપણે ફેલાઈ જાય છે. એબ્સર્ડ નાટ્યરીતિનું ઝડપી વિસ્તરણ આ જાતનું સરસ દૃષ્ટાંત છે. બીજી બાજુ સ્વરૂપથી વિદ્રોહી અને વ્યાપકપણે જન્મેલો ‘દાદાવાદ’ છેવટે ફ્રેંચ અસ્તિત્વવાદ જેવી એક રાષ્ટ્રીય સ્તરની સીમિત શૈલીના રૂપમાં શમી ગયો, તે ઘટના પણ અહીં નોંધી શકાય.

સાહિત્યક્ષેત્રમાં લેખકોની ‘પેઢી’ અને ‘હિલચાલ’ની ઘટનાઓને ગૂંચવી નાંખવી ન જોઈએ. કેટલીક વાર અમુક ‘પેઢી’ અમુક ‘હિલચાલ’ સાથે સંકળાઈ હોય એમ બને. પણ હંમેશ એમ બનતું નથી. સાહિત્યિક આંદોલનો અને તેની પાછળ રહેલી અસ્તિત્વપરક કે કળાપરક વિચારસરણીઓ સમયના ક્રમમાં ઊતરી આવે તેમ સમયની રેખા પર પણ સીધી ફેલાતી હોય છે. એટલે લેખકોની ‘પેઢી’ કે ‘પેઢીઓ’ વિશે તેમ સાહિત્યિક હિલચાલો વિશે તુલનાત્મક તપાસ કરતાં વધુ ચોકસાઈ રાખવી જોઈએ. બને તેટલી ચુસ્ત અને શાસ્ત્રીય પદ્ધતિનો વિનિયોગ એમાં કરવો જોઈએ. અલબત્ત, આ જાતના અભ્યાસો વળી સાહિત્યિક સમાજવિજ્ઞાનના ક્ષેત્રમાં ય પ્રવેશી જતા હોય એમ જોવા મળશે.

સાહિત્યના વાચકવર્ગનો વિસ્તાર અને તેના સ્તરભેદના પ્રશ્નો ય આ વિદ્યાશાખામાં સ્પર્શાયા છે. લ્યુસિયન ગોલ્ડમૅન અને રોલાં બાર્થનું આ ક્ષેત્રનું કાર્ય નોંધપાત્ર છે. બાર્થ એમ કહે છે કે ‘પ્રશિષ્ટ સાહિત્ય’માં જોવા મળતી મૂળભૂત એકતા હવે લુપ્ત થઈ છે. એને બદલે બહુવિધ રૂપો ધરાવતું સાહિત્ય આધુનિક સમયમાં અસ્તિત્વમાં આવ્યું છે. આ રીતની વિઘટનની પ્રક્રિયા ઇતિહાસની અંતર્ગત જન્મેલી કટોકટી જોડે સહસંબંધ ધરાવે છે. સાહિત્યમાં ભાષા એક પાયાની વસ્તુ છે, અને સમયસમયનું પ્રતિબિંબ એમાં ઝીલાતું રહે છે. તેમણે પોતાના ગ્રંથ ‘રાઈટિંગ ડિગ્રી ઝીરો’માં એમ સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે ‘પ્રશિષ્ટ સાહિત્ય’ અમુક ચોક્કસ વર્ગનું સાહિત્ય હતું. વળી, ગોલ્ડમેને પોતાનું અધ્યયન મુખ્યત્વે નવલકથાસાહિત્ય પર કેન્દ્રિત કર્યું છે. જે વાચકવર્ગને ધ્યાનમાં રાખીને નવલકથાઓ લખાય છે તેની જોડે લેખક ‘વિરોધવિકાસલક્ષી સંબંધ’ ધરાવે છે એમ તેઓ જુએ છે. નવલકથાને એ રીતે કેવળ સમકાલીન સંયોગોના ચિત્રપટરૂપે નહિ, પણ અમુક કટોકટીભરી સામાજિક-સાંસ્કૃતિક પરિસ્થિતિ પરત્વેની ગતિશીલ પ્રતિક્રિયારૂપે તેઓ ઓળખાવે છે. તેઓ નોંધે છે કે માલરોનું કથાસાહિત્ય પણ આ રીતે બાહ્ય પરિસ્થિતિમાં રહેલા તણાવો અને પરસ્પર વિરોધી બળોની ભીંસનો અનુભવ કરાવે છે. અને એટલે જ તે સાચા અર્થમાં પ્રતિનિધિરૂપ બને છે. આવાં નક્કર દૃષ્ટાંતોની ચર્ચાને આધારે ગોલ્ડમૅન એક મહત્ત્વપૂર્ણ સિદ્ધાંત રચવા શક્તિમાન બન્યા છે.

લિયો લોવન્થલના ગ્રંથ ‘લિટરેચર ઍન્ડ ધ ઈમેય્‌જ ઓફ મૅન’ (૧૯૫૭)માં સમાજશાસ્ત્રીય અભિગમ સ્વીકારાયો છે. પણ આ જાતના અભિગમમાં બહિર્વર્તી સાધનનું વધુ પડતું મહત્ત્વ થઈ જાય છે. વળી સાહિત્યની સાચી કળાકૃતિ કંઈ ‘જમણેરી’ કે ‘ડાબેરી’ જેવા વર્ગીકરણમાં ગોઠવી શકાતી નથી. અને, એબ્સર્ડ રીતિનાં નાટકો માનવીનો વિષાદભાવ અને તેની પરિસ્થિતિમાં રહેલી અરાજકતાને ઉત્કટતાથી ઉપસાવી આપે છે એ કારણે જ માત્ર કંઈ તે ‘પ્રત્યાઘાતી’ બનતાં નથી. છતાં કોઈ આ જાતનું લેબલ લગાવવાનો પ્રયત્ન કરે, તો તે અનુચિત ઠરે. તુલનાવાદ માટે એ સાચો અભિગમ નથી.

અહીં સુધી આપણે તુલનાત્મક સાહિત્યમાં જોવા મળતી ઊણપો અને મર્યાદાઓની જ ઘણી વાત કરી. હવે તેની કેટલીક સિદ્ધિઓનો નિર્દેશ કરીશું.

