zoom in zoom out toggle zoom 

< તત્ત્વસંદર્ભ

તત્ત્વસંદર્ભ/પ્રતિબદ્ધ સાહિત્ય (મૅક્સ એડિરિથ)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રતિબદ્ધ સાહિત્ય

મૅક્સ એડિરેથ

‘પ્રતિબદ્ધ સાહિત્ય’નો ખ્યાલ, ખરું જોતાં તો, સાહિત્ય પરના આધુનિક વિચારસરણીઓ(ideologies)ના પ્રભાવમાંથી નિપજી આવ્યો છે. આ સૌ વિચારસરણીઓમાં મતમતાંતરોય ઘણાં છે, પણ એમાં એક વાત સર્વસામાન્ય રૂપે જોવા મળે છે : આ સૌ વિચારસરણીઓ, આપણા સમાજજીવનના સ્તરે ગંભીર અને ત્વરિત પરિવર્તનો આવી રહ્યાં છે તેનો પડઘો પાડે છે. એટલે આ વિચારસરણીઓ આ જગતમાં આપણું પોતીકું સ્થાન ક્યાં છે અને એને બીજાંઓ પ્રત્યે આપણી કઈ જવાબદારી ઊભી થાય છે તે અંગે સમુચિત દૃષ્ટિ કેળવવાની આપણને સૌને ફરજ પાડે છે. આ પ્રકારની વિચારસરણીઓના પ્રભાવ નીચે ખાસ તો આજનો લેખક પોતાની સાહિત્યપ્રવૃત્તિ પરત્વે નવો જ અભિગમ લઈને ચાલતો દેખાય છે, કહો કે પોતાની રીતે પ્રતિબદ્ધ બને છે. આનો સીધોસાદો અર્થ એમ થાય કે પોતાની કળાનું સાચું સ્વરૂપ તો વાસ્તવિકતાના જ કોઈ એક પાસા પર પોતાનું લક્ષ્ય કેન્દ્રિત કરવામાં અને તેને વિશે અનિવાર્યતયા પોતાનો ચુકાદો રજૂ કરવામાં છતું થાય છે એવી તીવ્ર સભાનતા તે કેળવી ચૂક્યો છે. ‘પ્રતિબદ્ધતા’ના આ આધુનિક ખ્યાલની મૂળ મૌલિકતા એ વાસ્તવમાં રહી છે કે ‘પ્રતિબદ્ધતા’નો ખ્યાલ એ હવે સાહિત્યની સાહિત્યિકતાથી અલગ અને વિભાજ્ય તત્ત્વ રહ્યું નથી. હકીકતમાં કળાના ક્ષેત્રમાં બાહ્ય વાસ્તવિકતા રૂપે પ્રતીત થતા આપણા આ વિશ્વને ઘણું મોટું સ્થાન હોવું જોઈએ. એટલા મંતવ્યોચ્ચારમાં એ ખ્યાલ સમાઈ જતો નથી. અભિનિવેશ સાથે એ એમ સ્થાપવા ચાહે છે કે કોઈ પણ લેખક આમસમાજને (કે એના સમયના વાચકના સમૂહને) જેટલા પ્રમાણમાં એની પરિસ્થિતિનું નક્કર અને વાસ્તવિક ચિત્ર આલેખી આપી શકે અને એના પોતીકા પ્રશ્નોનું અને એના સંઘર્ષોનું યથાર્થ ચિત્રણ આપી શકે, તેટલા પ્રમાણમાં તે મહાન બની રહે છે. આમ, તે પોતે જ એક માનવીય નાટકનું આલેખન કરવા પ્રવૃત્ત થયો છે તેમાં તે હવે કેવળ તટસ્થ સાક્ષી નથી. એ નાટકમાં નિજી ભૂમિકા નિભાવતો તે એક અભિનેતા પણ છે અને તેની જે કંઈ સફળતા નિષ્ફળતા સંભવે છે તેનો અંદાજ આ રીતે જ બંધાય છે. તેને વિશે હવે એવી એક અપેક્ષા જન્મી પડી છે કે તેણે પોતાની આ ભૂમિકા પૂરી સભાનતાથી નિભાવવાની છે.

‘પ્રતિબદ્ધ સાહિત્ય’નો ખ્યાલ, આમ જુઓ તો, ફ્રેંચ પ્રજાનો કોઈ પોતીકો ખ્યાલ નથી. પણ એ વિશે પ્રથમ વાર સંગતિપૂર્વકની રજૂઆત યુદ્ધોત્તર ફ્રાન્સમાં થઈ, અને તે સંભવતઃ એ કારણે કે યુદ્ધ અને સંઘર્ષનાં એ વર્ષોમાં ફ્રાન્સની પ્રજાને જીવનનાં બધાં જ મૂલ્યોની ફેરચકાસણી કરી લેવાની ઊંડી જરૂરિયાત વરતાઈ. આમ પાંચમા દાયકાના ઉત્તરાર્ધમાં સાહિત્ય આવા આપણા જગતમાં ખરેખર શી ભૂમિકા ભજવી શકે એ પ્રશ્ન પરત્વે ત્યાં સૌનું ધ્યાન ખેંચાયું અને સ્વાભાવિકપણે જ ત્યાં ‘પ્રતિબદ્ધતા’નો ખ્યાલ નિપજી આવ્યો. એમાં એક બાજુ કળાના કેટલાક પોતીકા પ્રશ્નોનો ઉત્તર હતો, બીજી બાજુ સમાજજીવનની અમુક જરૂરિયાતો એથી સંતોષાતી હતી. ખરેખર તો આજે એ વિશિષ્ટ સંયોગો રહ્યા નથી, અને છતાં એ હિલચાલ ટકી ગઈ છે, એટલું જ નહિ, બીજા દેશોમાં પણ એ વિસ્તરી ચૂકી છે. આ હકીકત એમ બતાવે છે કે જે વિશિષ્ટ સંજોગોએ ‘પ્રતિબદ્ધતા’ના ખ્યાલને જન્મ આપ્યો તેના પર જ તે નિર્ભર નથી. આપણી આ સદીમાં આ ખ્યાલ જે રીતે ઉદ્‌ભવ્યો તે વસ્તુ લક્ષમાં લેતાં એમ સ્પષ્ટ થાય છે કે વર્તમાન સમયની જરૂરિયાતો સાથે એ સર્વથા અનુરૂપ છે. એનાં બે કારણો છે : એક, આજે આપણે જે વાસ્તવિકતાનો સામનો કરી રહ્યા છીએ તે એટલી જ તેજ ગતિએ આગળ વધી રહી છે કે એમાં થોડાક પણ સંડોવાયા વિના એને અંશતઃ સમજવાનું ય મુશ્કેલ બની ગયું છે. બીજું, જેઓ કિનારા પર અળગા રહીને પ્રવાહને જોવા ચાહે છે તેઓ જીવનનાં મૂળભૂત સત્યોથી જ વંચિત રહી જાય એમ છે. જોકે એ રીતે કળાપ્રવૃત્તિનો હંમેશ માટે અંત આવી જશે એમ અહીં અભિપ્રેત નથી. (કેમ કે મૌલિક પ્રતિભા જુદીજુદી રીતે પ્રગટ થવાને અવકાશ મેળવી લેતી હોય છે.) પણ એવી કળાનો પ્રભાવ ઘણી રીતે મર્યાદિત હોય છે. માનવીય ગૌરવને એમાં એટલું સ્થાન મળ્યું હોતું નથી. કળાની પ્રવૃત્તિ એ સર્વથા અલગ અને સ્વતંત્ર બાબત છે, એ જાતનો ખ્યાલ કેળવીને ભૂતકાળના કળાકારો માટે આત્મવંચના કરવાનું શક્ય હતું. અને કેટલાક કળાકારો ખરેખર આવી વંચનામાં રહ્યા હોય તો તે એટલા માટે કે તેઓ પ્રતિભાસંપન્ન હતા, છીછરી અને આભાસરૂપ ઘટનાઓને ભેદીને તેઓ ઊંડે સુધી જોઈ શકતા હતા. આજે આવી આભાસી ઘટનાઓ પાછળ કોઈ છુપાઈ જઈ શકે તેમ રહ્યું નથી. આપણી સામે એ વાત હવે સારી રીતે સ્પષ્ટ થઈ ચૂકી છે કે અપરિવર્ત્યશીલ લેખાતી માનવપ્રકૃતિ કંઈ કળાસર્જનનું ક્ષેત્ર નથી, સાચું ક્ષેત્ર તે સમકાલીન માનવપરિસ્થિતિ છે. આ માનવપરિસ્થિતિને એનાં આગવાં અને અનન્ય એવાં લક્ષણો છે. અને આ પ્રકારની સૌથી મૂળભૂત પરિસ્થિતિના આશ્રયે જ કળાકાર ચિરંતન અને સાર્વત્રિક લાગણીઓ વર્ણવી શકે અને આ રીતનું આલેખન થાય તો જ કળાને કાયમી પ્રભાવ પ્રાપ્ત થાય. માનવજીવનના શાશ્વત પ્રશ્નો એ કોઈ પણ ચોક્કસ સમયના કોચલામાં પરિબદ્ધ હોય છે એ જાતનું વિરોધવચન હવે વિરોધવચન રહ્યું જ નથી. આપણે આપણા જીવનમાં એવા વિરોધને મૂર્તિમંત થયેલો જોયો છે. અને સમયના કોચલાને તોડીને ઉશેટી નાખતાં તો આપણી પાસે કેવળ અમૂર્ત અને નિર્જીવ સૂત્રો જ રહી જાય છે.

