નવલકથાપરિચયકોશ/સોક્રેટીસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૭૪

‘સૉક્રેટિસ’ : મનુભાઈ રાજારામ પંચોળી ‘દર્શક’

– વેદાંત પુરોહિત
Socrates Book Cover.jpg

લેખક પરિચય : મનુભાઈ રાજારામ પંચોળી ‘દર્શક’ (૧૫-૧૦-૧૯૧૪ – ૨૯-૦૮-૨૦૦૧) મનુભાઈનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના વાંકાનેર તાલુકાના પંચાશિયા ગામમાં થયો હતો. તેમની માતાનું નામ મોતીબાઈ હતું. તેમણે લુણસર તથા તીથવામાં પ્રાથમિક શિક્ષણ અને વાંકાનેરની શાળામાં માધ્યમિક શિક્ષણ મેળવ્યું. પરંતુ તે નવમા ધોરણમાં હતા ત્યારે ૧૯૩૦માં મીઠાનો સત્યાગ્રહ શરૂ થયો તેથી તેમાં જોડાવા માટે મનુભાઈ શાળા છોડી દે છે અને સત્યાગ્રહી બને છે. ૧૯૩૮માં તે ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં અધ્યાપક તરીકે સેવા આપે છે. ત્યારબાદ ૧૯૫૩ થી સણોસરામાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે જોડાય છે અને પછી ત્યાં જ નિયામક તથા મૅનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. આ સાથે મનુભાઈ ઈ.સ. ૧૯૬૭થી ૧૯૭૧ સુધી ગુજરાત વિધાનસભાના સભ્ય પણ રહે છે અને આ દરમિયાન તેઓ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી તરીકે પણ સેવા આપે છે. ૧૯૮૦ સુધી તેઓ રાજ્યની શિક્ષણ સમિતિના સભ્ય રહે છે. દર્શક ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્ય, ઇતિહાસ તથા સંસ્કૃતિના સારા અભ્યાસી હતા. આ ઉપરાંત ધર્મ, ચિંતન અને રાજનીતિની પણ એમનામાં વિશેષ સમજ હતી. અભ્યાસની સાથે દર્શક જાગૃત કેળવણીકાર, નિર્ભિક પત્રકાર અને પીઢ સમાજસેવક પણ રહ્યા છે. ગુજરાતી ભાષાના લબ્ધપ્રતિષ્ઠ સાહિત્યકાર દર્શકે નવલકથા, નાટક અને નિબંધ જેવા સ્વરૂપમાં તેમનું સાહિત્ય પ્રદાન કર્યું છે. દર્શકની શ્રેષ્ઠ સર્જકપ્રતિભા ખાસ કરીને નવલકથામાં જોઈ શકાય છે. ઈ. સ. ૧૯૩૫માં તેમની પ્રથમ નવલકથા ‘બંદીઘર’ પ્રગટ થઈ અને એ પછી દર્શક પાસેથી ઘણી પ્રખ્યાત નવલકથા મળી. જેમાંથી દર્શકને ઘણા પુરસ્કારો મળેલા છે તેમાંથી રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૬૪), ભારતીય સાહિત્ય અકાદમી પારિતોષિક (૧૯૭૫) તથા મૂર્તિદેવી સાહિત્ય પુરસ્કાર (૧૯૮૫) મુખ્ય છે. તો પુરસ્કાર સાથે જ ઈ. સ. ૧૯૮૨માં તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકેની જવાબદારી પણ સંભાળી હતી. અધિકરણ માટે પસંદ કરેલ નવલકથા : દર્શક કૃત ‘સૉક્રેટિસ’ (પ્રથમ આવૃત્તિ : ૧૯૭૪) ગુજરાતી નવલકથાની શરૂઆતથી જ સર્જકને ઐતિહાસિક નવલમાં વધારે રસ રહ્યો હોય તેવું જોઈ શકાય છે. સમયાંતરે ગુજરાતી ભાષામાં ગુજરાત કે ભારતીય ઐતિહાસિક પાત્રો-ઘટના આધારિત નવલકથા આવતી રહે છે. તો એવી જ એક ઐતિહાસિક પાત્રના જીવન આધારિત નવલકથા ‘સૉક્રેટિસ’ વિશે આપણે અહિયાં થોડી વાત કરીએ. પ્રકાશિત થયાના વર્ષમાં જ ‘ભારતીય સાહિત્ય અકાદમી’ પુરસ્કાર મેળવનાર ‘સૉક્રેટિસ’ નવલકથા દર્શકને રાષ્ટ્રીય કક્ષાના સર્જકોની હરોળમાં સ્થાન અપાવે છે. ‘સૉક્રેટિસ’ નવલકથા કૂલ ૪૧ પ્રકરણ અને ઉપસંહારમાં પ્રસ્તુત થઈ છે. તો અમુક જગ્યાએથી એવી પણ માહિતી મળે છે કે આ નવલકથા ‘જન્મભૂમિ’માં ધારાવાહિક રૂપે પણ પ્રગટ થયેલી. આ નવલકથામાં દર્શક વિશ્વપ્રખ્યાત માનવજાતના કલ્યાણાર્થે ઝેર પીનાર એક મહાન વિચારક ‘સૉક્રેટિસ’ના જીવનના દર્શન કરાવે છે. છતાં પણ આ કથા ઐતિહાસિક ગ્રંથ કે જીવનચરિત્ર બની રહેતી નથી પરંતુ ઇતિહાસ આધારે રચાયેલી કલાત્મક નવલકથા તરીકે પોતાનું સ્થાન પામે છે. આ નવલકથા વિશે બીજી એક વિશિષ્ટ બાબત એ છે કે ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ વખત દર્શક પોતાની ‘સૉક્રેટિસ’ નવલકથા તેમની પૂર્વે રચાયેલી દર્શકની નવલકથા ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ની નાયિકા ‘રોહિણી’ને અર્પણ કરે છે. આટલી પ્રારંભિક વાત કર્યા બાદ હવે નવલકથાની કથાવસ્તુ વિશે થોડી વાત કરીએ. કોઈપણ કૃતિની શરૂઆત ઘણી કાળજીપૂર્વક કરવાની હોય છે કારણ કે જો વાચકને શરૂઆત પસંદ આવે તો તે આખી કૃતિ વાંચશે. તો આ વાતને બરાબર ધ્યાનમાં રાખીને ‘દર્શક’ ‘સૉક્રેટિસ’ની શરૂઆત – વર્ષનું ગોરંભાતું આકાશ, ગાજવીજ અને વાદળોના નાટારંભ જેવા નાટ્યાત્મક વાતાવરણથી કરે છે. કથાની શરૂઆત એટિકાની સરહદે મોટો પ્રદેશ ધરાવનાર દાયોમીદ પોતાના નોકર મેનોને સ્પાર્ટાના નાયક ગીલીપ્પસને પત્ર આપવા મોકલે છે પરંતુ મેનો એ પત્ર એથેન્સની લોકશાહીના ભાગ્યવિધાતા પેરીક્લીસને આપી દે છે. આ ઘટનાથી ભવિષ્યના પ્રચંડ વાવાઝોડાના સંઘર્ષનું બીજ રોપાય છે. એથેન્સનો મહાન નિર્માતા પેરીક્લીસ અને તેની પ્રેરણામૂર્તિ સમાન પ્રેયસી ‘એસ્પેશિયા’ જેવાં મહત્ત્વનાં પાત્રોનો પરિચય કરાવી, મેનોએ આપેલા પત્રની અસર સ્વરૂપે કેટલીક ઘટનાઓનું નિરૂપણ કરીને લેખક નવલકથાની ભૂમિકા દર્શાવે છે. રાજ્યદ્રોહી દયોમીદને મૃત્યુની સજા મળવાના પ્રસંગે કથાનાયક મહાન સૉક્રેટિસનું દયોમીદના બારેક