આ ક્ષેત્રના અગ્રણી અભ્યાસીઓમાં હેરી લેવિન અત્યંત આદરપાત્ર રહ્યા છે. આ વિષયની સિદ્ધાંતચર્ચામાં તેમજ તેના વિનિયોગમાં તેમણે ઘણું મહત્ત્વપૂર્ણ કામ કર્યું છે. ‘હાર્વર્ડ સ્ટડીઝ ઈન કમ્પેરેટિવ લિટરેચર’ની શ્રેણીમાં તેમનો ગ્રંથ ‘કોન્ટેક્ટ્‌સ ઑફ ક્રિટિસિઝમ’ નોંધપાત્ર છે. પોતાના સિદ્ધાંતોનો સફળ વિનિયોગ તેમણે કરી બતાવ્યો છે. ‘વૉટ ઈઝ રિયલિઝમ’ જેવો વ્યાખ્યા-વિચારણાનો નિબંધ, અને ‘ડૉન કિહોટે ઍન્ડ મોબિ ડિક’ જેવું અધ્યયન તેમનાં આ વિષયનાં ઉત્કૃષ્ટ લખાણો છે. આ જાતનાં લખાણો જોતાં જણાશે કે ‘તુલનાત્મક સાહિત્ય’ની રૂઢ સીમારેખાઓને ફગાવીને તેઓ ચાલ્યા છે. તેમનો આ વિશેનો ખ્યાલ તેમના ‘રિફ્રેક્શન્સ’માં રજૂ થયો છે.

‘તુલનાત્મક સાહિત્ય’ હવે ‘મહાન ગ્રંથો’ના માત્ર અલગ અલગ અધ્યયનનો નહિ પણ એ સર્વના પરસ્પરના આંતરિક સંબંધોના, તેની પ્રણાલિકાઓ અને આંદોલનોના, અને સાહિત્યિક વાદોના નિર્માણમાં જે જે વિચારસરણીઓએ ભાગ ભજવ્યો હોય તેના મૂળ સ્રોતો વિશેના અધ્યયનમાં રોકાયું હશે.

લેવિન એમ પ્રતિપાદિત કરવા ચાહે છે કે સમગ્ર સાહિત્ય એક સજીવ પ્રક્રિયા છે, એક સાતત્યભરી અને ઉત્તરોત્તર ઉપચય પામતી ઘટના છે. અને આ સાહિત્યિક પ્રક્રિયાને સમજવામાં તુલનાત્મક ઉપક્રમ વેધક પ્રકાશ નાખે છે. ખરેખર તો તુલનાત્મક અધ્યયન દ્વારા સાહિત્યકૃતિઓનાં રૂપલક્ષી પાસાંઓ, શૈલીઓ અને સંરચનાઓ વિશે ચોક્કસ સમજ વધશે એવી આશા બંધાય છે. અલબત્ત, તુલનાવાદની આ મહાન મહત્ત્વાકાંક્ષા છે. સાહિત્યની રચનાનું હાર્દ ખુલ્લું કરવા સામૂહિક રીતે સૌ અભ્યાસી પ્રયત્નો કરશે તો સાહિત્યમીમાંસાના જ એક આવિર્ભાવ લેખે તુલનાવાદની અનન્યતા સ્થાપિત થઈ શકશે. કેમ જે, સમગ્ર સાહિત્ય જે સ્વયં એક સજીવ વસ્તુ છે, તેને એક સજીવ ગતિશીલ પ્રક્રિયારૂપે, તેમ જ રચનાતંત્રના સ્તરે પરસ્પરના સંબંધોરૂપે અવગત કરી શકાય. અને આ રીતની તપાસમાં કોઈ એક લેખકની કૃતિના વિશ્લેષણ કરતાંયે સમગ્ર સાહિત્યની ગતિવિધિઓનું અવલોકન વધુ ફળપ્રદ નીવડશે. કારણ કે સાહિત્યપદાર્થને જે અસ્તિત્વ છે, તે તેના અરસપરસના સંબંધોને લીધે જ છે.

લેવિનની સિદ્ધાંતચર્ચામાં તુલનાવાદના જે આદર્શો પ્રતિષ્ઠિત થયા છે, અને આ ક્ષેત્રની તેમની પ્રવૃત્તિ એ કારણે જે જાતની અપેક્ષાઓ જગાડે છે, તે કદાચ પૂરેપૂરી સંતોષાતી નથી. તો પણ ‘ધ ગેટ્‌સ ઑફ હોર્ન’ જેવા દળદાર ગ્રંથમાં તેઓ ઉત્તમ પરિણામો લાવી શક્યા છે એમ પણ નોંધવું જોઈએ. એક જ સાહિત્યની પરંપરામાં પ્રવૃત્ત રહી, એમાં તુલનાવાદનું સુંદર કાર્ય તેમણે કર્યું છે. ફ્રેંચ વાસ્તવવાદી નવલકથા વિશેનું આ સૌથી સંતર્પક સર્વેક્ષણ જણાશે. જુદાજુદા પાંચ ફ્રેંચ લેેખકોનું એમાં પ્રકરણવાર વિશિષ્ટ દૃષ્ટિનું જે રીતે વિશ્લેષણ હાથ ધર્યું છે, અને એ સર્વના જે રીતે આંતરસંબંધો તેમણે આલેખ્યા છે, તે કામ માત્ર તુલનાવાદી જ કરી શકે. આ પાંચ લેખકો પરત્વે લેવિને એક વિચારસૂત્ર લાગુ પાડી આપ્યું છે, કે ‘સાહિત્ય સ્વયં એક સંસ્થા’ છે. વાસ્તવવાદી નવલકથા એ બુઝર્‌વા સમાજની અભિવ્યક્તિ છે, તેની આલોચના છે, તેની ઉપલબ્ધિય છે, તો વળી તેની મોન્યુમેન્ટલ ગ્લોરીઝ પણ છે. ગોલ્ડમેન અને લેવિન બંનેની વિચારણાઓમાં એ વસ્તુ ગૃહીત રહી છે કે કળાનાં સ્વરૂપોને પરિવર્તન પામતા સમાજ જોડે ક્યાંય સંબંધ રહ્યો જ છે. ભિન્ન ભિન્ન સમાજો આજે પરસ્પર નિકટ આવી રહ્યા છે. આખું ય જગત એક ‘ગ્રામસંસ્થા’ બની રહ્યું છે, અને એ બદલાતી વ્યવસ્થાની સાથે કળાનાં સ્વરૂપોનું જીવંત અનુસંધાન રહ્યું છે. વાસ્તવવાદી નવલકથા ખરેખર તો મુક્ત રીતે, એના આગવા કેન્દ્રસ્થાનેથી, મધ્યવર્ગીય સમાજનું પ્રતિબિંબ ઝીલવા મથે છે, અને જ્યાં સુધી એ નવલકથા સમાજના દંભો ખુલ્લા કરવા સક્રિય રહી ત્યાં સુધી સામાજિક પરિવર્તન માટેનું એ પરિબળ પણ બની રહી.