વર્તમાન વિશેની આ રીતની પ્રખર સભાનતાની સાથે આપણા યુગને વિશિષ્ટપણે લક્ષતા બીજા એક બાહ્ય વાસ્તવના પરિબળનો સંયોગ થયો છે અને એ છે આધુનિક સંસ્કૃતિની ઘોર કટોકટી. બે વિશ્વયુદ્ધોએ આપણી ઘણી એક ભ્રાંતિઓના ચૂરેચૂરા કરી નાખ્યા છે; એટલું જ નહીં, માનવજાતિ આજે જીવન અને મૃત્યુ વચ્ચે નિર્ણય કરવાની પરિસ્થિતિમાં ધકેલાઈ ગઈ છે. અણુશક્તિના આ યુગમાં આપણી સાથે આજે જે મોટી નિર્ણાયક પળ આવી છે, સંવેદનપટુ માણસો એમાંથી છટકી શી રીતે શકે? કેટલાક લેખકો, અલબત્ત, આ વિશે નવું વક્રદર્શી વલણ અપનાવીને ચાલતા દેખાશે જ્યારે બીજાઓ, આ સમસ્યા તો અતિ વિરાટ છે, અતિ દૂરની છે, એમ કહીને એ સમસ્યાને ફગાવી દેવા ચાહે છે પણ આ રીતનાં બંનેય વૃત્તિવલણોમાં વિરોધનો સૂર સાંભળી શકાય. વળી, વાસ્તવિકતાનો સામનો કરવાનો આ ઇન્કાર, ચાહીબૂઝીને હોય કે કાયરપણામાંથી જન્મ્યો હોય, સમકાલીન વાસ્તવિકતાનો લોપ કરી શકતો નથી. એમ બનવું જ અસંભવિત! જે ચિંતકો અને કળાકારો એમ માને છે કે વાસ્તવિકતાની સામેથી પોતે મુખ ફેરવી લીધું છે તેમના વિસર્જનમાં એ વાસ્તવિકતા પાછલે બારણે દાખલ થઈ ચૂકી હોય છે. ઉદાહરણ તરીકે, તીખા તરુણ યુવાનોનો વિદ્રોહ, એબ્સર્ડનું નાટ્યમંચ કે ‘નવ્ય નવલકથા’ જેવા પ્રકારની નવલકથામાં રોબ્બ ગ્રિયેએ દાખવેલી તાટસ્થ્યપૂર્વકની વસ્તુલક્ષિતા – એની એવી ચળવળો આજના યુગ કરતાં ઓછા સંક્ષુબ્ધ અને ઓછા હિંસક યુગમાં સંભવી હોત કે કેમ એ પણ એક પ્રશ્ન જ રહે છે. અને ‘નવ્ય નવલકથા’ના આવિષ્કારમાં તો માનવવ્યક્તિઓને આજે જે રીતે કચડી દેવામાં આવે છે તેવો એક અમાનુષી જગતનો જ પડઘો સાંભળી શકાય છે. પ્રતિબદ્ધ લેખો આવા કોઈ પણ સાહિત્યપ્રવાહને તિરસ્કારતા નથી; તેઓ એવી માન્યતા પ્રગટ કરે છે કે સમાજ અને લેખક વચ્ચે જે કડીઓ રહી છે તેનો ખુલ્લેખુલ્લો સ્વીકાર કરવામાં જ વધુ પ્રામાણિકતા રહી છે અને એ જાતનો સ્વીકાર જ લાભદાયી નીવડે એમ છે. અને આ માર્ગ છે પ્રતિબદ્ધતાનો માર્ગ. એમાં મુશ્કેલીઓય ઘણી છે, પીછેહઠના પ્રસંગોય છે. પણ એને ટાળીને ચાલવાનું મુશ્કેલ છે.

‘પ્રતિબદ્ધતા’ સામેની દલીલ :

પ્રતિબદ્ધ લેખકે પોતે કેળવેલા અનેક ખ્યાલો અને ટેવોને ફગાવી દઈને પોતાની પ્રવૃત્તિનો આરંભ કરવાનો હોય છે. એટલે ‘પ્રતિબદ્ધતા’ના ખ્યાલ સામે જે કેટલાક સૌથી મહત્ત્વના વાંધાઓ ધરવામાં આવ્યા છે તેની ટૂંકી સમીક્ષા કરી લેવાનું અહીં ઇષ્ટ લાગે છે. ‘પ્રતિબદ્ધ સાહિત્ય’નું સાચું સ્વરૂપ એથી સ્પષ્ટ થશે અને એના ઉદ્દેશો વિશે સંભવિત ખોટા ખ્યાલો દૂર કરવામાં એથી સહાય મળશે. ‘પ્રતિબદ્ધ સાહિત્ય’ની સામે વારંવાર એક ટીકા એ થઈ છે કે એમાં રાજકારણને વધુ પડતું સ્થાન મળી ગયું છે. ફરીફરીને આ જાતનો વાંધો એની સામે રજૂ થતો રહ્યો છે, અને પ્રતિબદ્ધ સાહિત્ય એટલે રાજકારણને લક્ષતું સાહિત્ય, અથવા પ્રતિબદ્ધ સાહિત્યમાં રાજકારણ જ મુખ્ય રસનો વિષય છે એ રીતનો એનો સ્વીકાર કરનારા લોકોય જોઈએ તેટલા મળી રહેશે. આર. આલ્બેરે જેવા સૂક્ષ્મ દૃષ્ટિવાળા વિવેચકે પણ એવી ફરિયાદ કરેલી છે કે પ્રતિબદ્ધ લેખકોએ રાજકારણ પર વધુ પડતું લક્ષ્ય કેન્દ્રિત કર્યું છે. હવે પ્રતિબદ્ધ લેખક આ ફરિયાદનો ઉત્તર આપતાં આરંભમાં જ એ વાત તરફ ધ્યાન ખેંચશે કે આપણા સમયની જે સર્વસાધારણ કટોકટી છે તેનું સૌથી ઉત્કટ આવિષ્કરણ રાજકીય કટોકટીમાં પ્રત્યક્ષ થાય છે. આપણા જે કંઈ નૈતિક અને વિચારમૂલક સંઘર્ષો છે તેની પાછળ રાજકીય પશ્ચાદ્‌ભૂમિકા રહી છે, અને ખરેખર તો આપણા ખાનગી જીવનનું ભાગ્યે જ કોઈ એવું પાસું હોય જેની સાથે એક યા બીજી રીતે રાજકીય સંઘર્ષ ગૂંચવાયો ન હોય. આરાગોં અને સાર્ત્રએ તેમની નવલકથાઓમાં વારંવાર આ મુદ્દો ઉપસાવી આપ્યો છે. ઉદાહરણ તરીકે, આરાગોંની કથા ‘પેસેંજર્સ ઑફ ડેસ્ટિની’માં મુખ્ય પાત્ર તરીકે આવતો માનવી પોતાના સમયની રાજકીય ઘટનાઓને જાણી કરીને અવગણતો રહે છે અને એ બાબતનો તે ગર્વ કરે છે, અને નાણાંબજારને લગતી છાપાંની કટારો સિવાય બીજા કોઈપણ સમાચાર વાંચવાનોય તે ઇન્કાર કરતો રહે છે પણ, કથાના અંત ભાગમાં કોઈ અકસ્માતને કારણે તેને શરીરના અડધા ભાગમાં લકવો થયાનું વર્ણન મળે છે. વિધિની સૌથી મોટી વક્રતા એ છે કે જીભથી ઉચ્ચારો કરવાની તેની શક્તિ લગભગ નષ્ટ થઈ જાય છે : એક માત્ર ‘પોલિટિક’ શબ્દને તે ગણગણી શકે છે! આ એક શબ્દની સહાયથી તે, જે સ્ત્રી તેની સારસંભાળ રાખે છે તેને ભૂખ, તરસ, ઊંઘ જેવી પોતાની જરૂરિયાતોનો ખ્યાલ આપી શકે છે. એક રીતે આ એક અનોખી પણ બળવાન રૂપકગ્રંથિ છે; વીસમી સદીમાં માનવજાતિની નિયતિ રાજકારણ દ્વારા નિર્ણિત થવાની છે એવું સૂચન એમાં રહેલું છે. (નેપોલિયને રાજકારણને નિયતિનું આધુનિક રૂપ લેખવ્યું હતું.) સાર્ત્રની નવલકથા ‘રિપ્રિવ’માંય આ જ ખ્યાલ રજૂ થયો છે. એમાં મુખ્ય ઘટના ૧૯૩૮ના વર્ષની કટોકટીના સમયે આકાર લે છે અને એમાંના દરેક પાત્રનું ભાવિ હિટલરના નિર્ણયોથી અને તેની માગણીઓના સંદર્ભમાં ચેમ્બરલેન અને ડેલાડિયર સાથેની તેની સમજૂતીથી અસર પામ્યું છે. એમાં સૌથી કરુણ અને દયાજનક પાત્ર ગ્રોસ લૂઈનું છે : આ અબુધ કિસાન કોઈને કશોય હાનિકર્તા નથી, પણ પોતાની ઇચ્છાવિરુદ્ધ તેને એક સ્થળેથી બીજે સ્થળે ઘસડાતા રહેવું પડ્યું છે. અને છેવટે તેને જેલમાં બેસવાનો વારો આવ્યો છે. આશ્ચર્યની વાત એ કે જે રાજકારણ વિશે તે સર્વથા અણજાણ છે તેનો જ તે ભોગ થઈ પડે છે. અનિવાર્યતયા એ વાત અહીં તરી આવે છે કે રાજકારણની આપણે ભલે અવગણના કરીએ, રાજકારણ આપણને છોડવાનું નથી.