વર્ષની ઉંમર ધરાવતા પુત્ર ક્રિશ્યસ સાથેનું મિલન દર્શાવી લેખક કથામાં સંઘર્ષ-તત્ત્વનું બીજારોપણ કરે છે. અત્યારે પિતાના અપમૃત્યુથી જાગેલો ક્રિશ્યસનો વેરભાવ આગળની કથામાં મોટો વળાંક લાવનાર સાબિત થવાનો છે. હવે લેખક સૉક્રેટિસ સાથે સંકળાયેલાં વિવિધ પાત્રોનો તેમનાં સંવાદ-કાર્યો વડે તેમની પ્રકૃતિનો ખ્યાલ આપી લેખક કથા મુજબ પીઠિકા તૈયાર કરે છે. હવે દેવદર્શિની થવા નિર્માયેલી મીડિયા સૉક્રેટિસને મળવા પોતાના કાકા અને સૉક્રેટિસના પડોશી-મિત્ર ક્રીટોને ત્યાં આવે છે. જ્યાં મીડિયાને એપોલોડોરસ સાથે સાંકળીને લેખક નવલકથામાં પ્રણય તત્ત્વ લઈ આવે છે. સાથે જ એસ્પેશિયા-પેરીક્લીસના પ્રણય તથા એથેન્સમાં પેરીક્લીસના વિરોધીઓના રાજકીય કાવાદાવા કથામાં મનોહર રીતે ગૂંથાયા છે. પેરીક્લીસના વિરોધી ક્રિશ્યસ દ્વારા થતાં વિવિધ કાવતરાંઓ ધીમે ધીમે એથેન્સના રાજકીય વાતાવરણમાં અસ્થિરતા જન્માવે છે. નવલકથાના પંદરમા પ્રકરણ સુધી આવી ઘટનાઓ આલેખી, હવે પછીના પ્રકરણમાં લેખક કથાતંતુને મીડિયા સાથે એથેન્સની ભૂમિ પરથી ઊંચકીને ક્રીટોની વાડી ‘ગરુડનીડ’ પર લાવે છે. અત્યાર સુધીના પ્રકરણમાં ઘટતી ઘટના વચ્ચે લેખકે કથાનાયક સૉક્રેટિસને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સાંકળ્યો છે. તો હવે સોળમા પ્રકરણથી એથેન્સથી દૂરની ભૂમિ પરની કથામાં સૉક્રેટિસ સીધી રીતે સંકળાતો નથી તેથી વાચક આ કથાભાગને થોડો નબળો પડતો અનુભવી શકે છે. હવેના પ્રકરણમાં મીડિયા ગરુડનીડમાં પ્રકૃતિ સાથે તાદામ્ય સાધે છે અને સ્પાર્ટાના રાજવી તથા સૈનિકો સામે બહાદુરીથી ઝઝૂમે છે. આ તમામ પ્રસંગોમાં તે સૉક્રેટિસનો વિચારવારસો અને સંસ્કાર સતત ઝીલતી રહે છે. આ પ્રકારની પ્રયુક્તિના ઉપયોગ દ્વારા લેખક નાયકની ગેરહાજરીમાં પણ તેની અદૃશ્ય અસર ઉપજાવે છે. મીડિયા અને સૉક્રેટિસ અલગ સ્થળે હોવા છતાં પણ બંને પાત્રના પત્રવ્યવહારથી તેમની વચ્ચે અનુસંધાન જળવાયેલ રહે છે. તો સાથે આ પત્રો દ્વારા એથેન્સની પરિસ્થિતિનો પણ ચિતાર વાચકોને મળતો રહે છે. ત્યારબાદ એપોલોડોરસના પિતા એનેટ્્સને સાચી સલાહ આપતા સૉક્રેટિસને તેના ક્રોધનો શિકાર બનતો બતાવી લેખક નવલકથાના અંતની ઘટનાની શરૂઆતનું સૂચન કરે છે. વીસમા પ્રકરણથી નવલપ્રવાહ ફરી એથેન્સમાં પહોંચે છે. ક્રિશ્યસ-ક્લીયોનની મંડળી સિસિલી પરના આક્રમણમાં સહકાર આપે છે. માટે એપોલોડોરસ તેની વિરુદ્ધમાં છે. અહિયાં રાજકીય વાટાઘાટના આલેખન સાથે