ઉત્તમ કોટિનું ‘તુલનાત્મક સાહિત્ય’ અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, ‘સર્વસાધારણ સાહિત્ય’માં ભળી જવાનું વલણ ધરાવે છે. આ વાત ઑરબેકના ગ્રંથ ‘માય્‌મેસિસ’ને વધુ લાગુ પડે છે. પ્રમાણમાં ઓછી સંખ્યાના ગ્રંથોનું, પણ અત્યંત બારીક દૃષ્ટિથી વિશ્લેષણ કરી, તેઓ એમ બતાવે છે કે પાશ્ચાત્ય સાહિત્યમાં રોજિંદા જીવનની વાસ્તવિકતાઓનું અનુકરણ કંઈક કૉમિક રીતિમાં થતું હતું. જ્યારે ઉન્નતભૂ રીતિ તો વિચારો અને અનુભૂતિઓના નિરૂપણ અર્થે જ સ્વીકારાતી રહી છે : બાલ્ઝાક અને સ્ટેન્ઢાલની પ્રાપ્તિ એ કે, તેમના આગમન પછી જ વાસ્તવવાદમાં માનવઅસ્તિત્વના ઘેરા કરુણ અંશોનો પ્રવેશ થવા પામ્યો. અહીં નોંધવું જોઈએ કે એ ઑરબૅક પણ સ્પિત્ઝરની જેમ જ ‘રોમેન્સ’ જૂથની ભાષાઓના ઐતિહાસિક અધ્યયન પરથી સાહિત્યના અધ્યયનક્ષેત્રમાં આવ્યા અને, એટલે જ, ફ્રેંચ અગ્રણીઓમાં સાહિત્યના અધ્યયન પરત્વે જે ઐતિહાસિક અભિગમ પ્રચલિત બન્યો હતો તેથી તેઓ અળગા રહી શક્યા. યુરોપીય વાસ્તવવાદની ઐતિહાસિક રૂપરેખાથી અળગા રહી, કેટલાંક મોટિફ્સને જ ધ્યાનમાં રાખી તેમણે કામ આરંભ્યું. અને અનેક કૃતિઓના સંદર્ભે એ મોટિફ્સનો કેવોક વિનિયોગ થવા પામ્યો છે, તેની તેમણે તપાસ કરી. હકીકતમાં આવાં કોઈ મોટિફ્સ વિશુદ્ધરૂપમાં ઓળખી શકાતાં હોય તો કોઈ પણ વાસ્તવવાદી કૃતિમાં તેની ભાત પ્રત્યક્ષ કરી આપી શકાય. એક સામાન્ય નિયમ તરીકે જો આ વાત સાચી હોય તો દરેક અલગ દૃષ્ટાંતમાંય એ લાગુ પાડી શકાય. ઑરબેક, દેખીતી રીતે જ, અહીં સાહિત્યમીમાંસા તરફ વળી રહ્યા છે.

જોકે ઘણા અભ્યાસીઓ આવી આકાંક્ષા સેવતા નથી પણ નોર્થ્રોપ ફ્રાય એમાં વિરલ અપવાદ છે. અલબત્ત, ફ્રાય પોતાને તુલનાવાદી લેખવતા નથી. પણ તેમનો અધ્યયનગ્રંથ ‘એનેટોમી ઑફ ક્રિટિસિઝમ’, હકીકતમાં ઉત્તમ કોટિનું ‘તુલનાવાદી વિવેચન’ છે. અનેકવિધ કૃતિઓની ચર્ચાવિચારણાઓમાંથી તેમણે એમાં સ્વતંત્ર રીતે નવું જ દૃષ્ટિબિંદુ વિકસાવ્યું છે.

બધીય કથાસૃષ્ટિઓમાં, ‘અદ્‌ભુતલોકની યાત્રા’નું બીજ અનોખું જ છે, જે કદીય નિઃશેષ થવાનું નથી. દાન્તેના ‘કૉમેડિયા’માં પેરેબલ તરીકે એ કથાબીજનો જ વિનિયોગ થયો છે. બેકેટની કૃતિ ‘મોલોય’ પણ આને મળતું આવતું દૃષ્ટાંત છે. પુનરાવર્તિત થતાં રહેતાં કથાબીજોનું અધ્યયન તેમને વ્યાપક સાહિત્યતત્ત્વવિચારની દિશામાં દોરી જાય છે. ફ્રાયનું આ પુસ્તક, એ રીતે, સાહિત્યસિદ્ધાંતનું અધ્યયન બની રહે છે.

વાય્‌ન સી. બૂથે પાશ્ચાત્ય કથાસાહિત્યમાંથી અનેક દૃષ્ટાંતો લઈ કથનકલાનું શાસ્ત્ર રચવાનો જે સમર્થ પ્રયત્ન કર્યો છે, તે પણ અહીં ઉલ્લેખ માગે છે. મૂળે તો પીએચ.ડી.ની ઉપાધિ માટે તુલનાત્મક અભ્યાસ લેખે આ કામ થયેલું, તે વાત પણ સ્મરણમાં રાખવી જોઈએ.