આનો અર્થ એમ નહિ કે પ્રતિબદ્ધ કળાકૃતિઓના નિર્માણ અર્થે રાજકારણ એ જ એક માત્ર વિષય છે, અથવા એ જ સૌથી મહત્ત્વનો વિષય છે. કેટલીક કૃતિઓમાં ખરેખર તો એ લગભગ અનુપસ્થિત હોય છે. જેમ કે પેગુ અને આરાગોંની ઊર્મિ-કવિતાઓ. ‘પ્રતિબદ્ધ’ લેખાતી નવલકથાઓમાં, ખાસ કરીને આલગોંની કથાઓમાં, મુખ્ય વસ્તુ પાત્રના અંગત જીવનને લગતું હોય છે. એવાં પાત્રો પોતાના વ્યક્તિગત પ્રશ્નોના નિરાકરણ અર્થે પ્રવૃત્ત થતાં હોય છે, પણ તેમની હરેકની નિયતિ ઘડવામાં રાજકારણ કેવી રીતે ભાગ ભજવી રહ્યું છે તે વિશે સામાન્યતઃ તેઓ અનભિજ્ઞ જ રહી જાય છે. સાર્ત્રની કથા ‘રોડ્‌ઝ ટુ ફ્રીડમ’નાં મુખ્ય પાત્રોની બાબતમાંય આ સાચું ઠરે છે. પણ આ નવલકથાકારો પોતે, પોતાનાં એ સૌ પાત્રો પોતાના સમયના સમાજમાં દૃઢપણે મૂળ નાંખીને વિસ્તરી રહ્યાં છે, એ વાતનું ક્યારેક વિસ્મરણ કરતાં નથી, એટલે રાજકીય સમસ્યાઓનું મહત્ત્વ ખરેખર કેટલું છે તે વિશેનો તેમને સંદેશ, એ પાત્રોના ચિત્તમાં સભાનતાના સ્તરે એ પ્રશ્નો કેવી તો અલ્પ અસરો પાડે છે તે દર્શાવીને રજૂ કરે છે. રાજકીય દૃષ્ટિબિંદુ કથામાં પ્રયાસપૂર્વક કે જોરશોરથી ભાગ્યે જ મૂકવામાં આવે છે – માત્ર એનું ગર્ભિત સૂચન જ કરવામાં આવ્યું હોય છે. આપણે એમ કહી શકીએ કે પ્રતિબદ્ધ કથાસાહિત્યમાં રાજકારણ એ વસ્તુતઃ પશ્ચાદ્‌ભૂમિકા જ છે. અતિ આવશ્યક, પણ પશ્ચાદ્‌ભૂમિકા રૂપે જ.

વળી, ‘પ્રતિબદ્ધ સાહિત્ય’ એ વાતનોય સ્વીકાર કરતું નથી કે પૂર્ણ વ્યક્તિસ્વાતંત્ર્ય સમાજની બહાર રહીને કે સમાજની સામે પડીને સિદ્ધ થાય છે બલકે, એ એવો મત દાખવે છે કે સમાજની બહાર માણસ એક માણસ રહી શકતો નથી : જંગલની કોટિમાં તે ધકેલાઈ જાય છે અને સૌથી કઠોર નિયતિવાદનો તે ભોગ થઈ પડે છે, માનવીય સ્વાતંત્ર્ય એ એક પ્રયત્નપૂર્વક હાંસલ કરેલો સામાજિક વિજય છે. પ્રતિબદ્ધ લેખકો વળી એમ સ્પષ્ટ કરવા ચાહે છે કે સમાજ વ્યક્તિની મુક્તિ વૃત્તિઓને તોડી નાંખે છે એ ખ્યાલ પણ બરોબર નથી. એ ખરું કે સમાજની સંસ્થાઓ વ્યક્તિની આત્માભિવ્યક્તિમાં અવરોધક એને – અને વારંવાર અવરોધક બનીય છે – પણ એનો ઇલાજ એ સંસ્થાઓની સામે આક્રમણ કરવાનો છે, એને નષ્ટ કરવાનો છે; એની અવગણના કરવા માત્રથી જ એની અનિષ્ટ અસરો દૂર થવાની નથી : શાહમૃગ પોતાની સામે દુશ્મનને જુએ છતાં ન જોયું કરીને માથું સંતાડી દે તેવી એ વાત થશે.

પ્રતિબદ્ધ સાહિત્યનાં પાત્રોને આ જે વાત લાગુ પડે છે તે પ્રતિબદ્ધ સર્જકને પોતાને વળી વધુ સમર્થ રીતે લાગુ પડે છે. તેની સર્જનપ્રવૃત્તિ અને ક્રિયાશીલ માનવી તરીકે તેનું જીવન એ બે વચ્ચે અરસપરસ ફળદાયી આદાનપ્રદાન ચાલતું રહે છે. તેની ક્રિયાશીલ જિંદગી તેને તેની કળા માટે સમૃદ્ધ સામગ્રી પૂરી પાડે છે; તે લોકોની વચ્ચે જઈને હળેમળે છે, તેમની મુશ્કેલીઓમાં સહભાગી બને છે, અને તેમની લાગણીઓનો સાચો ખ્યાલ મેળવે છે. બીજી બાજુ, તેની કૃતિઓ લોકોને પોતાને પોતા વિશે સમજવામાં મદદગાર બની રહે છે. પેગુ આ હકીકતનું સંભવતઃ સૌથી વધુ પ્રતીતિકારક દૃષ્ટાંત બની રહે છે. કેમ કે, તેણે જે જે આધ્યાત્મિક સત્યો શોધી કાઢ્યાં છે તે તેને પોતાના સમયના સંઘર્ષોમાં ઊંડી સંડોવણીમાંથી પ્રાપ્ત થયાં છે. ડ્રેફ્સની નિર્દોષતા માટે તેને જે લડત આપવી પડી તે દરમ્યાન માનવીની ‘શાશ્વત મુક્તિ’ના પ્રશ્નોનો તેને સીધો મુકાબલો કરવાના પ્રસંગો આવ્યા.

અને છેવટે, સાર્ત્રના મતે અધિભૌતિક ઝંખના – મેટાફિઝીકલ એંગ્વિશ – (એટલે કે જીવનનો પૂર્ણ અર્થ ગ્રહણ કરવાનો પ્રયત્ન) એ એક વિલાસની પ્રવૃત્તિ જ છે; વિશાળ માનવજાતિ સામે જ્યારે સામાજિક પ્રશ્નો ઉકેલ માગતા ઊભા હોય ત્યારે તેને આવી વિલાસની પ્રવૃત્તિમાં રાચવાનું પરવડે નહિ, અને સાર્ત્ર એમ ઉમેરે છે કે ‘માનવીઓ જ્યારે ખરેખર મુક્ત બની ચૂક્યા હશે’ ત્યારે અસ્તિત્વના અંતિમ અર્થ માટેની ખોજ તેમને માટે મુખ્ય નિસ્બત બની રહે એમ બનશે. પ્રતિબદ્ધતાનો અર્થ એ રીતે ‘માનવીય સંયોગોનું પૂર્ણ ચિત્ર’ એમ થાય. આપણે આગળ જોઈશું કે પેગુ, આરાગોં અને સાર્ત્ર જેવા લેખકોએ માનવીના ચિત્રણમાં કોઈ પણ પ્રાણભૂત બાબતોને વિકૃત ન કરવાનો હંમેશ પ્રયાસ કર્યો છે. ઉદા. તરીકે, પેગુ એમ માનવા પ્રેરાયા હતા કે ‘આધ્યાત્મિક મુક્તિ’ એ માનવી માટે સમયના બંધનથી – રાજકીય બંધનથી – મુક્તિનો જ વિસ્તાર છે. આરાગોં વૈયક્તિક સુખની ખોજને હંમેશ રાજકીય પ્રવૃત્તિઓ સાથે સાંકળતા રહ્યા છે અને પ્રણયના પ્રસંગમાં પ્રતિબદ્ધ અભિગમનું સૌથી ઉત્કૃષ્ટ વૈયક્તિક પ્રગટીકરણ જોવા પ્રેરાયા છે. કેમ કે પ્રણયપ્રસંગમાં દરેક જણ પોતાનાથીય વધુ તો સામી વ્યક્તિને ઝંખી રહે છે. અને સાર્ત્ર તો વળી સમાજ જે રીતે વ્યક્તિઓ (જેમકે કુટુંબના સભ્યોના પરસ્પરના સંબંધો વગેરે) પર અસર પાડે છે તેનાં મૂર્ત અને વિશિષ્ટ દૃષ્ટાંતોને, એટલે કે, ‘વચ્ચેની કડીઓ’ના અધ્યયનને ભારે મહત્ત્વ આપે છે.

