zoom in zoom out toggle zoom 

< તત્ત્વસંદર્ભ

તત્ત્વસંદર્ભ/સંવિલક્ષી વિવેચન (મિસિસ લૉવેલ)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સંવિદ્‌લક્ષી વિવેચન

મિસિસ લૉવેલ

[જિનેવામાં કેન્દ્રિત થયેલું ‘સંવિદ્‌લક્ષી વિવેચન’ (The Criticism of Consciousness) એ અમેરિકા અને બ્રિટનમાં સહજ સ્વીકાર પામેલાં પરંપરાગત વિવેચનની સામે છેડેનું છે. કૃતિની આકૃતિને લક્ષતા, તેના વસ્તુલક્ષી પાઠના વિશ્લેષણનો મોટાભાગના ફ્રેંચ એવા આ વિવેચકો વિરોધ કરે છે, અને કોઈ પણ સાહિત્યકૃતિના પદ્ધતિસરના સહૃદય ભાવનની જ તેઓ હિમાયત કરે છે. આકારલક્ષી વિગતોની એ લોકો અવગણના કરે છે. અને સંવિદ્‌લક્ષી વિવેચક મૂળભૂત એવાં જે માનવપ્રત્યક્ષો(human perceptions)થી પ્રસ્તુત સાહિત્યની કૃતિ રચાવા પામી હોય તેની તપાસ હાથ ધરે છે. સાહિત્યની કૃતિ એ એક ‘ક્રિયા’ (act) છે. ‘અનુભૂતિ’ (experience) છે. ‘મનોવિશ્વ’ (mental universe) છે. એ કોઈ પદાર્થ તો નથી.]

સંવિદ્‌લક્ષી વિવેચકો(The Critics of Consciousness)એ પ્રસ્તુત કરેલા વિચારો સાથે પોતાના વિચારોનો મેળ બેસાડવાનું બ્રિટીશ કે અમેરિકન વાચક માટે મુશ્કેલ જ બનવાનું. સાહિત્યકૃતિને આપણે જે રીતે વાંચીએ છીએ એ રીતે એ વિવચકો વાંચતા નથી. અને, એમની વિશ્લેષણપ્રવૃત્તિ આપણી વાચનરીતિને ઉપયોગી બનતી નથી. દરેક કૃતિનો એક પદાર્થ લેખે અભ્યાસ કરવાનો છે, સ્વયં એને અર્થે જ એનો આસ્વાદ કરવાનો છે, એ રીતે આપણી દૃષ્ટિ કેળવાયેલી છે. વળી જેને વસ્તુલક્ષી કહી શકાય અને ઉપયોગમાં જે સરળ અને ચોક્કસપણે પરિણામકારી બને એવી નિશ્ચિત વિશ્લેષણની પદ્ધતિઓની આપણને તાલીમ મળી છે. કેમ જે, આવી વસ્તુલક્ષી કે આકૃતિલક્ષી વિવેચનપરંપરા કૃતિમાંથી બૌદ્ધિક અને રસકીય આનંદને અવકાશ આપે છે, તેથી એ જાતના ખ્યાલ સાથે મેળ ન સાધે તેવા કોઈ પણ અભિગમ પરત્વે આપણે ઉદાર બની શકતા નથી. આપણે આપણા ચિત્તને ખુલ્લું રાખવું છે એવો ભલે નિર્ણય કરીએ, તો પણ સાહિત્ય પરત્વે આપણને જે અતિબૌદ્ધિક કોટિના લાગે તેવા અભિગમ પરત્વે આપણે વિરોધી વલણ જ પ્રગટ કરતા હોઈએ છીએ.