મીડિયા-એપોલોડોરસના પ્રણય ઋજુ નિરૂપણ થયેલું જોઈ શકાય છે. હવે પછીના પ્રકરણમાં એથેન્સ બહાર નૌકાકાફલો સ્પાર્ટા સાથે યુદ્ધ કરી પરાજય પામે છે. તેથી ક્રિશ્યસના નાનપણના વેરના અગ્નિમાં ઘી હોમાય છે અને નવલકથાને એક નવો વળાંક મળે છે. આ વચ્ચે એપોલોડોરસ પત્ર દ્વારા એથેન્સના પરાજયના કારણભૂત વ્યક્તિ ક્રિશ્યસ-ક્લીયોનના કાવતરાની જાણ થાય છે. પ્રકરણ ૩૦થી કથાનું કેન્દ્ર ફરીથી પરિવર્તિત થાય છે. પરાજિત એથેન્સની સેનાની કૂચ, નદીકાંઠા પર સ્પાર્ટા – એથેન્સના સૈન્ય વચ્ચેનું યુદ્ધ, એ દરમિયાન એપોલોડોરસની શરણાગતિના આલેખન બાદ પ્રકરણ ૩૫થી ક્થાકેન્દ્ર પુનઃ એથેન્સમાં પ્રવેશે છે. એથેન્સનું રાજકીય વાતાવરણ હવે ઊકળી રહ્યું છે અને તેની પડતીનાં મંડાણનાં ચિહ્નો પણ દેખાઈ રહ્યાં છે. કેટલાક સત્તાલોભી આગેવાનોના રોષનો ભોગ નાયક સૉક્રેટિસને બનતો બતાવીને લેખક કથાને ફરી પોતાની મૂળ ગતિમાં લઈ આવે છે. સિસિલીની ખાણોમાં છુપાઈને જીવન સંઘર્ષ કરતાં એથેન્સના સૈનિકો મૃત્યુની છાયા હેઠળ એપોલોડોરસના નેતૃત્વ તળે વિવિધ નાટકો ભજવે છે, તે પ્રસંગ કથાની ગતિને અવરોધે છે તેવું લાગી શકે છે. ખાણોમાં ઘૂમતું આ કથાનક એપોલોડોરસ સાથે પુનઃ એથેન્સ પહોંચે છે. જ્યાં પ્રમાણમાં ઝડપથી બનતી ઘટનાઓ દ્વારા લેખક કથાની મહત્ત્વની બાબતો કાળજીપૂર્વક પ્રસ્તુત કરી આપે છે. ત્યારબાદ કથાનો મહત્ત્વનો ‘સૉક્રેટિસને મૃત્યુદંડની સજા ફરમાવતી ન્યાયસભા’નો પ્રસંગ આવે છે. એ દરમિયાન ક્રિશ્યસ છૂપી રીતે સૉક્રેટિસને મળવા આવે છે અને પકડાઈ જાય છે જેથી સજા મળતાં તે સૉક્રેટિસ સમક્ષ જ વિષપાન કરી મૃત્યુને ભેટે છે. કથાનો ખરો અંત (સૉક્રેટિસનું વિષપાન અને મૃત્યુ) લેખક ઉપસંહારમાં પ્લેટોના જ શબ્દમાં દર્શાવી એક વિશિષ્ટ પ્રયુક્તિ દર્શાવે છે. આમ તો સૉક્રેટિસના મૃત્યુથી કથાનો અંત થાય છે. પરંતુ લેખક છૂટા મૂકેલા કથાનકના ટુકડાને ત્રણ-ચાર પૃષ્ઠમાં ફરી એકત્રિત કરીને વ્યવસ્થિત ઢબે આ નવલકથા પૂર્ણ કરે છે. વસ્તુસંકલના સંદર્ભે આટલી વાત કર્યા બાદ નવલકથાની પાત્રસૃષ્ટિનો પરિચય મેળવીએ. ‘સૉક્રેટિસ’ નવલકથાનાં પાત્રો સૉક્રેટિસના જીવનમાં તેની આસપાસ રહેનારી વાસ્તવિક વ્યક્તિઓ છે. છતાં પણ દર્શક જાણે આ બધાં પાત્રો વચ્ચે જ રહ્યાં હોય અને બધાંને જાણતા હોય એમ જીવંત રીતે આ પાત્રોનું આલેખન નવલકથામાં કર્યું છે. કથામાં દરેક પાત્રના વિચાર સ્પષ્ટ રીતે દર્શાવી શકાય આ બાબતનું પણ દર્શક ધ્યાન રાખે