‘પ્રતિબદ્ધતા’ સામેનો બીજો વાંધો એ છે કે આધુનિક સમાજમાં પ્રતિબદ્ધતાનો ખ્યાલ કાલગ્રસ્ત બની ચૂક્યો છે કેમ કે લેખક જેને માટે પ્રતિબદ્ધ થવામાં કૃતકૃત્યતા અનુભવે એવું કોઈ ઉમદા કાર્ય જ રહ્યું નથી. પ્રતિબદ્ધતાની સાથે ખરેખર આ એક વિદગ્ધ દૃષ્ટિનો વાંધો છે. એની સાથોસાથ એવો સ્વીકાર પણ સામાન્ય રીતે કરી લેવામાં આવ્યો હોય છે કે ત્રીસીના ગાળામાં એ ખ્યાલ જરૂર ઉપયોગી બની રહ્યો હોત, અને આપણા વિચારકો એને વીતી ગયેલો ગાળો લેખવતા હોય છે, પણ આજે હવે ગંભીર કોટિના સાહિત્યનું નિર્માણ આવા કોઈ પ્રાથમિક ખ્યાલ પર આધાર રાખી શકે નહિ. પરંપરાગત નવલકથા જે મૂળભૂત રીતે સમાજ અને વ્યક્તિ વચ્ચેના સંઘર્ષને કેન્દ્રમાં રાખીને રચાતી હતી તેનો હવે અસ્વીકાર થયો છે અને તેનું સ્થાન હવે વધુ ‘વસ્તુલક્ષી’ સ્વરૂપની નવલકથાઓએ લીધું છે – એ જ બતાવે છે કે પ્રતિબદ્ધતાનો ખ્યાલ હવે નષ્ટ થયો છે.

પ્રતિબદ્ધ લેખક એનો ઉત્તર વાળતાં એમ કહે છે કે આ કંઈ સાચો ‘સાહિત્યિક’ પ્રકારનો વાંધો નથી, પણ વર્તમાન સમય વિશેના એક વિવાદાસ્પદ મૂલ્યાંકન પર એ મંડાયેલો છે. એ બિલકુલ સાચું છે કે પચ્ચીસત્રીસ વર્ષો પહેલાં જે પ્રકારનું જીવન જિવાતું હતું તે કરતાં સાતમા દાયકાનું જીવન ઘણી રીતે જુદું છે. પણ પ્રતિબદ્ધ લેખકોની કૃતિઓ જ એ પરિવર્તનને ઘણી સારી રીતે આલેખી શકે છે. ૧૯૬૩માં સાર્ત્રએ ‘વડ્‌ર્ઝ’ નામે આત્મકથાત્મક નિબંધ લખ્યો. એમાંથી સ્પષ્ટ થાય છે કે સાર્ત્ર પોતે પોતાની ભૂલોમાંથી, દેખીતી રીતે જ, ઘણું શીખ્યા છે, અને પોતાના શૈશવને તેમ બાળપણનાં દીવાસ્વપ્નોને વધુ વિરાટપણે વર્ણવી શક્યા છે. આરાગોંના દૃષ્ટાંતમાં તો એવું બન્યું છે કે છેલ્લાં દસેક વર્ષોમાં પ્રગટ કરેલાં પુસ્તકોમાં ઘણાંએક, આત્મલક્ષી અંશોને વિશેષ સ્થાન આપે છે, જે તેમના કેટલાક મિત્રો માટે અચરજની વાત બની છે તો વિમાસણની બાબત પણ બની છે. ખરી વાત તો એ છે કે આ રીતનો નવો અભિગમ કેવળ આકસ્મિક બાબત નથી, કે લેખકને પક્ષે એ કોઈ વૈયક્તિક ઘેલછા પણ નથી; બલકે, આપણો સમાજ જે તબક્કે પહોંચ્યો છે તેની સાથે તે વધુ સારી રીતના મેળમાં જણાય છે. એક બાજુ જીવનની વધતી જતી સંકુલતા લેખકની સામે વૈયક્તિક સક્રિયતા માટે વધુ દબાવ આણે છે; બીજી બાજુ ટેકનોલોજીનો વિસ્તાર આપણને રોબોટની કોટિમાં મૂકી દે એ ભય એટલો જ વાસ્તવિક છે કે કળાકાર એની સામે પ્રાણવાન પ્રતિક્રિયા દર્શાવે છે : ‘લા પોયેટ્‌સ’ (૧૯૬૦)માં આરાગોં જે એક નવું વિશ્વ આકાર લઈ રહ્યું છે તેને તાદૃશ કરવા મથ્યા છે અને તેઓ નીચે પ્રમાણે ભાવભરી રજૂઆત કરવા પ્રેરાયા છે :

‘એ વિશ્વમાં હું તો કવિતા માટે

અવકાશ માગું છું.’

આજના લેખકોને સર્જનમાં પ્રેરે એવા ખરેખર સમુચિત સંઘર્ષો જ નથી, એ રીતની ધારણા ય ખોટી છે. વર્તમાન સમયની તંગદિલીના ઓછામાં ઓછા ચાર મોટા સ્રોતોને ધ્યાનમાં લેતાં એ વાત ટકી શકે એમ નથી. પહેલી વાત એ કે આ જીવન અગાઉ ક્યારેય નહોતું એટલું સુંદર છે એવા ખ્યાલમાં બીજાઓ ભલે રાચે, લેખકો અને કળાકારો એવી કોઈ ભ્રાંતિમાં રહેવા ચાહતા નથી. નર્યા ભૌતિક સ્તરે આ વાત સાચી હોય કે ન હોય, આધુનિક માનવીનું જીવન એકદમ નીરસ અને ગૂંગળામણભર્યું બની ચૂક્યું છે. એ એક ઘેરું કરુણ સત્ય છે. આવી પશ્ચાદ્‌ભૂમિકાને લક્ષમાં લેતાં એમ પણ લાગશે કે સ્પેનના સિવિલ વૉરમાંથી પ્રેરણા મેળવીને લેખકોએ જે રીતની ગંભીર અર્થસભર નવલકથાઓ લખી હતી તેવી કથાઓ માટે હવે અવકાશ રહ્યો નથી. પણ એટલું તો સ્વીકારવું પડશે કે આધુનિક સમાજ પોતાના નાગરિકોમાં જીવનના હેતુ વિશે સૂઝબૂઝ ખિલવવામાં તેમ જીવનમાં આનંદો ભોગવવાને આવશ્યક એવાં રસરુચિ કેળવવામાં જે રીતે નિષ્ફળ ગયો છે એ આખી પરિસ્થિતિમાંથી બે સંવેદનશીલ લેખકને ઘણી સમૃદ્ધ કથાસામગ્રી મળી રહે એમ છે. આજે માનવપરિસ્થિતિમાં જે કંઈ આધિવ્યાધિઓ ઘેરાઈ ચૂકી છે તેના ઇલાજ લેખે કેવળ સાંસ્કૃતિક ઉપચારો હવે ચાલશે નહીં. રાજકીય અને નૈતિક સ્વરૂપના નિર્ણયો પણ એ માટે અનિવાર્ય બની ગયા છે અને, એ કારણે જ, લેખક માટે પ્રતિબદ્ધ બનવાનું જરૂરી બની રહે છે. આમ જુઓ તો, અહીં, બે સામસામી દિશાની પ્રક્રિયાઓ સમાયેલી છે. એક તરફ, આધુનિક માનવસમાજને આજે એવા કળાકારોની જરૂર છે, જેઓ સમાજજીવન વિશે કશીય ભ્રાંતિ પોષ્યા વિના કે પરિસ્થિતિ પરત્વે કશી કોઈ સમાધાનવૃત્તિ દાખવ્યા વિના, સમાજને તેની પોતાની સામે જ ખડો કરી દે, એટલું જ નહીં, એવી પરિસ્થિતિ વચ્ચે કોઈક ઉકેલ બતાવે, કોઈક દિશા સૂચવે. બીજી તરફ, વર્તમાન માનવજીવનમાં એટએટલી વિરૂપતાઓ અને એટએટલી ક્ષુલ્લકતાઓ પેસી ગઈ છે કે આધુનિક માણસની ટ્રેજેડીમાં પણ આજના કળાકારને મોટા આહ્‌વાન સમો કથાસ્રોત મળી જશે.