સંવિદ્‌લક્ષી વિવેચકો જે ગૃહીતો લઈને ચાલે છે તે, સાહિત્ય વિશેના આપણા ખ્યાલો જોડે મેળમાં લાગતાં નથી. એ વિવેચકો સાહિત્યને એક ‘ક્રિયા’(act) તરીકે જુએ છે, પદાર્થ તરીકે નહિ; સાહિત્યસ્વરૂપો વચ્ચેય તેઓ કોઈ ભેદ સ્વીકારતા નથી. એક જ સર્જકની શ્રેણીબદ્ધ કૃતિઓમાં તેઓ એકમાત્ર અવાજની શોધ કરે છે, પ્રત્યેક કૃતિને સ્વાયત્ત અને અખંડ રચના લેખે તેઓ ગણતા નથી. વિશેષ તો એ કે, સાહિત્યકૃતિની અંતર્ગત જ વર્ણ્ય વિષયો(themes) અને પ્રવેગો(impulses)ની સુષુપ્ત તરેહો તેઓ શોધે છે. અને આકારગત પાઠની સમપ્રમાણતાઓ અને સંદિગ્ધતાઓની ચર્ચા તેઓ કરતા નથી. શબ્દોને એ વિવેચકો વિશિષ્ટ માનવીય વૉલ્ટેજનું વહન કરનાર શક્તિના nodes તરીકે વર્ણવે છે. એ રીતે, શબ્દોનું સ્વરૂપ જ એવું છે કે આપણી સામાન્ય પદ્ધતિએ એનું વિશ્લેષણ જ ન થઈ શકે, એના અભિગમમાં આકૃતિલક્ષી વિગતો સર્વથા અપ્રસ્તુત બની રહે છે. એટલે આ (સંવિદ્‌લક્ષી) વિવેચનને આકૃતિલક્ષી ઘટકોમાં ઢાળી શકાય નહીં. આ (સંવિદ્‌લક્ષી) વિવેચકોને જે ભાવક સમજવા ચાહે છે તેણે તો, ‘સારા’ કે ‘નરસા’ પદાર્થ તરીકે જેનો વિચાર કરી શકાય એવા ‘સૌંદર્યકીય પદાર્થ’ (aesthetic object) તરીકે સાહિત્યનો લગીરે વિચાર કરવાનો નથી.

આ સાહિત્યવિવેચનને ‘અસ્તિત્વલક્ષી’ (existential) વિશેષણ લાગુ પાડવામાં આવે તો એ પ્રયોગ સ્વીકારવાની ભાવકની તત્પરતા હોવી જોઈએ. ‘અસ્તિત્વલક્ષી’ સંજ્ઞાને જુદીજુદી એટલી અર્થચ્છાયાઓ પ્રાપ્ત થઈ છે કે હવે એનો કશો જ અર્થ રહ્યો નથી – અથવા, એ સંજ્ઞાથી જો કંઈક વિશેષ સૂચવાતું હોય તો તે સામાન્ય રીતે વિશિષ્ટ તત્ત્વજ્ઞાન સૂચવાઈ જાય છે, – ૧૯૪૦ પછીના દાયકામાં સમસ્ત ફ્રાન્સમાં એવા તત્ત્વજ્ઞાનનો વિકાસ થયો, હિડેગર અને હુસેર્લ જેવા તત્ત્વજ્ઞાનીઓમાં એનો ઉદ્‌ગમ બતાવી શકાય. આ ઐતિહાસિક ‘અસ્તિત્વવાદ’ તો એણે ‘પસંદગી’ (choice)ના તત્ત્વ પર જે ભાર મૂક્યો છે, અને ખાસ તો આ વિશ્વમાં જ્યાં મૂલ્યો અને આચારસંહિતાનો અભાવ છે ત્યાં માનવસ્વાતંત્ર્યની વ્યાખ્યા કરવાનો પ્રયત્ન કર્યો તે કારણે ધ્યાનપાત્ર છે. એ માનવતાવાદી કે રાજકારણીય ‘અસ્તિત્વવાદ’ છે. સાર્ત્ર અને સિમૉન દ બૉવોર જેવા એના મુખ્ય ઉદ્‌ગાતાઓ સાહિત્યિક કરતાંયે એના રાજકારણીય દૃષ્ટિકોણ પર વિશેષ ભાર મૂકે છે. તેમના કહેવાતા અસ્તિત્વવાદી વિવેચનને તેઓ તેમનાં પૂર્વવિભાવિત માનવીય મૂલ્યોના સંદર્ભે જોડે છે. આ ઐતિહાસિક અસ્તિત્વવાદને સાહિત્યના અસ્તિત્વવાદી પરિપ્રેક્ષ્ય સાથે – જે સાહિત્યકૃતિ સ્વયંથી બાહ્ય એવા કોઈપણ ધોરણ જોડે સંબંધ ધરાવતો નથી એની સાથે – એને બહુ ઓછી લેવાદેવા છે.