છે. હવે આપણે નવલકથાના મુખ્ય પાત્રનો પરિચય મેળવીએ. નાયક સૉક્રેટિસ – આ નવલકથા વાંચીને કહી શકાય કે ‘દર્શક’ ઝેન્થિપી કરતાં પણ વધારે સૉક્રેટિસને જાણે છે. લેખક સૉક્રેટિસનું વર્ણન કરતા કહે છે કે “જાડા હોઠ, આગળ ધસી આવતી મોટી આંખો, પહોળા નાકવાળો ચહેરો, સપ્રમાણતાના બધા નિયમોનો જાણે ભંગ કર્યો હતો, છતાં ચહેરા પર પથરાયેલું હાસ્ય, તેમાંથી પ્રસ્ફુટિત થતી આત્મીયતા, મૃદુતા વિના કંઠમાંથી ટપકતી સાર્વજનીન સહાનુભુતિ.” સૉક્રેટિસનું વ્યક્તિત્વ બહારથી બરછટ અને ભીતરથી ભીનાશભરી ઋજુતાનાં દર્શન થાય એવું છે. મહાત્મા સૉક્રેટિસ પોતાને પ્યારા એથેન્સ અંગે સતત ચિંતન કરતા રહે છે. જ્યારે તે ધ્યાનસ્થ થઈ જાય, ત્યારે તેમના મુખ પરની રેખાઓ ઓગળી જાય છે. રોગીની સેવા કરનાર, રખડતા શબોના અંતિમસંસ્કાર કરનાર આ કર્મયોગી ઘણો શક્તિશાળી છે, તો પત્નીની દૃષ્ટિએ ઘર માટે તે સાવ નકામો માણસ છે. દર્શક સૉક્રેટિસના ચિંતનને સરળતાથી સમજાવવા એક ઉક્તિ પ્રયોજે છે, “જાડાં લૂગડાં, પૌષ્ટિક ખોરાક, સાદો આવાસ અને સહેજે મળતો આનંદ – આટલું મળવાથી આગળ જવું એટલે યુદ્ધ સિવાય કશુંય હાથમાં ન આવે.” સૉક્રેટિસ ગરીબીને તેનું ગૌરવ ગણે છે અને ધનનો અભાવ હોવાથી તે આકાશમાં ઊડતા પંખી જેમ હળવો રહી શકે છે. ઝેન્થિપી – સૉક્રેટિસની પત્ની ઝેન્થિપી કથાનાં નારીપાત્રોમાં સૈથી વધારે જીવંત લાગતું નારીપાત્ર છે. ઇતિહાસમાં જે રીતે આ નારીપાત્રનું ઝઘડાખોર નારી તરીકે ખોટું આલેખન થયેલું છે, તે દર્શક આ નવલકથામાં સૉક્રેટિસની ચિંતા સાથે યથાપ્રસંગ ટીકા કરતી, લાગણીભીની આ નારીને દર્શાવીને સાબિત કરી આપે છે. ઝેન્થિપીના વ્યક્તિત્વનો ચિતાર લેખક ઘણી કાળજીપૂર્વક પ્રસ્તુત કરે છે. જેથી વાચક તેના ટીકા કરતા સ્વભાવની પાછળ રહેલ ઘરરખ્ખુ અને લાગણીભીના સ્વભાવને પણ જાણી શકે. સૉક્રેટિસના જ્ઞાનમહાલયના પાયામાં ઊંડે ધરબાયેલા પથ્થર સમી નારી એટલે ઝેન્થિપી! ‘દર્શક’ ઝેન્થિપીનું બાહ્ય વર્ણન કરવાને બદલે તેના વ્યક્તિત્વની સમજ આપવા તેને ઓકના ઝાડ જેવી કહે છે કે જેને વાવાઝોડાની પણ અસર ના થાય એટલી મજબૂત. નવલકથામાં ઝેન્થિપીના સંવાદો પણ સ્ત્રીસહજ મિજાજ ધરાવતા અને વિશિષ્ટ લહેકાવાળા છે જેથી સમગ્ર નવલમાં ઝેન્થિપીનું એક જીવંત ચિત્ર આપણી સામે ખડું થઈ જાય છે. ક્રિશ્યસ - નવલકથાના આરંભે બાર વર્ષનો દેખાતો ક્રિશ્યસ, વેરલાલસાની અગ્નિમાં ભભૂકતો યુવાન બનીને એથેન્સના પરાજયનું કારણ બને છે. સમગ્ર