પણ આ આખીય વસ્તુ, આમ જુઓ તો, આપણા સમયના એક વિલક્ષણ સંઘર્ષની સાથે ગૂંચવાઈ પડી છે. અને એ બાબત છે પરંપરાપ્રાપ્ત સંસ્કૃતિ અને પૉપ સંસ્કૃતિ વચ્ચે ઊભો થયેલો તીવ્ર સંક્ષોભક વિરોધ. જોકે એ વિષયમાં અનુસ્યૂત રહેલા બધા જ પ્રશ્નોની તપાસને અહીં અવકાશ નથી. તો પણ એને લગતા થોડાએક પ્રશ્નો તો અહીં છેડવા જ પડશે. એક મહત્ત્વનો પ્રશ્ન અહીં એ ઊભો થાય છે કે ‘પોપ સંસ્કૃતિ’ એ શું રાજકીય અને સામાજિક સ્તરે વિસ્તરતી જતી ‘લોકશાહી’ની સામે અનિવાર્યતયા ચૂકવવી પડેલી કિંમત છે? જુદી રીતે મૂકીએ તો, વિશાળ પ્રજાસમૂહ માટે ભોગવવાયોગ્ય એ શું એકમાત્ર સંસ્કૃતિ છે? કે પછી, સાચી, લોકશાહી સિદ્ધ કરવાની દિશામાં આપણે હજી ઘણા વેગળા રહી ગયા હોઈએ અને આપણા વર્તમાન શાસનકર્તાઓ આપણામાંના ઘણા મોટા લોકસમુદાયને સ્પષ્ટ અને ઊંડું ચિંતન કરવાની સાહસિક પ્રવૃત્તિથી અળગા રાખવાનું જે વલણ સેવી રહ્યા છે તેનું અહીં સમર્થન મળે છે? ‘પોપ સંસ્કૃતિ’નો માર્ગ ખરેખર જ નકારાત્મક છે એમ કહીશું કે એમાં બજારુ વૃત્તિના પ્રયત્નો છતાં આપણી પેઢીની વેદનાઓને અને નવાં મૂલ્યો માટેની કરુણાભરી ખોજને એ આગવી રીતે વ્યક્ત કરે છે એમ કહીશું? ગમે તે હો, એ બે ‘સંસ્કૃતિઓ’ વચ્ચે ક્યાંય કોઈ સાચી ભેદરેખા આંકી શકાય કે કેમ એ જ એક પ્રશ્ન રહે છે. માણસ કંઈ રોટી માત્રથી જ જીવી શકતો નથી, એમ જેમને લાગે છે, અને સાંસ્કૃતિક તેમજ વિચારસૃષ્ટિના સ્તરોએ જે કંગાલિયત દેખાય છે તે કંઈ નહિ તો ય આર્થિક કંગાલિયત જેટલી જ અનિષ્ટ વસ્તુ છે, એમ જેઓ સમજે છે તેમને સૌને માટે આ અને બીજા આ જાતના પ્રશ્નો સાથે ગાઢ નિસ્બત રહી હોય છે. સાચી વાત એ છે કે આ પ્રશ્નો થોડા બૌદ્ધિકોને જ નહીં, આપણને સૌને એટલા સ્પર્શે છે. આર્નોલ્ડ વેસ્કરની એક નાયિકા બોલી ઊઠે છે તે ‘– આ સડેલું ને દુર્ગંધ મારતું આખુંય બજાર જગત આપણાં સૌનું અપમાન કરી રહ્યું છે, છતાં આપણને એની જરીકે પડી જ નથી. આ તો ખરેખર આપણો જ ગુન્હો ગણાય.’ જોકે પ્રતિબદ્ધતા કેળવવા માત્રથી જ ઉપરના બધા જ પ્રશ્નોનો ઉકેલ મળી જશે એ જાતનો દાવો પણ કરી શકાય એમ નથી. અને આ બધા પ્રશ્નોની બાબતમાં એકથી વધુ ઉત્તરો સંભવી ન જ શકે એમ પણ એમાં અભિમત નથી. ‘પ્રતિબદ્ધતા’નો ખ્યાલ માત્ર એટલું જ સૂચવે છે કે એ પ્રશ્નો વ્યક્તિના નિજી જીવનદર્શન સાથે સંકળાયેલા છે. એ રીતે, લેખકો અને કળાકારો એ પ્રશ્નોના નિરાકરણમાં કશુંક પ્રદાન કરે એ વસ્તુ જો તેમનો દેખીતો અધિકાર અને તેમનું દેખીતું કર્તવ્ય હોય, તો તો આપણા સમયમાં ઉપસ્થિત થતા રાજકીય અને નૈતિક વિવાદોમાં અમુક એક ચોક્કસ પક્ષ લીધા વિના, એટલે કે, પ્રતિબદ્ધ બન્યા વિના તેઓ એમ કરી શકશે નહીં.

અશ્લિલ સાહિત્યનો ભયજનક ફેલાવો એ આધુનિક સંસ્કૃતિનું બીજું એક પાસું છે. અહીં મેં ‘ભયજનક’ એવો શબ્દપ્રયોગ કર્યો એ કંઈ ચોખલિયાવૃત્તિથી નથી કર્યો, પણ આ આખા પ્રશ્નને સમજવા માટે જે પરિપ્રેક્ષ્ય જરૂરી છે તે પરિપ્રેક્ષ્ય જ ખોવાઈ જાય એવા વાસ્તવિક ભયનો એમાં સ્વીકાર રહ્યો છે. વર્તમાન સમયના લેખકોએ ‘સેક્સ’ વિશે મુક્તપણે અને નિખાલસભાવે જે વાદવિવાદ ચલાવ્યા છે તે અગાઉના વિકટોરિયન યુગની વધારે પડતી મરજાદવૃત્તિ અને દંભી રીતિનીતિ સામે એક આવકારપાત્ર પ્રતિક્રિયા છે એ વાતનો તો ભાગ્યે જ કોઈ ઇન્કાર કરશે. અને, સાચો કળાકાર માણસના વર્તનનાં બધાંય પાસાંઓનું, ખાસ તો આપણી માણસની સૌથી મૂળભૂત પશુસહજ વૃત્તિઓ જેમાં છતી થતી હોય એવાં કૃત્યોનું, વર્ણન કરવામાં પાછો ન પડે. કળાકારે આ જાતનો જે અભિગમ સ્વીકાર્યો હોય છે તે યોગ્ય રીતે જ વાસ્તવવાદી કળાનિર્મિતિ તરીકે પ્રતિષ્ઠિત થયો છે, અને નહિ કે અશ્લિલ સાહિત્ય તરીકે. પણ આ બે અભિગમો વચ્ચેનો ભેદ ખરેખર તો કળાકારના મૂળ આશયમાં અને તેના પરિણામરૂપે જન્મતા કૃતિના પ્રભાવમાં રહ્યો છે. સાચી વાત એ છે કે સાહિત્યમાં કદી જ સૂગ વિના ‘સેક્સ’નું માનવજીવનના એક ભાગ લેખે, કેવળ એક ભાગ લેખે, નિરૂપણ કરવું એ એક વાત છે; આપણામાંના ઘણાએકને કોઈક રીતે રુચશે એવા ખ્યાલથી એવા ચિત્રણમાં સ્થૂળ અશ્લીલ વિગતો ખેંચી આણવાનો આશય રાખવો એ બીજી વાત છે. જાતીય જીવન એ રીતે સાવ ક્ષુલ્લક વસ્તુ બની જશે અને માનવવ્યક્તિનું એક માનવ લેખે એમાં ઘોર અપમાન થશે. આવાં જાતીય ચિત્રો ભાવકના આત્માને ઊંચે ઉઠાવી શકતાં નથી, અને પરિણામે લેખક અને જનસમૂહ સૌ કોઈ અધમ દશાને પામે છે. સાચી કળામાં આમ બનતું નથી. જોકે માનવ-આત્માને ઊંચે ઉઠાવવાની કળાની શક્તિ કંઈ માનવજીવનના અશ્લીલ અને બીભત્સ લાગતા અંશોને યુક્તિપૂર્વક દબાવી દેવા માત્રથી કે તેને નગણ્ય કરી દેવાથી પણ આવતી નથી એ વાત અહીં ભારપૂર્વક નોંધવી જોઈએ. વિરોધાભાસી લાગે એવી બાબત તો એ છે કે આવાં અશ્લીલ તત્ત્વોને સમુચિત સ્થાન આપીએ ત્યારે જ કળાની સાચી ઉત્કર્ષસાધક શક્તિ સિદ્ધ થાય છે. એમાં મુખ્ય શરત એટલી જ કે આ રીતના વર્ણનનો ઉદ્દેશ માનવજીવન વિશેની આપણી સમજ અને સહાનુકંપા વિસ્તારવાનો હોય એટલે, ફરીથી કહીશું કે આ પ્રશ્ન એ માત્ર રચનારીતિની જાણકારીનો જ નથી : લેખક પાસે એ વિશે ચોક્કસ દર્શન જોઈએ. એટલું જ નહીં, એ દર્શન પરત્વે તે પ્રામાણિકપણે પ્રતિબદ્ધ હોવો જોઈએ. સાર્ત્રની નવલકથાઓ આ બાબતે જ્વલંત દૃષ્ટાંત બની રહે છે. તેમની નવલકથાત્રયી ‘રોડ્‌સ ટુ ફ્રીડમ’માં, સ્થૂળ જાતીય વ્યવહાર અને અશ્લીલતાના વર્ણનની બાબતમાં ‘ફૅની હીલ’ પ્રકારની કથાઓની યાદ અપાવે એવાં વર્ણનો છે. પણ સાર્ત્રમાં આવાં અશ્લીલ તત્ત્વો કંઈ અલગપણે અને માત્ર અશ્વીલતા આણવાના આશયથી જ આવ્યાં નથી. દૃષ્ટાંત તરીકે, બે અપંગ સ્ત્રીપુરુષ પરસ્પર પ્રેમનો ભાવ વ્યક્ત કરવા મથે છે, ત્યાં પોતાના હાથના ઉપયોગથી અને કલ્પનાની સહાય વડે જાતીય સંબંધ સ્થાપે છે, અને એ હૃદયદ્રાવક પ્રસંગ વાંચે છે ત્યારે તેનું અંતર ખરેખર કોમળ કારુણ્યભાવથી પીગળી જાય છે. તેના એ અનુભવમાં સ્થૂળ પ્રાકૃત ઉત્તેજનાને અવકાશ નથી બલ્કે, એમાંની અર્થસમૃદ્ધ વિગતોના વિન્યાસથી પરિસ્થિતિની ગંભીરતા વધે છે. જાતીય ભૂખની કોઈ વૃત્તિ એમાં ક્યાંય વરતાતી નથી.