પ્રતીકવાદ જેવાં આધુનિક સર્જનાત્મક ઉન્મેષોને અનુષંગે વિવેચનમાં નવી આંતર્‌દૃષ્ટિઓ ઊઘડી આવી છે, એમ ફ્રાયે દર્શાવેલું. એનું ઉત્તમ દૃષ્ટાંત એડમંડ વિલ્સનનું ‘એક્સલ્સ કેસલ’ છે. સાહિત્યક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરે જે નવ્ય આંદોલન જાગ્યું, તેને લગતો આ એક ઉત્તમ અભ્યાસ છે. મારિયા પ્રાઝનું ‘ધ રોમેન્ટિક એગની’ પણ, તુલનાવાદનો કોઈ દાવો કર્યા વિનાય, આ ક્ષેત્રમાં નોંધપાત્ર અર્પણ બની રહી છે. અંગ્રેજ, ફ્રેંચ અને ઇટાલિયન – એમ ત્રણ ભાષાની કૃતિઓ અહીં ચર્ચાઈ છે. જાતીય વ્યવહારના અમાનુષી આવેગો, કરાલભીષણ તત્ત્વોની ઉત્કટ અનુભૂતિઓ, અને અપરાધજન્ય વિકૃત લાગણીઓના નિરૂપણની જે ભાત એ ત્રણ ભાષાની કૃતિઓમાં જોવા મળી, તેનું માર્મિક અવલોકન-અધ્યયન એમાં થયું છે. વળી, તુલનાવાદનું એક પ્રબળ વલણ તે વિચારસરણીઓના ઇતિહાસ તરફ ઝૂકવાનું છે. તે વસ્તુ અહીં સ્પષ્ટ જોઈ શકાશે. પૉસ હેઝાર્ડનો ગ્રંથ ‘ધ યુરોપિયન માઈન્ડ’ પણ આ જાતનું બીજું સરસ દૃષ્ટાંત છે. અંગ્રેજ અને અમેરિકન તુલનાવાદીઓ કરતાં યુરોપખંડના તુલનાવાદીઓમાં આ જાતનું વલણ વ્યાપક રીતે જોવા મળશે.

પ્રાઝ અને હેઝાર્ડ જેવા સંવેદનશીલ વિદ્વાનો દ્વારા આવી રીતે વિચારસરણીઓના ઇતિહાસની જે તપાસ ચાલી છે, તે અભ્યાસવિષયના લેખકોની સમસ્ત ‘પેઢી’ને કે ‘હિલચાલ’ને તેના આંતરકેન્દ્રમાંથી પ્રકાશિત કરી આપે છે. પ્રાઝે એ વાત પર આપણું ધ્યાન ખેંચ્યું કે ઓગણીસમી સદીનું ઘણુંએક (યુરોપીય) સાહિત્ય ‘સેડોમેસોચિઝમ’થી પ્રેરાયેલું છે. સાહિત્યના અધ્યયનમાં આવાં સંશોધનો અલબત્ત, ઘણાં દ્યોતક નીવડે છે, પણ વિવેચનની દૃષ્ટિએ એનું ઝાઝું મૂલ્ય થઈ શકે નહિ, તે ય સાચું.

છતાં સાહિત્યના અધ્યયનનું એક ક્ષેત્ર જ એવું છે, જ્યાં તુલનાવાદી અધ્યયન અને વિચારસરણીઓના ઇતિહાસની ખોજ એ બંને એકબીજાને અતિક્રમી જાય છે – એ ક્ષેત્ર છે ‘ટ્રેજિક’ અને ‘કૉમિક’ અંશોનું વ્યાપક તત્ત્વદર્શન. જોકે કૉમિક અંશના આવિર્ભાવે ટ્રેજિકના જેટલું ધ્યાન ખેંચ્યું જણાતું નથી. છતાંયે કૉમિકમાં ટ્રેજિકની ગંભીરતાનું અનુસંધાન રહ્યું છે, એ જાતનું અધ્યયન પણ થયું છે. જે. સી. સ્ટાય્‌નનું ‘ધ ડાર્ક કોમેડી’(૧૯૬૨) અને વૉલ્ટેર કેરનું ‘ટ્રેજેડી ઍન્ડ કોમેડી’(૧૯૬૭) આ જાતનાં દૃષ્ટાંતો છે. અલબત્ત, ટ્રેજિક વિશેનાં અધ્યયનો, હવે એને એક સાહિત્યપ્રકાર કરતાંયે વધુ તો સાંપ્રત સંપ્રજ્ઞતાના અંશ રૂપે જ નિહાળે છે. મરે ક્રિગરનું ‘ધ ટ્રેજિક વિઝન’ (૧૯૬૬), રેમંડ વિલિયમ્સનું ‘મૉર્ડન ટ્રેજેડી’ (૧૯૬૬) અને જ્યોર્જ સ્ટાય્‌નરનું ‘ડેથ ઑફ ટ્રેજેડી’ (૧૯૬૧) એ પુસ્તકો આ વલણનાં દ્યોતક છે. આ જાતનાં અધ્યયનો, અલબત્ત, ઓછેવત્તે અંશે, તુલનાવાદની જ કોઈ ને કોઈ પદ્ધતિનો વિનિયોગ કરે છે. પણ લક્ષ્યસિદ્ધિમાં તે તુલનાવાદથી આગળ નીકળી જાય છે. સાહિત્યવિવેચનના ક્ષેત્રની બહાર રાજ્યશાસ્ત્રીય સાંસ્કૃતિક કે અસ્તિત્વપરક તત્ત્વદર્શનના ક્ષેત્રમાં તે ગતિ કરી રહી છે.