નવલકથામાં સર્જક આ પાત્રની વેરવૃત્તિને સંપૂર્ણપણે ઉપસાવીને અંતે તેનું હૃદય પરિવર્તન દર્શાવી, મૃત્યુદંડની સજા પામતા ક્રિશ્યસને લેખક મૃત્યુયાત્રામાં સૉક્રેટિસનો સાચો સાથી દર્શાવે છે. વાચક નવલકથા વાંચતી વખતે આ પાત્રની મનોદશા જાણે છે ત્યારે તરત ‘દીપ નિર્વાણ’ના સુદત્તની યાદ આવે એવું ક્રિશ્યસનું પાત્ર છે. આ એક પાત્રને કથામાંથી ખસેડી લેતાં કથાની ગતિ થંભી જાય એવી રીતે આ પાત્રનો ઘાટ સર્જાયો છે. મીડિયા - દર્શકની ‘સૉક્રેટિસ’ પૂર્વે આવેલી નવલકથાની નાયિકાના સંસ્કારનું પ્રતિબિંબ આ એક પાત્રમાં દેખાઈ આવે છે. નાયક સૉક્રેટિસના કહ્યા મુજબ દેવદર્શિની થવા આવેલી મીડિયા સફેદ રેશમનાં વસ્ત્રોમાં સજ્જ, પાર્થેનોનની આરસ પૂતળી, આંખોમાં સરળતા અને કુતૂહલ, સર્વ અંગોમાંથી નીતરતાં પાવિત્ર્ય અને લાવણ્ય ધરાવતી મીડિયા ક્રિટોના સંસર્ગથી થયેલી એસ્પેશિયાની પુત્રી છે. એપોલોપોરસ તરફ આકર્ષાયેલી આ યુવતી માતા એસ્પેશિયાનો તમામ વારસો જાળવી રાખે છે. મીડિયા ગરુડનીડમાં સૌ લોકો સાથે કાર્યરત બનીને સાદું જીવન જીવે છે. દર્શક આ પાત્રના દરેક ભાવનો કથામાં આપણને પરિચય કરાવે છે. આ મુખ્ય પાત્રો ઉપરાંત સૉક્રેટિસનો બાળપણનો મિત્ર ગર્ભશ્રીમંત ક્રિટો એક મહત્ત્વનું પાત્ર છે. આ સિવાય મીડિયા સાથે મૈત્રીથી જોડાયેલ યુવા પાત્ર એપોલોડોરસ દૃઢ-મનોબળ ધરાવતો, સ્પષ્ટ વક્તા સૉક્રેટિસનો ખરો વારસદાર અને એનેટ્સનો પુત્ર છે. એપોલોડોરસ ભાવકના હૃદયમાં સ્થાન પામી જાય એવું પાત્ર છે. એથેન્સના ભાગ્યવિધાતા અને ત્યાંની લોકશાહીનો જનક, આકાશગામી વ્યક્તિત્વનો સ્વામી વિચારશીલ પેરીક્લિસ તથા અલૌકિક મેધા ઋજુ હૈયે સંવાદો પ્રસ્તુત કરતી માનવદેહે જન્મેલી અપ્સરા સમાન એસ્પેશિયાના પાત્રાલેખનમાં લેખકની સર્જનશક્તિ પૂર્ણ રંગમાં પ્રસ્તુત થયેલી જોઈ શકાય છે. દર્શકે પોતાના સંવાદથી આ નવલકથાને એક અલગ આકાર આપ્યો છે. કથાનાયક સૉક્રેટિસના દરેક સંવાદ માર્મિક, ચિંતનસભર, ટૂંકા અને સુદીર્ઘ છે. દરેક પાત્રમાં વાણી અને વર્તન સમરસ થઈ જાય છે. જેથી ટીઆર દરેક પાત્ર પોતાની આગવી ભાષા વડે વાચકના હૃદયને સ્પર્શી જાય છે. નવલકથામાં લેખક જ્ઞાનગુરુ સૉક્રેટિસના ચિંતનનો પરિચય આપવા ટૂંકી પ્રશ્નોત્તરી પ્રકારે સંવાદોનું આલેખન કરે છે. જેથી વાચક આ ચિંતનને કંટાળાનો અનુભવ કર્યા વિના સમજી શકે છે. સૉક્રેટિસના એક પણ સંવાદમાં ચિંતનનો ભાર વર્તાતો નથી અને છતાં સૉક્રેટિસનું ચિંતન ભાવક સુધી