ત્રીજો આધુનિક સંઘર્ષ છે – વિજ્ઞાનની પ્રગતિની સાથોસાથ પ્રાપ્ત થનારા લાખોની સંભાવના વિ. વિજ્ઞાનનાં વાસ્તવિક ભયસ્થાનો. અણુશક્તિની શોધ થતાં આ પ્રશ્ન અત્યંત તાકીદનો અને એટલો જ અટળ બની ચૂક્યો છે. એ રીતે, યુદ્ધ અને શાંતિને લગતો પ્રશ્ન આજે આપણે માટે સૌથી મોટો પ્રાણપશ્ન બની ચૂક્યો છે. અસંખ્ય ઊર્મિકાવ્યો, નાટકો અને નવલકથાઓ આ વિષયનું સીધેસીધું નિરૂપણ કરવા ચાહે છે – અને આ આખીય પશ્ચાદ્‌ભૂમિકાને લક્ષ્યમાં ન લઈએ તો તો પ્રસ્તુત સાહિત્યરચના સમજવાનું સાવ મુશ્કેલ બની જાય એવાં દૃષ્ટાંતોની તો વળી વાત જ જુદી – પણ આ હકીકત સ્પષ્ટપણે સૂચવી જાય છે કે કળાકારો હવે આ પ્રશ્નો પરત્વે ઉદાસીન રહી શકે જ નહિ, વળી આ લેખ તૈયાર થઈ રહ્યો છે ત્યારે, પશ્ચિમની પ્રજામાં ત્રીસ વર્ષ પહેલાં ફાસીવાદ સામેની લડાઈએ જે જાતના ભાવો જગાડ્યા હતા તેવા જ ભાવો આજે વિયેટનામનું યુદ્ધ તેમનામાં જન્માવી રહ્યું છે. અને તે એ રીતે કે, પ્રજાનાં વિચારવલણોમાં અને તેમનાં મંતવ્યોમાં સમાનપણે ધ્રુવીકરણની પ્રક્રિયા જોઈ શકાય. અને આ કારણે જ પ્રતિબદ્ધતાનો ખ્યાલ જૂનો અને અપ્રસ્તુત બને છે એ માન્યતા ખોટી ઠરે છે. કેમ કે, આપણે માટે અત્યંત મહત્ત્વની પસંદગીઓનો સામનો કરે એવા સાહિત્યની અને એવી કળાઓની આપણને હજુયે જરૂર રહેવાની છે. ૧૯૫૪માં પ્રગટ થયેલી આરાગોંની એક કાવ્યરચના ‘આંખો અને સ્મૃતિ’ એ તેમનાં પત્ની એલ્સા ટ્રિઆલેટની નવલકથા ‘ધ રેડ હોર્સ’ની સામે એક તુલ્યબળ રૂપે લખાઈ હતી. લેખિકાએ પોતાની એ નવલકથામાં ‘એચ બોમ્બ’ના ઉપયોગથી માનવજાતિનો કેવો તો વિનાશ થશે તેનું વર્ણન કર્યું હતું. એ નવલકથા કેવળ હતાશાવાદી હતી એવું ય નહોતું. અણુબોમ્બના ખતરા વિશે આપણે પૂરા સભાન બની રહીએ અને સવેળા એ વિશે પગલાં લઈએ એવી એમાં અપેક્ષા હતી. પણ કવિ એ જાતના દર્શનમાં પૂર્તિ કરે છે : પ્રશંસનીય સરળતા અને સચ્ચાઈથી જાળવવા જેવી અને સંઘર્ષ ખેલી લેવાને પ્રેરતી બધી વસ્તુઓ તેમણે એમાં આલેખી છે. શાંતિ વિષયની (બીજા એક વિયેટનામ યુદ્ધના – વિયેટનામી પ્રજા અને ફ્રેંચ પ્રજા વચ્ચેના યુદ્ધના અંતથી સ્ફુરેલી) કાવ્યરચના સાથે તેઓ સમાપન કરે છે. એમાં અંતની કડી આ પ્રમાણે છે :

અણુઓ તમે શાંત થાઓ

અને તોપો પણ ધણધણતી અટકો

એકએક સરહદે યુદ્ધવિરામ

એકએક સરહદે અગ્નિ શમો.

અને, હવે છેવટે, આદર્શો અને વાસ્તવિકતામાં રહેલા શાશ્વત સંઘર્ષનો મુદ્દો. આ પ્રકારના સંઘર્ષના ભાનથી વ્યગ્ર બની પેગુ આ સદીના આરંભે એમ કહેવા પ્રેરાયા હતા કે ગૂઢ અધ્યાત્મવાદીઓ પણ સામાન્ય રીતે વ્યવહારવાદ તરફ ઢળી જતા હોય છે. તેઓ એમ સૂચવવા ચાહતા હતા કે નર્યો ભાવનાવાદ પણ તેનો આરંભનો ઉમદા હેતુ ખોઈ બેસે અને સાંકડા સ્વાર્થ માટે તેનો ઉપયોગ થાય એમ બનતું રહેવાનું. ભાવનાવાદની ખરેખર તો આ જ નિયતિ છે. અને રાજકીય દૃષ્ટિએ જે વ્યક્તિઓ પ્રતિબદ્ધ હોય, તેવાઓમાં આ પ્રકારનો સંઘર્ષ ઘણો તીવ્ર સંભવે છે. સાર્ત્રના એક નાટકનું શીર્ષક સૂચવે છે તેમ, રાજકારણની દુનિયા ઘણીય વાર ‘મલિન હાથો’નું સંગઠન હોય છે. સોવિયેટ રશિયાના સામ્યવાદી પક્ષની વીસમી કોંગ્રેસમાં જે રીતે સ્ટેલિનના દોષો અને અપરાધો ખુલ્લા કરવામાં આવ્યા અને જે રીતે સામ્યવાદી પક્ષના જુદાજુદા હોદ્દેદારોએ આઘાત અનુભવવાનો આવ્યો, એ ઘટના આ રીતનું તાજેતરનું દૃષ્ટાંત છે. પણ આધુનિક વિશ્વમાં પ્રબળ આંચકા સાથે આવતી જાગૃતિ એ કંઈ માત્ર સામ્યવાદી પક્ષ પૂરતી સીમિત ઘટના નથી. જે કોઈ માણસ બીજાની જીવનદશા સુધારવાને મથે છે, તેમને સૌને, પરિવર્તનની ગતિ તેમણે ધારી હતી એટલી ઝડપી નથી, એ જાતનું વહેલુંમોડુંય ભાન થશે, અને વળી, જે ભાવનાને તેઓ વ્યવહારમાં સાકાર કરવા ઝંખે છે, તેમાં અણધારી રીતે ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે, એમ તરત જ સમજાવા લાગશે. આખીય પરિસ્થિતિ નવેસરથી વેદનાભરી ઓળખ માટે પડકાર કરી રહી હોય એમ લાગશે. આવે વખતે જનસમાજ હર્ષોલ્લાસના ખોટા દેખાવ અને વક્રદર્શનને વિષે પોતાની હતાશા છુપાવવાની વૃત્તિ દાખવે એ મોટું ભયસ્થાન સંભવે છે. મહાન પ્રતિબદ્ધ સાહિત્ય જ આપણને વંધ્ય મનોવૃત્તિથી ઉગારી લે છે. કેમ કે, એવો કળાકાર જ તત્કાલીન પરાજય અને અવરોધની પરિસ્થિતિથી ઊંચે ઉઠાવીને પેલી પારનું દર્શન કરાવી આપે છે. અને એ રીતે તે આપણને સહાયભૂત બને છે. અહીં વેસ્કરની બીજી એક નાયિકા સ્મરણમાં તરી આવે છે : એ વીરાંગનાનું નામ છે સરાકા’ન. પોતાની સાહેલી મૉન્તિએ લીધેલો દ્રોહ-માર્ગ તેમજ તેના પુત્ર રોનિનો હતાશાનો માર્ગ તે ભારે દૃઢતાથી પડકારે છે :

‘મારા મકાનમાં વીજળીનો ફ્યૂઝ સુધારવા આવેલા ઇલેક્ટ્રિશિયન સુધારવાને બદલે એને તોડી નાખે છે. પણ એટલા માત્રથી જ કંઈ મારે વીજળીનો ઉપયોગ બંધ કરી દેવો? કે વીજળીનો પુરવઠો જ કાપી નાંખવો? સમાજવાદ મારે માટે ખરેખર તો રોશની સમાન છે, એટલું તો તમે સમજી શકો છો ને? સમાજવાદ એ તો એક જીવનપદ્ધતિ જ છે. માનવી સુંદર બની શકે છે.’

તાજેતરમાં પ્રગટ થયેલી એક કાવ્યરચના (‘એલિજી : પાબ્લો નેરુદા, ૧૯૬૬)માં આરાગોંએ કવિઓને ‘નિશાચરો’ રૂપે વર્ણવ્યા છે. કવિઓ ‘નિશાચરો’ ખરા, પણ તેઓ પોતાની છાતીમાં સૂર્ય લઈને ફરે છે, એવું ચિત્રણ તેમણે કર્યું છે. ૧૯૬૫માં ચીલીમાં ભયંકર ધરતીકંપ થયો : પાબ્લો નેરુદાનું મકાન એ હોનારતમાં તૂટી પડ્યું – એ જાતની પશ્ચાદ્‌ભૂમિકા એ કાવ્યમાં છે. આરાગોંએ પોતાના મિત્ર પ્રત્યે પહેલાં હમદર્દી વ્યક્ત કરી, અને એ પછી આ ધરતીએ જ કવિઓનો દ્રોહ કર્યો છે. કોઈ એક કળાકાર, ન્યાયી વ્યવસ્થા અને સુખસમૃદ્ધિ વિશેનાં ઉમદાં સ્વપ્નો અને માનવસમૂહ એ સ્વપ્નોને વાસ્તવિકતામાં સિદ્ધ કરે તે પૂર્વે આવતાં વિઘ્નો – એ બંને વચ્ચે રહી જતી ખાઈનું જ્ઞાન પામે છે ત્યારે તો મોટી આપત્તિ રચાય છે : આ પ્રકારના સંવેદન દ્વારા તેમણે પોતાના ભાવવિશ્વની ક્ષિતિજો વિસ્તારી છે. આપણે એવા સંઘર્ષને ત્યજી દેવો જોઈએ એમ કવિને અભિમત નથી જ : ખુલ્લી આંખે અને સાવચેતીપૂર્વક એ સંઘર્ષ ચલાવવાનો છે એમ તેમનું કહેવું છે :

પાબ્લો, મારા મિત્ર!