‘શુદ્ધ’ તુલનાવાદી સાહિત્યનાં દૃષ્ટાંતો પણ અહીં નોંધીશું. જોકે આ ક્ષેત્રનાં તે ઉત્તમ કોટિનાં અધ્યયનો છે, એમ અહીં અભિપ્રેત નથી. પણ સારાં દૃષ્ટાંતો તો જરૂર કહી શકાય. ડબલ્યૂ. બી. સ્ટાન્ફર્ડના ગ્રંથ ‘ધ યુલિસિસ્‌ થિમ’(૧૯૫૪)ને અહીં તરત ઉલ્લેખી શકાય. હોમરથી માંડી જોય્યસ સુધીમાં યુલિસિસનો થિમ જે રીતે નવા નવા રૂપે આલેખાતો રહ્યો છે, તેનું એમાં આલેખન કરવામાં આવ્યું છે. સ્ટાનફર્ડના મતે યુલિસિસનું પાત્ર રૂપાંતરક્ષમતા ધરાવે છે. એ વીરપુરુષ ક્યારેક લેખક પર પોતાનું વ્યક્તિત્વ છાઈ દે છે. ક્યારેક લેખક એ પાત્રને પોતાની ભાવનાને અનુરૂપ ઢાળવા ચાહે છે. જોકે આ પૌરાણિક પાત્ર અને લેખક વચ્ચે પ્રાણશક્તિનું આદાનપ્રદાન કરવાની આંતરક્ષમતા યુલિસિસમાં ક્યાંથી, કેવી રીતે આવી તે વિશે પોતે કોઈ નિર્ણય કરી શક્યા નથી, એમ સ્ટેન્ફર્ડ કહે છે. પણ યુંગની આર્કિટાઈપ્સની વિચારણા એમાં સહાયક બની શકે, એમ તેઓ ધારે છે. ખરેખર આ દિશામાં તેમણે આગળ વિચાર વિકસાવ્યો હોત તો સંભવતઃ ઘણી રસપ્રદ ચર્ચા પ્રાપ્ત થઈ શકી હોત.

જ્હોન હૉલાવેના ગ્રંથ ‘ધ વાય્‌ડનિંગ હોરાય્‌ઝન ઈન ઇંગ્લિશ વર્સ’ (૧૯૬૬)માં જુદો જ વિષય સ્પશાર્યો છે. કવિતાની આકૃતિમાં – રચનાગત ભાતોમાં – બહારની અસરો અને સ્થાનિક પરંપરાઓ વચ્ચેના સંપર્કો વારંવાર કેવાં ફળદાયી પરિણામો લાવે છે, તેની સરસ ચર્ચા અહીં થઈ છે. એમાં હૉલાવેએ તુલનાવાદી ઉપક્રમ સ્વીકાર્યો છે. આ રીતે કાવ્યની ગતિનું સર્વસામાન્ય તત્ત્વ પકડવામાં, અને અમુક સમયગાળા પર તેની પ્રભાવકતા અવલોકવામાં તેમનો મુખ્ય રસ રહ્યો છે. લિયોન એડેલના ગ્રંથ ‘ધ મોર્ડન સાય્‌કોલોજિકલ નૉવેલ’(૧૯૬૪)માં એક સીધોસાદો પણ પાયાનો મુદ્દો સ્પર્શાયો છે. નવલકથાક્ષેત્રે ઓગણીસમી સદીએ બાહ્ય જગતની ખોજ કરી. આધુનિક નવલકથાએ ચેતનાના અંતર્લોકની ખોજ કરી. મૉરિસ બિબેઝે ‘આય્‌વરી ટાવર્સ ઍન્ડ સેક્રેડ ફાઉન્ટ્‌સ’(૧૯૬૪)માં કળાકારની આત્મલક્ષી છબીઓ ઝીલતી વિશિષ્ટ પ્રકારની નવલકથાઓનું અધ્યયન રજૂ કર્યું છે. એ કથાઓમાં સર્જકોનાં આત્મલક્ષી છબીચિત્રણોને અવલંબીને કળાકારોની પ્રકૃતિ, સર્જનની પ્રક્રિયા તથા સમાજ અને સંબંધો જેવા મુદ્દાઓ લઈને એ અધ્યયન થયું છે. તુલનાત્મક અધ્યયન એમાં પૂર્ણાંશે નહિ તો ય અંશતઃ સફળતા પ્રાપ્ત કરે છે એમ કહેવું જોઈએ.

તુલનાવાદી ગતિ, આમ જુઓ તો બધાય વિષયોમાં, છતાં તજ્‌જ્ઞતા એકેય વિષયમાં નહિ, એ જાતના તેની પર કેટલીક વાર આક્ષેપ કરવામાં આવ્યા છે. એનો સંગીન ઉત્તર, અલબત્ત, તુલનાવાદી જરૂર આપી શકશે : સાહિત્યજગતમાં ફરી ફરી પ્રગટતી રહેતી સંરચનાઓની તપાસ એ જ તો તેનો વિષય છે. તુલનાવાદી સાહિત્ય હમણાં સુધી તો ઘણી રીતે ફેલાઈ ગયેલું, લોકશાહી ઢબે વિકસતું અને અનિશ્ચિત સરહદોવાળું ક્ષેત્ર રહ્યું છે, બલકે તેનો અભિગમ પણ કદાચ અણઘડ રહ્યો હોવાનું લાગશે; પણ હવે એ ક્ષેત્ર સંરચનાવાદી ભાષાવિજ્ઞાનના માર્ગે આગળ વધી શકે એમ છે. એ રીતે સાહિત્યમાં ફરીફરી યોજાતી રચનાગત તરાહોની ઓળખ કરવામાં તે પોતાનું પૂરું લક્ષ્ય રોકશે. રૂઢ સાહિત્યપ્રકારોની ઓળખથી એ જુદી જ વસ્તુ છે, જેમ કે, ટ્રેજેડીને મૂળભૂત રીતે ‘અંતર્વર્તી ચકરાવા લેતા સ્પાઈરલ’ રૂપે જોઈ શકાય, અને એ રીતે કૉમેડીને સાતત્યપૂર્વક પણ મોજાંની જેમ આંદોલિત સીધી રેખારૂપે જોઈ શકાય. માનવજાતિની પોતાના અનુભવોને ઘટાવવાની શક્તિ અમુક રીતે સંરચનાત્મક રૂપની હોઈ શકે, અને તેના સર્વ કલ્પનાત્મક પ્રાદુર્ભાવો પણ અમુક નિયત સંખ્યાની મૂળભૂત રીતિઓમાં ઢાળી શકાય, એવી સંભાવના ય ખરી. કદાચ, ‘ટ્રેજિક એસ્થેટિક’ જેવી કેટલીક વિશેષ સૌંદર્યપ્રેરક ઘટનાઓને અલગ પાડીને વિચાર કરી શકાય અને એને અનુલક્ષીને કેટલીક નવલકથાઓ, નાટકો અને કાવ્યોનું વર્ગીકરણ પણ કરી શકાય. રૂઢ સાહિત્યસ્વરૂપોની અલગ કોટિનો ખ્યાલ હવે એ રીતે અપ્રસ્તુત બની જશે. કથામૂલક સાહિત્યમાં અમુક રૂઢ ઢાંચાઢાળ પરિસ્થિતિઓનું ફરી ફરીને સંયોજન થતું રહેલું જ છે. વામનજીના દેશમાં વિરાટકાયનો પ્રવાસ, એ જાણીતું ઘટક છે. એ જ રીતે ‘પતિતા નારી’ઓનો થિમ પણ વ્યાપક છે. આવી ઘટનાઓનું જોકે કેટલીક વાર સમાજશાસ્ત્રીય સ્પષ્ટીકરણ પણ સંભવે છે, પણ એ પૈકી અનેક ઘટનાઓ સાહિત્યસૃષ્ટિમાં સાતત્યપૂર્વક દેખા દે છે.