પહોંચે છે તે લેખકની શ્રેષ્ઠ સંવાદકળાનો પરિચય આપે છે. કથામાં જ્યારે પણ વાતાવરણ ગંભીર બનતું જણાય છે ત્યારે લેખકે ટીખળ, મશ્કરી કે કટાક્ષના હળવા સંવાદો દર્શાવ્યા છે. તો ક્યારેક ગ્રીકનાં પાત્રોના મુખે દેશી સૌરાષ્ટ્રના શબ્દો આવે તે સંવાદકલાની મર્યાદા પણ છે. છતાં દર્શક આ નવલમાં શ્રેષ્ઠ સંવાદ દ્વારા ભાવકને જકડી રાખે છે. નવલકથાના વર્ણન-વાતાવરણની વાત કરીએ તો ગુજરાતી ભાષામાં સૌપ્રથમ વખત દેશ-કાળ વિદેશી હોય તેવી ઐતિહાસિક નવલ ‘સૉક્રેટિસ’ છે. દર્શકના ગ્રીસ અંગેના ઊંડા અભ્યાસનો લાભ આ નવલકથાને પૂરો મળ્યો છે. આ નવલમાં ગ્રીસની તત્કાલીન આબોહવા, સમાજ, રીતરિવાજો, જીવનપ્રણાલી દરેક પ્રસંગમાં સચોટ રીતે આલેખાયા છે. દૂરના પ્રદેશની આ કથા વાંચતી વખતે ભાવક પોતે સૉક્રેટિસના સમયમાં ગ્રીસ પહોંચી જાય છે. લેખક અહીંયાં કથા સાથે તત્કાલીન ગ્રીસની એક છબી વ્યવસ્થિત રીતે પ્રસ્તુત કરે છે. ગ્રીકજગતનાં વિવિધ રાજ્યો, તેની ભૂગોળ, બળવાઓ, ચડાઈઓ, વિજયયાત્રાઓ, આંતરવિગ્રહ વગેરે રાજકારણ અત્યંત જીવંત રીતે રજૂ થયા છે. નવલકથાનાં વર્ણનો યથાપ્રસંગ સાદગીભર્યાં અને યોગ્ય પ્રમાણમાં મિતાક્ષરી છે. દરેક પાત્ર પોતે એનું આગવું વાતાવરણ લઈને નવલકથામાં પોતાનું વિશિષ્ટ સ્થાન ધરાવે છે. એક મહાન ગ્રીક ચિંતક અને મહાત્મા ‘સૉક્રેટિસ’ના જીવનઆધારિત આ નવલકથા ગુજરાતી ઐતિહાસિક નવલકથામાં એક કીર્તિમાન સ્થાપિત કરે છે. દર્શક પોતાની આગવી સરળ શૈલીમાં આ મહાન વ્યક્તિનું જીવન આપણી સમક્ષ સાહજિક રીતે રજૂ કરે છે. આ નવલકથા દ્વારા દરેક ગુજરાતી વાચક સૉક્રેટિસ જેવા મહાન ચિંતકનો પરિચય એક ક્લાત્મક રીતે મેળવી શકે છે. સૉક્રેટિસ નવલકથા વિશે ડૉ. સરૂપ ધ્રુવનું કથન : “તત્કાલીન જનજીવનનું ચિત્રાત્મક નિરૂપણ આજે અઢી હજાર વર્ષેય આસ્વાદ્ય બને છે. કશું અપરિચિત લાગતું નથી, કશું ભારેખમ લાગતું નથી અને અહીં જ ‘દર્શક’ ટાગોરે કહેલો પેલો ‘ઐતિહસિક રસ’ જમાવી શક્યાં છે. મૂલ્યપરાયણતા, આદર્શ ઘેલછા, નૈતિકતા કે ઇતિહાસનું વળગણ ‘સૉક્રેટિસ’માં ‘દર્શક’ને આમાંનું કશું જ નડ્યું નથી.” સૉક્રેટિસ નવલકથા વિશે ડૉ. દલપત પઢિયાર : “પાત્ર નામનો વ્યાપારો અને ભાવ પરિસ્થિતિઓના આલેખન વિશે ‘દર્શક’ની કલમ તત્પર અને તોળાયેલી રહે છે.”

વેદાંત પુરોહિત
એમ.એ. (અનુસ્નાતક), ગુજરાતી,
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડા
મો. ૭૯૯૯૫૪૬૩૦૨
Email: vedantpurohit૨૧૧૨@gmail.com