આપણે શી સંમતિ આપી!

પાબ્લો, મારા મિત્ર!

આપણાં સ્વપ્નોની શી ગતિ!

આધુનિક સમાજમાં સાચા સંઘર્ષો જ નથી, એટલે પ્રતિબદ્ધતાના દિવસો જ પૂરા થયા એવું કંઈ ઉપરનાં દૃષ્ટાંતોમાંથી ફલિત થતું નથી. પ્રતિબદ્ધ લેખકો એમ માને છે કે સાંપ્રતના પ્રશ્નો, એના બે-ત્રણ દાયકાઓ પહેલાંના પ્રશ્નો કરતાં ઓછા સુગ્રાહ્ય અને વધુ જટિલ બન્યા છે. એનો સીધોસાદો અર્થ એમ થશે કે પ્રતિબદ્ધતાને હવે જુદી રીતે પ્રસ્તુત કરવાની રહે છે, નહિ કે એ આખો ખ્યાલ કાલગ્રસ્ત થઈ ચૂક્યો છે. આપણા સમયના સંઘર્ષો માત્ર વિરોધના સૂરવાળી ગીતરચનાઓમાં અભિવ્યક્તિ સાધે અને લેખકોને અન્યથા પ્રેરી ન શકે તો એ એક ઘણી મોટી દયનીય પરિસ્થિતિ બનશે. લેખક માટે એક ‘નાગરિક’ તરીકે નહિ, ‘એક લેખક તરીકે એ એક મોટી કરુણાંતિકા હશે.’

‘નાગરિક’ અને ‘લેખક’ વચ્ચે આ રીતની ભેદરેખા જ્યોર્જ ઑરવેલે આંકી આપી છે. તેઓ કહે છે :

‘કોઈ લેખક જ્યારે રાજકીય પ્રવૃત્તિઓમાં જોડાતો હોય ત્યારે તેણે એક નાગરિક લેખે, એક માનવી લેખે જ ભાગ લેવો જોઈએ, નહિ કે લેખક તરીકે. તેણે સ્પષ્ટ સમજી લેવું જોઈએ કે તેની લેખનપ્રવૃત્તિ એક જુદી જ બાબત છે.’

પ્રતિબદ્ધતાની સામેનો આ વાંધો ખરેખર ઉદારતાવાદી ભૂમિકાનો છે. એમાં પ્રતિબદ્ધતાનો અસ્વીકાર નથી – કેમ કે, ઑરવેલ એમ પણ કબૂલે છે કે ‘કોઈ એકદંડિયા મહેલમાં પુરાઈ રહેવાનું તમારે માટે હવે શક્ય રહ્યું નથી, બલકે હિતકારી પણ નથી.’ – પણ તે સાથે તેમાં એવો આગ્રહ છતો થાય છે કે સાહિત્યમાં એવી પ્રતિબદ્ધતાને માટે સ્થાન નથી. કેમ કે સાહિત્ય ‘એક જુદી જ બાબત છે.’ ફ્રાન્સમાં નવ્ય નવલકથાકારો પણ આ જ જાતનો દૃષ્ટિકોણ ધરાવે છે. ખાસ કરીને રોબ્બ ગ્રિયે તો ઑરવેલના શબ્દોને જ અનુસરતા જણાશે. તેઓ લખે છે :

‘આપણી સામે ખરેખર કોઈ ન્યાયી મુદ્દો ઉપસ્થિત થાય, અને આપણે રાજકીય જીવનમાં એ હેતુ સિદ્ધ કરતાં સંઘર્ષ ખેલવો પડે એ એક જુદી વાત થઈ. પણ આપણી નવલકથાઓમાં એવા કોઈ રાજકીય હેતુ સાધવાની વાત કરવી... એ કંઈ બરાબર લાગતું નથી..’

‘નવ્ય નવલકથા’ના લેખકો માટે એકમાત્ર પ્રતિબદ્ધતા સંભવે છે. અને એ છે સાહિત્ય સ્વયં. રોબ્સ ગ્રિયે આ સંદર્ભમાં ઉમેરે છે :

‘...લેખકની પ્રતિબદ્ધતા એટલે પોતાની ભાષાના પ્રશ્નો વિશેની પૂર્ણ સભાનતા, એ પ્રશ્નોના આત્યંતિક મહત્ત્વ વિશેની તેની આંતરપ્રતીતિ, લેખનની અંતર્ગત જ એ પ્રશ્નોના ઉકેલ માટે તેનો દૃઢ નિર્ધાર.’

‘પ્રતિબદ્ધ સાહિત્ય’માં રજૂ થયેલી ચર્ચા પ્રમાણે આ જાતનો મત, કળાના પ્રશ્નો સમાજજીવનની બહાર સંભવે છે. અને એવા પ્રશ્નો કેવળ રચનાપ્રક્રિયાને લગતા જ હોય છે એવી ભ્રાંતિ પર મંડાયેલો છે. આરાગોં જેવા પ્રતિબદ્ધ લેખક, ભાષાનું અને ભાષા પરના પ્રભુત્વનું જરીકે મહત્ત્વ ઘટાડયા વિના, એ વાત પર ભાર મૂકે છે કે ભાષા એ સંક્રમણનું સાધન છે, અને એવા એ માધ્યમને ઘડવાના બધાય સર્જનાત્મક પ્રયત્નો જીવન વિશેની તત્ત્વદૃષ્ટિ સાથે ક્યાંક સંકળાયેલા છે. સાહિત્યમાં ‘રચનાગત’ ફેરફાર પોતે કંઈ સાધ્ય નથી. કળાકારના નિજી અનુભવો અને દૃષ્ટિબિંદુઓને વધુ પર્યાપ્તપણે અને વધુ સશક્તપણે રજૂ કરવાની એ રીતિ છે. રોબ્બ ગ્રિયે પોતે જ સ્વીકારે છે કે ‘નવ્ય નવલકથા’નો પ્રયોગ એ રીતે પ્રમાણભૂત બને છે કે પરંપરાગત કથાસાહિત્યના સ્વરૂપ કરતાં આધુનિક યુગની વાસ્તવિકતાઓને વધુ સારી રીતે તે અભિવ્યક્ત કરી શકે છે. પણ, તો પછી, કળાકૃતિને કોઈ જ ‘હેતુ’ હોતો નથી, એ કળાકાર ‘કોઈ પ્રયોજન અર્થે સર્જનમાં રોકાતો નથી’ એવા તેમના વિધાનમાં આંતરવિરોધ રચાતો નથી?