તુલનાવાદી અધ્યયન આમ અનિવાર્યતયા તુલનાત્મક સાહિત્યમીમાંસા તરફ દોરી જશે. એમાં સાહિત્યકૃતિની સંરચનાનો તેના એક અનિવાર્ય ઘટક લેખે વિચાર કરવાનો ઉપક્રમ હશે. આવી મૂળભૂત રચનાગત તરાહ જ્યાં પણ જોવા મળે, તેની ખોજમાં તુલનાવાદી રોકાયો હશે.

તો, મૂળ પ્રશ્ન આ છે : તુલનાત્મક સાહિત્ય ખરેખર શું કરી શકે, અને તે શું ન કરી શકે? આ પ્રશ્નના પૂર્વાર્ધનો પહેલાં ઉત્તર આપીશ. તે પછી ઉત્તરાર્ધનો.

સાહિત્યજગતની અનેક ઘટનાઓના સ્પષ્ટ રૂપના અને સભાનતાપૂર્વકના અધ્યયન દ્વારા, તુલનાવાદી ઉપક્રમ, એ વિશે ચોક્કસપણે કેટલીક બાબતો પર વેધક પ્રકાશ પાડી શકે; જેમ કે, બે વિશ્વયુદ્ધો વચ્ચેના ગાળામાં ફ્રેંચ કથાસાહિત્ય પર અમેરિકન કથાસાહિત્યનો કેવો પ્રભાવ પડ્યો, અથવા બોહેમિયન જૂથની કોસ્મોપોલિટન સંસ્કારિતાનું હાર્દ શી રીતે બંધાયું, એવી અનેક સાંસ્કૃતિક વિનિમયોની ઘટનાઓ તે તપાસી શકે. એ રીતે અલગઅલગ લેખકો વચ્ચે પરસ્પર કેવું આદાનપ્રદાન થયું, એ પણ તપાસનો વિષય ખરો. એમાં એકનો બીજા પરના પ્રભાવનો મુદ્દો આવી જાય, પણ આદાનપ્રદાનમાં એથી વિશેષ અભિપ્રેત છે. અનુવાદો પણ લક્ષમાં લઈ શકાય. રસરુચિ અને સંસ્કારિતાની ખિલવણીમાં આવા અનુવાદોનો ય ફાળો ખરો જ. એમાં જે અનુવાદો અનુવાદકની કે વાચકવર્ગની રુચિદૃષ્ટિને અનુરૂપ નવસંસ્કરણ પામ્યા હોય કે વિકૃત થયા હોય તેની તપાસ વધુ રસપ્રદ બની રહે એમ બને. આજે તો અનુવાદક મૂળ કૃતિના તાત્પર્યને શક્ય તેટલી વફાદારીથી પોતાની ભાષામાં ઉતારવા મથે છે, અને પોતાની ભાષાની આંતરક્ષમતા વધે તે દિશાનો તેનો પ્રયત્ન હોય છે. પણ તુલનાવાદીને અગાઉના નવસંસ્કરણ પામેલા કે વિકૃત રૂપે રજૂ થયેલા અનુવાદોમાં વધુ રસ પડવાનો. મૂળ પાઠને અનુવાદકે જે રીતે મઠાર્યો હોય કે બદલ્યો હોય, તેમાંથી તેને મુદ્દાઓ મળી રહે એમ છે.

તુલનાવાદી માટે ચોથું રસનું ક્ષેત્ર તે સાહિત્ય અને અન્ય લલિતકળાઓ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાઓની તપાસનું છે. કોઈ એક પ્રકારની કળાની બીજી કળા પર કેવી અસર થઈ, તે મુદ્દો એમાં આવી જશે. પુર્સિ જેવા ચિત્રકારે યુરોપીય સંસ્કૃતિના થિમમાં નવાં અર્થઘટનો કરીને ત્યાંની પ્રજાના લાગણીતંત્રમાં કેવું સૂક્ષ્મ રૂપાંતર સાધ્યું, તે પૅનોવ્સ્કીએ સરસ રીતે બતાવ્યું છે. આવું બીજું સમાંતર દૃષ્ટાંત પણ ઉલ્લેખનીય છે. સ્વિફ હોમીયર જેવો કાર્ટુનિસ્ટ અને સેટાયર લેખક સ્વિફ્ટ – એ બંનેએ પોતપોતાની રચનાઓમાં સમાન રૂપની જે પ્રયુક્તિઓ યોજી છે, તે વિશે ગૉરિબુચે આપણું સારી રીતે ધ્યાન ખેંચ્યું છે. રોબ્બ ગ્રિયે જેવા નવલકથાકારે વળી પોતાની એક નવલકથાના વસ્તુસંયોજનમાં ફિલ્મની ટેકનિકનો કેવો વિનિયોગ કર્યો છે, તે કેલ્વિન એતન્સે સરસ રીતે દર્શાવ્યું છે. આમ એક કળાની રૂઢ યુક્તિઓને બીજી કળા કેવી રીતે ખપમાં લે છે. તે પણ અભ્યાસવિષય બને છે. જુદીજુદી કળાઓ ખરેખર તો પરસ્પરને અસર કરતી રહી જ છે. તેનાં બીજાં દૃષ્ટાંતો ય નોંધી શકાય. જેમ કે, દાન્તેમાંથી પ્રેરણા લઈને લિત્ઝે પોતાની સૂરસૃષ્ટિ રચી; વાલેરી અને માલાર્મે કવિતા અને નૃત્યના આંતરસામ્યથી આકર્ષાયા હતા; બેકેટના ગોદો પાછળ લૉૅરેલ અને હાર્ડીની પ્રેરણા હતી, વગેરે.