સંવિદ્‌લક્ષી વિવેચકનો ‘અસ્તિત્વવાદ’ તો સાહિત્યમાં પ્રગટ થતા માનવસંવિદ્‌ના વિશ્લેષણમાં જ સમાઈ જાય છે. માનવીની પોતાના અસ્તિત્વની સભાનતા અને એ સભાનતાને વ્યક્ત કરવાની તેની રીતિ એ જ એના વિવેચનની સામગ્રી બને છે, જે પોતાને ‘એક્ઝીસ્ટન્શિયલ’, ‘ઑન્ટોલોજિકલ’, ‘ફિનોમિનોલોજિકલ’, ‘જિનેટિક’ કે ‘ક્રિટિસીઝમ ઑફ કૉન્સિયસનેસ’ તરીકે ઓળખાવે છે. આ વિવેચકો પોતે વ્યવસાયી તત્ત્વજ્ઞાનીઓ નથી. એટલે પોતાની વિવેચનપદ્ધતિને વર્ણવવાને જુદેજુદે પ્રસંગે આ પૈકી કોઈ પણ સંજ્ઞા તેઓ યોજે છે. જ્યોર્જ પુલેટ એવો પ્રથમ વિવેચક હતો જેણે આ જાતના વિવેચનને ‘સંવિદ્‌લક્ષી વિવેચન’ (The Criticism Of Consciousness)ની સંજ્ઞાથી ઓળખાવ્યું. પછીથી તેણે એને Genetic Criticism નામ આપ્યું. અને તાજેતરમાં તે માટે Thematic Criticism એવો શબ્દપ્રયોગ કર્યો. પણ, અસ્તિત્વ વિશેની સર્વસામાન્ય નિસબત ધરાવતી હોવાથી આ બધી વર્ણનાત્મક સંજ્ઞાઓ જોડાયેલી છે. દા.ત. ‘ઓન્ટોલોજિકલ’ સંજ્ઞાથી સામાન્યતઃ હયાતીનો ખ્યાલ (the theory of being) સૂચવાય છે, ‘ફિનોમિનોલોજિકલ’ સંજ્ઞાથી માનવીની પોતાની આસપાસના વાતાવરણ વિશેની સમગ્ર સભાનતાનો નિર્દેશ થાય છે; ‘જિનેટિક’ સંજ્ઞાથી કૃતિના વાચન દરમ્યાન એના સર્જકની અનુભૂતિથી એની શબ્દગત સંરચના સુધી કૃતિના ઉદ્‌ભવ (genesis)નો, પુનઃઅનુભવ કરવાનો વિચાર અભિપ્રેત છે (‘જિનેટિક ક્રિટિસીઝમ’ની અંગ્રેજીમાં પ્રચલિત વ્યાખ્યા – જેમાં સાહિત્યસર્જકના ચરિત્રને લક્ષવાથી થતા દોષનું સૂચન છે – તેથી આ જુદી જ વાત છે.) ‘થિમેટિક’ સંજ્ઞાથી પ્રત્યક્ષના જે વર્ણ્ય વિષયો સંવિદ્‌ની તરેહો રચે છે તેનું સૂચન થાય છે; અને ‘એક્ઝીસ્ટેન્શિયલ’ અને ‘ક્રિટિસીઝમ ઑફ કોન્સિયસનેસ’ એ સંજ્ઞાઓ વળી એવા સર્વગ્રાહી ખ્યાલો સૂચવે છે તેથી જે જે માનવીય પ્રત્યક્ષો(human perceptions) સાહિત્યકૃતિ તરીકે સંયોજાય છે, તેની કોઈ પણ રીતની ખોજનો એમાં અવકાશ સૂચવાય છે.