વળી, કળા અને જીવન વચ્ચે ઑરવેલ જે રીતે ચીની દીવાલ ખડી કરે છે તે બાબતમાં તે સાચો છે એમ સ્વીકારીએ તો આપણે એવી ધારણા પર આવવું પડે કે એકની એક વ્યક્તિ જ્યારે નાગરિક તરીકે વર્તે છે ત્યારે તે પોતાના એકદંડિયા મહેલમાંથી બહાર નીકળી આવી શકે, પણ ‘એક લેખક’ તરીકે પોતાનું કર્તવ્ય બજાવવા ચાહે છે ત્યારે તેણે તરત જ પોતાના એ એકદંડિયા મહેલમાં પાછા ફરવાનું રહે, એટલું જ નહીં, અહીં સંભાવના એ છે કે, બીજા વામણા માણસો સાથેના ટૂંકા મુકાબલાઓમાં જે કંઈ અનુભવજ્ઞાન મળ્યું હોય તેને ભૂલી જવાનું રહે. ખરી વાત એ છે કે ઑરવેલ પોતે આટલી હાસ્યાસ્પદ કોટિએ પહોંચ્યો નથી. પણ તેમણે જે વિધાન કર્યું તેમાં આ વાત સૂચિત નથી? ‘સાહિત્ય એક સાવ જુદી જ બાબત છે’ એ જાતનો શબ્દપ્રયોગ ઘણો જ સંદિગ્ધ છે અને એ સ્વીકારનારાઓ તરેહતરેહના બિનજવાબદાર વલણો એના ઓઠા નીચે લઈ શકે. અને ઑરવેલ એવાં વલણોનો નિશ્ચિતપણે વિરોધ કરશે. તેમને માત્ર એટલું જ સૂચવવું હોય કે રાજકારણમાં જે રીતે અમુક આદેશ આપી શકાય તેવા આદેશ કળામાં ન આપી શકાય, તો તો કોઈ પ્રતિબદ્ધ લેખકને એમાં જુદા પડવાનું રહેતું નથી. (ધર્મના ક્ષેત્રમાં તેમ રાજકારણમાં પ્રતિબદ્ધ દૃષ્ટિકોણને વ્યાજબી રીતે લાગુ પાડવા કરતાંય, એ ક્ષેત્રના અગ્રણીઓએ તેનું વિકૃત અમલીકરણ કરાવ્યું છે. અને એમાં જ એમની ભૂલ થઈ છે.) પણ ઑરવેલ કે બીજો કોઈ પણ લેખક એથી આગળ વધીને એમ કહે કે લેખક સર્વ સત્તાથી મુક્ત છે, ત્યારે પ્રતિબદ્ધ સાહિત્યના મતે તે જોખમી વિસ્તારમાં વિહરે છે. લેખકનું સ્વાતંત્ર્ય એ એક કપોલકલ્પના છે. કેમ કે પ્રગટપણે કે ગર્ભિત રીતે, કોઈ પણ સાહિત્ય સાંપ્રત મૂલ્યોની સમીક્ષાના કાર્યને ટાળી શકે નહિ. સાર્ત્ર તો એટલે સુધી કહે છે કે તાટસ્થ્યવૃત્તિય એક રીતની પ્રતિબદ્ધતા જ છે, કેમ કે પરિસ્થિતિનો યથાવત્‌ સ્વીકાર એમાં સૂચિત રહ્યો છે; આથી વળી લેખકના સ્વાતંત્ર્યનો આપણે એમ અર્થ કરીશું કે તે કંઈ લખે છે તે માટે તે કોઈ ઉત્તરદાયિત્વ ધરાવતો નથી, કેમ કે તે એક લેખક હોવાને નાતે સરેરાશ માણસને માટેનાં નિયંત્રણોથી પર છે? પ્રતિબદ્ધ લેખકો આ ખ્યાલની કઠોર ટીકા કરે છે. તેઓ એમ દર્શાવે છે કે ઉત્તરદાયિત્વનો અભાવ એ કંઈ કળાનું અનિવાર્ય તત્ત્વ નથી : સમાજની જરૂરિયાતો પરત્વે ઉપેક્ષા સેવીને મહાન કૃતિઓ ભાગ્યે જ નિર્માણ થઈ શકી છે. ઑરવેલને ખરેખર એવી કોઈ ભીતિ હતી કે લેખકોએ પોતે જ સમાજની જરૂરિયાતોને શોધી લીધી હોય તેમ ન બને, પણ એવી જરૂરિયાતો વિશે તેમને ‘કહેવામાં’ આવે. અને સોવિયેત યુનિયનમાં તેમ તાજેતરમાં ચીનમાં જે ઘટનાઓ બની, અને એ જાણીને જેઓ ઊંડી વ્યથા અને આઘાતમાં ડૂબી ગયા તેમને ઑરવેલે દર્શાવેલી ભીતિ સાચી પડેલી લાગશે અને સમભાવ જગાડશે. પણ ઑરવેલે બતાવેલી ચેતવણી સાચી હોય તો ય આ પ્રશ્નનું સાચું નિરાકરણ તેને મળ્યું છે એમ કહી શકાશે? પ્રતિબદ્ધ લેખકો એમ માનતા નથી. પ્રતિબદ્ધ લેખકો, અલબત્ત, એમ સ્વીકારે છે કે તેમના અભિગમમાં અમુક જોખમો રહ્યાં છે. અને ‘સંવેદનપટુ વિવેચકો’ને વિશે એ તો બૂર્ઝવા વર્ગના છે એમ કહીને તેમનો છેદ ઉડાડી શકાય નહીં. તમારા વિરોધીઓની છાતી પર આવું કોઈ લેબલ લગાડીને તેને ચૂપ કરી દેવાનો આ કોઈ સારો માર્ગ નથી. સાચો માર્ગ તો એ કે પ્રસ્તુત અભિગમમાં રહેલા જોખમનો ઇન્કાર ન કરવો, પણ એવું જોખમ ખેડવા જેવું છે કે કેમ એ વિશે જાતને પ્રશ્ન કરવો અને એવું જોખમ કેવી રીતે અલ્પતમ થઈ શકે તેની તકેદારી રાખવી. ચોક્કસ જોખમો ખેડ્યા વિના કોઈ મહાન કાર્ય થઈ શકતું નથી : પ્રતિબદ્ધતા એ આવાં ભયસ્થાનો સામેની વિમાપૉલિસી નથી જ. પ્રતિબદ્ધતા માત્ર એટલી જ આંતરપ્રતીતિ ધરાવે છે કે એની પોતાની વિશુદ્ધિના બીજાંકુર એમાં પડેલા છે. કેમ કે, લેખકને પક્ષે બીજા લોકોના મતમતાંતરોની વધુ વિશાળ સ્વીકૃતિ એમાં અભિમત છે. પ્રતિબદ્ધ લેખક એ કોઈ એકાકી માણસ નથી : સાર્ત્ર વારંવાર ભારપૂર્વક કહેતા રહ્યા છે કે માનવસમુદાય વચ્ચે ચાલતો તે એક માનવ છે. પ્રતિબદ્ધ લેખકે જે મોટાં ભયસ્થાનોને ઓળંગી જવાનાં છે તે તેના પૂર્વગ્રહો, પક્ષિલતા અને રૂઢ મતવાદ છે. એ ભયસ્થાનો ખરેખર વાસ્તવિક ભયસ્થાનો છે. પણ એ તો કોઈપણ માનવીય સાહસમાં નિહિત રહ્યાં હોય છે. કોઈ પણ લેખક એનાથી મુક્ત રહી શક્યો નથી. હકીકતમાં, જે લેખક કશાને પ્રતિબદ્ધ થયો નથી, અને પોતાનાથી અન્ય કોઈ બીજી સત્તાનો સ્વીકાર કરવા તૈયાર નથી, તેની સામે વધુ મોટાં ભયસ્થાનો પડેલાં છે. બીજે પક્ષે, સાહિત્યમાં પ્રતિબદ્ધતા માટેની એક અત્યંત પ્રાણભૂત જરૂરિયાત એ છે કે સાહિત્યકાર કેવળ પોતાને એકલાને જ સત્યનો નિર્ણાયક ન લેખવે, પણ વિશાળ પ્રજાસમુદાયની સાથે, ચર્ચની સાથે કે પક્ષની સાથે રહીને તે સત્યની ખોજ ચલાવતો રહે. આ જાતની તેની પ્રવૃત્તિ, ઑરવેલને જેનો મોટો ભય છે તે, રેજિમેન્ટેશન તરફ દોરી જશે? અહીં આપણે પ્રતિબદ્ધતાની સાથે વારંવાર સેળભેળ થઈ જતા એક ભયસ્થાનને સ્પર્શીશું; જોકે એમાં પ્રતિબદ્ધતાની સામેની આલોચના નથી. એ સામ્યવાદી પક્ષ (કે બીજા કોઈ પક્ષ)ની સામેની સાચી ટીકા હોઈ શકે, પણ પ્રતિબદ્ધતાની સામેની ટીકા નથી. લેખકોના માનસનું ‘રેજિમેન્ટેશન’ કળાને અવરોધક છે, અને લાંબે ગાળે, એના મૂળ પ્રયોજનને જ એ હણી નાખે છે. પ્રતિબદ્ધતા અને રેજિમેન્ટેશન બંને પરસ્પરથી ઘણી ઘણી વેગળી વસ્તુઓ છે, અને એ બંનેને ગૂંચવી દેતાં પ્રતિબદ્ધતાનું સાચું સ્વરૂપ જ નષ્ટ થાય છે. પ્રતિબદ્ધતામાં લેખક પોતે જ સ્વેચ્છાએ વિશાળ ક્ષેત્રમાં પ્રવેશે એવી અપેક્ષા છે, (અને તેણે પોતે જ એ રીતનો નિર્ણય લેવાનો હોય છે); રેજિમેન્ટેશનમાં શાસકીય પગલાંને મોટું સ્થાન છે. શાસન કરનાર પક્ષ કે ચર્ચ કોઈ સભ્ય પોતે નિયત કરેલાં પગલાંને મંજૂર ન રાખે તો તેઓ તેની સામે કાર્યવાહી કરી શકે. આ રેજિમેન્ટેશનનો સખતમાં સખત વિરોધ થવો જોઈએ. પણ દૂર વગડામાં ભાગી છૂટવાથી એમ બની શકે નહિ. પ્રશ્ન આટલો જ છે, કે કોઈ પણ લેખક, આરાગોંની જેમ, પોતાના પક્ષમાં રહીને એવી સંકુચિત મનોવૃત્તિનો સામનો કરે, કે પછી સાર્ત્રની જેમ બહાર રહીને સહૃદયભાવે પણ સ્વતંત્ર સમીક્ષાપ્રવૃત્તિ કરે કે ‘પ્રભુ, જે નિષ્ફળ ગયો છે’નું સૂત્ર હંમેશ માટે ત્યજી દેવામાં આવે, એ દરેકના અભિગમમાં કશુંક વિધાયક તત્ત્વ રહ્યું છે, અને એ રીતે એ વધુ પ્રતિબદ્ધ રહ્યા છે, ઓછા નહિ. એક વિરોધાભાસ રજૂ કરવાનું સાહસ કરું છું : હમણાં જે રીતે પ્રતિબદ્ધતાની સામે દલીલો કરવામાં આવી રહી છે, એ રીતે પૂરો ‘કેસ’ ઊભો કરવા જતાં કોઈ પણ વ્યક્તિએ પૂરેપૂરો પ્રતિબદ્ધ થવાનો પ્રસંગ આવશે!

વિ. મે, જુલાઈ, નવેમ્બર, ૮૭