સાહિત્ય અને વિચારસરણીઓનો સંબંધ એ તુલનાવાદી માટે પાંચમું ક્ષેત્ર છે. આ બહુ જાણીતું અધ્યયનક્ષેત્ર છે. ફ્રેંચ સાહિત્ય પર માર્ક્સવાદી તેમ અસ્તિત્વવાદી વિચારસરણીઓની કેવી અસર પડી છે તે વિશે ગોલ્ડમૅન તપાસ કરવા પ્રેરાયા છે. એ જ રીતે, બેકેટના દર્શનમાં કાર્ટેઝિયન ફિલસૂફીનાં બીજ રહ્યાં છે, એ જાતનું સંશોધન યુજ કેનેટે હાથ ધર્યું છે.

આમ, ભિન્નભિન્ન સાહિત્યિક ઘટનાઓના અધ્યયન દ્વારા એ વિશેની કેટલીક બાબતો પર જરૂર પ્રકાશ પાડી શકાય. સર્જનપ્રક્રિયાનાં અમુક પાસાંઓ પર, ખાસ કરીને કળાકૃતિનો ઉદ્‌ભવ અને અન્ય કળાઓના સંસર્ગમાં થતા ફલીકરણને લીધે જન્મતાં નવાં પાસાંઓ પર, એ વેધક પ્રકાશ પાડી શકે. વ્યોલ્ફી જેવા અભ્યાસીએ એમ બતાવવા પ્રયત્ન કર્યો છે કે, દરેક ચિત્રકૃતિ પોતે પ્રકૃતિના (કે બાહ્ય જગતના) જે કોઈ પદાર્થ કે દ્રવ્યને આલેખવા ચાહે છ, તે મૂળ વસ્તુ કરતાં અગાઉ નિર્માણ થઈ ચૂકેલાં ચિત્રોથી વધુ પ્રભાવિત થતી હોય છે. આ વાત સાહિત્યનિર્માણની બાબતમાં ય લાગુ પાડી શકાય. કેવળ શૂન્યમાંથી કશું જ અસ્તિત્વમાં આવતું નથી. પુસ્તકોરૂપે જે કંઈ જન્મી ચૂક્યું છે, તેમાંથી જ નવું પુસ્તક આકાર લેતું હોય છે. એટલે આવા વિશાળ પુસ્તકસમુદાયની વચ્ચે જઈ, પોતાને જેમાં રસ હોય તેવા સર્જક કે સર્જકો કે હિલચાલને અનુલક્ષીને તે પોતાની પ્રવૃત્તિ શરૂ કરશે.

બીજી વાત. સાહિત્ય સ્વયં એક સંસ્થા છે, એ દૃષ્ટિએ તુલનાવાદી અધ્યયન તેના પર પ્રકાશ પાડશે. જોકે દરેક સાહિત્યકૃતિ એ માનવજાતિ(race), સાંસ્કૃતિક પરિવેશ(milieu), અને વર્તમાન પ્રસંગ(moment) – એ ત્રણનું અનિવાર્ય પરિણામ છે એવી ટેઇનની જે વિચારણા છે, તે અર્થમાં એ સંસ્થા નથી. પણ સાહિત્યનું વિશ્વ પોતાની આગવી સત્તાની રૂએ એક સંસ્થા છે એમ સમજવાનું છે, કેમ કે, એક સંસ્થા લેખે એને એની આગવી રીતિઓ અને પ્રણાલિકાઓ છે, અને અમુક અંશે એ એના વિશિષ્ટ સામાજિક સંયોગોથી મુક્ત રીતે એ વિકસિત હોય છે.

ત્રીજી વાત તુલનાત્મક પદ્ધતિ દ્વારા સાહિત્યને એક સાર્વત્રિક(universal) ઘટના રૂપે સમજાવી શકાય. જેમ કે, મહાકાવ્યના સર્જક તરીકે મિલ્ટનને એક ચોક્કસ પરંપરામાં કામ કરનારા અનેક સર્જકોની વચ્ચે મૂકીને ઓળખાવી શકાય. નક્કર ઐતિહાસિક સંયોગોને બાજુએ રાખીને, વિશાળ પરિપ્રેક્ષ્યમાં, જે કોઈ આગવી ભાત જોવા મળે તેનો વિચાર તે કરશે. જેમ કે, એલિઝાબેથન યુગનાં અને ચીનનાં પ્રશિષ્ટ નાટકોની ટેકનિકોનો અભ્યાસ એ રીતે ફળદાયી નીવડી શકે. બેકેટના ટ્રેમ્પસ જે રીતે ગોદોની પ્રતીક્ષા કરે છે, અને બાલ્ઝાકની કથામાં શાહુકારનું પાત્ર ય તેના ગોદોની રાહ જુએ છે! – જોકે, બેકેટ પર બાલ્ઝાકનો પ્રભાવ નથી; તો પણ, આ ઘટનાઓ બદલાતા પરિપ્રેક્ષ્યમાં જુદીજુદી રીતે ઘટાવી શકાય.