આથી યે વિશેષ તો, સંવિદ્‌લક્ષી વિવેચકો સાહિત્યને આંતરસંગતિવાળા માનવઅનુભવના શાબ્દિક સંકેત તરીકે જુએ છે. તેમને મતે, સાહિત્યમાં લેખકનાં પોતાનાં પ્રત્યક્ષોનો અને તેનાં કૌશલ્યોનો ઉપયોગ થયો હોય છે, અને એમાંથી બિલકુલ એક નવી જ સાહિત્યિક પ્રતિમા નિર્માણ થાય છે. લેખકનો આ એક એવો અવતાર છે, જેમાં તેનો ખુદનો અનુભવ જ ક્રમશઃ પાઠ(text)નો આકાર લે છે. એ રીતે સર્જકની ‘સંવિદ્‌ની ક્રિયા’ તે જ ‘સાહિત્યની ક્રિયા’ બની રહે છે. સાહિત્યની અભિજ્ઞતા વિશેનો આખોય આ સિદ્ધાંત સાહિત્યની આ વ્યાખ્યાને અનુસરે છે. આ વિવેચકો માટે પાઠ એ આકારગત પદાર્થ નથી, રાજકારણનું ઓજાર નથી, ચરિત્રની લગતી ચાવી નથી, મનોવૃત્તિનું લક્ષણ નથી, સમાજ-જીવનની ‘મિથ’ નથી, કે ધાર્મિક અનુભૂતિનું પ્રગટીકરણ નથી. તેઓ એમ માને છે કે સાહિત્ય એ આત્મપર્યાપ્ત માનવ-અભિવ્યક્તિ છે. અને પોતાનાં અવલોકનોનું સમર્થન કરવાને તેઓ બહારનાં ધોરણો કદીય આણતા નથી. આકારવાદી વિવેચકો જે રીતે પોતાના દૃષ્ટિબિંદુને વળગી રહે છે એ જ રીતે એઓ પણ સુસંગત રહીને પોતાના દૃષ્ટિબિંદુને વળગી રહે છે, એટલે તમે તેમને ‘અતિ-સાહિત્યવાદી’ કહી શકો નહિ, સિવાય કે, અતિ સંકુલ અર્થમાં. તેમને મતે, સાહિત્ય, શબ્દોની અંતર્ગત આંતરસંગતિવાળો એક માનવીય અનુભવ સર્જે છે, અને એ કોઈ સ્થગિત થઈ ગયેલી શબ્દગત તરેહો નથી. તેઓ એમ પણ પ્રતિપાદિત કરે છે કે સાહિત્યના પાઠનું બંધારણ એ પ્રવેગો(impulses)ની તરેહો પર ચણાયું હોય છે. એટલે, વિવેચકે તો લિખિત પાઠ અને જે સુષુપ્ત અનુભવ તરફ એ સંકેત કરે છે, એ બંનેનું વિશ્લેષણ કરવું જોઈએ.

આવો વિવેચનાત્મક અભિગમ કેવળ સપાટી પરના પાઠનાં રૂપોનું મહત્ત્વ ઓછું કરી નાખશે. કેમ જે, આવાં (પાઠનાં) રૂપો તે તો સમસ્ત સાહિત્યિક અનુભવનો અંશમાત્ર છે, એમ એમાં સ્વીકારાયું છે. એ રીતે સંવિદ્‌લક્ષી વિવેચક લેખકના પ્રત્યક્ષકારી ચિત્તને જ અવલોકવા ચાહે છે, તેની કૃતિમાં મૂર્ત થયેલાં પ્રત્યક્ષોની તરેહો તે પાઠની આકારગત તરેહો જોડે કેવી રીતે સંવાદિત સાધે છે તેનેય તે સમજવા ચાહે છે. એટલે કે, એ વિવેચક પાઠને technical object લેખવે નહિ, તેમ એ બાબતે technical competanceને પણ વિશેષ મહત્ત્વ આપે એમ બનશે નહિ. આપણા પોતાના અભિગમ કરતાં સંવિદ્‌લક્ષી વિવેચનનો અભિગમ સાવ જુદો છે અને ભાવક પાસે સાહિત્ય વિશે નવી સમજની તેમ એના વાચનની જુદી જ પદ્ધતિની અપેક્ષા રાખે છે.

કંકાવટી, ઑક્ટો., ૭૭.