આ બધી તો તુલનાવાદી શું શું કરી શકે તેની વાત થઈ. પણ એની મર્યાદાઓ ખરી કે નહિ? એનો ઉત્તર... તુલનાવાદી અધ્યયન સામાન્ય રીતે એ જ્યાં અનુવાદો અને તેના મૂળ પાઠોની તપાસ કરે ત્યાં જ કૃતિની ઝીણી ઝીણી વિગતોનું અવલોકન કરે, ત્યાં એ એને માટે અનિવાર્ય જ બની જાય છે, પણ બીજી રીતના અભ્યાસોમાં પાઠની એટલી બારીક તપાસમાં એ રોકાતું નથી. મૂળભૂત રીતે, તુલનાત્મક અધ્યયન એ બહિર્લક્ષી પ્રવૃત્તિ છે. તુલનાવાદીને, કેવળ તુલનાવાદી તરીકે કૃતિના ગહન રહસ્યબિંદુ સુધી ઊંડા ઊતરવાને અવકાશ રહેતો નથી. આ વિદ્યાશાખા વળી વિચારસરણીઓના ઇતિહાસને પણ ઠીકઠીક અતિક્રમી રહે છે. સાહિત્યક્ષેત્રનાં આંદોલનો અને વહેણોમાંય તુલનાવાદીને ઘણો રસ રહ્યો છે, પણ દરેક વિશિષ્ટ કૃતિના સંદર્ભે વિચારીએ તો એ બાહ્ય પરિમાણ જ ગણાય. સાહિત્યની રચનાપ્રક્રિયાની જે અનન્યતા છે તેની એ સાવ ઉપેક્ષા કરતું નથી, પણ દરેક કૃતિને અમુક સાંસ્કૃતિક સંદર્ભમાં મૂકીને જ એ જુએ છે. વત્તેઓછે અંશે એ સંદર્ભ આંતરરાષ્ટ્રીય સ્વરૂપનો સંભવે છે : પણ વિચારલક્ષી કે સમાજશાસ્ત્રીય નહિ, હંમેશ એ સૌંદર્યલક્ષી અભિગમ હશે. જોકે સાહિત્યકૃતિ વિશે અમુક નિશ્ચિત હકીકતોની સ્થાપના કરવાને તેની ‘જિનેસિસ’ની પણ અમુક મૂલ્યવત્તા ખરી. પણ આરંભકાળમાં તાર્કિક વિધેયવાદે તુલનાવાદીઓને કંઈ ગેરરસ્તે દોર્યા હતા. એ તબક્કે તેઓ વ્યક્તિઓ અને ઘટનાઓ વિશે નર્યો સમયક્રમ, તેની સહોપસ્થિતિ, કે સમયની ગતિરેખા માત્રથી વિચારવા પ્રેરાયા હતા. જોકે સમયના ક્રમની અવગણના વધુ ન થવી જોઈએ. પણ એ સાથે એનાથી વધુ પડતા દોરવાઈ પણ ન જવું જોઈએ. કેમ કે, દૂરના લાગતા સ્થળકાળમાં યે જે ધ્યાનપાત્ર સમાનતાઓ (અને તફાવતો) જોવા મળી હોય તે તરફ દુર્લક્ષ થવાની સંભાવના છે. બીજા શબ્દોમાં, તુલનાત્મક સાહિત્યની મુખ્ય નિસ્બત તે કંઈ ઐતિહાસિક સમયરેખા પર આવતી ઘટનાઓની નહિ, પણ તેની પુનરાવર્તિત થતી આવતી સંરચનાત્મક ઘટનાઓની છે. ભિન્નભિન્ન સ્થાનોમાં જેનાં મૂળ રહ્યાં હોય, તેવી સાહિત્યિક ઘટનાઓમાં આવી રચનાગત ભાત પર જ તુલનાવાદીનું મુખ્ય ધ્યાન ઠરેલું છે. બદલાતા રહેતા સંયોગોમાંય એ એક સર્વસાધારણ, ટકાઉ, અને સમયેસમયે ફરીથી પ્રગટતું તત્ત્વ છે.

સારાંશ :

‘તુલનાત્મક સાહિત્ય’ એ સાહિત્ય-અધ્યયનની જ એક શાખા છે. કોઈ પણ સ્થળકાળના સંદર્ભે જોવા મળતા અપારવિધ સાહિત્યિક આવિર્ભાવોની અંતર્ગત મૂળભૂત સંરચનાઓની જે ભાતો પડી છે, તેની તે તપાસ કરવા ચાહે છે. તાત્પર્ય કે, વિશિષ્ટ રૂપની એવી સાહિત્યિક ઘટનાઓમાં જે કંઈ સાર્વત્રિક તત્ત્વ છે. તેની જોડે તેની નિસ્બત રહી છે. આ દૃષ્ટિએ કેવળ સૈદ્ધાંતિક સ્તરે તો સંશોધન માટે અનંત ક્ષેત્ર છે. સર્વભાષાના સાહિત્યોના પરસ્પરના તેમ જ અન્ય કળા સ્વરૂપો જોડેના આંતરસંબંધોનું અધ્યયન તેનું મુખ્ય કાર્યક્ષેત્ર છે. ‘રંગરેખાઓ અને આકૃતિઓને પણ એના આગવા સાંસ્કૃતિક સંદર્ભમાં જ અર્થ પ્રાપ્ત થાય છે, – એમ એક અભ્યાસીએ કહ્યું છે, અને એ વાત લક્ષમાં રાખવા જેવી છે. કલાકૃતિ તરીકે ઓળખાવાતો પદાર્થ અત્યંત સંકુલ, બહુપાર્શ્વી અને સ્ફટિકઘન સંભવે છે. એને એના બાહ્ય સંદર્ભ સાથે અનેકસ્તરીય સંબંધો રહ્યા હોય છે. તુલનાવાદી આ વિશે ખોજ ચલાવે છે. કળાપદાર્થના કોઈ ને કોઈ પાસા પર વેધક પ્રકાશ પાડવાનો તેનો અંતિમ હેતુ છે, એ રીતે સાહિત્યવિવેચનમાં તે એક નવું પરિમાણ રચી આપે છે. એક બાજુ નર્યો આકારવાદ, અને બીજી બાજુ નર્યો ઐતિહાસિકતાવાદ – એ બે વચ્ચેનો માર્ગ તે સ્વીકારે છે. એલિયટે કહ્યું છે : ‘તુલના અને વિશ્લેષણ એ વિવેચકનાં મુખ્ય ઓજારો છે.’ તો આપણે જ્યારે કૃતિના વિશ્લેષણનો મહિમા કરવામાં રાચીએ છીએ, ત્યારે, તુલનાપ્રવૃત્તિની ઉપેક્ષા ન કરી બેસીએ એ પણ જોવું જોઈએ.

એતદ્‌, જુલાઈ, ૮૩.